Chokdi in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | ચોકડી

Featured Books
Categories
Share

ચોકડી

[૧૧]

ચોકડી

જયેશભાઈ માટે ડૉ. ભાવસારના દવાખાનાનો સ્પેશ્યલ રૂમ જાણે કે પોતાનો દીવાનખંડ બની ગયો હતો. કુટુંબનાં સભ્યો, સગાં, મિત્રો, નાસ્તો, જમણ, મુખવાસ, વાતો વગેરેની અહીં પણ હાજરી રહેતી હતી. જયેશભાઈને આ બધાંની હાજરી ગમતી હતી. એમનું માનવું હતું કે, આ બધું ન હોય તો નરકમાં અને દવાખાનામાં ફેર શો?

જયેશભાઈને ત્રણ દિવસ પહેલાં ખૂબ જ ગભરામણ થઈ ગઈ હતી. બ્લડ પ્રેશર વધી ગયું હોવાની બીક લાગી હતી. ડૉ.ભાવસારને તબિયત બતાવવા પહોંચ્યા તો એમણે દાખલ થઈ જવાની સલાહ આપી હતી.

ત્રણ દિવસની સારવારે જયેશભાઈને હરતાફરતા અને વાતો કરતા કરી દીધા હતા. ખબર કાઢનારાંની અવરજવર એટલી બધી રહેતી હતી કે, એમનાં પત્ની સરલાબહેન સાથે વાતો કરવાનો મોકો પણ મળતો નહોતો.

એવો મોકો મળ્યો ત્યારે...

‘શું લાગે છે?કાલે રજા આપી દેશે?’ સરલાબહેને પૂછ્યું.

‘એવું લાગે તો છે. રજા આપે તો ભલે, બાકી આપણે ઉતાવળ નથી કરવી.’ જયેશભાઈએ નિરાંત દાખવી.

‘ઘેર આવી સારવાર થાય નહિ. દવા પણ સમયસર ન લેવાય. ત્રણ દિવસમાં તો કેટલો ફેર પડી ગયો!’

‘પડી જ જાયને. લોકો અમસ્તા દાખલ થતા હશે.?’

‘પણ ડૉક્ટરે નિદાન શું કર્યું? બીપી વધી ગયું હતું?’

‘ખાસ નહોતું વધ્યું.પણ ડૉકટરે કહ્યું કે, સમયસર દવાખાને આવી ગયા એ સારુ કર્યું.’

‘હમણાં તો પેટ સાફ કરવાની દવા આપી છે ને?’

‘હા સાલું પેટ બહુ વધી ગયું હતું.’

‘મને તો લાગે જ છે કે, તમને ગેસને લીધે જ ગભરામણ થઈ હશે.’

‘જે હોય તે. આપણે ગફલતમાં નહિ રહેવાનું.’

‘ખરી વાત છે. અહીં આવ્યા તો શંકા નીકળી ગઈને? બાજુવાળા મનુભાઈનું કેવું થયું? ગેસ ટ્રબલ માનીને ઘરે બેસી રહ્યા. પણ હતો હાર્ટએટેક! જો તરત જ દવાખાના ભેગા થયા હોત તો બચી જાત.’

‘તબિયતનું ક્યારે શું થાય તે નક્કી નહિ. સાવચેત રહેવું સારું.’

‘ત્રણ દિવસમાં તો ઘણાંખરાં ખબર કાઢી ગયાં.’

‘આપણા સર્કલમાંથી તો કોઈ બાકી રહ્યું હોય એમ લાગતું નથી. જો ને...’.

ગણતરી થઈ.નામ લેવાયાં. કુટુંબ ખાતે માત્ર દલસુખ જ બાકી રહ્યો હતો.

‘બિચારાને ખબર જ નહિ હોય.’ જયેશભાઈ શંકાનો લાભ આપતા હોય તેમ બોલ્યા.

‘ન કેમ હોય?મામાને મળ્યો’તો અને મામાએ એને વાત પણ કરી છે.’

‘ખબર પડી તોય ન આવ્યો? ટાઇમ નહિ મળ્યો હોય.’

‘એને તો ટાઇમ હોય જ ને? સરકારી નોકરી છે. ને ટાઇમ ન હોય તોય કાઢવો પડે. આપણે કોઈને કહેડાવ્યું’તું? પણ જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ બધાં સગાં આવતાં ગયાં કે નહિ?’

‘દલસુખ તો ઠેકાણાં વગરનો છે, એને તો વહેવારમાં રહેતાંય આવડતું નથી.’

જયેશભાઇને સારું ન લાગ્યું. કુટુંબ ખાતે એક માત્ર દલસુખ જ ખબર કાઢવા નહોતો આવ્યો. ટકાવારીને માર પડ્યો હતો!

જયેશભાઈએ મનને મનાવ્યું કે: ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું? ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને? ત્રીજી પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને? આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને?’

‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો.

‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ?’

‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’

‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’

‘હા, વળી. એના નામ પર ચોકડી જ મારી દેવાની. એને ટાઇમ ન મળતો હોય તો આપણે ક્યાં નવરાં બેઠાં છીએ? બીમારી તો બધાંનો વારો કાઢે. આજે આપણો તો કાલે એનો.’

‘આપણે તો પહોંચી વળીએ. પણ, દલસુખને તો રડતાં જ નહિ આવડે.’

જયેશભાઈને ધોળા દિવસનું સપનું આવ્યું.

સપનામાં જોયું તો, દલસુખ સરકારી દવાખાનાના જનરલ વૉર્ડમાં પથારીવશ થઈને પડ્યો પડ્યો કણસતો હતો. પોતાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

રડતાં રડતાં દલસુખે ફરિયાદ કરી: ‘જયેશભાઈ, અઠવાડિયાથી તરફડું છું. કોઈ સગુંવહાલું સામું જોવાય નથી આવ્યું. બીજાં તો ઠીક પણ તમેય..’

‘હું ય આવવાનો નહોતો. પણ મને થયું કે ચાલ, જઈ આવું. મારાથી કાઈ તારાં જેવું થવાય છે?’ પોતે સાચવીને રાખેલું તીર મોકો જોઈને છોડ્યું.

‘એમ કેમ બોલો છો? જયેશભાઈ, મારી કોઈ ભૂલ?’

‘ભૂલી ગયો? હું ભાવસાર સાહેબના દવાખાનામાં દાખલ થયો’તો. આખું કુટુંબ ખબર કાઢી ગયું’તુ. પણ તુ ડોકાવાય નહોતો આવ્યો.’

પછી તો દલlસુખની દશા જોવા જેવી થઈ ગઈ. હાથ જોડી ગયો. હૈયે ટાઢક વળી ગઈ. પોતે આશ્વાસન આપ્યું. ‘દલસુખ, અમે તારાં છીએ તે મટી નથી જવાનાં. પણ એક વાત યાદ રાખજે કે, જેવું વાવીએ તેવું લણીએ. આપણે કોઈને ત્યાં દોડીને ગયા હોઈએ તો કોઈ આપણે ત્યાં દોડીને આવે.’

પોતાની વાત પર મંજૂરીની મહોર મારતાં હોય એમ બીજાં દર્દીઓ, હાથ ઊંચા કરી કરીને કહેવા લાગ્યાં: ‘વાત સાચી છે. શેઠની વાત સાવ સાચી છે’

ડૉકટર અને નર્સ પણ પણ પોતાની તરફ અહોભાવથી જોઈ રહ્યાં.

સુખની આવી ક્ષણે જ જયેશભાઈનું ધોળા દિવસનું સપનું તૂટી ગયું! ડૉક્ટર ભાવસાર વિઝિટ માટે આવ્યા હતા.

‘કેમ લાગે છે હવે?’ ડૉક્ટરે પૂછ્યું.

‘સારું છે.’ જયેશભાઈએ જવાબ આપ્યો.

‘ખરેખર સારું લાગે છે? કે પછી ઘેર જવાની ઉતાવળ છે?’ ડૉક્ટરે હસતાં હસતાં પૂછ્યું.

‘ના સાહેબ. ખરેખર સારું છે. તમારી દવા બરાબર લાગુ પડી ગઈ છે.’

ડૉક્ટરે જયેશભાઇને તપાસ્યા પછી ચિંતા ન કરવાનુ કહ્યુ. બે દિવસ વધારે રોકાવાની સલાહ પણ આપી.

***

જયેશભાઈ દવાખાનેથી ઘેર આવી ગયા પછી ખબર કાઢનારાંનો બીજો દોર શરૂ થયો. જે લોકો દવાખાને નહોતા પહોંચી શક્યા એ લોકો પણ જયેશભાઈની બીમારી વાસી થઈ જાય તે પહેલાં ઘેર પહોંચવા લાગ્યાં.ખબર કાઢનારાંને ખરાબ ન લાગે તે કારણથી,જયેશભાઈએ થોડા દિવસ માટે દુકાને જવાનું બંધ રાખ્યું.

પરંતુ, દલસુખ હજી પણ ખબર કાઢવા આવ્યો નહોતો.

‘દલસુખ દેખાયો કે નહિ?’ સરલાબહેન અવારનવાર પૂછી લેતાં.

‘એ દેખાતો હોય?’ જયેશભાઈ કટાયેલા સ્વરમાં જવાબ આપીને, પરાણે દેવું ચૂકવતા હોય તેવું હસી લેતા.

પછી દલસુખની વાતો થતી. જેવી કે: ‘એ નાનપણથી જ અતડો હતો. છાત્રાલયમાં રહીને ભણ્યો. નસીબે સરકારી નોકરી મળી ગઈ. ઠેકાણું પણ સારું મળી ગયું. સુખી છે, પણ વહેવારમાં સાવ કાચો.’

દરેક વખતે વાતને અંતે નક્કી કરવામાં આવતું કે, ‘હવેથી એનું નામ જ લેવાનું નહિ. એના નામ પર ચોકડી જ મારો.’

... એક દિવસે દલસુખ જયેશભાઈની દુકાને દેખાયો! એ બાજુ કોઈ કામે નીકળ્યો હતો.

જયેશભાઇને થયું કે, ‘હાશ! માંડ મોકો હાથમાં આવ્યો છે. આજે સાલાને બરાબરનું સંભળાવી દઉં.’

‘કેમ છો?’... ‘મજામાં.’ ... જેવાં રસહીન વાક્યોની આપલે થઈ.

જયેશભાઈને મનમાં હતું કે, ‘દલસુખ હમણાં મારી તબિયતનાં ખબર પૂછશે.’

પરંતુ દલસુખ તો જવા લાગ્યો!

જયેશભાઈએ જ કહેવું પડ્યું: ‘મારી તબિયત બગડી ગઈ’તી, એ વાતની ખબર પડી’તીને?’

‘ક્યારે?’ દલસુખ ઊભો રહી ગયો.

‘બે મહિના થઈ ગયા..ભાવસાર સાહેબના દવાખાનામાં પાંચેક દિવસ રહેવું પડ્યું’તુ.’

‘હા!, હા!... મને મામાએ વાત કરી હતી. એ વખતે હું મારા મુન્નાના અડ્મિશન માટે દોડધામમાં હતો. પછી તો તમને સારું થઈ ગયું અને રજા મળી ગઈ, એ ખબર પણ મામાએ જ આપી હતી.’

‘રજા મળી ગઈ તો શું થયું? ખબર કાઢવા ઘેર ન અવાય?’ જયેશભાઈ છંછેડાયા.

‘આવવું તો હતું જ. પણ ત્યાં તો મારે જ દવાખાનામાં દાખલ થવું પડ્યું.’

‘કેમ? તને વળી શું થયું?’

‘મારે અપેન્ડિક્સનું ઑપરેશન કરાવવું પડ્યું.’

‘કયા દવાખાને કરાવ્યું?’

‘સરકારી દવાખાનામાં. અઠવાડિયું આરામ પણ કરવો પડ્યો.’

‘અમને ખબર ન અપાય?’

‘એવું છે ને જયેશભાઈ, આપણે દૂર દૂર રહીએ એટલે તમને તકલીફ આપવાનું ઠીક ન લાગ્યું. એવી જરૂર પણ ન લાગી. પાડોશી સારાં છે. એ લોકોએ ઘણી મદદ કરી.’

‘પાડોશી એ પાડોશી અને સગાં એ સગાં. જેવી તારી મરજી. ખબર કાઢવાનો મોકો પણ ન આપ્યો.’

દલસુખ થોડી વાર માટે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો: ‘દવાખાનામાં બધાં ખબર કાઢવા આવે તો આવનારને અને બીજાં દર્દીઓને પણ તકલીફ થાય એટલે મેં કોઈને કહેડાવ્યું જ નહોતું.’

‘ખબર કાઢવા તો આવેને? ભલા માણસ! કુટુંબ કોને કહેવાય? હું બીમાર પડ્યો’તો ત્યારે દવાખાનામાં માણસો માતાં નહોતાં.’

દલસુખ કશું બોલ્યો નહિ. જયેશભાઈની વાત એના મગજમાં બેઠી નહિ. એ રજા લઈને ત્યાંથી નીકળી ગયો.

જયેશભાઇને બીજો ઘા લાગ્યો. એ ઘામાં બળતરા થવા લાગી કે, ‘સાલો બીમાર પડ્યો અને દવાખાનામાં દાખલ થયો તોય ખબર ન આપી. મોટો પાડોશીવાળો થઈ ગયો છે! મારી તો એને જરૂર જ નથી. ઠીક છે. પાડોશી કાંઈ દરવખતે ઊભાં નહિ રહે. ક્યારેક તો અમારી પણ જરૂર પડશેને? ત્યારે ખબર પડશે કે, કેટલી વીસે સો થાય છે!’

જયેશભાઈનું દલસુખને તરફડતો જોવાનું સપનું સપનું જ રહી ગયું.

***

રાત્રે જયેશભાઈના દીવાનખંડમાં ટેલિવિઝન જરા શાંત પડ્યું કે એમણે દલસુખની વાત કાઢી: ‘આજે દલસુખ દુકાને આવ્યો’તો.’

‘આજે છેક? તમારી તબિયતનાં ખબર પૂછ્યાં કે નહિ?’ સરલાબહેને પૂછ્યું.

‘એ પૂછતો હોય? મેં સામેથી કહ્યું કે, મારી તબિયત બગડી હતી અને દવાખાને દાખલ થવું પડ્યું’તુ.’

‘કહેવું’તુ ને કે, તારી સિવાય બધાં ખબર કાઢી ગયાં.’

‘કહ્યુંને. એ છોકરાને સ્કૂલમાં દાખલ કરવાની દોડધામમાં હતો એટલે આવી ન શક્યો. હશે!’

‘હશે શું? દવાખાને ન અવાયું તો ઘેર તો આવવું જોઈએને? હવે એ બીમાર પડે તો આપણે એની ખબર કાઢવા જવું જ નહિ.’

‘તમને ખબર આપે તો તમે જાવને? એ બીમાર પડી ગયો ને સાજોય થઈ ગયો.’

‘શું થયું’તુ?’

‘એણે અપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યું.’

‘લે! આપણને કહેવડાવ્યું પણ નહિ?’

‘ઓછી ઉપાધિ. આપણને નિરાંત. હવે એ આપણી ખબર કાઢવા આવે એવી આશા રાખવાની જ નહિ, ને એની ખબર કાઢવાની આપણી જવાબદારી નહિ.’

‘એ બીમાર પડે તોય આપણને કહેડાવે નહિ તો એના નામ પર ચોકડી જ મરાય.’

‘હા. ચોકડી જ મારો એના નામ પર.’

... ડોરબેલના અવાજે વાત અટકાવી દીધી.

સરલાબહેને દરવાજો ખોલીને જોયું તો દલસુખ, એની પત્ની માલતી અને મુન્નો હતાં!

‘આવો’ સરલાબહેને આશ્ચર્ય અને આનંદ સાથે આવકારો આપ્યો.

દીવાનખંડની હવા ‘જય શ્રીકૃષ્ણ’ ના શબ્દોથી સુગંધિત થઈ ગઈ.

માલતી, સરલાબહેન અને જયેશભાઇને પગે લાગી. એ બોલી: ‘અમે ઘણા વખતથી આવું આવું કરતાં’તાં પણ અવાતું જ નહોતું. ભાઈની તબિયત કેમ છે હવે?’

‘સારી છે હો.’ સરલાબહેન બોલ્યાં. એમને પણ દલસુખની તબિયતનાં ખબર પૂછ્યાં

‘બેસો, હું પાણી લઈ આવું.’ સરલાબહેન રસોડા તરફ જવા લાગ્યાં.

‘તમે રહેવા દો ભાભી. હું લઈ આવું છું.’ માલતીએ એમને રોક્યાં.

‘સારું, એમ કર. તુ ક્યાં મહેમાન છે? પાણી પીવડાવીને બધાને તારા હાથની મજાની ચા પણ પીવડાવી દે.’

એક તરફ, એકબીજાં માટે ભેગી થયેલી વાતો થવા લાગી તો બીજી તરફ, જયેશભાઈના મનમાંથી, દલસુખના નામ પર મરાયેલી ચોકડી ભુસાવા લાગી!

[સમાપ્ત]