Krisha - 4 in Gujarati Short Stories by Akil Kagda books and stories PDF | ક્રિશા – 4

Featured Books
Categories
Share

ક્રિશા – 4

ક્રિશા – 4

"હા, તું બીમાર છે, અને બીમારી ગંભીર છે, અને તેનું મને સખત દુઃખ છે, પણ તેને ને આપણા સંબંધને શું લાગે વળગે?"

"ઓહ ગોડ.. તને તેની ગંભીરતા સમજાતી નથી? અને તે આપણા સંબંધને જ સૌથી વધારે અસર કરે છે."

"કઈ રીતે? સમજાવ..."

"ગધેડી, મારો ખેલ પૂરો થયો... હું મોત તરફ જઈ રહ્યો છું." કહીને હું તેની બાજુમાં બેસી પડ્યો ને બોટલ ઉઠાવીને મોઢે માંડી. તે બોલી "બધું છોડ, ટ્રીટમેન્ટ ચાલુ કરી?"

"ના, ...ફાયદો શું?"

"કેમ ફાયદો નથી? મને જાણ છે ત્યાં સુધી તો પંદર-વિસ વર્ષ સુધી કશો વાંધો નથી આવતો."

"પણ પછી?"

તે સોફા પર પલાંઠી વાળીને મારી તરફ ફરીને બેઠી, અને મારા બંને હાથ પકડીને માં નાના બાળકને કરતી હોય તેમ જોરથી પુચકારીને મારા હોંઠ પર કિસ કરી. ક્રિશા.... કયા પ્રકારની છે? તે મારી સમજ બહારની હતી.

તેણે મારા બંને હાથ પકડી રાખ્યા હતા, તે બોલી "તું ભલે ગમે તેટલું ભણ્યો હોય, કે પોતાને ગમે તેટલી અક્કલવાળો સમજતો હોય, પણ મારી વાત ધ્યાનથી સાંભળ.. મગજ ઠંડુ રાખ, અને શાંતિથી વિચાર... તું કહે છે કે તું મોત તરફ જઈ રહ્યો છે, બરાબર? હવે એ કહે હું, અરે દુનિયાનો દરેક જીવ ક્યાં જાય છે? મોત તરફ નથી જતો? ફરક ફક્ત એટલો જ છે કે તને ખબર છે કે તારી પાસે પંદર વરસ છે, જયારે મને, મારી પાસે કાલ પણ છે કે નહિ તે ખબર નથી.... તો પ્લસમાં કોણ છે? તું કે હું? અને તું એટલો કાબિલ છે કે પંદર વર્ષમાં તું દુનિયા બદલી શકે... ઘણા હોય છે, પંદર વરસ.... અને પોઝિટિવ બનીને વિચાર, આજે તેનો ઈલાજ નથી, શું ખબર કાલે, વર્ષે, પાંચ વર્ષે નહિ શોધાય?"

ક્રિશા એક સારી કાઉન્સેલર બની શકે એમ છે. ગમે -તેમ હું જે માનસિક રીતે પડી ભાંગ્યો હતો, તે ક્રિશાની વાતોથી મને ઘણું સારું લાગ્યું. મેં બોલ્યો, "આભાર... તારી વાતોથી મારામાં ઘણી પોઝિટિવ એનર્જી આવી છે, અને હું તે રીતે જ રહીશ અને લડીશ, પણ હું એકલો.. એમાં તારું સ્થાન નથી કે તારો કશો રોલ પણ નથી."

"કેમ? હું ક્યાં જવાની? આપણે સાથે જ રહીશું ને... સમજ કે હું બીમાર પડું કે હું એચઆઈવી પોઝિટિવ હોઉં તો તું શું કરે? મને છોડીને જતો રહે?"

"મારે લીધે તારું ભવિષ્ય બરબાદ ના કર, અને હું થવા પણ નહિ દઉં."

તે હસીને બોલી "હું તો નસીબદાર છું કે મને ખબર છે કે પંદર વર્ષ પછી જ હું કદાચ વિધવા થઈશ... તને ખબર છે કે તું ક્યારે વિધુર થઈશ?? એવુંય બને કે કાલે સવારે હું જાગું જ નહિ...એ રીતે કેટલાયે મરે જ છે ને.."

"વાત એટલી જ નથી, તેની સાથે ઘણા સામાજિક અને શારીરિક અને માનસિક પાસાઓ પણ જોડાયેલા છે. સમજ કે હું સો વર્ષ જીવ્યો, પણ તારું શું? હું બીજાને ઈનફેક્ટ કરી શકું નહિ, એટલે હું કોઈ દિવસ તારી સાથે સેક્સ નહિ કરું..."

"તો?"

" તો એટલે? તારે માટે તે કશું નથી?"

"ડાર્લિંગ, તારા અને મારા વિચારો અલગ છે, તને સેક્સને કારણે મારી સાથે પ્યાર થયો, મને બીજા કારણોને લીધે તારી સાથે પ્યાર થયો એટલે સેક્સ આપ્યો ...સેક્સ મારે માટે ગૌણ છે, તું નહિ સમજી શકે."

"બાળકો? તને બાળકો નથી જોઈતા?"

"જોઈએ છે, આપણે ચાર બાળકો દત્તક લઈશું."

ઓહ... હું નીચી મુન્ડી કરીને બે હાથ વચ્ચે માથું પકડીને બેઠો, "ક્રિશલીઇઇઇઇઇ...... , તને મારાથી ઘૃણા નથી થતી? પ્લીસ, મને છોડી દે.. હું તને દુઃખી નહિ જોઈ શકું..." કહેતા હું રડી પડ્યો, તેણે મને ફરીથી પોતાની છાતીમાં છુપાવ્યો, ને બોલી "મને દુઃખી ન જોવા માંગતો હોય તો મને તારી પાસે જ રહેવા દે... બધી જ વાર્તા પુરી કર, ને સાચા દિલથી અને વિચારીને ફરી એક જ જવાબ આપ કે જો હું એચઆઈવી પોઝિટિવ હોતી તો તું શું કરતો?"

"વિચારવાનું કશું છે જ નહિ, ભાગી જતો, કસમથી તને છોડીને ભાગી જતો...."

તે મારી આંખમાં જોતી હતી, "બસ, વાત પુરી થઇ, મને જવાબ મળી ગયો છે, અને ફરી એકવાર કહું કે તને જૂઠું બોલતા બરાબર ફાવતું નથી. ચાલ મોં ધોઈ આવ અને ગ્લાસ ભર."

"ખરેખર તને ઘૃણા નથી? કેમ?"

"ના, બિલકુલ નહિ.. કેમ કે આ વસ્તુને મેં મારી રીતે જસ્ટીફાઈ, યોગ્ય ઠેરવી દીધી છે." થોડીવાર તે ચૂપ રહી, ને પછી બોલી "તને પસ્તાવો છે?"

"ના, બિલકુલ નહિ..."

"કેમ?"

" બસ, એમ જ... મારી માન્યતાઓ અલગ છે... તું નહિ સમજે, ટૂંકમાં મને બિલકુલ પસ્તાવો નથી."

"ના, ના, હું સમજીશ.. તું બોલ.. મને ખબર છે કે તારા ક્લેરિફિકેશન અલગ પ્રકારના હોય છે, ને ઘણીવાર અલગ દિશામાં વિચારતા કરી મૂકે એવા હોય છે, મારે સાંભળવું છે, કેમ તને પસ્તાવો નથી..."

"સાંભળ, મારે ઘેર જમવાનું બનતું જ નથી, હોતું જ નથી, તો શું મારે હોટલમાં ન ખાવું? કે ખાઈને આવીને પસ્તાવો કરવો કે અરેરે હું હોટલમાં ક્યાં જમી આવ્યો......, હા, બેદરકારી નો અફસોસ ખરો..."

"અને ઘરમાં હોય તો??"

"ડિપેન્ડસ.... પણ મોટા ભાગે ના. "

"ઘરનું મળે ત્યાં સુધી સંયમ ના રાખી શકાય?"

"રાખી શકાય, રાખતા હશે, પણ મારા માટે તે વાહિયાત છે, કેમ રાખું? કેમ રાખવો જોઈએ? હું એવા કોઈ ઠાલા આદર્શો કે સિદ્ધાંતોને માનતો નથી, કે માનીશ પણ નહિ...ભૂખ લાગે ત્યારે ખાવાનું અને ઊંઘ આવે ત્યારે સુવાનું... કોઈ નિયમ કે કાયદો નહિ... ભૂખ ન લાગતી હોય તો હું ખાવાની સામે પણ જોઉં નહિ, કે સાંજ કે કાલ માટે ની ચિંતા કરીને તેને સાચવું પણ નહિ... હું ફકીર છું, ફકીરી સ્વભાવ નો છું. તું સમજે છે, હું શું કહું છું? હું કારમાં જ ફરું છું, સો ટકા જોખમ છે, એક્સિડેન્ટનું.. હા જેટલી બને તેટલી સાવચેતી રાખી શકું, પણ કાર વાપરવાનું છોડી ના શકું... એક્સિડેન્ટથી બચવા શું ઘેરે બેસું? ચાલતો જાઉં? અને એક્સીડેન્ટ થાય ને હું મરી જાઉં કે મરવા પડ્યો હોઉં તો તું શું એમ કહીશ કે ઝખ મારવા કાર વાપરી? પબ્લિક ટ્રાન્પોર્ટમાં ફરતો તો એક્સીડેન્ટ ના થતું ને... તું સમજે છે ને, હું શું કહું છું? વર્જિનિટી, સેક્સુઅલ વફાદારી, વગેરેની મારે મન કોઈ કિંમત નથી, ફરીથી સાંભળ, સેક્સ્યુઅલ વફાદારી.... તું શું માને છે?"

"હું વફાદારી એટલે બધી જ વફાદારી માં માનું છું. સેક્સ્યુઅલ વફાદારી અલગ હોય છે? કેમ તેની કોઈ કિંમત નથી?"

"મારે મન કોઈ કિંમત નથી.. સેક્સ અલગ છે અને પ્રેમ અલગ છે, હું તને પ્રેમ કરું છું, કરતો રહીશ.. અને તારે માટે હું કઈ પણ કરી શકું.. પણ સેક્સ એ મારે માટે સાહજિક, કુદરતી ક્રિયા છે. ભૂખ લાગે તો ખાવું, તરસ લાગે તો પીવું, ઊંઘ આવે તો સુવા જેવી જ... મને પેશાબ લાગી છે, કર્યા વગર છૂટકો જ નથી, કે રોકી રાખવાનો કોઈ ફાયદો પણ નથી.. અને તું કહે તેમ સંયમ રાખીને ઘેરે જઈને જ કરીશ, ઘર બહાર કે બીજા કોઈ જ બાથરૂમમાં નહિ કરું, તો? શું ફાયદો થશે? શરીરે પેશાબ બનાવ્યો છે જ બહાર ફેંકી દેવા માટે.... એવું જ મારે માટે સેક્સ છે."

"વાહ, કાલે આઈસ્ક્રીમ મારા તરફથી...પહેલીવાર આપણા બેના વિચારો મળ્યા છે, કાલે કુંડળીઓ પણ મેળવીને જોઈ લઈશું...અહીં કોઈ મહારાજ ખરા કે નહિ?? હસતો કેમ નથી? તને આજ સુધી કોઈવાર મેં ખડખડાટ હસતા જોયો નથી, તારી મમ્મી ને પણ.. તમે બધા એવા જ છો?"

હું હવે સમજી ચુક્યો હતો... એવો કોઈ રસ્તો નથી કે ક્રિશા જાતે જ મને છોડીને જતી રહે??? હાલ તો મને જોવાતો નથી, પણ હું જરૂર શોધી કાઢીશ કે તે મને છોડવા મજબુર થઇ જાય.

જો હું આત્મહત્યા કરી લઉં તો? ક્રિશા શું કરે? રડે બે-ચાર દિવસ..પછી બધું ભૂલી જાય, ને થાળે પડી જાય. હા, એજ બરાબર છે... દસ કે પંદર કે વિસ વર્ષ સુધી રડ્યા કરે ને દુઃખી થાય તેના કરતા તો બે-ચાર દા'ડા રડી લે એ લાખ ગણું સારું છે. બસ, આજ એક રસ્તો છે.. જોકે મને મરવું નથી, આત્મહત્યા નામર્દ કરે છે, પણ ક્રિશાને સુખી કરવા માટે હું તે પણ કરીશ. હું દસ-પંદર કે વિસ વર્ષો સુધી ક્રિશાને દુઃખી કરી શકું નહિ....

થોડીવારે તે ફરી બોલી "તને એવું કશું યાદ છે કે કોઈવાર કોન્ડોમ વગર...."

"ના, નેવર... કોઈ દિવસ નહિ...એના વગર તો બિલકુલ જ નહિ..."

"તો પછી?"

"ખબર નથી, બીજા કારણે પણ હોઈ શકે..."

"તને ક્યારે ખબર પડી?"

"છ-સાત દિવસ પહેલા"

"બરાબર કહે, તને શું થયું? કે શું થાય છે? બધી જ વાત કર."

"કશું જ થતું નથી, મામૂલી શરદી થઇ હતી, અઠવાડિયું તો એમ જ કાઢી નાખ્યું, છતાં ના ગઈ તો મારો ઓળખીતો સરદાર ડોક્ટર છે, જે દિરાહ માં ઘરમાં દવાખાનું ચલાવે છે, તેની દવા લાવ્યો. મને કઈ પણ નાની તકલીફ થાય તો હું તેની જ દવા લઇ લઉં છું. "

"બોલ, બોલ, પછી?"

"પંદર-વિસ દિવસ થઇ ગયા, પણ શરદી ગઈ નહિ, હું ડોક્ટર પર પણ અકળાયો, તો તેણે કહ્યું કે બ્લડ રિપોર્ટ કાઢાવીએ, અને સાલાએ મને આ રિપોર્ટ આપ્યો."

ક્રિશાએ રીપોર્ટનો કાગળ મારી સામે ધરીને બોલી "ઈશુ, ઈશુ, તું આટલો મોટો છે, અને કમાય છે, અને તું આની દવા કરે છે? કે જેની પાસે દુબઈમાં પ્રેકટીશ કરવાનું લાયસન્સ પણ નથી? જે ચોરી-છુપીથી ઘરમાં ડિસ્પેન્સરી ચલાવે છે... બિચારા અને ગરીબડા બંગાળી, તેલુગુ લોકોનું ઊંટવૈદુ કરીને પૈસા પડાવે છે. કાલે જ હું તેને એરેસ્ટ કરવું છું, તું જો."

"ના તેનો વાંક નથી, તેને તો મને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી, ને ફરીથી રિપોર્ટ કઢાવવાનું પણ કહ્યું હતું."

"તો તુ ગયો કેમ નહિ?"

"ડરને કારણે... મને દુબઇ છોડવું નથી...અહીંના કાયદા મુજબ તે લોકો મને ઘેર પણ આવા દે નહિ, ને સીધો ફલાઇટમાં ચઢાવીને ઇન્ડિયા ધકેલી દે."

"ભલે મોકલી દે, આપણું ઘર, આપણો દેશ છે... કેમ નથી જવું?"

"કેમકે હું ત્યાં આવીને તને કે મમ્મીને દુઃખી કરવા માંગતો નહોતો."

ક્રિશા કઈ વિચારમાં હતી, થોડીવારે તે બોલી "ચાલ હવે, સુઈ જઈએ, કાલથી હું તારી બોસ છું, હું કહું તેમ જ તારે કરવાનું છે, સમજ્યો?"

અને પછી મારો હાથ પકડીને બોલી "ચાલ, આજે તારું પ્રમોશન થયું છે, તારે સોફા પર નહિ, બેડ પર સુવાનું છે." કહીને તે મને ખેંચતી બેડરૂમમાં લાવી. મેં કહ્યું "તું તો કહેતી હતી કે તું કાલથી મારી બોસ છે..."

"ના, હમણાંથી જ.. ચાલ ચુપચાપ..." કહીને મને બેડ પર ધકેલ્યો.

સુતા સુતા મેં તેના ઈયર રિંગ્સ વગરની કાનની બુટ પકડી, મને મારી જાત પર શરમ આવી... બસ, સવાર પડે એટલીવાર...

આજે પહેલીવાર મને લાગ્યું કે હું સાચે જ ઊંઘ્યો... ક્રિશાની સોડમાં ભરાઈને હું બધું જ ભૂલી ગયો હતો. સવારે પણ મોડો ઉઠ્યો, ક્રિશા ખબર નહિ ક્યારની ઉઠી છે, તે કિચનમાં હતી. હું ચુપકેથી જઈને તેને પાછળથી જકડી લીધી, ને મારા ગાલ તેના ગાલ સાથે ઘસ્યા. તે ચીસ પાડી ઉઠી "જા, શેવ કરીને આવ...ત્રણ દિવસથી ભિખારીની જેમ ફરી રહ્યો છે..તું એટલું તો વિચાર કે તું કોની સાથે ફરી રહ્યો છે? તારી સાથે ચાલતા પણ મને શરમ આવે છે."

"હા, તું તો મારી જેનિફર લોપેઝ છે, કમરથી નીચે તમારા બંનેની સાઈઝ સરખી છે..."

કહીને મેં તેના નિતંબો પર હાથ ફેરવ્યો.તે બોલી, "મસ્તી નહિ... અને ચા ક્યાં છે? તને ખબર છે કે મને તો ચા જ જોઈએ.. "

"કાલની તને ખબર છે, કેમ લાવી નહિ? હમણાં કોફીથી ચલાવ, હું હમણાં નીચે લેવા નહિ જાઉં."

નાસ્તો કરતા કરતા મેં અંજનને ફોન કર્યો, "મને ક્રિશાના ઈયર રિંગ્સ પાછા જોઈએ... ગમે તેટલા પૈસા આપવા પડે પણ મને તે જ પાછા જોઈએ ... આ વાંદરી વેચી આવી છે, તેને પૂછ કે કોને અને કેટલામાં વેચ્યા છે.." કહીને મેં ક્રિશાને ફોન પકડાવી દીધો. ક્રિશા ફોન લઈને બેડરૂમમાં ગઈ, ને જાણે શું વાતો કરી આવી. બહાર આવીને મને ફરી ફોન આપ્યો, તો અંજને કહ્યું "મને તો આ વાતની કઈ ખબર જ નહોતી, જાડીએ મને પૈસા આપ્યા હતા ને કહ્યું હતું કે મારી પાસે છે, તેમાંથી હોટેલ અને ટિકિટ વગેરે કરાવી આપ... પણ તું ચિંતા ના કર, મેં બધી માહિતી લઇ લીધી છે, કલાકમાં જ હું તેના ઈયરરિંગ્સ પાછા ખરીદી લાવું છું."

હવે મારા દિલ પરથી કઈંક વજન ઓછો થયો હોય તેવું સારું લાગતું હતું.

ક્રિશાની આંખમાં આંસુ હતા, "કેમ રડે છે?"

"કશું નહિ..."

"તું ખુબ પસ્તાવાની છે, આ તો શરૂઆત છે, પુરી જિંદગી રડતી જ રહેવાની છે, તું...."

"તું મારી ચિંતા ના કર..." કહીને તેણે આંખો લૂછી, ને બોલી "અહીંની હોસ્પિટલો કેટલા વાગ્યે ખુલે છે? કોઈ સારી હોસ્પિટલમાં આપણને જવું છે."

"ના, હું નહિ આવું."

"પાગલ છે? આપણે કોઈ સારા ડોક્ટરને મળીને તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરવી છે."

"જઈશું..મને કોઈ તકલિફ જેવું લાગશે ત્યારે જઈશું, હમણાં મને કશું તો થતું નથી."

"ના, ના, ના... હમણાં જ...મોડું થાય એમ એમ...ના, ના, અમુક સ્ટેજ પાર કરી જાય એમ...ના આજે જ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ." ક્રિશા અસંબદ્ધ અને અધૂરા વાક્યો બોલતી હતી, ટૂંકમાં તે તાત્કાલિક મારી સારવાર ચાલુ થાય એમ ઇચ્છતી હતી.

"તું કહે એમ, પણ થોડા દિવસ પછી જઈશું. ત્યાં સુધી હું બધું સેટ કરી લઉં અને બધું સમેટી લઉં. કદાચ પછી મને સમય જ ના આપે ને ડિપોર્ટ કરી દે તો??"

"આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ."

"પ્રાઇવેટનો પણ ભરોસો ન કરી શકાય, તે લોકો પણ પોઝિટિવ પેશન્ટનો રિપોર્ટ જો હેલ્થ મિનિસ્ટ્રીને આપી દે તો? એટલે પૂરતી તૈયારી કર્યા પછી જ જઈશું."

ક્રિશા કશું બોલી નહિ, તે કઈંક વિચારમાં હતી. મેં કહ્યું "ચાલ, તું ઓફિસે આવે છે ને? આજે તો બસ કલાકમાં જ કામ પતિ જાય એવું છે, પછી આખો દિવસ આપણે ફરીશું."

"ના, તું કામ પતાવીને ઘેરે જ આવ, ત્યાં સુધી હું થોડી સફાઈ અને ઘર વ્યવસ્થિત કરી લઉં. અને નીચેથી થોડી ખરીદી પણ કરી આવું."

"ક્રિશા, તું અંજન કે મમ્મીને કહેવાની છે?"

"ના, હમણાં કશું નહિ,તું જલ્દી આવ. અને તું પણ ફોન પર અંજન કે મમ્મી સામે કશું ભચડી ના મારતો."

"સાવચેતીથી ફરજે, વધારે દૂર જતી નહિ, અને ભૂલી પડી જાય તો ઘરનું એડ્રેસ કહીને ટેક્સી પકડી લેજે."

"તું મારી ચિંતા ના કર, મહિના પછી તો હું તને દુબઇ ફેરવીશ.."

હું ઓફિસ પહોંચ્યો. હવે મારુ કઈ ચાલવાનું નથી. ક્રિશા મને નહિ છોડે... હું ક્રિશા સામે હાથ ઊંચા કરીને સરેન્ડર થઇ ગયો હતો. તે મારા માટે બહુ મોટો ત્યાગ કરતી હતી. મારી બધી જ મર્યાદાઓ ને સ્વીકારીને તે મને ચાહતી હતી. આવા ફટકેલાં દિમાગની બીજી કેટલી હશે? હોય જ નહિ, ક્રિશા એક માત્ર જ હતી...

જલ્દી જલ્દી જરૂરી કામો પતાવીને ઘેર ગયો, તો ક્રિશા ઘરમાં નહોતી. શોપિંગ કરવા ગઈ હશે, ફોન કરીને કહી દઉં કે જલ્દી આવ, હું ઘેર આવી ગયો છું, પણ તેના ફોનની રિંગ મને બેડરૂમમાંથી સંભળાઈ..સાલી ફોન પણ ઘેરે મૂકીને ગઈ??

હજુ કેમ આવી નહિ? પંદર મિનિટમાં તો મને કલાકો વીતી ગયા હોય તેવું લાગ્યું. હવે મને ચિંતા થવા લાગી ને તેના પર ગુસ્સો પણ આવવા લાગ્યો. હું નીચે આવ્યો ને આજુ-બાજુની દરેક ગ્રોસરી શોપ, સુપર માર્કેટમાં ફરી વળ્યો, ક્યાંય ક્રિશા મળી નહિ, હવે મારા ગુસ્સાની જગ્યા ડર એ લીધી, ક્યાં હશે? અજાણ્યું શહેર..જોકે આમ તો જરાય વાંધો નથી, ખૂબ જ સેફ છે, તો પણ....? પોલીસમાં કંમ્પ્લેઇન કરું? ના પહેલા એકવાર ઘેરે જોઈ આવું.. ઘેરે કેમ જાઉં, લેન્ડ લાઈન પર ફોન કર્યો, ઘેરે.. રિંગ વાગતી રહી, કટ કરવા જ જતો હતો ને ક્રિશાએ ફોન લીધો, હાશ... હવે શાંતિ થઇ. "ભેંસ, ક્યાં ચરવા ગઈ હતી?"

"તને કહ્યું તો હતું કે ઘરની શોપિંગ કરવી છે."

"હા પણ કેટલી વાર? ને ફોન કેમ ભૂલીને જાય છે? હું અહીં ગાંડાની જેમ તને શોધવા દર દર ભટકી રહ્યો છું."

"ક્યાં કેટલીવાર? અડધો કલાક પણ નથી થયો.. ને એટલીવારમાં તો શોધવા પણ નીકળી પડ્યો? ચાલ હવે ઉપર આવ."

હું ઉપર આવ્યો તો તે દરવાજો ખોલી ને જ ઉભી હતી. હું તેને દરવાજેથી ઊંચકીને જ અંદર ગયો, તે બોલી "સોરી...મને નીચે જ યાદ આવ્યું કે ફોન ભૂલી આવી છું, પણ કંટાળો આવ્યો કે પાછું ઉપર કોણ જાય??પંદર-વિસ મિનિટનું તો કામ છે."

"હવેથી ફોન લીધા વગર કશે જઈશ નહિ, અરે તારે કશે જવાનું જ નથી, પાંજરા પોલવાળા ક્યાંક તને પકડી જશે તો મારુ શું થશે? ચાલ તૈયાર છે ને? આપણે રખડવા જઈએ."

તે મારે ગાલે કિસ કરીને નીચે ઉતરી, ને બોલી "ઈશુ, મેં નક્કી કરી લીધું છે, કાલે જ આપણે હોસ્પિટલ જઈશું."

"સવારે તો વાત થઇ, ફરી પાછું શું ભૂત ચઢ્યું?"

"ના, બસ ખલાસ.. કાલે એટલે કાલે જ.. "

હું વિચારમાં પડ્યો, ભલે મારુ ગમે તે થાય પણ મારે ક્રિશાની વાત ટાળવી નહોતી, "સારું, પણ મને પ્રોમિસ કર કે મને કસ્ટડીમાં લે કે તરત જ તું પહેલી ફલાઇટ પકડીને ઇન્ડિયા જતી રહીશ... મારી કે અહીં બીજા કશાની પણ ચિંતા નહિ કરે, હું મારી રીતે બધું ગોઠવીને આવી જઈશ. જતી રહીશ ને?"

"હા, પણ મને ખાતરી છે કે એવું કશું નહિ થાય, અને થશે તો પણ હું બધું સાંભળી લઈશ, તું જરાય ચિંતા ના કર.. કસ્ટડીમાં લેશે એટલે? તું કઈ ખૂની નથી, તને હોસ્પિટલમાં રાખશે.. હું તારી સાથે જ રહીશ અને તું જેમ કહીશ તેમ બધું તારું કામ, અને બધું સમેટીસ, આપણને કશું જોઈતું નથી, ભલે બધું અહીં નું અહીં જ રહે, પણ આપણે ઘેરે જતા રહીએ બસ...."

"ભલે, તું કહે એમ..એપોઇન્ટમેન્ટ લેવી પડશે." કહીને મેં લીલીને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લેવાની સૂચના આપી. પછી ક્રિશા બોલી "અહીં કોઈ મંદિર છે?"

"હા છે, કેમ?"

"મારો વિચાર છે કે હોસ્પિટલ જતા પહેલા આપણે મંદિર જઈને લગન કરી લઈએ..."

મારી આત્મા સુધ્ધાં કંપી ઉઠી., હું હજુ પણ ક્રિશા માટે રસ્તો ખુલ્લો રાખવા માંગતો હતો. તે મારી સાથે કુવામાં તો ઉતરી હતી, પણ ઉપર જવા માટેની રસ્સી પણ કાપી નાખવા માંગતી હતી. મારુ દિલ ભરાઈ આવ્યું. મારામાં એવું તો શું હતું? કે ક્રિશા જ અનન્ય હતી....તે મારી સીધી વાત નહિ માને, એટલે હું મારી સ્ટાઈલથી હસતા હસતા બોલ્યો "લગન? લગનમાં હવે શું બાકી રહ્યું છે? ને તને, અરે આપણને એવા ફોર્મલ સર્ટિફિકેટની જરૂર છે? ને છતાં પણ તું કહીશ તો ઇન્ડિયા જઈને તારા બાપનું દહેજ લેવા માટે ધામ-ધુમથી લગન કરીશું." કહીને મેં તેનો ગાલ થપથપાવ્યો. તે ગંભીર હતી ને મને તાકી રહી હતી, બોલી "હું સમજી ગઈ, અને તારી આ વાત જ મને ગમે છે...ખૈર તારી મરજી, ઇન્ડિયા જઈને લગન કરીશું, બસ?"

કાલે કદાચ મારો છેલ્લો દિવસ હતો દુબઈમાં.. એટલે આજે જ તેને મન ભરીને માણી લેવું, જોઈ લેવું હતું. અને આજે તો ક્રિશા પણ મારી સાથે હતી. પણ ક્રિશા નો ફરવાનો મૂડ નહોતો, તે મને બીચ પર લાવી, અને બીચ પર જ અમે દિવસ પસાર કર્યો. તે ખોવાયેલી અને જાણે શું વિચારોમાં હતી. તે મારો હાથ છોડતી નહોતી, અને ઘણીવાર અચાનક તે મારા હાથ પર ભીંસ વધારી દેતી, સખત પકડી લેતી. મેં કહ્યું "ક્રિશા, હજુ પણ કહું છું કે શાંતિથી વિચાર, અને જો તું મને છોડી જઈશ તો હું મને દુનિયાનો સૌથી ખુશનસીબ માનીશ.."

"હવે એ વાત જ ના જોઈએ, હું તો વિચારતી હતી કે ચાર બાળકો એક સાથે જ લાવીશું, અને બે છોકરી અને બે છોકરા હશે, શું કહે છે તું?"

જે કઈ થયું તે માટે મને જરાય પસ્તાવો થતો નથી, અને તેની જવાબદારી, તે માટેનો જવાબદાર હું અને માત્ર હું જ છું. અને તેના પરિણામ પણ હું જ ભોગવીશ.. મને ક્રિશાને જોઈને અપરાધભાવ થતો હતો. તેની સામે જોતો ને હું મારી જાતને અસહાય, વિવશ, લાચાર...અનુભવતો હતો

રાતે બેડ પર તે ઉંધી સૂતી હતી, તે કોણીઓ બેડ પર અને મોઢું હથેળી પર ટેકવીને મને જોતા બોલી "શું તાકે છે?"

"ક્રિશલી, તું કયા પ્રકારની છે? તને શું મળશે? મને ખાતરી છે કે મારા કરતા દસ ગણો સારો તને મળશે, અને આમેય હું તારા ઘરવાળાઓ ને તો પસંદ પણ નથી..."

"તું પણ કયા પ્રકારનો છે? વાતનો પીછો છોડને....સાલા પાંચસો માણસો તને સર, સર કહીને બોલાવે છે, ને તને ઈજ્જત આપે છે, બાકી મને તો એવી કોઈ બોસ જેવી ક્વોલિટી તારામાં જોવાતી નથી, તારી વાતો તો બાયલાઓ જેવી છે... તું મારી મમ્મી સાથે કેમ બોલતો નથી?"

"શું બોલું? કશું કામ હોય તો બોલું જ છું ને... તને ખબર છે, મને ડાહી ડાહી, ડિપ્લોમેટિક વાતો કરતા નથી આવડતું. અને તું વાતો કરતી જ હોઈશને..."

"તારી મમ્મી કહી આવી છે કે ક્રિશા હવે નહિ આવે, ત્યાં જ લગન કરીને રહી જશે... એટલે તેને મારી ચિંતા છે, અને તેને લાગે છે કે તમે લોકોએ મળીને મને કૈંક કરી દીધું છે, એટલે વાત કરી લે તો સારું."

"સાલી, તું એ અમને કૈંક કરી દીધું છે.." કહીને હું ફોનમાં તેની માં નું નામ શોધીને ફોન લગાડ્યો. તે બોલી "મમ્મી કહીને વાત કરજે."

મેં તેને ઇશારાથી ચૂપ રહેવાનું કહ્યું, ને બોલ્યો "કેમ છો?"

"ક્રિશાને આજે જ મોકલી આપો, વાત સાંભળી છે કે તમે ત્યાં જ લગન કરવાના છો?"

"ના આંટી, હજુ એવું કશું વિચાર્યું નથી, અને કરી લઈએ તો પણ ખોટું શું છે? અહીં કે ત્યાં, લગન જ કરવા છે ને? તમે જરાય ચિંતા ના કરો, ક્રિશાની મરજી મુજબ જ બધું થશે. તે કોઈનું કશું ચાલવા દે એવી છે? અને તમને ય અહીં આવું હોય ત્યારે આવી શકો છો, મને કહેજો હું બધી વ્યવસ્થા કરી આપીશ." કહીને મેં ફોન કાપ્યો. ને ક્રિશાને કહ્યું "બસ? ખુશ?"

તે હસીને બોલી "ખાક ખુશ? તું કઈ રીતે કંપની હેન્ડલ કરે છે? તને પ્યારથી વાત કરતા ક્યારે આવડશે? બિચારીનું ટેંશન, દીકરી માટેની ચિંતા ઘટવાને બદલે વધી ગઈ હશે.. ને કાલે ડોક્ટર સામે પણ કશું જ બોલતો નહિ, હું જ વાત કરીશ, સમજ્યો?" કહીને તે મારા ઉપર, મને દબાવીને સુઈ ગઈ.

મેં બોલ્યો "મારા ડેથ સર્ટિફિકેટમાં ડોક્ટર મોતનું શું કારણ લખશે તે મને ખબર છે."

"એમ? શું લખશે?"

"ભેંસ ની નીચે ચગદાવા થી હૃદય બંધ પડી ગયું...."

"મેં એક બાબાના પ્રવચનમાં સાંભળ્યું હતું કે પાપીઓ જલ્દી મરતા નથી. અને ઈશુ, મને તારી કંપનીમાં નોકરી આપી દે ને..."

"ના."

"કેમ?"

"અમારી કંપની સામટી, વરસમાં એકવાર ચેરિટી કરે જ છે...."

***

લીલીએ અગિયાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ લઇ લીધી હતી.સવારે દસ વાગ્યે અમે હોસ્પિટલ જવા નીકળ્યા. ડોક્ટર અમેરિકન હતો. ક્રિશાએ જ બધી વાત કરી અને રિપોર્ટ બતાવ્યો. ડોક્ટરે મને સેંકડો સવાલ પૂછ્યા, અને કપડાં કઢાવીને મને ઉલટાવી-પુલટાવીને તપાસ્યો.

છેલ્લે કહ્યું કે આપણે ટેસ્ટ કરીને સ્ટેજ, પ્રકાર વગેરે જાણી લઈએ પછી ટ્રીટમેન્ટ અને ડોઝ નક્કી કરીશું. અને અમને લેબમાં મોકલ્યા. ક્રિશા મને બહાર ઉભો રાખીને ફરી ડોક્ટર પાસે ગઈ, ને જાણે શું વાતો કરી આવી. મેં પૂછ્યું "કેમ પાછી ગઈ હતી?"

"વિનંતી કરવા કે હેલ્થ મિનિસ્ટ્રીને જાણ કરશો નહિ, તો ડોક્ટરે કહ્યું કે અમારો પોતાનો રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી અમે જાણ કરીશું નહિ. તો મેં ફરી વિનંતી કરી કે તમારો રિપોર્ટ આવે પછી પણ તેમને જણાવતા પહેલા અમને થોડો સમય આપજો, તો તે માની ગયો છે."

અમે બ્લડ આપીને ઘેર આવ્યા.

રિપોર્ટ કાલે મળવાનો હતો. હું માનસિક રીતે તૂટી ચુક્યો હતો, અને નંખાયેલો લાગતો હતો, મારી બીમારીને કારણે નહિ, પણ ક્રિશાને કારણે હું દુઃખી હતો... બસ હવે ક્રિશાને ઇન્ડિયા મોકલી આપું એટલી જ વાર.. મારે મરવું નથી, પણ ક્રિશાને સુખી કરવાનો એ જ એક રસ્તો છે...તેને માટે હું કરીશ જ... મારી પાછળ તે દસ-પંદર વરસ દુઃખી થાય તે હું જોઈ શકું નહિ. બસ, નિર્ણય લેવાઈ ચુક્યો હતો... સાલો મને બહુ જ ડર લાગે છે... ઇન્ટરનેટ પર સ્યુસાઇડ કરવાનો સહેલો રસ્તો સર્ચ કરીશ.... પણ તે પહેલા બધું આર્થિક ઇન્વેસ્ટમેન્ટ વગેરે ક્રિશાને કઈ રીતે મળે તે વિચારવું પડશે. જો હું શાદી કરી લઉં તો મારા મોત પછી કાયદેસર બધું મારી પત્ની, ક્રિશાને જ મળે, પણ હું તેના પર શાદીનો સિક્કો અને વિધવાનો સિક્કો મારવા માંગતો નથી. ઘણું વિચારવાનું છે, પણ તે પહેલા ક્રિશાને ઘેર મોકલી આપવી જરૂરી છે.

ધમ્મમ કરીને સોફા પર પડતું મૂક્યું. ક્રિશા બોટલ, ગ્લાસ, કાજુ, બરફ, બધું લઈને આવી અને મારી સામે બેઠી, ને ગ્લાસમાં મારી ફેવરિટ બ્લેક લેબલ કાઢી, બરફના બે ક્યુબ નાખ્યા ને મને આપીને બોલી "કોઈ પણ માણસ બીમારીથી નથી મરતો, પણ ડર, અને માનસિક રીતે હારી જાય છે, એટલે જ મરી જાય છે, બિલકુલ ડર કાઢી નાખ, તને કશું જ થયું નથી... અને દવાઓ છે જ ને.... કેટલું એડવાન્સ થઇ ગયું છે, અને થતું જ જાય છે."

પહેલીવાર ક્રિશા સાચી નહોતી... મને કોઈ જ ડર નહોતો કે હું હારી પણ નહોતો ગયો.. હા ડર હતો એટલો જ કે હું મરીશ કેવી રીતે? શુ કરીશ તો પીડા વગર અને જલ્દી જાન નીકળે? કોઈ સહેલામાં સહેલો રસ્તો વિચારવો હતો... મારુ દિમાગ બહેર માંરી ગયું હતું...કાલની વાત કાલે.. આજે તો બધું ભુલીને બેભાન થવું હતું.

મારે મમ્મીના અને ક્રિશાના ભવિષ્ય માટે ગોઠવણ કરવાની હતી... જોકે બધું જ હું ક્રિશાને આપી દઈશ તો પણ મમ્મીને જરાય તકલીફ નહિ પડે, કારણકે પપ્પા ઘણું મૂકી ગયા છે.

માથું ઝાટકીને બધાજ વિચારો કાઢી નાખ્યા. હું એસ્કેપિસ્ટ, પલાયનવાદી છું, છટકબારીઓ શોધીને ભાગતો રહું છું, કે જ્યાં સુધી કોઈ મને દીવાલ સરસોં ના ચાંપી દે... તે પછી જ, બધા ભાગવાના રસ્તા બંધ થયા પછી જ મારી ક્ષમતાઓ બહાર આવે છે ને હું પુરી તાકાતથી પ્રહાર કરું છું, લડી લઉં છું અને જીતુ પણ છું જ. મરવાનું તો છે જ, પણ તે પહેલા હું ભાગતો રહીશ અને કોઈપણ રીતે બચવાનો રસ્તો ઢૂંઢતો રહીશ. બસ, હવે કાલ ની વાત કાલે... આજે તો ભાન ગુમાવી દેવું છે. મારા દિલ પરથી વજન ઉતરી ગયું હોય એમ લાગ્યું, "તું પણ પી ને..."

"ના, મને તો બિયર જ સારો છે." કહીને તે ફ્રીઝ માંથી બિયર કેન લાવી.

"ભલે, પણ મને રોકીશ નહિ, આજે હું ભાન ગુમાવી બેસીશ ત્યાં સુધી પીશ.."

અને એમ જ થયું, હું ક્યારે ઢળી પડ્યો ને ક્યારે મને ક્રિશાએ બેડ પર સુવડાવ્યો, તે મને કશી જ ખબર નથી. રાત્રે ક્રિશાએ મને ઢંઢોળીને જમી લેવા માટે જગાડ્યો, પણ હું ના કહીને ફરી સુઈ ગયો. તેણે સવારે શું ખાધું હતું, કે હમણાં પણ શું ખાવાની હતી, તે પણ પૂછ્યું નહિ.

રાત્રે બે વાગ્યે આંખ ખુલી. ક્રિશા મારી તરફ પાસું ફેરવીને અને તેનો એક હાથ અને પગ મારા ઉપર નાખીને સૂતી હતી. હું ધીરેથી તેને ખલેલ ના પડે તેમ ઉઠ્યો, બાથરૂમ ગયો, ને બહાર આવીને બોટલમાં બચેલું બે પેગ જેટલું પ્રવાહી બોટલ મોઢે માંડીને પી ગયો, ને ફરી ક્રિશાને ભેટીને સુઈ ગયો.

સવારે જાગ્યો, મારી આંખો ને માથું ભારે અને વજનદાર લગતા હતા. કેટલા વાગી ગયા હતા? હવે હું બરાબર જાગ્યો હતો, આજુ-બાજુ જોયું ને અવાજ માર્યો "ક્રિષલીઇઇઇઇઇ ."

તે કિચનમાંથી બોલી "અહીં છું, ઉઠી ગયો? બાથરૂમ જઈ આવ, હું નાસ્તો લાવું છું."

હું બાથરૂમમાં ગયો, હજુ મારા પગ બરાબર પડતા નહોતા. બહાર આવ્યો તો ક્રિશા ટેબલ પર નાસ્તો મૂકીને ઉભી હતી. મેં કહ્યું "તારે નથી કરવો? ને કેમ તૈયાર થઈને ઉભી છે, ક્યાં જાય છે? કેટલા વાગ્યા છે?"

"મેં ખાઈ લીધું, સાડા દસ થઇ ગયા, કઈ ફિકર-ચિંતા જેવું છે કે નહિ? સારું થયું ઉઠી ગયો, નહીતો તને સૂતો મૂકીને જ જતી રહેવાની હતી."

"ઉઠાડવો જોઈએને..."

"પચાસવાર ઉઠાડ્યો, કેટલીવાર કહ્યું કે તારી ઔકાત જેટલું જ પીતો હોય તો??"

મેં હસીને બોલ્યો "મારી ઔકાત કરતા તો ઓછું જ પીધું હતું, પણ તને કેલ્ક્યુલેટ નહોતી કરી, એટલે નશો ડબલ થઇ ગયો."

"ચાલ ચાંપલા, હું જાઉં છું."

"ક્યાં જાય છે?"

"રિપોર્ટ લઈને આવું છું, તું ઘરમાં જ રહેજે."

"થોભ હું પણ આવું છું, તું એકલી ના જઈશ."

"ના, તારી જરૂર નથી, હું ટેક્સીમાં જાઉં છું."

"હા તો ટેક્સી સુધી તો આવું ને..."

"બેસી રહે ને યાર...કઈ પડી-બડી જઈશ તો મારી ઈજ્જત જશે."

"ફોન લીધો? જલ્દી આવજે. ટેક્સી છોડીશ નહિ, અફઘાની ની ટેક્સી જ રોકજે."

"હોવે, પહેલા ટેક્સીવાળાની પાસપોર્ટ જોઇશ, પછી બેસીશ, બસ? પીધેલાઓના જ્ઞાનને કોઈ ના પહોંચે...હાંફળો-ફાંફળો થતો નહિ, હું ખોવાવાની નથી કે મને કોઈ ખાઈ જવાનું નથી." કહીને તે મારા ગાલ પર ટપલી મારી ને નીકળી ગઈ.

બે કલાક જેવા તો થશે જ.. શેવિંગ કરી, શોવર લીધું, ને ઓફિસ અને સાઈટ પર થોડા ફોન કર્યા. તૈયાર થયો ને નીચે આંટો મારી આવ્યો. ટીવી ઓન કરીને સોફા પર બેઠો. હજુ મારુ માથું ભારે હતું. હવે શું બની શકે અને મારે શું કરવું તે વિચારવું હતું. ગમે તેમ કરીને મારે ઓછામાં ઓછું અઠવાડિયું તો જોઈશે જ, બધું સેટલ કરવા માટે... મારી કંપનીના લીગલ એડ્વાઇસરને ફોન કર્યો, પણ તેને આ કાયદાઓ વિષે વધારે જ્ઞાન નહોતું, પણ તેણે ફોન ચાલુ રાખી ને જ બીજા વકીલ ની સલાહ લીધી, પછી મને કહ્યું કે આપણે દર્દીને વીક કે દસ દિવસ માટે ટાઈમ આપવા માટે નો ઓર્ડર લાવી શકીશું, પણ દર્દીને ઘેર કે છૂટો નહિ રાખે, તેને ઇન્ફેક્શન ડીસીસ હોસ્પિટલમાં ભરતી થઈને ત્યાંથી જ બધા આર્થિક, સામાજિક કે સરકારી કામો પુરા કરવા પડશે. બસ મને એટલું જ જોઈતું હતું.

બે કલાક થવા આવ્યા, કેમ ક્રિશા આવી નહિ? ફોન કરું? સાલી જાડી ગુસ્સે થશે...થોડી વાટ જોઉં...

ના હવે ભલે ગુસ્સે થાય, આટલો સમય તો લાગે જ નહિ, ફોન કર્યો, તે બોલી "બોલ"

"બોલ શું? કેટલીવાર?"

"બેઠી છું, વાર લાગશે."

"કેમ? એવું બને જ નહિ, તેમના આપેલા ટાઈમ કરતા તું મોડી પહોંચી છે, આ કઈ આપણું ઇન્ડિયા છે? તું બધાને ખખડાવી નાખ..."

"એ સારું, તારી સલાહ લઈશ..." કહીને ફોન કાપી નાખ્યો. તરત જ ડોરબેલ વાગી, રાજુ જ હશે, બારણું ખોલ્યું તો સામે ક્રિશા ઉભી હતી, તે કૂદીને મારા ગળે ટીંગાઈ ગઈ ને મને ચૂમવા લાગી, તેના હાથમાં એન્વેલોપ હતું, મેં તેને ઊંચકીને અંદર લાવ્યો, તેણે એન્વેલોપ મારા હાથમાં પકડાવી દીધું, ને બોલી "જો"

"શું છે?"

"નેગેટિવ છે..."

"શુઉઉ.. ?"

"હા, તને કશું જ થયું નથી..."

મને વિશ્વાસ થયો નહિ, તે હજુ મારી કમરમાં બે પગની આંટી મારીને ઊંચકાયેલી જ હતી. મેં રિપોર્ટ જોઈ ને તેની તરફ જોયું, તે હસ્તી હતી, પણ તેની આંખમાંથી આંસુના રેલા દડતાં હતા. મેં તેના હોંઠ ચુમ્યા, તે હસતા બોલી "પરમ દિવસે મેં તને કહ્યું હતું કે હોસ્પિટલ જતા પહેલા ચાલ લગન કરી લઈએ, પણ તું માન્યો નહિ, હવે મારો વિચાર બદલાયો છે, ઘણું વિચાર્યા પછી મને પણ લાગ્યું કે તું સાચું જ કહેતો હતો, તું મારે લાયક નથી, મને તારા કરતા પણ સારો મળી શકે છે... હું તારી સાથે લગન નહિ કરું.."

"સાલી ભેંસ.. કોઈની તાકાત નથી કે મને તારી સાથે લગન કરતા રોકી શકે, તું પણ નહિ.... "

કહીને તેને બેડરૂમમાં લાવીને બેડ પર પટકી. તે હસતી હસતી ઉઠી ને બહાર દોડવા ગઈ, તો મેં તેને કમરેથી પકડીને ફરી બેડ પર સુવડાવી દીધી...ને મારો દુશ્મન ફોન વાગ્યો...અંજન હતો.."સાલા ફોન બંધ કર, શરમ નથી આવતી? આજે અમે સુહાગ દિન મનાવી રહ્યા છે... અને ત્રણ દિવસ પછી અમારા લગન છે, આવવું હોય તો મારી ડોહીને લઇ ને આવી જા.....

સમાપ્ત.