Amdavad ni Aaspaas Weekend Manie in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | Amdavad ni Aaspaas Weekend Manie

Featured Books
Categories
Share

Amdavad ni Aaspaas Weekend Manie

અમદાવાદની આસપાસ વિકેન્ડ માણીએ

- કિન્તુ ગઢવી



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

દૂર દૂરના પ્રવાસો તો આપણે સામાન્ય રીતે વર્ષમાં એકાદ વાર કરીએ. પરંતુ રોજીંદા સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે વિકેન્ડ પ્રવાસો પણ એટલા જરૂરી હોય છે. આપણાં શહેરની આસપાસ વિકેન્ડ માણવાના સ્ત્રોત ક્યા કયા તે અંગેનો એક સામાન્ય ચિતાર મેળવીએ તો પણ આ લેખ વાંચતાની સાથે જ ઘણાં પરિવારોને ક્યાં ફરવું તેનો અંદાજ સરળતાથી આવી શકશે. અમદાવાદથી માત્ર ૧૦૦ કિલોમીટરના એરિયામાં અનેક નાના મોટા સુંદર સ્થળો છે જ્યાં જઈને આપણે વિકેન્ડની મજા માણી શકીએ છીેએ.

અમદાવાદથી માત્ર એક કલાકના અંતરે બે સુંદર સરોવર એવા નળ સરોવર અને થોળ તળાવ આવેલા છે. આ બે વિશાળ જળાશયો પક્ષીવિદો માટે એક લ્હાવો છે. નળ સરોવરમાં દોઢસોથી વધુ પ્રજાતિના પક્ષીઓ જોઈ શકાય છે. અહીં પેલીકન, ફ્લેમિંગો, યુરેશિયન ક્રેન, ડોમિસાઈલ ક્રેન, કોર્મોરન્ટ, સિગલ, વિવિધ પ્રકારના હેરોન અને કૂટ જોવા મળે છે. મોટા ભાગે શિયાળાની ઋતુમાં અહીંની સૃષ્ટી નિરાળી હોય છે. આ વિસ્તારમાં હવે સરકારી ધોરણે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. નળ સરોવરમાં હવે ગુજરાત સરકાર દ્વારા રોકાવાની તમામ વ્યવસ્થા કરવવામાં આવી છે. સરકારી ધોરણે અહીં ટ્રેડિશનલ ભોજન જેવું કે રોટલો, ઓળો, છાશ અને સેવ ટામેટાનું શાક પણ પીરસવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારને ઈકો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે નળ સરોવરની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવવાની મનાઈ છે.

થોળ અમદાવાદથી શિલજ જવાના રસ્તે આવે છે. માત્ર ૨૫ કિલોમીટરના અંતરે આવેલા થોળ તળાવમાં પણ દોઢસો પ્રકારના વિવિધ પક્ષીઓ છે. આમાં પેલિકન મુખ્યત્ત્વે જોવા મળે છે. તળાવના અંતરીયાળ ભાગમાં અસંખ્ય પેલિકન જોઈ શકાય છે. અહીં પક્ષીઓની સુંદર કોલોની પણ છે જ્યાં પક્ષીઓ માળા બનાવીને રહે છે. વેટ લેન્ડના કારણે બારેમાસ આ વિસ્તારમાં પક્ષીઓની અવર જવર જોઈ શકાય છે. થોળમાં બોટિંગની વ્યવસ્થા નથી પરંતુ કિનારાના કેટલાંક સારા સ્પોટ પર બેસીને શાંતિથી કિંગ ફિશર, રોબિન, ઈન્ડિયન રોલર બર્ડ જેવા પક્ષીઓને માણી શકાય છે. થોળની આસપાસના વિસ્તારોમાં કાળીયાર અને હરણો પણ જોવા મળે છે.

અમદાવાદથી ૧૦૦ કિલોમીટર દૂર કચ્છનું નાનું રણ આવેલું છે. અમદાવાદથી માંડલ ઝીંઝુવાડાના રસ્તેથી આ વિસ્તારમાં જઈ શકાય છે. દસાડા, જેનાબાદ, ઝીંઝુવાડા, ખારાઘોડા જેવા ગામો રણ વિસ્તારોમાં આવેલા છે. કચ્છના નાના રણમાં ફરવા માટે કાર લઈને જવું વધુ હિતાવહ છે. અહીં લોકલ ટ્રાન્સપોર્ટેશન ઓછું હોવાના કારણે પોતાના વ્હીકલમાં જ ફરવું વધુ અનુકૂળ રહે છે. આ વિસ્તારમાં ઘુડખર જોવા મળે છે. ઘુડખર આખા વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જ છે. આ પ્રદેશ સાવ સૂકો અને ગરમ હોવાથી ઉનાળામાં જવું હિતાવહ નથી. ચોમાસામાં પણ રણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહન લઈને જવું મુશ્કેલભર્યું છે. શિયાળામાં કચ્છના નાના રણમાં ઘુડખર અને નીલગાય પણ જોઈ શકાય છે. સાથે સાથે આ વિસ્તારમાં આવેલા વેટલેન્ડમાં પણ અનેક જાતના યાયાવરી પક્ષીઓને માણી શકાય છે. જેનાબાદ ખાતે આવેલા રિસોર્ટમાં રહેવા તથા જમવાની તમામ સગવડો છે. અહીં જત, રબારી જેવા ભાતીગળ સમુદાયોને પણ માણવા જેવા છે. આ વિસ્તાર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર આવેલો છે. કચ્છના નાના રણથી આગળ જતાં કચ્છનો મુખ્ય વિસ્તાર શરૂ થાય છે. શંખેશ્વરની આસપાસના વિસ્તારમાં પણ કચ્છનું નાનુ રણ અડે છે.

અહીં માંડલ પાસે કડવાસણ ગામમાં આવેલું હનુમાનજીનું મંદિર જાણીતું છે. આ વિસ્તારમાં જતી કે વળતી વેળાએ વિરમગામ આવે છે. વિરમગામ પણ એક સમયે સોલંકી વંશ દ્વારા બનાવવામાં આવેલા સ્થાપત્યોનું નગર છે.

અમદાવાદથી માત્ર ૮૦ કિલોમીટરના અંતરે જઈ શકાય તેવો રુટ એટલે ડાકોર-ગલતેશ્વરનો રુટ. ડાકોર રાજા રણછોડનું ધાર્મિક નગર. અહીં ગોમતીના કિનારે આવેલું અને ભકત બોડાણા દ્વારા બનાવવામાં આવેલું રાજા રણછોડનું મંદિર દર્શનીય છે. અહીં રાચરચિલું અને ઘરવપરાશની વસ્તુઓનું મોટું માર્કેટ છે. ડાકોરથી ૨૫ કિલોમીટર આગળ જતાં ગળતેશ્વરનું મંદિર આવે છે. જ્યાં મહિસાગરના પ્રવાહ સાથે ભગવાન શિવનું સુંદર પ્રાચીન મંદિર આવેલું છે. ગળતી નદી અને મહિસાગરના સંગમ સ્થળે બનેલું ગળતેશ્વરનું પ્રાચિન મંદિર ઘણું પૌરાણિક છે. અહીં ખાસ લોકો મહિસાગરમાં સ્નાન કરવા માટે આવે છે. અમદાવાદથી સૌથી નજીકના ન્હાવાના સ્થળોમાં ગળતેશ્વરનું આગવું સ્થાન છે. પરંતુ આ નદીમાં સમજી અને સાચવીને ન્હાવું હિતાવહ છે. અહીં ઘણાં લોકોએ નાસમજણમાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે. નદીના કિનારે સ્થાનિક લોકોની સલાહ અનુસાર ન્હાવું, જેથી કોઈ અકસ્માત ના સર્જાય. આ ઉપરાંત આ વિસ્તારમાં વધુ આગળ જતાં મહિસાગરના અનેક કિનારાઓ આવે છે પરંતુ સ્થાનિક જાણકારની સુચનાથી તેમાં તરવા પડવાની સલાહ છે.

અમદાવાદ-ડાકોરના રુટ પર સોજાલી નામનું એક ગામ આવે છે જ્યાં રોજા-રોજીની દરગાહ આવેલી છે. આ દરગાહના પીલ્લરો રહસ્યમય છે. દરેક પીલ્લરને ગમે તેટલી વાર ગણો તો પણ આ પીલ્લરને ગણવામાં અને તેના સરવાળામાં ભૂલ આવે જ છે. એક પણ પીલ્લર ક્રોસ નથી થતાં. મુહમ્મદશાહ બેગડાના સમયમાં બનાવેલા આ સ્થાપત્યમાં સુંદર જાળીઓ અને ગુંબજની રચના જોવા જેવી છે. સોજાલીથી થોડા અંતરે મહેમદાવાદ પાસે મુહમ્મદ બેગડાએ બનાવેલો સુંદર ભમ્મરીયો કૂવો છે. આ કૂવો આશરે છસો વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે ગરમીના દિવસોમાં અમદાવાદનો સુલતાન મુહમ્મદશાહ બેગડો ભમ્મરિયા કૂવામાં બેસીને આરામ ફરમાવતો હતો. આ કૂવામાં પાણી સાથે બેસવાના સુંદર ઓરડાની રચના કરવામાં આવી હતી. ભમ્મરીયો કૂવા માટે જે રીતે કૂવો શબ્દ વાપરવામાં આવ્યો છે તે પ્રમાણે આ જગ્યા વિશાળ પાણીના સ્ત્રોત સાથે એક પરિવાર શાંતિથી રહી શકે તે રીતે બનાવવામાં આવેલી છે. પત્થરોમાં બનાવેલા આ કૂવામાં રહેવાની સગવડ કરવામાં આવી હતી જે દર્શાવે છે કે એક સમયે પ્રાચીન લાઈફ સ્ટાઈલ વિશે પણ વિચારવામાં આવતું હતું.

અમદાવાદમાં આવેલા સરખેજ રોજા પણ ભારતના એ ગ્રેડના ગ્રુપ ઓફ મોન્યુમેન્ટમાં સ્થાન ધરાવે છે. અમદાવાદથી ચિલોડા તરફ આગળ પ્રાંતિજ ગળતેશ્વર પણ એક સુંદર ફરવાનો રુટ છે. જે અમદાવાદથી માત્ર ૭૦ કિલોમીટરના અંતરે આવેલો છે. અમદાવાદ શહેરમાં પણ ઝૂલતા મીનારા, દાદા હરિની વાવ, કાંકરીયા તળાવ, ગાંધીનગરમાં ઈન્ડ્રોડા ઉદ્યાન ફરવા લાયક વિસ્તારો છે. અમદાવાદ એક જમાનામાં સલ્તનત યુગના શાસન હેઠળનો પ્રદેશ હતો એટલે આજે પણ અમદાવાદમાં સલ્તનત યુગના વિવિધ સ્થાપત્યો જોવા મળે છે. એકલા અમદાવાદમાં જ ત્રણ જગ્યાએ આજે પણ ઝૂલતા મીનારા હયાત છે, આ ઉપરાંત સીદી સૈયદની જાળી પણ લાલદરવાજા વિસ્તારમાં જોઈ શકાય છે. અહીં અનેક સ્થાપત્યોમાં અદ્દભૂત કોતરણીથી ભરપૂર મંદિરો આવેલા છે.

અમદાવાદ શહેરની આસપાસ અડાલજની વાવ, અંબાપુરની વાવ અને અસારવાની દાદા હરિ અને માતર ભવાનીની વાવ પ્રખ્યાત છે. અમદાવાદની પોળ સંસ્કૃતિને પણ માણવા જેવી છે. અહીંના હેરિટેજ વિભાગ દ્વારા નિયમિત રીતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમદાવાદની પોળમાં આવેલી વિવિધ હવેલીઓ અને કોતરણીથી ઉભરાતા સ્થાપત્યો જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હેરિટેજ વોકમાં અમદાવાદના સ્થાનિકો સિવાય વિદેશીઓ પણ જોડાય છે. અમદાવાદની પોળની બાંધણી, પોળની હવેલીઓમાં આવેલા પ્રાચીન પદ્ધતિના ટાંકા અને એ સમયનું લોકજીવન આજે પણ પોળની રચના અને બાંધણી થકી જોઈ શકાય છે.

એમાં પણ અમદાવાદની મુર્હુત પોળ, કંસારા પોળ, સાંકડી શેરી અને રાત્રીના સમયે ચાલતું માણેક ચોકનું ખાણીપીણી બજાર. દર રવિવારે એલિસ બ્રિજના નાકે ભરાતું ગુજરી બજાર અમદાવાદી સંસ્કૃતિને ઉજાગર કરે છે. અમદાવાદ એક આબાદ શહેર જે આજે પણ વિશ્વ સાથે ધમધમી રહ્યું છે. અહીં આવેલી અહેમદશાહની મઝાર, રાણીનો હજીરો અને જુમ્મા મસ્જિદ. ઉપરાંત હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમાન સ્વામિનારાયણ મંદિર અને હાટકેશ્વરનું મંદિર વર્ષો જૂની શિલ્પ કળાના પ્રતિક સમાન છે.