કાન્તા - 1
પોલીસ સ્ટેશનમાં મને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો. મને લોકઅપ માં નહોતો નાખ્યો એટલું જ, બાકી.... થોડીવારે એક કોન્સ્ટેબલ આવીને મને બહાર કોરીડોરમાં લઇ ગયો, ને બોલ્યો "બોલો શું કરવું છે? અમે ફરિયાદ લખી નથી, તેમને ફરિયાદ ન કરવા સમજાવી રહ્યા છીએ, જો એફઆઈઆર લખાઈ જશે પછી તમે મુશ્કેલીમાં મુકાશો."
"આભાર સાહેબ... મારી મદદ કરવા માટે. "
"એ તો બધું ઠીક છે, પણ તમારે ચા-પાણી કરાવવા પડશે."
"વિશ્વાસ કરો સાહેબ, તે જૂઠું બોલે છે, હું ખરેખર નિર્દોષ છું."
"અમે અહીં ઝખ થોડી મારી છે? માણસને જોતા જ અમે બધું સમજી જઈએ છીએ." કહીને તે મને ફરી બેન્ચ પર બેસાડીને બોલ્યો, "અહીંથી કશે જતા નહિ, હું આવું છું."
એ કલાકમાં હું એ પુરી સ્ત્રીજાતને ગાળો આપી, મને ખુબ જ ખરાબ ફીલ થઇ રહ્યું હતું, ગુસ્સે થાઉં કે રડું,તે હું નક્કી કરી શકતો નહોતો. ફરી તે કોન્સ્ટેબલ આવ્યો ને મને કહ્યું "ચાલો માવો ખાઈએ." હું સમજી ગયો, તેણે પાનના ગલ્લાવાળાને "સાહેબ પાસેથી માવાના પૈસા લઇ લે" કહીને જતો રહ્યો. ગલ્લાવાળાએ મારી પાસેથી હજાર માંગ્યા. મેં કહ્યું કે માવાના હજાર? તો હસીને બોલ્યો "હા, બહુ સસ્તામાં, ફક્ત માવામાં પતિ ગયા, જો માવા સાથે ચા પણ પીવડાવતા તો બે હજાર અને નાસ્તાના પાંચ હજાર છે."
હું ઘેર આવ્યો. દરવાજો ખોલતા જ માં હસીને બોલી "આવી ગયો, મારા વાઘ? બરાબર સબક શીખવાડ્યો, તારા બાપા પણ તારા જેવા જ હતા, જરાયે અન્યાય સહન ના કરે.. કોઈ પર પણ થતો હોય, તે વચ્ચે કૂદી જ પડે..."
હું પરાણે હસીને બોલ્યો "શું ખાક સબક શીખવાડ્યો? અરે હું સબક શીખીને આવ્યો છું... માંડ માંડ અને હજાર આપીને છૂટ્યો છું."
"કેમ? શું થયું?"
"સાલી રાંડ નીચ નીકળી... પોલીસ સામે મને જૂઠો કહ્યો, ને બોલી કે મારા પતિએ મને માર્યો જ નથી, કે કોઈ દિવસ હાથ ઉપાડ્યો નથી. ઉલટો મારા પર આરોપ લગાવ્યો કે હું તેને રોજ છેડું છું ને ગંદી કોમેન્ટ કરું છું."
"શું??"
" હા, સાલો ભલાઈનો જમાનો જ નથી, મને તો આશ્ચર્ય થાય છે કે લોકો કઈ રીતે પોતાના ઝમીરને મારી લેતા હશે? તે રાંડને શરમ ન આવી? તેના પતિના મારથી તેને બચાવી અને પોલીસ બોલાવી, તો મને જ....??"
માં મારી સામે જ જોઈ રહી હતી, તે મારા માથે હાથ ફેરવીને બોલી "તે તેના સંસ્કાર પ્રમાણે વર્તી, આપણે આપણા સંસ્કાર પ્રમાણે વર્ત્યા... મને તેનો દોષ જોવાતો નથી, પણ તેની દયા આવે છે. તે રોજ માર ખાવા છતાં પણ પતિ અને સાસરીની ઈજ્જત રાખી ને તેમના વિરુદ્ધ કશું બોલી નહિ. આપણો સમાજ જ એવો છે.. ચા પી ને જલ્દી દુકાને જા.."
આખો દિવસ હું ઉદાસ રહ્યો. મને હવે મારી ગલીમાં જતા પણ શરમ આવતી હતી, રાતે ઘેર આવ્યો તો મને લાગ્યું કે મહોલ્લાના બધા મને જ તાકી રહ્યા હતા, જાણે હું તેમના ઘરની સ્ત્રીઓ, છોકરીઓને ઉપાડી જવાનો ના હોઉં.... ઘરમાં ઘુસ્તા જ માંને કહ્યું "મને હવે અહીં રહેવું નથી, આપણે બીજે ભાડે ઘર લઈએ."
"ના, હવે કશે નહિ, બસ અહીંથી આપણા પોતાના ઘેરે જ જઈશું, બસ હવે મહિના જેટલું તો કામ બાકી છે." અને પછી થોડીવારે ધીરેથી જાણે સ્વગત બબડતી હોય એમ બોલી "ઘરનું પતે પછી તારા લગનનું પણ ગોઠવવું છે."
"હા, એવી છોરી શોધજે કે જેને હું રોજ ફટકારું તો પણ કોઈને કહે નહિ કે મારુ ખરાબ બોલે નહિ..."
માં હસી પડી, ને બોલી "હવે મારો ગગો મૂડમાં આવી રહ્યો છે, તું કોલેજમાં હતો ને આપણા ઘેરે જે રોજ આવતી હતી, શું નામ હતું તેનું?? તેની સાથે તારું ગોઠવ ને..."
"તેની પાસે બે વરસનો છોકરો છે, બે-ચાર દિવસ પહેલા જ તેના છોકરાને લઈને મામાની દુકાને આવી હતી."
"પછી? મામાએ શું કર્યું?"
"મામાએ ભાણેજને બે જોડી શૂઝ ગિફ્ટ આપ્યા...હા હા હા .."
હવે અમારા જુના ઘરનું રીનોવેશન, રીપેરીંગ કામ પતિ ગયું હતું. અમે ફરી ત્યાં શિફ્ટ થઇ ગયા, જે મારી દુકાનથી નજીક પણ હતું, એટલે માં પણ નવરી થઈને દુકાને આવતી હતી, અને એટલેજ હું રખડી પણ શકતો હતો. માં મારા લગ્ન કરવા ઉતાવળી હતી, પણ હું જરાયે ઇન્ટરેસ્ટ લેતો નહિ, માને ચોખ્ખું કહી દીધું હતું કે તું કહીશ તેની સાથે હું પરણી જઈશ, એટલે મને પૂછ પૂછ ના કર. હા, ફક્ત એટલું જોજે કે ભણેલી હોય.. મારા જેવી વગર ડિગ્રીની ના હોય. પપ્પાના અચાનક થયેલા મોતને કારણે મારે કોલેજ છોડીને દુકાન સંભાળવી પડી હતી. જોકે તેનો મને અફસોસ નથી, ભણીને પણ હું કઈ ડોક્ટર કે એન્જીનીઅર બની શકું એટલો હોશિયાર પણ નહોતો. પપ્પા હતા ત્યારે પણ માં દુકાને બેસતી હતી અને દુકાનનું દરેક કામ સાંભળતી હતી, પપ્પાના મરણ પછી દુકાનની જવાબદારી મારી ઉપર આવી, પણ માંની મદદ વગર હું સંભાળી શકતો નહિ, એમ કહો કે માંએ જ મને જૂતાંનો બિઝનેસ શીખવાડ્યો હતો, ભાવ, ખરીદી, પસંદગી, સાઇઝો, પરખ, વગેરે માં થી શીખ્યો છું. જોકે આજે તો હું સારોએવો જાણકાર અને સારું કમાતો પણ થઇ ગયો છું. મારી માં મને ઘણીવાર મજાકમાં કહેતી પણ હતી કે તું પણ તારા બાપ જેમ જૂતા જ વેચી ખાવાનો છે, અને આજે હું એજ કરી રહ્યો છું.
પપ્પા હતા ત્યારે હું જવલ્લે જ દુકાને જતો. હું પપ્પા સાથે કે પપ્પા મારી સાથે વધારે બોલતા નહિ, કામ પૂરતું જ અને એક શબ્દ કે એક વાક્ય નો જ વાર્તાલાપ થતો. હું પહેલેથી જ માં નો દીકરો છું. માં મને ખુબ ફટકારતી, અને થોડીવારે તે મને મનાવી પણ લેતી. તે બહેનને ક્યારેય મારતી નહિ. માં સાથે હું મારી દરેક વાત શેર કરતો હતો ને આજે પણ કરું છું. માં સાથે હું કલાકો વાતો કરી શકું, પણ પપ્પા સાથે કલાક પણ હું ગાળી શકતો નહિ, મને એક અજીબ અસુવિધા મહેસુસ થતી. પૈસા કે કોઈ વસ્તુ માટે કે કશે જવાની પરમિશન માટે પણ હું માં ને જ કહેતો, માં મારી અને પપ્પાની વચેટિયન હતી. પપ્પા ભલે સીધું મને કશું કહેતા નહિ, પણ માં દ્વારા તે મારો બધો જ ખ્યાલ રાખતા. મારી દરેક જરૂરિયાત પુરી કરતા, મને ખુબ ચાહતા હતા, પણ ન જાણે કેમ પણ અમે ખુલીને વાત કરી શક્યા નહિ કે દોસ્તો બની શક્યા નહિ.
માં મને બે-ત્રણ છોકરીઓ જોવા લઇ ગઈ હતી, મારે પરાણે જવું પડ્યું, માંને કહ્યું પણ ખરું કે તું જ પસંદ કર, હું પરણી જઈશ, મને જોવાની જરૂર નથી. તો તેણે હસીને કહ્યું હતું કે છોકરીને પણ તું ગમવો જોઈએને... એટલે તેને ગમાડવા માટે પણ તારે આવવું જ પડશે... ખેર, બે છોકરીઓએ મને રિજેક્ટ કર્યો, અને એકને માંએ રિજેક્ટ કરી. આમને આમ વરસ નીકળી ગયું, મને કોઈ ઉતાવળ નહોતી, હું સુખી હતો, પણ માં મને પરણાવવા ઉતાવળી થઇ હતી. લગન તો હું કરીશ જ.. બહેનના પણ લગન થઇ ગયા એટલે ઘરમાં પણ સુનકાર લાગતો હતો.
*****
સવારના લગભગ અગિયાર થયા હશે, હું દુકાને હતો, ને મારો ફોન વાગ્યો. અજાણ્યો નંબર હતો, હું બોલ્યો "હલ્લો" સામેથી સ્ત્રી બોલી "હલ્લો નચિકેતભાઈ?"
"ના, નચિકેતા.."
"હા, હા, નચિકેતાભાઈ, હું કાન્તા.. ઓળખાણ પડી?"
"સોરી, પણ મને કઈ યાદ આવતું નથી."
"આપણે થોડો સમય પાડોશી હતા, અને તમે મારે માટે ઝઘડો કર્યો હતો... યાદ આવ્યું?"
મારુ મોં કડવું થઇ ગયું. તે આગળ બોલી "મને જે કઈ થયું તે માટે ખૂબ જ પસ્તાવો છે, જ્યાં સુધી તમે માફ નહિ કરો ત્યાં સુધી હું મારી જાતને પણ માફ નહિ કરી શકું. તમે મારે માટે એક અજાણ્યા માટે જે કઈ કર્યું, તેવું બહુ ઓછા કરે છે, કશાય સ્વાર્થ વગર.. અને તમને શું મળ્યું? મને તમારા માટે ખુબ જ માન છે.""
"કરી દીધા, બસ? આજે જ મને ખબર પડી કે કોઈ પ્રત્યે માન હોય તો તેની પર ગંદો આરોપ લગાવીને બદનામ કરવું અને ખુબ ખુબ માન હોય તો સાથે પોલીસ ફરિયાદ પણ કરી દેવી..હા, હા, હા,... સોરી પણ હમણાં કામનો સમય છે, અને હું બીઝી છું. મારો નંબર કોણે આપ્યો?"
"તમારી મમ્મી પાસેથી નંબર અને દુકાનનું એડ્રેસ લીધું, હું જાતે જ આવવાની હતી, પણ પછી વિચાર્યું કે પહેલા ફોન કરવો જ સારો રહેશે."
"સારું કર્યું, આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? ખાલી દોઢ વરસ તો થયું છે ને તમે માફી માંગવા પણ નીકળી પડ્યા? ઘણા ઉતાવળા તમે...."
"તમારી વાત બરાબર છે, પણ... હમણાં તમે કામમાં છો, વાંધો નથી, હું રાત્રે ફોન કરીશ."
તેના ફોને મને સ્ત્રી જાત પરથી વિશ્વાસ ઉઠાવી લેતા બચાવી લીધો. લાગ્યું કે ગમે તેમ પણ હજુ લોકોનું ઝમીર પરવારી તો નથી જ ગયું. બપોરે જમવા ઘેર આવ્યો કે તરત માં બોલી "સવારે મણિનગર ગઈ હતી તો પેલી મળી હતી, કહેતી હતી કે તને મળીને માફી માંગવી છે, એટલે તારો નંબર આપ્યો છે, કદાચ ફોન આવશે."
"આવ્યો હતો, તને નંબર ના આપવો જોઈએને... માફી મંગાવીને આપણે શું કમાઈ લેવાના હતા..."
"તેને માટે... તેની વાતો થી મને લાગ્યું કે બિચારી અપરાધભાવ લઈને ફરે છે તે ઓછો થાય... આ પણ પુણ્ય જ કહેવાય, નહિ?"
"રાતે ફરી ફોન કરવાનું કહેતી હતી."
"સારી રીતે વાત કરજે, હું સમજી શકું છું કે તે વખતે તેના પર શું વીત્યું હશે... પણ ફોન રેકોર્ડ કરજે, આમ તો મને ભોળી લાગી, પણ સાવચેતી રાખવી સારી."
રાત્રે જમી પરવારીને હું રોજની જેમ બજારમાં દોસ્તો સાથે બેઠો હતો ને તેનો મેસેજ આવ્યો, કે હવે ફોન કરું? મેં પણ હા એમ લખી દીધું. તરત જ તેનો ફોન આવ્યો "નચિકેતાભાઈ, તમે મને માફ કરી કે નહિ? હું ખૂબ જ દિલગીર છું, પણ મજબુર હતી."
"તમારી મજબૂરી હું સમજી શકું છું, અને તે માટે મને કોઈ ફરિયાદ નથી કે નહોતી, તમે એક આદર્શ અને પતિવ્રતા સ્ત્રી છો તે બતાવવા માટે ફક્ત એટલું જ કહેતા કે ના મને માર્યો નથી, કે મારતા નથી, પણ મને ખોટું એ વાતનું લાગ્યું કે મારા પર આરોપ લગાવ્યો? કે જેની કોઈ જરૂર જ નહોતી. મહોલ્લામાં મને બદનામ કર્યો?."
થોડીવાર તે કશું બોલી નહિ, પછી કહ્યું "મને તમારા પ્રત્યે ખુબ જ માન છે, પણ તમારી વાતનો મારી પાસે કોઈ જવાબ નથી, તમે નહિ સમજી શકો કે તમારા સમાજમાં રહેવા માટે એક સ્ત્રીએ કેટલી તડજોડ અને બાંધ-છોડ કરવી પડે છે."
"અમારા સમાજમાં? એટલે?"
"તમારા એટલે પુરુષોના... પ્લીઝ, તમે.."
"હા, હા, હવે મારા મનમાં કશું નથી, માર ખાતા રહો અને ખુશ રહો..."
"વરસથી મેં તેને છોડી દીધો છે, હાલ અમારો છુટા-છેડાનો કેસ ચાલી રહ્યો છે."
"આ મને ગમ્યું, હવે ખરેખર મેં તમને માફ કરી દીધા...ફોન મુકું છું."
"એક મિનિટ પ્લીઝ, મને તમારું કામ છે, મદદ જોઈએ છે."
"જુઓ મેડમ, તમારી ભૂલ થાય છે, હું કોઈ સમાજસેવક નથી કે કોઈ સમાજસેવી સંસ્થા નથી ચલાવતો, તમને તે લોકોને મળવું જોઈએ. આ તો મારી સામે બન્યું હતું એટલે હું વચ્ચે પડ્યો હતો, બસ એટલું જ..."
"મદદ એટલે તમે ધારો છો એવું કશું નહિ, એક નાનકડું કામ છે, પણ પ્રોમિસ કરો કે તમે ના નહિ પાડો."
હવે હું ખરેખર અકળાયો, "મારી સગી માં મારી પાસે કોઈ નાનકડી વાતનું પણ પ્રોમિસ માંગે તો હું કરતો નથી, ને તમને પ્રોમિસ કરું? એ પણ વાત જાણ્યા વગર? પ્લીઝ, મને ઊંઘ આવે છે, બાય.."
"ભલે, આભાર.. વાત કરવા અને માફ કરવા માટે..." તેના અવાજ પરથી મને લાગ્યું કે રડી પડી હશે કે રડવા જેવી થઇ ગઈ હતી. મને દયા આવી, બોલ્યો "ઓકે, કહો શું મદદ જોઈએ છે?"
"હું તમારી દુકાને આવીશ, રૂબરૂ જ વાત કરીશું, આવું ને?"
"હા, ભલે આવો,તમાંરી વાત સાંભળીશ, એવું માનીને આવતા નહિ કે તમને હેલ્પ કરીશ."
બે દિવસ નીકળી ગયા, તે આવી નહિ, કેમ હું તેની વાટ જોતો હતો? ના આવે તો સારું, લપ ઓછી.. તે કશું માંગશે કે કામ સોંપશે તો હું ના નહિ પાડી શકું, મારો સ્વભાવ જ એવો છે
--------- બાકી છે.