દીકરા! તારે ભણવુ જોઈએ. . . !!
અશ્ક રેશમિયા
વરસેલા વાદળાઓ સાવ વિખરાઈ ગયા હતા. ચાર ચાર દિવસથી અવનીના દીદાર ન પામેલો સૂર્ય પોતાના કોમળ કિરણો વડે તેણીને મન મૂકીને ચૂમી રહ્યો હતો. એ પ્રેમના પ્રત્યુત્તર રૂપે ધરતી એ કિરણોમાં સ્નેહભલી ભીનાશ ભરી રહી હતી. એ ભીનાશથી ભરાયેલાં કૂણાં કૂણાં ઘાસને ભેસોનું ટોળું ઓહિયા કરી જતું હતું.
આવા રળિયામણા દ્રશ્યને ખાખરાના ઝાડ નીચે બેઠા બેઠા હું એકટસ બનીને માણી રહ્યો હતો. એવામાં મારા કાને અવાજ અથડાયો, ‘દીકરા કીર્તિ! લે, ભાતું ખાઈ લે. '
આખા વગડાને ગજવી દેનારા મોરલિયાઓના ગહેંકાટથી સહેજેય વિચલિત ન થનારા મારા કાને એ અવાજ ઉતર્યો ને મારું આખું ચિત્તતંત્ર ચૈતન્ય બની ગયું. આખા અસ્તિત્વને ઊભું કરતાંક ને મેં એ અવાજ ભણી ડોક ફેરવી.
મે જોયું તો સામે જ ધોધની જેમ સ્નેહનો અવિરત પ્રવાહ વહાવતા મારા પિતાજી ઊભા હતા. એમની સજલ આંખો પુત્રવત્સલ પ્રેમની વાદળીઓ વરસાવી રહી હતી. એક હાથમાં દૂધથી ભરેલી બરણી અને બીજા હાથમાં ભાતું. બાળપણ્માં મને દૂધ બહું જ ભાવતૂં! દૂધ અને બાજરીનો રોટલો મારો મુખ્ય ખોરાક હતો.
અવનીને પોતાની આગોશમાં લઈને ગોષ્ટિ કરતા સૂર્યને વાદળીઓએ ઢાંકવા માંડ્યો હતો. લીલીછમ્મ ધરતીને ભેટવા સારૂ ઝાડવાઓએ ડાળઈઓને નમાવવા માંડી હતી. આકાશમાંથી ઉતરેલી જળઅપ્સરાઓ ડુંગરાઓ ઊતરીને પાતાળ લોકમાં જવા પૂરપાટે દોડી રહી હતી.
એવે વખતે પિતાજીને જોઈને મને ત્યાથી ભાગી જવાનું મન થયુ્ં. કિન્તું પિતાજીની નેત્રોના કરૂણાસભર સ્નેહાળ આસુંઓએ મને થંભી જવા મજબૂર કર્યો. પિતાજી એવા ભાવ સાથે ઊભા હતા જાણે હમણાં જ આવીને કિર્તિ એમને ભેટી પડશે. કિન્તું ભોળા એવા મારા પેટનું પાણી ન હલ્યું. હું મનમાં બબડ્યો:‘પિતાજી તમે જ તો મને રાત્રે બરાબરનો ધમકાવ્યો હતો ને મારવા જેવું કર્યું હતું ને અત્યારે ભાતું લઈને આવ્યા છો?જાઓ હવે મારે નથી ખાવું ભાતું કે નથી ખાવો તમારા હાથનો માર. 'આમ બબડતા જ મેં દોટ મૂકી. મને દોડતો જોઈને ઘાસ ચરતી ભેસો પણ ક્ષણભર વિચારે ચડી ગઈ.
ત્યારે હું પ્રથમ પાંચમું ભણતો હતો. ચોથું ધોરણ મારા ગામ ગાંગુવાડામાં પૂરું કર્યુ ને પાંચમું ભણવા સારૂ બાજુના ગામ રાજકોટ પગપાળા જતો હતો. ગામના દશબાર છોકરાઓ સાથે હું જતો હતો. એક દિવસ એ બધાએ મને મારવા લીધો! કિંતું હું આબાદ બચી ગયો!
એ વખતે હું ડરી ગયો હતો એવું નહોતું પણ એકવાર મેં મારા ફળિયાના એક છોકરાને માર્યો હતો. એ વેળા એ છોકરાની માં મારા ઘેર ફરિયાદ લઈ વઢવા આવી ત્યારે મારી જનેતાએ શીખામણ આપી'તી કે કીર્તિ,કોઈના દીકરાને આમ મરાય નહી. જે દિવસે તને કો'ક મારે વઢે એ દિ મને કેટલું દુખ થાય છે એ તને ખબર જ છે. તો શું તું કોઈના લાલને મારે ત્યારે એ જનનીને મારી જેમ દુખ નહી થતું હોય બેટા? માટે બેટા, કજીયાનું મોં કાળું કરીને આવજે કે માર ખાઈને આવજે પણ કોઈના જણ્યાને મારીને ન આવજે. '
બસ,એ દિવસથી મે કોઈથી બાથ નહોતી ભીડી.
એ દશ બાર છોકરાઓથી ભાગીને આબાદ બચ્યા બાદ એ જ દિવસ, એ જ ઘડીથી મેં રાજકોટની શાળાને અલવિદા કરી!
દુનિયામાં પરાપૂર્વથી એક પક્ષ ચાલ્યો આવે છે: ટોળાશાહી! આ ટોળાશાહીઓ હંમેશા એકલદોકલ માણસની જીંદગીને પજવતાં રહ્યા છે. આ ટોળું ભલે અવની પર બીજાઓને રંઝાડીને ગમેતેવો આનંદ માણતો હોય પણ આખરે એમનો હિસાબ નર્કમાં થઈ જ જતો હોય છે.
નિશાળને તરછોડ્યા બાદ મારું એક જ કામ:રોજ શાળાનો સમય થાય એટલે હું ભેંસો લઈને જંગલની વાટે પડતો! મારો આ ક્રમ લગભગ દિવાળીથી લઈને ઉનાળું વેકેશન લગી ચાલ્યો.
એ વખતે અમારે દશથી બાર ભેંસો હતી. કાળિયો ને ધોળિયો નામના માતેલા બળદોની સુહાની જોડ હતી. કૂવા પર કૉસ ચાલતો. કૉસની કિચુડ કિચુડ અવાજે પંખીઓ મોજ માણતા રહેતા. પિતાજીની મહેનતથી આખી વાડીમાં હરિયાળી જ હરિયાળી રહેતી. આજે કાળની થપાટે એમાનું કશું જ નથી! માત્ર સૂકાભઠ્ઠ ખેતરો અને એ ખેતરોને કાયમ હરિયાળા રાખતા પિતાજીની તરોતાજા યાદો સિવાય!
શાળાને જવાનું બંદ કર્યા બાદ હું હંમેશ આનંદમાં રહેવા લાગ્યો. કિન્તું ક્યારેક ક્યારેક શાળાની યાદ મને તીવ્રતમ રડાવી મૂકતી. મને શાળાએ જવાનું મન થઈ આવતું. શાળાએ ન જવાનો મને ગર્વ થતો ને મારા પિતાજીને નિશાળથી વેગળા થયેલા પુત્રનો શૉક રહેતો. મારા ભાવિની ચિંતા એમને ખૂબ જ ડંખતી. એ ખેતર ખેડતી વખતે કે લણણી વખતે કાયમ મારા ભણતરની ચિંતામાં જ રહેતા. એ વખતે એ મને બહું જ સમજાવતા પણ હું એકનો બે નહોતો થતો!
એવામાં વર્ષ પૂરું થયું,ને હું સ્થગિત! મારુ વર્ષ બાતલ ગયું એનો મને કોઈ જ રંજ નહોતો પરંતું પિતાજીના કાળજે કરવત મૂકાઈ ગયા જેવું દુખ હું અનુભવી રહ્યો હતો.
બીજા વર્ષે ફરી શાળાઓ ઊઘડી. બધા બાળકો દફ્તર ખભે ભેરવી શાળાએ ઉપડે ને હું ડોબાઓ લઈને જંગલ તરફ!
એક વખત પિતાજીની ધીરજ ખૂટી. પ્રેમથી, લાડથી,લાગણીની પુત્રવત્સલ ભીની ભાવનાથી સમજાવવા છતાંય ન સમજતા મને એમણે જીંદગીમાં પ્રથમવાર બરાબરનો ધમકાવ્યો.
ને વાળું ટાણે જ માર પડવાના ભયથી મેં પોબારા ગણ્યા. એટલે ભયથી ભૂખ્યા ભાગેલા મારી ચિંતામાં આખું કુંટુંબ અડધુ ભૂખું ઊંઘ્યું!બીજા દિવસની સવારથી લઈને ગળતા બપોર સુધી પરિવારને મારી ચિંતા સતાવતી રહી.
બાળપણમાં મારી એક બહું જ વિચિત્ર આદત હતી:રિશઈ જવાની!હુ રિસાતો ત્યારે ત્રણ-ત્રણ દિવસ લગી ભૂખ્યો ભમતો. સાથે જનનીને પણ ભૂખે રિબાવતો.
રાતનો ભૂખ્યો ભાગેલો હું બીજા દિવસના ચડતા બપોર સુધી ન આવ્યો. મહોલ્લામાં ને આખા ગામમાં ખોજ કરી. પણ કોઈ જ પત્તો ન લાગ્યો. કોઈ કહે નહી કે અમે કીર્તિને જોયો છે!
'અમે કીર્તિને ક્યાંય નથી જોયો' આ એક જ વાક્યએ મારા માવતરના મનમાં મોટી ફાળ પાડી. એટલામાં ગળતા બપોરે ઉડતા વાવડ મળ્યા કે, કીર્તિ મહાદેવવાળી ટેકરીની ઓથે ભેંસો ચારી રહ્યો છે. 'આ વાવડ કાને અથડાતા જ પિતાજીએ ભાથું ભરીને એ તરફ દોટ મૂકી!
ત્યાં આવીને જોયું તો હુમ કોઈ મોટી ગડમથલમાં મશગૂલ હોઉં એમ બેઠો હતો.
પિતાજીને જોઈને દોડી ગયેલા મને બ્રહ્મગ્નાન લાધ્યું હોય એમ હું ત્વરાએ પાછો આવીને એમની ગોદમાં ભરાઈ બેઠો. એમના સ્નેહાળ આંસુઓએ મારા માહ્યલાને હલબલાવી મૂક્યો. મેં મનમાં નિશ્ચય કર્યો કે આજ પછી માવતરની ધાકધમકીથી કે મારથી હું ક્યારેય માઠું નહી લગાડું અને એમની સઘળી આગ્નાઓને શિરોમાન્ય રાખીશ.
આમ નિશ્ચય કરતા મારી આંખેથી અશ્કના દરિયા વહી ગયા.
જેમ માં ની મમતાભરી હુંફાળી ગોદમાં લપાઈને બાળક ધાવતું રહે એમ હું પિતાજીના ખોળામાં બેસીને ભાતું ખાઈ રહ્યો હતો. હું જમી રહ્યો ત્યા સુધી ખામોશ બની બેઠેલા અમ બાપદીકરાની એકમેક તરફની પ્રેમાળ લાગણીને ભેંસો ટગર ટગર તાકી રહી હતી.
સૂરજ અસ્તાચળ તરફ જવાની તૈયારી કરતો હતો. વરસાદનો ભાર ખમીને નમી ગયેલા ઝાડવાઓ ટટ્ટાર બની ચૂક્યા હતા. પંખીઓએ માળો છોડી આકાશભણી હળવી ઉડાનો ભરવા માંડી હતી. સમગ્ર વાતાવરણમાં ભીની ભીની મોહકભરી આહ્લાદકતા છવાઈ ગઈ હતી.
મારા માથા પર હેતાળ હાથ ફેરવતા પિતાજી બોલ્યા:'દીકરા કીર્તિ ! તારે ભણવું જોઈએ. માટે તું ભણ. મારો આત્મા કહે છે કે તું ભણીશ તો તારું ભણતર એળે નહી જાય. અત્યારે મારા આ બોલથી કદાચ તને માઠું લાગતું હશે પણ જ્યારે મોટો થઈશ ને તને સમજણ આવશે ત્યારે તને ભણતરની સાચી કીંમત સમજાશે! આ મારી સામે જો. ભણ્યા વિનાનો હું કેવો હીજરાઉ છું?તને કદાચ ખબર નહી હોય પણ આપણા એક ખેતર પર થોડુ ભણેલા એક ભાઈએ મારી જાણ બહાર લોન ઉપાડી લીધી છે ને એ પણ મારી ખોટી સહી કરીને!'
મને ચુમીઓ ભરતા પાછા બોલ્યા:દીકરા! તું કદી કોઈનું આવું ખોટુ કરતો નહી. કોઈની બળતી આંતરડીઓ આવતા એંશી જન્મો સુધી જીવને શાંત થવા દેશે નહી.
પિતાજી બોલતા જતા હતા ને હું રડતી આંખે સાંભળી રહ્યો હતો. એમણે આગળ કહેવા માંડયું:'દીકરા! ભણ્યા વિનાના અમે તો ગમે તેમ જીવનને વેંઢારીએ છીએ. કિન્તું તું આવી ડખાવાળી જીંદગી નહી જીવી શકે. ભણ્યા ગણ્યા વિનાની જીંદગી તને બહું જ ડંખશે. ક્ષણે ક્ષણ આ જમાનો તને છેતરશે. માટે કહું છું તું ભણ. તું ભણીશ તો તારા જીવનમાં હજારો ચાંદ-સૂરજ ઊગશે. નહી તો અભણિયું અંધારું તને ભરખી જશે. માટે દીકરા,તારે ભણવું જોઈએ. '
પિતાજીએ બોલવાનું બંધ કર્યું ને મે એ હૈયે હેમખેમ ઉતાર્યું.
બીજા દીવસે મે શાળાની વાટ પકડી. દ્વિતિય પાંચમું ભણવા સારું!મને નિશાળે જતો જોઈને મારો આખો મહોલ્લો અને મારા મિત્રો મોંમા આંગળા મૂકી બેઠા.
પછી તો ભણતરને ભક્તિ બનાવી. પિતાજીના સ્નેહાળ શબ્દોની શક્તિ બનાવી ને એવું ભણ્યો કે મે મારા આખા ગાંગુવાડા ગામનું નામ ઊજાળ્યું!
હું આખા ગામનો પહેલો એવો વ્યક્તિ બન્યો કે જેણે સરકારી નોકરી મેળવી હતી.
મારા માવતરની શ્રધ્ધા,એમના અનુપમ આશિર્વાદ અને પૂર્વ જન્મમાં એમણે કરેલા કોઈ મહાન સારા પુણ્યના પ્રતાપે હું શિક્ષક બન્યો. બાકી સાવ છેવાડાના અંતરિયાળ ગામડાની ધૂળમાં મીઠાશથી રગદોળાતા મારું ગજું શું કે હું શિક્ષક બની શકું?
અત્યારે હું ખુશ છું. મારો પરિવાર ખુશ છે. કિન્તું જેમના લીધે,જેમની દુઆઓથી નોકરીની- શિક્ષકની મંઝીલે પહોચ્યો મારા એ પિતાજીને ઝાઝી ખુશીઓ માણવાનો સુઅવસર વિધિએ ન જ આપ્યો. જો એક ઢળતી બપોરે મારા પિતાજીએ દર્દથી ઊભરાતી ખાણ સમી પોતાની દુનિયાને સંકેલી લીધી. પિતાજીની કારમી વિદાય વેળાએ મને જીંદગી અને નોકરી નકામી લાગી હતી,સાવ નકામી.
"માં, તારી મમતાનો તાગ ન મળ્યો મને જીંદગીમાં,
બાપ તારી બંદગીથી બેડોપાર થયો મારી જીંદગીમાં!"
અશ્ક રેશમિયા