Aatmsaat in Gujarati Short Stories by Sapana books and stories PDF | આત્મસાત

The Author
Featured Books
Categories
Share

આત્મસાત

આત્મસાત

પાંત્રીસ વરસની રેશમા એકદમ સુંદર અને આત્મ શ્રદ્ધાવાન દેખાતી હતી વારંવાર ખડખડાટ હસતી હતી અને આંખોમાં એક ચમક હતી. એક કંપની માં એમીનેશનની સરસ પોસ્ટ પર હતી અને સારું એવું કમાતી હતી. પોતાના તથા પોતાના માતા માતાપિતાનાં તથા ભાઈ બહેનનાં દરેક શોખ પૂરાં કરતી હતી. રેશમાને જોઈને નારી શક્તિ પર ગર્વ કરવાનું મન થાય.પણ હા એ જ્યારે ૧૮ વરસની હતી અને બસ હાઈસ્કૂલ પાસ કરી ત્યારે રેશમા આવી ના હતી. ત્યારે એ રોહિતનાં સંપર્કમાં આવી હતી. એ દિવસો દરમ્યાન એ મુંબઈ આવી હતી. કોઈ મિત્રની બહેનનાં લગ્નમાં રોહીતની એની મુલાકાત પણ થોડી ડ્રામેટિક હતી. એક એની દોસ્ત રસ્તામાં મળી ગયેલી. એની સાથે ખૂબ દેખાવડો ડેશીંગ યુવાન હતો. ટેમીએ ઓળખાણ કરાવી આ મારો ખૂબ નિકટનો મિત્ર રોહિત!! રેશમાને રોહિત ગમી ગયો. પણ મિત્રની સાથે હતો તેથી રોહિતમાં ખાસ રસ લીધો નહીં. પણ ટેમી સાથે મુલાકાત થતી તો રોહિત મળી જતો. આમ સમય જતાં એકબીજાના ફોન નંબર એક્ષ્ચેન્જ થયાં. રેશમાં પણ ખૂબ દેખાવડી મીઠાં બોલી અને પ્રેમાળ હતી. એક બે વાર એ રોહિતને કોફિ માટે એકલી મળી તો ખબર પડી કે ટેમી અને રોહિત ફકત મિત્ર જ હતાં વધારે કઈ નહીં.
હવે રેશમા અને રોહિતની મુલાકાત વધવા લાગી. રોહિત ખૂબ મોટા સપનાં સેવતો અને એ સપનાંમા રેશમાને પણ શામિલ કરતો. એને લંડન જઈ આગળ અભ્યાસ કરવો હતો.

રોહિત અને રેશમા ખૂબ નજીક આવી ગયાં.બન્નેની દોસ્તી પ્રણયમાં બદલી ગઈ હતી.એક દોંઢ વરસ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહ્યા. રેશમા રોહિતને પોતાના માબાપને મળાવા માંગતી હતી. રોહિત તૈયાર હતો લંડન જતાં પહેલાં બન્ને સગાઈ કરી જોડાવા માગતાં હતાં. રેશમાએ રોહિતને ગામ બોલાવ્યો. બધાં રોહિતને જોઈને ખુશ થઈ ગયાં. ખૂબ વિવેકી ધાર્મિક, દેખાવડો અને ભણેલો છોકરો આજ કાલ ક્યાં જોવા મળે છે. બન્ને વિટી બદલી નાની એવી સેરીમની સાથે બંધનમાં જકડાઈ ગયાં.

રેશમાના પપ્પા મમ્મી રોહિતને ખૂબ માનપાન આપતા બલ્કે દીકરાની જેમ રાખતા. પપ્પા બધે ફરવા લઈ જાય મમ્મી સરસ સરસ પકાવીને ખવડાવે અને એનો પડ્યો બોલ ઉઠાવે!! રેશમાની ખુશી માટે બધું જ કરે. રોહિત એક આઈ ટી કંપની માં કામ કરતો હતો.એક વાત રેશમા સમજી શકતી ના હતી કે સગાઈ બાદ રોહિત થોડો બદલાય ગયો લાગતો હતો. વાતવાતમાં રેશમાને ઉતારી પાડતો. ક્યારેક કહેતો કે કપડા પહેરવાની એને સેન્સ નથી ક્યારેક કહેતો મેઇક અપ કરતા નથી આવડતો. તો ક્યારેક ગામડિયા જેવું ઈંગ્લીશ બોલે છે.પણ રેશમા તો પ્રેમાંધ હતી. એવું માનતી કે રોહિત મુંબઈનો છે અને પોતે નાના ગામની. પણ ધીરે ધીરે એ બધું શિખી જશે. નવાઈની વાત એ હતી કે ઘણી વાર પહેલા રોહિત એને કહી ચૂક્યો હતો કે તું મેઇક અપ વગર જ સારી લાગે છે અને તારી સાદગી મને ગમે છે.અચાનક આ ફેરફાર થી રેશમા ચિંતા કરતી હતી.પણ ધીમે ધીમે બધુ સરખુ થઈ જશે એમ માનતી હતી.જોકે પોતે ગામમાં રહેતી હતી અને ફોન પર આવી વાતો કરતો એટલે એમ પણ વિચારતી કે જ્યારે અમે બન્ને સાથે હોઈશું ત્યારે રોહિત આ બધી શિકાયત ભૂલી જશે અને અમે ફરી એક થઈ જઈશું.અને એ મલકી પડતી.

રેશમાની ઈચ્છા હાઈસ્કૂલ પછી એમીનેશનની ડિગ્રી લેવાની હતી. એણે ઘણી યુનિવર્સિટીમાં એપ્લાય કરેલું. અને દિલ્હીની યુનિવર્સિટીમાં એનો નંબર લાગી ગયો. એ ખૂબ ખુશ હતી. એણે રોહિતને ખુશી સમાચાર આપવા ફોન કર્યો એનો અવાજ જાણે ખુશીથી ફાટી જતો હતો. "રોહિત રોહિત મને દિલ્હી માં એડમિશન મળી ગયું. તું લંડન જઈશ અને હું દિલ્હી!!" પણ સામેથી રોહિતનો ઠંડો પ્રત્યુતર મળ્યો. ઓહ. તો તું હવે શહેરની બની જઈશ."તો પણ રેશમા રોહિત સાથે વાત કરતી જ રહી એને ખુશીમાં ખયાલ પણ ના રહ્યો કે રોહિત એની વાતમાં રસ નથી લઈ રહ્યો.

લંડન જવાનું લગભગ નક્કી થઈ ગયું. રોહિત રેશમાને મળવા ગામ આવ્યો.રેશમા પણ દિલ્હી જવાની તૈયારી કરતી હતી.વીશ વરસની રેશમા તાજી કુમળી કળી જેવી હતી. દુનિયાની આંટીઘૂંટી જાણતી ના હતી.એ તો પ્રેમમાં હતી. મહેબૂબકી હર બુરાઈ અછાઈ લગતી હૈ. એમ રોહિતના ન સમજાય તેવા વ્યવહારને પણ ઈગ્નોર કરતી હતી. એકાંત મળતા રોહિતે રેશમાને કહ્યુ," લંડનની બધી તૈયારી થઈ ગઈ છે પણ એક વિઘ્ન નડે છે." રોહિતને વીંટળાઈ વળીને રેશમાએ એની આંખોમાં પરોવી પૂછ્યું," શું વિઘ્ન છે રોહિત આ જાન હાજર કરી દઉં?" રોહિતે રેશમાને દૂર ખસેડતા કહ્યું," ના ના આતો જરા પૈસાની તકલીફ્.." રેશમાએ કહ્યું," અરે ગાંડો થયો!! આ તકલીફ હતી તો મને કહ્યું કેમ નહીં? શું અમારા પૈસા તારા નથી? હું પપ્પાને કહું છું તારે કેટલા પૈસાની જરૂર છે?" રોહિતે નીચી નજર કરી અચકાતાં કહ્યું," દોઢ લાખની!! ટીકીટ અને રહેવાનો ખર્ચો!! ત્યાં જઈ હું જોબ શોધી લઈશ! તારા પપ્પાની પાઈ પાઈ ચૂકવી દઈશ!!" રેશમાએ એના ગાલને ચૂમી ને કહ્યું" ડોન્ટ વરી! હું પપ્પાને વાત કરું છું."

રેશમાના પપ્પાએ રોહિતને પૈસાની સગવડતા કરી આપી, જોકે એનાં પપ્પાની પરિશ્થીતિ બહું સારી ન હતી. પણ દીકરી માટે કાંઈ પણ કરવા તૈયાર હતાં.રોહિત પૈસા લઈ મુંબઈ આવવા નીકળી ગયો.મુંબઈ પહોંચી બધી તૈયારી કરી લંડનની ટીકીટ લઈ રેશમાને જણાવ્યું. રેશમા તથા તેના પપ્પા મુંબઈ આવી ગયાં.રેશમા ઉદાસ હતી. કોફીશોપમાં રોહિતને ભેટીને રડી પડી. રોહિત આશ્વાસન આપતો રહ્યો.કહે હું જલ્દી આવી જઈશ.એક વરસમાં આપણે લગ્ન કરી લઈશું. રેશમાને શાંતિ થઈ!!એરપોર્ટમાં અંદર દાખલ થવા ના દે! રેશમા પોતાના પ્રેમને વિદાય થતા જોઈ રહી!!વારંવાર આંખો ભરાઈ જતી હતી.પપ્પાનો ટેકો લઈને ઊભી હતી. પપ્પા વારંવાર કહેતા હતા કે," તું ચિંતા શું કામ કરે છે બધુ બરાબર થઈ જશે વરસ આમ નીકળી જશે અને એ પાછો આવી જશે સેહરો પહેરીને!! રેશમા રડતાં રડતાં શરમાઈ ગઈ.

રેશમા પોતાના અભ્યાસ માટે દિલ્હી આવી ગઈ.દિવસો નીકળવા લાગ્યા!! પોતાના અભ્યાસમાં દિલ લગાડતી.વરસ પૂરું થયું. રોહિત ના આવ્યો. એને જોબ પરથી રજા ના મળી.રેશમાએ માની લીધું. બીજું વરસ પસાર થવા લાગ્યું. આ સમય દરમ્યાન રેશમાએ લંડનની યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ માટે એપ્લાય કર્યુ. અને લકીલી એને એડમિશન મળી ગયું.રેશમા નાચી ઊઠી. તરત રોહિતને ફોન કર્યો," ગેસ વોટ!! તારી પાસે આવું છું..તારી રેશમા હવે તારી પાસે રહેશે!!" રોહિત સ્તબ્ધ થઈ સાંભળી રહ્યો. થોડું બોખલાઈને બોલ્યો." શી રીતે?" રેશમા ઉત્સાહમાં બોલી," મને યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે.હવે હું અને તું અને તું અને હું!! ઓહ.. રોહિત રોહિત રોહિત તારા વગર હું સાવ સુની થઈ ગઈ હતી...તને ભેટવા માટે તડપી,તરસી રહી છું.""તું ક્યારે આવે છે?" રોહિતે પૂછયું. રેશમા એકદમ બોલી પડી," તારા અને મારા ફેવરીટ દિવસે !! વેલેન્ટાઈન ડે ના દિવસે."સારુ" કહી રોહિતે ફોન રાખી દીધો.પ્રેમાંધ રેશમાને હકીકત દેખાતી ના હતી કે હકીકતથી મોઢું ફેરવતી હતી.

પપ્પાએ ઘર ગીરવી રાખી ૧૦ લાખની લોન લીધી. રેશમાની ટિકિટ, કોલેજની ફી, એક વરસનો રહેવાનો ખર્ચો..વગેરે!! રેશમા મુંબઈ આવી ગઈ. પપ્પા મમ્મી મુંબઈ મૂકવા આવ્યાં.વેલેન્ટાઈ ડે ની સવાર હતી. રાતની ફ્લાઈટ હતી. રેશમાનો ફોન રણક્યો. રોહિત હશે!! એણે ફોન ઉપાડ્યો હાં રોહિત જ હતો.રેશમા ખુશીથી નાચી ઊઠી.."હાય, સ્વીટ હાર્ટ!! મને થયું તારો ફોન હશે અને ખરેખર તારો જ નીકળ્યો!! દિલકો દિલસે રાહ હોતી હૈ!! બસ થોડાં કલાકમાં આપણે સાથે હોઈશું હેપી વેલેન્ટાઈ ડે સ્વીટ હાર્ટ!!" રોહિતે ઠંડા અવાજથી કહ્યુ," જો રેશમા મારે તને એક વાત કહેવી છે. તું શાંતિથી સાંભળજે !! અહીં મારે એક મિત્ર બની છે જેની સાથે મારા વિચારો મળે છે, અમે બન્ને એક જ કંપની માં કામ કરીએ છીએ અને અમે એકબીજાની નજીક આવી ગયાં છીએ..પણ હું તને હજુ ચાહુ છું.પણ એના વગર પણ રહી શક્તો નથી.તો તું લંડન આવે એ પહેલા આ વાત કરવી હતી. ઈફ યુ ડોન્ટ માઈન્ડ ધીસ રિલેશન મારા દિલનાં દ્વાર હજુ ખુલ્લા છે તારા માટે."રેશમા પર જાણે વીજળી પડી.હાથમાંથી ફોન સરી ગયો. સમજ પડતી ના હતી કે કેવા પ્રત્યાઘાત આપવા.એને મક્કમતા થી ફોન હાથમાં લીધો અને કહ્યું કે તું મને એરપોર્ટ પર લેવા ના આવતો.

ફોન મૂકી એ પપ્પા પાસે ગઈ. હવે રડવાનો સમય ના હતો. ખાસ કરીને પપ્પા સામે!! એણે પપ્પાને પૂછ્યું," પપ્પા તમે કોઈને લંડનમાં ઓળખો છે જે મને એરપોર્ટ પરથી લઈ જાય? પપ્પા સમજી ના શક્યા રેશમા શા માટે આવી વાત કરે છે છતાં કહ્યું," હા, મારાં એક મિત્ર છે એનો ફોન નંબર મેં તને આપ્યો છે." પપ્પાએ આગળ કાંઈ પૂછ્યું નહી.રેશમાએ દિલને મક્કમ કરી લીધુ. મમ્મી પપ્પાને કહેવાથી એમને દુખ અને ચિંતા બન્ને થશે. બધાં એરપોર્ટ પર પહોંચી ગયા. રેશમા પપ્પાને વળગી રડી પડી પણ પપ્પાને એમ કે અમને છોડીને જાય છે તેથી રડે છે. રાતની ફ્લાઈટ હતી. પ્લેનમાં બેઠાં બેઠા રોહિતની બેવફાઈ વિષે વિચારતી રહી.શું બધાં પુરુષો આવા હશે? સ્ત્રીની લાગણી સાથે રમતા હશે? ખરેખર પુરુષનો વિશ્વાસ કરવા જેવો ખરો? અને શું એક સ્ત્રીને પુરુષના સહારાની જરુર છે? શું થાત જો મેં એની સાથે લગ્ન કરી લીધા હોત!!ના ના હવે મને પુરુષરુપી સહારાની જરૂર નથી..હું મારા પગભર થાઈશ અને પુરુષ નામની સાંકળને મારે ગળે નહીં બાધું. પ્રેમ એકવાર થાય એ મેં કરી જોયો !! હવે એ પ્રેમ મને નબળી નહીં પડવા દે!! રડી રડીને હું જિંદગી નહીં ગુજારું!! રોહિત તું જોઈ લે તે એ અબળા ને સબળા બનાવી દીધી!!! એના હાથની મુઠ્ઠી વળી જતી હતી. કેટલો વિશ્વાસ કર્યો મેં રોહિત પર!! એની નફરત પણ સહી..એના અપમાન પણ કે તું ગામડિયણ છે તને બોલતા કપડા પહેરતા આવડતું નથી!! પહેલા જે વસ્તુ બોધર થતી ના હતી એ બધી વાતો હવે બોધર થવા લાગી!!! વિશ્વાસભંગ કરી એણે મને વિશ્વાસ કરાવી દીધો કે પુરુષનો સાયો બની જીવવાની જરૂર નથી. હવે મને કોઈનો વિશ્વાસ નહીં પડે!! માણસો સ્વાર્થી જ હોય છે મતલબ નીક્ળી જાય એટલે ઓળખે પણ નહીં!!

પ્લેનમાં જરા પણ ઊંઘ આવી નહીં. પણ આંખમાં આંસું ના હતા!! શા માટે રડવું? ગુનેગાર હું નહીં પણ એ હતો. એજ પસ્તાવો કરશે..દિલમાં જરા પણ ગભરાટ ન હતો. એરપોર્ટ પર જે થવું હોય તે થાય!!લંડન પ્લેન ઉતરી ગયું. ઈમીગ્રેશન પતાવી એ બહાર દરવાજા પાસે આવી..ટેક્ષી કરી લઈશ અને પપ્પાના મિત્રને ત્યાં જઈશ અને એક બે દિવસમાં ડોર્મમાં શીફ્ટ થઈ જશે.ત્યાં તો એણે રેશમા લખેલું પાટીયું જોયું. એ એ વ્યક્તિ પાસે ગઈ..એ પપ્પાના મિત્રનો શોફર હતો. રેશમા કારમાં બેસી ગઈ.. બેચેન નજરે એરપોર્ટ પર જોયું પણ ખરું! કદાચ રોહિત મજાક કરતો હોય અને વેલેન્ટાઈના ફૂલો અને બલુન લઈને આવી પહોંચ્યો હોય પણ નહીં ત્યાં રોહિત ન હતો. ફીકું સ્મિત એના ચહેરા પર આવી ગયું!! પપ્પાના મિત્ર અને એમના વાઈફ ખૂબ સરસ સ્વભાવના નીકળ્યા !! મીરાબેન તો એને દીકરી જ માનવા લાગ્યા. એમનો એક દીકરો હતો જે ડોકટર બની ગયો હતો અને બીજા શહેરમાં પ્રેકટીસ કરતો હતો. આ પ્રોઢ કપલ એકલું રહેતું હતું અને મોટા ઘરમાં બીજી બેત્રણ ભારતીય દીકરીઓને પી જી તરીકે રાખી રિટાયર જિંદગી જીવતા હતાં. રેશમાને એને ઘરે રહેવા લાગી. બન્ને એને મા બાપ જેવો સ્નેહ આપતા હતાં.

રેશમાનો અભ્યાસ ચાલુ થઈ ગયો.સાથે સાથે જોબ પણ કરવા લાગી. એની પાસે રોહિતનો નંબર હતો. એણે હિંમત કરી એક દિવસ રોહિતને ફોન કર્યો.અને કહ્યું કે, "મારા પપ્પાએ આપેલા પૈસા મને પાછાં આપી દે. એણે પ્રોમીસ આપ્યું કે આપી દેશે. રેશમાએ કહ્યું, "જેમ બને એમ જલ્દી આપી દેજે મારે પૈસાની જરૂર છે." રોહિત હજુ આગળ વાત કરવા માગતો હતો. પણ રેશમાએ ફોન કાપી નાખ્યો. હવે રોહિત પાસે રેશમાનો નંબર આવી ગયો હતો. એટલે વારંવાર એને ફોન કરવા લાગ્યો. એક યા બીજા બહાને.પણ રેશમાને એને ટાળી દેતી. કોઈ મિત્ર દ્વારા જાણવા મળ્યું કે જે સ્ત્રી સાથે એનાં સંબંધ હતાં તેણે બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતાં.હવે ફરી રોહિત 'સીંગલ' અને 'અવેલેબલ' થઈ ગયો હતો. એટલે રેશમાને મેળવવા ફાફાં મારી રહ્યો હતો. રેશમાએ એક દિવસ ફોન ક્ર્યો," રોહિત, મારે તને એક વાત કહેવી છે.." રોહિત ખૂબ ખુશ થઈ ગયો," હાં હા બોલ!! અને મેં જે કાંઈ કર્યુ એના માટે હું ખૂબ શર્મીંદા છું મહેરબાની કરી મને માફ કરી દે!!" રેશમાએ ભારપૂર્વક કહ્યું," જો રોહીત હું એક સ્ત્રી છું, કોમળ છું કમજોર નહીં. મને મારી જિંદગી પસાર કરવા માટે રોહિત નામના લેબલની જરૂર નથી. મેં તને પ્રેમ કર્યો હતો. પણ તે મારાં વિશ્વાસનો ભંગ કર્યો. તને એક વાત કહું વિશ્વાસ કાંતો ૧૦૦% ટકા હોય અથવા ૦%!! એની વચે ના હોય!!ા ને મને તારા ઉપર ૦% વિશ્વાસ છે.મને ખુશી એ વાતની છે કે તે આ બધું લગ્ન પહેલા કર્યુ જેથી હું મોટા દુઃખ અને જુલ્મથી બચી ગઈ.. બીજી વાત તે મને જિંદગીનો મોટો સબક આપ્યો છે કે કદી કોઈ ઉપર આંધળો વિશ્વાસ ના કરવો!! એના માટે તારો આભાર!! હું હવે મારી જિંદગી મારી રીતે જીવીશ..મને કોઈ પુરુષના સહારાની કે પડછાયાની જરૂર નથી અને ખાસ કરીને તારા સહારાની તો બિલકુલ જરૂર નથી. એટલે હવે પછી ફોન કરવા નહીં. અને પૈસા જલ્દી આપી દેજે જેથી આપણી વચ્ચેની કડી પણ ના રહે મારા પપ્પાના પસીનાના પૈસા છે જે હું તને હજમ નહીં કરવા દઉં!!

રોહિતે લગ્ન કરી લીધા અને એકજ મહિનામાં છૂટાછેડા પણ થઈ ગયાં. રેશમાએ જાણવાની કોશિશ પણ ના કરી કે આવું કેમ બન્યુ? પણ એનાં હ્રદયને ખાત્રી હતી કે એજ કારણ હશે જે પહેલા હતું. રેશમા ખુશ હતી પોતાના જીવનથી!! હવે એને તૂટવાની બીક લાગતી નથી..કારણકે જે લોકો એને તોડી શકે એ લોકોને એ ખૂબ દૂર મૂકી આવી છે. હવે એ દેશ વિદેશ ફરે છે સરસ જોબ કરે છે અને સૌથી વધારે પોતાના ભાઈ બહેન અને મા બાપ માટે જ જીવે છે ક!! અને જ્યારે લગ્ન વિષે પૂછ્યું તો કહે " શું લગ્ન એજ મંઝિલ છે? હું ફરી વાર તૂટવા નથી માંગતી!! હું ખુશ છું મારી કેરીયરથી અને હું જાગૃત છું મારી મા બાપ અને ભાઈ બહેન પ્રત્યેની ફરજ થી!! કોઈ પુરુષનું મારા જીવનમાં સ્થાન નથી!! હું સ્ત્રી છું મને પુરુષના લેબલ સાથે મારે જીવવું નથી!! આત્મસાત છુઆત્મઘાતક નહીં.!!

સપના વિજાપુરા