Aapna aadhunik Baapuo in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | આપણા આધુનિક બાપૂઓ

Featured Books
Categories
Share

આપણા આધુનિક બાપૂઓ

આપણા આધુનિક બાપૂઓ ....!

છાપામાં સમાચાર કરતાં, ક્યારેક જાહેરાતના ફરફરિયા જ એટલા બધાં આવે કે, સાલા આપણે જ ગૂંચવાઈ જઈએ કે, આપણે સમાચાર વાંચીએ કે જાહેરાત ? લવાજમ છાપાના ભરીએ, ને ફરફરિયા મફતમાં આવે. જાણે ગમતી કન્યાને પૈણવાને બદલે, ભળતીને જ પૈણીને ઘરે લાવ્યા હોય એવું દુઃખ થાય. હરસ મસા-કુકર-કપડાં- દાંતના દવાખાના ને હોલીડે ટુરની જાહેરાત આવે તો તો સમઝ્યા કે કામની છે. પણ ક્યારેક તો એવાં હેન્ડબીલ આવે કે, આપણું મગજ ફેરવી નાંખે દાદુ....! એમાં રાતોરાત સફેદીનો ચમકાટ લાવવાની જાહેરાત વાંચીને તો, હેડકી જ આવવા માંડે. જાણે સ્વયં ભગવાનની એજન્સીના એજન્ટો આપણા ઉધ્ધારક બનીને આવ્યાં હોય, એવાં પતાકા આવે ત્યારે તો, એમ થાય કે, આ લોકો રાતોરાત ડોક્ટરની દુકાનના પાટિયા બંધ જ કરી દેવાના...!

એક પતાકુંમાં તો એવું લખેલું કે, ‘‘ ૪૦ વરસની અઠંગ સાધના કરીને ગબ્બરથી ચુંદડીવાળા બાપૂ શહેરમાં પધાર્યા છે. કોઈને મુઠ લાગી હોય, મેલી નજરમાં ફસાયા હોય, પ્રેમ લગનમાં નિષ્ફળતા મળી હોય, કોઈનું કંઈ ખોવાયું હોય, હઠીલો રોગ જતો ના હોય, કોઈની વાઈફ પિયરથી પાછી આવતી નહિ હોય, પ્રેમ લગનમાં ભંગાણ પડ્યું હોય કે કોઈને પ્રેમવશમા પાડવા હોય તો મળો, માતાજીના અઠંગ ઉપાસક બાબા બાહુબલીને....! ૨૪ કલાકમાં જટિલ પ્રશ્નનો નિવેડો લાવવાની સો ટકા ગેરંટી.....! ‘’ એના કપાળમાં કાંદો ઘસું....!

આવું વાંચીને ભણ્યા ચચરાટ થાય મામૂ....! મસમોટું ભણ્યા પછી, પાઈપ લાઈનના ધંધામાં પડવા કરતાં, ‘ બાપૂ ‘ નો આ ધંધો પકડવો સારો, એવું લાગે. પરોપકારનો પરોપકાર, ને વગર ભણીએ ‘ બાપૂ ‘ ની બોલબાલા મળે તે બોનસમાં.....! બાપા બધાં ખીણમાં હોય, ને માતાજી ડુંગરડે બેઠાં હોય. એવાં ડુંગરડા ખૂંદીને માતાજીના પગ પકડી લઈને આપણે પણ ‘ બાપૂ ‘બની ગયાં તો, ભણતરની ડીગ્રીની પણ શું જરૂર...? આપણે પણ બાપૂ....! ભણતરની ડીગ્રીના પૂંછડા નહિ લાગે એટલું જ ને...? ડીગ્રી હોય તો સામાને બતાવવી પડે. જેથી સામાને ખબર પડે કે, ભાઈ કેટલાં કેરેટનો માલ છે. મોઢું તો સાવ મુંગેરીલાલ જેવું હોય, એટલે ઓળખાય પણ નહિ ને....? ‘ બાપૂ ‘ જેવી સુપર ફાઈન ડીગ્રી મેળવવામાં નહિ તો ભણવાની ઝંઝટ કે નહિ તો ટ્યુશનીયાની પગચંપી કરવાની. ભણવામાં તો આખેઆખા નીચોવાય જઈએ ત્યારે માંડ ગરોળીની પૂંછડી જેટલી ડીગ્રી મળે. ને ડીગ્રી લીધા પછી પણ શું...? નોકરી માટે રામપાત્ર લઈને કચેરી-કચેરીએ ભટકવાનું જ આવે ને ? ત્યારે ‘ બાપૂ ‘ બન્યા એટલે, ખલ્લાસ....! ખાલી દાઢી જ વધારવાની ને હિન્દીમાં બોલવાની ફાવટ જ લાવવાની. જગતને શોધવાની જરૂર જ નહિ. જગત જ એના ચરણોમાં આળોટતું આળોટતું પ્રેમથી આવતું થઇ જાય. અમુક બાપુના પરચા તો એટલાં સોલ્લીડ હોય, કે માત્ર અભણ જ નહિ, પેલાં ડીગ્રીવાળા પણ નોકરીના પ્રોબ્લેમ લઈને બાપૂના ચરણે પડતાં આવે. બાપુને ભલે આખી બારાખડી બોલતાં નહિ આવડે, પણ ભલભલા પંડિતના પ્રોબ્લેમ કાઢી આપવાની ખુમારી તો એ જાહેરાતમાં બતાવે. કુદરતનો નિયમ છે મામૂ.....કે ‘ જીભ જીવતી રાખીએ તો કાગડા આંખમાં ચોંચ મારવા નહિ આવે....! ‘

પછી તો, ‘ મામાનું ઘર કેટલે, દીવા બળે એટલે....! ‘ એમ લોકોને આંજેલા રાખવાની કળા જ કાઢવાની. રાખીએ તો, મંજાવવા માટે લોકોની લાઈન લાગતી થઇ જાય. આમ તો ભણતરથી જ ભલું થાય, પણ વગર ભણતરે આગલી હરોળમાં રહેવું હોય તો તો જાય ક્યાં ? ‘ બાપૂ ‘ બની જાય....! એકવાર બાપૂ બન્યા પછી, એ ગૌશાળા કાઢી શકે, આશ્રમ ખોલી શકે ને સમાજમાં ઉજળો પણ દેખાય શકે. એકાદ ગૌશાળા ખોલી, એટલે ઘરમાં ઘી આવતું થઇ જાય. ને વાડી વજીફો લીધો, એટલે કેળાં લાગતાં થઇ જાય....! બસ, બાપૂને પછી આખી જીંદગી ઘી ને કેળા....!

ત્યારે ભણવા માટે કંઈ ઓછી તકલીફ છે ? ભણતરમાં જેને રાહુ કેતુ ગાંઠતા જ ના હોય એ જાય ક્યાં ? ચોપડાં વાંચવા બેસે તો સલમાનખાન આડો ફરી વળતો હોય, ધરમસભામાં જાય તો, કેટેરિનાનો કેફ ચઢતો હોય, માળા કરવા બેસે તો, કોઈના માળા જ નજરમાં ફરતાં હોય. એના કરતાં એકવાર ‘ અલખ નિરંજન ‘ બોલતાં શીખ્યો એટલે ખલ્લાસ....! “ બચ્ચા તેરા ભલા હો જાયેગા “ એટલું જ બોલવાનું. પછી ભણે ભોળાનાથ...! બેચાર સિદ્ધહસ્ત બાપુના બાયોડેટાની કોપી પેસ્ટ મારીને ‘ ચુંદડીવાળા બાપૂ ‘ ની મહોર લગાવી એટલે હાટડી ચાલુ....! આપણે પણ પછી બાપૂ....!

ભગવાને ગીતામાં કહ્યું છે કે, ‘ યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારતમ.....! ‘ ધર્મનો ક્ષય થાય ત્યારે ભગવાન અવતાર લે છે, એમ શરીરના સુખ કરતાં લાલસાને ફતેહ કરવાની દૌડ વધે, ત્યારે આવાં ‘ ચુંદડીવાળા બાપૂ ‘ અવતાર ધારણ કરે, એવું ચમનિયાનું માનવું છે. આજકાલ ‘ ઇન્સ્ટન્ટ ‘ નો જમાનો છે મામૂ....! એનો અકસીર રામબાણ ઈલાજ એટલે ભગત ભુવા ને બાપૂ...! કોઈને પ્રેમમાં પંક્ચર પડ્યું, તો દોડો બાપૂ પાસે. મેલી વિદ્યા જંપવા નથી દેતી, તો દૌડો બાપૂ પાસે. સંતાન પ્રાપ્તિની સમસ્યા છે, તો દૌડો બાપૂ પાસે. કોર્ટકેસ ના મામલામાં ફતેહ મેળવવી છે, તો દૌડો બાપૂ પાસે. પાડોશવાળાની છોકરી, તમારા છોકરા સાથે રફુચક્કર થઇ ગઈ, તો દૌડો બાપૂ પાસે....! બસ....લાખ દુખોની એક દવા, એટલે બાપૂ....! લોકોની માન્યતા જ એવી કે, આ બધાના ઈલાજ જેટલા બાપૂ પાસે છે, એટલાં કદાચ ભગવાન પાસે પણ નહિ હોય. મંદિર વગરના આવાં બાપૂ જ એના ભગવાન. ધીરે ધીરે આપણી શ્રદ્ધા પણ બરાડા પાડવા માંડે કે, ‘ ચાલને દાદુ....આપણે પણ એકવાર બાપૂ બનવા ટ્રાય કરી જોઈએ....?

જ્યારે જ્યારે માણસમાં પૂર્વગ્રહ, અનુગ્રહ, હઠાગ્રહ, ને આગ્રહનો ધોધ વધવા માંડે, ત્યારે જ આવાં પરચા ઉભાં થતાં હશે. સુખાસ્ત્ર આગળ બ્રહ્માસ્ત્ર પણ તુચ્છ લાગે. આકાશી ગ્રહો પછી એમાં ચંચુપાત નથી કરતાં. ને સ્વચ્છંદ બનેલા માણસને એ અડપલા પણ નથી કરતાં. શરીર કંઈ રેલવેનો ડબ્બો તો છે નહિ, કે સંકટ સમયે ખેંચવા માટે ભગવાને એમાં સાંકળ આપી હોય...! બાપુના પરચા પણ ચાલવા જોઈએ ને....? એટલે લક્ષ અને બ્રેક વગરની ગાડી પછી રોકે કોણ ? બાપૂ....!

જો દાદુ....! માણસ માત્ર, ભૂલને પાત્ર તો રહેવાનો જ. આપણે કંઈ સાવ હરિશ્ચન્દ્રના અવતાર તો નથી કે, સિધ્ધાંત ખાતર સ્મશાનમાં જઈને ધામો નાંખવા જવાના. ચારેય બાજુ જુઠ્ઠાણું ડોકાં કાઢતું હોય. ત્યાં તમે સત્યનું પૂછડું પકડીને બેસો,તો ક્યાં સુધી બેસો...? ગુંલાટ મારવાની આદત કાઢવાના ઇન્જેક્શન ક્યાં હજી નીકળ્યા છે ? લોકોને હરિશ્ચંદ્રના ‘ ફાધર ‘ બનવા કરતાં, લોકોના ‘ ગોડ ફાધર ‘ બનવામાં જ એટલો રસ કે, એ વાળેલો નહિ વળે, હારેલો જ વળે. આ રહસ્ય જાણી ગયાં, તો તમે પણ આવતીકાલના બાપૂ.....!

***