Dhrujarti, Dhijjat ane Dhrubang in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | ધ્રૂર્જટી, ધિજ્જટ અને ધ્રુબાંગ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ્રૂર્જટી, ધિજ્જટ અને ધ્રુબાંગ

ધૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ

ત્રણ મિત્રો હતા. ધૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ. ત્રણે એકબીજામાં ઓતપ્રોત હતા. સોમનાથના સંપૂર્ણ વૈભવના ભવ્ય દિવસોમાં એ ત્રણે જણા સોમનાથ મંદિરને ઓટલે બેઠા બેઠા મોડી રાત સુધી સમુદ્રના હજારો તરંગોને નિહાળ્યા કરતા. અનેક સુંદર સંસ્મરણોની બનેલી એમની જીવનકથની એકબીજાને કહેતા. અને એમ ને એમ પોતાના દિવસો સ્વપ્નાની વહેતી સરિતા, પેઠે પસાર કરી રહ્યા હતા.

એ સમય જ જુદો હતો. તે વખતે ગર્જનકો પડછાયો ક્યાંય દેખાતો ન હતો. સોમનાથના સમુદ્રકિનારે હમેશાં હજારો માણસો આવતાં, રાજરાણાઓ આવતા, અકિંચનો આવતા, મહારાણીઓ આવતી, શ્રેષ્ઠીઓ, સાધુઓ, સુંદરીઓ અને શસ્ત્રધારી આવતા; હજારોના હિસાબે આવતા. આખો સમુદ્રકિનારો ભર્યો ભર્યો લાગતો. ભગવાન શંકરનું મંદિર સ્વર્ગની શોભાને ઝાંખું પાડતું ત્યાં ઊભું હતું. ત્યાં રેલાતી પ્રીતિ ભક્તિ દેવોને માનવ થવા પ્રેરતી, અને માનવોને દેવ બનવા લઈ જતી. એ વખતે ત્યાં ક્યાંય ભયનો પડછાયો ન હતો, શંકા ન હતી, શોક ન હતો.

ત્યાં સ્તવનો થતાં, ને માણસો રડતાં, માણસો રડતાં અને આનંદ ઊભો થતો. ત્યાં યોદ્ધાઓ આવતા, ને યશસ્વી મૃત્યુ માગતા. સ્ત્રીઓ આવતી, ને પતિ પહેલાં મરણ માગતી. રાજાઓ આવતા. ને સંન્યસ્ત માગતા. ત્યાં આવતા તે બધા જ ભિખારી બનીને આવતા. આ ભસ્મ ચોળેલા દેવની પાસે જાણે કોઈ જ રાજા ન હતો. કોઈ શ્રેષ્ઠી ન હતો, કોઈ સમૃદ્ધ ન હતો, બધા જ માગણ હતા.

આ ત્રણ મિત્રો પણ એક દિવસ ત્યાં માગણ થઈને આવ્યા હતા.

ધિજ્જટ એ રા’નો વંશપરંપરાનો રાજભક્ત સાંઢણીવાળો હતો. એનો હાથ જે સાંઢણીને અડતો, તે ગગનપંખી સમી બની જતી. એને સાંઢણી ઉપર જોવો એ જીવનનો એક મહામોલો પ્રસંગ હતો. ધિજ્જટે પોતાની સાંઢણી રણનાવડીને એક વખત સંધના રણમાં રણ ખેડવા નાખી. પણ કોઈ દિવસ પાછી ન પડનારી એ સાંઢણી રણમાં તળ રહી ગઈ. ત્યાર પછી ધિજ્જટે બીજી કોઈ સાંઢણી માથે કાઠું ન નાખ્યું, એ આંહીં સોમનાથને સમુદ્રકિનારે બેસી ગયો. રા’ નવઘણે પોતે એને ઘણું મનાવ્યો, બહુ સમજાવ્યો. પણ એણે કહ્યું, ‘ના, મારી ઘરરાણી ગઈ. હવે દિલ ભાંગી ગયું છે. મનમાં ઉદાસી થઈ ગઈ છે. હવે મને ભગવાનની રાખની પડખે બેસી જવા દ્યો. ત્યાં શાંતિ મળશે.’ ત્યારથી ધિજ્જટ સોમનાથમાં રહેતો હતો, ભગવાનનું ભજન કરતો, દરવાજો સાચવતો, આનંદ કરતો.

રા’ નવઘણને સિંધની રેતીના કણેકણનો ઇતિહાસ આપનારો કોઈ હોય તો એક ધ્રુબાંગ. એ જબ્બર ભોમિયો હતો. એના જેવો રેતીના દેખાવનો, રસ્તાનો, આવતાં તોફાનોનો, તારાઓનો, આકાશી રંગનો, જળથાનકનો જાણકાર કોઈ મળે નહિ. એ આકાશી રંગ જોઈને બોલી ઊઠે કે આજ રેતસાગરમાં અમુક વખતે વંટોળિયો ઊભો થાશે ને તે પ્રમાણે ઊભો થયો જ હોય ! એ તારાઓને જાણતો. તારાઓ એને જાણતા. કવિઓ જેમને આકાશદીપો ગણતા, તે તારાઓને ધ્રુબાંગ, રેતીના ભોમિયા માનતો. એમને આધારે, એ અંધારઘેરી રાત્રિએ પણ સેંકડો જોજનની મુસાફરી ખેડી કાઢતો. આ ધ્રુબાંગ પણ રણનાવડી ઉપર સાથે હતો. ધ્રુબાંગ હોય, ધિજ્જટ હોય અને રણનાવડી હોય પછી ભલે સૌ આંટાફેરા માર્યા કરે. એમના મારણને માથે કોઈ ભો નહિ. દ્રમ, એમાં માણસ આખો ગરક થઈ જાય, એ એમને માટે થરનાં રણ ફૂલવાડી જેવાં બની ગયાં, એવા એ જાણકાર. પણ રણનાવાડીને એણે એક પગલાની ભૂલે લોદ્રવાના દ્રમ *માં જોતજોતામાં ડૂબી જતી જોઈ. પોતે માંડ કૂદકો મારીને છટકી શક્યો. પણ ત્યાર પછી રેતના કણેકણ જાણવાનું

--------------

*પોલી રેતી.

એનું અભિમાન ગળી ગયું. રેતના એક કણમાં એક એક સાગરની માયા એણે જોઈ લીધી. ને એ પણ ધિજ્જટની સાથે માળા લઈને ભગવાન શંકરની રાખને ચરણે બેસી ગયો હતો. એ સોમનાથના મંદિરમાં આંટાફેરા કરતો. ભગવાન સોમનાથના દરવાજે બેસતો. અને રાતે સોમનાથ સમુદ્રના લાખો તરંગોને નિહાળી રહેતો. ત્રીજો પંડિત ધૂર્જટિ. એ કાશ્મીરનો હતો. એણે ત્યાં રાજા કુલચંદ્રને સિંહની માફક ગર્જનક સામે લડતો જોયો હતો. ધ્રૂર્જટિ ત્યાં પંડિત હતો. રાજાની વતી સોનામાં કમળ લઈને એ સોમનાથના મંદિરે ઘણી વખત આવ્યો હતો, એણે ત્યાં કાશ્મીરની વનકુંજો દેખી હતી. કેસરનાં મત્ત સુગંધી ક્ષેત્રો જોયાં હતાં. રંગીન આકાશ ને મેઘાચ્છાદિત હિમપર્વતો જોયા હતા. પણ જ્યારે એ સોમનાથ મંદિરને સમુદ્ર પગથિયે બેઠો, છોળ ઉપર છોળ ઉડાડતા ફેનાંબુરાશિ જલધિરાજને એણે જોયો, ઉપર નીલવર્ણું ઘેરું ગંભીર આકાશ જોયું, અને સામે વિસ્તીર્ણ જલનાં નીલાં, ઘેરાં, ભૂરાં અગાધ પાણી દીઠાં, અને એને મનમાં થઈ ગયું કે કોઈક દિવસ - ભગવાન ચંદ્રમૌલીશ્વરને એ આંહીં સદેહે નિહાળીને જીવનની ધન્યતા અનુભવી રહેશે. એણે ત્યારે જ આંહીં સોમનાથના સમુદ્રકિનારે બેસી જવાનો મનમાં નિર્ણય કરી લીધો હતો. પછી તો એ કાશ્મીર ગયો. કાશ્મીર કલંજરનો રાય કુલચંદ્ર પચાસ હજારના સેન સાથે સિંહની માફક ગર્જનક સામે લડ્યો, પણ ઘેરાઈ ગયો. જ્યારે લાગ્યું કે આ સુલતાનને હાથે નામોશી વહોરવી પડશે, ત્યારે મધ્યયુગી રણહઠીલા જોદ્ધાની ઢબથી પાછો ફર્યો. પહેલાં રાણીને હણી, પુત્રોને હણ્યા, અને કેસરરંગી પાઘ પહેરી, હજારોની સેનામાં પોતાના ઘોડા સાથે ખાબક્યો ! એ કપાઈ ગયો. રાઈ રાઈ જેવડા ટુકડા થઈને નાશ પામ્યો પણ એણે ન ગર્જનકને ખંડણી આપી, ન હાથી આપ્યા, ન માણસ આપ્યાં. જીવન આપ્યું, ગર્જનક એ વખતે એના એક્સો પંચાશી હાથી લઈ ગયો.

પણ પંડિત ધૂર્જટિ ઉપર રાજા કુલચંદ્રના આ જીવનસમર્પણની ગાથાએ અમર છાપ મૂકી દીધી. એણે સર્વસ્વ છોડી દીધું. કેવળ કુલચંદની થોડી મળી તે રાખોડી લઈને, એ સોમનાથમાં આવ્યો. ત્યારથી એ આંહીં રહી ગયો, એને બહુ વર્ષો થયાં ન હતાં. પણ એની વિદ્વત્તાની ખ્યાતિ, છેક મઠપતિ સુધી પહોંચી ગઈ હતી.

જ્યારે એ સોમનાથ ભગવાનનું સંસ્કૃતમાં સ્તવન કરતા, ત્યારે હવામાં જાણે વેદવારાની શબ્દમૂર્તિઓ ખડી થઈ જતી. દૂર દૂર ગગનાંગણમાંથી, સમુદ્રપારની પર્વતની કંદરાઓમાંથી, જંગલ વીંધતા મરુતની પાંખમાંથી, જલસમુદ્રની લહરીએ લહરીમાંથી, આ કાશ્મીરી પંડિતના શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણના જાણે પડછંદા ઊઠતા. વાતાવરણ ફરી જતું. વાયુમંડલ બદલી જતું. સોમનાથ ભગવાનને એ સજળ નેને જાણે સદેહે જોતો હોય તેમ ભાન ભૂલી જતો. એની સાથે વાત કરનારો એની ભાષાની મીઠાશને દિવસો સુધી ભૂલી શકતો નહિ. ધિજ્જટ-ધુબાંગ ભગવાન શંકરની લીલાનાં ગુણગાન કરતા, મોડે સુધી બેસી રહેતા. એમને માટે જીવનની એ એક અનોખી મોજ હતી. ચાંદની રાતે સોમનાથ સમુદ્રને નિહાળવો, એ સ્વર્ગની દેવસભા નિહાળવા જેવું હતું. આ ત્રણે જણા ઘણી વખત એ દેવસભાને મોડી રાત સુધી બેઠા બેઠા જોઈ રહેતા.

ગર્જનક સોમનાથ ઉપર ત્રાટક્યો ત્યારે આ ત્રણે જણા જીવસટોસટનું જુદ્ધ ખેલ્યા, પણ સમય વિરુદ્ધ ગયો. તે સાંજરે અંધારામાં નાવડીમાં બેસીને નાસી છૂટ્યા. તેની પાછળ તરવાવાળા પડ્યા પણ તે બચી ગયા. ત્યાર પછી હવે બધા પાછા ફરતા હતા, તે જોઈને એ પણ પાછા ફર્યા હતા.

એમને ખબર મળ્યા. દેવનર્તિકા ચૌલા આવવાની છે વદ ચૌદસ શિવરાત્રિએ. એને ભગવાન પિનાકપાણિના સાન્નિધ્યમાં પોતાનું નૃત્ય કરી જવાની પ્રતિજ્ઞા છે. આંહીં સોમનાથમાં મહાદેવ ન હતા, પણ પાસેના ગુપ્તેશ્વરમાં ભોંયરામાં ભગવાન શંકરની પૂજા શરૂ થઈ હતી. ત્યાં જૂનો ઠાઠમાઠ ન હતો, પણ રહી સહી અવશેષ સંપત્તિનો ભભકો પ્રગટાવીને, ફરીને વાતાવરણ સરજવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.

ચૌલા આવવાની હતી. દેવનર્તિકા માનવપ્રેમમાં પડે એને નૃત્યનો અધિકાર નહિ. ચૌલાની વાત હવામાં આવતાં જ. મઠાધિપતિએ એને નૃત્ય કરવાના અધિકારથી પદભ્રષ્ટ ગણી દીધી હતી. મંદિરના બધા પૂજારીઓને સ્પષ્ટ આજ્ઞા આપી હતી. એનો નૃત્યપ્રવેશ એ અનધિકાર પ્રવેશ. એ હવે ન થાય. ભગવાનની સમક્ષ આવાં આવાં અધમાચરણ થવાથી જ, ભગવાનની આ સ્થિતિ થઈ હતી, તેણે વૃદ્ધ પૂજારીને આજ્ઞા આપી દીધી, પૂજારીએ ધૂર્જટિને દીકરા સમાન ગણ્યો હતો. તેને ખાનગી રીતે આ વાત કહી. આ ત્રણે જણાને આ વાતની ખબર પડી. એમણે ચૌલાને પહેલાંથી જ ચેતાવી દેવાનો નિર્ણય કર્યો. સોમનાથના જે ખડક ઉપર ચૌલાની નાવડી થોભાવવાનો સંકેત હતો, ત્યાં તે આવી પહોંચ્યા. એમણે આસપાસ જોયું તો કોઈ માણસ હોય તેમ જણાયું નહિ. આ ખડકના એકાંતને લીધે ત્યાં ભાગ્યે જ કોઈ ફરકતું. અને એમાં આજે તો અંધારી રાત હતી.

એ ત્રણે જણા ખડકનું એક પોલાણ શોધી, નાનકડો દીપ ત્યાં ગોખલામાં પ્રગટાવી, તેની રાહ જોતા ત્યાં બેઠા.