Award - 2 in Gujarati Motivational Stories by Suresh Kumar Patel books and stories PDF | અવોર્ડ - 2

Featured Books
Categories
Share

અવોર્ડ - 2

એવોર્ડ
(ભાગ-૨)

આજની આ સવાર કદાચ મારા માટે અને એ પરિવાર માટે કોઈ જીવનની કોઈ નવી શરૂઆત થી ઓછી નહોતી.
હું ખુબ ઉત્સાહી હતો ત્યાં પોહ્ચવા માટે. ફટાફટ મેં મારા દીકરા તેજ ને સાથે લીધો અને ઘરેથી નીકળી પડ્યો.
રોજ કરતા વેહલો આજે હું ઘર ની બહાર નીકળ્યો. સવારમાં મારી ગાડી લઈને હું, મારો પુત્ર તેજ અને એક ભાઈ જે મને ત્યાં કામ આવવાનો હતો એ બધા નીકળી પડ્યા એ ઝુપડા તરફ. ત્યાં જઈને જેવી ગાડી ઉભી રહી કે એ લોકો બધા તરત ઝુપડા માંથી બહાર આવ્યા. અને થોડા ગભરાયેલા હતા. મેં એને સમજાવ્યું કે અમે અહિયાં કેમ કરવા આવ્યા છીએ. પેહલા તો એ લુહારે આ બધું કંઈ નથી જોઈતું એવું કહી ને ના પડી દીધી પણ જયારે મેં એને સમજાવ્યો કે ભાઈ આમાંથી કોઈ વસ્તુ એવી નથી કે જે હું બહુ વધારે મેહનત કે ખર્ચો કરીને તારા માટે લાવ્યો હોવ. આ બધી વસ્તુ મેં મારા ઘર થી જ એકઠી કરી છે અને તમારા માટે લાવ્યા છીએ. થોડીવાર સમજાવ્યા પછી મેં મારી સાથે આવેલા પેલા કલર કામવાળા ભાઈને આ ઝુપડા ને સરસ કલર કરવા કહી દીધું. એ લુહાર થોડો ખચકાયો પણ મેં એના ખભે હાથ મૂકીને કહી દીધું ‘તમે બસ જોતા રહો..! જે થાય છે એ..!’
મેં એ લુહાર એની પત્ની અને એના છોકરા ને એકબાજુ બોલાવ્યા અને ગાડી માંથી બધી વસ્તુઓ કાઢી કાઢી ને આપવા માંડ્યો. જુવો આ મારા ઘર ના સ્ટોરરૂમમાં પડેલો અરિશો જે અમારા કોઈ કામ નો નથી પણ તમને માથું ઓલવા ચાલશે..! આ કાંસકો, તેલ ની બોટલ, અને આ નાહવાનો સાબુ અને આ કપડા ધોવા નો સાબુ બેય અલગ અલગ છે..! આ તમારા લાલિયા માટે ટુથબ્રશ ‘એ મારા દીકરા તેજ નું છે પણ હા..! વાપરેલું નથી.’ પેલા ટેણીયાએ હસતા હસતા બ્રશ લઇ લીધું.
પણ, એ લુહાર ની પત્ની શરમાઈ ને કેહવા લાગી ‘અરે ભાઈ, અમને આ બધું ના જોઈએ ના જોઈએ ..!’
મેં કહ્યું ‘તમે બસ હું જેમ કહું છું તેમ કરો અને આ બધું એક વખત રાખો તો ખરા પછી સમજવું છું.’
મેં લુહારની સામે જોઇને બધું લઇ લેવા ઇસારો કર્યો. થોડા અચકાયા પછી લુહાર અને એની પત્ની બંને બધું લેવા તૈયાર થઇ ગયા. હું અને મારો દીકરો તેજ ગાડી ની ડીકી માંથી બધું કાઢતા ગયા અને આપતા ગયા. આ બધો સમાન અમારા સ્ટોરરૂમમાં કેટલાય દિવસોથી નકામો પડી રહ્યો હતો. આજે એ કિંમતી સાબિત થયો..!
મારા દીકરા તેજે પોતાના જુના કપડા પેલા છોકરા ને માપી માપી ને આપ્યા ત્યારે એ બંને ના ચેહરા પર કોઈ અલૌકિક ચમક હતી. મારા મન ને વળી ત્યારે વધુ મઝા આવી જયારે પેલા છોકરા એ તેજ નું પેન્ટ પેહર્યું તો થોડું ઢીલું પડતું હતું એટલે ઝુપડામાં દોડીને જયારે ચીન્થરા માંથી ચોટલા જેવી બનાવેલી દોરી વડે એ પેન્ટમાં પરોવી રહ્યો હતો ત્યારે તેજ પોતાનો બેલ્ટ ઉતારી ને એને પેહરાવવા ગયો..!! મારા મન ને શું મઝા આવી એ હું કહી શકું તેમ નથી પણ એ વખતે મારી આંખો થી રેહવાયું નોહ્તું એટલે એ જરાક ઉભરાતી હતી પણ મેં મોં નીચું કરીને આંશુઓ ના વેણ ને પાંપણ સાથે લુછી નાખ્યા હતા.
આ એવોર્ડ સમારંભમાં બધા જાણે કોઈ પિક્ચર જોવા આવ્યા હોય અને કોઈ સેન્ટીમેન્ટલ સીન જોઇને સ્તબ્ધ થઇ જાય તેમ બધા ચુપચાપ ગમગીન થઈને સાંભળી રહ્યા હતા.
આવું ગમગીન વાતાવરણ જોઇને હું પણ ગભરાઈ ગયો અને મેં હળવી મજાક કરી..!
‘એ ટેણીયા નું પેન્ટ વારે વારે ઉતારી જતું હતું અને બંને છોકરાઓ એકબીજા સામે જોઇને હસી પડતા..!’
થોડીજ વાર માં ઝુપડા ની ચારેય દીવાલ પર સરસ કલર લાગી ગયો. અને એ ઝુપડું ચમકવા લાગ્યું. મેં ગાડીની ડીકી માંથી એક નવું નકોર ચકલી(નળ) વાળું માંટલુ કાઢીને ઓટલા પર મુક્યું અને મેં કહ્યું ‘પીવા નું પાણી હવે થી આમાં ભરજો અને આમાં થીજ પી જો.’
તેજ પોતાની જૂની સ્કુલ બેગ ગાડી માંથી કાઢી આવ્યો એમાં થી એક સ્ટીલ નો ગ્લાસ કાઢી માંટલા ની બાજુ માં મૂકી આવ્યો. અને બેગ પેલા છોકરા પાસે લઇ ગયો. આખી બેગ એને આપી અને પછી પાછી લઈને કંઇક શોધવા લાગ્યો એમાં થી એને થોડા જુના રમકડા કાઢ્યા અને એની જોડે રમવા જતો રહ્યો. મેં એ લુહાર સાથે થોડી વાતો કરી અને એને સમજાવ્યો કે હું આ બધું તારા પર ઉપકાર કરવા નથી કરતો. કે નથી હું કોઈ મોટો ખર્ચો કરીને તમારા માટે આ બધું લાવ્યો હોવ. આ તો ફક્ત થોડાક રૂપિયામાં આ બધું લાવ્યો છું અને મોટા ભાગ નું બધું મારા ઘરે પડી રહેલું વધારા નો સામાન છે. એટલે એ બંને જણા સમજી ગયા. મેં એને મારા જુના કપડા આપ્યા. મારી પત્ની ના થોડા કપડા પણ હું લઇ આવ્યો હતો એ આપ્યા. મારું એક જુનું ટીફીન જેના સ્ટીલ ના બાઉલ કિનારી પર થી થોડા તૂટી ને મારા માટે ભંગાર થઇ ગયું હતું એને બરાબર ધોવડાવીને લઇ આવ્યો હતો એ આપ્યું. અને એની સાઇકલ માટે હું મારા પડોશની સાઇકલ સ્ટોર માંથી એક જુનું પણ સારું અને ચાલુ હાલતવાળું એક ટાયર પૂરી ડીશ સાથે લઇ આવ્યો હતો એ પણ આપ્યું. તેજ નું એક જુનું સ્વેટર અને એક જોડી બુટ પણ હતા જે મેં એના છોકરા માટે આપ્યા. અને હવે એમણે બધું હોંશે હોંશે સ્વીકારી લીધું.
તેજ ને મેં બોલાવ્યો અને આપણે ફરી પણ અહિયાં રમવા આવીશું એમ કહીને એને ગાડીમાં બેસાડ્યો. મેં પણ એ લોકોનો વધુ સમય ન બગડતા અને મારે પણ ઓફિસે જવાનું હોવા થી રજા લીધી..! મેં એમને કહ્યું હવે જયારે અહિયાં થી પસાર થઈશ ત્યારે અચૂક તમને મળતો જઈશ.
એ લુહાર અને એમના પત્નીની આંખો લાગણી થી ભરાઈ ગઈ હતી મને રજા આપતી વખતે પણ એ લોકો કંઇ બોલ્યા નહિ. બસ જય શ્રી કૃષ્ણ કહ્યું. અને આવજો કહ્યું. હું ગાડી લઈને નીકળી ગયો.
ગાડી ચલાવતા ચલાવતા મેં મિરર પાછળ કરી તેમના પર સેટ કર્યો અને દુર સુધી જોતો રહ્યો.
આજે મને ફક્ત ૫૦૦ કે ૭૦૦ રૂપિયા ખર્ચી ને જે આનંદ થયો હતો એ ક્યારેય હજારો રૂપિયા ખર્ચી ને પણ નોહતો મળ્યો. એ લોકો ને તો એમજ હતું કે આ તો કોઈ ચમત્કાર થયો છે પણ મને ખબર હતી કે ચમત્કાર તો જયારે મારી ગાડીમાં તે દિવસે પંચર પડ્યું ત્યારે થયો હતો..!
તે દિવસે મેં એમની બધી દિનચર્યા જોઈ હતી અને એક એક વસ્તુ હું ગણતરી કરી રહ્યો હતો..!
એ લોકો માટે કપડા જે હું ફ્રી માં લાવ્યો.
એક અરિશો જે હું મારા સ્ટોરરૂમ માંથી લાવ્યો.
કાંસકો ૧૦ રૂ.
તેલ ની બોટલ ૫૦ રૂ.
સાઇકલ નું ટાયર ૨૦૦ રૂ. (સેકન્ડ માં લાવ્યો હતો)
કલરવાળા ભાઈ ને મજુરી અને કલર ૪૦૦ રૂ.
અને બીજુ બધું હું લગભગ ઘરના ભંગાર કે સ્ટોરરૂમ માંથી જ લઈને આવ્યો હતો.
પણ આજે આ ૫૦૦ – ૭૦૦ રૂ. ના દાન સામે એ લોકોને તો આ બધું લાખો રૂપિયા જેવું કીમતી લાગી રહ્યું હતું..!!! ત્યારે મને સમજાયું કે આપણે જયારે કોઈવાર હોટલમાં જમવા જઈએ અને કદાચ કોઈ વાર આપણી ડીશમાં કંઇક વધી પડે અથવા કોઈ ડીશ નો ટેસ્ટ ન ભાવે અને આપણે એ વસ્તુ ફેકી દઈએ છીએ એટલા બીલમાં તો આ લોકો માટે હજારો લાખો રૂપિયા ની સુવિધાઓ ખરીદી શકાય છે..! ઘરે જઈને મેં મારી પત્ની ને વાત કરી કે આપણે મહિનામાં એકાદવાર હોટલે જમવા ઓછા જઈશું અને એના બીલ માથીજ આપણે આવા લોકો માટે કંઇક લઈને આપી આવીશું..!
તે દિવસ મારો ખુબ સારો ગયો મારું મન ગણા દિવસો પછી આવું પ્રફ્ફુલિત હતું...!
હું થોડો ચુપ થઇ ગયો. એટલામાં તો સામે થી તાળીઓ પાડવા માંડી. અને સ્ટેજ પર બેઠેલા વ્યક્તિઓ પણ મને વાહ શું વાત છે..! બહુ સરસ..! લાજવાબ..! કેહવા લાગ્યા.
હું થોડો સ્વસ્થ થયો અને માઈક ઠીક કરીને થોડું જોરથી કહ્યું ઉભા રહો હજુ ખરી વાત જે મને ખુબ પસંદ આવી એ તો બાકી છે.!
થોડીવાર માંજ બધા ફરી શાંત થઇ ગયા અને મને સંભાળવા લાગ્યા.
એકાદ અઠવાડિયા પછી હું એજ રસ્તે જતો હતો ત્યારે મેં મારી ગાડી ત્યાં એજ ઝુપડા ની સામે ઉભી રાખી પણ એ લોકો થી થોડે દુર. હું જોવા માંગતો હતો કે હવે એ લોકોનું દિનચર્ય કેવું છે.?
મેં જોયું કે જે પેલું માટી લીપેલું ઝુપડું હવે મસ્ત સફેદ કલર માં ચમકી રહ્યું હતું જે મેંજ પેઈન્ટ કરવી આપ્યું હતું...!
પેલી બાઈ કપડા ધોવા માટે પાણી પેલા કાળા બેરલ માંથી વાપરી રહી હતી પણ હવે પીવાનું પાણી પેલા માંટલા માં ભર્યું હતું. અને ત્યાં ગ્લાસ પણ મુકેલો હતો. એનો પેલો મસ્તીખોર લાલિયો પણ પોતાની જાત સાથે અને મારા દીકરા તેજ ના એ આપેલા રમકડા સાથે રમી રહ્યો હતો. થોડીવાર પછી એની માં એ તેને નાહવા બોલાવ્યો. આ વખતે તેને કપડા ધોવાના એ બ્લુ સાબુ થી નહિ પણ નાહવા ના સુગંધિત સાબુ થી નવડાવ્યો. માંથા માં તેલ નખાવ્યું અને કાંસકા થી મસ્ત માંથું ઓળાવ્યું અને એ છોકરો પણ હવે સામે દીવાલે ટીંગાડેલા પેલા અરીશા માં પોતાનું મો જોવા ગયો..! એ તેજ ના કપડા પેહરીને કોઈ ફિલ્મ નો હીરો હોય તેવો લાગી રહ્યો હતો. અને મારા કપડા પણ એ લુહાર ને બરાબર ફીટ આવી ગયેલા હતા. અને રોશની (મારી પત્ની) ના ડ્રેસ પણ પેલી બાઈ ને બરાબર આવી ગયેલા લાગતા હતા. પેલો લુહાર હવે સાઇકલ પર દરરોજ ની જેમ માલ ગોઠવી રહ્યો હતો હવે એને સાયકલ ના ટાયર ની કોઈ ચિંતા નોહતી. પોતાના એ ડિસ્પોઝેબલ ટીફીન ની જગ્યાએ હવે એ મારું આપેલું ટીફીન પોતાની સાઇકલ માં લટકાવી રહ્યો હતો. આ બધું જોઇને મારી છાતી ગદગદ ફૂલી રહી હતી.
અને આ સંભાળીને બધા મારી સામે જોઇને પણ ગદગદ થઇ રહ્યા હતા..! પણ મેં વળી એમને ચોકાવી નાખ્યા મેં કહ્યું.. ‘હજુ મારી વાત પતિ નથી મને જે વાત નો ખુબ ગર્વ અને ખુબ આનંદ થયો હતો એ તો હજુ હવે કેહવાની છે..!’ આ સાંભળી ને લોકો હજુ વધારે કુતુહલ પૂર્વક મારી સામે જોઈ રહ્યા..! અને જાણે પોતાની આંખો થી મને કેહતા હોય કહો ને શું વાત છે એ કહોને..!! જલ્દી કહોને..!
મેં હવે લોકોની બેચેનીને વધુ ન લંબાવતા વાત આગળ સરું કરી.
મને સૌથી વધારે ખુસી એ લુહાર ની વાતો થી થઇ..!!
થોડીવાર પછી જયારે એ લુહાર પોતાના ઝૂપડા એથી થોડો દુર આવ્યો મેં એની સાથે વાત કરી. કેમકે હું એમના ઝુપડા પર જઈને એમને મારા ‘એહસાન’ નો ફરીવાર ‘એહસાસ’ કરાવવા નહોતો માંગતો. એટલે હું થોડો દુર જ ઉભો રહ્યો હતો. અને એના આવવાની રાહ જોઈ રહ્યો હતો.
જેવો એ લુહારે મને દુર થી જોયો તરત દોડીને મારી પાસે આવ્યો અને મને પોતાના ઝુપડાએ આવવા કહ્યું પણ મેં એને ઇસાર થી ના પાડી. પણ મેં એની સાથે થોડી વાતો કરી.
મેં એને પૂછ્યું કે ‘તમને આ ફેરફાર થી કંઈ ફાયદો થયો..?’
‘ફાયદો..? અરે, સાહેબ આ ચમત્કાર થી તો મારું અને મારા પરિવાર નું આખુય જીવન જાણે બદલી ગયું છે..! બધા લોકો અમને પૂછી રહ્યા છે કે રાતો રાત આ બધુ શુ થયું અને આ કેવી રીતે આવી ગયું?’ એ લુહાર જાણે આભાર વ્યક્ત કરવા ગણા દિવસ થી મારી રાહ જોઈ રહ્યો હતો અને વળી પાછો હું જતો રહીશ એની ઉતાવળ માં બધું ફટાફટ બોલી ગયો.
‘હા...હા...તો તમે શું કહ્યું એ લોકોને ?’ મેં પણ તરત પૂછી નાખ્યું.
‘અમે કહ્યું કે એક દાનવીરભાઈ એનો નાનો છોકરો સાથે લઈને આવ્યા હતા અને અમને આ બધું આપીને જતા રહ્યા..?’
‘તો લોકોએ કેવું લાગ્યું..? પછી..?’ મેં અચરજ થી ફરી પૂછ્યું.
‘અરે, સાહેબ એ લોકોને પેહલા તો મારી વાત પર વિશ્વાસ ના આવ્યો પણ પછી એ લોકો ને લાગ્યું કે કોઈ સારા કામ નું બોનસ મળી ગયું હશે મને એમ સમજી ને લોકો ચુપ થઇ ગયા..!!’
‘બોનસ..! હું હસી પડ્યો.
‘પણ સાહેબ ખરેખર તમારા માટે આ નાની વાત હશે પણ મારા માટે તો આ ખરેખર એક ચમત્કાર છે અને આ ચમત્કારે મારી અને મારા પરિવાર ની જીંદગી સાચેજ બદલી નાખી..!’
‘કેવી રીતે ..?’ મેં કુતુહલ વશ પૂછી નાખ્યું.
‘અરે, સાહેબ તમને ખબર છે કે અમે જો આ બધી સગવડો માટે પૈસા ખર્ચીએ તો અમારું રોજિંદુ જીવન અટકી જાય એટલે આમેય આ બધી વસ્તુઓ વસાવી ન શકીએ. તમે જે અમને આપી ગયા એ બધી વસ્તુઓ અમે હજુ પણ વરસો સુધી લાવી શક્યા ન હોત..!
તમારા માટે એ ખુબ નાની વાત હશે અને કદાચ તમારે માટે એ બધી વસ્તુઓ નકામી કે પડી રહેલી હશે પણ હું તમને કહું કે એ વધારાની પડેલી વસ્તુઓએ આમારા જીવન માં કેવું પરિવર્તન લાવ્યું..!
‘હા...હા...કહો ચોક્કસ કહો..’ મેં કહયુ.
સાહેબ મારા લાલિયાને પેલી બેટ બોલ વાળી રમત બહુ ગતિ’તી અને એ રોજ સવારમાં તૈયાર થઈને ત્યાં પેલા છોકરાઓ જોડે જતો પણ એ સામે થી એમને રમવા માટે કહી ના શકતો. અને એ છોકરાઓએ પણ એના લગર વગર અચાર જોઇને અત્યાર સુધી પૂછ્યું નહતું. પણ હવે જયારે મારો લાલિયો ત્યાં જાય છે એ છોકરાઓ એને સામે થી રમાડે છે અને એને નવા મિત્રો મળી ગયા. એ ખુશી મારા માટે બહુ મોટી છે જેને હું ફક્ત લાગણીઓ થીજ માપી શકું એમ છું..! તો તમારી આ કેહવાતી નકામી વસ્તુઓએ મારા લાલિયાને અમુલ્ય “મિત્રો” અપાવ્યા.
મારી પત્ની મને કાલે કેહતી હતી કે આટલા વરસોમાં કોઈએ મને પાણી માટે પૂછ્યું પણ ન હતું એ લોકો આજે જયારે હું શેરી વાળતી હોવું છું ત્યારે ચા પીવડાવે છે..! મારી પત્ની ને જે માન મળ્યું એ હું ક્યારેય મુલવી શકું તેમ નથી..! સાહેબ. તમારી આ વસ્તુઓએ મારી પત્ની ને મુલ્ય “માન-સન્માન” અપાવ્યું.
અને હું જે વેપારી ને ત્યાં માલ પોહ્ચાડતો એ ક્યારે એમની દુકાનમાં ગુસવા પણ ન આપતા એ લોકો આજે મને આવો લુહારભાઈ આવો કહીને એમની દુકાનમાં બેસાડે છે. આમ મને તમારી એ ભંગાર વસ્તુઓએ “ઈજ્જત” અપાવી. આ જે પણ મળ્યું એ ફક્ત ને ફક્ત તમારા એ મામુલી અને તમારા માટે ભંગાર એવા એ સામાન ના લીધે મળ્યું જે અમારા માટે કરોડો રૂપિયા ની ખુશીઓ જેવું છે. આજે હું આ નાના ઝુપડામાં પણ એક કરોડપતિ કરતા વધારે ખુશ છું.!’ આટલું બોલતા એ રડવા જેવો થઇ ગયો. મેં એના ખભા પર હાથ ફેરવતા કહ્યું ‘ભાઈ આ તો મને પણ નહોતી ખબર કે મારા ભંગાર રૂમમાં પડેલી આ વસ્તુઓ આટલી બધી કિંમતી છે...?’
અમે એક બીજા સામે જોયું અને પોત પોતાની લાગણીઓને જેમતેમ સંભાળીને સ્વસ્થ થયા.
મેં એને ફરી આવીશ ત્યારે ઘરે આવીને ચા પીવા નું વચન આપ્યું અને અમે છુટા પડી ગયા. હું મારી કાર ના સાઈડ ગ્લાસ માંથી દુર સુધી એને જોઈ રહ્યો અને ગણતરી કરવા લાગ્યો કે આ ઝુપડા ની આસપાસ હજુ કેટલા એવા ઝુપડા છે જેને મારા ઘર ના ભંગાર સમાન ની જરૂર છે..!
થોડી વાર માટે હું શાંત ઉભો રહ્યો અને આખું ઓડીટોરીયમ પણ સુન્ન થઇ ગયું.
હું મારા એવોર્ડ સાથે મારી સીટ તરફ જઈ રહ્યો હતો એવામાં ઓડીયન્સમાંથી કોઈ અજાણ્યો અવાજ આવ્યો ‘ભાઈ, ફરી વખત તમે જાવ ત્યારે મને પણ લેતા જજો મારી પાસે પણ આવો “કિંમતી” ભંગાર સમાન પડ્યો છે..!’
અને ધીરે ધીરે એ અવાજો વધતા ગયા.
‘મારી પાસે પણ છે..!’
‘અમારી પાસે પણ છે..!’
‘હું પણ આવીશ..!’
અને જેવો હું મારી સીટ પર બેઠો કે મને સાચા અર્થમાં ‘એવોર્ડ’ મળી ગયા નો એહસાસ થયો..!


Story by: Suresh Patel