Karma no kaydo - 20 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 20

Featured Books
Categories
Share

કર્મનો કાયદો ભાગ - 20

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૦

કર્મનાં ત્રણ સંગ્રહસ્થાન

જમા થયેલાં કર્મોજ જો વ્યક્તિનું ભાગ્ય બનતાં હોય તો તે ક્યાં જમા થાય છે તે જાણવું અત્યંત જરૂરી છે. પૌરાણિક માન્યતા છે કે કર્મો ચિત્રગુપ્ત નામના દેવતાના ચોપડે જમા થાય છે. ચિત્રગુપ્ત દેવ તમામ વ્યક્તિનાં કર્મોનો હિસાબ રાખે છે અને તે હિસાબ મુજબ વ્યક્તિને સારાં-નરસાં કર્મોનું ફળ મળે છે. સાંભળવામાં દંતકથા જેવી લાગતી ચિત્રગુપ્તની વાતમાં પણ એક સત્ય છુપાયેલું છે, જે કાળાંતરે નષ્ટ થઈ ગયું અને ફક્ત વાર્તા જ હાથમાં રહી ગઈ. ચિત્ર અને ગુપ્ત એ બે શબ્દોમાં જ તેની સમગ્ર વાર્તાનું તથ્ય છુપાયેલું છે.

જ્યારે કૅમેરાની નવીનવી શોધ થઈ ત્યારે બધાને ખૂબ નવાઈ લાગેલી કે એક ક્લિક કરતાંની સાથે જ પ્રત્યક્ષ હોય તે સમગ્ર વસ્તુઓ કૅમેરામાં ચિત્રરૂપે કેમ કેદ થઈ જાય ? પરંતુ તે પછીથી તો આપણે ફિલ્મ, વિડિઓ અને સી.સી.ટી.વી. કૅમેરા સુધી પહોંચી ગયા છીએ. પ્રકૃતિમાં એક એવી સૂક્ષ્મ શક્તિ કામ કરી રહી છે કે જે પ્રત્યક્ષ થતા ચિત્રને પોતાનામાં સંગ્રહિત કરી લઈ શકે અને તેનો પણ રેકોર્ડ બનાવી શકે.

વ્યક્તિનાં પ્રત્યક્ષ કર્મોને આપણે ફોટોશૂટ કે વિડિઓશૂટ કરી શકીએ છીએ, પરંતુ વ્યક્તિનાં વિચારો અને ભાવનાઓ સહિતનાં સૂક્ષ્મ કર્મો ક્યાં કેદ થઈ શકે ? આ બાબતે પ્રકૃતિના સૂક્ષ્મ રહસ્યમય વિજ્ઞાનને જણાવતાં શ્રીકૃષ્ણ કહે છે :

‘ઙ્ગેંથ્દ્ય્ક્રધ્ ઙ્ગેંૠક્રષ્ટ ઙ્ગેંભશ્વષ્ટબ્ભ બ્શ્ક્રબ્મઃ ઙ્ગેંૠક્રષ્ટગધ્ટક્રત્દ્યઃ ત્ન

ટક્રટ્ટભક્ર : ૧૮-૧૮

ઇન્દ્રિયો, કર્મ અને કર્તા (અહંકાર) એ ત્રણ કર્મને જમા થવાનાં મુખ્ય સાધનો છે. વ્યક્તિની કુલ દસ ઇન્દ્રિય છે, જેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તરીકે ઓળખાય છે. જ્ઞાનેન્દ્રિયમાં આંખ, નાક, કાન, રસના (જીભ) અને ત્વચાનો તથા પાંચ કર્મેન્દ્રિયમાં હાથ, પગ, લિંગ, ગુદા અને મુખનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણના મતાનુસાર તમામ ઇન્દ્રિય કર્મની સંગ્રાહક પણ છે.

પગથી રોજબરોજ જે રીતે ચાલો તે ચાલવાનું કર્મ પણ પગરૂપી કર્મેન્દ્રિયમાં સંગ્રહિત થાય છે. માણસને તેની ચાલ પરથી પણ ઓળખી શકાય. લશ્કરના જવાનો પરેડ કરતા હોય છે, તે જવાન રિટાયર્ડ થઈ જાય તોપણ તેની ચાલ સામાન્ય માણસથી અલગ પડે છે, કારણ કે તેનું પરેડમાં ચાલવાનું કર્મ પણ તેની ઇન્દ્રિયમાં સંગ્રહિત થઈને એક આદત ઊભી કરે છે. પછી પરેડ ન હોય તોપણ તેની ચાલ કાંઈક અંદાજે પરેડ જેવી જ હોય છે. સેનાના જવાનને તેની બીજી કોઈ ઓળખાણ મેળવ્યા વગર તેની ચાલ ઉપરથી પણ ઓળખી શકાય.

નેતા, વકીલ, શિક્ષક, કથાકાર, હરાજીમાં બોલી બોલનાર અને રેલવે કે બસ સ્ટેશન ઉપર સ્ટૉલ ચલાવનારને તેની વાણી ઉપરથી ઓળખી શકાય, કારણ વગર જે રાડો પાડીને બોલતો હોય ત્યારે સમજી લેવાનું કે આ નેતા છે, જેણે ખોટી વાતોને સાચી ઠેરવવા રાડો પાડવાની ટેવ પાડી લીધી છે. વાતવાતમાં તર્કની તલવાર સમણાતી હોય એટલે સમજી લેવાનું કે આ વકીલ. ચીપચીપીને બોલ્યા પછી ‘સમજી ગયા ને ! સમજી ગયાને !’ એમ વારંવાર ઉચ્ચારણ સાંભળવા મળે એટલે સમજી લેવાનું કે આ શિક્ષક.

વાતને પોતે સમજ્યા હોય કે ન હોય, પણ સામેવાળાને તે વાત સમજાવવાનું ચાલુ રાખે એટલે સમજવાનું કે આ કથાકાર. એકના એક શબ્દોને વારંવાર બોલીને એક, બે, ત્રણ કરી નાખવા માગતા હોય ત્યારે સમજવાનું કે હરાજીવાળા.

મુસાફરોને જોઈને જેની વાણી આપમેળે ફૂટી નીકળે ત્યારે સમજવાનું કે આમને કોઈ રેલવે સ્ટેશન કે બસસ્ટેશન ઉપર સ્ટૉલ કે ગલ્લો હશે. ઓબામા આવે અને વડાપ્રધાન શ્રી મોદી તેમને ચા પીરસે એમાં મીડિઆ કે વિપક્ષોએટીકા કરવા જેવું નથી, કારણ કે તે તેમની જૂની આદત છે, તેમની ઇન્દ્રિયોમાં સંગ્રહભૂત છે.

આપણે જાણીએ છીએ કે શરૂ શરૂમાં જ્યારે આપણે સ્કૂટર, બાઇક કે કાર ચલાવતાં શીખીએ છીએ ત્યારે આપણે ઘણું-ઘણું ધ્યાન રાખવા છતાં ભૂલ કરી બેસીએ છીએ. બ્રેક મારવાને બદલે એક્સીલેટર દબાવી દઈએ છીએ અને એક્સીલેટરની જગ્યાએ બ્રેક મારી દઈએ છીએ. કદાચ આપણને શીખવવાવાળી કોઈ વ્યક્તિ સાથે બેઠી હોય તોપણ આવી ભૂલો પણ થાય છે, પરંતુ તે જ વ્યક્તિ ધીરેધીરે એટલી કુશળ થઈ જાય છે કે જે બ્રેક, એક્સીલેટર અને ક્લચ સાથે બાઈક કે કારનું સ્ટિઅરિંગ કંટ્રોલ કરવું તે એક મુસીબતભરેલી ઝંઝટ લાગતી હતી તેની યાદ પણ આવતી નથી. માણસ વાતો કરતાં અને ગીતો સાંભળતાં આરામથી કાર ચલાવતો જોવા મળે છે. જે લોકો કંઈક વિશેષ અભ્યાસ કરે છે તેઓ ચાલતી કારમાં ખાય-પીએ છે, મોબાઇલ પર વાતો કરી લે છે. અમુક તો ચાલતી કારે કપડાં પણ ચેન્જ કરી લે છે, તો કોઈ મોતના કૂવામાં પણ કાર ચલાવી લે છે.

કાર અને બાઈકના હેરતભર્યા પ્રયોગો કરનારા લોકોએ પણ જ્યારે શરૂશરૂમાં કાર-બાઇક શીખ્યા હશે ત્યારે તેમણે પણ હિચકિચાટ અને ગભરામણ અનુભવ્યાં હશે અને તે સાથે નાનીમોટી ભૂલો પણ કરી હશે, પણ તેમના સતત અભ્યાસથી તેમનું કર્મ તેમની તે-તે ઇન્દ્રિયોમાં જમા થઈ ગયું, જે કારણે પછીથી તેમનું ધ્યાન બીજે હોય તોપણ તેમની ઇન્દ્રિયો તે મુજબ કામ કરતી જોવા મળે છે. આપમેળે જ કારનો ગિઅર ચેન્જ થઈ જાય છે, આપમેળે જ ક્લચ અને એક્સીલેટર કંટ્રોલ થઈ જાય છે. તેના માટે કોઈ વિશેષ આયોજન કે વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે તેમની ઇન્દ્રિયો સતત કર્મના અભ્યાસથી કેળવાઇ જાય છે.

ઇન્દ્રિયોની આ કેળવણી જો ઇન્દ્રિયો કર્મની સંગ્રાહક ન હોત તો ક્યારેય ન થઈ શકત. તો આજે કરેલાં કર્મો કાલે સમગ્રપણે ભૂંસાઈ જાત અને નવેસર શરૂઆત કરી પડત. કદાચ કાર, બાઇક કે કોઈ મશીનરીને ઑપરેટ કરવી લગભગ અશક્ય બની જાત, પરંતુ તેમ નથી, કારણ કે કુદરતે વ્યક્તિની ઇન્દ્રિયોને સંગ્રાહક બનાવેલી છે. તે જ કારણે એક દિવસ પા-પા પગલી ભરનારો બાળક સો-સો માળની ઊંચી બે ઇમારતો વચ્ચેનું અંતર દોરડા ઉપર ચાલીને કાપી શકે છે.

જે રીતે કર્મ ઇન્દ્રિયોમાં સંગ્રહિત થાય છે, તે જ રીતે કર્મો કર્મોમાં પણ જમા થાય છે. ઇન્દ્રિયોમાં જમા થયેલાં કર્મો વ્યક્તિની અંદર પ્રતિભા નિર્મિત કરે છે, જ્યારે કર્મોમાં જમા થયેલાં કર્મો વ્યક્તિની બાહ્ય પ્રતિભા નિર્મિત કરે છે.

માનો કે આજે તમે કોઈ વ્યક્તિને ગાળ આપી અને અપમાન કર્યું હોય તે વ્યક્તિ આજે તમારી સાથે બદલો લેવા શક્તિમાન ન હોય તો અવસર મળ્યે તે બદલો લેશે. આજે તમે કોઈ વ્યક્તિનું ભલું કર્યું હોય તે વ્યક્તિ આજે તમારું ભલું કરવા કે તમારી ભલાઈનો બદલો આપવા શક્તિમાન ન હોય તો જ્યારે તેને ઋણ ચૂકવવાનો અવસર આવશે ત્યારે તે તમારી ભલાઈ કરીને તેનો બદલો આપશે. પુત્રની નાની ઉંમરમાં માતાપિતા જે સ્નેહ અને પ્રેમ પુત્રને આપે છે તેનો બદલો દેવા પુત્ર તેની નાની ઉંમરમાં શક્તિમાન નથી હોતો, પરંતુ એક દિવસ મોટો થઈને તે પુત્ર જ તેનાં માતાપિતાનો સહારો બને છે.

કારણ કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પ્રત્યે કરેલાં કર્મો તે બીજી વ્યક્તિના અંતઃકરણ ઉપર એક છાપ છોડે છે. કર્મો સારાં હોય કે ખરાબ, જેવાં પણ હોય તે બીજાનાં મન, બુદ્ધિ અને ચિત્તની ઉપર તેની એક આભા મૂકી જાય છે. જેમ બૅન્કમાં જમા કરાવેલા પૈસા એક દિવસ વ્યાજ સાથે પરત મળે છે, તેમ બીજી વ્યક્તિના અંતઃકરણ પ્રત્યે કરેલાં કર્મો પણ વ્યાજ સાથે પરત મળે છે. હા, જે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ નથી અને દોષયુક્ત છે તેના પ્રત્યે કરેલાં કર્મો તેવા જ ભાવથી પરત મળશે કે કેમ તે નક્કી નથી.

મલિન અંતઃકરણવાળી વ્યક્તિઓ પ્રત્યે કરવામાં આવેલાં સારાં કર્મોનો પણ સારો બદલે મળતો નથી. જેમ કે ફ્રૉડ ઈન્વેસ્ટર કે દેવાળિયા બૅન્કોમાં જમા કરાવેલાં નાણાં મૂળગી રકમે પણ પરત નથી મળતાં, તેમ દૂષિત અંતઃકરણવાળા પ્રત્યે કરાયેલાં સારાં કર્મો પણ સારી રીતે પરત નથી થતાં. જે રીતે આપણે બૅન્કમાં પૈસા જમા કરાવીએ છીએ તે રીતે બીજી વ્યક્તિમાં કર્મોને જમા થવાનું સ્થાન તેનું અંતઃકરણ છે. જેનું જેવું અંતઃકરણ છે તે વ્યક્તિ ઉપર તેના પ્રત્યે કરવામાં આવેલાં કર્મોની તેવી જ છાપ પડે છે.

એક દૂષિત પાત્રમાં સરસ મજાનું ભોજન પીરસવામાં આવે તો તે પાત્રની દૂષિતતા સુંદર અને સ્વાદિષ્ટ ભોજનને પણ બગાડે છે. તેવી જ રીતે કૃતઘ્ની અને નિષ્ઠુર લોકો પ્રત્યે કરવામાં આવેલાં સારાં કર્મો પણ સારી છાપ નથી છોડી શકતાં. સારા-નરસા, દૂષિત અને શુદ્ધ અંતઃકરણના કારણે જ દુનિયામાં સારાં કર્મોનો સારો બદલો અને નરસા કામનો નરસો બદલો જ મળશે તેમ કહેવું સંપૂર્ણ સત્ય નથી.

અહીં શ્રીકૃષ્ણ તો સહુનું ભલું ઇચ્છે છે - દૂર્યોધનનું પણ ભલું ઇચ્છે છે અને પાંડવોનું પણ, પરંતુ દુર્યોધનને તેની ભલાઈ માટે કહેવામાં આવેલાં હિતવચન પણ કડવાં લાગે છે, જ્યારે ધૃતરાષ્ટ્રના કુળનું નિકંદન કાઢવાની પ્રતિજ્ઞાવાળાં શકુનિનાં વચનો અહિતકારી હોવા છતાં મીઠાં લાગે છે. દુર્યોધન જગતના આત્મા એવા શ્રીકૃષ્ણ ઉપર દ્વેષ રાખે છે અને પોતાના કુળ ઉપર દ્વેષ પાળનારા શકુનિને પોતાનો હિતૈષી આત્મજન માને છે, કારણ કે દુર્યોધનનું અંતઃકરણ તેના અહંકાર અને તેની મૂઢતાઓથી મલિન થયેલું છે. આ પરિસ્થિતિમાં ભલાઈ કરનારી વ્યક્તિ શું કહી શકે ? મીરજા ગાલિબનો સુંદર શેર છે :

કર ભલા હોગા ભલા, ઔર દરવેશ કી સદા ક્યા હૈ ?

ઉનસે ન કર વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ !

જીવનમાં દૂષિત અંતઃકરણવાળા લોકોના કારણે આવી સ્થિતિ હોઈ શકે, પરંતુ શ્રીકૃષ્ણનું દર્શન અહીંથી આગળની વાત કરે છે. શ્રીકૃષ્ણના મતે વ્યક્તિગત અંતઃકરણ સુધીની વાત કરીએ ત્યાં સુધી અપેક્ષિત બદલાની અસમંજસતા કાયમ રહે છે, પણ અહીં વ્યક્તિગત અંતઃકરણથી પણ ઉપર એક અંતઃકરણ છે, જે અંતઃકરણ સમગ્ર સૃષ્ટિને જન્મ આપનાર પરમાત્માનું છે.

વીસમી સદીના મહાન માનસવિદ ડૉ. સિગ્મંડ ફ્રૉઈડે વ્યક્તિના અંતઃકરણસંબંધી કૉન્શ્યસ માઈન્ડ અને અન-કૉન્શ્યસ માઈન્ડ વિશે શોધ કરેલી. ફ્રૉઈડની આ શોધ બાદ આ શોધ સબબ વધુ સંશોધન કરી તેમની જ સાથે કામ કરતા અને તેના શિષ્ય સમાન એવા કાર્લ જુંગે અનકૉન્શ્યસ માઈન્ડની ઉપર એક ક્લેક્ટિવ અનકૉન્શ્યસ માઈન્ડ હોવાની હકીકત જણાવેલી. તે સમયગાળા દરમિયાન ફ્રાન્સના એક માનસવિદ અને ફ્રાન્સમાં ફાધર ઑફ સોશિઓલોજીના નામે જાણીતા થયેલા ડૉ. ઈમાઈલ ડુર્ખેમે ક્લેક્ટિવ કૉન્શ્યસ માઈન્ડની હકીકત જણાવી છે.

આ તમામ માનસવિદોને પણ વ્યક્તિગત અંતઃકરણથી ઉપર એક અંતઃકરણ હોવાની પ્રતીતિ થઈ છે, જે હકીકતને ભારતના ઋષિઓએ વર્ષો પહેલાં કહેલી છે, જેમાં ભાષા, શબ્દો અને તેના કહેવાની રીતમાં ફેર છે. તે સિવાયની હકીકતો લગભગ મળતી આવે છે.

કલેક્ટિવ કૉન્શ્યસ અને ક્લેક્ટિવ અનકૉન્શ્યસ માઈન્ડની હકીકતો એક વ્યક્તિના વ્યક્તિગત અંતઃકરણથી પર એક અંતઃકરણ હોવાની હકીકતો જણાવે છે. જેમ એક વ્યક્તિ ‘અ’ નામથી ઓળખાય છે. બીજી વ્યક્તિ ‘બ’ નામથી અને ત્રીજી ‘ક’ નામથી ઓળખાય છે. તેમાં ‘અ’ નામની વ્યક્તિ તામિલનાડુની રહીશ હોય તો તે તામિલ છે અને ‘બ’ નામની વ્યક્તિ ગુજરાતની રહીશ હોય તો તે ગુજરાતી છે. જ્યારે ‘ક’ નામની વ્યક્તિ મહારાષ્ટ્રની હોય તો તે મરાઠી છે, પણ તામિલનાડુ, ગુજરાત કે મહારાષ્ટ્ર મૂળભૂત રીતે એક ભારતમાં આવેલા છે, તેથી એવા અ, બ અને ક તમામની નૅશનાલિટી ભારતીય કહેવાશે. આખરે તેઓ બધા ભારતના નાગરિકો છે અને ભારતના નાગરિકો હોવાના નાતે તેમનું એક અંતઃકરણ ભારતીયનું છે. એ રીતે વ્યક્તિગત અંતઃકરણની ઉપર પણ એક અસ્તિત્વ છે, જ્યાં તમામની ઓળખ ‘પરમ આત્મીય’ છે. આ બાબતે શ્રીકૃષ્ણ ‘ભગવદ્‌ગીતા’માં કહે છે :

શ્રડ્ડક્રૠક્રઃ ળ્ન્જીઅર્સ્ર્િંઃ થ્ૠક્રક્રઅૠક્રશ્વઅસ્ર્ળ્ઘ્ક્રદ્ગભઃ ત્ન

સ્ર્ક્રશ્વ ૐક્રશ્વઙ્ગેંશ્ક્રસ્ર્ૠક્રક્રબ્ઽસ્ર્ બ્ખ્ક્ર઼ક્રઅસ્ર્ષ્ટપ્સ્ર્સ્ર્ શ્નષ્ટઈથ્ઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૫-૧૭

શ્રી કૃષ્ણ કહે છે કે અહીં વ્યક્તિગત અંતઃકરણોની ઉપર એક વિરાટ અંતઃકરણ છે, જે પુરુષ જ પરમાત્મા નામથી ઓળખાય છે અને તેનાથી જ ત્રણે લોકોનું પોષણ થાય છે, તેથી વ્યક્તિ દ્વારા કરવામાં આવતાં કર્મો બીજી વ્યક્તિના અંતઃકરણ સુધી જ સીમિત નથી, પણ તેથી આગળ ચાલીને વિરાટ પુરુષના અંતઃકરણમાં પણ જમા થાય છે. તે વિરાટ પુરુષના અંતઃકરણને જ પુરાણકારોએ ચિત્રગુપ્ત નામથી ઓળખાવ્યું છે.

વ્યક્તિ જે કાંઈ કર્મ કરે છે તેની છાપ બીજી વ્યક્તિના અંતઃકરણ ઉપર તો પડે જ છે, તે સાથે જ તે વિરાટ પુરુષના અંતઃકરણ ઉપર પણ એક છાપ છોડે છે. બીજી વ્યક્તિ પ્રત્યે કરવામાં આવેલું કર્મ તે વ્યક્તિ જેવા અંતઃકરણવાળી હશે તે રીતે બદલો આપશે, પરંતુ ઈશ્વર નામથી ઓળખાતા પુરુષનું અંતઃકરણ તો સદા-સર્વદા નિર્મળ છે, તેથી ત્યાંથી જે બદલો આવશે તે તો જેવું કર્મ હશે તેવો જ આવશે. જેમ કોઈ ખરાબ કે બેઢંગા અરીસાની સામે ઊભો રહે તો તેનું પ્રતિબિંબ યોગ્ય ન દેખાય, પણ જ્યારે તે વ્યક્તિ સ્વચ્છ અને સુઘડ અરીસા સામે ઊભી રહે ત્યારે તેની છબી હોય તેવી જ ઊપસે છે.

તે ઈશ્વરરૂપી પુરુષને છેતરવાનો કોઈની પાસે કોઈ મોકો નથી, કારણ કે તે શુદ્ધ અંતઃકરણવાળો પુરુષ છે. ત્યાંથી તો તે જ મળશે જે કરવામાં આવ્યું હતું, જેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે હું એક એવો અરીસો છું, જેમાં જે હોય તેવું જ પ્રતિફલન કરું છું.

સ્ર્શ્વ સ્ર્બક્ર ૠક્રક્રધ્ ત્ઙ્મર્ભિંશ્વ ભક્રધ્જીભબહ્મ ઼ક્રપક્રૠસ્ર્દ્યૠક્રૅ ત્ન

ૠક્રૠક્ર અૠક્રક્રષ્ટઌળ્ભષ્ટર્ભિંશ્વ ૠક્રઌળ્ષ્ઠસ્ર્ક્રઃ ક્રબષ્ટ ગષ્ટઽક્રઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર - ૪-૧૧

શ્રીકૃષ્ણ કહે છે કે માળાના મણકાઓ જેમ એક સૂત્રના આધારે રહે છે, તેમ સમગ્ર જગત મારા આધારે જ રહેલું છે, તેથી મનુષ્ય જે કાંઈ કરી રહ્યો છે તે મારા પરમાત્મસ્વરૂપથી પર નથી, જેથી જે મારા આ સ્વરૂપમાં રહીને જેવું કરે છે તેની સાથે હું પણ તેવું જ કરું છું. હું અત્ર, તત્ર, સર્વત્ર છું, પણ દેખાતો નથી, છતાં હું તો સર્વને દેખી રહ્યો છું. જેમ માળાના મણકાઓથી જ તેનું સૂત્ર દેખાતું નથી, તેમ સંસારવૃક્ષની ઓથમાં છુપાઈને હું સર્વ કર્મોને જોઈ રહ્યો છું.

‘રામાયણ’નો પ્રસંગ છે. સુગ્રીવના મિત્ર થયા બાદ રામે સુગ્રીવને કહ્યું : “તું તારૂ યુદ્ધ લડ. વાલી સામે વાંધો તારે છે, મો યુદ્ધ તો તારે જ કરવું પડશે.” સુગ્રીવે કહ્યું : “પ્રભુ ! જો હું યુદ્ધ કરું તો હું તો વાલી સામે નિશ્ચિતપણે હારી જઉં અને જાનથી હાથ ધોવા પડે તે હાંસલમાં.” ત્યારે રામે કહ્યું : “સુગ્રીવ !હું એક વૃક્ષની પાછળ સંતાઈને તમારું યુદ્ધ જોઈશ અને મને તે યુદ્ધમાં પડવાનું ઉચિત લાગશે ત્યારે હું યુદ્ધમાં પડીશ.”

સુગ્રીવ ગયો અને વાલી સાથે યુદ્ધ શરૂ થયું. વાલીએ સુગ્રીવને ગદાથી એવો માર્યો કે સુગ્રીવ યુદ્ધ છોડીને પાછો રામ પાસે આવતો રહ્યો. સુગ્રીવે કહ્યું : “પ્રભુ ! તમે કહેતા હતા કે ‘હું તારા યુદ્ધમાં પડીશ અને તને વિજયી બનાવીશ’, પણ આ તો સારું થયું કે હું મેદાન છોડીને ભાગી આવ્યો, નહીંતર બીજી ગદાના પ્રહારે મારી વાત તો પૂરી જ થઈ જાત. તમે વાલીને કેમ ન માર્યો ?”

ત્યારે રામ કહે છે : “સુગ્રીવ ! હું કોઈને પક્ષપાતથી નથી મારતો. જે મારી સાથે જેવું કર્મ કરે તેનું હું તેવું જ ફળ આપું છું. હજી સુધી તો તારા અને વાલીમાં કોઈ તફાવત નથી. તમે બંને કર્મની એક જ ભૂમિ પર ઊભા છો, પરંતુ હું હવે તારા ગળામાં ફૂલોની માળા પહેરાવું છું અને મારી માળાથી વાલીને ચેતવણી આપું છું કે હવે આ સુગ્રીવ મારો શરણાર્થી છે.” તેમ કહીને સુગ્રીવને યુદ્ધમાં પાછો મોકલ્યો અને વખત આવતાં જ પ્રભુ શ્રીરામે વૃક્ષની પાછળ ઊભા રહીને વાલીની છાતીમાં બાણ માર્યું.

કથા બહુ સૂચક છે. કથામાં કર્મનાં રહસ્યોનો બોધ છુપાયેલો છે. રામ કહે છે કે અહીં વ્યક્તિ પરસ્પર એકબીજા સાથે જે વ્યવહાર કરે છે તે વ્યવહારોનું પ્રતિબિંબ તો એકબીજાના વ્યક્તિગત ચિત્તમાં ઊભું થાય છે, પણ તે સાથે આ સંસારવૃક્ષની પાછળ છુપાઈને એક પુરુષ પણ તેનું દર્શન કરી રહ્યો છે અને કર્મોની સમગ્રતા તેને પણ સ્પર્શી રહી છે, તેથી વખત આવ્યે તે પણ તેનું બાણ ચલાવે જ છે.

આગળની કથા પણ ખૂબ મધુર છે. રામનું બાણ વાગતાં જ વાલી લોહીલુહાણ હાલતે ધરતી પર ઢળી પડે છે. તેના પ્રાણ જવાની તૈયારીમાં હોય છે ત્યારે વૃક્ષની પાછળ ઊભેલા રામ તેની સન્મુખ થાય છે. રામના કૃત્યમાં વાલીને પક્ષપાત દેખાય છે, તેથી વાલી કહે છે : “હું ક્યારેય તમારું બૂરું કરવા આવ્યો નથી કે મારે અને તમારે કોઈ વેર નથી, પછી તમે સુગ્રીવનો પક્ષ લઈને મને શા માટે માર્યો ? લોકો તમને સમદર્શી કહી છે અને તમે સુગ્રીવને વહાલો કરી મને દવલો કેમ કર્યો ?”

રામ જવાબ આપે છે : “વાલી ! કોઇનો પક્ષધર થઈને હું કોઈને નથી મારતો, પરંતુ તારાં પાપરૂપ કર્મોનો દંડ આપવા જ મેં તને માર્યો છે. તેં તારા ભાઈની પત્નીને છીનવી લીધી, તેનું રાજ્ય લઈ લીધું અને લોકોમાં અન્યાયકર્તા થયો. તે કર્મો પાપરૂપ કર્મો હતાં. તારાં એ કર્મોનું પ્રતિબિંબ સુગ્રીવના અંતઃકરણ ઉપર પડતું હતું, એટલું જ પૂરતું ન હતું, પણ તે પાપરૂપી કર્મોનું પ્રતિબિંબ મારા અંતઃકરણ ઉપર પણ પડતું હતું. મેં તને તેનો ઇશારો કર્યો હતો, છતાં તું તે સમજી ન શક્યો અને તારાં પાપકર્મોમાં જ વ્યસ્ત રહ્યો, તેથી તારાં પાપકર્મો જે મારા અંતઃકરણમાં રચાયાં તેમનું જ મેં તને ફળ આપ્યું છે.”

‘ભગવદ્‌ગીતા’ના સોળમા અધ્યાયમાં પણ શ્રીકૃષ્ણે આવી વાત કરેલી છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે નરાધમો અહંકાર, બલ, દર્પ, મદ અને મોહમાં આંધળા બનીને સમાજમાં ક્રૂરતા અને દ્વેષ ફેલાવે છે અને જે લોકો કામ, ક્રોધ, લોભનો આશ્રય કરીને આત્મપ્રદૂષિત કર્મો કરે છે તેવા લોકોને હું વારંવાર નર્કસમાન આસુરી યોનિઓમાં મોકલું છું. શ્રીકૃષ્ણનાં આ વચનો એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં માણસ જે કંઈ કરે છે તેને જોવાવાળી એક ત્રીજી શક્તિ પણ છે. એક માણસ કદાચ બીજા માણસને છેતરી લે, એક માણસ કદાચ બીજા માણસને દગો આપે, પણ તે બંને માણસોને જોઈ રહેલી ત્રીજી શક્તિને છેતરવાની કે દગો આપવાની અહીં કોઈની તાકાત નથી.

એ ત્રીજી શક્તિરૂપ પરમાત્મા એ કોઈ સ્વર્ગમાં કે કોઈ દેવમંદિરોમાં બેઠેલી શક્તિ નથી. એ શક્તિ તો ‘‘ગૠક્રક્રશ્વશ્ચદ્યૠક્રૅ ગષ્ટ઼ક્રઠ્ઠભશ્વળ્’ - તમામ પ્રાણીમાત્રમાં સમાન રૂપે બિરાજિત છે. જ્યારે વ્યક્તિ પોતાનાં જ મોહ અને પાપથી નિવૃત્ત થાય છે ત્યારે તેવી વ્યક્તિ તે શક્તિના પોતાના અંતઃકરણમાં જ દર્શન કરે છે. આ રીતે કર્મો એ કર્મોમાં જમા થાય છે.

શ્રીકૃષ્ણના મતે કર્મના સંગ્રહનો ત્રીજો અવયવ છે ‘કર્તા’. કર્તા એ અહંકારનું પ્રતિબિંબ છે. જેમ ઇન્દ્રિયો અને કર્મમાં કર્મ સંગ્રહિત થાય છે, તેવી રીતે વ્યક્તિના અહંકારમાં પણ કર્મ સંગ્રહિત થાય છે. જે વ્યક્તિ જેવા અહંકારવાળી હોય તે વ્યક્તિમાં કર્મ તેના અહંકારને અનુકૂળ રીતે જમા થાય છે.

વર્ષો સુધી ફોજમાં જવાન તરીકે સર્વિસ કરી હોય તેવો ફોજનો અમલદાર કે સૈનિક રિટાયર્ડ થાય તોપણ તેના અહંભાવમાં જમા થયેલાં કર્મો રિટાયર્ડ થતાં નથી. બર્ટ્રાન્ડ રસેલ કહેતા : “વ્યક્તિ તેના હાથે જ નિર્મિત કરેલા અહંકારમાં જીવે છે.”

એક દિવસ બર્ટ્રાન્ડ રસેલના એક મિત્રે તેને કહ્યું : “હું કેમ માનું કે વ્યક્તિ તેના અહંકારમાં જીવે છે ?” તેના મિત્રે બર્ટ્રાન્ડને સવાલ કર્યો ત્યારે તે બંને એક રેસ્ટોરન્ટમાં બેઠા-બેઠા ચા પીતા હતા. જોગાનુજોગ એક લશ્કરનો રિટાયર્ડ મેજ હાથમાં ઈંડાંની ટોપલી સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેને જોતાં જ બર્ટ્રાન્ડ રસેલને પ્રમાણ મળી ગયું. બર્ટ્રાન્ડ રસેલ જ્યાં બેઠા હતા ત્યાંથી જોરથી ‘એટેન્શન’ એવો શબ્દ બોલ્યા. બર્ટ્રાન્ડના બોલતાંની સાથે જ તે રિટાયર્ડ મેજરના હાથમાંથી ઈંડાની ટોપલી નીચે પડી ગઈ, ઈંડાં ફૂટી ગયાં અને મેજર એકદમ સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. જોકે પછીથી તેમને સાચી વાતની જાણ થતાં તેઓ બર્ટ્રાન્ડ રસેલ ઉપર ખૂબ ખિજાયા અને રસેલે તેમની માફી પણ માગી, પણ રસેલ જે સાબિત કરવા માગતા હતા તે પ્રમાણભૂત થઈ ગયું. ‘એટેન્શન’ શબ્દ મેજરના અહંકારની સાથે એ રીતે એક થઈ ગયો હતો કે રિટાયર્ડ થયાનાં પાંચ વર્ષ પછી પણ તે શબ્દે મેજરને સાવધાનની પોઝિશનમાં લાવી દીધો.

દુર્યોધન મહાઅભિમાની વ્યક્તિ હતો. પાંડવોના રાજસૂયયજ્ઞ વખતે તે જ્યારે ઇન્દ્રપ્રસ્થ ગયો અને મયદાનવે બનાવેલા મહેલમાં જ્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળની માયા જોઈને પાણીમાં પડ્યો ત્યારે દ્રૌપદી હસી હતી. દ્રૌપદીએ દુર્યોધનના પડતાંની સાથે ‘અંધે કા પૂત અંધા’ કહીને જે મજાક કરી હતી તે દુર્યોધનના અહંકારમાં એવી તો કેદ થઈ ગઈ કે તે કારણે જ મહાભારત રચાયું, દુર્યોધનમાં કર્તાનો અહંકાર સઘન ન હોત તો કદાચ મહાભારત યુદ્ધ રોકી શકાયું હોત. અહંકારી વ્યક્તિ સાંઢ બરાબર છે. જેમ સાંઢને કોઈ એક વાર મારે કે છંછેડે તેને યાદ રાખીને સાંઢ તે વ્યક્તિને જ્યાં અને જ્યારે જુએ ત્યારે બદલો લેવા દોડે છે. તેવી રીતે અહંકારી વ્યક્તિ પણ તેના અહંકારમાં જમા થયેલાં કર્મનો બદલો લેવા તત્પર રહે છે.

કહેવાય છે કે દુનિયામાં છેલ્લાં પાંચ હજાર વર્ષમાં અંદાજે પંદર હજાર મોટાં યુદ્ધ થયાં છે. તે તમામ યુદ્ધો અહંકારની બુનિયાદ ઉપર લડાયાં છે, અન્યથા યુદ્ધની કોઈ જરૂરિયાત ક્યારેય નથી હોતી. અહંકાર અકારણ જ યુદ્ધ વહોરી લેતો હોય છે.

એક વખત કોર્ટમાં એક કેસ આવ્યો. હકીકત એવી હતી કે બંને મિત્રો પરસ્પર ઝઘડ્યા હતા અને એકબીજાનાં માથાં ફોડી નાખ્યાં હતાં. બંને લોહીલુહાણ મિત્રોને જજે પૂછ્યું : “તમે બંને મિત્રો હતા, પછી આવી લડાઈ કરવાનું કારણ શું ?”

બંને કહેવા લાગ્યા : “સાહેબ ! જવા દો. તે વાતમાં પડવા જેવું નથી.” પરંતુ જજસાહેબે આગ્રહ રાખ્યો એટલે એક મિત્રે કહાનીની શરૂઆત કરી : “સાહેબ ! હું અને મારો આ મિત્ર બંને રોજ સાંજના સમયે ફરવા જઈએ અને નદીકિનારે બેસીને અવનવી વાતો કરીએ, તેમાં ગઈ કાલે મારા આ મિત્રે કહ્યું કે હું એક ભેંસ ખરીદવા માગું છું, તેથી મેં તેને કહ્યું કે હું એક ખેતર ખરીદવા માગું છું. તેમ કહીને નદીના તટ ઉપર પથરાયેલી રેતીમાં એક ખેતરની હદ બનાવી અને મારા મિત્રને કહ્યું કે જો, ભાઈ, ભેંસ ખરીદ તેમાં મને વાંધો નથી, પરંતુ તે મારા ખેતરમાં ઘૂસીને મારો લીલો ચારો ચરી જશે તો પછી મજા નહીં રહે.

મારી આ વાતના જવાબમાં મારા મિત્રે કહ્યું કે જો, ભાઈ, ભેંસ તો ભેંસ છે. તેને તો ચારો દેખાય એટલે પછી ‘સબ ભૂમિ ગોપાલ કી’ તેમ માનીને ગમે ત્યાં જાય. તેને કાંઈ દસ્તાવેજ વાંચતાં આવડતું નથી કે જે એમ સમજી શકે કે આ જમીન તારી અને આ જમીન મારી, તેથી મેં કહ્યું કે જો એમ થશે તો તારી ભેંસને હું મારી લાકડીથી મારી મારીને ભગાડીશ. તેના જવાબમાં મારા આ મિત્રે આંગળીથી એક લીટો કરીને ભેંસ બનાવી અને તે ભેંસને મારા ખેતરમાં ઘુસાડી દીધી. બસ, આટલી જ વાત હતી. પછી ન કોઈ ખેતર હતું અને ન કોઈ ભેંસ હતી, લાકડીઓ ઊડી, પણ અમારી બંનેની વચ્ચે ઊડી.”

કર્મ કર્તાભાવમાં જમા થાય છે, જેથી જે જેવા કર્તાભાવવાળો હોય તે તેવા અહંવાળો થાય છે. કર્મ મટી જાય તોપણ સંચિત થયેલા કર્તાભાવનું અહં મટતું નથી, તેથી આપણે કહેવતના રૂપમાં કહીએ છીએ કે ‘સાપ નિકલ ચૂકા, પર લકીરેં રહ ગઈ’, ‘રસ્સી જલ ચૂકી મગર બલ રહ ગયે.’

મહાભારત યુદ્ધ સમયે જ્યારે ગાંધારી પોતાના ૯૯ પુત્રોનો વિનાશ જોઈને દુઃખી થઈ ત્યારે દુર્યોધનને આશીર્વાદનું કવચ પહેરાવવા તૈયાર થઈ. ગાંધારીએ દુર્યોધનને ગંગાસ્નાન કરીને નિર્વસ્ત્ર પોતાની સમક્ષ આવવા કહ્યું. ગાંધારી આંખે પટ્ટી બાંધીને ધૃતરાષ્ટ્રની જેમ અંધ રહેતી અને શિવભક્તિ કરતી. તેની ભક્તિની શક્તિનું કવચ દુર્યોધનને પહેરાવીને દુર્યોધનનાં તમામ અંગોને વજ્ર જેવાં મજબૂત કરવા માગતી હતી, તેથી નગન હાલતે દુર્યોધનને આવવા કહ્યું હતું. દુર્યોધન તેની માતાના આશીર્વાદ લેવા ગંગાસ્નાન કરીને જઈ રહ્યો હતો તે વાતની શ્રીકૃષ્ણને ખબર હતી, તેથી શ્રીકૃષ્ણે રસ્તામાં જ ઊભા રહીને દુર્યોધનના અહંકારને ઉકસાવ્યો અને પુખ્ત વયના પુત્રે પોતાનાં ગુપ્તાંગ ઢાંક્ય સિવાય માતાતુલ્ય સ્ત્રી સમક્ષ ન જવું જોઈએ તેવી વાત કરી અને દુર્યોધનના અભિમાનમાં એ વાત ઘર કરી ગઈ અને દુર્યોધને લંગોટ પહેરી તેની માતાના આશીર્વાદ મેળવ્યા. કથા છે કે જે ભાગમાં માતા ગાંધારીની સીધી દૃષ્ટિ ન પડી તે અંગ વજ્ર ન થઈ શક્યું અને દુર્યોધનની જંઘા જ તેના મરણનું કારણ બની. સામાન્ય વ્યક્તિ કર્મના કર્તાભાવ સાથે જીવે છે, તેથી તેનાં કર્મો તેના કર્તાભાવમાં પણ જમા થતાં રહે છે, પરંતુ નિરહંકારીનાં કર્મો જમા થઈ શકતાં નથી.

શંકરાચાર્ય ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા ત્યારે તેમની ખ્યાતિથી ઈર્ષ્યાન્વિત થયેલા એક ઈર્ષાળુએ તેમના ઉપર ગંદકી ફેંકી, ગાળો આપી ને જતો રહ્યો. ગંદકીને પુનઃ સાફ કરવા શંકરાચાર્ય ફરી ગંગાસ્નાન કરી આવ્યા. બીજા દિવસે પણ આવું જ બન્યું, પરંતુ શંકર ન તે વ્યક્તિ સાથે ઝઘડવા ગયા, ન તેમના કોઈ શિષ્યને દંડ આપવા દીધો. થોડા દિવસો બાદ શંકર એક વૃક્ષ નીચે બેસીને શિષ્ય-સત્સંગીઓ વચ્ચે વાર્તાલાપ કરતા હતા. તેવામાં ફરી તે ઈર્ષાળુ આવ્યો, પરંતુ શંકરની સ્થિરતા અને દયા જોઈને તેની ઈર્ષ્યા નષ્ટ થઈ ગઈ હતી, તેથી તે આવતાં જ શંકરનાં ચરણોમાં પડીને કલ્પાંત કરવા લાગ્યો. તે રડતો-રડતો કહયો : “મેં તમારું ખૂબ બૂરું કર્યું છે. તમે મને કોઈ દંડ આપો, મને કોઈ સજા કરો.”

એ વખતે શંકરે બહુ સરસ જવાબ આપ્યો. શંકરે કહ્યું : “તેં જેનું ખરાબ કર્યું હતું તે શંકર હું નથી. એ શંકર તો સમયના પ્રવાહમાં ક્યાંય ખોવાઈ ગયો, જેમ ગંગામાં તેનું તે જળ નથી, પ્રતિપલ વહેતા ગંગાના પ્રવાહમાં નવાં નીર સાથે ગંગા તેની તે ગંગા નથી, તેમ હું પણ એ શંકર નથી કે જેના ઉપર તેં ગંદકી ફેંકીને અપશબ્દો કહ્યા હતા. હું તો પ્રતિપલ નિત્ય-નૂતન છું. જેણે પોતાનો અહંકાર વિસર્જિત કરી નાખ્યો હોય તેનાં કર્મો જમા થતાં નથી, તે મુક્તિને પાત્ર છે.”

શ્રીકૃષ્ણના મતે કર્મો ઇન્દ્રિય, કર્મ અને અહંકાર એમ ત્રણ સ્થાનમાં જમા થાય છે. શ્રીકૃષ્ણે કહેલી કર્મોની પૂંજી સાચવવાની તિજોરીને જે યોગ્ય રીતે ઓળખે છે તે તેની તિજોરીમાં ક્યારેય કચરો ભેગો નથી થવા દેતો.

***