Spektno khajano 13 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | સ્પેક્ટર્નનો ખજાનો - ૧૩

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૩

 સાથીદારનો મેળાપ...

એડગર અને એના બાકીના સાથીઓ એક પછી એક ધડાકાઓ કરતા દુશ્મનો સામે લડત આપી રહ્યા હતા. સામ સામે યુદ્ધ જેવી સ્થિતિ જામી હતી.

આ દરમિયાન હું સરકીને પાછળના મોટા ખડક જેવા પથ્થરની ઓથ પાસે પહોંચી ગયો. મારી રિવોલ્વરમાંથી હજુ એક જ ગોળી મેં છોડી હતી.

હું પથ્થરની ઓથે છુપાયો એટલે પ્રોફેસર બેન એની રાયફલ તાકતા સહેજ બહાર આવ્યા અને ટ્રિગર દબાવ્યું. મારા કાનની એકદમ બાજુમાંથી મોટા અવાજ સાથે ગોળી પસાર થતી દૂર એક બદમાશની છાતીમાં પેસી ગઈ. એની ચીસ ગુંજી.

થોમસ અને વોટ્સન પણ કોઈક કોઈક વાર ગોળી છોડી દેતા હતા. બાકી બધા શાંત થઈને પથ્થર પાછળ છુપાયા હતા. મેં જોયું તો લારા પાસેની એક ઝાડીમાંથી ગોળીઓ છોડતી હતી. એક રીતે એ એનાં પિતાને મદદ જ કરી રહી હતી ને ! મને એ જોઈને એના પ્રત્યે માન ઉપજ્યું.

ગોળીઓ છોડતા સાથીદારોને સૂચના આપીને એડગર હાથમાં બંદૂક સાથે અમારી તરફ દોડી આવ્યો અને ગોળીબારના દેકારામાં મોટા અવાજે કહ્યું, ‘તમે લોકો જલ્દી ભાગો... આ તરફ પશ્ચિમ દિશામાં સહેજ ત્રાંસમાં સીધેસીધા...’ એ વાક્ય પૂરું કરે એ પહેલાં એક ગોળી એની બાજુમાંથી પસાર થઈ ગઈ. એણે એકદમ મોં મચકોડ્યું અને પાછળ ફરીને ઉપરાઉપરી બે ગોળીઓ છોડી. બે ચીસો સાથે બે બદમાશો ઢળી પડ્યા.

‘...જાઓ, જલદી...અને ખાસ ચેતજો કે એ ખજાનાવાળી જગ્યા તરફના વિસ્તારમાં પણ દુશ્મનોની હાજરી હોઈ શકે છે... સંભાળજો... જાઓ...’ કહીને એ ફરી પાછો એના સાથીઓ જોડે ગોળીબારમાં વ્યસ્ત થઈ ગયો. એની હાકલ એવી જોરદાર હતી કે અમારે ન છૂટકે ભાગવું જ પડ્યું. જે હાથમાં આવ્યું એ લઈને અમે ભાગ્યા. ખાસ કરીને સૌએ પોતપોતાના થેલાઓ તો લઈ જ લીધા.

દોડતાં દોડતાં જ અમે એ રણવિસ્તાર છોડ્યો અને ફરી અહીંથી જમણી તરફના જંગલ વિસ્તારમાં એકી શ્વાસે દોટ મૂકી. થોડે દૂર ટાપુની ઓળખ સમા પર્વતની ટોચ વાદળોમાં ઢંકાયેલી દેખાતી હતી. બસ, એ પર્વતની તળેટીના વિસ્તારમાં જ ‘ક્રોસ’વાળી ખજાનાની જગ્યા હતી. (જુઓ નક્શો) પણ એ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલથી આચ્છાદિત હતો.

મને લારાની ચિંતા થઈ. પણ એ તરફ નજર ઘુમાવ્યા વગર મારે મિત્રો સાથે ભાગવું પડ્યું. હજુ પણ ગોળીબારના અવાજો વાતાવરણમાં ગુંજતા હતા. આ તરફનું જંગલ તો વધુ ખતરનાક હતું. નાના ઝાડી-ઝાંખરાનું સ્થાન હવે મસમોટા વૃક્ષોએ લઈ લીધું હતું. જમીન પણ ઊંચી-નીચી થઈ ગઈ હતી જેને કારણે દોડવાનું મુશ્કેલ પડતું હતું. જંગલી વનસ્પતિઓ એટલી બધી વધી ગઈ હતી કે એમાં પગ ફસાતાં જ પડી જવાય, એટલે અમે કાળજી રાખતાં ચાલતાં હતાં. આ તરફની જમીનમાં ક્યાંક છીછરા ખાડા થઈ પડ્યા હતા તો ક્યાંક વૃક્ષોની ડાળીઓ થડના નીચેના ભાગમાંથી નીકળીને સામેના વૃક્ષોના થડ સાથે ગૂંચવાયેલી હતી જેને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી.

‘એલેક્સ ! જરા હોકાયંત્ર આપ.’ પક્ષીઓનાં કલરવ વચ્ચે પ્રોફેસર બેને કહ્યું. મેં થેલામાંથી હોકાયંત્ર કાઢીને એમને આપ્યું.

‘બસ, આપણે સીધા એટલે કે ઉત્તર તરફ સહેજ ત્રાંસમાં આગળ વધવાનું છે. આ પહાડની તળેટીએ પહોંચીએ એટલે ત્યાંથી તળેટીને સમાંતર ચાલવાનું છે.’ પ્રોફેસરે વાક્ય પૂરું કર્યું એ વખતે પણ દૂર-દૂરથી ગોળીઓના ધમાકાઓ સંભળાતા હતા. સ્થિતિ બહુ નાજુક હતી. એ તરફ એડગર અને એના સાથીઓ માત્ર અમારા માટે જાનના જોખમે દુશ્મનો સામે લડત આપી રહ્યા હતા. એ લોકોનું શું થશે એ કોઈ જ જાણતું નહોતું.

***

હજુ તો માંડ થોડું જંગલ કાપ્યું હતું ત્યાં જ અમારી પાછળ કેટલાંક પગલાંના અવાજો આવવા લાગ્યા. મેં ભડકીને પાછળ ગાઢ જંગલમાં જોયું, પરંતુ કોઈ જ દેખાયું નહીં.

વળી આગળ જતાં એનો એ પગલાંનો અવાજ સંભળાયો. હવે અમને ખાતરી થઈ ગઈ હતી કે જરૂર એ તરફ કોઈક છે.

‘હથિયાર હાથમાં રાખજો છોકરાઓ, કંઈક ગરબડ હોય એવું લાગે છે.’ પ્રોફેસર બેને સૂચના આપી દીધી. અમે સૂચના પ્રમાણે રિવોલ્વર પકડીને તૈયાર થઈ ગયા. ‘ચાલો છોકરાઓ, આપણે આગળ તો વધતા જ રહેવું પડશે. જલદી કરો.’ અમને ઊભા રહી ગયેલા જોઈને પ્રોફેસર બેને ટકોર કરી. અમે ફરી એમની સાથે ઝડપથી આગળ વધવા લાગ્યા. અત્યારે દરેકના હ્યદયના ધબકારા જોરશોરથી ધબકતા હતા. આ દરમિયાન હું વચ્ચે ચાલતો હતો. મારી પાછળ ક્રિક અને વિલિયમ્સ ચાલતા હતા.

‘ધડામ્મ્મ...’ અચાનક જ એક ભીષણ અવાજ સાથે ગોળી છૂટી અને એક ચીસ ગુંજી. ગભરાઈને અમે પાછળ જોયું તો વિલિયમ્સ ભીની માટીમાં ઢળી પડ્યો હતો. એ એનો ડાબો પગ પકડીને ચિત્કાર કરી રહ્યો હતો. એને ગોળી વાગી હતી. અમે એનાથી સહેજ આગળ નીકળી ગયા હતા. મેં પાછળ ફરીને એ તરફ જવાની કોશિશ કરી.

‘એય છોકરા, જ્યાં છે ત્યાં જ ઊભો રહે, નહીં તો ભુંજાઈ જઈશ.’ થોડે જ દૂર લગભગ છએક માણસો ઊભા હતા. એમાંથી એક જણે મારી સામે ધમકી ઉચ્ચારી. હું જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો. એડગરની વાત સાચી હતી. ટાપુ પર દુશ્મનના ઘણા માણસો છૂટાછવાયા ફરતા હતા. મને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે સામે ઉભેલા માણસો દુશ્મનો જ છે.

એ છએ જણાએ રિવોલ્વરો પકડી રાખી હતી. હજુ તો અમે કંઈ કરી શકીએ એ પહેલાં તો તેઓ વિલિયમ્સ નજીક ધસી આવ્યા. એક જણે વિલિયમ્સને કોલરેથી પકડીને બેઠો કર્યો ને એનાં માથે ગન ગોઠવી દીધી, ‘નક્શો અને ડાયરી ચૂપચાપ સોંપી દો અને ચાલતા બનો અહીંથી... નહીં તો આને ખોઈ બેસશો.’

અમે બઘવાઈ ગયા. હાથમાં હથિયાર હોવા છતાં અમે કંઈ જ નહોતા કરી શકતા. ચિત્કાર કરતો વિલિયમ્સ અર્ધબેહોશ હતો.

‘ચલો જલ્દી...!’ પેલાએ રીતસરની બૂમ પાડી, ‘નહીં તો આ રિવોલ્વર આગ ઓકવા માંડશે...’

હવે અમે ખરેખરના મૂંઝાયા હતા. ઘણી મુશ્કેલીઓ વેઠીને અમે અહીં સુધી પહોંચ્યા હતા ને હવે ખજાનો આમ હાથમાંથી સરકી જાય એ પોષાય એમ નહોતું.

એ જ વખતે પ્રોફેસર બેને થેલામાંથી નક્શો અને ડાયરીના પાનાં કાઢ્યાં અને પેલાને સોંપવા માટે પગ ઉપાડ્યા. અમારી અને દુશ્મનોની વચ્ચે લગભગ દસેક ડગલાં જેટલું અંતર હતું. આ ક્ષણો ખૂબ જ ખરાબ હતી. પ્રોફેસર ધીમા પગલે આગળ વધતા હતા. રેતઘડીમાંથી સરકતી રેતીની જેમ ખજાનો હાથમાંથી જતો લાગતો હતો. હવે શું કરવું એની મૂંઝવણમાં અમે મુકાયા હતા. પ્રોફેસર બેન અડધું અંતર કાપી ચૂક્યા હતા.

હજુ તો કોઈ કંઈ વિચારે એ પહેલાં અચાનક જ દુશ્મનો ઊભા હતા એ તરફ પાછળની બાજુથી વૃક્ષનું વજનદાર લાકડું હવામાં ફંગોળાતું આવ્યું અને બે માણસોની પીઠ પર ઠોકાયું. બંને જણા ચીસ પાડતા જમીન પર ફેંકાયા. રઘવાયા થયેલા બાકીના બદમાશોનું ધ્યાન એ તરફ ખેંચાયું. અમારા માટે એ તક સોનાની હતી.

‘ગોળી છોડો છોકરાઓ !’ પ્રોફેસર બેને હુકમ કર્યો. તરત જ મારી, વોટ્સનની અને થોમસની રિવોલ્વરો ગર્જી ઊઠી. એક સાથે ત્રણ ધડાકા થયા અને ત્રણેય બદમાશો ધરાશાયી થઈ ગયા. બાકીના ત્રણમાંથી બે જણ તો જમીન પર પડ્યા હતા ને ત્રીજો બચવાની કોશિશ કરતો પાછળની તરફ ભાગ્યો. એ આડેધડ ભાગ્યો ખરો પણ સામે જ એકદમ ચુસ્ત બાંધાના શરીર સાથે અથડાઈને પટકાયો. એ શરીરને જોતાં જ મને ઝણઝણાટી ઉપડી. આશ્ચર્ય અને આનંદથી હ્યદય વધુ હબકવા લાગ્યું. આંખો ફાટી પડી. એ માણસ બીજું કોઈ નહીં, પણ મેક્સ હતો ! કપડાં ઠેકઠેકાણેથી ફાટી ગયાં હતા. મેલાં થઈ ગયા હતા. એનાં પર અમુક જગ્યાએ લોહીના ડાઘ નજરે પડતાં હતાં.

‘ઓહ માય ગોડ ! મ... મ... મેક્સ...!’ પ્રોફેસર બેન એ તરફ દોડી ગયા. આ તરફ જેમ્સ અને ક્રિક વિલિયમ્સને ટેકો આપવા લાગ્યા. વોટ્સન-થોમસ જમીન પર પડેલા બંને બદમાશોની દેખરેખ રાખવા લાગ્યા. હું પ્રોફેસર બેન સાથે હતો.

‘ઓહ્હ મેક્સ...! તું... તું આવી પહોંચ્યો...’ પ્રોફેસર માત્ર આટલું જ બોલી શક્યા. એમની આંખમાં હર્ષનાં આંસુ ઉમટી આવ્યા ને એ તરત જ મેક્સને વળગી પડ્યા. પછી છૂટા પડતાં બોલ્યા, ‘પણ...પણ મેક્સ, તારી બચવાની આશા સાવ નહીંવત હતી તો પણ છેક અહીં સુધી તું કેવી રીતે આવી પહોંચ્યો ? મને... મને વિશ્વાસ નથી બેસતો.’

‘કમ ઓન પ્રોફેસર... અત્યારે એ બધું કહેવાનો સમય નથી. હું રસ્તામાં કહીશ...અત્યારે માત્ર ટારગેટ ઉપર ધ્યાન આપીએ...’ કહીને એણે એનાં પગ પાસે પડેલા પેલા બદમાશને કોલરેથી પકડ્યો, ‘આપણે આની પૂછપરછ કરવી પડશે, પણ એના માટે કોઈક સુરક્ષિત જગ્યાએ આશરો લેવો પડશે.’

મેં જોયું તો એ બદમાશ ડરનો માર્યો ધ્રુજતો હતો. એ લગભગ બધું કહી દેશે એવું લાગતું હતું.

‘યસ. તારી વાત સાચી છે, મેક્સ. અત્યારે આપણે અહીંથી નીકળી જઈએ.’ પ્રોફેસર બેને કહ્યું. આ દરમિયાન ક્રિક અને જેમ્સ તેઓનાં ખભાના સહારે અર્ધબેભાન વિલિયમ્સને ઉઠાવી ચૂક્યા હતા. વિલિયમ્સ ધીમે-ધીમે ચિત્કાર કરી રહ્યો હતો.

બાકીના બંને બદમાશો પણ અમારી પકડમાં જ હતા. ત્રણ બદમાશો અને મેક્સ સાથે અમે આગળ વધ્યા. હવે અમારો વિચાર કોઈક સુરક્ષિત જગ્યાએ આશરો લેવાનો હતો જેથી ત્યાં વિલિયમ્સની સારવાર થઈ શકે અને બદમાશો પાસેથી માહિતી કઢાવી શકાય.

ચાલતાં ચાલતાં અમે પર્વતની તળેટી તરફ આગળ વધતા હતા. રસ્તામાં મેક્સે એની આપવીતી જણાવી. એણે કહ્યું, ‘જ્યારે ક્રુઝરે પાણીમાં સમાધિ લીધી એની થોડી સેકન્ડો પહેલાં જ હું સમુદ્રમાં કૂદી ગયો હતો. એ સાથે ગર્જના કરતી ક્રુઝર પાણીમાં ગરકાવ થઈ હતી. તોફાની દરિયાને કારણે અને ક્રુઝરના ડૂબવાને લીધે સમુદ્રમાં પાણીનો મોટો ઉછાળ થયો અને મને પણ સાથે-સાથે અંદર ખેંચી ગયો. નેવીના અધિકારી હોવાને નાતે મેં તરવાનું શીખ્યું જ હોય, એટલે મને તરતાં આવડતું હતું. મને શંકા હતી કે કદાચ તમારામાંથી કોઈક ક્રુઝરની અંદર જ રહી ગયું હોય, એટલે હું ક્રુઝરના કાટમાળ તરફ પાણીમાં ઊંડે ગયો અને બધી જ તપાસ કરી. પરંતુ ત્યાં કોઈ જ દેખાયું નહીં એટલે હું ફરી પાછો સપાટી પર આવ્યો. જોગાનુજોગ ત્યાં જ મને આપણી એક બચાવ નૌકા તરતી મળી ગઈ એટલે હું એના પર ચડી ગયો. પવન ખૂબ જ હતો એટલે હલેસાં માર્યા વિના જ એ આગળ ચાલતી રહી. પવન લગભગ પશ્ચિમ તરફનો જ હતો. થોડી વારે વરસાદ ચાલુ થયો. મને લાગતું હતું કે હવે કંઈ જ થઈ નહીં શકે. એટલે હું તો એમ ને એમ પડ્યો રહ્યો. સવારે ઊઠીને જોયું તો હોડી જમીનના કિનારા પાસે ઊભી હતી. મને આશ્ચર્ય સાથે આનંદની લાગણી થઈ. ત્યાર બાદ મેં જમીન વિશે શોધખોળ આદરી તો મને ખબર પડી કે આ ‘સ્પેક્ટર્ન’ ટાપુ જ છે. મને થયેલી ખુશીનો એ વખતે પાર નહોતો. બસ, એ પછી હું સીધો જ તમારા લોકોની શોધખોળમાં લાગી ગયો હતો. પ્રોફેસર સિવાય કોઈને ખબર નહીં હોય કે મારી પાસે પણ નક્શાની એક કોપી છે જે પ્રોફેસરે જ મને આપી હતી. આખરે આજે મેં આટલા દિવસે તમને સૌને જોયા. ઉત્તર તરફથી ગોળીઓ છૂટવાના અવાજો આવતા હતા ને તમે લોકો આમ પર્વતની તળેટી તરફ ભાગતા હતા. ત્યારથી હું તમારી પાછળ જ હતો...’

મેક્સે એની વાત ટૂંકાણમાં પૂરી કરી. આ અદ્દભુત મેળાપ ખરેખર એક ચમત્કાર હતો. ઈશ્વરીય શક્તિ હતી જેણે અમને ફરી એક સાથે ભેગા કર્યા હતા. મારી આંખમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયાં. એ વખતે મને કુદરત પર માન થઈ આવ્યું. અમારા મેળાપમાં કુદરતે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ક્રુઝરનાં બનાવ વખતે ખરાબ વાતાવરણમાં ફૂંકાતો પવન એકદમ પશ્ચિમ દિશા તરફનો હતો ને આ ટાપુ પણ પશ્ચિમ દિશા તરફ સીધો આવેલો હતો એટલે જોરથી ફૂંકાતો પવન જ અમને સીધી રેખામાં ‘સ્પેક્ટર્ન’ તરફ દોરી લાવ્યો હતો !

***