A Story... 10 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | A Story... [ Chapter -10 ]

Featured Books
Categories
Share

A Story... [ Chapter -10 ]

આબુથી આવ્યા પછી લગભગ સતત ત્રણ દિવસ સુધી હું વિમલના જીવનમાં ઓતપ્રોત જીવવા લાગ્યો હતો. મારા દિલના ઊંડાણમાં ઉદ્ભવતા ચહેરા સાથે મને ઓચિંતા સ્વરા અને જીનલ યાદ આવી જતી હતી. લગભગ ચોથા દિવસે મારા પુસ્તક અંગેના કામમાં સતત વધતી મૂંઝવણોના કારણે હું સહેજ મુક્ત થઇ શક્યો હતો. એ પ્રથમ વખતનું બુક લોંચીંગ મારા માટે મહત્વનું હતું એટલે અત્યારે તો વિમલના વિચારોમાંથી મુક્ત થવું પણ જરૂરી હતું. અને બીજો વિચાર જે અત્યારે મારા મનમાં ઓચિંતા ઝબકયો હતો એ આ આખી વાતને પેન દ્વારા કાગળ પર ઉતારીને પુસ્તકનું સ્વરૂપ આપવાનો હતો. કદાચ પ્રથમ પુસ્તકના પ્રકાશન અને વિમોચન પછી વિમલના સ્વરૂપે મને આગળનું કામ પણ દેખાવા લાગ્યું હતું. અને એ વાતનો આનંદ પણ અનુભવતા હતો અત્યાર સુધીને રસપ્રદ વાત દ્વારા મને એ કહાનીમાં ઊંડા ઉતરવું પસંદ પડવા લાગ્યું હતું.

***

‘હેલ્લો અનંત સર...’ લગભગ સ્તરમાં દિવસે મારા મોબાઈલ પર આવેલ અજાણ્યો નંબર મેં કાને ધર્યો ત્યારે આ ત્રણજ શબ્દો મને સંભળાયા હતા. પણ આ માત્ર ત્રણ શબ્દો દ્વારા મારી આંખોએ એ વ્યક્તિનું આખે આખું હાથમાં ગ્લાસ લઇ સોફે હાથ ટેકવી બેઠેલા વિમલનું ચિત્રણ પતાવી દીધું હતું. મેં તરત જવાબ આપ્યો ‘બોલ ભાઈ, ક્યારે સિરોહી આવો છો...?’

‘તમે ઓળખી પણ ગયા...? પણ આ તો નવો નંબર છે.’

‘અવાજ થી જ...’

‘વાહ, અત્યારે હું રાજસ્થાનમાં જ છું. મારા મોબાઈલ મેપ દ્વારા તમારું કાર્ડમાં દર્શાવેલ પ્લેસ માત્ર કલાકની દુરી પર જ છે.’

‘તો ક્યારે પધારો છો..?’

‘બસ તમે કહો ત્યારે.’

‘કાલે... કાલે ફાઈનલ રાખો આમ પણ મારી બુકનું પ્રકાશન છે. જેનો પ્રકાશન પ્રોગ્રામ છે તમે આવો તો ગમશે.’ મેં આખા પ્રસંગને એની હાજરી સાથે મારી આંખે ભવિષ્યમાં જોઈ લીધો હોય એટલા વિશ્વાસપૂર્ણ રીતે મેં કહ્યું.

‘આજે રાત્રે દશ સુધીમાં આવ્યો તો આવી જઈશ. નહી તો કાલે...’ આટલું કહીને એણે પછી ત્યાં પહોચીને વાત કરીશ એમ કહી ફોન કટ કર્યો.

ત્યારે ફરી એકવાર મેં કાલના આખા પ્રસંગની રૂપરેખા પ્રમાણે વિચારો કર્યા અને બેડરૂમમાં ઓશિકાને હાથમાં લઇ પલંગ પર ગોઠવાયો. સામાન્ય રીતે જીવનમાં આપણે કોઈ જવાબદારી ભર્યા કાર્ય માટે તૈયાર હોઈએ ત્યારે એમાં ક્યાય કસર રહી ન જાય એવો અજાણ્યો ડર આપણને સતાવ્યા કરે છે. પણ ગણતરી કર્યા બાદ પણ બધું આયોજનબદ્ધ રીતે જ થયું હતું. મારી નજર ફરી ખૂણાના ટેબલ પર પડેલા ટાઈપરાઈટર અને લખાયેલા અમુક કાગળો પર પડી. લગભગ પાછલા થોડાક દિવસોમાં મેં વિમલનું ખાસ્સું જીવન આ પાનાઓમાં વણી લીધું હતું. માઉન્ટેઇન હિલની યાદોને મેં શબ્દોમાં ઠાલવી હતી. એ આખી રાત મેં કોઈ નવી જ સ્ક્રીપ્ટ વાંચતો હોય એટલી ઉત્સુકતાથી એ પાનાઓને વાંચવા લાગ્યો. આ સાતમી વખત હતું. અંધારાની ફેલાતી ચાદર તળે મેં પણ રૂમનો લેમ્પ સવારે વહેલા ઉઠવાની નિર્ણયાત્મક આશા સાથે બુઝાવી દીધો.

***

‘હેલ્લો સર...’ આ અવાજને મારે પાછળ જોઇને ઓળખવાની પણ હવે જાણે જરૂર રહી ન હતી. એક સાથે પ્રકાશનના પ્રોગ્રામમાં આવતા અવાજોમાં સંભળાયેલો એ અવાઝ વિમલનો હતો એ હું સમજી ચુક્યો હતો. વિમલ મારા કહ્યા મુજબ આવ્યો એ વાતની ખુશી મને હતી. સામાન્ય રીતે કોઈ મોટી હસ્તી દ્વારા બુકનું લોંચીંગ કરાવવાની હવા છે છતા આ હવા વચ્ચે પણ સેલ્ફ પબ્લીકેશનની બુક હોવાથી મેં મારા માતાપિતાના હાથે જ એ શુભ કામ કરાવ્યું. હજુ સમય હતો લોકો આવી રહ્યા હતા એટલે હું વિમલ સાથે ચાની કીટલી પર લટાર મારવા નીકળ્યો. થોડીક વાતચીત થઇ ત્યાં સુધી બુક્સના બંડલો પણ આવી ગયા હતા. અને આમંત્રિત લોકો પણ આવવા લાગ્યા હતા. આ મારી પ્રથમ નોવેલ હતી એટલે ખાસ લોકો હતા નહિ. છેવટે મારે આગળ જવાનું થયું એટલે મેં પત્યા પછી મળવાની રજા માંગી લીધી.

મારા માતાપિતા દ્વારા પુસ્તકનું લોકાર્પણ થયું. એમણે લોકાર્પણના પ્રસંગે પોતાની ખુશીઓ શબ્દોમાં લોકો સમક્ષ રજુ કરી. અને મેં પણ પુસ્તક વિષે થોડીક ચર્ચાઓ કરી. અમુક પ્રકારના પ્રશ્નોના જવાબો પણ આપ્યા. અને બાજુના ટેબલ પરથી બુક જરૂર ખરીદવાની અપીલ કરીને મેં પણ મારી વાતને વિરામ આપ્યો. આમ છતાંય સંપૂર્ણ કામકાજ પતાવીને વિમલને મળતા મને બે કલાક જેવો સમય વીતી ચુક્યો હતો. છેક છેલ્લે સુધી કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોધાવનાર એ એકમાત્ર બહારી વ્યક્તિ હતો. આમ ચાર વાગ્યાના સુમારે શરુ થયેલો કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો થતા અને અમેં ફરી લટાર મારવા સાથે બહાર નીકળ્યા ત્યારે લગભગ આઠ વાગી ચુક્યા હતા. અમે લોકો ફરી વાર ચાની કીટલી એ જ મળ્યા. બે સ્પેશ્યલ ચાનો ઓર્ડર કર્યો અને એની સાથે હું વાત કરવા જોડાયો. એના કહ્યા પ્રમાણે અત્યારે કલાક ભરમાં એણે પાછા નીકળવાનું હતું. મારા પોતાના ઘરે એને લઇ આવવા મમ્મી અને પપ્પા બંને જણે કરેલો આગ્રહ એ નિભાવી શકતો ન હતો પણ હા બે કે ત્રણ દિવસમાં પાછા ઘરે આવવાનું એણે મને વચન આપ્યું. થોડીક વાર બાદ ચા આવી અને અમે એ પતાવી એના બાદ ચાલતા ચાલતા અમે સીરોહીના રોડ પર માંડ ૨૦૦ મીટર જેવું ચાલ્યા ત્યાં સુધીમાં વિમલને લેવા માટે બ્લેક કલરની જરૂરિયાત મુજબ નવા સીરેથી રીનોવેટ કરેલી ભવ્ય ફોર્ચ્યુંનર આવી ચુકી હતી. એણે મને બાય કહ્યું અને સીરોહીના બજારને ચીરતી ફોર્ચ્યુંનર આંખોથી ઓઝલ થઇ ગઈ.

માંડ રાતના સાડા નવ વાગે હું ઘરે આવ્યો ત્યારે પપ્પા સુઈ ગયા હતા પણ તરત જ મને એકલો જોઈ મમ્મીએ વિમલ વિષે પૂછ્યું હતું. હું એને જવું પડ્યું એ અંગેની બધી વાત કરીને મારા રૂમમાં પહોચ્યો. મારી નજર ફરી રૂમના એ ખૂણા તરફ પડી જ્યા એક નવી રચાતી નોવેલ પોતાના જન્મના શરૂઆતી દિવસો ઉજવી રહી હતી. જેમ બાળકને વિકસતું જોઇને માં બાપને ખુશી થાય એવીજ અનુભૂતિ મને એ કાગળોને જોઈ થઇ. મારું મન ફરી એક વાર વાંચી લેવા કહેતું હતું પણ કામકાજના કંટાળાને કારણે મારે એ ઈચ્છા ધુત્કારીને સુઈ જવું વધુ જરૂરી હતું. અને મેં એમ જ કર્યું.

***

એ દિવસ પછીનો દિવસ જાણે મારા માટે છેક ચોથા દિવસે ઉગ્યો હતો. મારા મોબાઈલ પર વિમલનો નંબર રણક્યો હતો. મેં ઉત્સાહ ભેર ફોન ઉપાડીને સીધું જ બોલવાનું શરુ કર્યું હતું કે ‘અરે યાર તમે ત્રણ દિવસમાં આવવાના હતા ને તો પછી આવ્યા કેમ નહિ. અને તમારી આગળની વાત મને ક્યારે કરશો, જરાક સમય કાઢો તો આપણે આગળ વધીએ...’

પણ સામેથી આવેલો અવાજ અજાણ્યો હતો. સામે છેડે વિમલ ન હતો. આ ફોન પર વાત કરનાર કોઈ ડોક્ટર હતો એણે તરત જ મને એક મિનીટ અટકવાની વિનંતી કર્યા બાદ એનું નામ કહ્યું હતું. એણે અમુક બાબતો વિમલ અંગે મને પૂછી હતી અને હું એને ઓળખાતા હોવાની ખાતરી થતા જ એણે મને બાઓરી ગામનું કોઈક એડ્રેસ આપ્યું હતું અને જેમ બને તેમ જલ્દી ત્યાં પહોચી જવા કહ્યું હતું. આ સરનામું કોઈ શાંતિવિલાસ હોસ્પિટલનું હતું. પણ વિમલને અચાનક... મારા મનમાં કેટલાય વિચારો અત્યારે ઘૂમરાવા લાગ્યા હતા. એ વ્યક્તિએ કાઈ ખાસ કહ્યા વગર મને જેમ બને તેમ જલ્દી ત્યાં પહોચી જવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો. આવા સમયે કોઈ કેવી રીતે આટલી અધુરી માહિતી આપીને ફોન કટ કરી શકે. મારું મન ભારતના આવા બેદરકારી ભર્યા વર્તનના વાતાવરણને ધિક્કારવા લાગ્યું હતું. મેં તરત જ મોબાઈલ અને પર્શ ખિસ્સામાં નાખીને મમ્મીને સાંજ સુધી પાછા આવી જવાનું કહીને ચાલતી પકડી. જો કે મને કેટલો ટાઈમ થઇ શકે એના વિષે કોઈ ચોક્કસ અંદાઝ ત્યારે મારી પાસે ન જ હતો. આમ અચાનક અમારી આગળની મુલાકાત થશે એવી તો મેં કલ્પના પણ કરી ન હતી.

***

‘હવે તબિયત કેમ છે..?’ મેં રાજસ્થાનના જોધપુરથી નાગોર તરફ જતા સ્ટેટ હાઇવે નંબર ૬૨ પર આવેલા બાઓરી ગામના શાંતિવિલાસ હોસ્પિટલના ICU વોર્ડ નંબર ૧ના ચોથા પલંગ પર સુતેલા વિમલને પૂછ્યું. કદાચ એ સમયે તો હજુ વિમલને પોતે ક્યાં છે એનું પણ ભાન રહ્યું ન હતું. છેલ્લે એણે મારા નંબર પર કોલ કરવાની કોશિશ કરેલી હોવાથી ડોકટરના કહ્યા મુજબ છેલ્લા નંબર પર કોલ કરીને એમણે મને બોલાવી લીધો હતો. પણ હું પહોચ્યો ત્યારે વિમલ મને તરત ઓળખી શક્યો હતો કદાચ આસપાસના બધા અજાણ્યા માણસોમાં હું એક જ એના માટે આધારભૂત ઓળખીતો ચહેરો હતો. અમારા વચ્ચે આબુની મુલાકાત બાદ અવારનવાર વાતચીત થતી હતી. વ્યવસાયિક રીતે કંપનીના કામના સિલસિલે એ કદાચ નાગૌર જઈ રહ્યો હતો. ત્યારે એણે રસ્તમાં મને ફોન કરવાનો ટ્રાય કર્યો હશે. પણ એના વિષે મને કોઈ જાણ થઇ ન હતી. મને જે વાત મળી એ માત્ર અને માત્ર જેમ બને તેમ જલ્દી અપાયેલા સરનામે પહોચી જવાની વાત હતી. અને હું એના આધારે મારા ઘરેથી છેક અહી સુધી આવી ગયો હતો.

‘અરે સર તમે...?’ મને વિચારોમાં ખોવાયેલા જોઇને એ ઉઠવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એની આંખોમાં પોતે અહી કેવી રીતે પહોચ્યો અથવા આ બધું કઈ રીતે બન્યું એ વિશેનું કૌતુક હું અનુભવી શક્યો હતો.

‘ઇટ્સ ઓકે વિમલ, તમે અત્યારે હોસ્પીટલાઈઝ્ડ છો તો આરામ કરો યાર. અત્યારે તમારી સ્થિતિ ફોર્માંલીટીઝ નિભાવવા જેવી નથી અને આમ પણ આપણી વચ્ચે હવે એની કોઈ જરૂર પણ નથી.’ મેં તરત જ એની સામે સ્મિત વેર્યું અને આરામ કરવાનું કહીને એને ફરી વાર આરામ મળે એમ સુઈ જવામાં મદદ કરી.

‘પણ હું અહી...?’ એ જાણે હમણાં જ પોતાના હોશમાં આવ્યો હોય એમ કોઈ પણ પ્રકારની માહિતી વગર જ બબડ્યો.

‘સાચું કહું તો એ વિષે મને પણ ચોક્કસ કાઈ જ ખબર નથી. મને બસ ફોન પર સરનામું અને આવવાનું સૂચન થયું હતું. અને આમ પણ અત્યારે તમારે આરામ કરવાની જરૂર છે’ મેં હળવાફૂલ રહેવા માટે સૂચન આપ્યું.

‘પણ...’ એણે આટલું કહીને આંખો મીચી દીધી.

હું અચાનક મીંચાયેલી આંખો જોઇને આભો બની ગયો હતો. અચાનક શું થયું એ વિષે કાઈ કહું એ પહેલા ડોક્ટર પલંગ પાસે આવ્યા. કદાચ એ મારી માનસિક સ્થિતિ માપી શકવામાં સફળ રહ્યા હતા.

‘એમને આરામની જરૂર હોવાથી ઊંઘની દવા અપાયેલી છે. ડોન્ટવરી, હી ઈઝ ફાઈન.’ આટલું કહીને એમણે મારા હાથમાં દવાઓનું પ્રિસ્કીપ્શન પકડાવી દીધું. જે મારે મેડીકલમાંથી લઇ આવવાની હતી.

***

આજે લગભગ મહિના જેવો સમય થવા આવ્યો હતો. જ્યારે સંપૂર્ણ હોશમાં રહીને વિમલ અને હું માઉન્ટ આબુથી છુટા પડ્યા હતા. એની કહાની એના વચ્ચેના દિવસોમાં ધીરે ધીરે મારા ચોપડીના પત્તાઓમાં ઢોળાતી જીઈ રહી હતી. સાથે જ કુદરત દ્વારા અમારા બંનેના જીવનની દાસ્તાનમાં પણ અમારી આત્મીયતાનો વધતો ભાવ આલેખાઈ રહ્યો હતો. એક તરફ હું મારી રચના માટેના પત્રોની શોધમાં હતો ત્યાં ઉપરવાળો પોતાની રચનામાં મને અલગ પાત્ર તરીકે દર્શાવી ચુક્યો હતો. લગભગ અંદઝીત ચાલીશ પાનાની વિમલની યાદો મારા માટે ચાલીશ વર્ષ જેટલી આત્મીયતા ભરી અને રોચક લાગવા લાગી હતી. છેક ત્યાં સુધી જ્યા સુધી વિમલ રજા લઈને પાછો ઘરે ન આવ્યો ત્યાં સુધી મારી રૂમના ખૂણામાં પડેલા એ ચાલીશ પાના ક્યારેક તો મારી સામે ઉભા થઇ જતા હતા. દરેક પત્તું જાણે મને એક જ સવાલ કરતુ હતું કે ‘હવે આગળ શું...?’ અને હું માત્ર નીરવ શાંતિને જવાબ રૂપે ધારણ કરી લેતો હતો. એના સિવાય ત્યારે મારી પાસે બીજો કોઈ જવાબ પણ ક્યાં હતો.

મારું મન વારંવાર મારી અધુરી દાસ્તાન તરફ મને ખેંચ્યા કરતુ હતું. આજે ત્રીજો દિવસ હતો વિમલ હોસ્પિટલાઈઝ્ડ થયાને. હજુ રજા મળવામાં બે દિવસ જેવી વાર હતી અને એ બે દિવસો મારા માટે જાણે અઘરા બનતા જઈ રહ્યા હતા. અમારા વચ્ચે ટૂંકા સમયમાં બંધાયેલી આત્મીયતા જાણે ગહન બનતી જઈ રહી હતી. કદાચ વાતચીત કરવા માટેનો યોગ્ય સમય પણ ખુબ જ ધીમી ગતિએ મારી તરફ વધી રહ્યો હતો.

***

‘આ સ્વરાનું નામ મેં વારંવાર તમારા કિસ્સાઓમાં સાંભળ્યું છે. પણ સ્વરા કોણ છે...?’ છેક પાંચમાં દિવસે સવારના કુમળા તડકામાં બેસીને ન્યુંઝપેપરના ચોથા પાનાને ઉથલાવતાં મેં ચાના કપ સાથે બેઠેલા વિમલને પૂછ્યું.

‘બહુ લાંબી કહાની છે.’

‘અને જીનલ...’

‘હજુ આપણે એના વિષે ઘણી વાતો અધુરી છે.’ વિમલ અચાનક ખુલા આભ તરફથી નજર મારા તરફ ફેરવીને બોલ્યો ‘સાંજે નિરાંતે બેસી એના વિષે આગળ વાત કરીએ.’

‘તો તમારે કામ છે.’

‘એક્ચ્યુલી હા, મારે કંપનીના ફોરેઈનર ક્લાઈન્ટ સાથે આજે એક મીટીંગ છે. મારા અંકલ ચેન્નાઈ રહીને બધું સંભાળે છે. છતાય આ બધા નાના મોટા અને ગુજરાત આસપાસના ચાર-પાંચ રાજ્યોના કામો મારે પોતે જ સંભાળવા પડે છે.’

‘ઓકે મને કોઈ વાંધો નથી.’

‘અરે હા પણ મને એક વસ્તુ આ વાતમાં હજુ સુધી વિચિત્ર લાગ્યા કરતી હતી. જો કે પાછળથી એના પાછળની આખી વાત પણ મને સમજાઈ ગઈ હતી.’

‘એ કઈ વાત...?’

‘એ અજાણ્યો નંબર અમારા જ વિસ્તારની મારાથી ત્રણેક વર્ષ મોટી એક છોકરીનો હતો. તમને જાણીને નાવાઈ લાગશે કે એ છોકરી સાથે ક્યારેય મારે હાય હેલ્લોથી વધુ કોઈ પ્રકારનો સબંધ ન હતો. પણ પાછળથી અમારા સબંધો ઘણા આગળ વધ્યા એમ કહી શકાય. એના અને અમારા વચ્ચેની કડી અનિકેત હતો. પાછલા ત્રણેક વર્ષથી આ બંને વચ્ચે કઈક હતું જેના કારણે મારે પણ નાની અમથી વાત થઇ જતી હતી.

‘પેલી મેસેજ વાળી છોકરી...?’

‘હા... એ જ...’

‘ઓહ, એનું નામ શું હતું...?’

‘એનું નામ પણ સરસ હતું. નિશા... નિશા ગુપ્તા.’

‘નાઈસ નેમ.’

‘હા... નિશા એટલે કે લહેરાતી હવા.’

‘તો કદાચ મારા માનવા પ્રમાણે આ છેલ્લી છોકરી છે. જેના વિષે તમે કહ્યું હતું કે લવ ટ્રાયએંગલ.’

‘ના એવું નથી.’

‘તો પછી, શું હજુ કોઈ પણ છે...?’

‘હા... એ છેલ્લી છોકરી એટલે મારા જીવનની છેલ્લી ધડકન જેવી અને એનું નામ...’ વિમલ કઈ બોલે એ પહેલા એનો મોબાઈલ રણકી ઉઠયો હતો. એણે થોડીક વાત કરી અને પાછો કાર આવી ગઈ છે એમ કહીને જવાની રજા માંગી.

‘એનું નામ...?’ હું હજુય એ જાણવા ઉતાવળો હતો.

‘નિકિતા શાહ... ઓકે બાય...’ એણે કરના દરવાજા પાસે જઈને હાથ ઉંચો કર્યો.

*****