Jivan Sandesh in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન સંદેશ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવન સંદેશ

જીવન સંદેશ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૦

ગુરૂજીનો સંદેશ

છત્રપતિ શિવાજીએ પોતાના પરાક્રમોથી અનેક લડાઈમાં વિજય મેળવ્યો. એ કારણે એમના મનમાં થોડું અભિમાન આવી ગયું. તેમને એવું લાગવા માંડયું કે તેમના જેવો વીર આ ધરતી ઉપર બીજો કોઈ નથી. તેમની બરાબરી કોઈ કરી શકે એમ નથી. ઘણી વખત તેમનું આ અભિમાન બીજાની સામે પણ વ્યકત થવા લાગ્યું.

એક દિવસ શિવાજીના રાજમહેલમાં તેમન ગુરૂ સમર્થ રામદાસની પધરામણી થઈ. આમ તો શિવાજી તેમનો ખૂબ આદર કરતા હતા. પરંતુ જયારે રાજ-કાજની વાત કરી ત્યારે તેમની સામે પણ એ અભિમાન વ્યકત થઈ જ ગયું. ''ગુરૂજી, હવે હું લાખો લોકોનો રક્ષક છું અને પાલક છું. મારે તેમના સુખ- દુઃખ અને ભોજન-વસ્ત્ર વગેરેની ઘણી ચિંતા કરવી પડે છે.'' ગુરૂ સમજી ગયા કે તેમના શિષ્યમાં રાજા બનવાનું અભિમાન આવી ગયું છે. તેને દૂર કરવું પડશે. અને શિવાજીનું આ અભિમાન તોડવા માટે ગુરૂએ એક તરકીબ શોધી કાઢી.

સાંજે શિવાજી જયારે સમર્થ રામદાસ સાથે ભ્રમણ પર નીકળ્યા ત્યારે એક જગ્યાએ અચાનક મોટો પથ્થર બતાવીને ગુરૂએ શિવાજીને કહ્યું: ''શિવા, જરા આ પથ્થરને તોડી બતાવ ને.'' શિવાજીએ ગુરૂની આજ્ઞાનું તરત જ પાલન કરીને એ પથ્થર તોડી બતાવ્યો. તેમની નવાઈની વચ્ચે પથ્થરમાંથી એક દેડકો મોંમાં પતંગિયું દબાવીને બેઠેલો દેખાયો. એ જોઈને શિવાજી દંગ રહી ગયા. અને ગુરૂજીએ શિવાજીને તરત પ્રશ્ન કર્યો: ''શિવા, પથ્થરની વચ્ચે બેઠેલા આ દેડકાને હવા-પાણી અને ખોરાક કોણ પહોંચાડી રહ્યું છે? એનો પાલક કોણ છે? એના પાલનની જવાબદારી કયાંક તારા ખભા પર તો આવી પડી નથી ને?'' શિવાજી ગુરૂના સવાલનો મર્મ પામી ગયા અને પોતાના અભિમાન માટે શરમ અનુભવવા લાગ્યા.
ત્યારે ગુરૂએ શિવાજીને સમજ આપતાં કહ્યું: ''શિવા, આ સૃષ્ટિના બધા જીવનો પાલક તો એક જ છે, પરમ પિતા પરમેશ્વર. હું અને તું તો માત્ર માધ્યમ છીએ. એટલે તેમના પર વિશ્વાસ રાખીને કાર્ય કર. તને સફળતા ચોક્કસ મળશે.''

શિવાજીનું અભિમાન તૂટી ચૂકયું હતું. તેમણે ગુરૂજીની ક્ષમા યાચી અને આશીર્વાદ લીધા.

*
માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો,

જે કંઈ બની ગયો, એ બરાબર બની ગયો.

'આદિલ' મન્સૂરી

*
સ્મરણ કરવું આપના હાથની વાત છે. અને જીવન- મરણ પ્રભુના હાથની વાત છે.

***
નૈતિક જવાબદારી

યૂનાની દૂત મેગાસ્થનીજ આચાર્ય વિષ્ણુગુપ્તને મળવા પાટલિપુત્ર પહોંચ્યા. અને તેમની પાસે અંગત કામ માટે મુલાકાતનો સમય માગ્યો. આચાર્યએ દૂતને સાંજે પોતાની ઝૂંપડી પર આવવા માટેનો સમય આપ્યો.
મેગાસ્થનીજ સાંજે રાજયની સીમા પાસે આવેલ આચાર્ય વિષ્ણુગુપ્તની ઝૂંપડી પર પહોંચ્યો. સાંજ ઢળી રહી હતી. અંધારું છવાઈ રહ્યું હતું. મેગાસ્થનીજે જઈને જોયું કે આચાર્ય પોતાના આસન પર કોઈ કામમાં વ્યસ્ત હતા. તેમની બાજુમાં ટીપોઈ પર એક દીવો સળગી રહ્યો છે.

મેગાસ્થનીજ તેમની પાસે પહોંચ્યો એટલે આચાર્યએ તેને ઈશારાથી બેસવા કહ્યું અને પોતાના કામમાં તલ્લીન બની ગયા. થોડી જ વારમાં તેમણે પોતાનું કામ સમાપ્ત કરી દીધું. અને ટીપોઈ પર મૂકેલો દીવો જે પ્રકાશિત હતો તેને બુઝાવી દીધો. મેગાસ્થનીજને થોડું આશ્ચર્ય થયું. અંધારામાં મુલાકાત આપીને આચાર્ય શું કરવા માગે છે એમ વિચારવા લાગ્યો. પણ બીજી જ ક્ષણે તેણે જોયું કે આચાર્યએ બીજો એક દીવો કાઢયો અને તેને પ્રગટાવ્યો. મેગાસ્થનીજનું આશ્ચર્ય વધી ગયું. તેને સમજાતું ન હતું કે એક દીવો પર્યાપ્ત પ્રકાશ આપી રહ્યો હતો છતાં તેને બુઝાવીને આચાર્યએ બીજો દીવો શા માટે સળગાવ્યો?

થોડીવાર સુધી પોતાના કામની વાત કર્યા પછી મનમાં નવા દીવાની બાબતે રહેલી ઉત્સુકતાને કારણે મેગાસ્થનીજે તેમને કારણ પૂછી જ લીધું. ''ગુરૂજી, અવિવેક ના ગણાતો હોય તો એક વાત પૂછી શકું કે હું આવ્યો ત્યારે જે દીવો પ્રગટેલો હતો તેને બુઝાવીને બીજો શા માટે સળગાવ્યો?'' આચાર્ય વિષ્ણુગુપ્ત બોલ્યા:''તું આવ્યો ત્યારે હું રાજ્યનું કામ કરી રહ્યો હતો. અને એ દીપકનો ખર્ચ રાજયનું શાસન ઉઠાવે છે. રાજ્યનું કામ સમાપ્ત થઈ જતાં એ દીપક બુઝાવી દીધો. અત્યારે જે દીપક મેં સળગાવ્યો એ મારા પોતાના ખર્ચથી ચાલે છે. હું મારા અંગત કામ માટે રાજયના સાધનોનો ઉપયોગ કરું તો એ ખોટું કહેવાય. રાજયની સંપત્તિનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં હું માનતો નથી.'' મેગાસ્થનીજે નૈતિક જવાબદારીનું આવું ઉદાહરણ બીજે કયાંય જોયું ન હતું. તેને ખ્યાલ આવી ગયો કે મૌર્ય શાસનનું ભવિષ્ય ઉજળું છે.

*
ભીતરે પણ થઈ શકે મોંસુંઝણું,

એક દીવો ત્યાંય, બળતો રાખજે.

-સુરેશ પરમાર

*
દીપકને અંધકાર ખાઈ જાય છે. એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે. પરંતુ તેનાથી કાજલ પેદા થાય છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી ખાય છે તેમના સંતાન ગુણહીન, મંદબુધ્ધિ તથા બદમાશ હોય છે. માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ. – ચાણકય

***
ચિકિત્સકની ઓળખ

રસાયણશાસ્ત્રી નાગાર્જુન એક રાજયના રાજવૈદ્ય હતા. વધતી જતી કામગીરીને કારણે તેમણે એક દિવસ રાજાને કહ્યું:''મહારાજ, મારે એક મદદનીશની જરૂર છે.''

રાજાએ બે યુવાનને તેમની પાસે મોકલ્યા અને તેમાંથી જે યોગ્ય લાગે તેને મદદનીશ તરીકે રાખી લેવાનું જણાવ્યું. નાગાર્જુને બંનેની કેટલીક પરીક્ષા લીધી. તેમાં બંનેનો દેખાવ સારો રહ્યો. બંનેની એકસરખી યોગ્યતા જોઈને તેઓ વિચારમાં પડી ગયા કે કોને રાખવો? લાંબા વિચાર મંથન પછી તેમણે એક પદાર્થ લઈને બંનેને આપ્યો અને કહ્યું:''આ પદાર્થને લઈ ઘરે જાવ અને તેને ઓળખીને એક રસાયણ બનાવીને આવતીકાલે સવારે મારી પાસે લઈ આવજો. હા, એક વાતનું ધ્યાન રાખજો કે સીધા જવાને બદલે રાજમાર્ગથી જ ઘરે જજો.'' રાજ વૈદ્યની આજ્ઞાનુસાર બંને યુવાન રાજમાર્ગ થઈને ઘરે ગયા.

બીજા દિવસે સવારે બંને યુવાન તેમની સમક્ષ ઉપિસ્થત થયા. તેમાં એક યુવાન રસાયણ બનાવીને લાવ્યો હતો અને બીજો યુવાન ખાલી હાથે આવ્યો હતો. નાગાર્જુને રસાયણ બનાવનાર યુવાનને તેના ગુણદોષ પૂછયા. તેણે બરાબર જવાબ આપ્યો. તેનું જ્ઞાન યોગ્ય હતું. નાગાર્જુને બીજા યુવાનને પૂછયું:''તું રસાયણ બનાવીને કેમ લાવ્યો નહિ?'' તેણે કહ્યું:''માફી ચાહું છું. હું એ પદાર્થને ઓળખી ગયો હતો. પણ રસાયણ બનાવી શક્યો નથી. જયારે હું રાજમાર્ગ પરથી આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક ઝાડ નીચે એક બીમાર અને અશકત વ્યક્તિ દરદથી તડપતો હતો. તેને સારવાર માટે મારા ઘરે લઈ ગયો. અને તેમાં સમય ઘણો નીકળી ગયો એટલે રસાયણ બનાવવાનો સમય ના મળ્યો.'' નાગાર્જુને બીજા યુવાનને પોતાના મદદનીશ તરીકે પસંદ કરી લીધો.
રાજાને આ વાતની જાણ કરવામાં આવી. રાજાએ નવાઈથી રાજવૈદ્યને પૂછયું:''આચાર્ય, જેણે રસાયણ ના બનાવ્યું એને જ તમે સહાયક તરીકે રાખી લીધો. અને જેણે આજ્ઞાનું પાલન કર્યું તેને પસંદ ના કર્યો. તેનું શું કારણ છે?'' નાગાર્જુન કહેઃ''મહારાજ, રસાયણ બનાવવાનું કામ તો એક બહાનું હતું એમને ઓળખવાનું. બંને એક જ માર્ગ પરથી ગયા હતા. મેં એ માર્ગ પર બે બીમાર માણસોને રાખવા કહ્યું હતું. એક યુવાને બીમાર માણસને જોયો અને તેને સારવાર આપવાનું કામ કર્યું. જયારે બીજાએ તેની અવગણના કરી. અને રસાયણ બનાવવાનું કામ મુશ્કેલ ન હતું. તેમની એ યોગ્યતાની પરીક્ષા તો હું અગાઉ લઈ ચૂકયો હતો. તેમના એ જ્ઞાન માટે મને કોઈ શંકા ન હતી. મારે તો એ જાણવું હતું કે બંનેમાંથી કોણ માનવ સેવા કરવા માટે સમર્થ છે. કેમકે બીમાર વ્યક્તિ ચિકિત્સકની દવા કરતાં તેના પ્રેમ અને સેવા ભાવનાથી વધારે જલદી સાજો થાય છે. એટલે એ બીજો યુવાન મારા કામનો હોવાથી મેં તેની પસંદગી કરી છે.'' રાજાને રાજવૈદ્યની વાત યોગ્ય લાગી. અને તેમની પસંદગી પર મહોર મારી દીધી.

*
માનવી અને પહાડ વચ્ચે ફેર શો છે?

એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

- અનિલ ચાવડા

*

આ જગતમાં પરોપકાર સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી.


*****