પિન કોડ - 101
પ્રકરણ-71
આશુ પટેલ
ટીવી પર પ્રસારીત થઈ રહેલી ન્યૂઝ ચેનલ પર સાહિલના ફોટો સાથે એવા બ્રેકિંગ ન્યૂઝ અપાઈ રહ્યા હતા કે મુમ્બઈમા જે પ્રકારની હાઈટેક ફ્લાઈંગ કારોનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલાઓ થયા હતા એવી કાર સાહિલ સગપરિયા નામનો એક યુવાન ઓટોમોબાઈલ એંજિનિયર બનાવી રહ્યો હતો અને તેણે એવી કાર માટે બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રા સાથે કોંટ્રેક્ટ પણ કર્યો હતો!
સાહિલના દોસ્ત રાહુલનુ મોઢુ ખૂલ્લુ જ રહી ગયુ. સાહિલ આવી કાર માટે સંશોધન કરી રહ્યો હતો એ તેને ખબર હતી, પણ સાહિલ આટલો બધો આગળ વધી ગયો હતો એવી તેને જાણ નહોતી. તેણે પહેલી વાર મુમ્બઈ પર ફ્લાઈંગ કારથી આતંકવાદી હુમલાઓ વિશે સામ્ભળ્યુ ત્યારે એક ક્ષણ માટે તેના મનમા વિચાર ઝબકી ગયો હતો કે સાહિલ પણ આવી કાર બનાવવા માટે મથી રહ્યો હતો. જો કે તેણે તરત જ તે વિચાર ખંખેરી નાખ્યો હતો કે સાહિલે એ કાર બનાવી હશે. સાહિલ તો બિચારો બે વર્ષથી એવી કાર બનાવવા માટે ફાઈનાન્સ શોધવા ઓટોમોબાઈલ કમ્પનીઝના પગથિયા ઘસી રહ્યો હતો. પણ અત્યારે સાહિલ વિશે ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ જોઈને તે હતપ્રભ બની ગયો હતો.
રાહુલ હજી એ આંચકો પચાવે ત્યા તેને બીજો ઝટકો લાગ્યો. ટીવી સ્ક્રીન પર બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રા દેખાયા. તેમણે કહ્યુ: ‘સાહિલ સગપરિયા નામના એક ઓટોમોબાઈલ એંજિનિયરે આવી ફ્લાઇંગ કારની ડિઝાઇન મને આપી હતી. મેં તેને મારી કંપનીના ઓતોમોબાઈલ ડિવિઝનના ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નોકરી પર પણ રાખી લીધો હતો,. અને મુખ્ય પ્રધાન સાથે મે તેની મુલાકાત પણ કરાવી હતી. મેં તેને પૈસા પણ આપ્યા હતા. જો કે મે તેને પૈસા આપ્યા એ દિવસ પછી તે ગાયબ થઇ ગયો હતો. તે યુવાન મારી ઓફિસથી મારી કંપનીએ તેને ડ્રાઇવર સાથે આપેલી કારમાં તે મારી કંપનીના વર્સોવા વિસ્તારના ગેસ્ટ હાઉસ તરફ જવા રવાના થયો હતો. પણ જે.ડબ્લ્યુ.મેરિયોટ હોટલમાં જઇને તેને ડ્રાઇવરને કહ્યું હતું કે તું જતો રહે, મને અહીં મોડું થશે. એ પછી તે ક્યારેય મારી કંપનીના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો જ નહોતો. મારી પાસે સાહિલ સગપરિયા વિશે જેટલી પણ માહિતી છે એ પૂરી પાડીને એક જવાબદાર નાગરિક તરીકે હું પોલીસને સહકાર આપવા તૈયાર છું.’
ટીવી પત્રકારે કહ્યુ: ‘જોગાનુજોગ પહેલી ફ્લાઈંગ કાર વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર બાંદ્રાથી રાજ મલ્હોત્રાની કારની બાજુમાથી જ ઊંચકાઈને ઉડી હતી અને એમાથી બોમ્બ ફેંકાતા તેમણે નજરે જોયો હતો. એ કાર એક યુવતી ચલાવી રહી હતી. રાજ મલ્હોત્રાએ તે યુવતીનો ચહેરો ધ્યાનથી જોયો હતો કારણ કે મોડી સાંજના ભારે ટ્રાફિકમા તે યુવતીની કાર તેમની કારની લગોલગ ઊભી હતી. તે યુવતીએ તેમની સામે જોઈને સ્મિત પણ કર્યુ હતુ. અન્ય કેટલાક વાહનચાલકોએ પણ તે યુવતીને જોઈ હતી. તે યુવતીનો ઝાંખો ચહેરો વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર ટ્રાફિક પોલીસે ગોઠવેલા કેમેરાઝના ફૂટેજમાથી પણ મળી આવ્યો છે. મુમ્બઈ પોલીસના હેડ ક્વાર્ટર પર આતંકવાદી હુમલાને કારણે મેઈન કંટ્રોલ રૂમનુ તો નામોનિશાન નથી રહ્યુ, પણ વેસ્ટર્ન રિજિયનના એડિશનલ પોલીસ કમિશનરના કાર્યાલયના કમ્પ્યુટર્સમા એ ફૂટેઝ સચવાઈ રહ્યુ હતુ. રાજ મલ્હોત્રા અને અન્ય વાહનચાલકોએ પોલીસને તે યુવતીનુ વર્ણન કર્યુ તેના આધારે અને ટ્રાફિક પોલીસના સીસીટીવીમા ઝડપાયેલા તે યુવતીના ચહેરાની ઝાંખી તસવીરના આધારે પોલીસે એક સ્કેચ બનાવડાવ્યો છે અને કમ્પ્યુટરની મદદથી એક ફોટો પણ તૈયાર કર્યો છે.’
ટીવી સ્ક્રીન પર પહેલા તે યુવતીના ચહેરાનો સ્કેચ અને પછી કમ્પ્યુટર જનરેટેડ ફોટો દર્શાવાયા. એ જોઈને રાહુલ અવાચક બની ગયો. તે સ્કેચ અને ફોટો સાહિલની ફ્રેન્ડ નતાશાના હતા!
***
અનેકવિધ લાગણીઓ સાથે મનમા ધસમસી રહેલા વિચારોને કારણે વધુ માનસિક યાતના ભોગવી રહેલી નતાશાને ઓમર હાશમી સાથે તેની ઓફિસમા થયેલી મુલાકાત યાદ આવી ગઈ. તેણે જ્યારે ઓમર હાશમીને કહ્યું કે મારું નામ મોહિની મેનન છે ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો અને પછી તેણે ભારપૂર્વક કહ્યું હતું કે તમે મોહિની મેનન તો નથી જ! એ વખતે પણ પોતાની બુદ્ધિ ના ચાલી કે આ માણસ સાથે પનારો પાડવામા ખતરો છે. ઘણી વાર માણસ ખરાબ સમયમાથી બહાર આવવાના પ્રયાસને કારણે વધુ ખરાબ સ્થિતિમા ધકેલાઈ જતો હોય છે. નતાશાને અત્યારે સમજાઈ રહ્યુ હતુ કે પોતે થોડા સમય પૂરતો સંઘર્ષ ખતમ કરવાની કોશિશમા અકલ્પ્ય પરિસ્થિતિમા ફસાઈ ગઈ હતી.
નતાશાને દિવાલોમાં માથું પછાડવાનું મન થયું. પોતે સામે ચાલીને મોતને નોતરું આપી બેઠી હતી! સાહિલે તેને અનેકવાર સમજાવવાની કોશિશ કરી હતી કે મને આ ઓમર હાશમી ભેદી માણસ લાગે છે, પણ પોતે દરેક વખતે સાહિલ પર હસીને તેની સલાહને અવગણી હતી. તેણે સાહિલને ડિટેક્ટિવ બનવાની સામી સલાહ આપીને તેની મજાક ઊડાવી હતી. સાહિલની છઠ્ઠી ઈન્દ્રિય બહુ સતેજ હતી અને તેને એનિમલ ઈન્સ્ટિક્ટની કુદરતી શક્તિ ઈશ્વરે આપી હતી. પ્રાણીઓ જેમ નજીકમાં ભય હોય તો એ ભયને પારખી લે એમ સાહિલને પણ એવી ગંધ આવી જતી હતી. અને સાહિલે ઓમર હાશમી તરફથી ભય છે એવું સૂંઘીને તેને ચેતવવાની કોશિશ કરી હતી પણ પોતે તેની વાત માની નહોતી અને પોતાની મુર્ખામીની સજા મોત રૂપે ચૂકવવાની હતી.
નતાશાને થયું કે પોતાનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ સાહિલને જ્યારે પોતાના મ્રુત્યુ વિશે ખબર પડશે ત્યારે તેના પર શું વિતશે?
નતાશાને તેણે એક વાર ઊંઘમા જોયેલુ સપનુ યાદ આવી ગયુ.અવકાશયાત્રી કલ્પના ચાવલા અવકાશયાત્રા પુરી કરીને જેમાં પાછી પૃથ્વી પર આવી રહી હતી એ અવકાશયાનને આગ લાગી અને કલ્પના ચાવલાએ જીવ ગુમાવ્યો એ સમાચાર નતાશાના હ્રદયને હચમચાવી ગયા હતા. એ ઘટના વિશે બહુવાર ટી.વી. પર સમાચાર જોયા પછી નતાશાએ એકવાર ઊંઘમાં એવું સપનું જોયું હતું કે તે કોઈ સ્પેસક્રાફ્ટમાં પૃથ્વીમાં પ્રવેશવાની તૈયારી પર હતી એ જ વખતે તેના અવકાશયાનને બહારથી આગ લાગી ગઈ હતી અને તેની પાસે થોડીક સેકન્ડ બચી હતી એ વખતે તેણે કોઈને અવકાશયાનમાંથી કોલ લગાવ્યો હતો અને સામેથી કોઈ પુરૂષે તેને હેલ્લો કહ્યું, તેના જવાબમાં તે હેલ્લો બોલે એ સાથે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને એ જ વખતે નતાશાની આંખો ઊંઘડી ગઈ હતી. નતાશા એરકન્ડિશન્ડ બેડરૂમમાં સૂતી હતી છતાં પણ તેને પરસેવો વળી ગયો હતો. નતાશાએ એ વખતે બહુ મથામણ કરી હતી કે પોતે જીવનની છેલ્લી ક્ષણે યાદ કરે એવો પુરૂષ કોણ હશે! એ વખતે સાહિલ તો તેના માટે એક ખાસ દોસ્ત જ હતો. અને તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પુરૂષ પ્રેમી તરીકે તો આવ્યો જ નહોતો. વળી પોતે ક્યારેય અવકાશયાત્રી બનવા વિશે તો વિચાર્યું સુધ્ધા નહોતું તો પછી તેને આવુ સપનું કેમ આવ્યું હશે!
અત્યારે એ સપનુ યાદ આવ્યુ એટલે નતાશાને લાગ્યું કે તે સપનું પ્રતીકાત્મક હતું અને સામા છેડે સાહિલ જ હશે. સપનામાં આમ પણ સ્પષ્ટ ચહેરાઓ ક્યાં દેખાતા હોય છે. નતાશાના દિલમાં એક ટીસ ઊઠી. તેને થયું કે તે આ માણસોને આજીજી કરે કે તમારે મને મારી જ નાખવી હોય તો એ પહેલા મને એકવાર મારા સાહિલને મળવા દો. સાહિલ સામે મળે તો તે તેને વળગીને મોકળા મને રડી લેવા માગતી હતી. સાહિલની માફી માગવા ઈચ્છતી હતી. નતાશાને સાહિલ સાથે 'ગ્રેસ રેસિડન્સી હોટેલમાં ગાળેલી રાત યાદ આવી ગઈ. તે પોતાની જાત પરથી કાબૂ ગુમાવી બેઠી હતી એ વખતે સાહિલે અકલ્પ્ય રીતે સંયમ જાળવીને તેને અટકાવી હતી. નતાશાને એક પળ માટે સાહિલ પર ગુસ્સો આવી ગયો અને અફસોસ પણ થયો કે સાહિલ ત્યારે કેમ પોતાની જેમ જિન્સી આવેગમાં ન તણાઈ ગયો! સેક્સ્યુઅલ સંબંધની, ઓર્ગેઝમની અનુભૂતિ કેવી હોય અને એ પણ પોતાને મનગમતી વ્યક્તિ સાથે એનો અહેસાસ તો તે કરી શકી હોત! ,
નતાશાને થયું કે મૃત્યુના ખોફને કારણે પોતે પાગલ થઈ ગઈ છે એટલે ગાંડાઘેલા વિચારો કરી રહી છે.
(ક્રમશ:)