કાલ્પનિક વાસ્તવિકતા
૨૪
ભાર્ગવ પટેલ
“ગૌતમભાઈ જે કેશ લઈને આવે છે એ કેશ આમ જોવા જઈએ તો મારી નવી પોતાની ઓફીસની ટોકનપેટે ખૂટતી રકમ છે”
“ઓહ! આઈ સી, મતલબ આટલા માટે તમે....”,
“હા, એટલે જ કેશનો આગ્રહ હતો મારો”, જેનિશે દિવ્યની વાત પૂરી કરી.
“તમે માઈન્ડ રીડીંગનું પણ કરો છો કે શું?”
“ના ના! જે વસ્તુમાં દિલચસ્પી હોય એ વાંચતા તો આવડવી જોઈએ ને!?”
“શું? હું કઈ સમજી નહિ!”
“રહેવા દો! મારા ફ્રેન્ડસના કહેવા મુજબ હું ઘણી વાર બકવાસ જ કરતો હોઉં છું”
“હા હા હા, ધે આર નોટ રાઈટ ઇન એની સેન્સ મિસ્ટર મેકવાન”
“ઓહ! યુ આર ધ ફર્સ્ટ વન ટુ થીંક સો! હા હા”
“એની વે, થેક્સ ફોર ધોઝ એરર્સ. મને ખબર છે તમે એમ જ કહેશો કે પૈસા તો આપો છો, પછી થેન્ક્સ શાનું? બટ તમે જે એરર્સ શોધી આપી છે એ ખરેખર કોઈ દિમાગવાળો અનએથીકલ હેકર શોધી કાઢે તો કંપનીના ડેટાબેઝનો તો.... યુ નો વ્હોટ આઈ મીન”
“વેરી વેલ! અને તમે પણ સારું માઈન્ડ રીડ કરી કાઢો છો મિસિસ દિવ્યા”
“મિસિસ નહિ, મિસ! મિસ દિવ્યા”
“ઓહ રીયલી? નેમ પ્લેટ પર સંબોધન નથી લખેલું. મારું અનુમાન ખોટું હોઈ શકે એ પહેલી વાર જાણ્યું”
“અનુમાન તો બરાબર જ છે. એક્ચ્યુલી ગુજરાતની છોકારીઓ આટલી ઉંમરે પરણી જ જાય છે. પણ મારું મન મને કે અન્ય કોઈને સ્વીકૃતિ હજી નથી આપતું.. જે દિવસે આપશે એ દિવસે મિસ માંથી મિસિસ પણ થઇ જ જઈશ! છૂટકો થોડો છે?”
“ગ્રેટ! સ્વીકૃતિ વાળું સ્ટેટમેન્ટ ખરેખર ગમ્યું”
“એની વેઝ, અમારી કંપની સાથે ઓનલાઈન કોન્ટેક્ટમાં રહેજો! ફાયદો બંનેને છે”
“ફાયદો હોય તો વાત કરવી ને! અહી તો જેકપોટ લાગે છે”
“શું?”
“એટલે એમ કે...”
“મે આઈ કમ ઇન મેમ?”, દરવાજા પર ગૌતમભાઈએ બે ટકોરા માર્યા.
“ઓહ! આઈએ ગૌતમજી! યે હૈ મિસ્ટર જેનિશ મેકવાન જિનકો પેમેન્ટ દેના હૈ. સાઈન કરવાકે ફોર્માલીટી ખતમ કરીયે”
“જી મેડમ”, એણે કહ્યું, “લીજીયે સર! યહા પે સાઈન કરીયે”, ડોકયુમેન્ટ આપતા એણે કહ્યું.
“ઠીક હૈ”, કહીને જેનિશે સહી કરી અને ગૌતમે કેશ આપ્યા.
“મેમ! મેં નિકલતા હું, એક દો ઔર કામ હૈ”
“ઓકે”
ગૌતમ રવાના થયો.
“ગણી લેજો, આમ તો ગૌતમનું કામ બરાબર જ હશે પણ છતાય”
“વિશ્વાસને ગણવાની જરૂર નથી”, જેનિશે કહ્યું, “ચલ તો હું નીકળું”
“ઓ સોરી! ચાલો હું નીકળું.. ફ્રેન્ડ્સ સાથે રહેતો હોઈ ચાલોનું કલ્ચર યુ નો..”
“ઇટ્સ ઓકે, ચલ વધારે પોતીકું લાગે છે”, દિવ્યાથી અજાણતા જ કહેવાઈ ગયું.
“નો ડાઉટ અબાઉટ ધેટ! બાય”
“બાય”
***
“તારી ફ્લાઈટનો ટાઈમ શું છે?”, બે દિવસ પછી સંકેતે જેનિશને ફોન કરીને પૂછ્યું.
“એક મિનીટ કહું”, કહીને મોબાઈલમાં ઈ-ટીકીટ જોઇને જેનિશે કહ્યું, “આજે રાત્રે લગભગ દસ વાગ્યે પહોચીશ એરપોર્ટ પર”
“કેમ લેટ?”
“અહી કામ પતાવીને મારી છ વાગ્યાનું ચેક ઇન છે”
“ઓકે”, સંકેતે કહ્યું, “હું આવી જઈશ મારી કાર લઈને તને લેવા માટે”
“ડન”, એણે કહ્યું, “અને અંકલ આંટીને શું કહીશ હું આવીશ ત્યારે?”
“પહેલા તો એ લોકો તને ઓળખતા નથી, અને બીજી વાત કે મેં એમને મારો ફ્રેન્ડ દસેક દિવસ માટે બીઝનેસના કામથી આવે છે એવું કહેલું છે એટલે મહેરબાની કરીને તું સ્કુલમાં પ્રિન્સીપાલ સામે બાફ્યું હતું એમ બાફ્તો નહિ”, સંકેતે જેનિશને એનો સ્વભાવ યાદ કરાવ્યો.
“એ તો જૂની વાત થઇ દોસ્ત! ડોન્ટ વરી, હું ધ્યાન રાખીશ અને તારી જેમ જ વર્તન કરીશ”
“હમ્મ્મ્મ! બરાબર”
“ત્યાં સુધી ખાસ કરીને તું જે જગ્યાએ ગયો હતો એની વિગત અને પેલો મિસ્ટર મહેમુદ અલી પઠાણ નામના વ્યક્તિની જેટલી વિગતો તારી પાસે હોય એની એક નોંધ કરી રાખજે”
“એ તો રેડી છે પણ એમાં હજી થોડું બાકી છે કામ. એ હું કરી દઉં છું તારા આવતા પહેલા. બીજું કઈ?”
“બીજું એ કે, ઉમ્મ્મ..”, જેનિશે વિચાર કરીને કહ્યું, “ના એ તો હું ચાલી જઈશ”
“શેના માટે? શું વિચારે છે?”,સંકેતે પૂછ્યું.
“કોઈ નાટક કરી શકે એવો એક્ટર જોઈતો હતો પણ હું ચાલી જઈશ એમાં તો ડોન્ટ વરી”
“નાટક? શેનું નાટક?”
“નાટક નહિ એક્ચ્યુલી તરકટ”
“શેની વાત કરે છે તું ભાઈ? આમ મને કીધા વગર શું નવા પ્લાન બનાવે છે? અને પાછો મને જ પૂછે છે કે કોણ ચાલશે ને કોણ નહિ?”
“મેં વિચાર્યું છે એ હું ત્યાં આવીને કહું છું”
“ઠીક છે, કારણ કે ફોન પર તો ‘ધ ગ્રેટ ડિટેકટીવ કશું કહેશે નહિ પાછા!? નહિ?”, સંકેત થોડો ચિડાયો.
“રાઈટ, ચલ મળીએ તો રાત્રે. શાર્પ દસ વાગ્યે એરપોર્ટ પર”
“ઓકે!”
ફોન મુકાયો. સંકેત એ વિચારમાં પડ્યો કે જેનિશના મનમાં શું ચાલી રહ્યું છે. હજી કોઈ વાત બાકી હતી માહિતી ભેગી કરવામાં એવું સંકેતને લાગી રહ્યું હતું એવામાં વિશાલે આવીને એક ફાઈલ સંકેત સામે મૂકી.
“આમાં જરા જોઇને સાઈન કરી આપો ને જીજુ! કન્સાઇન્મેન્ટ સ્ટોરમાં મુકાવવું છે”
“હં? શું?”, સંકેત વિચારોમાંથી સહસા બહાર આવ્યો.
“સાઈન કરવાની છે, પેલું કન્સાઇન્મેન્ટ આવ્યું છે એ સ્ટોરમાં મુકાવવું છે”
“અચ્છા”, કહીને સંકેતે સહી કરી આપી.
વિશાલ ફાઈલ ઉપાડીને ચાલતો થયો.
“એક મિનીટ વિશાલ!”, સંકેતને અચાનક કશુક યાદ આવ્યું.
“શું થયું જીજુ?”, વિશાલ પાછો ફર્યો.
“સ્ટોરમાં કામ પતાવીને અહી આવ મારે એક કામ છે”
“હા”
થોડી વાર થઇ. પોતાનું કામ પૂરું કરીને વિશાલ સંકેતના કહેવા મુજબ એની કેબીનમાં આવ્યો.
“બોલો જીજુ શું કામ હતું?”
“તું મહેમુદને મળ્યો છું ને?”
“હા”
“તને ખ્યાલ છે ને એનું ઘર અડ્રેસ, નામ, નંબર બધું?”
“ઘર અને અડ્રેસ ખબર છે પણ કદાચ એ ત્યાં ભાડેથી રહેતો હોય એવું લાગ્યું. ઘરમાં જરૂર પુરતો જ સામાન હતો”
“પણ આટલા સમયમાં નવું મકાન બદલી શકે એ? શું લાગે છે?”
“મને નથી લાગતું. કારણ કે એનું ઘર દુર્ગમ જગ્યાએ તો છે જ કે જ્યાં કોઈનેય પણ શોધવામાં તકલીફ પડે”
“હમ્મ્મ્મ! બરાબર”, સંકેત આ બધું પોતાની ડાયરીમાં લખતો જતો હતો.
“અને જાડેજાએ પલ્સર બાઈકની વાત કરી હતી એ?”, વિશાલે યાદ કરાવ્યું.
“હા એ પણ છે! અમીએ કહ્યું હતું કે એનું બાઈક ચોરી થઇ ગયેલુ હતું જેનાથી એનો પીછો થયો હતો.”
“હા એ જ”
“બરાબર. બીજી કોઈ ખાસ વાત તને યાદ છે મહેમુદ વિષે? જેથી બધી માહિતી આપણે જેનિશને આપીએ તો ક્યાંક કદાચ કોઈ સુરાગ કે કડી મળી શકે એને”
“આમ તો કઈ ખાસ નહી પણ મેં પહેલા પણ કહ્યું તેમ મહેમુદ પોતે અને પેલો સ્ક્રેપવાળો જે મને મકરપુરા મળ્યો હતો એ બંને વચ્ચે કંઈક સોલીડ કનેક્શન છે. અને એ ભંગારવાળો મુસલમાન લાગતો જ હતો પણ મહેમુદ પોતે માત્ર નામે જ મુસલમાન લાગ્યો”
“કેમ?”
“મેં એના ઘરમાં આસપાસ નજર નાખી હતી અને ત્યાં છેક ખુણામાં નાના પ્લેટફોર્મ પર ચોપડીઓ સાથે એક નાની ગણપતિની મૂર્તિ હતી”
“પાક્કું? એવું હતું?”
“હા”, વિશાલે યાદ કરીને કહ્યું, “હા પાક્કું એક નાની મૂર્તિ તો હતી જ, આમ દેખાવમાં આવે એવી નહતી પણ મને અનાયાસે દેખાઈ ગઈ હતી એટલે એ બાબતે હું સ્યોર છું”
“બરાબર, સારું તો વાંધો નહિ. કેટલું મટીરીયલ લીધું આજે સ્ટોકમાં?”
“આ મહીને ગયા મહિના કરતા ઓછું છે”
“કેમ?”
“જુના અમુક કંટ્રોલર અને પાર્ટ્સ એમના એમ જ છે”
“હમ્મ્મ્મ! આ લોકોનું કશુક કરવું પડશે જલ્દીથી નહિ તો”
“હમ્મ્મ્મ! ખરેખર. સોરી જીજુ પણ...”
“એમાં તું કેમ પોતાને જવાબદાર ગણાવે છે વિશાલ? તું એકલો આમાં નથી ફસાયો. જાડેજાએ કહ્યું તેમ બીજા ઘણા આમાં ફસાયા છે”
“હા”
“બધું થઇ જશે સમુંસુતરું! ચિંતા ના કરીશ”
વિશાલ ભગ્નહૃદયે ઉભો થઈને પોતાની કેબીનમાં ગયો. એની આંખોમાં વિશ્વાસઘાત કર્યાની ગ્લાની હતી પણ સંકેત જાણતો જ હતો કે એ ગ્લાની જ હવે પેલા લોકોને પકડવા માટે કારગર સાબિત થશે.
સાંજ પડી. સંકેત અને વિશાલ ઘરે પહોચ્યા, જમ્યા અને થોડી વાર આરામ કર્યો. લગભગ સવા નવ વાગ્યે અમી અને સંકેત, જેનિશને રીસીવ કરવા માટે એરપોર્ટ જવા નીકળ્યા. એરપોર્ટ પર નિર્ધારિત પ્લેટફોર્મ નંબરે જઈને અમી અને સંકેત જેનિશના આવવાની રાહ જોતા હતા.
વાતવાતમાં અમીની નજર દુર ઉભેલા એક વ્યક્તિ પર પડી. અમીને લાગ્યું કે પોતે એ માણસને જાણે છે એટલે સંકેતને જાણ કર્યા વગર તે એ માણસને નજીક જઈને ઓળખી કાઢવાની ફિરાકમાં ઉભી થઈને એ બાજુ ચાલવા માંડી.
“આની ફ્લાઈટ હવે નજીકમાં જ હશે. શું લાગે છે?”, સંકેત બીજી તરફ જોઇને વાત કરી રહ્યો હતો એટલે એનું ધ્યાન ના ગયું.
“અમી....! ક્યાં જાય છે?”, ચાલીને થોડે દુર પહોચેલી અમીને સંકેતે પૂછ્યું.
પણ અમીએ એ સાંભળ્યું નહિ, એની તાલાવેલી પેલા માણસમાં જ હતી. એ માણસ કોઈ જગ્યાએથી બરોડા આવ્યો હતો અને પોતાનો સામાન લેવા માટે ઉભો હતો. એનું ધ્યાન પણ અમી તરફ ગયું એટલે પોતે મોઢું છુપાવવા લાગ્યો. અમીને પાકી ખાતરી થઇ ગઈ કે આ માણસને પોતે ક્યાંક તો જોયો જ છે. અમીએ પોતાના પગલા ઝડપી બનાવ્યા. સંકેત પણ અમીની આમ અચાનક ઉઠીને આટલી ઝડપથી ચાલવાની ઘટના વિષે વિચારતો હતો, કારણ કે રખેને તે ટોયલેટ માટે જતી હોય પણ જેન્ટ્સ અને લેડીઝ ટોયલેટ અમીની વિરુદ્ધ દિશામાં હતા.
પેલો માણસ પોતાનો સામાન મળતાની સાથે ફટાફટ અમી કરતાય ઝડપી પગલે ચાલવા લાગ્યો. અમીએ પોતાની ઝડપ હજીયે વધારી અને એ માણસની એક ઝલક આખરે લઇ જ લીધી.
સંકેત પણ ત્યાં સુધીમાં લગભગ દોડતો દોડતો અમી પાસે પહોચ્યો અને પૂછ્યું, “શું થયું અમી? કેમ આટલી ઉતાવળી થાય છે?”
“અરે આ માણસને મેં જોયેલો છે સો ટકા”
“કયો માણસ?”
“પેલો જે પ્લેન રેડ કલરનો શર્ટ અને ક્રીમ કલરના જીન્સમાં જાય છે એ!” અમીએ દુર એના તરફ આંગળી ચીંધીને કહ્યું.
“ક્યાં જોયેલો છે?”, સંકેતે અકળામણયુક્ત અવાજે પૂછ્યું.
“આ એ જ છે જે તે દિવસે આપણા ઘરે નકલી ઇન્સ્પેકટર બનીને આવ્યો હતો”
“શું વાત કરે છે? સાચ્ચે?”, સંકેત ચોંક્યો.
એટલામાં જેનિશનો કોલ આવ્યો. એણે કહ્યું, “હું આવી ગયો છું તમે લોકો ક્યાં છો?”
“અરે જેનિશ! અહી લગેજ લેવાની જગ્યાએ અમીએ હમણાં જ પેલા નકલી ઇન્સ્પેકટરને જોયો છે”
“આહ! શું વાત છે! વડોદરામાં પગ મુકતાની સાથે જ પગેરું..યે હુઈ ના કુછ બાત”
“પણ એ તો છટકી ગયો”
“કશો વાંધો નથી”
“કશો વાંધો નથી? એટલે? એ ભાગી ગયો અને તને કશો વાંધો નથી?”, સંકેત ખિજાયો.
“એ જ તો વાત છે દોસ્ત”
(ક્રમશઃ)