Rangberagi ramakada re... in Gujarati Poems by Ashq Reshammiya books and stories PDF | રંગબેરંગી રમકડા રે...

Featured Books
Categories
Share

રંગબેરંગી રમકડા રે...

રંગબેરંગી રમકડા રે...

અશ્ક રેશમિયા...

જનનીની જન્નત-સી રૂપેરી આલમમાં,

મીઠાશથી ખોવાઈ જજો મારા બાલુડા,

એની હૈયાની હેતભરી હેલીને

ભોગવી ભરજો પેટ મારા બાલુડા...

1.પ્રાર્થના...

સંભાળ અમારી પ્યારા લઈ લો

પ્રભુજી મારા સંભાળ અમારી લઈ લો...

જગમાં મુજને તારો જ આશરો

ઉરમાં ગ્નાન જ્યોત જગાવો...

પ્રભુજી મારા....

મંદિર મસ્જિદમાં શોધીએ તુજને

દિવ્ય દીદાર પ્રભુ દઈ દો....

પ્રભુજી મારા...

સૃષ્ટિનો સર્જક માતપિતા તું,

ભોળા શિશુ અમે તારા...

પ્રભુજી મારા સંભાળ અમારી લઈ લો...

ભિક્ષુક બની અમે ઊભા તુજ આંગણે,

વિદ્યાધન દાનમાં દઈ દો...

પ્રભુજી મારા સંભાળ અમારી લઈ લો...

***

2. પંખીડા આવો આવો ને

પંખીડા આવો આવો ને મારા આંગણે

જુદી જુદી જાતના મેં વાવ્યા છે ઝાડવાં..

ખાઓ તમે મધમીઠા ફળ..વાવ્યા છે ઝાડવાં...

સુંદર સુદર પ્યારી પાંખોને ફફડાવજો,

જુદી જુદી જાતના કંઠ લઈ આવજો,

કરજો મીઠા કલશોર...વાવ્યા છે ઝાડવાં..

આંબા ડાળે મંજરી ને આબલીએ કાતરા,

લીલા પીળા રંગના પાક્યા છે પપૈયા..

પેટભરી ખાઓ મીઠા ફળ...વાવ્યા છે ઝાડવાં...

પાણી હું પીવડાવીશ ને ઝુલે ઝુલાવશ,

આંગણે મારા રૂડા તોરણિયા બંધાવીશ,

ટગર ટગર નિહાળુ તમારો રંગ..વાવ્યા છે ઝાડવાં...

પંખીડા આવો આવો ને મારા આંગણે...

***

3. રંગબેરંગી રમકડા રે...

મારી બેગમાં રંગબેરંગી રમકડા હો જી રે

મારી બેગમાં ભાતભાતના રમકડા હો જી રે..

જુઓ આ છે ગોળ રમકડું

ગોળ..ગોળ..ગોળ...ગોળ....

સૂરજ ગોળ ચાંદો ગોળ..

મારી ધરતીનો આકાર ગોળ ગોળ હો જી રે

મારી બેગમાં.......

જુઓ આ તે કેવું રમકડું!

ખૂણા...ખૂણા..ખૂણા...ખૂણા...

આને ભાઈ ખૂણા છે કેમ ત્રણ?

આનું નામ તો રૂડું ત્રિકોણ હો જી રે

મારી બેગમાં...

જુઓ આ છે લાલ રમકડું

ચાર ખૂણા ને ચાર બાજુ,

સરખા માપ છે બધાના

એને સૌ કોઈ કહે છે ચોરસ હણ જી રે

મારી બેગમાં રંગબેરંગી રમકડા હો જી રે

મારી બેગમાં ભાતભાતના રમકડા હો જી રે...

***

4. જંગલની વાત...

હો હો રે આ તો જંગલની વાત છે2

જંગલની વાત એમાં પ્રાણીઓની જાત...

હો હો રે આ તો જંગલની વાત છે...

માથે કેશવાળી છે...

રેશમી ને રૂપાળી છે...

ત્રાડ પાડીને વનને ડરાવે છે

સિંહ જંગલનો રાજા કહેવાય છે...

હો હો રે આ તો જંગલની વાત છે

આખા ડિલે વાળ છે

સાવ કાળાભમ્મર છે

બાળક જેવા પગ એ તો રાખે છે

રીંછને હિંદીમાં ભાલુ કહેવાય છે

હો હો રે આ તો જંગલની વાત છે

જંગલની વાત એમાં વૃક્ષોની જાત..

હો હો રે આ તો જંગલની વાત છે

ટીમરૂના પાનની બીડીઓ બને છે

વાંસની ડાળીએથી સુંડલા બને છે

હો હો રે આ તો જંગલની વાત છે...

જેના પર કેસૂડા ખીલે

મોટા મોટા પાંદડા એ રાખે

નામ જેનું ખાખરો ખાખરો હો જી રે

ખાખરાના પાનના પતરાળા બને છે

હો હો રે આ તો જંગલની વાત છે

હો હો રે આ તો પંખડાની વાત છે...

***

5. અષાઢી મોરલો...

ડોક ઉંચી કરીને બોલતો

પળમાં સઘળાં આભને ડોલાવતો

મધુર મધુર બોલતો અષાઢી મોરલો...

વનની વનરાઈઓમાં,

ઉરની અમરાઈઓમાં,

ટેહુંક ટેહુંક કરીને

સારી સૃષ્ટિને ડોલાવતો રે

મધુર એવું બોલતો અષાઢી મોરલો રે

દૂર ડુંગરીએ મ્હેંકતો

ટહુંકતો એ વનની માંય

છતાંય એવુ લાગતું

જાણે બેઠો છે મારા ટોડલે રે

મધુર એવું બોલતો અષાઢી મોરલો રે

રૂપાળી ચાંચ એની

આભલા ભરેલી કેવી પાંખડી,

ડોક મરડીને શુંયે ટેહુંકતો રે

મધુર એવું બોલતો અષાઢી મોરલો રે.....

***

6. ભ્રમર હું....

ભ્રમર હું ગુંજન કરવાવાળો,

બાગ બગીચે ભાઈ પડે વટ મારો,

ઉડાઉડ કરતો ને ગીત નવા ગાતો

મનમાં ને મનમાં હું હરખાતો હું ગુંજનવાળો..

ડાળીઓ નચાવતો ને કળીઓને ખીલાવતો

પુષ્પોને હું લાગુ પ્યારો પ્યારો...

હો ભાઈ હું ગુંજનવાળો...

તીતલીમાં ન્યારો ને બાગને હું વ્હાલો

સૌંદર્યના પીઉં હું અમી પ્યાલા.....

હો ભાઈ હું ગુંજનવાળો...

વસંતની હેલીએ કળીએ કળીએ ટ્હેલીને

પદ્મ માગે તો જીવ દઈ દેનારો...

હો ભાઈ હું ગુંજનવાળો..

***

7. મને થાતું કે....

મને થાતું કે આભના આંગણામાં..

ચમકદમક થાતા આ તારલા કોણે વેર્યા ?

મને થાતું કે બ્રહ્માંડની બેઠકે...

ગોળ ગોળ ઘૂમતા આ ગ્રહો કોણે સર્જ્યા ?

મને પાછુ થાતું કે નાની મારી આંખડીમાં...

નીર સાત સમંદરનું આ કોણે ભર્યું ?

મને થાતું કે જનનીના સીનામાં...

મધુર મધુર સ્નેહ રૂડો કોણે ભર્યો ??

***

8. અહો !!!

અહો ! આ હું શું નિહાળું ?

આ અંબર કેવું નિરાળું નિરાળું !

તારા મઢેલ રૂડી રાતડી,

જબક જ્યોત ઝબકાર મારી આખડી..

તેજ નૂર તણું કેવું નજરાણું!

અહો!ચંદાનુ રૂપ કેવું રૂપાળું રૂપાળું..

અહો!શરદની શી ચાંદની રેલાણી...

સર્વે જગે કેવી શીતળ ફેલાણી...

મોંઘેરી મિરાત એની મોંઘેરી રમ્યતા..

સૂક્ષ્મ ચક્ષુઓમાં કેવી મોઘમ ઝીલાણી...

***

9. ક્યારે પધારશો...

રૂડા મારા ગોકુળધામ

શ્યામ તમે ક્યારે પધારશો...

વાવી રોપીને મે ઉગારી સુંદર!

કદંબ આ લચી લચી જાય...

શ્યામ તમે ક્યારે પધારશો...

મટકી ભરીને મે રાખી માખણ મીસરી,

દહીં કેરા દેગડાં અપાર....

શ્યામ તમે ક્યારે પધારશો...

ઘેલી થઈ રાધા તારી બંસરીના નાદે,

પ્યારી પ્યારી ગાયોના ગોવાળ...

શ્યામ તમે ક્યારે પધારશો....

ઉરના આંગણિયે દઉં હેતથી ઉતારા,

ઘેલી તારી ગોપીઓના નાથ,

શ્યામ તમે ક્યારે પધારશો....

રૂડાં મારા ગોકુળ ધામ...

શ્યામ તમે ક્યારે પધારશો...

***

10. એકલ જાશું રે..

એકલ જાશુ એકલ જાશુ એકલ જાશુ રે..

જીવન તુણા આ મહાયુધ્ધમા એકલવીર થાશુ રે..

હૈયામાં ગજબ હામ ભરી છે કોઈથી નવ ડરશુ..

સાત સમંદર પાર અમે હસતે વદને જાશુ..

ચડશુ એવા ઊંચા કે હેઠા કદી નવ પડશુ..

ધરતીનો પાલવ ઝાલીને વ્યોમમા વિહરશુ..

એકલ ભાનુ એકલ શશિ ચમકે કેવા આભલિયે..

એકલ પંથે મસ્ત બનીને મંઝિલ અમે પામીશુ..

અમાસભર્યા અંધકાર હોય ભલેને જીવનમાં...

નયનોમા મહાનૂર ભરીને જીવનપંથ ઉજાળશુ..

ખીણ-કોતરો-કંદરાઓ છાતીભેર ભેદશુ..

હિમાલયની ટોચે-ટોચે વિજયપતાકા લહેરાવશુ...

***

11. ઉનાળો આવ્યો...

આવ્યો રે આવ્યો ભાઈ ઉનાળો આવ્યો,

ઉનાળો આવ્યો ને વસંત રૂડી લાવ્યો...

આવ્યો રે આવ્યો...

લીમડે આવી લીંબોળી ને

આંબા ડાળે કેરીઓ...

આંબલીના કાતરા લાવ્યો રે

આવ્યો બળબળતો ઉનાળો...

મીઠી મધુર શેરડી ને

તરબૂચ ટેટીઓ....

ઠંડી ઠંડી ગાગર લાવ્યો રે...

આવ્યો બળબળતો ઉનાળો...

જંગલ જાણે જોગીડો ને

શૂનકાર મારી શેરીઓ...

ઊની ઊની લૂ માં નાહ્યો રે...

આવ્યો બળબળતો ઉનાળો...

આવ્યો રે આવ્યો ભાઈ ઉનાળો આવ્યો..

***

12. માં....

માં....

માં મારી ગુલાબનું છોડ,મારા ભાઈબંધ...

એની ફોરમે કેવો હું મશગૂલ,મારા ભાઈબંધ...

માં...

માં મારી ચંદનનું ઝાડ, મારા ભાઈબંધ..

શશીની શીત સમું એનું મુખ,મારા ભાઈબંધ..

માં..

માં મમતાનો મહાસાગર,મારા ભાઈબંધ..

એના હેત સામે જન્નતનું સુખ વામણું,મારા ભાઈબંધ..

***

13. સાંજ ઢળે છે...

સાંજ ઢળે છે રાત પડે છે

નભમાં ટમકે છે તારા...

કોઈ કહો કે નીચે આવે

મારા ચાંદા મામા...

તરૂવરની ટોચે કેવા..

પંખી કરે છે માળા!

ભાતભાતના ગુંચળા જોઈને

હૈયું ભરે છે ઉચાળા...

કોઈ કહો કે નીચે આવે મારા ચાંદામામા...

પડી પડીને કેવો ચડે છે

કેવી રાખે છે હામ...

કરોળિયાને શીખવ્યું કોણે?

ગુંથતા આવા જાળા?

કોઈ કહો કે નીચે આવે મારા ચાંદામામા...

માનવીને કોણ રોકે છે,

સાચો માણસ થાતાં..!

કટુવાણીના મોં પર,

લગાવી દે જો તાળ...

કોઈ કહો કે નીચે આવે મારા ચાંદામામા...

***

14. નિશાળમાં તું આવજે....

મમ્મી મારી નિશાળમાં એકવાર તું આવજે

નાની મારી બેનીને તું સંગ લેતી આવજે..

મારી નિશાળમાં નાનિ છોડ છે,

રોજ પાણી સીંચું હું મીઠું મીઠું...

હો મમ્મી મારી નિશાળે તું આવજે...

મારી નિશાળમાં લપસણી ને હીંચકો,

નાચી કૂદીને હું ભણું ગણું...

હો મમ્મી મારી નિશાળે તું આવજે...

મારી નિશાળ તો ગ્યાનનો ભંડાર છે,

પુસ્તકો વાંચીને રહું હું તાજો તાજો..

હો મમ્મી મારી નિશાળે તું આવજે...

દુનિયા આખીમાં છે જે જે જોવાનું,

મારી નિશાળ એ દુનિયાનો છે દરવાજો..

હો મમ્મી મારી નિશાળે તું આવજે..

મમ્મી મારી નિશાળમાં એકવાર તું આવજે,

નાની મારી બેનીને તું સંગ લેતી આવજે..

- અશ્ક રેશમિયા...