Dandikuch in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | દાંડીકૂચ : ગાંધીકૂચ : ધર્મકૂચ : યુવાકૂચ

Featured Books
Categories
Share

દાંડીકૂચ : ગાંધીકૂચ : ધર્મકૂચ : યુવાકૂચ

દાંડીકૂચ : ગાંધીકૂચ : ધર્મકૂચ : યુવાકૂચ

“એવું સંભવિત છે કે, આજે તમારી સામે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય. સવારના જો સરકાર મને કૂચ કરવા દેશે, તો પણ આ સાબરમતીને પવિત્રકાંઠે તો આ છેલ્લું ભાષણ જ હશે. અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લું જ ભાષણ હોય.”

અને બન્યું પણ, એવું જ ! સાબરમતીને પવિત્રકાંઠે ગાંધીજીનું આ છેલ્લું જ ભાષણ હતું. દાંડીકૂચના આગલા દિવસે, ૧૧ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમની પ્રાર્થનાસભામાં ગાંધીજીના મુખેથી સરી પડેલા શબ્દો એમની આર્ષવાણી બની રહ્યા ! તેમણે એ પછી કદી સાબરમતી આશ્રમમાં પગ મૂક્યો નહિ.

આગળ બોલતા તેમણે કહ્યું, “કાલે ઈશ્વર-ઈચ્છા હશે, તો બરોબર સાડા છ વાગ્યેનીકળવાના છીએ. જે કૂચમાં સામેલ હોય, તે સૌ ૬-૨૦એ હાજર થાય. મારી સાથે આવનારા સિપાહીઓએ જાણવું જોઈએ કે તેઓને પાછા ફરવાનું નથી. જેઓ પરિણીત હોય, તેઓએ પોતાની પત્નીઓની પરવાનગી લઇ લેવી, અને પોતાના પતિઓને સ્વાતંત્ર્ય-યુદ્ધના પહેલા સિપાહીઓ હોવા બદલ અભિનંદન આપવા. આપણી વિદાય આશ્રમ અને સ્વગૃહની વિદાય બરાબર છે. આશ્રમ સળગી જાય તો પણ આપણે પાછા આવવાનું નથી.”

આ ભિષ્મ સંકલ્પ સાથે ગાંધીજીએ ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ૭૯ સૈનિકો સાથે દાંડીકૂચ આદરી. બુદ્ધના મહાભિનિષ્ક્રમણની યાદ અપાવે, તેવી આ યાત્રા હતી. બુદ્ધે માનવજાતની શાશ્વત મુક્તિ માટે મહાપ્રયાણ આદર્યું. ગાંધીએ માનવજાતને ગુલામીની પાશવી ઝાળમાંથી મુક્ત કરાવવા ! બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો. ગાંધીએ સંસાર જોતર્યો. બુદ્ધ એકલપંડે નીકળ્યા. ગાંધીએ ૭૯ સૈનિકોનો સંગ લીધો. ધ્યેય બંનેના ઉદ્દાત જ હતા. માનવજાતની જરા, વ્યાધિ અને મરણની ઉપાધિમાંથી મુક્તિ. ગુલામીમાંથી મુક્તિ. એક રાજપુત્ર તો બીજો વણિકપુત્ર. છતાં, રાજકારણથી દૂર ન ભાગ્યા. રાજકાજને એક માધ્યમ તરીકે લખ્યું અને તે પણ એક અનોખી રીતે !

‘ધર્મ વિનાનું રાજકારણ એ મડદું છે. એ તો બાળી મૂકવાને જ લાયક છે.’ અને તેથી જ રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે યોજાયેલી કૂચને પણ તેમણે ‘ધર્મયાત્રા’ ગણાવી હતી.

જ્યાં રાજ્યનો મોહ ન હોય ત્યાં જ હંમેશા હેતુઓ સિદ્ધ થતાં હોય છે. શા માટે આજે પણ એ ‘ધર્મયાત્રા’ વધુ રેલેવન્ટ છે ? તેના મૂળમાં ત્યાગની ભાવના છે. સવાલ એ થાય કે દાંડીકૂચ સફળ થઇ ખરી ?

લાકડું કપાય છે તેના છેલ્લા ઘા વડે, પણ તેની પહેલા થયેલા અનેક ઘા નું એ પરિણામ હોય છે. કોઈ પણ સિદ્ધિ એકાએક આવી મળતી નથી. અનેક પ્રયત્નોનું એ પરિણામ હોય છે. આરંભ અને અંતની અતૂટ, અવિભાજ્ય, સળંગ પ્રક્રિયાથી લક્ષ્ય સિદ્ધિ થાય છે. દાંડીકૂચ, સ્વરાજ્યપ્રાપ્તિ અને સામાન્ય સ્કૂલ-કૉલેજની એકઝામ્સમાં પણ એ જ વાત લાગુ પડે છે. જ્યાં પરિણામની ચિંતા હોય ત્યારે જ હંમેશા તેની બ્લુ-પ્રિન્ટ મનમાં છપાતી હોય છે. એક નક્કર વાત ઉભી થાય છે, જે અનેક સ્ટેપ્સ પાર કરાવીને લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચાડે છે.

***

“આઉટડેટેડ છે. જે વ્યક્તિએ હું માનતો નથી, ફોલો નથી કરતો – તેના વિષે વાત કરવી મને ગુસ્સો અપાવે છે.”

“કેટલાયે નિયમોને બાંધીને રહ્યો, રિજીડ વ્યક્તિત્વ અને ભારતની આજની આ દશા માટે જવાબદાર વ્યક્તિ !”

આવી અનેક વાતો આજના યંગસ્ટર્સના દિમાગમાંથી નીકળે છે. તેઓને કદી ગાંધીનો માર્ગ ગમ્યો નથી. સાહિત્યજગતનો સમગ્ર યુગ ‘ગાંધી સાહિત્ય’ તરીકે જાણીતો થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી એકમાત્ર એવી વ્યક્તિ છે, જેના પર અધધધ... કહી શકાય તેટલું ડોકયુમેન્ટેશન થયું છે. છતાં, એ ગુસ્સો બરકરાર છે. તેના મૂળમાં ‘ગાંધિયન લેગસી’નું અવિચારી નિર્વહન છે. વિચાર સીમિત રહ્યો અને વિરોધીઓની જાગ્રતતા કામ કરી ગઈ.

મુદ્દો એ નથી કે, શા માટે આજે ગાંધીનો આટલો વિરોધ થઇ રહ્યો છે ? બાપને ગાળ દેવા માટે પણ દિકરો તેની સાથે પચ્ચીસ-ત્રીસ વર્ષ તેની જોડે વિતાવે છે. જયારે એક પણ વાક્ય વાંચ્યા વિના પોતાના જ દેશના લોકો અને નવી પેઢી એ વિચારને વાંચવાનું કે જસ્ટિફાઈ કરવાનું વિચાર કેમ કરે છે ? કોઈ મુદ્દા પર પોતાનો પક્ષ મૂકવા માટે પણ જે-તે મુદ્દાઓ પણ વાંચવું જરૂરી છે. સજ્જનોની બેદરકારી અને દુર્જનોની જાગૃતતા – આ એક જ કારણ મહાત્મા ગાંધી પર ‘ક્વેશ્ચન માર્ક’ મુકાઈ રહ્યો છે. ચંદ્રના માપની જેમ વિજ્ઞાનનું માપ પણ રોજ બદલાતું રહે છે. પ્લેટો કહે છે, વિજ્ઞાન તો અભિપ્રાય માત્ર છે. એક કાલે અણુ અજડ હતો, આજે ચેતન છે. “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી” કહીને આપણે રાજી થઈએ છીએ. ધર્મની ભાષા તો કેન્સરમુક્ત હોય તો જ નીકળે. તેમ વ્યક્તિગત જસ્ટિફિકેશન માટે તે વ્યક્તિના લખાણો વાંચવા પડે, તેને સમજવો પડે અને પછી પણ જો તેનાથી સંમત ન થવાય તે સ્વીકાર્ય છે.

આ જ રીતે જ્ઞાન, કર્મ અને ભક્તિ - નવ નક્ષત્રો જેવા જ છે. જો તેમાંથી એક કાઢી લઈએ તો શૂન્ય જ રહે. જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલા માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે. હીરા-મોતીના ત્રાજવાને ચારેબાજુથી કાચથી મઢેલું હોય છે. કોઈ કસ્ટમર જો તે હીરા-મોતી લેતી વખતે તેમાં ‘હજુ ૨ વધુ નાખો....!’ એમ કહે તો તે શીંગદાણાનો વેપારી છે તે સાબિત થઇ જાય છે.

: કાફેટેરિયા :

જેના સિદ્ધાંતો ભૂત, વર્તમાન કે ભાવિમાં ક્યારેય બદલાય નહિ તેનું નામ શાસ્ત્ર. તે શાસ્ત્રને સમજવા ‘સમજણ’નું શસ્ત્ર અપનાવવું પડે.