શર્મિલી છોકરી
અમદાવાદ બસસ્ટેશન:
હું હાથમાં બિસ્લેરીની બોટલ લઈ બસસ્ટેશને બસની રાહ જોતો ઊભો હતો. ઘડિયાળમાં સમય જોયો. સુરતની બસ આવવામાં હજુ સવા કલાકની વાર હતી. સમય ખોટો વેડફાઇ રહ્યો હોય ત્યારે અંદરથી એક ટકોર કરતો અવાજ પડઘાય: ‘કશુંક વાંચ અથવા લખવાનો વિષય શોધ તો કંઈક આગળ આવશે...’
અંત:અવાજને પ્રેરી મેં ખભે કરેલી બેગ ઉતારી એમાંથી એક બૂક કાઢી. ખાલી બેન્ચ શોધી હું વાંચવા બેઠો. બસના ખળભળાટ અને લોકોના કલબલાટ વચ્ચે પણ બૂક વાંચવા પ્રયત્ન કર્યો. અડધો કલાક પસાર થઈ ગયો. પુસ્તક વાંચતો હતો ત્યાં કોઈકનો કશુંક ગણગણવાનો અવાજ સંભળાયો: ‘અં...ત...રા...પી... ધ-ધુ-ધુવ-ધ્રુવ...ભ...ટ...ટ્ટ’ લેખકનું નામ અને અટક વાંચતાં એને અઘરું પડ્યું. છતાં સાચું વાંચવા ફરીથી એણે પ્રયત્ન કર્યો.
મેં કુતૂહલતાપૂર્વક ચોપડી હટાવી સામે જોયું. છ-સાત વર્ષની એક નાની છોકરી બાંકડાની બાજુમાં ઊભી હતી અને એની મમ્મી બાંકડા ઉપર નવજાત બાળકને ખોળામાં લઈને બેસી હતી. મેં એની સામે સહેજ હસીને જોયું. એ છોકરી એની મમ્મીનો સાડલો પકડી માસૂમ આંખે સહેજ મુસ્કુરાઈને નજર ફેરવી લીધી. બાંકડા ઉપર બેઠેલી એની મમ્મીએ કપાળ સુધી સાડલો ખેંચેલો હતો. ખોળામાં બાળકને સુવાડી છાતી પર હળવા હાથે થાબડતી હતી. એમની પરિસ્થિતિ ગરીબવર્ગની દેખાતી હતી. મારું મન એ નાની છોકરીને ફાંકડું ગુજરાતી વાંચતાં જોઈને ગર્વથી હરખાઈ ઉઠ્યું. મનમાં વિચાર્યું: ગવર્રમેંટનું શિક્ષણ બધે પહોંચ્યું અને મળ્યું એનો અવાજ આજે આ ગરીબ ઘરની છોકરીના મોઢેથી સાંભળ્યો. મને એની જોડે થોડીક વાતચીત કરવાની ઈચ્છા થઈ. પુસ્તક બંધ કરી મેં એને સહ:સ્મિત પૂછ્યું, ‘શું નામ છે તારું?’
લજામણીને અડતા જેમ લજાઈને ભેગી થઈ જાય એમ એ મારા પ્રશ્નને સાંભળી એની મમ્મી નજીક સરકીને જતી રહી. એની મમ્મીએ મારી સામે સ્મિત કર્યું. ખોળામાં સૂતેલા બાળકને તેડી લઈ છાતી સરસુ ચાંપી લીધું. એ નાનું બાળક એની મમ્મીના ખભા ઉપર માથું ઢાળી, કુમળી આંગળીઓની નાની મુઠ્ઠી વાળી મસ્ત નિંદ્રાધીન થયેલુ હતું. બહારની દુનિયાથી બિલકુલ અલિપ્ત અને અનજાન !
મેં ફરીથી વાતચીત સાધવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું, ‘તને તો સરસ વાંચતાં આવડે છે. કયા ધોરણમાં ભણે છે?’
ફરીથી છોકરીએ કોઈ જવાબ ન આપ્યો. મને સાવ અવગણી એ એના નાના ભાઈના હાથની મુઠ્ઠી ખોલી અંદર આંગળી મૂકી રમાડવા લાગી. કોઈ જવાબ ન મળતા મેં જરાક ક્ષોભ અનુભવ્યો.
છોકરીના માથે વ્હાલભર્યો હાથ ફેરવી એની મમ્મીએ દેશી લહેકામાં કહ્યું, ‘બીજી ચોપડીમાં ભણે સે અમાર ઢબુ... ભણવામો ખૂબ હુંશિયાર સે.’
મેં સ્મિત કરી હકારમાં માથું હલાવી કહ્યું, ‘ભણવા મોકલો છો એ ખૂબ સારું છે...’ એમની વાતને મેં શાબ્દિક શાબાશી આપી.
‘આ બધીયે બસોના પાટિયા વોચિન મન કે એટ્લ માર લગીરે વોધો નહ રેતો...’ વાતચીત કરતાં બન્ને બાળકો પર માતૃવાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો.
મેં હકારમાં માથું હલાવી કહ્યું, ‘એને આગળ હજુ ભણવાજો. ખૂબ હોંશિયાર થશે... ભણવાનું ગમે છે ને તને! હંમ્મ?!’ મેં એની સામે સ્મિત કરી પૂછ્યું.
‘બોલ તો ખરી મેઢી... ભઈ કોક પુસે સે...’ કહી પીઠ ઉપર હળવી ટપલી મારી.
એ હોઠમાં હસી. માથું હલાવી ત્રણવાર હા પાડી.
એ ક્ષણે મને એ છોકરીને પ્રોત્સાહન માટે કંઈક આપવાની ઈચ્છા થઈ. મેં બેગ ખોળામાં લઈ ચેન ખોલી. બેગમાંથી પડેલા એક ‘હાઈડ એન્ડ સીક’ બિસ્કીટનું પેકેટ કાઢી એને પૂછ્યું, ‘બિસ્કિટ ભાવે છે તને!?’
એ સ્વભાવગત કશું ન બોલી. માત્ર મારી સામે જોયું. પછી એણે એની મમ્મીના હાવભાવને વાંચી જોયા. હું અંદરોઅંદર જરાક ભોંઠો પડ્યો હોય એવું લાગ્યું.
‘લે, તને આપું છું બકા,’ મેં આગ્રહપૂર્વક કહ્યું.
એ પગ ઘસડતી ખસીને પાછી એની મમ્મી પાસે જઇ શરમાઈને બોલી, ‘ના લેવાય...’
બિસ્કીટનું પેકેટ આમ કોઈ અજાણી વ્યક્તિને આપતાં મને અંદર જરાક ઓકવર્ડ ફિલ થયું. સામે ધરેલું હવે પાછું તો લેવાય નહીં. એની મમ્મી સામે મેં સ્મિત કરી કહ્યું, ‘એને સરસ વાંચતાં આવડે છે એના પ્રોત્સાહન માટે આપું છું...’
‘ભઈ આપે સે એટ્લે લઈ લે હો ઢબુ... જા...’ સૂતેલા બાળકની પીઠ પર સતત મમતાભર્યો હાથ પસવારતા એમણે કહ્યું.
એ છોકરી શરમાતી મારી નજીક આવી. એનું નિખાલસ સ્મિત એના હોઠ ઉપર રમતું હતું. એની પાણીદાર આંખોમાં જાણે ઉજ્જવળ ભાવિનું તેજ ચમકતું હતું. એ હાથ ઊંચો કરે એ પહેલા મેં એને અધૂરો સવાલ ફરી પૂછ્યો. ‘મેં કહ્યું એનો જવાબ તો તે ના આપ્યો… હંમ્મ! શું નામ તારું?’
‘સપના’
મેં બિસ્કીટનું પેકેટ એના સામે ધર્યું. એણે બે હાથથી બિસ્કીટનું પેકેટ પકડ્યું. મારી નજર એના બન્ને હાથ ઉપર પડી. બન્ને હાથમાં ચાર-ચાર આંગળીઓ જ હતી. અંગુઠા સાવ નાના અવિકસિત જેવા હતા. એ જોઈને મારા ચહેરા પરનું સ્મિત જાણે એકાએક ખરી પડ્યું. ચહેરા પર ગંભીર ભાવ ખેંચાયા અને આંખમાં એની પ્રત્યે સહાનુભૂતિ ભરાઈ આવી.
મારી સામે જોઈને એણે નિખાલસ સ્મિત કર્યું. એની આંખોની કીકી ખુશીથી ચમકી રહી હતી. એના ગાલ ઉપર સહાનુભૂતિપૂર્વક અછડતો હાથ પસવારી સ્મિત કર્યું.
‘થેંકુયુ...’ તૂટેલા અંગ્રેજીમાં ધન્યવાદ કહી એ ઊછળતા પગે એની મમ્મી પાસે દોડી ગઈ.
એના અંગૂઠા વગરના હાથને જોઈને મારૂ હ્રદય લાગણીઓથી વલોવાઈ ગયું. બેગ ખભે કરી ત્યાંથી પગ ઉપાડ્યા. સુરતની બસ આવી ગઈ હતી. બસમાં ચડતા એના હાથનું એ ચિત્ર મનમાં સતત ઘૂંટાતું રહ્યું. અંગૂઠા વગર તો વ્યક્તિ દરરોજના કામ કરી જ કેવી રીતે શકે? વસ્તુ પકડવા, લખવા અંગુઠો તો સૌથી મહત્વનો ભાગ છે. એના વગર તો વસ્તું પકડવાની પક્કડ જ ક્યાંથી આવે !
મારા હ્રદયમાં સંગોપાયેલી લાગણીનીઓની ગાંઠ ત્યારે છૂટી પડી ગઈ હતી. એ છોકરી સાથેની થોડીક પળોની મુલાકાત. થોડીક વાતચીત. કોઈ લાગતું-વળતું ન હોવા છતાં મારૂ હ્રદય અનુકંપાથી ભરાઈ આવ્યું. ગળામાં વીંટળાયેલી લાગણીઓ વચ્ચેથી પરાણે થૂંક નીચે ઉતાર્યું. એ દિવસે મેં કશુક સરસ કામ કર્યાના આનંદની તૃપ્તિ અનુભવી. એ નાની છોકરીના અવિકસિત અંગૂઠાવાળા હાથ અને હોઠ ઉપર ફરકતું નિર્દોષ સ્મિત મારા માનસપટ ઉપર કોતરાઈ ગયું.
એ બસસ્ટેશનમાં કેટલીયે આવી હ્રદયસ્પર્શી વાર્તાઓ મૂક બની ફરતી હશે. પુસ્તક વાંચવાના બહાને હું બાંકડા તરફ ખેંચાયો અને ત્યાં ‘અં...ત...રા...પી’ અને ધ્રુવ ભટ્ટ નામ એ છોકરીના મોઢે સાંભળતા આ આખી ઘટનામાં હું એક સાક્ષીરૂપ બન્યો. એ છોકરીના વિકલાંગ હાથને લીધે દરરોજની પરિસ્થિતિઓમાંથી પસાર થતાં કેટલી તકલીફ પડતી હશે? છતાં એણે કેટલું સહજ રીતે એ સ્વીકારી લીધું હતું.
અવિકસિત અંગૂઠા વગરની બન્ને હાથની આંગળીઓ જોઈને મને અજીબ લાગ્યું. એ વિચારોએ મારું મન ડહોળી નાખ્યું હતું. એ છોકરીના હાથ કેમ એવા હતા? શું કારણ હશે એનું? કોઈ તકલીફ કે બીમારી હશે? આ પ્રશ્નોએ મારું કુતૂહલ વધારી દીધું. મન સતત જવાબ ઝંખતું રહ્યું. મોબાઇલ કાઢી ગુગલમાં થોડુક રીસર્ચ કરી જોયું.
રિસર્ચ કરતાં જાણ્યું કે એ છોકરીને થંબ હઇપોપ્લાસિઆ/ Thumb Hypoplasia ની તકલીફ હતી. મતલબ આ પ્રકારના બાળકોનો અંગુઠો નાનો હોય અથવા અવિકસિત હોય છે. અને એ ધીરે-ધીરે એ અવિકસિત અંગૂઠાનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. વિકિપીડિયા અને બીજી કેટલીક સાઇટ્સમાં આ રિસર્ચ વાંચતાં વાંચતાં મેં મારો અંગુઠો અજાણતા/unconsciously કેટલીયે વાર સ્ક્રોલ અપ-ડાઉન કરવા ફેરવી દીધો હશે. એ વખતે મને મારા એ અમૂલ્ય અંગૂઠાએ કરેલા કામનું કોઈ મહત્વ દેખાયું? (તમને આ એપમાં પેજ ફેરવતા?) પ્રમાણિક જવાબ: ના. કેમ? જે વસ્તુઓ કે વ્યક્તિઓ આપણી આસપાસ હોય છે એની કિંમત કે ઇજ્જત આપણે મોટેભાગે નથી કરતાં. વસ્તુ કે વ્યક્તિનું ખરું મહત્વ જ્યારે એ ન હોય ત્યારે સમજાય છે.
આ એક સામાન્ય નિરીક્ષણમાંથી જીવન વિષે કેટલું શીખવા મળી શકે છે. જરૂર છે માત્ર એક દ્રષ્ટિકોણ કેળવવાની. સમજ અને જ્ઞાન વગર આંખો માત્ર દેખાડે એજ આપણે જોઈએ છીએ. પણ સમજ અને જ્ઞાન બન્ને સાથે હોય તો દ્રષ્ટિકોણ કેળવાય. અને એ દ્રષ્ટિકોણ દુનિયા જોવાનો, મૂલવવાનો નજરિયો બદલી દે છે.
હાથની વિકલાંગતા હોવા છતાં પણ એ છોકરીના ચહેરા પર રમતું નિખાલસ સ્મિત અને ભણવાની હોંશ મારા હ્રદયને સ્પર્શી ગઈ. કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે લેખક ખુદ પસંદ કરતો હોય લખવા માટે. અને અમુક વાર્તાઓ ખુદ લેખકને પસંદ કરે કે લે... મને અભિવ્યક્ત કર. મારી વ્યથાઓને વાચા આપ. વાંચકો સમક્ષ મને રૂબરૂ કરાવ. –– અને આ સ્ટોરીએ મને પસંદ કર્યો !
(A/N: આ અવલોકન નિબંધમાં લખેલું રિસર્ચ 100% સત્ય છે. Childrenshospital.org પરનો આર્ટીકલ અને વિકિપીડિયા વાંચી જુઓ.)
*****