"The use of travelling is to regulate imagination by reality of thinking how things may be, to see them as they are"
- Samuel Johnson
કોઈ પણ પ્રવાસ હંમેશા આપણે કલ્પનાંથી વાસ્તવિકતા તરફ લઈ જતો હોય છે પણ એ પ્રવાસ પહેલાની કલ્પના કરોળિયાનાં જાળા માફક ગમે ત્યાં ફુરસદનાં ક્ષણે આકાર લઈ લેતી હોય છે અને ત્યાર પછી વાસ્તવિકતાની સાવરણી તેને મારવી પડે છે જેથી તેને દુર કરી શકાય. વાસ્તવિકતા એ હતી અમારે એટલે કે મારા બે સિનિયર અને હું એમ ત્રણ જણ મળીને એક આંતરાષ્ટ્રીય કક્ષાએ પેપર આપવાનું હતું જે લોઢાનાં ચણા ચાવવાં જેવું કામ હતું. લગભગ છ મહિના પહેલાથી અમને તૈયારી શરૂ કરી દેવી પડી હતી કેમ કે હવે માત્ર સ્ટેજ પર અમારું નામ અને યુનિવર્સિટીનું નામ નહીં બોલાય હવે તો અમારી નામ સાથે બોલાવાનું હતું ફ્રોમ ઈંડિયા.
અમને પૂરતી જાણકારી હતી કે અમે માત્ર ત્યાં ફરવા જવાનાં ન હતાં આથી કોલેજ સમય બાદ લગભગ લાયબ્રેરી પર લેપટોપ, ગુગલ અને બૂક્સ પર બે ત્રણ કલાક પસાર કરતાં અને લગભગ બે અઢી મહિના બાદ અમે 1100 શબ્દનું એબસ્ટ્રેક "Advantages of air bearing over mechanical bearing" પર બનાવ્યું અને સબમીટ કર્યું અને ધારણા મુજબ એ અપ્રૂવ થઈ ગયું આથી ફરી સ્વપ્નનાં જાળા ગુંથાતાં હતાં.
***
કોઈ પણ પરિસ્થિતીમાં વધુ સમયમાં રહેવાથી એ સ્થિતી અંગે સમજદારી વધુ આવે છે કે આપણો ઉત્સાહ ઓસરી જાય છે અથવા ઉત્સાહ ઓસર્યા બાદ સમજદારી આવતી હશે? જવાબ જે હોય તે પણ સમય નામનું તત્વ આગળ વધતું હતું અને છેવટે કોલેજ પૂર્ણ થઈ અને બસ વીસ થી પચીસ દિવસો જ બાકી હતાં.
***
8 જુન 2016નાં રાતનાં દસ વાગ્યે ભુજને બાય કહ્યું અને વડોદરા તરફ ગતિ આદરી. ભુજને બાય બાય કહેતાં પહેલાં કેટ કેટલી શુભેચ્છાઓ, પ્રવાસનું નારિયેળ વગેરે જેવી બહુ બધી આપ-લે થઈ. ખરેખર ભારતીય સંસ્કૃતિની આ એક ખાસિયત કહી શકાય કે આ શુભેચ્છાની આપ લે.એ રાતે લગભગ દરેક જગ્યાએ સ્ટેટસ અપડેટ કરી દિધાં ' બાય બાય ભુજ, ઓફ ટુ પટાયા, લેટ ધ જર્ની સ્ટાર્ટસ" અને લાઈક, કોમેંટોનાં વરસાદ વચ્ચે હું ક્યારે સુતો એ ખબર ન રહી. આંખ ખુલ્લી ત્યારે આણંદ આવી ગયું હતું. સવારની ઠંડક અને બસની મુસાફરીથી પગમાં થોડી અકડ હતી એવું લાગ્યું પણ પાછળથી મનમાં વિચાર આવ્યો કે આ બસ એ જ છે જેમાં મહિને એક વાર 1000 કિલોમીટરની નિંદ્રા કરું છું તો પછી આજે અચાનક કેમ પગને શું થયું? માત્ર પગ જ નહીં પછી જોયું તો વધું ઉંડુ ઉતરતાં ખ્યાલ આવ્યો કે પેટ પણ કંઈક અલગ જ ઈશારા કરી રહ્યું હતું અને હાથની ટચલી આંગળી સતત ધ્રુજતી હતી.
મુસાફરી પહેલાંનો ડર હતો કે હવેની યાત્રામાં કોઈ પોતાનું કહી શકાય તેવું ન હતું. આ વખતે વાંચેલી મરીઝની એક ગઝલની અમુક પંક્તિઓ યાદ આવી ગઈ. " પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ, હમણા હવે કશામાં નથી વાહ, વાહ, વાહ
તો પણ ક્યાં જવું એ જ મને સૂઝતું નથી, દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ."
આખી ગઝલ હજી પૂરી થાય ત્યાં સુધી તો ''વડોદરા લાસ્ટ સ્ટોપ"ની બૂમ આવી અને થોડી વાર પૂરતો થડકારો થંભી ગયો અને બધું ચેક કરી ફરી વડોદરાની ધરતીને સ્પર્શ કર્યો. એ લાગણી એ પછી ગાયબ તો થઈ ગઈ પણ હજી એનાંથી મુક્તિથી મળી એ મારો ભ્રમ જ હતો.
***
8મી જુન
આ સવારથી લઈને સાંજ સુધી આ પરિસ્થિતિ કાયમ રહી હતી આવા જ વિચારોએ મગજની નશો છિન્નભિન્ન કરી દિધી હતી અને દુકાળમાં અધિકમાસ એ કે એ રાત્રે હું જ્યાં રોકાયો હતો એમનાં ઘરે બર્થ ડે પાર્ટી હતી જેથી મુસાફરી પહેલાં મસ્ત મસાલેદાર પાવભાજી અને ગુલાબજાંબુ આરોગ્યાં સાથે કેક પણ હતી બોનસમાં. મારી સાથે અમારી ટીમમાં હતાં એ બંને ત્રીજા વરસમાં અભ્યાસ કરતાં હતાં. ધ્રુવ પટેલ અને પ્રિન્સ પાંભર મારા સાથીદાર હતાં. બંને જણ દક્ષિણ ગુજરાતનાં વતની હતાં. ધ્રુવ રાજપીપળાથી વડોદરા સ્થાયી થયેલો હતો અને પ્રિન્સ સુરતી હતો. લગભગ 10નાં ટકોરે એ બંને અને હું નક્કી કરેલા સ્થળે ભેગા થયાં. બંનેની વચ્ચે હું એમની એક્ટિવા પર ગોઠવાયો અને મારું લગેજ જેમ તેમ ગોઠવી રામ ભરોસે એક્ટિવા ચાલુ થઈ અને ટ્રાફિક ચીરતી અમારી સવારી ચાલુ થઈ પણ મારું મન કંઈક અલગ જ વિચારો પર દોડતું હતું. સામાન્ય મુસાફરી પહેલાં પણ આપણે હળવું જમવાનું લેવાનું પસંદ કરીએ છીએ અને મેં મસ્ત મજાનું મસાલેદાર થોડું તો થોડું પણ ખાધું હતું. એક તો પેટ ભરાયું ન હતું અને ઉપરથી જે ભરાયું હતું એમાં પણ બધું અગડમ-બગડમ હતું.
ત્યાં એક્ટિવા ઉભી રહી અને એની જાણ એ બ્રેકનાં અવાજથી મળી. ધ્રુવનાં ઘરે અમે ઉતર્યા. પહેલી નજરે જોતાં ઘર જુનાં બાંધાનું હતું. સફેદ સી.એફ.એલનાં પ્રકાશમાં અડધા આંગણામાં જ અજવાળું પથરાતું હતું. અમે અંદર પ્રવેશ કરીએ એ પહેલાં જ ઘરમાંથી બે ટાબરિયાં બહાર આવ્યાં અને અમને જોઈને અંદર ભાગી ગયાં. મેં મારો સામાન બહાર મૂક્યો .
આપણી પરંપરા પણ અનોખી છે. યાત્રા પર જતાં વ્યક્તિને વધાવવા માટે આપણાં ઘરમાં પરિવારનાં સભ્યોનાં ટોળે ટોળા ઉતરી આવતાં હોય છે. અદ્લ આવો જ માહોલ એ ઘરમાં પણ હતો અને સામાનની વણજાર વચ્ચે અમે જગ્યા શોધી બેઠા. ઘરનાં વડીલો અમારો પરિચય લેવામાં વ્યસ્ત બન્યાં અને બીજા બધાં ધમાલ મસ્તી ચાલુ રહી.
આ વખતે મારા નસીબને ભાગ્ય હતું અને હજુ એમનું જમવાનું બાકી હતું એ વાતનો અંદાજ આવી ગયો હતો. ત્રણ થાળીઓ અંદરથી આવી. ભાખરી, શાક, ખીચડી અને અથાણા પર મારી નજર સ્થિર થઈ અને હા કહેવી કે નાં એ વિચાર વચ્ચે અર્જુનની માફક ઝોલા ખાતો હતો." આંટી હું જમીને આવ્યો છું " કમને હું બોલ્યો અત્યંત ધીમા અવાજે બોલ્યો અને મનોમન પ્રાર્થના કરતો રહ્યો કે આ લક્ષ્મી આવીને હું મો ધોવા તો ચાલ્યો જાઉં એવું ન બને ક્યાંક" અરે તો શું થયું. તમે તો જુવાન છો ખવાઈ જશે" અને એક હાશકારો થયો. થોડી વાર મૌન રહ્યાં. દિવસભરની દોડાદોડીથી બધાં થાક્યાં હતાં. પેટ ભરાતું ગયું અને સમય પણ ચાલતો ગયો. " હેંડો હવે ક્યા ગયો ધ્રુવલો"એનાં નાના બોલ્યાં " નાવા ગયો છે પપ્પા " " રોયાને કે જલ્દી કરે. તમારે બેને કાંઈ લેવા કરવાનું હોય તો જોઈ લો ધ્રુવલાનાં ડાયજામાંથી. સંધુય બરોડા ઉઠાવી લાવ્યો છે એ જાણે થાઈલેંડ સેટ થવાનો હોય એમ" બધા હસી પડ્યાં.
અમેં પણ મુંડી નીચી કરી. આખો રૂમ રમણભમણ પડ્યો હતો. બધી બેગ્સ પર રેડ રિબિન બાંધેલી હતી અને અમે પણ અમારી બેગ્સ પર એ નિશાની તરીકે લગાવી દિધી. લગભગ લગભગ ત્રણ બેગ હતી અને એક હેંડ બેગ તો ખરી જ. મેં મનોમન સરવાળો માંડી જોયો કુલ મળીને અમારી 11 બેગ હતી. "ચલો બહાર રિક્ષા આવી ગઈ છે હો" નાનાએ બૂમ મારી
પહેલી વારમાં તો કોઈએ બૂમ પર ધ્યાન ન આપ્યું. નાનાએ ઘરની ડોરબેલ વગાડવાની ચાલુ કરી અને બધા શાંત થયા " થઈ ગયું તમારું પૂરૂ?" "જલ્દી કર તો નાના ખારા થાય છે" આટલું કહી ધ્રુવનાં મમ્મી એનો સામાન બંધ કરી બહાર રાખ્યો અને અમે પણ અમારો સામાન રિક્ષામાં મૂક્યો. એક પછી એક બેગ રખાતી ગઈ અને રિક્ષા નમતી ગઈ.
''શેઠ બીજી રિક્ષાની જરૂર પડશે હજુ એવું લાગે છે મને" '' નાં નાં હવે " નાના વઢતા બોલ્યાં 11 બેગ્સ એકબીજા પર અથડાતાં કૂટાતા એક બીજા પર બેઠી અને બાજુમાં હું બેઠો. આગળ નાના બેઠા. ધ્રુવ અને પ્રિન્સ પાછળ કારમાં આવવાનાં હતાં. લગભગ અગિયાર થઈ ગયાં હશે. બરોડા હજુ સંપૂર્ણ જમ્યું અને જંપ્યુ ન હતું. રસ્તાંની બંને બાજુ સમાંતર આવેલી ફાસ્ટફૂડની લારીઓ પર કહી શકાય એટલી ઘરાકી હતી અને અમે આ બધું જોતા, નાનાની શિખામણ લેતાં, રિક્ષા વાળાની ફરિયાદ સાંભળતા હળવા ટ્રાફિકને ચીરતાં માંજલપુર તરફ નીકળ્યાં જ્યાં અમારા સરનું ઘર હતું અને અમારે ત્યાંથી અમદાવાદ બસમાં જવાનું હતું
*****