નાસ્તિક બન્યો આસ્તિક !
દાદા અને પૌત્ર વચ્ચેનો સંવાદ.
મેં ક્યારેય ભગવાનને જોયા નહતા, અને પાછો હું રહ્યો વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તર્ક-વિતર્કમાં ચુસ્તપણે માનવાવાળો. એટલે એટલું આસાનીથી તો હું ભગવાનમાં વિશ્વાસ મૂકી દઉં એવું તો બને જ નહીં !
ભગવાન શું છે ? કર્મ કેવી રીતે કામ કરે છે ? આ વાતને જાણવા-સમજવાની મારા અંદર બચપણથી જિજ્ઞાસા હતી. પણ મેં કદીયે ભગવાનને જોયા નહતા. એટલે એમનામાં વિશ્વાસ શું કામ મૂકું ?
વાત જ્યાં સુધી લોજિકલી કન્વેન્સિંગ લાગે નહીં ત્યાં સુધી હું ‘હા’ પાડી વાતને સ્વીકારી લેતો નહીં.
હું કોઈને કહું કે : તમે ભૂત-પ્રેતમાં માનો છો ?!
તો કહે : ના, એતો બધી ખાલી હંબક વાતો છે. સાચું થોડું હોય ! મેં તો ક્યારેય ભૂત-બુત જોયું નથી તો શું કામ માનું !
પછી હું કહું : તમે ભગવાનમાં માનો ખરા ?
તો ઉત્સાહભેર કહે : હા, શું કામ ના માનું ! ભગવાન તો હોય જ ને...
હું કહું : તમે ભગવાનને જોયા ખરા કદી ?
મૂંઝવણમાં માથુ ખંજવાળી વિચારે, પછી કહે : ના, જોયા તો નથી. પણ લોકો માને છે એટલે માનું છું.
હવે વાતનો તર્ક જુઓ : ભૂત જોયું નથી. ભગવાન જોયા નથી. તો પણ ભગવાનમાં માને છે, અને ભૂતમાં નહીં. બન્નેય ને જોયા તો નથી. તો ભૂતભાઈને આવો દગો કેમ ?
લોકો મને પૂછે કે, ‘તું ભગવાનમાં માને છે ??’
તો હું કહેતો, ‘હા, હું ભગવાનમાં માનું છું.’ પણ સાચ્ચું કહું તો, અંદરખાને હું નાસ્તિક હતો. છતાંયે મેં કહ્યું એમ, મને આધ્યાત્મિકતામાં રસ અને લગાવ શરૂઆતથી હતો. ભગવાન વિષેની સ્પષ્ટ સમજ કોઈએ પાડી નહતી. ભગવાનમાં કેમ માનવું એવું કોઈએ શીખવ્યું નહતું. સ્કૂલમાં ભણવામાં પણ આવ્યું નહતું. સ્કૂલમાં પરીક્ષા હોય ત્યારે મમ્મી મને કહે, ‘બેટા, ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા તે ?’
હું સહેજ મોઢું બગાડી અણગમો વ્યક્ત કહેતો, ‘ના મમ્મે..., ચાલે હવે...’ (મનમાં કહેતો : દર્શન કરવાથી કઈ માર્કસ પૂરેપૂરા થોડા આવવાના હતા !)
મમ્મી બનાવટી ગુસ્સો દેખાડી કહે, ‘ચાલતું હશે...! જા, પહેલા દર્શન કરી આવ, પછી બીજી બધી વાત...’
મમ્મીએ કહ્યું એટલે હું મંદિરમાં કમને પણ જતો. બે હાથ તો ના જોડું, પણ ‘સલામ ભગવાન’ કહીને બહાર નિકડી જતો...
ખેર, અત્યારે તો હું પૂરા સહ:હ્રદયથી ભગવાનને માનું છું. આ ભગવાનમાં ન માનવાવાળો હું, અચાનક નાસ્તિકમાંથી કેવી રીતે આસ્તિક બની ગયો ?? કોઈએ ડર બતાવ્યો કે, હું ભગવાનમાં નહીં માનું તો મને મોટું પાપ થશે ! ના, એવું બિલકુલ નહતું થયું.
દાદાની વાતે મને વિચારતો કરી મૂક્યો. આ વિચારતો કરી મૂકવાની વાત ધીરે-ધીરે મને નાસ્તિકતામાંથી આસ્તિકતામાં પલટાવતી ગઈ. આ વાત મને છેક આખરી શ્વાસ સુધી યાદ રહેશે... અને આ વાત દુનિયા સાથે શેર કરતો રહીશ...
દાદા અને મારા વચ્ચેનો ઘટના-પ્રસંગ.
ત્યારે હું અગિયાર સાયન્સમાં હતો. ટ્યુશનથી આવી હાથ-પગ ધોઈ, મૂડ ફ્રેસ કરવા દાદા જોડે ઓટલા પર બેસી જતો. એમની જોડે આધ્યાત્મની વાતો કરતો. ભગવાન વિષે ન માનવાના પ્રૂફ માંગતો. : દેખાડો મને ભગવાન હોય તો !
આ પ્રશ્ન હું એમને પૂછતો. અને વાત ત્યાં જ દબાઈ જતી.
દાદાએ ઘણા સમય સુધી જવાબ આપી ન શક્યા. ખબર નહીં એક દિવસ અમારી વાતચીતમાં પાછો આ પ્રશ્ન છંછેડાયો. અને દાદાએ વાત કહેવાની શરૂ કરી. અને મારી નાસ્તિકતામાંથી આસ્તિકતા તરફના શુભારંભના પગલાં મંડાયા. ભગવાનમાં દ્રઢ વિશ્વાસની સાંકળની એકમેક સાથે બંધાવા લાગી.
મે કહ્યું : ભગવાન હોય તો બતાવો મને ?
દાદા : અલ્યા, ભગવાન તો કોય વતાવા જેવી વસ્તુ સ તે વતાવું તન ! એતો હમજમો આવ, અનુભવમો આવ.... મૂરખા...!
હું : એ બધી હવામાં વાત થઈ કહેવાય દાદા. કશુંક ગળે ઉતરે એવી વાત કરો તો માનું...
દાદા : હોભાળ અવ. મોની લે ક એક તપેલીમો દૂધ ભરેલું સ. અવ દૂધ ફાટ એટલે શું બન...?
હું : દહીં
દાદા : હમ્મ, પસ...?
હું : દહીં... દહીંમાં બ્લેન્ડર ફેરર્વો એટલે છાશ બને.. છાશ માંથી માખણ બને... માખણને ગરમ કરો તો ઘી બને....
દાદા : બસ, અવ હોભળ, આ ઘી બન્યું એ ચોથી આયુ ?
હું : દૂધ માંથી... બીજે ક્યાંથી આવે !
દાદા : બરોબર. અવ દૂધમાંથી જ ઘી આયુ, તો પસી દૂધમો ઘી ચમ દેખાતું નહીં ? બોલો હેડો ?
હું જરા મૂંઝવણમાં પડ્યો. માથું ખંજવાળવા લાગ્યો. જવાબ ન મળ્યો. દાદાએ તો મને ભારે ફસાવ્યો. સાલું ઘી આવ્યું તો દૂધ માંથી જ. તો પણ દૂધમાં ઘી દેખાતું તો નથી. છતાંયે દૂધમાં ઘીનું અસ્તિત્વ છે તો ખરું જ. આતો પાક્કા પાયે વાત છે...
દાદા : હોભાળ અવ, ભગવાનનું પણ એવું જ સ. આ દૂધના દાખલા (ઉદારહણ) જેવુ જ. ભગવાન પણ આ દુનિયામાં દેખાતા નહીં. જેમ દૂધમાં ઘી દેખાતું નહીં ઇમ. પણ દૂધમો ઘીનું અસ્થિત્વ તો સ જ... પણ એ અસ્તિત્વ ચ્યારે દેખાય ? જ્યારે વ્યક્તિ દૂધમાંથી દહીં... દહીંન વલોવી સાસ... સાસમાંથી મોખણ અન ઇન ગરમ કરીયે ત્યાર ઘી દેખાય. આ ઘી મેળવવાની રીત સ.
બસ, આ જ રીતે વ્યક્તિએ ભગવોનન જોવા, મહેસુસ કરવા આવી રીતમાંથી પસાર થવું પડ. એક તો એ પ્રકારની દ્રષ્ટિ કેળવવી પડ ક ભગવોન બધે જ સ. વિશ્વાસ અને શ્રધ્ધા આ બે પીલ્લારો અડીખમ ઊભા હોવા જોવ. ચ્યારેય ડગ નો એવા. એ દ્રષ્ટિથી ભગવોનની પ્રતીતિ થાય. દર્શન થાય. આ આધ્યાત્મિક મારગમો ભગવોનના દર્શન કરવા માટેની રીત સ. આ એકાએક રાતોરાત નો થાય. જેમ દૂધમાંથી ઘી તરત જ બન કોય ?
હું : ના બને.
દાદા : બસ એજ રીતે ભગવોનમાં શ્રધ્ધા અને પોતાનામાં વિશ્વાસ આ બે ધીરે ધીરે મજબૂત કરતું રે’વું પડ... જો એ હશે તો ભગવોન જોવાની દ્રષ્ટિ ખુલશે. પછી બધે જ ભગવોનના દર્શન થશે. ભગવોન બધે જ સ. જમ દૂધમો કોઈ જગ્યાએ ઘી ના છુપાયું હોય એવું બન...?
હું : ના.
દાદા : હમ્મ, ઘી તો દૂધમો સર્વવ્યાપી હોય જ સ... દેખાતું નો હોય ઇનો મતલબ એ નો થાય ક દૂધમો ઘી નહીં, ભગવોને દુનિયામો સર્વવ્યાપી સ જ, દેખાતા નહીં ઇનો મતલબ એ નો થાય જ દુનિયામો ભગવાન નહીં. આ હવા તન દેખાય સ ?
હું : ના.
દાદા : તો શું ઇનો મતલબ હવા નહીં ??
હું : હવા તો છે જ. એટ્લે તો શ્વાસ લઈએ છીએ.
દાદા : હમ્મ, દેખાય નો, ઇનો અર્થ એ નઇ કે હવા નથી... હવા સ એ જોણવા શ્વાસ લેવો પડ. પસ ખબર પડ ક હવા સ. એવી જ રીતે, ભગવોનન જોવા અન અનુભવવા દ્રષ્ટિ કેળવવી પડ પાર્થ. દ્રષ્ટિ બદલાય ઇની દુનિયા જોવાનો નજરિયો બદલાય. જે ભાળતો હોય ઈની ઓખો (આંખો) હોય, પણ ચોય (ક્યાંય) ભગવોનન નો ભાળ. અન જે ઓધળો હોય એ ભલ ઓખે ભાળતો નો હોય, પણ ઇની પાહ દ્રષ્ટિ હોય તો એ અંધાપામોયે બધે ભગવાન ભાળ... ભગવોનન દેખવા ઓખોની નઇ, દ્રષ્ટિની જરૂર સ પાર્થ...
દાદાની આ વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. એમને કહેલી વાતે મને વિચારતો કરી મૂક્યો. એમની વાત ભલે મારા લોજીકમાં ફિટ ન થઇ, પણ હ્રદયને કન્વીન્સ કરી ગઈ. એ દિવસે દાદાની વાત સાંભળી હું એકાએક નાસ્તિકમાંથી આસ્તિક તો નહતો બની ગયો. પણ આસ્તિકતા તરફ જવાનો એક ઝટકો એમની આ વાત પરથી લાગ્યો હોય એ હું ચોક્કસપણે નિ:સંદેહ કહીશ. એમની વાતે મને એ દિશામાં વિચારવા પ્રેર્યો. હું ધીરે ધીરે આસ્તિકતાના રાહે ચડ્યો. દાદા સાથેના આ સંવાદે મારા મન-વિચાર પર બહુ મોટી અસર કરી... કહો કે પડઘો છોડી ગઈ છે.... એ ગુંજ હજુયે ગાજે છે. આ વાત હું આજે આઠ-નવ વર્ષ પછી લખું છું એ આ વાતનું પ્રુફ છે...
એક શક્તિશાળી વિચાર વ્યક્તિની વિચારવાની, જીવવાની, વ્યક્તિ-વસ્તુ-પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલી શકે છે. એક ઉત્કૃષ્ટ વિચાર વ્યક્તિના જીવનને એક નવી દિશા આપી શકે એટલી તાકાત છે.
નાસ્તિક માંથી આસ્તિક બનાવવાની આ વાતનો હું જીવનભર દાદાનો ઋણી રહીશ.
***
Writer –– Parth Toroneel.
[લાસ્ટ આર્ટીકલ, “વ્હાય મી ગોડ ?” દરેક વાંચકે અચૂક વાંચવા જેવો છે.]