'વૉટ્સ ન્યુ ?
એક મિત્ર રોજ વોટ્સએપ કરે છે અને પૂછે છે :'વૉટ્સ ન્યુ ?' - 'નવું શું છે?' આ પૂછીને જ વાતની શરૂઆત કરે. જો કે રોજના આ સવાલથી અકળાઈને મેં એક દિવસ કીધું : ' રોજ શું નવું હોય યાર ? એ જ રોજનો જૂનો-પુરાનો કારોબાર.'
આવો જવાબ આપણે સૌ આપીશું કદાચ. વિસ્મય આંજીને દુનિયા રખડવાની ઉંમરે આપણે ઘૂવડગંભીર થઈને રોજની મોનોટોનસ, સ્ટ્રેસફુલ અને થકવી નાખતી બાબતોમાં ફસાયા છીએ. નોકરી કરતા કે પછી ધંધાદારી યુવાનો પણ રોજ ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધીનો ટૂંકો પ્રવાસ નાછૂટકે વિલાયેલા મોંએ રોજ બગાસા ખાતા ખાતા કરે છે. કંઈક નવું ખોજવાની, નવું કરવાની, નવું વિચારવાની વિસ્મયતા વિસરાઈ ગઈ છે. સારો પગાર, પરમેનેન્ટ જોબ અને ખુશહાલ પરિવાર આ આપણા સો કોલ્ડ વડીલોએ આપણને આપેલી સલાહોની ચબરખીમાં છે. અને ધીરે ધીરે આપણે પણ અંતે સ્ટેબલ લાઈફને સુખી લાઈફ માનતા થઇ જઇયે છીએ. સુખી હોવું અને આનંદમાં હોવું એમાં ફરક છે. આપણી પાસે રોજ બરોજનુ ભરપૂર વર્કપ્રેશર છે, પૈસાને લગતા પ્રશ્નો છે, સંબંધોના ગૂંચળા છે, શરીરની બીમારીઓ છે અને આ બધા વચ્ચે આપણે સમયને એડજસ્ટ કરીયે છીએ. ટાઈમ મેનેજમેન્ટની થિયરીઓ શીખીયે છીએ, સુખી જીવન જીવવા માટે મોટીવેશનલ લેક્ચર્સથી લઈને વર્કશોપ અટેન્ડ કરીયે છીએ. રોજની થિયરીમાં અને થેરાપીમાં આપણે રોજ આપણી સહજતાને મારીમચડીને કંઈક બીજી જ પ્રભાવશાળી આભા ખોજવા નીકળ્યા છીએ. આપણે ફૂલની કોમળતાને મારીને અત્તરના મોહમાં પડ્યા છીએ! ખોટે ખોટા અટ્ટહાસ્ય કરીને આપણે સ્વસ્થ થવાના, સ્વસ્થ દેખાવાના ચક્કરમાં ફસાયા છીએ. વિસ્મયની સાથે સાથે હાસ્ય પણ વિલાય ગયું છે અને આપણને લાગે છે કે આપણે જીવનમાં સિરિયસ અને મેચ્યોર થઇ ગયા છીએ! આપણી સવારથી સાંજ મન મારીને ચાલતા યોગા, કસરત, ભણતર, નોકરી, વિવાદો, પ્રશ્નો, સ્ટ્રેસ, સંબંધો અને ઈન્ટરનેટ !
આમ જ આપણા દિવસો ઉગે અને આથમે છે. ગાંધીએ ક્યાંક કહેલું છે : 'જો મારામાં વિનોદવૃત્તિ ન હોત ને તો હું સ્વતંત્રતાની આટલી મોટી લડત ના લડી શક્યો હોત.' આ અંદરથી નીકળતો મલકાટ, અંદરથી નીકળતું હાસ્ય આપણને ધબકતા રાખી શકે. બાકી બગીચામાં રોજ સવારે ચાલતું અટ્ટહાસ્ય તમે વેન્ટિલેટર પર હોય એવી અનુભૂતિ કરાવે. રોજ સવારે કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળ્યા કરતા લોકો જો એને સાંભળ્યા વિના મન ભરી ગુનગુનાવી શકે તો મજા છે. શાસ્ત્રો પણ 'उत्तमा सहजावस्था' જેવું વિધાન કરે છે. સહજ અવસ્થા જ ઉત્તમ અવસ્થા છે. પણ આપણને તો શરીર ને કષ્ટ આપી ને જાત્રા કરવી છે, ઉપવાસો કરીને ભગવાન રીઝવવા છે. ખોટું બોલીને, પ્રશંસા કરીને ,બીજાની નિંદા કરીને સામેવાળાને ખુશ કરવો છે. બ્રાન્ડેડ કપડાંથી લઈને પરફયુમ સુધી બધું જ આપણને આકર્ષક અને પ્રભાવશાળી બનાવશે કે બતાવશે એવો ભ્રમ છે આપણને. પણ જે છે આપણી પાસે એને માંજીને /ઘસીને ઉજળું કરવું નથી. આપણને આપણા સ્વભાવને / દેખાવને / પ્રકૃતિને/ આદત ને કંટ્રોલમાં રાખવી છે. અને પછી ખુલીને જીવવાના સપના જોઈએ છીએ? જીવનમાં જે બદલી ન શકાતું હોય એને બદલવાના અભરખા ન રાખવા ! કહેવાય છે માણસ આદત બદલી શકે છે. પણ સ્વભાવ બદલાતા ઘણો સમય લાગે છે અથવા તો સ્વભાવ બદલી શકાતો જ નથી. આપણા વિચારોમાં પરિવર્તન આવશે તો આપણી અંદર જરૂર કંઈક બદલાશે. અને વિચાર ત્યારે જ બદલાશે જયારે આપણે વસ્તુને, સ્થિતિને, માણસને, જીવનને, સમયને, નિયતિને, સ્વભાવને નવી દ્રષ્ટિથી વિસ્મયભરી આંખે જોઈશું અને સહજતાથી એને સ્વીકારીશુ. મોરારી બાપુ કહે છે તેમ સુધારક નહિ સ્વીકારક બનો. રોજ સવારે ઉઠતાવેંત જ્ઞાનભર્યા વોટ્સએપિયા સુવિચારો વાંચવામાં, બોલવામાં બહુ સારા લાગે પણ એ મુજબ જીવી શકાતું નથી. વિદ્વાનો, મહાપુરુષોના કહેલા નિયમો,સુવિચારો કે સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઇ શકાય. પણ બહુ એ મુજબ જીવવાના પ્રયત્નો કરવા નહીં. એના કરતા પોતાના જીવનમાં ડોકિયું કરી, પોતાના અનુભવ પરથી વિચારો ,સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા. દીપ્તિ મિશ્રા ની ગઝલ નો એક શેર છે .
वो नहीं मेरा मगर उससे मुहब्बत है तो है,
ये अगर रस्मो, रिवाजो से बगावत है तो है
પુરી ગઝલમાં પડ્યા વગર પણ મહત્વનો શબ્દ છે, ‘है तो है’ (જે એના કાવ્યસંગ્રહનું નામ પણ છે) - છે તો છે - જે જેવું છે એવું સ્વીકારવાની તાકાત એટલે જ યુવાની. બુઢાપામાં કે આધેડ વયમાં બધામાં ખામીઓ દેખાય, છણકા થાય અને અંતે ઝઘડા થાય. યુવાન માટે દરેક નવું વિસ્મય, નવા અનુભવની, નવા જીવનની દિશા ચીંધે છે. મોરારી બાપુ કહે છે :' સવારે ઉઠ્યાનો ઉચાટ નહિ, ઉત્સાહ હોવો જોઈએ.'ભલે સવારનો સૂર્યોદય આપણે જોઈ ન શકીયે કે સાંજનો સૂર્યાસ્ત જોવાનો આપણને ટાઈમ ના હોય છતાંયે દિવસને અંતે આપણને થાક નહિ, મજા આવે તો જીવન જીવ્યાનો ખરો અર્થ ! યુવાની અને પ્રેમનો ઘણો ઊંડો સંબંધ છે. જે પ્રેમથી જીવી શકે એ જ યુવાન રહી શકે. યુવાનીની આસપાસ પ્રેમનું આધિપત્ય હોય છે. અહીં પ્રેમ એટલે આપણી આસપાસ આવતી દરેક વ્યક્તિ કોઈ મીઠી યાદ લઇ જાય. સૌની સાથે મલક્તાં રહેવું, ખીલીને રહેવું, જલસામાં રહેવું એ જ પ્રેમ છે. કોઈ ફરિયાદ વગર બસ નિખાલસ રહેવું એ પ્રેમ છે.
આજના અરસામાં જ્યાં કમ્યુનિકેશનના પુષ્કળ સાધનો છે. ત્યારે જ અસ્તિત્વમાં આવેલો એક શબ્દ છે : કમ્યુનિકેશન ગેપ . વિરોધાભાસ છે. છતાંયે સ્પષ્ટતા એટલી જ કે આપણા વચ્ચે વાતચીત થાય છે, ચેટિંગ થાય છે પણ સંવાદ થાય છે ખરો? આપણા પડોશીથી લઈને રોજબરોજ મળતા માણસો સાથે પણ આપણે સોશિયલ મીડિયાથી કનેક્ટેડ છીએ. પણ પ્રત્યક્ષ મળે તો આપણે સ્માઈલ આપીને કે પછી નજરઅંદાજ કરીને નીકળી જઇયે છીએ. આના કરતા રસ્તામાં મળતા કે પછી રોજ મળતા લોકો સાથે પ્રત્યક્ષ થોડી વાત કરીએ તો કદાચ સંબંધોમાં સંવાદ થશે. બર્થડેવિશથી લઈને ખબરઅંતર પૂછવા પણ આપણે સામે ચાલીને જઇયે તો કેવું ?
તો પછી તમારા મનમાં સવાલ ઉઠશે કે સામે ચાલીને મળવા જવાનો સમય જ ક્યાં છે ?સ્વાભાવિક સવાલ છે આ. અને ખરું પૂછો તો સૌને પજવતો સવાલ છે આ. સમય જ નથી, ટાઈમ મળશે એટલે જોઈશું - મને લાગે છે આ વાક્યો હકીકત કરતા બહાનું વધારે હોય છે. સમય સાથે ચાલી શકાય, એની સાથે દોસ્તી કરી શકાય, સમય મુજબ જીવી શકાય પણ સમયને એડજસ્ટ કરાય કે પછી ટાઈમ મેનેજ કરાય એ વાત થોડી ખટકે છે. તો બૉસ, ઘડિયાળના એલાર્મ મુજબ અને અપોઈન્ટમેન્ટ લઈને કામ કરનારા રોબોટ બન્યા કરતા મસ્તીમુજબની મોજ કરી લ્યો ને માણસ બનીને. અને છેલ્લે રાજકુમારથી વૈરાગી સુધીનો પ્રવાસ કરનારા મહાવીર સ્વામીએ અપરિગ્રહનો રસ્તો બતાવેલો. આપણે વસ્તુથી લઈને વાતો સુધીની સંગ્રહખોરી કરતા લોકો છીએ અને પછી એની કાળાબજારી - બ્લેક માર્કેટિંગ કરીને કમાયાંનો સંતોષ મેળવવો છે. ફેસબુક, વૉટ્સઅપથી લઈને બધી જ સોશિયલ સાઈટ શેરિંગ શીખવે છે . આપણે ફોટો, વિડીયોથી લઈને મેસેજો સુધી બધું જ શેર કરીયે છીએ. પણ જયારે હકીકતમાં જરૂર હોય ત્યાં શેર કરવાની વાત આવે એટલે આપનો પનો ટૂંકો પડે. કોણે કહ્યું કે વસ્તુ વહેંચવાની હોય? પૈસાનું જ દાન થાય ? સ્નેહ, હૂંફ, આશ્વાસન, વિદ્યા આ બધું પણ આપી જ શકાય. શૅર કરી શકાય. લોકોને સલાહ કરતા મદદની વધુ જરૂર હોય છે. એટલે બહુ ભાષણો, સલાહો, ચેતવણીઓ, ધમકીઓ આપવી નહિ. આપણી પાસે જરૂરત કરતા વધારાનું હોય તો એને જરૂરતમંદને વહેંચી દેવું. જોય ઓફ ગિવિંગનો આનંદ માણી લેવો સાહેબ ! અને જે આનંદ માણવો એ આજે જ માણી લેવો. ભવિષ્યની કલ્પનામાં અને ભૂતકાળની યાદોમાં આજના આનંદની બલિ ના ચઢાવવી. પ્રસૂન જોશી કહે છે: 'लक्ष्य ढूँढते हैं वे जिनको वर्तमान से प्यार नहीं है '
એવી જ વાત કૃષ્ણમૂર્તિએ કહી છે - પાથલેસ પાથ ( માર્ગ વિનાનો માર્ગ). લક્ષ્ય, મંઝિલ, એઇમ આ બધું આપણા જીવનને ફોકસ કરે છે અને એને મેળવવા એના સુધી પહોંચવા આપણે સંઘર્ષ કરીએ છીએ. પણ એ વાત એટલી જ સાચી કે મંઝિલ કરતા વધુ મજા પ્રવાસમાં છે. અને એ પ્રવાસ પણ બહુ સીધાસાદા પસંદ ના કરવા. મારા મતે તો મંઝિલ કરતા પ્રવાસ જ પસંદ કરવો. થોડો ઉબડખાબડ, પથરાળો, વાંકોચૂકો, ટૂંકોટચ ને એડવેન્ચરથી ભરપૂર ! તો આપણો યુવા તરવરાટ કામ લાગે. બહુ લોકોની સલાહ લઈને, પૂછતાછ કરીને, ચોળીને ચીકણું કરીને જીવવું નહિ. આપણને જ્યાં મોજ પડે ત્યાં છલાંગ મારી લેવી.
કૃષ્ણ દવેની ભાષામાં કહું તો :
'ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં'
જીવવું તો મરેલાની જેમ નહિ. ખુમારીથી અને ખુદ્દારીથી જીવવું. વીતી ગયાનો અફસોસ કર્યા કરતા જે છે, જ્યાં છે, જેવું છે એમ જીવી જવું. બાકી મરીઝ તો કહે છે :
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
Badal Panchal