Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 4

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૪ - શશી અને શશિકાન્ત

સાધુજનના મુખમાંથી સરસ્વતીચંદ્ર સંબંધના પદ્યાક્ષર કાને પડતાં ચંદ્રકાંત સૌન્દર્યોદ્યાનમાંથી નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. દમયંતીને શોધવા નીકળી પડેલા સુદેવનું પ્રેમાનંદ કવિએ વર્ણન કર્યું છે કે

‘કહ્યુ કોનું ન સાંભળે, છે કલેવરમાં કષ્ટ;

સુદેવ ન દમયંતીની ત્યાં મળી દૃષ્ટેદૃષ્ટ.’

એ વર્ણનમાં સુદેવના હ્ય્દયની જે વૃત્તિ સમજાય છે તેવી જ વૃત્તિથી, ‘શશી’ અને ‘શશીકાંત’ એટલે ચંદ્રકાંતનો સંયોગ કરનારી કડી સમજતાં, ચંદ્રકાંતને વાર ન લાગી. આટલામાં જ સરસ્વતીચંદ્ર હશે જાણી ઉધ્યાન બહારના લોક વચ્ચે કાન અને આંખને ચોપાસ અતિપ્રવૃત્ત કરતો કરતો એ આગળ ચાલ્યો. હાથની કોણીઓથી સર્વને ધક્કા મારી તે ઘેલાની પેઠે ઘસતો હતો. સર્વ જાતની પાઘડીઓ અને સર્વ જાતનાં વસ્ત્રોમાં સરસ્વતીચંદ્રનાં વસ્ત્રનો કે આકારનો આભાસ ન જડ્યો. ઘણું શોધી શોધી પાછો ફરે છે ત્યાં ઉધ્યાનના કિલ્લાની એક પાસ ઊગેલા ઘાસ ઉપરચારપાંચ બાવાઓ બેસી ચલમ ફૂંકતાં હતા અને એક બાવો તેમના સામો પગ ઉપર પગ ચડાવી તેમની સાથે વાતો કરતો હતો અને વચ્ચે વચ્ચે ‘શશી’ અને ‘શશીકાંત’ વાળી કડી બોલતો હતો. ત્યાં આગળ આવી ચંદ્રકાંત ઊભો અને આ સાધુના મુખમાં આ શબ્દ સાંભળી ચમક્યો.

‘નક્કી આ મારો મિત્ર ન હોય !-પણ પંક્તિઓ તો એની જ.’પાસે ગયો અને બાવાઓની વાતો સાંભળવા લાગ્યો.

‘ક્યા ભૈયા ! અલખ જગવવાનું છોડી આ નવો સંપ્રદાય ક્યાંથી કાઢો છો ?’

‘મારા ઉદ્‌ગારમાં જે આત્મ અલખ રહ્યો છે તેના અધિકારના કર્ણપુટમાં જતાં ત્યાં અલખ જગાવશે.’

જોડે બેઠેલા બાવાને ચલમ આપતો આપતો બીજો બાવો બોલ્યો :

‘જગાવો અલખ આ ચલમમાં. માર ફૂંક ! એ આપણો સંપ્રદાય.’

‘આ ચલમમાં અલખ અગ્નિ પ્રથમ ભડકારુપે લખ થાય છે અને પછી અમાંરા અંતઃકરણમાં લખ થાય છે- તમે યદુશૃંગવાસી તે ન સમજો.’ એક જણ બોલ્યો. એને ઉત્તર ન મળ્યો. ગાનાર ફરી ગાવા લાગ્યો.

‘સબ સંસારકી ચીલમ ધગાવો, અલખ ફૂંક વહાં ફૂંકો ફૂંકો,

ચીલન મિટ્ટીકી, અગ્નિ લખકા, અલખ ફૂંક વહાં ફૂંકો ફૂંકો !’

‘ભૈયા ! છોડી દે આ ચલમને ને ફૂંક આ અલખફૂંક !’

મોંમાંથી ચલમ પળવાર દૂર રાખી એક જણ હસી પડ્યો.

‘દેખો બે બોધ દેનેવાલા સાધુ ! ભૈયા ચલમકા આસ્વાદન કભી કીયા હૈ ?’ એના ઉત્તરમાં ગાનાર માત્ર ગાવા લાગ્યો :

‘મુખકી ચીલમકું મૂર્ખ લેત હૈય, મેં નહીં લેનેવાલા;

યદુનંદનકી ચીલમ હ્ય્દયમેં મેં તો ફૂંકનેવાલા.’

‘અચ્છા ભૈયા ! તુમ તુમારી ચીલમ ફૂંકો. અમ અમેરી ચીલમ ફૂંક લેઉંગા.’

‘નહીં કાન્તા, નહીં નારી હું, તો ય પુરુષ મુજ કાન્ત !’

જડ જેવો દ્રવતો શશી, સ્મરી રસમય શશીકાંત.

ચંદ્રકાંત ધૈર્ય ખોઈ આગળ આવ્યો ને બાવાને નમસ્કાર કરી પૂછવા લાગ્યો :

‘બાવાજી ! આપ ક્યાંથી આવો છો ને આ ઉદ્‌ગારનો અર્થ શો છે ?’

‘એ ઉદ્‌ગાર સમજવાનો અધિકાર હશે તે સમજશે. એનું રહસ્ય બીજા પાસ પ્રકટ કરવાનો મને નિષેધ છે.’

‘વારુ, આટલું જ ગાવાનું છે કે બાકી કાંઈ ગાવાનું છે ?’

‘બચ્ચા ! તેરા નામ ક્યા ?’

‘મારું નામ ચંદ્રકાંત’

‘હાં ? ચંદ્રકાંત ? નામ તો અચ્છા છે. જો નામ પ્રમાણે અર્થ હોય તો મારું ગાવાનું જાતે જ સમજી લો. તમારો ઉતારો ક્યાં છે.?’

‘પ્રધાનજીને ત્યાં.’

‘મારા જેવો કોઈ સાધુજન થોડા દિવસ ઉપર આપને મળ્યો હતો ?’

‘હા, મહારાજના બાગ પાસેના તળાવ પાસે.’

બાવો વિચાર કરી બોલ્યો : ‘ચંદ્રકાંતજી !મેં જ ગાયું તેમાં કંઈ તમને સ્વાર્થ છે ?’

‘સમજાયેલું સત્ય હોય તો તો તમારા ગાયામાં મારો સ્વાર્થ છે-સર્વ સાર છે.’ ચંદ્રકાંત નિઃશ્વાસ મૂકી બોલ્યો.

આ પ્રધાનના અતિથિ છે જાણી અને આ વાતમાં સાર ન લાગતાં, ચલમ ફૂંકનાર ઊઠી ચાલી ગયા. આ બે જણ એકલા પડ્યા. ચારે પાસ દૃષ્ટિ સાવધ થતો બાવો બોલ્યો :‘ચંદ્રકાંતજી ! તમારો સ્વાર્થ અને સાર કોનામાં છે ?’

‘શશીકાંતના શશીમાં મારો સર્વ સ્વાર્થ છે.’

‘જો એમ હોય તો હું વિશેષ બોલું તે ઉપરથી અભિજ્ઞાન પામો.’

ચંદ્રકાંત અત્યાતુર સ્તબ્ધ થઈ સાંભળતો ઊભો. બાવાએ જાડા પણ સુંદર સ્વરથી ગાવા માંડ્યું.

‘સાંભળો, ચંદ્રકાંતજી, અને પછી મનન કરો.’

‘સુંદરગિરિનાં શૃંગ ચૂમતાં જળધરગણને-’ વગેરે પંક્તિઓ બાવાએ ગાવા માંડી : ‘જગ ત્યજી જનારા તણો પંથ-સંતોને સરતો !’ એ પંક્તિ આવી.

આ પંક્તિ સાંભળતાં ચંદ્રકાંત કંપવા લાગ્યો ને મનમાં બોલ્યો- ‘શું તેં જગ છોડી જ દીધું ?’ તેનો વિચાર વધે તે પહેલાં ગાયન વાધ્યું. ‘ઈન્દ્રપુરી’ અને ‘ચંદ્રવિકાસી કમળના’ ત્યાગ સાંભળી તેનું અભજ્ઞિાન સ્પષ્ટ થયું. ‘લીધ ભગવો ભેખ વિરક્ત’-એ શબ્દ નીકળતાં તે તેનાં નેત્રમાં અશ્રુ રહ્યાં નહીં અને નેત્રમાંથી નીકળી ગાલ ઉપર આવ્યા.

‘શું બાવાજી, મારા ચંદ્ર તમારા જેવો ભેખ લીધો છે ? મને હવે સ્પષ્ટ વાત કહી ધો. હું સંસારી છું ને મારું હ્ય્દય હવે કહ્યું નથી કરતું. શું મારો ચંદ્ર સાધુ થયો ?’ લોહવા માંડેલા આંસુ વધારે વધારે નીકળવા લાગ્યાં.

ચંદ્રકાંતનાં અશ્રુ જોઈ બાવાના મનમાં પણ પોતાના શ્રોતાનું અભિજ્ઞાન સિદ્ધ થયું અને અર્દ્ર હ્ય્દયથી તે ચંદ્રકાંત સામો ઊભો રહી એનાં અશ્રુ લોહવા લાગ્યો અને બોલ્યો :

‘બચ્ચાં ! તારે રજ પણ ગભરાવું નહીં. તારા મિત્રરત્નને તું સત્વર પ્રાપ્ત કરીશ એ અમારું પણ રત્ન છે. એ જીવ તારે માટે તૃષિત છે ને મારા મુખમાં જે ઉદ્‌ગાર છે તેનો પ્રભવ એના જ મુખમાંથી, એના જ હ્ય્દયમાંથી અને એની જ તૃષામાંથી છે. એ ઉદ્‌ગાર-સુધાનું પાન એક વાર કરી લે ને બોધી લે કે તારા મિત્રની તારે માટેની તૃષા તારાથી સમજાય.’

અશ્રુ લોહતો લોહતો મિત્રવિયુક્ત મિત્ર બોલ્યો : ‘બોલો, બાવાજી ! બોલો પરમુખે પણ મિત્રના શબ્દ મિષ્ટ છે- પણ-’

‘પણ વાળું વાક્ય નીકળવા ન દેતાં બાવાએ આગળ ગાયું અને ગાન પૂરું થયું. નહીં મળે મિત્ર અધ્વર્યુ-યજ્ઞમાં વિઘ્ન જ આવે.’

‘આવ્યું-ભાઈ-યજ્ઞમાં વિઘ્ન જ આવ્યું-તેં આ ભેખ લીધો ત્યારથી જ-બાવાજી ! હવે મને કાંઈ જાતે કહો. સુંદરગિરિ ઉપર મારો મિત્ર ક્યાં છે ? તેનું શરીર કેવું છેે ? તેના અન્નપાનની વ્યવસ્થા કેવી છે ? તેના મનની અવસ્થા કેવી છે ? તે મને ક્યારે મળશે ? ક્યાં મળશે ? મારે અત્યારે જ નીકળવું છે. આમાંથી જેટલા ઉત્તર દેવાય તેટલા સત્વર આપો. એ જીવમાં અનેક જીવોનું જીવન છે અને મારું તો સર્વસ્વ તેમાં જ છે.’

‘બચ્ચા ! આ કામ ગુપ્તપણે કરવાની મને આજ્ઞા છે. આ સ્થાન ને સમય તેને પ્રગટ કરવાને અનૂકૂળ નથી. તારું રત્ન સુવર્ણની પેટીમાં સાચવી રાખેલું છે અને સર્વ રીતે આનંદરૂપ છે. એટલું જાણી શાંત અને શીતળ થા. તું જેમ મોટા ગૃહનો અતિથિ છે તેમ તારો મિત્ર મહાત્માનો પ્રિયતમ અતિથિ છે. જો, તને શોધતું કોઈ આવે છે- હું તેમની જિજ્ઞાસાને જાગૃત નહીં કરું. ચંદ્રકાંતજી ! હું આ સ્થાને સંધ્યાકાળથી પ્રાતઃકાળ સુધી તમારી વાટ જોઈશ અને એકાંતમાં તમારી ઈચ્છા તૃપ્ત કરવાનો સંકેત દેખાડીશ.’

શંકરશર્મા અને પ્રવીણદાસ ત્યાં આવી પહોંચ્યા. બાવો ચાલ્યો ગયો. ચંદ્રકાંત ગૂચવાતો ઊભો રહ્યો અને આવેલા ગૃહસ્થો સામો ફર્યો. બાવાની ગોષ્ઠીમાં ભાગ પાડનાર આ મિત્રોનો યોગ અત્યારે તેને રજ પણ ગમ્યો નહી. તેના મોં ઉપરનો કડવાશ ઢાંક્યો ન રહ્યો. પણ બાવો તો ચાલ્યો ગયો અને હવે તો પ્રારબ્ધ જે ઢીલ કરે તેને વશ થવામાં બળાત્કારે તૃપ્તિ આણવી પડી. મિત્રના સમાચારના અભિજ્ઞાને ઉત્પન્ન કરેલા સમારંભમાં તે ઉદ્યાન છોડી મસ્તક ઉપર પાઘડી વિના આટલે સુધી આવેલો હતો તેનું અચિંત્યું ભાન આવ્યું અને ભાન સાથે લજજાયુક્ત થયો. આ નવા મિત્રોને પણ આ દેખાવથી જિજ્ઞાસા અને ચિંતા થઈ હતી અને તે બે જણે સાથે લાગો પ્રશ્ન પૂછ્યો કે : ‘તમે અહીં આમ ક્યાંથી ?’