આંસુડે ચીતર્યા ગગન (11)
સાંજે કૉલેજમાં બહુમાન થવાનું હતું. વિદ્યાર્થી મિત્રો અને સહાધ્યાયીઓની વચમાં પ્રિન્સિપાલ સાહેબે શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં આગળ કેવી રીતે વધશો તેના ઉદ્દેશ્ય રૂપે બે શબ્દો ઉપર જ ભાર મુક્યો અને તે – be sincere…
જો કોઈ કામ તમે હાથમાં લીધું તે કામ પૂરા ખંતથી પાર પાડો, ખંતનો જેમ જેમ અભાવ દેખાશે તેમ તેમ તે કામમાં બગાડ દેખાશે. અને આવા જ કારણે અંશ ત્રિવેદી ડૉક્ટરીમાં પ્રવેશ પામશે. આ ખંત, આ મહેનત અને આ તપશ્ચ્રર્યાનું પરિણામ હંમેશા શુભ જ આવતું હોય છે. શ્રી અંશ ત્રિવેદી હજી પણ આગળ વધે. ડૉક્ટરીમાં પ્રવેશ તો નિશ્ચિત છે પરંતુ હજી તેઓ તે ક્ષેત્રમાં વિશેષ આગળ વધે અને અત્રે દાખવેલ ખંત અને મહેનત દરેક ક્ષેત્રે દાખવીને આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ… સાથે સાથે તેમનો કૉલેજના વિદ્યાર્થીઓ જોગ સંદેશો… અને અમદાવાનાં અગ્રણી દૈનિકનાં રીપોર્ટર તેમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તે આપની હાજરીમાં થાય તેવી વિનંતી સાથે અત્રે વિરમું છું. અને અંશભાઈને વિનંતી કરીશ કે કૉલેજના વિદ્યાર્થી જોગ સંદેશ અત્રે રજૂ કરે.
તાળીઓના ગડગડાટ વચ્ચે અંશ ઊભો થયો… મામાની આંખમાં આવેલ આંસુ જોઈને અંશ પણ ક્ષણ માટે ઢીલો પડ્યો… પરંતુ એ હર્ષના આંસુ છે તેમ માનીને મન કઠણ કરી માઇક ઉપર બોલવાનું શરુ કર્યું…
શ્રદ્ધેય પ્રિન્સિપાલ સાહેબ, માનવંતા મહેમાનો… મિત્રો…
આપ સૌની શુભેચ્છાઓ… અને શુભાશિષો મારે માટે જિંદગીની અમૂલ્ય મૂડી છે. અને એ મૂડી કે મુગુટનાં શિર ઉપર એક મોરપીંછ છે. એ મોરપીંછનો મોરલો અહીં હાજર છે… જેમની આંખમાં ખુશીનું અશ્રુબિંદુ જોયા પછી મને લાગે છે કે મારા ઉપર આપ સૌનો અતૂટ વિશ્વાસને સત્ય કરી બતાવું તેવી શક્તિ પ્રભુ મને બક્ષે.
મા અને બાપ વિનાનાં નોધારા બે ભાઈઓને સંસ્કાર, ગુણ અને કેળવણીના દોહ્યલાં વાઘા પહેરાવનાર અને કદી મા અને બાપની ખોટ ન સાલવા દેનાર એ મામા અને મામીનું ઋણ અત્યારે ન સ્મરું તો જરૂર નગુણો ઠરું જ… એમનું સ્વપ્ન હતું… કે મારો એક ભાણો ઇજનેર છે અને બીજો ડૉક્ટર થશે… એ સ્વપ્ન હું સિદ્ધ કરી શક્યો છું.
નાનપણથી જ એમની પ્રેરણાને અંતે જે સ્વપ્નો જાગતા ગયા તે સ્વપ્નો હવે હકીકત બની ઊભા છે. સ્વપ્નશીલ યુવા ડોક્ટર તરીકે અત્યારે તો મારા આદર્શો દુ:ખી, ગરીબ અને દલિત વર્ગના દરેક માણસોની સેવા કરવી એ જ માત્ર એક ધ્યેય છે.તદુપરાંત ડૉક્ટર બનીને ગામને જ્યારે પણ મારી જરૂર હશે… ત્યારે શક્ય તેટલી રીતે મદદરૂપ થવાનો જ છું….
મારી સિદ્ધિમાં પ્રેરણામૂર્તિ મારા મોટાભાઈ પણ છે. પ્રિ ન્સીપાલ સાહેબના Be Sincere… ના સિદ્ધાંત સાથે મળતો સિદ્ધાંત એક બીજો પણ છે અને તે છે Be Perfect…. ખંતથી પૂર્ણતાને આરે પહોંચવા જેટલું ઝઝૂમવું પડે તેટલું ઝઝૂમવા હું તૈયાર છું. અને હજી મંઝીલ મારી સામે છે… અને તે ડૉક્ટરીમાં ખંત અને મહેનતથી શ્રેષ્ઠ ડૉક્ટર બનીને જ રહીશ.
મારા મિત્રોને એક જ સંદેશો આપવાનો છે અને તે ખંતથી સતત પ્રયત્નશીલ રહીએ તો ધારીએ તે સિદ્ધિ આપણને ઉપલબ્ધ થાય જ છે. મધમાખીનું કામ ફૂલો ઉપર ફરીને રજ લાવવાનું છે. કદીક તેને થાક ખાતા જોઇ છે? કદી ઉંઘતી કે આરામ કરતી જોઇ છે? તે સતત રીતે પોતાના કાર્યમાં મશગૂલ રહે છે તેમ મિત્રો ભણતરમાં તમારું ચિત્ત જોડી મથતા રહો. સિદ્ધિ તમારો રસ્તો શોધતી આવશે જ.
અંતે આપ સૌનો પ્રેમ અને દુલાર પામી ખરેખર ધન્ય બન્યો છું. આપ સૌની આશિષથી આ જ રીતે આગળ વધતો રહીશ. અને જરૂરત હશે ત્યારે સાથે પણ ચાલતો રહીશ.
જય હિંદ
પ્રેસ રિપૉર્ટર શ્રી ભટ્ટ સાહેબે ઊભા થઈને અંશને પૂછ્યું ‘અંશભાઈ આપને કયો વિષય વધુ ગમે? ’
‘કેમિસ્ટ્રી કે જેમાં મારા હાઈએસ્ટ માર્ક આવ્યા છે.’
‘તો તમારે કેમિસ્ટ બનવું જોઇએ ડૉક્ટર નહીં.’
‘એ જ રીતે બાયોલોજી પણ મારો પ્રિય સબજેક્ટ છે જ. પરંતુ કોઈ કારણોસર હાઈએસ્ટ માર્ક હું મેળવી શક્યો નથી. ’
‘તમારી સિદ્ધિમાં પ્રેરણાસ્ત્રોત કોણ ? – ’
‘હું આગળ કહી ગયો તેમ… મારા મામા અને મામીનું સંસ્કાર સિંચન અને મારા મોટાભાઈનો Be Perfect…. નો સિદ્ધાંત .’
‘તમારી મહત્વાકાંક્ષા ?’
‘ભારતનો ઉત્તમ નાગરિક બનવાની’
‘ફોટો પ્લીઝ …’
બીજે દિવસે ગુજરાતના અગ્રણી દૈનિકમાં મહેસાણાનો તેજસ્વી તારલો… અંશ ત્રિવેદી ઝળકતો હતો. બે ગોલ્ડ મેડલ… નૅશનલ સ્કૉલરશિપ… ત્રિવેદી મેવાડા જ્ઞાતિમંડળ સ્કૉલરશિપ… મુંબઈના ત્રણ ટ્રસ્ટોની સ્કૉલરશિપ… વગેરે વગેરે… ઘણી બધી સિદ્ધિઓથી અંશનું બહુમાન થયું…. મધમાખીના દ્રષ્ટાંતને બિરદાવાયું. અને વિદ્યાર્થી આલમને તેની શીખ લેવાનું કહેવાયું…
બાલુમામા આ વાંચતા હતા અને સ્વગત બબડતા હતા… કરુણાશંકર તમારો અંશ પણ શેષ જેટલો જ હોનહાર છે… તમે હોત તો કેવું રૂડું ભાગ્ય તમને સાંપડત…
નરભેશંકરકાકાને બાલુમામા છાપું બતાવતા હતા… કેવો હોનહાર છે. છોકરો… સીધો.. સરળ… ગુણિયલ… અને હોશિયાર… પુત્રની સફળતાનો જશ બાપને મળે – એમણે સિંચેલ સંસ્કારને મળે, જેને પાકતા અઢાર વર્ષની રાહ જોવી પડે… કરુણાશંકર ખરેખર આજે હોત તો એમના આનંદની સીમા ન રહેત…. કેમ ખરું ને નરભેશંકર…
‘હા… હા… હીરા પણ કેટલી ખુશ હોત… ખેર… છોકરાને મેડીકલમાં ઍડમિશન હવે તો નક્કી જ છે.’
‘શેષ મુંબઈ રાખવા માગે છે પણ મારો જીવ નથી ચાલતો… અંશ અમદાવાદ જ રહેવા માગે છે. વળી નૅશનલ સ્કૉલરશિપ પણ અમદાવાદમાં રહે તો મળે. તેથી ગુંચવાઉં છું.’
‘અમદાવાદ જ રાખોને ભાઈ ! બેઉ ભાણીયાને ક્યાં મુંબઈ મૂકવા? અમદાવાદ તો આમેય નજીક છે. સાજે માંદે પહોંચી જવાય.’
‘હું પણ અમદાવાદ રાખવાના જ મતનો છું.