Vishadi Dharano Prem - 3 in Gujarati Fiction Stories by Vatsal Thakkar books and stories PDF | વિષાદી ધરાનો પ્રેમ - પ્રકરણ ૩

Featured Books
Categories
Share

વિષાદી ધરાનો પ્રેમ - પ્રકરણ ૩

પ્રકરણ ૩

તારાઓની રજોટી

બીજા દિવસની સવાર સોનેરી હતી. સૂરજ ઉગી નીકળ્યો હતો અને ભૂરા આકાશમાં રૂના પોલ જેવા છૂટાછવાયા વાદળો છવાયેલા હતા. પક્ષીઓ ગીતો ગાતા હતા અને રમતા બાળકોની કિલકારીઓથી ઘર ભરાઈ ગયુ હતુ.

સુલેમાનિયાના નિશ્ચિંત વાતાવરણમા દરેક સમયે ઉત્સવ જેવુ લાગતુ હતુ. નાનીમાનુ ઘર કુટુંબીઓથી ઉભરાયેલુ હતુ. મોટેરાઓ બેડરૂમની ફર્શ પર રૂના ગાદલાઓ બિઝાવીને સૂતા અને અમે બધા નાનેરા છત પર. ઘરની સ્ત્રીઓ સવાર સવારમાં વહેલા ઉઠીને પ્રકાર પ્રકારની વાનગીઓ બનાવવા લાગી જતી. અમને ભાવતી બધી જ કુર્દીશ વાનગીઓ બનતી. સુલેમાની કોફ્તા (માસનો ખીમો ભરેલી ચોખાની પેસ્ટ્રી), દૉલ્મા (ચોખા ભરીને બનાવેલા શાકભાજી), ખાસ પ્રકારની મીઠાઈ બોર્મા (મધ કે પછી ચાસણીમાં બોળેલી અને 'પીકાન'ના દાણા ભભરાવીને બનાવેલી પાતળી પફ-પેસ્ટ્રી). તુર્કીસ્તાનથી લાવેલુ તાંબાનુ સમોવર ગરમા ગરમ ચાથી કાયમ ભરેલુ રહેતુ.

બાળકોને આખો દિવસ અને મોડી સાંજ સુધી રમવાની છૂટ રહેતી. ક્યારેક અમે લોકો નજીકમાં પાણીના ધોધવાળી જગ્યા - સેર્ચેનાર - પર પીકનીક પણ કરતા. ઠંડા હીમ જેવા ઝરણાના પાણીમાં તરબુચ ઠંડા થતા રહેતા અને અમે બાળકો ખૂબ રમતા. મારી ગમતી રમત હતી - ઠંડા પાણીમાં સૌથી વધારે વાર રહેવાની સહનશક્તિ ચકાસવાની રમત. પણ, હું ક્યારેય એ રમતમાં નહોતી જીતતી.

વેકેશનના પહેલા દિવસે મને અને મારી બહેનને અમારી બે પિતરાઈ બહેનો જોડે બજારમાં જવાની પરવાનગી મળી હતી. રા'દ હવે મોટો થઈ ગયો હતો એટલે એ અમારા જેવી નાના બાળકોની રમતો નહોતો રમતો. મારી માને મેં વાત કરતા સાંભળી હતી કે એ કૂર્દીશ ચળવળકારી વિદ્યાર્થીઓની મુલાકાતે જવાનો છે. એ લોકોએ બધાને વહેંચવા કંઈક ચોપાનિયા છપાવ્યા હતા. અમને કૂર્દીશ લોકોને અમારી ભાષા શીખવાની, અમારો ઈતિહાસ શીખવાની કે અમારુ સાહિત્ય અને કવિતાઓ માણવાની આઝાદી નહોતી એના વિરોધમાં એ લોકો આવુ બધુ લખતા અને છાપતા હતા. થોડા વર્ષ ઉપર મારો ભાઈ "કૂર્દીશ ડેમોક્રેટીક પાર્ટી"માં જોડાયો હતો. અને કૂર્દીશ લોકો માટે બગદાદની સરકાર સામે લડતા મુલ્લા મુસ્તફા અલ-બરઝાની એના આદર્શ હતા. લાગતુ હતુ કે માને મારા ભાઈની આ બધી રાજકિય પ્રવૃત્તિ ગમતી હતી મને પણ કંઈ એમાં વાંધાજનક ના લાગ્યુ. અમને એ વાતનો અંદાજો પણ નહોતો કે મારી માતા એવા ખતરનાક ખેલમાં સામેલ થઈ છે જેની અસર થોડા જ દિવસોમાં અમારી બધાની જીંદગી પર પડી શકે એમ હતી.

અમે બજારમાં જવા નીકળતા હતા ત્યારે જ મા એ અમને દરવાજા પર રોકીને ખાસ શીખામણ આપી કે મારે મારી બહેન મુનાનો હાથ છોડવો નહી. પાંચ વર્ષ પહેલા, હું જ્યારે પાંચ જ વર્ષની હતી ત્યારે અમારી મોટી બહેન આલિયા મને લઈને બજારમાં ગઈ હતી અને મારા વગર પાછી ફરી હતી. અને ઘરના બધાએ પુછ્યુ તો કહે 'જિપ્સીઓ જોઆના ને લઈ ગયા' મારી મા, નાની અમીના અને માસી આયેશા ગાંડાની માફક મને બધે શોધી વળ્યા પણ હું ક્યાંય ના મળી, એમને ખરેખર એવો ભય પેસી ગયો કે કોઈ મને ઉપાડી ગયુ અને એમને ફરી ક્યારેય મારુ મોં જોવા નહી મળે. એ તો જ્યારે એક જાણીતો પોલીસવાળો મને નાનીના ઘર સુધી મૂકી ગયો ત્યારે એ બધાના જીવ હેઠા બેઠા. પોલીસવાળા એ કીધુ કે આ સુલેમાનિયાના બજારમાં ફરતી હતી અને કોઈ મોટેરા પાસેથી કબાબ અને કોલા લઈ દેવાની જીદ કરતી હતી. એટલે જ હવે હું દશ વર્ષની થઈ ગઈ હતી તો પણ મારી મા એ બહેનને મારા માટે ખાસ તાકીદ કરી રાખી હતી.

મુનાતો મને એવી રીતે પકડીને રાખતી હતી જાણે હું કોઈ મોટો ખજાનો હોઉ. જો કે મેં એનો હાથ એમ કહીને છોડાવી લીધો કે હું કોઈને નહી કહુ કે આપણે માતાની વાત નથી માની અને પ્રોમિસ, તારી નજરથી દૂર પણ નહી જાઉ. ચાલતા-ચાલતા થોડીવારમાં અમે માર્કેટમાં આવી પહોંચ્યા. મારી નાનકડી આંખો માટે તો એ દુનિયાની સૌથી મજેદાર ને રસપ્રદ જગ્યા હતી. મજાની સોડમ વાળા ખાણી-પીણી ના ખુમચા, વિલાયતી મસાલા, મીઠી સુગંધવાળા અત્તરો અને તાજા ફૂલો બધાની મ્હેક એક સામટી મને ઘેરી વળી. બજારના ચોકમાં જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ વેચાતી હતી. ફળો અને શાકભાજી ડગુમગુ થતા ખુમચા પર કે પછી જમીન પર રંગીન ચાદરોમાં વ્યવસ્થિતરીતે સજાવેલા હતા. તો બાજુમાં જ કંદોઈની દુકાને તાજુ મેળવેલુ દહીં મોટા-મોટા તાંબાના ઘડામાં મળતુ હતુ; જેના મોઢા પર સાવચેતીરૂપે જાળીદાર મલમલનુ કપડુ ઢાંકેલુ હતુ અને કપડુ ખસી ના જાય એટલા માટે એની પર તાજા ભીના તુંબડા ઢાંકેલા હતા. બધુ દહી વેચાઈ જાય એટલે કંદોઈ આ તુંબડા પણ વેચી દેશે.

બજારની એકબાજુ પર સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલા ઘરેણા વચાતા હતા, અમે એ તરફ ગયા. એક દુકાન પર મારી નજર જવેરાત વેચતી ત્રણ જુવાનડીઓ પર પડી, દેખાવથી જ લાગતુ હતુ કે એ ત્રણે બહેનો હોવી જોઈએ. પથ્થરો અને નંગ જડેલા હાર, કડા અને બુટ્ટીઓના સજાવેલા કાઉન્ટર પર ઝુકેલી ત્રણેય બહેનોનુ હાસ્ય બહુજ સોહામણુ લાગતુ હતુ. રૂપરૂપના અંબાર હતી એ ત્રણેય, આવતા જતા બધા લોકો એમનુ રૂપ જોવા પરાણે ઉભા રહી જતા હતા. એક બહેનનુ માથુ ખુલ્લુ હતુ અને એના લાંબા કાળા-ભુરા વાળનો ચોટલો છેક કમર સુધી આવતો હતો, તો બાકીની બંને બહેનોએ સોનેરી દોરામાં પરોવેલા સોનેરી સિક્કા ભરેલા લાલ રંગના મેચીંગ સ્કાર્ફ માથે બાંધ્યા હતા.

મૂઢની માફક હું એમને જોતી ઉભી રહી ગઈ હતી. એટલામાં અમારી એક પિતરાઈએ મને અને મુનાને બાજુ પર ખેંચ્યા અને ધીમા અવાજે કહ્યુ 'આ બહેનોની ચર્ચા આખાય કુર્દીસ્તાનના લોકો આજે કરી રહ્યા છે. તમારેય સાંભળવા જેવી વાત છે.'

'જલ્દી કહે ને..' મને એમના વિષે જાણવાની હવે બહુ જ તાલાવેલી હતી.

'તો સાંભળ' જાણે કંઈ ખાનગી વાત હોય એમ એણે શરૂ કર્યુ 'આ ત્રણેય બહેનો કુર્દીસ્તાનના ત્રણ બહુ જ પ્રખ્યાત પશમરગા - સ્વાતંત્ર્ય સેનાનીઓ - સાથે લગ્નવચનથી બંધાઈ છે. એમના મા-બાપ અને ભાઈ-બહેનોને ૧૯૬૧માં કસિમમાં થયેલા મિલીટરી હુમલામાં જીવતા સળગાવી દીધા હતા. જ્યારે ગામને મિલીટરીએ ભડકે બાળ્યુ ત્યારે પશમરગા મદદે દોડ્યા હતા પણ કમનસીબે એ લોકો આરબોનો સામનો કરવામાં મોડા પડ્યા. પણ સ્વતંત્રતાના લડાકુઓ ત્યાં રહ્યા તે દરમ્યાન એક સોહામણા પશમરગા યુવાનની નજરે આ સૌથી મોટી બહેન ચડી, જે એ સમયે માત્ર ૧૨ વર્ષની હશે' આંગળી કરીને મારી બહેને બતાવી 'પેલી ચોટલો વાળેલી છે ને એ જ. એ ઝરણેથી પાણી ભરીને આવતી હતી અને પશમરગાને પહેલી નજરમાં જ એની સાથે પ્રેમ થઈ ગયો અને એને પામવાની તીવ્ર ઝંખના થઈ આવી. એણે એના માટે તપાસ કરી તો ખબર પડી કે આ છોકરીને એના જેટલી જ સુંદર બીજી બે બહેનો છે. પણ ત્યાં એ વિસ્તારમાં એ સમયે બહુ જ અંધાધૂંધી ફેલાયેલી હતી અને છોકરીઓના મા-બાપ પણ મૃત્યુ પામેલા હતા એટલે એ કોઈને લગ્નની વાત ના કરી શક્યો. અને આટલી નાનકડી છોકરીની આગળ જઈને પ્રેમ-પ્રસ્તાવ રાખવો પણ કંઈ યોગ્ય નહોતો એટલે એ સમયે વાત આગળ ના વધી શકી. પણ, એના મનમાંથી એ નયનરમ્ય ચહેરો ક્યારેય દૂર ના થયો. મહિનાઓ સુધી ઝૂર્યા પછી એણે પોતાના બીજા બે પશમરગા સાથીઓને એ ગામે જવા મનાવ્યા. પણ ત્યાં સુધીમાં એ બહેનો પોતાના સગાઓને ત્યાં બીજે ઠેકાણે રહેવા ચાલી ગઈ હતી.

અનાયાસ જ મારી નજર પેલી છોકરી પર જતી રહી. એનો સુંદર ચિત્રકારી કર્યા જેવો ચહેરો લાંબા લીસા ચેસ્ટનટ રંગના ચોટલામાં અત્યંત રમણીય લાગતો હતો. મારી પિતરાઈએ ચુંટલો ખણીને મારુ ધ્યાન પાછુ વાતોમાં ખેંચ્યુ. 'જોઆના, સાંભળને, હજુ તો બહુ લાંબી વાત છે, તારે સાંભળવુ છે કે નહી?' 'હા, હા, હું સાંભળુ છુ ને..!!' મેં હોંકારો ભણ્યો.

'એ બહાદૂર પશમરગા ગળાડૂબ પ્રેમમાં હતો અને હાર માનવા તૈયાર નહોતો. એણે અને એના ભાઈબંધોએ ત્યાં સુધી તપાસ ચાલુ રાખી જ્યાં સુધી એમને ત્રણેય બહેનોના નવા રહેઠાણના ગામની ભાળ ના મળી. ગામમાં એમનુ ઘર શોધવામાં કંઈ મુશ્કેલી ના પડી કારણ એ નાનકડા ગામમાં આવી રૂપરૂપના અંબાર જેવી સુંદરીઓ કંઈ અજાણી ના રહે. આ પશમરગા પ્રેમી ઘણો હિંમતવાળો હતો અને એણે સુંદરીઓના સગાના કુટુંબના મોભીને મળીને સીધો જ મોટી બહેનનો હાથ માંગી લીધો, એ પણ કહ્યુ કે એ છોકરી પરણવા લાયક થાય ત્યાં સુધી એ રાહ જોવા પણ તૈયાર હતો.'

'મોભીએ તરત જ પોતાના કુટુંબના લોકોને ચર્ચા કરવા ભેગા કર્યા. એમ ન હતુ કે એમને આ પશમરગા પસંદ નહોતો કે એની માંગણી સ્વીકાર્ય નહોતી પણ એ છોકરીને લડાકુની પત્ની બનીને મુશ્કેલ જીંદગી જીવવી પડે એમ હતી. અને આમેય તે એ બહેનોએ લડાઈમાં અત્યાર સુધી કંઈ ઓછુ સહન નહોતુ કર્યુ. અને પાછી છોકરી સુંદર તો હતી જ અને આગળ જતા આનાથી પણ વધારે સુંદર થવાની હતી એ પણ નક્કી એટલે એમને એના દહેજમાં ખાસ્સી રકમ મળી શકે એમ હતી એ પણ એક મહત્વનો મુદ્દો હતો. એટલે એમણે પશમરગાનો લગ્નનો પ્રસ્તાવ નકારી દીધો.'

'તો શું એ છોકરી એમની સાથે ભાગી નીકળી?' મેં ઈંતેજારીમાં પૂછી લીધુ; મને લાગલો જ એ વખતે એવો વિચાર પણ આવી ગયો કે જો મારા મા-બાપ કોઈ સોહામણા પશમરગા યુવાનનુ માગુ મારે માટે ના સ્વીકારે તો હું શું કરુ?

'ના, લડવૈયાઓ તો સંસ્કારી હોય' મારા ગાંડા જેવા સવાલથી અકળાઈને એણે લાગલુ જ પરખાવ્યુ. 'પણ જ્યારે ભગ્નહ્રદયે એ પશમરગા પાછો જઈ રહ્યો હતો ત્યારે આ છોકરી, જેના પ્રથમ દ્રષ્ટીના પ્રેમમાં એ પાગલ હતો, એને પણ એ જાણવાની ઈંતેજારી હતી કે એવો તે કેવો યુવાન છે જે તેના પ્રેમમાં અહીં સુધી તેને શોધતો આવી ચડ્યો છે? એટલે એ છોકરી પાછલે બારણેથી એક વાર એને જોવા બહાર આવી. આંગણામાંથી જઈ રહેલા એ લડવૈયાને જોવા એણે આંખો ઉંચી કરી અને બંનેની ચાર આંખ મળી તો એ કાચી ઉંમરની છોકરી પણ આ યુવાન પશમરગાના પ્રેમમાં પાગલ થઈ ગઈ.'

'પછીની વાત તો બાકીની પ્રેમ કથાઓ જેવી જ છે. છોકરીએ ઘરવાળાને ધમકી આપી દીધી કે જો એના લગ્ન એના બહાદૂર પશમરગા હીરો સાથે નહી થાય તો એ કૂવે પડીને જીવ આપી દેશે અને એની જીદ આગળ એના ઘરવાળાઓને પણ નમતુ મૂકવુ પડ્યુ. તો બંને વચ્ચે ત્યારથી લગ્નનો કોલ અપાયો અને જલ્દીથી એમના લગ્ન પણ લેવાઈ જશે. મેં ફરી એકવાર એ સુંદરીઓ તરફ નજર કરી અને પૂછ્યુ 'તો એની બહેનોનુ શું થયુ?'

'પેલા પ્રેમી પશમરગાના એના જેવા જ લડવૈયા મિત્રો જે એની સાથે-સાથે આવ્યા હતા એમણે જ્યારે પેલી છોકરીની બહેનોને જોઈ ત્યારે એ બંને પણ પ્રેમરંગે રંગાઈ ગયા અને વખત જતા એમના લગ્ન પણ એ બહેનો સાથે ગોઠવાઈ ગયા. તો હવે એ ત્રણેય બહેનો પશમરગા લડવૈયાઓને જ પરણશે.' મારી પિતરાઈ એટલા આત્મવિશ્વાસથી વાત કરતી હતી જાણે લગ્ન નક્કી કરવામાં એણે પોતે ભાગ ના ભજવ્યો હોય!!

'તો ક્યારે છે એમના લગ્ન?' મુનાએ એના અંદાજમાં પૂછી લીધુ. મેં આદરથી મુનાની તરફ નજર કરી. મારી બહેન મુના મને વિશેષ સુંદર લાગતી હતી. એની ચમકદાર ત્વચા અને મોટી ભૂરી આંખો, મારી નજરે મુના પેલી બહેનોના જેટલી જ સુંદરતમ હતી. મને પણ મુના જેવા બનવાની તાલાવેલી હતી.

મારી પિતરાઈએ કીધુ 'જલ્દી થી; મેં સાંભળ્યુ છે. અને જ્યારે એ લોકો પરણી જશે ત્યારે એ લોકો પોતાના પતિઓની સાથે પહાડોમાં રહેવા જતી રહેશે. એ તો આપણા લોકોની હીરોઈનો છે હીરોઈનો. એમણે એમની આખી જીંદગી કુર્દીસ્તાનની સ્વતંત્રતા માટે કુરબાન કરવાનુ નક્કી કરી લીધુ છે.'

મેં એ યુવતીઓ તરફ જોયુ, આ જુવાનડીઓ જાણે મારુ પોતાનુ સ્વપ્ન જીવી રહી છે. બહુ જ નાનપણથી મેં નક્કી કરી લીધુ હતુ કે હું સામન્ય છોકરીની માફક જીંદગી નહી જીવુ. મને કોઈ સરકારી નોકરી કરતા કારકૂન સાથે સીધી સાદી વહુની માફક સફેદ ગાઉન પહેરીને લગ્ન કરવાના હોંશ નહોતા. મને તો બસ જલ્દીથી મોટા થઈ જવુ છે અને એટલા સુંદર થવુ છે કે આ છોકરીઓની માફક મારી પર પણ કોઈ પશમરગાની નજર પડી જાય અને હું પણ તેની સાથે ચાલી નીકળુ અને એની સાથી ખભેખબો મિલાવીને લડાઈ કરુ.

હું એટલી ઉશ્કેરાટમાં હતી કે મારા પગ જાણે જડાઈ ગયા હતા, હું ડગલુ પણ આગળ ના ભરી શકી અને મારી પિતરાઈઓ અને મુના ચાલવા લાગ્યા. થોડે જ આગળ જઈને એમને ભાન થયુ કે જોઆના તો પાછળ રહી ગઈ છે. મારી બહેન મુના પાછી આવી અને ગુસ્સામાં કીધુ 'જોઆના... તેં પ્રોમિસ કર્યુ હતુ ને..?'

મને એ ત્રણ સુંદરીઓ સિવાય કોઈ વિચારો મગજમાં નહોતા આવતા. એ લોકો તો લગ્નની અને એમના રોમાન્ટીક, બહાદૂર પતિઓ સાથે પહાડોમાં જીંદગી વિતાવવાની રાહ જોતી બેઠી છે, અને મને ચિંતા થઈ પેઠી છે કે હું તો કોઈ રીતે સુંદર ગણાઉ એવી નથી. મને કહેતા હતા કે નાની બાળકી તરીકે હું એટલી સુંદર હતી કે મારી નજર ઉતારવી પડતી હતી, પણ હવે કંઈ હું એટલી સુંદર નહોતી. સાચુ કહુ તો છેલ્લા કેટલાક વખતથી તો બધા મારી પાતળી સૂકલકડી કાયાની મજાક પણ ઉડાવે છે. અને એ સાચુ પણ છે, હું મારી ઉંમરના પ્રમાણમાં સાવ સુકલકડી છુ, મારા પગ પણ મારી કાયાના પ્રમાણમાં લાંબા છે. સગવડતા ખાતર મારી મા એ મારા વાળ કાપીને ટુંકા કરી નાખ્યા છે, એના લીધે મારા મોટા કાન બહાર નીકળેલા દેખાય છે. મારો વાન પણ ઘેરો છે, જ્યાં બધી છોકરીઓની ચામડી પોયણા જેવી સફેદ હોય ત્યાં મારા જેવીને ક્યાંથી સુંદર ગણાય? વર્ષો વર્ષ મારી ચામડીનો રંગ ઘેરો થતો ગયો પણ મારી મા અને બહેનોની ત્વચાનો રંગ એવોને એવો ચમકદાર છે. અરે, નાની અમીના પણ આ ઉંમરે એકદમ સુંદર મજાની સફેદ ત્વચા ધરાવે છે; બધી સ્ત્રીઓ પણ એમના વાનના કાયમ વખાણ કરતી હોય છે.

એ જ વખતે મેં નક્કી કરી લીધુ કે હવે હું મારા આ ટુંકા વાળ વધારીને લાંબા કરીશ. અને મારી ત્વચાને દઝાડતા સૂર્યકિરણોથી બચાવવા કાયમ છત્રી વાપરીશ. તે છતાંય મને ખબર હતી કે કોઈ પશમરગાની મારા પર નજર પડતા વર્ષો લાગી જશે એ નક્કી. ભારેપગે હું મારી બહેન સાથે નાનીમાના ઘર તરફ ચાલી નીકળી.

એ સાંજે હું વધારે ખુશ હોવી જોઈતી હતી. સ્ત્રીઓ અને નાની છોકરીઓ બધા જ રંગબેરંગી વસ્ત્રભૂષામાં સજ્જ હતા તો છોકરાઓ અને પુરુષો એમના પહોળા પેન્ટ - જેને કુર્દીશ ભાષામાં "શરવાલ" કહે છે તેની કમરે પહોળા કપડાની ભેટ બાંધીને આવ્યા હતા.

સૂર્ય ડૂબતાની સાથે જ ક્ષીતીજ પર લાલ-ગુલાબી રંગ છવાઈ ગયો, બધા કુટુંબીઓ અને મહેમાનો આંગણામાં ઉજાણી માટે એકઠા થયા હતા, બગીચામાં પણા રંગોની બહાર હતી. બગીચાને કિનારે કિનારે સફેદ નરગીસના ફૂલો અને લાલ ચટ્ટક પૉપીના ફૂલો ચાર ચાંદ લગાવતા હતા. અમારા બધાની માઓએ આજની ઉજવણી માટે ખાસ વાનગીઓ તૈયાર કરી હતી. અમારુ સાંજના ભોજનની શરૂઆત અંજીર, સફરજન, નાસપાતી, બદામ અને અખરોટના ચાવણાથી થઈ. અને પછી તરત જ એક પછી એક સ્વાદીષ્ટ વાનગીઓ પીરસાતી ગઈ. એમાં માંસનો ખીમો ભરેલ ખાસ વાનગી 'કુબ્બા', ડૉલ્મા (દ્રાક્ષના પત્તામાં ચોખા-મીટ વગેરે ભરીને તૈયાર થતી એક વાનગી), બારબેક્યુ ચીકન અને કબાબ મારા ખાસ હતા. અને હા, ગરમાગરમ ભાત કેમ ભૂલી શકાય?

જાડા થવાની ઝુંબેશ મેં આજથી જ શરૂ કરી દીધી અને એના ભાગરૂપે મેં જરૂર કરતા વધારે જ ખાઈ લીધુ. સુકલકડી-સુકલકડી સાંભળીને હવે હું થાકી ગઈ હતી; મારી બીજી પિતરાઈઓ એક વર્ષમાં જે રીતે ભરાઈને સુંદર બની ગઈ હતી એ જોઈને મને એમની ઈર્ષા થતી હતી હવે તો. આજે પહેલી વાર મેં એમની સુંદર સફેદ ત્વચાની નોંધ લીધી. દૂર ખૂણામાં મારી ત્રણ પિતરાઈઓને એમના લાંબા કાળા વાળ ઝુલાવીને વાતો કરતી હતી એને જોઈને પન આજે હું ઈર્ષાથી બળી મરી.

કોઈને એ વાતની પડી નહોતી કે આજે હું મારા અસલી મૂડમાં નહોતી. કોઈએ મારી નારાજગીની જરા જેટલી પણ નોંધ નહોતી લીધી. મારા ગળામાં ડૂમો બાઝી ગયો અને આંખમાં પાણી સુધ્ધાં આવી ગયા, પણ મને મંજૂર નહોતુ કે હું રડુ છુ એવી કોઈને ખબર પડે. એટલે જ જ્યારે કોઈએ આવીને પૂછ્યુ કે "શું થયુ જોઆના?" તો મેં આંખમાં કંઈક કચરુ પડ્યાનુ બહાનુ બતાવીને વાતને ટાળી દીધી.

જમવાનુ પૂરુ થયુ એટલે સમય આવ્યો નાચવા-ગાવાનો. રા'દએ ક્યાંકથી કુર્દીશ ડાન્સ-મ્યુઝીકની ટેપનો બંદોબસ્ત કર્યો હતો. એ સાંજે અમારા આંગણામાં એ કર્ણપ્રિય કુર્દીશ સંગીત ગુંજી ઉઠ્યુ. અને થોડી જ વારમાં નાના-મોટા બધા લોકોના પગ થીરકવા લાગ્યા. એમ કહેવાય છે કે "જો તમે નાચી નથી શકતા તો તમે કૂર્દ નથી". અને એ વાત આજે સાચી પડી રહી હતી.

થોડી જ વારમાં બધા કૂર્દીશ ડાન્સ માટે એકબીજાના હાથમાં હાથ ભેરવીને વર્તુળાકારમાં ગોઠવાઈ ગયા. રા'દે બધાની આગેવાની લીધી કારણકે, નાચવામાં એનો જોટો જડે એમ નહોતો. બધાએ બહુ આગ્રહ કર્યો પણ મુના અને સા'દ નાચવામાં ના જોડાયા તે ના જોડાયા. મુનાને ખુબ શરમ આવતી હતી અને સા'દની પ્રકૃતિ જ કંઈક ગંભીર પ્રકારની હતી. મને તો કોઈએ નાચમાં જોડાવા બોલાવી જ નહી. પણ, મને એનો કંઈ વાંધો નહોતો. મને તો હવે મારા ટુંકાવાળ અને લાંબા પગની શરમ પણ નડતી હતી ને. હું મારી મા સાથે ખાલી જોતી બેસી રહી.

સંગીતનો અવાજ વધતો ગયો અને સાથે નાચનારાઓનો ઉત્સાહ પણ વધતો ગયો. એકબીજાના હાથ માં હાથ ભેરવીને બધા વર્તુળમાં અંદરની તરફ એકબીજાના ખભા અડે એમ જતાં અને પાછા આવતા. ડાન્સનો લીડર હવામાં રંગબેરંગી રુમાલ ફરકાવે એટલે ડાન્સના સ્ટેપ અને સ્ટાઈલ બદલાતા જતા. આગળ અને પાછળ જતા દરેકે એકબીજાનો હાથ છોડ્યા વગર એ બધા અઘરા સ્ટેપ પણ પૂરા કર્યા. નાચનારા થાક્યા એટલે એ સાંજની ઉજાણી પૂરી થઈ. હું પણ ચૂપચાપ બધા ભાઈ-બહેનોની સાથે છત પર સૂવા ચાલી. સામાન્ય રીતે છત પર મારા ભાઈ-બહેનો સાથે ભેગા મળવુ મારે માટે ઘણો આનંદનો અવસર હોય છે, પણ એ રાતે હું એની પણ મજા ના લઈ શકી. મોટા ભાઈ-બહેનોએ અમારા ગાદલા બિછાવ્યા, તેના પર ઓશીકા મુક્યા અને પાતળા ધાબળા લઈને બધા સૂવા માટે આડા પડ્યા. મોટા ભાઈ-બહેનો ધીમે સાદે વાતોએ વળગ્યા અને અમે નાના બાળકોએ નીરવ રાતના અવાજો ઓળખવાની રમત માંડી કે કંસારીનો અવાજ આવે છે કે પછી દેડકા બોલે છે?

ધીમે ધીમે બાળકો સૂઈ ગયા પણ મને આજે ઉંઘ નહોતી આવતી. ચહેરા સુધી એ પાતળો ધાબળો ઓઢીને હું તારા મઢ્યા આકાશમાં આછો પ્રકાશ ફેલાવતા ત્રીજના ચંદ્રને જોઈ રહી. કુર્દીસ્તાનના એ ખુલ્લા આકાશ નીચે આજે હું મારી જાતને ઘણી ક્ષુલ્લક મહેસૂસ કરી રહી હતી.

હજુ મેં કોઈ મોટેરા પિતરાઈના નસકોરા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ ત્યાં જ કાન ફાડી નાખે એવા અવાજે રાતની શાંતિને ચીરી નાખી. પેલા લુંટારાઓ સાથે થયેલા અનુભવથી હું જાણતી હતી કે આ બંદૂકની ગોળીનો અવાજ છે. હજુ હું છત પરથી નીચે જવા માટે દાદરા ભણી જવા ઉભી થવા જઉ એ પહેલા જ કોઈએ મની ધાબાની ફર્શ પર પાડી દીધી અને મારો શ્વાસ પણ રૂંધાઈ જાય એ હદે નીચે દબાવી રાખી. જોયું તો, મારો ભાઈ રા'દ મને બચાવી રહ્યો હતો. એણે મને એવી જકડી રાખી હતી કે હું કોઈ હલચલ ના કરી શકુ.

એણે બધા સાંભળે એમ રાડ પાડી "બધા નીચા રહેજો..' અને પછી મને કહ્યુ 'શસ્સ્સ્સ્સ... જોઆના જરાપણ હલતી નહી, અને અવાજ પણ નથી કરવાનો'. કેટલાક બાળકો ઉંહકારા ભરવા લાગ્યા, અને પોતાની માને બોલાવવા બૂમો પાડવા ગયા. પણ એક મોટા છોકરાએ બધાને ચેતવ્યા, 'જો જો કોઈપણ ઉભા ના થાય. બહુ ખતરનાક છે ઉભા થવાનુ.'

રા'દે અમને ફરી ચેતવ્યા. 'એ બરાબર કહે છે. કોઈ ઉભા નહી થાય. જો તમે પડ્યા રહેશો તો કોઈ ખતરો નથી. આપણા લડવૈયાઓ પર હુમલો થયો લાગે છે. એમાંના કોઈને એ ખબર નથી કે આપણે અહીં છીએ, માટે પડ્યા રહો ચૂપચાપ.' ગાઢી ઝાડીની આડમાંથી આવતા કેટલાય ગોળીબારના અવાજો સંભળાયા, જાણે કોઈ ઑર્ડર દેતુ હોય એમ પણ લાગ્યુ. પણ કંઈ સ્પષ્ટ સમજાયુ નહી.

મેં મારા ભાઈની સામે જોયુ, એણે ધીમા અવાજે કહ્યુ 'જોઆના સાંભળ અને ગભરાઈશ નહી. આપણા લડવૈયા કદાચ શહેરમાં આવ્યા લાગે છે અને એની જાણ આર્મીને થઈ ગઈ લાગે છે. પણ એ લોકો પશમરગાને ક્યારેય શોધી નહી શકે. એક વાતતો ચોક્કસ છે કે આપણા લોકો એમની ભાળ ક્યારેય ના આપે અને અહીંની ગલીઓ પણ આરબો માટે અજાણી છે.'

બરાબર એજ સમયે અમારા માથા પરથી એક ગોળી સનનન કરતી પસાર થઈ ગઈ. ભયથી મને કંપારી છૂટી ગઈ; આતો લડાઈ છે!! બધા નીચે ધાબાની ફર્શ પર જાણે જડાઈ ગયા હોય એમ પડી રહ્યા. રાતના એ ગાઢા અંધારામાં કેટલોક સમય બંદૂકના અને બૂમો પાડવાના અવાજો આવતા રહ્યા, બધુ એવુ ભેળસેળ થઈ રહ્યુ હતુ કે કંઈ સમજ નહોતી પડતી. બંદૂકના અવાજો અમારા વિસ્તારથી દૂર થતા ગયા અને ધીમા થતા ગયા ત્યાં સુધી અમે બધા એવી જ અવસ્થામાં ફર્શ સાથે જડાઈ રહ્યા. થોડીવાર પછી વાતાવરણ એકદમ શાંત થઈ ગયુ.

અમને બધાને અંતે રાહત થઈ, મારા નાના પિતરાઈઓ ધીમે ધીમે ઉઠીને એમની મા પાસે સૂવા નીચે જતા રહ્યા. રા'દે મને પણ કહ્યુ કે તારે ય નીચે જતા રહેવુ જોઈએ. પણ મેં એને કોઈ જવાબ ના આપ્યો, જાણે કહેવા માંગતી હોઉ કે 'હું અહીં છુ જ નહી એમ માન.'

મોટા પિતરાઈઓનો રોષ આ બનાવને કારણે વધી ગયો. એમાંના કેટલાય કહેવા લાગ્યા કે અમે પણ મોટા થઈને જેવી કૉલેજ પતે કે તરત જ પશમરગા બની જઈશુ. એમનુ માનવુ હતુ કે એમની પેઢી જ કુર્દ લોકોને વિજયી બનાવશે. 'અલ્લાહ કસમ, થોડા જ સમયમાં અમે બગદાદને દરવાજે દસ્તક દેતા હોઈશુ.' એમાંના એક જણે તો બડાઈ પણ હાંકી દીધી.

'હું પણ' હું ધીમા હાસ્ય સાથે સ્વગત જ બબડી.. 'હું પણ'

એ દિવસ મારી જીંદગીનો સૌથી નિર્ણયાત્મક દિવસ બની રહ્યો. મેં સ્વગત જ મનમાં ગાંઠ વાળી કે - "હું, જોઆના અલ-અસ્કારી, એક દિવસ ચોક્કસથી પશમરગાની જીંદગી જીવતી હોઈશ."

કુર્દીશ ચળવળમાં સક્રીય રહેલા રા'દે પશમરગા બનવા માંગતા ભાંડુઓને ધન્યવાદ આપ્યા અને કુર્દ લોકો સાથે થતા અન્યાયોની વાતો પણ કરી. હું મારી જન્મભૂમી વિષે અને જેને મારા જીવની જેમ ચાહતી હતી એ કુર્દીશ પ્રજા વિષે જાણી શકાય એ બધુ જ જાણવા માગતી હતી.

સૌથી પહેલો કૂર્દ બળવો ૧૮૦૬માં થયો હતો. તે સમયે ઑટ્ટોમન સામ્રાજ્યએ અમારી માતૃભૂમી પચાવી પાડી હતી. તૂર્ક લોકો સાથેના છૂટાછવાયા સંઘર્ષો ધીમે ધીમે એટલા પ્રમાણમાં વધી ગયા કે એ સંઘર્ષકારીઓ એકબીજા સાથે મળીને ટોળીઓ બનાવવા લાગ્યા. ત્યાર પછી, ૧૯૧૮માં બ્રિટીશ લોકોએ અમારી ભૂમી પર ફરી કબજો કરી લીધો. અમે જ્યારે વિરોધ કર્યો ત્યારે એમણે એમના આધુનિક શસ્ત્રોથી અમારા પર હુમલા કર્યા. તે સમયે વિન્સ્ટન ચર્ચિલ, જે કૂર્દ લોકોને "જૂનવાણી આદીવાસીઓ" કહીને બોલાવતો હતો, તેના હુકમથી અમારી પ્રજા પર રોયલ એર ફૉર્સ દ્વારા ઝેરી ગેસનો હુમલો કરવામાં આવ્યો હતો. એ સમયે પહેલી વખત અમારી પ્રજા રાસાયણીક હુમલાનો ભોગ બની હતી.

ત્યારબાદ, ૧૯૨૩માં મારા કુર્દીશ કુટુંબે શેખ મહમુદ બાર્ઝીન્જીને ટેકો જાહેર કર્યો, જેણે બ્રિટીશરો અને ઈરાકના નવા રાજા - કિંગ ફૈસલ - બંનેની સામે બળવો પોકાર્યો હતો. બાર્ઝીન્જીએ પોતાને કુર્દીસ્તાનનો સ્વઘોષિત રાજા જાહેર કરી દીધો હતો પણ ૧૯૨૪માં બ્રિટીશ સૈનિકોની સામે સુલેમાનિયાની હાર થઈ અને કુર્દીસ્તાન પર ફરી એકવાર બહારના લોકોનો કબજો થઈ ગયો. માતાનો જન્મ ૧૯૨૮માં થયો હતો, એણે એક વાર વાત કરતા કીધુ હતુ કે એને એ સમયનુ તો કંઈ યાદ નથી; કારણકે એના સમયમાં યુધ્ધની પરિસ્થિતિ નહોતી. એને ૧૯૩૨ની ક્રાંતિની આછી પાતળી યાદ જરૂર છે પણ ૧૯૪૩ના કેન્દ્ર સરકાર સામેના બળવાની એની યાદ એકદમ બરાબર હતી; જ્યારે કુર્દીશ લડવૈયાઓએ ઘણા મોટા વિસ્તાર પર કબજો મેળવી લીધો હતો.

૧૯૪૬માં ફરી એકવાર બહુ જોરદાર પણ નિષ્ફળ બળવો થયો હતો અને એના પછી ઈરાકી સરકારે તે સમયના કુર્દીશ નેતા મુલ્લા મુસ્તફા બરઝાનીને સોવિયેત યુનિયનમાં દેશનિકાલ થવા માટે ફરજ પાડી દીધી. એમના ગયા પછી કુર્દીસ્તાનની સ્વતંત્રતા ચળવળ બહુ જ ધીમી પડી ગઈ. પણ ૧૯૫૧માં નવી પેઢીના કુર્દીશ રાષ્ટ્રવાદીઓએ ચળવળને પાછી જીવંત બનાવી અને મુલ્લા બરઝાની ભલે દેશનિકાલ હતા એમને કુર્દીસ્તાનના ચુંટાયેલ રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા. ૧૯૫૮માં જ્યારે ઈરાકી રાજપરિવારને પદભ્રષ્ટ કરવામાં આવ્યો ત્યારે ફરી એકવાર કુર્દીશ સ્વતંત્રતાનો મામલો સપાટી પર આવે ગયો. અને કુર્દીશ પ્રજાના હીરો બરઝાની પણ દેશનિકાલ ખતમ કરીને પાછા આવી ગયા હતા. એમણે બગદાદની સરકાર પાસેથી સ્વતંત્ર થવાની વાતમાં નવો જાન ફૂંકી દીધો હતો. કુર્દીસ્તાન પર ફરી ફરીને હુમલા થવા લાગ્યા, પણ પશમરગા લડવૈયા ગેરિલા યુધ્ધમાં એટલા પ્રવિણ હતા કે એ એક પછી એક જીત હાસિલ કરતા ગયા. ઈરાકી સરકારને ત્યારે સૌથી મોટો ઝાટકો લાગ્યો જ્યારે પશમરગા લડવૈયાઓએ બગદાદ અને ખાનકીન વચ્ચેના મુખ્ય રસ્તા પર કબજો મેળવી લીધો અહીંથી બગદાદ હવે માત્ર ૧૪૦ કિલોમીટર દૂર હતુ, પણ બગદાદ જીતવાનુ એ સ્વપ્ન ક્યારેય સાકાર ના થઈ શક્યુ.

આ બધી જીત મેળવ્યાના થોડા જ વર્ષોમાં અમારે ઘણી બધી મોટી શરમજનક હાર અને ખુવારીનો સામનો કરવો પડ્યો. અને ૧૯૭૨ની આ સાંજ સુધી પણ એ થંભ્યો નહોતો.

એકવાર મારા એક પિતરાઈ, જે રા'દની જ ઉંમરનો હતો, એને મેં રા'દને સંબોધીને બોલતા સાંભળ્યો હતો "તને ખબર છે?? કુર્દ તરીકે જન્મ લેવો એ મોટો ગુનો છે." રા'દ જાણે હા ભણતો હોય એમ અસ્પષ્ટ અવાજ કરીને ચૂપ થઈ ગયો હતો. એનો મતલબ કે મેં માત્ર જન્મ લઈને પણ એક મોટો ગુનો કર્યો હતો એમ? મને એ વાતની જરાપણ શંકા નહોતી કે જ્યારે હું હથિયાર ચલાવવા જેવડી થઈ જઈશ ત્યારે પણ ઘણી લડાઈઓ લડવાની બાકી હશે. અમારી માતૃભૂમીની લડાઈ કદાચ અનંત કાળ સુધી છે. માત્ર સામે દુશ્મનોના ચહેરા બદલાયા કરે છે; અને કૂર્દ લોકો એમની સામે લડ્યા કરે છે.

એ સમયે રા'દને ધ્યાનમાં આવ્યુ કે હું કદાચ હજુ સુધી જાગુ છુ. એ મારી તરફ ફર્યો, એનો વિશાળ ભાલપ્રદેશ અને ભૂરી આંખો વાળો ચહેરો ખૂબ સોહામણો હતો. મને કેમ એ સમયે એવુ લાગ્યુ કે મારા મોટા ભાઈના આ ગંભીર ચહેરા પાછળ એની અર્ધ-કૂર્દ હોવાની દોષભાવના છુપાયેલી છે? મોટાભાગના લોકોથી અણજાણ એવો બહાદૂરીથી તરબોળ મારો ભાઈ પોતાની લડાઈ પોતાની રીતે લડ્યા જ કરે છે. મારા ભાઈએ મને સમજાવીને સૂઈ જવાનુ કહ્યુ : 'તને યાદ છે ને, આવતીકાલે આપણે પહાડી પર પીકનીક મનાવવા જવાનુ છે અને પછી ધોધમાં નહાવાનુ છે, તારે અત્યારે સૂઈ જવુ જરૂરી છે.'

પહાડી પરથી પડતા એ નિર્મળ પાણીના ધોધનુ દ્રશ્ય મારી આંખો સામે ખડુ થઈ ગયુ.

ભાઈ એ ફરી કહ્યુ 'જોઆના, હવે સૂઈ જા'

'મને ઉંઘ નથી આવી રહી'

'જોઆના ઉપર આકાશ તરફ નજર કર'

'હું એ જ જોઈ રહી છુ'

'તને તારાઓનો પ્રકાશ નજર આવે છે?'

'હા, આવે છે ને'

'જોઆના, આ તારાઓનુ રહસ્ય તને ખબર છે?'

મેં નકારમાં માથુ હલાવ્યુ, મને રહસ્યોમાં કાયમ રસ પડતો 'શુ છે?'

'હું તને મસ્તમજાનુ વૈજ્ઞાનિક કારણ કહીશ જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. જો આ સૌથી પ્રકાશીત તારાઓ છે ને એમાંથી પ્રકાશીત રજોટીનો છંટકાવ થતો હોય છે. જ્યારે તું સૂઈ જઈશ ત્યારે એ તારી પર પણ એ તારાઓ એની રજનો છંટકાવ કરશે.' મારા ચહેરાને સહેલાવીને એણે ફરે કહ્યુ 'તારાઓની રજોટી... જોઆના, તારા આ સુંદર મજાના ચહેરા પર ચમકતી જરી જેવી તારાઓની રજોટી'. હું હજુ તો એની આ વાત માની જાઉ એવી નાનકડી ને અણસમજુ હતી અને આમેય તે કુર્દીસ્તાન તો સપનાઓની ભૂમી રહી છે. એટલે પછી હું પડખુ ફરીને આંખ બંધ કરીને આખી રાત શાંતિથી સૂઈ ગઈ. સવાર સુધી મારા સપનામાં મારી પર તારાઓની એ રજોટીનો છંટકાવ થતો રહ્યો.

પછીના દીવસે અમે જ્યારે ઉઠ્યા ત્યારે આગલી રાતના હુમલાના સાચા સમાચાર અમને મળ્યા. ઈરાકી આર્મી અને પશમરગા વચ્ચે જે લડાઈ થઈ હતી એ પેલી ત્રણ છોકરીઓની આસપાસ ઘુમી રહી હતી. આરબ જાસૂસોની જાળ શહેરમાં ફેલાયેલી હતી એમાંના કોઈએ ઈરાકી સુરક્ષાબળોને એ છોકરીઓ અને પશમરગા લડવૈયાઓ વચ્ચેની પ્રેમકહાણીની જાણ કરી દીધી હતી. દિવસને અંતે જ્યારે એ છોકરીઓ ગધેડા-ગાડીમાં પોતાને ગામ પાછી જઈ રહી હતી ત્યારે એમને ઈરાકી સૈનિકોએ આંતરી લીધી અને એમની ધરપકડ કરી લીધી. આ સુંદર કન્યાઓનો ઉપયોગ હવે એમના મંગેતર પશમરગા લડવૈયાઓને પકડવા માટેના છટકા તરીકે થવાનો હતો. અને થયુ પણ એવુ જ. આર્મીના કાવતરામાં ફસાઈને એ લડવૈયાઓ એમની મંગેતરોને બચાવવા શહેરમાં પ્રવેશ્યા, પણ અહીં એમને સમાચાર મળ્યા કે એ ત્રણેયને તો બગદાદની જેલમાં લઈ જવામાં આવી છે. પછી લડાઈ ચાલી.

અને એ લડાઈમાં ત્રણમાંથી બે લડાકુ માર્યા ગયા ને એક જણ છટકી જવામાં સફળ રહ્યો. એ બહેનોનુ નસીબ હવે નક્કી હતુ, એમની ઉપર પારાવાર સિતમ ગુજારશે અને છેલ્લે એમને ઈરાકી આર્મી મારી નાખશે.

મને એ જુવાન પ્રેમીઓ માટે સંતાપ થઈ આવ્યો. અત્યાર સુધીમાં કેટલાય કુર્દોને આવી રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હશે, એમના પ્રેમ અને સુખી લગ્ન જીવનના સપના ક્યારેય પૂરા ન થઈ શક્યા. એ પ્રેમીઓને જુદા કરનારા માટે મારા દિલમાં ભયંકર નફરત પેદા થઈ આવી. મારો ગુસ્સો મારા દિમાગમાં ગુસ્સે ભરાયેલી મધમાખીઓની માફક ગણગણાટ કરતો મને મારા ભવિષ્ય તરફ આગળ લઈ જઈ રહ્યો.

કદાચ પેલી તારાઓની રજોટી મારો રસ્તો પ્રકશિત કરે.

પ્રકરણ - ૩ સમાપ્ત

ક્રમશ : પ્રકરણ - ૪