પિન કોડ - 101
પ્રકરણ-74
આશુ પટેલ
આ તમારા માનીતા નવા પોલીસ કમિશનર! મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને ‘મુંબઇ ટાઇમ્સ’ ગૃહપ્રધાન તરફ અખબારનો ઘા કરતા કહ્યું.
‘મુંબઇ ટાઇમ્સ’ અખબારના પહેલા પાને મુખ્ય સમાચાર મોટા મથાળા સાથે છપાયા હતા કે, ‘નવા પોલીસ કમિશનરના હાથમાં મુંબઇ કેટલું સલામત?’
એ અહેવાલમાં મુંબઈના નવા પોલીસ કમિશનર ઓ.પી. શ્રીવાસ્તવ અને ડોન ઇકબાલ કાણિયા એક સ્ટેજ પર સાથે બેઠા હોય એવો જૂનો ફોટો છપાયો હતો અને સાથે માહિતી અપાઇ હતી કે મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ગણાતા ડોન ઇકબાલ કાણિયાના નવા કમિશનર સાથે સંબંધોનો આ બોલતો પુરાવો છે. એ અહેવાલમાં પોલીસ કમિશનર શ્રીવાસ્તવનો લૂલો બચાવ પણ છેલ્લાં બે વાક્યોમાં છપાયો હતો કે ‘આ ફોટો તો હું મુંબઇમાં ડેપ્યુટી કમિશનર તરીકે નવો નવો આવ્યો હતો અને કોઇને ઓળખતો નહોતો ત્યારનો છે. મને એક સંસ્થાએ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યો હતો અને જોગાનુજોગ ઇકબાલ કાણિયા એ સંસ્થાના હોદ્દેદાર તરીકે એ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર હતો. બાકી મારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. હું કમિશનર બન્યો એથી નારાજ થયેલા મારા કેટલાક વિરોધીઓએ આ વર્ષો જૂનો ફોટો ક્યાંકથી શોધી કાઢ્યો છે.’
‘આવું બધું તો ચાલતું જ રહેવાનું. એક સમારંભમાં હાજર રહેવાથી કોઇ પોલીસ અધિકારીના કોઇ ગુંડા સાથે સંબંધ છે એવું થોડું સાબિત થાય છે? તમને અને મને બદનામ કરવા માટે પણ ઘણી વાર આ પ્રકારના ફોટાનો ઉપયોગ થયો છે! અને બીજો મુદ્દો એ છે કે આ ફોટો કોમ્પ્યુટરની મદદથી નહીં બનાવાયો હોય એની શી ખાતરી?’ ગૃહ પ્રધાને નફ્ફટાઈથી પોલીસ કમિશનરનો બચાવ કરતા કહ્યું.
મુખ્ય પ્રધાન થોડી ક્ષણો તેમની સામે જોઇ રહ્યા. પછી તેમણે કહ્યું, ‘મુંબઇ પર અકલ્પ્ય આતંકવાદી હુમલો થયો છે એની તો તમને ખાતરી છેને! અને આ શહેરને થાળે પડતાં મહિનાઓ લાગશે એ તો તમને સમજાય છેને? હું કોઇ ભોળો મતદાર નથી, એટલે આવી બધી દલીલો રહેવા દો. પોલીસ કમિશનર પોતે મીડિયાને કહી ચૂક્યા છે કે હું એ કાર્યક્રમમાં હાજર હતો છતાં તમને આ ફોટો સાચો છે કે કેમ એ વિશે શંકા છે!’ મુખ્ય પ્રધાન અકળાઈ ગયા!
‘આપણે સરકાર બનાવવા હાથ મિલાવ્યા ત્યારે ચોખ્ખી શરત થઈ હતી કે તમે ગૃહ ખાતામાં ચંચૂપાત નહીં કરો!’ ગૃહ પ્રધાને યાદ દેવડાવ્યું.
‘અત્યાર સુધી તમે તમારી રીતે જ કામ કરતા રહ્યા છો. પણ અત્યારે હું તમને મુંબઈના અને દેશના હિતની સાથે આપણી સરકારના અને આપણા વ્યક્તિગત હિત માટે સમજાવી રહ્યો છું. તમે જરા વિચારો કે આ હુમલાઓ દિવસ દરમિયાન થયા હોત તો તમે અને હું અત્યારે આ ચર્ચા કરવા જીવતા ના હોત! અને મંત્રાલયમાં બેઠેલા મોટા ભાગના પ્રધાનો પણ કમોતે મર્યા હોત. વિધાનસભા ચાલુ હોત એ વખતે બૉમ્બ ઝીંકાયો હોત તો તમામ પક્ષના વિધાનસભ્યો માર્યા ગયા હોત. અને તમને એ કેમ નથી સમજાતું કે ઈંટેલિજંસ બ્યુરો તરફથી ચેતવણી મળી રહી છે કે ઇકબાલ કાણિયા આઇએસ સાથે હાથ મિલાવીને હજુ વધુ આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યો છે. એનું લક્ષ્ય દેશના અનેક શહેરોમાં આતંક ફેલાવવાનું છે.’ મુખ્ય પ્રધાનનો અવાજ ઊંચો થઇ ગયો.
‘પણ બે દિવસમાં જ નવા પોલીસ કમિશનરની બદલી થાય એટલે મારી નાલેશી થાય એ તમને કેમ સમજાતું નથી? મેં તેમને છૂટો દોર આપી દીધો છે. મને તેમના પર વિશ્ર્વાસ છે.’ ગૃહ પ્રધાને દલીલ કરી.
મુખ્ય પ્રધાને સમજાવટના સૂરમાં કહ્યું: ‘તમે અત્યારે તમારી નાલેશીની વાત લઈને ક્યાં બેઠા? રાજકારણમાં આવ્યા પછી મારે પણ ઘણા અણગમતા કામો કરવા પડ્યાં છે અને મેં પણ અબજો રૂપિયા એકઠા ર્ક્યા છે. પણ તમે જે સ્તરે ગયા છો એનું પ્રાયશ્ર્ચિત કરવા માટે પણ તમારે અત્યારે મને સહકાર આપવો જોઇએ. આ માત્ર એક શહેરની બરબાદી નથી, આપણા આખા દેશને પડેલો તમાચો છે. રાજકારણી તો હું પણ છું અને મેં પણ ઘણા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓની ફેવર કરી છે, ના કરવી જોઇએ એવી ફાઇલો ક્લિયર કરી છે. પણ અત્યારે મારો અંતરાત્મા મને ડંખી રહ્યો છે કે ઇકબાલ કાણિયા જેવા દેશદ્રોહી ગુંડા સાથે તમારા સંબંધો વિષે મને ખબર હોવા છતાં મે સત્તા ટકાવી રાખવા આંખ આડા કાન કર્યા. એટલે હું પણ મુંબઇની આ દશા માટે જવાબદાર છું. અત્યારે મારી કે તમારી રાજકીય સર્વોપરિતા બતાવવાનો આ સમય નથી. એ બધું તો પછી પણ થઇ શકશે. પણ અત્યારે સેન્ટ્રલ આઇબી તરફથી જે માહિતી મળી છે એ પછી હું તમારા માણસને પોલીસ કમિશનર તરીકે ચાલુ રહેવા દેવાનું જોખમ લઇ શકું એમ નથી.’
‘તો પોલીસ કમિશનર તરીકે ઈલિયાસ શેખે પણ શું ધાડ મારી હતી? તેના કારણે તો મુંબઈની આ દશા થઈ!’
‘તમે શેખના હાથ બાંધી રાખ્યા હતા. નહીં તો આ નોબત ના સર્જાઈ હોત.’ મુખ્ય પ્રધાને કહ્યું.
‘એટલે તમે એમ કહેવા માગો છો કે મેં જ મુંબઈમાં આતંકવાદી હુમલાઓ કરાવ્યા?’ ગૃહ પ્રધાન ઉશ્કેરાઈ ગયા.
‘તમારા સિવાય આખા દેશને ખબર છે કે ઈકબાલ કાણિયાએ આ આતંકવાદી હુમલાઓ કરાવ્યા છે.’
‘પણ એના માટે તમે મને કઈ રીતે જવાબદાર ગણાવી શકો? સો વાતની એક વાત, તમે પોલીસ કમિશનર શ્રીવાસ્તવની બદલી માટે જીદ કરશો તો હું રાજીનામું આપી દઇશ.’ ગૃહ પ્રધાને મુખ્ય ધમકી આપી.
‘કશો વાંધો નહીં. પણ આઇપીએસ ઈલિયાસ શેખ ફરી મુંબઇના પોલીસ કમિશનર બનશે એ નિશ્ર્ચિત છે.’ મુખ્ય પ્રધાને મક્કમ અવાજે કહ્યું.
‘હું સરકાર પાડી દઇશ’ રાજીનામાની ધમકીની અસર ના થઇ એટલે ગૃહ પ્રધાને બીજું રાજકીય શસ્ત્ર અજમાવી જોયું.
‘વાંધો નહીં. આમ પણ મારો પક્ષ મહારાષ્ટ્રમાં ફરી વિધાનસભા ચૂંટણી આવે એવું જ ઇચ્છે છે જેથી અમે એકલા હાથે સત્તા મેળવી શકીએ!’ મુખ્ય પ્રધાને ઠંડકથી કહ્યું.
‘હું તમારી રાજકીય કારકિર્દી ખતમ કરીને તમને ઘરે બેસાડી દઇશ!’ ગુસ્સાથી ધ્રૂજી રહેલા ગૃહ પ્રધાને કહ્યું.
‘હવે તો તમે રાજીનામું આપી જ દો. અને તમે રાજીનામું નહીં આપો તો હું તમને પ્રધાનમંડળમાંથી પડતા મૂકીશ.’ અત્યાર સુધી શાંતિથી વાત કરી રહેલા મુખ્ય પ્રધાને પિત્તો ગુમાવી દીધો.
‘મારી સાથે બીજા બાવીસ પ્રધાનો પણ જશે!’ ગૃહ પ્રધાને કહ્યું.
‘એનો વાંધો નહીં. બીજો પક્ષ મને સમર્થન આપવા તૈયાર જ છે. અને નહીં તો હું હમણાં જ નવા રાજ્યપાલ પાસે જઇને મારું રાજીનામું ધરીને પ્રધાનમંડળ બરખાસ્ત કરવાની ભલામણ કરીશ!’ મુખ્ય પ્રધાને સામી ધમકી આપી દીધી.
* * *
હૃદયના ઊંડાણથી સિદ્ધિવિનાયકને ધા નાખ્યા પછી નતાશાના મનમાં આશા જાગી, શ્રદ્ધા પ્રગટી કે ઈશ્ર્વર તેને બચાવી લેશે. તેણે તમામ વિચારો બાજુએ હડસેલી દીધા. તેણે થોડા ઊંડા શ્ર્વાસ લીધા. તેને તેની મમ્મીએ સૂચવેલી યોગનિદ્રા યાદ આવી ગઈ. તેનુ કુટુંબ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું એ દિવસોમાં તેની મમ્મી એક ટીવી ચેનલ પર મહિલા સંત આનંદમૂર્તિજીને સાંભળીને તેમના તરફ આકર્ષાઈ હતી અને તેમના અવાજમાં રેકર્ડ થયેલી યોગનિદ્રાની ઓડિયો ક્લિપ મગાવીને તેણે દરરોજ યોગનિદ્રા શરૂ કરી હતી. તેણે નતાશાને પણ દિવસમાં એક વાર યોગનિદ્રા માટે અડધો કલાક જેટલો સમય કાઢવાની આદત પાડી હતી.
યોગનિદ્રા યાદ આવી એટલે નતાશા પલંગ પરથી ઊતરીને ફરસ પર શવાસન મુદ્રામાં સૂઈ ગઈ અને તેણે પોતે યોગનિદ્રા માટે સૂચના આપી રહેલા ગુરુમાનો અવાજ સાંભળી રહી હોય એ રીતે પોતાના શરીરના અંગોને ધીમે ધીમે મહેસૂસ કરવા લાગી. થોડી વારમાં તે ભૂલી ગઈ કે પોતે કઈ જગ્યાએ છે.
નતાશાએ યોગનિદ્રા પૂરી કરી ત્યાં સુધીમાં તેના મનમા તનાવ, અજંપા અને ભયનું સ્થાન શાંતિએ લઈ લીધું હતું. થોડી વાર ઊંડા શ્ર્વાસ લીધા પછી તે ઊભી થઈ. તેણે બાથરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોયો. પછી ચહેરો લૂછીને તે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતી ઊભી રહી. તેણે પહેલી વાર આ અરીસામાં પોતાનો ચહેરો જોયો હતો ત્યારે તે હેબતાઈ ગઈ હતી, પણ અત્યારે તેનું ચિત્ત સ્વસ્થ હતું. તેણે ફરી એક વાર પોતાના ચહેરામાં થયેલા ફેરફારનું નિરીક્ષણ કર્યું. તેના અને તેની હમશકલ એવી પેલી યુવતીના ચહેરા પર તલ અને બીજા નાનામોટા ફેરફાર સિવાય એટલી સમાનતા હતી કે તેની મમ્મી પણ થાપ ખાઈ જાય. નતાશાને તે યુવતીના ચહેરા પર છવાયેલી ખોફની લાગણી યાદ આવી ગઈ. નતાશાએ તે યુવતીને બચાવવા માટે પણ મનોમન ઈશ્ર્વરને પ્રાર્થના કરી લીધી.
મુસીબતમાં મુકાયેલો માણસ તેને જેના પર વિશ્ર્વાસ હોય એવી કોઇ વ્યક્તિનો સહારો લઇ લે ત્યારે ગમે એવી ખરાબ સ્થિતિમાં પણ તેના મનમાં એક આશા બંધાતી હોય છે કે તે પોતાને આ સ્થિતિમાંથી બહાર કાઢશે. અને એમાંય માણસ જ્યારે ઇશ્ર્વરને શરણે જાય ત્યારે તો તેનામાં આશાની સાથે શ્રદ્ધા થકી પણ નવી ઊર્જાનો સંચાર થઇ જતો હોય છે.
ઈશ્ર્વરના શરણે ગયા પછી નતાશાના મનમાં પણ આશા અને શ્રદ્ધા થકી નવી ઊર્જાનો સંચાર થયો હતો. તેના મનમાં ધરપત થઈ ગઈ હતી કે ઈશ્ર્વર તેને બચાવી લેશે.
એ વખતે સાહિલ પર મોત ઝળૂંબી રહ્યું છે એની ખબર હોત તો નતાશા પોતાના માટે નહીં, સાહિલ માટે સિદ્ધિવિનાયકને પ્રાર્થના કરી રહી હોત!
(ક્રમશ:)