આંસુડે ચીતર્યા ગગન (10)
ટ્રેન બોરીવલી સવારે ૮ -૦૦ વાગતામાં પહોંચી. સામાન ફટાફટ ઉતાર્યો – સામાનનો ખડકલો જોતા શેષથી હસી પડાયું… બાપ રે… આખું ઘર તું તો ઉપાડી લાવી. બિંદુ ખીજવાઈને બોલી. આવ્યા તેનો આનંદ નહીં અને ઉપરથી આખુ ગામ ઉપાડી લાવી એમ કહો છો. અંશભાઈ તમારા ભાઈને કહો કે આ બધું કોણે આપ્યું ?
શેષ ઝંખવાઈ ગયો… ભૂલ થઈ ગઈ… પણ આ બધું લાવવાની તને ના નહોતી લખી ?
‘પણ મારું સાંભળે તો ને ? ’
‘ખેર ! ચાલો બહાર ગાડી રાહ જુએ છે ! ’ અશોક કંસ્ટ્રક્શનની જીપ ખીચોખીચ ભરાઈ ગઈ તો પણ સામાન વધ્યો… તેથી બીજી ટૅક્સીમાં બાકીનો સામાન લઈને અંશ આવ્યો.
ઘરે પહોંચીને બિંદુએ પાડોશીની નાની છોકરીને બોલાવી. કુંભ ઘડા ઉપર મીઠું, અગરબત્તી…. ભગવાનનો ફોટો, દીવો વગેરે મૂકાવ્યું. સવા રૂપિયો કુંવારકાને કુંભ પૂજનના આપ્યા અને પછી ઘરમાં માથે ઓઢીને પગ મૂક્યો …
શેષને બહુ રમૂજ થતી હતી… એ કહે… અરે ગાંડી આ તો તારું ઘર છે. આ બધી વિધી કરવાની કંઈ જરૂર ખરી ?
પણ બિંદુ ન માની… મામીએ કહેલ દરેક વાતને વિશ્વાસથી કરતી રહી. ઘરમાં નાથુ હતો બીજા બે માણસોને બોલાવીને બધું સુવ્યવસ્થિત ગોઠવી દઈને સાંજે પાંચ વાગે પરવાર્યા અને શેષભાઈ પાછા ફર્યા ત્યારે કૉટેજ ઘર બની ગયું હતું.
તેમના મોં પર સંતોષની આભા જોઈને બિંદુ પ્રસન્ન થઈ ગઈ… હું નાથુ જોડે શહેરમાંથી માર્કેટીંગ કરવા નીકળી ગયો… સાચું કહું તો પહેલા મિલનની ક્ષણોને વધારે એકાંત આપવા જ નીકળ્યો.
મુંબઈ નગરી આમ તો અલબેલી ગણાય છે. રોડ ઉપર સરકતી ગાડીઓની વણઝાર અને ઈલેક્ટ્રીક ટ્રેનની ગીર્દી અને માણસોની ભીડ એટલે ખલાસ… પણ મને એવું ક્યાંય ન દેખાયું… કારણ કે મલાડથી મુંબઈ નગરી પુરા પંદર માઈલ દૂર હતી. શાકમાર્કેટમાં જઈને નાથુ ખરીદી કરવા માંડ્યો… મને નવાઈ લાગી… નહીં ભાવતાલ … નહીં રકઝક કશું જ નહીં – મહારાજને જો મંગાયા હૈ લીખા હૈ વહી દે દો…
અને કાછિયો પણ ફટાફટ જોખવા માંડ્યો.
અંશ જતાની સાથે જ બિંદુએ રૂમનું બારણું બંધ કર્યું અને શેષની સામે મલકાઈ… આપણા બે ની વચ્ચે આટલી બધી હવા કેમ છે?
O O O O O O O O
ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા બેઠા મહારાજના હાથની બનેલ વાનગી આરોગતા આરોગતા ત્રણેય જણા ગપ્પા મારતા હતા. અચાનક શેષ બોલ્યો – ‘અરે અંશ ! તારું પરિણામ ક્યારે છે?’
‘પંદરમીએ…’
‘કેવું લાગે છે. ડૉક્ટર થવાનો કે ઇજનેર ?’
‘ડૉક્ટર જ થવાનું ને વળી.’
‘પણ માનો કે ઍડમિશન ન મળે તો ?’
‘ઍડમિશન તો મળશે જ , કેમ ન મળે ?’
‘એક કામ કર અહીંની કૉલેજમાં પ્રયત્ન કર.’
એટલે બિંદુને પણ કંપની રહે અને મને પણ શાંતિ…
‘કબાબમાં હડ્ડી બનું કેમ?’ આ બિંદુ જુઓ અત્યારથી દાંત કચકચાવે છે.
‘ના રે ના મારે શું કામ દાંત કચકચાવવા પડે.પણ મૂળ ભાઈ સાહેબે કોઈ દાક્તરાણી નક્કી કરેલી છે. ક્યાંની છે સિદ્ધપુરની કે અમદાવાદની?’
‘જો બિંદુ ખોટી ચીડવ નહીં હોં’
‘પણ છે ક્યાંની એ તો કહે ?’
‘શેષભાઈ એને દેરાણી લાવવી છે એટલે ઉતાવળ કરે છે. પણ લે ડિંગો… એટલી જલદી હું બધું કહી દઉં એટલો ભોળો નથી હં કે… ’
શેષ બિંદુ સામે જોઈ મલક્યો. ….
‘હં એટલે કહેવા જેવું કંઈક છે ખરું ! ભાઈ સાહેબ ગબડ્યા તો છે જ …’
‘અંશભાઈ કહો ને કોણ છે હેં?’
‘બિંદુડી…’ અંશને ચીડાયેલો જોઈને બંને જણ હસી પડ્યા…
અંશને પણ લાગ્યું… કંઈક કાચું કપાયું છે ! પણ પછી એ પણ હસી પડ્યો…
‘બિંદુ ! હજી તો ભેંસ ભાગોળે છે છાસ છાગોળે છે અને ઘરમાં ધમાધમ જેવો ઘાટ છે. .. ’
‘છતાં પણ કહોને એ ભાગોળની ભેંસ કેવી છે? ’
‘કાળી? મારકણી? શિંગડાવાળી કે પછી રૂપાળી? હેં દિયરજી કહો ને?’
શું જવાબ આપવો તે ન સમજાતા અંશ ચુપ રહ્યો…
‘કહો ને દિયરજી… મારી દેરાણી કેવી છે… હું કંઈ મદદ કરું?’
‘બિંદુ ! શેષભાઈની સામે તો જો… મારી સામે ડોળા કાઢે છે… આ તો ખરી છે મારો ભાવ નથી પૂછતી અને દિયરજી દિયરજી કરે છે…’
‘અંશ શું છે, કહે તો ખરો ?’ શેષભાઈના પ્રશ્નાર્થથી હું ગુંચવાયો…
‘હજી તો કાચું છે… પાકું થશે એટલે કહીશ….’
‘ચોક્કસ ને?’ બિંદુ ટહુકી…
બીજે દિવસે વળતી ટ્રેનમાં અંશ પરત થઈ ગયો.
O O O O O O O O
પંદરમીની સવારે છાપું આવતાની સાથે રિઝલ્ટ જોવા માંડ્યો… ફર્સ્ટક્લાસનું કૉલમ… હૃદય ધબકતું હતું… ચારસોની સિરીઝમાં બાવીસ નંબર હતો જ… એટલે અર્ચના પાસ થઈ ગઈ છે… વાહ ! અર્ચના ફર્સ્ટક્લાસ પાસ થઈ છે… એટલે મેડીકલમાં ઍડમિશન લેશે જ… હૃદય જોરથી ધડકવા માંડ્યું… પણ થોભ મનવા… તારું તો રીઝલ્ટ જો… ચાર હજારની સિરીઝમાં બાવીસ નંબર ગાયબ હતો, આમ હોય ખરું?
કદાચ ! કોઈક પેપર કાચું ગયું હોય તો… સેકંડક્લાસમાં હૃદય ધબકારો ચૂકી ગયું… સેકંડક્લાસમાં પણ ચાર હજાર બાવીસ નથી… થર્ડક્લાસ… ત્યાં પણ નંબર નથી… ખલાસ… શું ફેલ થયો? કંઈક વાંચવામાં ફેર થતો હશે…. એકીટશે જોઈ રહેલી દિવ્યા પણ સમજી કંઈ ગોટાળો થયો છે…. મામાએ પૂછ્યું – ‘અંશ શું થયું?’
આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા… આવું બને તો નહીં… કંઈક પ્રિન્ટ મિસ્ટેક થઈ હશે… શું બોલવું તેની ગૂંગળામણ થઈ ગઈ… ત્યાં બાલુ સુરતી દોડતો આવ્યો…
‘અંશભાઈ પેંડા લાવો….-’
‘કેવી મશ્કરી કરે છે ભાઈ !’
‘કેમ ?’
‘પરિણામમાં તો મારો નંબર જ નથી…’
‘તો શું થઈ ગયું… કૉલેજના બૉર્ડ ઉપર તો તમારું નામ લાગ્યું છે. યુનિવર્સિટીમાં આઠમો અને અને મહેસાણામાં પહેલો નંબર અંશ કે. ત્રિવેદી… તમારો નંબર ૪૦૨૨ ને ?’
‘હા, પણ છાપામાં તો નંબર હોવો જોઇએ ને ?’
‘પણ યુનિવર્સિટીના પહેલા દસનું લિસ્ટ જોયું ?’
‘ના..’
દિવ્યાએ તરત છાપું બતાવ્યું… અને નામ હતું જ… ક્ષણ પહેલા ધડકતું હૈયું આનંદવિભોર થઈને ઝૂમી ઊઠ્યું…
મામા અને મામીને પગે લાગ્યો… આખું ફળિયું અભિનંદન આપવા ઉમટ્યું… પેંડા વહેંચાયા… મન ઝૂમી ઊઠ્યું… કરુણાશંકરનો છોકરો… તેજસ્વી જ હોય… મામા… કાયમ કહેતા… પણ ઉછેર તો મામાનો હતો… એ કેમ એવું કહેતા તે મને ક્યારેય સમજાયું નહોતું…
હવે તો હું પણ ડૉક્ટર બનવાનો જ… ડૉક્ટર બનીને દેશના ગરીબ ગુરબાની સેવા કરવાનો… અને દેશ માટે કંઈક કરી છૂટવાનો… વાળા સ્વપ્નો જે સ્કાઉટિંગ… એન.સી.સી તથા એ.સી.સી.ની પ્રવૃત્તિ દરમ્યાન મનમાં પડેલા તે સળવળવા માંડ્યા…
મિત્રોના વૃંદોમાં, ફૂલો, શુભેચ્છાઓ અને આશિષમાંથી છટકીને મન ક્ષણાર્ધમાં અર્ચનામાં દોડી જતું હતું. પછી મન પાછું વળી જતું આશાઓ લઈને… ભીનું ભીનું શમણું બનીને હૃદય ખીલી જતું હતું.