Panch nani addbhut vartao 11 in Gujarati Short Stories by Anil Chavda books and stories PDF | પાંચ નાની અદભુત વાર્તાઓ 11

Featured Books
Categories
Share

પાંચ નાની અદભુત વાર્તાઓ 11

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૧૧)

લેખક - અનિલ ચાવડા

૧. વાવેતર

એક માણસનું ખેતર કોઈ દૈવી વરદાનને લીધે જાદુઈ થઈ ગયું. એક વર્ષ માટે તેના ખેતરને એવું વરદાન મળ્યું કે ખેડૂત પોતાના ખેતરમાં જે કંઈ પણ વાવે, તે ઊગી નીકળે. ખેડૂતે પોતે જ વાવવાનું હતું, બીજો કોઈ વાવે તો કશું પરિણામ આવે તેમ નહોતું. આવું વરદાન મળવાથી ખેડૂત તો રાજીનો રેડ થઈ ગયો. ગામના બીજા માણસોને તેની ઈર્ષા થઈ.

ખેડૂતને વરદાન મળતાંની સાથે જ ગામના અનેક લોકો સલાહ આપવા આવી ગયા. કોઈક ખેતરમાં સોનું, ચાંદી, ઝર-ઝવેરાત કે પૈસા સુધ્ધાં વાવવાનું કહેતા, ખેડૂતને પણ એમની વાત વાજબી લાગતી. પણ ખબર નહીં, એમ કરવામાં એનું મન માનતું નહીં. દિવસો વીતતા જતા હતા. લોકો કહેવા લાગ્યા કે આમ ને આમ તો વર્ષ પૂરું થઈ જશે અને કશું મળશે નહીં. છતાં ખેડૂત સતત વિચારતો રહેતો કે ખેતરમાં શું વાવવું? તેણે વિશ્વના સૌથી વિદ્વાન લોકો, વિશ્વના સૌથી શ્રીમંત લોકો, સૌથી બુદ્ધિશાળી લોકોની સલાહ લીધી. પણ દરેક સલાહનો છેલ્લો સાર એવો જ રહેતો કે સંપત્તિની પ્રાપ્તિ!

પણ ખેડૂતને કંઈક વિશેષ જ વાવવું હતું. દરેક પાસે સલાહ લેતી વખતે ખેડૂતને એક વાત જાણવા મળી કે દરેક વ્યક્તિમાં કશો ને કશો અભાવ રહેતો હતો. કોઈને ધનનો અભાવ સતાવતો, તો કોઈકને પદનો, કોઈને પ્રતિષ્ઠાનો તો કોઈને વિદ્વત્તાનો, કોઈને વ્યક્તિનો અભાવ હતો તો કોઈને શક્તિનો. દરેક માણસ કોઈ ને કોઈ અસંતોષથી પીડાતો હતો.

આખરે ખેડૂતે એક દિવસ ગામમાં સભા બોલાવી તે શું વાવવાનો છે, તે જાહેર કરવાનું નક્કી કર્યું. આ પળની જાણે કે બધા જ રાહ જોઈને બેઠા હોય એમ સભામાં અનેક લોકો આવ્યા. ગામ તો ઠીક પણ દૂર દૂરથી માણસો એ જાણવા આવ્યા કે આ ખેડૂત પોતાના જાદુઈ ખેતરમાં શું વાવશે?

સભામાં જાણે કે નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી. બધા માત્ર ને માત્ર પેલા ખેડૂતના શબ્દોની કાગડોળે રાહ જોતા હતા. આખરે એક વિદ્વાને કહ્યું, “બોલો ભાઈ, હવે કહો કે તમે તમારા ખેતરમાં શું વાવવા માગો છો?”

ખેડૂતના હોઠ ખૂલ્યા ત્યારે જાણે સભામાં બેસેલા દરેક માણસના શ્વાસ થંભી ગયા, એના શબ્દો સાંભળવા માટે. ખેડૂતે હળવે રહીને કહ્યું, “હું પરમ સંતોષ અને સમજણનું વાવેતર કરવા માંગું છું.”

સાંભળતાંની સાથે જ સભામાં ગુસપુસ થવા લાગી. બધા લોકો તેની પર હસવા લાગ્યા. આવી તે કંઈ ખેતી હશે? અનેક લોકોએ ખેડૂતને મૂર્ખો કહ્યો. એક વિદ્વાને કહ્યું, “પણ મને એ નથી સમજાતું કે તમે આ પરમ સંતોષ અને શુદ્ધ સમજણની વાવણી કરીને કરશો શું?”

“ઘણું વિચાર્યા પછી અને ઘણા બધાને મળ્યા પછી મેં જોયું છે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક અભાવ અને અસંતોષ હોય છે. પદ, પૈસા કે પ્રતિષ્ઠા હોવા છતાં પણ કંઈક ને કંઈક અસંતોષ તો હોય જ છે. દરેક વ્યક્તિ નાની નાની ગેરસમજ અને અણસમજથી પીડાય છે. હું દરેક માણસને પરમ સંતોષ અને જીવનની સાચી સમજણ વહેંચવા માગું છું. જેનાથી એના જીવનમાં રહેલો અસંતોષ મટે અને નાની નાની વાતે સર્જાતી અણસમજ અને ગેરસમજ દૂર થાય.” ખેડૂતે જવાબ આપ્યો.

ખેડૂતની આવી વાત સાંભળીને બધા તેને મૂર્ખો ગણીને વીખરાવા લાગ્યા. જતાં જતાં એક માણસે કહ્યું, “જુઓ ભાઈ, તમને ખોટું ન લાગે તો એક વાત કહું?”

“હા, જરૂર કહો.” ખેડૂતે કહ્યું.

“સૌથી પહેલાં તો તમે તમારી આ ગેરસમજ દૂર કરો કે તમે પરમ સંતોષ વાવશો, એ ઊગશે અને લોકો કાયમ માટે પરમ સંતોષી અને કોઈ પણ પ્રકારના અભાવ વિનાના થઈ જશે.”

૨. ખરતો તારો

આકાશમાં એક નાનકડો તારો ખરું ખરું થઈ રહ્યો હતો. બીજા તારાએ કહ્યું, “તું તો હજી યુવાન છે. હજી લાંબા સમય સુધી આકાશમાં રહીને પ્રકાશ રેલાવી શકે એમ છે, તો પછી તારે કેમ ખરી જવું છે?”

પેલો તારો કશું ન બોલ્યો, માત્ર પ્રશ્ન પૂછનાર તારાની સામે જોઈ રહ્યો.

તારાએ ફરી પૂછ્યું, “શું તું તારા જીવનથી સાવ નિરાશ થઈ ગયો છે? તારા જીવનમાં કોઈ તકલીફ છે? હું તને કંઈ મદદ કરી શકું?”

છતાં પેલા તારાએ કશો જવાબ ન આપ્યો. પૂછનાર તારો મૂંઝાયો. તેણે કહ્યું, ‘જો તું કશું બોલીશ જ નહીં તો મને કઈ રીતે ખબર પડશે કે તારે શું તકલીફ છે?”

ખરવાની તૈયારી કરી રહેલો તારો પ્રશ્ન પૂછનાર તારાની સામે સસ્મિત જોઈ રહ્યો અને હળવે રહીને કહ્યું, “મને કોઈ જ તકલીફ નથી. હું ખૂબ જ ખુશ છું.”

“તો પછી તું કેમ ખરી જવા માંગે છો?” તારાએ વેધક દૃષ્ટિથી ફરી પ્રશ્ન કર્યો.

“ત્યાં સામે પૃથ્વી જોઈ રહ્યા છો?” ખરનાર તારાએ સામો પ્રશ્ન કર્યો.

“હા, કેમ?” સામેવાળા તારાએ જવાબ અને પ્રશ્ન બંને એકસાથે આપ્યા.

“ત્યાં કોઈ એક વ્યક્તિ આકાશમાં જોઈને ક્યારની બેઠી છે, ખરતા તારાની રાહમાં.”

“કેમ?” પેલા તારાએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું.

“તે એવું માને છે કે તારો ખરતી વેળાએ જે માગીએ તે મળે. તેને એવી આશા છે કે આકાશમાંથી એક તારો ખરશે અને તે જે માગશે તે તેને મળશે જ.” ખરનાર તારાએ શાંતિથી કહ્યું.

“પણ એનાથી તારે ખરી જવાની શી જરૂર છે?”

“એ વ્યક્તિ ક્યારની એટલી બધી અઢળક આશાઓ સાથે બેઠી છે, એની આ વિહ્‌વળતા જોઈને મારાથી રહેવાતું નથી.” તારાએ પોતાની લાગણી દર્શાવી.

“પણ આમ તારા ખરી જવાથી એણે માગેલું એને મળશે ખરું?” પેલા તારાએ ફરી પ્રશ્ન કર્યો.

“એની આશા એટલી બધી તીવ્ર અને મજબૂત છે કે મને ખરતો જોઈને એણે જે મેળવવું છે તેના માટે એનો આત્મવિશ્વાસ અડગ થઈ જશે. એને એવું લાગવા માંડશે કે હવે તેને ઇચ્છિત મળશે મળશે ને મળશે જ, અને પછી આ આત્મવિશ્વાસના લીધે એ જાતે જ પોતાની મહેનતથી ઇચ્છિત વસ્તુ મેળવી લેશે.”

આટલું કહીને પેલો તારો રોશનભર્યો લસરકો કરતો ખરી ગયો.

૩. વિધિનો લેખ

એક માણસ પોતાના જીવનથી ખૂબ કંટાળી ગયો હતો. તેને એવું લાગતું હતું કે તેના જીવનમાં માત્ર દુઃખ જ દુઃખ છે, સુખ જેવું કશું છે જ નહીં. તે જીવનથી ખૂબ જ ત્રાસી ગયો હતો. કંટાળીને છેવટે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. આત્મહત્યાના અનેક પ્રયાસો કર્યા પણ તેમાં પણ તે સફળ ન થયો, દરેક વખતે કોઈ ને કોઈ કારણથી બચી જતો. તે પોતાના કરમને ભાંડવા માંડ્યો, “હે ભગવાન, તેં મારા જીવનમાં આ કેવા લેખ લખ્યા છે, મારે આવા કેવા દિવસો જોવા પડે છે? વિધિના લેખનું નખ્ખોદ જજો. મને સરખી રીતે મરવા પણ નથી દેતા.”

વિધાતાના કાનના કીડા ખરી પડે તેવી ગાળો આપી અને કહ્યું, “મારા જીવનમાં તો મરવાનું ય નથી લખાયું. શી ખબર મારા લેખમાં શું લખાયું છે. મને સરખો જીવવા પણ નથી દેતા.”

માણસ મોટે મોટેથી બળાપા કરી રહ્યો હતો, ત્યાં જ અચાનક એક વિચિત્ર અને દૂબળી-પાતળી પીડાથી કણસતી અને ઝાંખી ઝાંખી દેખાતી વ્યક્તિ એની સામે આવી. આવતાંની સાથે જ તેણે કહ્યું, “તમે વારંવાર તમારા ભાગ્યને કેમ દોષ આપ્યા કરો છો?”

થોડી વાર તો માણસ ડઘાઈ ગયો. તેણે પૂછ્યું, “તમે કોણ છો?”

“હું તમારા નકામા અને નમાલા ભાગ્યનો લેખ છું, જેને તમે વારંવાર ભાંડ્યા કરો છો.”

અચાનક પોતાના ભાગ્યનો લેખ આંખ સામે આવી જતા માણસ અચંભામાં પડી ગયો. થોડી વાર તો એને વિશ્વાસ જ ન બેઠો. પછી ધીમે રહીને તેણે કહ્યું, “મારાં જ કરમ ફૂટી ગયાં છે કે મારા ભાગ્યમાં તારા જેવો દુઃખી અને પીડાથી કણસતો લેખ આવ્યો. વિધાતા તારું નખ્ખોદ જજો, મારા ભાગ્યના લેખને તેં આવો દુઃખી લખ્યો.” માણસે વિધાતાને ભાંડ્યો.

“આમાં વિધાતાનો વાંક નથી. એમણે મને નથી લખ્યો.” પેલા લેખે ગંભીર થઈને કહ્યું.

“મારા જીવનનું ભાગ્ય લખવામાં પણ છળ? વિધાતા તું આટલો બધો આળસુ છે કે મારા જીવનનો લેખ લખવા માટે તે કોઈ ચીલાચાલુને કામ સોંપી દીધું? વિધાતાએ તને નથી લખ્યો તો પછી કોણે લખ્યો છે?” માણસે દુઃખ અને ગુસ્સાથી કહ્યું.

“તમે...” વિધિના લેખે કહ્યું.

વિધિના લેખનો જવાબ સાંભળી એક પળ માટે તો માણસ જાણે હેબતાઈ જ ગયો.

“મારા ભાગ્યના લેખને હું કઈ રીતે લખી શકું? એ તો વિધિ લખે એમ જ થાય.” માણસે કહ્યું.

“વિધિ ક્યારેય કોઈનો લેખ લખતાં જ નથી. વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનો લેખ લખે છે.”

“પણ મને તો લખતાં જ આવડતું નથી. હું તને કઈ રીતે લખી શકું?” પેલા માણસે કહ્યું.

“એના માટે પેનથી લખતા આવડવું જરૂરી નથી. તમારાં કાર્યો એ જ તમારી કલમ છે. જેવાં કાર્યો તમે કરશો એવો હું લખાઈશ. મારા સર્જનની કલમ તમારા હાથમાં છે, માટે પ્લીઝ, હું તમને વિનંતી કરું છું કે મને દોષ આપવાનું બંધ કરો.” આટલું કહીને વિધિનો લેખ અદૃશ્ય થઈ ગયો.

૪. બે પત્રો

કામવાળાએ કચરાનો ડબ્બો સાફ કર્યો ત્યારે છેલ્લે બે કાગળના ડૂચા એમ ને એમ રહી ગયા. એક કાગળના ડૂચાનો કલર ગુલાબી હતો, જ્યારે બીજો સફેદ હતો.

ગુલાબી કાગળે સફેદ કાગળને પૂછ્યું, “તમે કોણ છો?”

“હું એક માએ એના દીકરાને લખેલો પત્ર છું.” સફેદ કાગળે કહ્યું.

“અહીં ક્યાંથી આવ્યા?” ગુલાબી કાગળે ફરી પ્રશ્ન કર્યો.

“બહુ લાંબી વાર્તા છે.”

“અચ્છા અચ્છા સમજી ગયો. દીકરો એની માને ચાહતો નહીં હોય, એણે ફેંકી દીધો હશે અને તમે જુદી જુદી જગ્યાએ રઝળતા રઝળતા અહીં આવી ગયા. બરાબર ને?”

“ના.”

“તો?”

“દીકરો એની માને ખૂબ જ પ્રેમ કરતો હતો.”

“તો તમે તેના સુધી ના પહોંચ્યા, એવું થયું?”

“ના, હું પણ એના સુધી પહોંચ્યો.”

“તો પછી તમારા કચરાપેટીમાં આવવાનું શું કારણ, બહુ જૂના થઈ ગયા અને તમારું કામ પતી ગયું એટલે?”

“ના, એવું પણ નથી. મને જે આશયથી લખવામાં આવ્યો હતો, તે કામ તો હજી પણ અધૂરું જ છે.”

“તો પછી એ છોકરાએ તમને વાંચ્યા નહોતા એવું હતું?”

“ના, એણે મને વાંચ્યો હતો... અને બીજા દિવસે મને જે આશયથી લખાયો તે કામ કરવા પણ તે જવાનો હતો...”

“તમને કયા આશયથી લખવામાં આવ્યા હતા?” ગુલાબી પત્રે આશય જાણવાનો પ્રયત્ન કર્યો.

“લો, મને વાંચી લો...” આટલું કહીને ડૂચો વળેલો કાગળ ધીમે રહીને ઉઘાડો થયો.

ગુલાબી કાગળે વાંચ્યું, “દીકરા, હવે આ દેહનો ભરોસો નથી, અંતિમ વખતે તને હૈયું ભરીને મળી લેવા માગું છું.”

“તમારી વાત તો ખૂબ જ રસપ્રદ અને લાગણીશીલ લાગે છે, જરા વિસ્તારથી કહો તો ખરા...” ગુલાબી પત્રને રસ પડ્યો...

“થોડી લાંબી વાત છે.”

“વાંધો નહીં, કહો, હું સાંભળું છું.” ગુલાબી પત્રે હળવાશથી કહ્યું.

“હું જે દીકરાને લખાયો તે છોકરો એક સુંદર છોકરીને ચાહતો હતો. તે છોકરી એક લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતી હતી. છોકરો દરરોજ પુસ્તક લેવાને બહાને છોકરીને જોવા માટે જતો. છોકરીને પણ ખબર હતી કે તે છોકરો તેને ખૂબ ચાહે છે. પણ બંને ક્યારેય પોતાના પ્રેમનો એકરાર નહોતાં કરી શક્યાં.

એક દિવસ છોકરીએ છોકરાને પ્રેમપત્ર લખ્યો અને જ્યારે છોકરો પુસ્તક લેવા આવ્યો ત્યારે તેને ખબર ન પડે તે રીતે પુસ્તકનાં પાનાંઓ વચ્ચે પોતાનો પ્રેમપત્ર મૂકી દીધો.

બીજા દિવસે છોકરો લાઇબ્રેરીમાં ગયો. છોકરીને એમ કે છોકરો કશી વાત કરશે, પણ એવું કશું થયું નહીં. છોકરાએ લાઇબ્રેરીમાં પાછું આપેલું પુસ્તક જોયું તો પ્રેમપત્ર હજી એમનો એમ જ હતો. છોકરાએ પુસ્તક ખોલીને જોયું જ નહોતું. છોકરીને થોડું દુઃખ તો લાગ્યું, પણ એને ખબર હતી કે રોજ રોજ પુસ્તક બદલવાનું તો એક બહાનું હતું, એ તો માત્ર એને જોવા માટે જ લાઇબ્રેરીમાં આવતો હતો.

બીજા દિવસે ફરી છોકરીએ પુસ્તકનાં પાનાંઓ વચ્ચે પ્રેમપત્ર મૂકી દીધો. છતાં એ જ સ્થિતિ. પછી તો છોકરી રોજ એવી આશા સાથે પુસ્તકમાં પ્રેમપત્ર મૂકતી કે એક દિવસ છોકરો એ વાંચશે.

આ બાજુ પેલા છોકરાને હું મળ્યો...” સફેદ પત્રે લાંબો શ્વાસ લીધો.

“પછી શું થયું?” ગુલાબી પત્રે પૂછ્યું.

“મને વાંચીને તેણે પોતાની માને મળવાનું નક્કી કર્યું. પણ માને મળતા પહેલાં તેને થયું કે હવે મારે મારા પ્રેમનો એકરાર કરવો જ જોઈએ. તેણે છોકરીને એક પ્રેમપત્ર લખ્યો. પ્રેમપત્ર લખીને તે પેલી છોકરીને આપવા માટે નીકળ્યો, અને પછી તે ક્યારેય પાછો આવ્યો જ નહીં અને હું હંમેશાં માટે એકલો થઈ ગયો...”

સફેદ પત્રની વાત સાંભળી ગુલાબી પત્ર ખૂબ જ ગંભીર અને ગમગીન થઈ ગયો...

“મને ખબર હતી કે તમે આ વાત સાંભળીને ગમગીન થઈ જશો... એટલે જ હું તમને કહેતા અચકાતો હતો...”

“ના, ના, એવું નથી...”

“તો પછી તમે કેમ રડવા જેવા થઈ ગયા?”

“એ છોકરાએ જે પ્રેમપત્ર લખ્યો હતો તે હું જ છું...”

તેની વાત સાંભળીને સફેદ પત્ર પણ એક પળ માટે થથરી ઊઠ્યો... તેણે ગુલાબી પત્રને પૂછ્યું, “તો પછી તમે કઈ રીતે અહીંયા આવ્યા?”

“એ મને જ્યારે પેલી છોકરી પાસે પહોંચાડવા જતો હતો ત્યારે રસ્તામાં જ તેનો ઍક્સિડન્ટ થયો અને તે મરી ગયો.”

બંને પત્રો એકમેકની વાત સાંભળી વ્યથિત થઈ ગયા... સફેદ કાગળને પ્રેમપત્રમાં શું લખ્યું છે તે જાણવાની ઇચ્છા થઈ... તેણે ગુલાબી કાગળ સામે જોયું- “હું કાલે મારી માને મળવા વતનમાં જવાનો છું, શક્ય છે કે પછી ક્યારેય પાછો ન આવું, અંતિમ વખતે હૈયું ભરીને તને મળી લેવા માગું છું.”

ત્યારે વાતાવરણના ભેજને લીધે કે બીજા કોઈ ભેજને લીધે, શી ખબર, પણ બંને પત્રો ભીના થઈ ગયા હતા...

૫. વાર્તાની વાર્તા

એક હતી વાર્તા. એને સર્જાવું હતું. એને થયું કે સારી કોઈ ઘટના મળી જાય તો સર્જાઈ જાઉં, પણ એને સર્જાવા યોગ્ય કશું મળતું નહોતું.

આખરે કંટાળીને તે શબ્દકોશ પાસે ગઈ. તેણે શબ્દકોશને કહ્યું, “તું તારા શબ્દોમાંથી મારા માટે એક વાર્તા બનાવી આપ...”

શબ્દકોશે કહ્યું, “હું તો વાર્તા બનાવી આપું, તારું સર્જન થતું હોય તો એમાં મને શું વાંધો હોય ! હું તો તૈયાર જ છું, પણ એક પ્રૉબ્લેમ છે. હું જાતે કશું જ નથી કરી શકતો. વાર્તાને વહેતી કરવા માટે વાણીની જરૂર પડે અને વાણીને વાર્તારૂપે રજૂ કરવા માટે માણસની જરૂર પડે. માટે જો તારે તારું ખરેખરું સર્જન કરવું જ હોય તો તું માણસ પાસે જા.”

વાર્તા માણસ પાસે ગઈ. તેણે માણસને કહ્યું, “તું મારું સર્જન કર. કોઈ એવી ઘટના ઘટાવ કે જેમાંથી મારું સર્જન થાય.”

વાર્તાને જોઈ માણસ વિચારમાં પડી ગયો. ખૂબ વિચાર્યા પછી તેણે વાર્તાને કહ્યું, “હું તારું સર્જન તો કરું, પણ એનાથી મને શું ફાયદો થશે?”

વાર્તાએ કહ્યું, “હંમ્‌... એ તો મને ખબર નથી, પણ મારા માટે પ્લીઝ...”

માણસે કહ્યું, “જેમાંથી મને કશો જ ફાયદો થતો ન હોય તેમાં હું હાથ જ નથી નાખતો, નીકળી જા મારા ઘરમાંથી.”

વાર્તાએ એને ખૂબ વિનવ્યો, પણ તે માણસ માન્યો જ નહીં. વારંવારની વિનવણીને કારણે માણસ ગુસ્સે થઈ ગયો અને તેણે વાર્તાને હાથ પકડીને ઢસડીને ઘરની બહાર ફેંકી.

હડધૂત થઈને ઘરની બહાર ફેંકાતાંની સાથે જ વાર્તાને પોતાનું સર્જન થયું હોય એવું લાગ્યું ! પોતાના સર્જનથી આવેલું વાર્તાના ચહેરા પરનું સ્મિત અનન્ય હતું.