Aatmiy yuva hava in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | આત્મીય યુવા હવા

Featured Books
Categories
Share

આત્મીય યુવા હવા

આત્મીય યુવા હવા

કંદર્પ પટેલ

‘શુદ્ધૌસિ બુદ્ધૌસિ નિરંજનૌસિ’ આવું યુવા ચરિત્ર એ આજના ૨૧ મી સદીના ભારતની યુવા હવાની દિશા નક્કી કરનારું છે. આ સુંદર પૃથ્વી પર કલ્યાણમયી ભૂમિ તરીકે જેને ઓળખાવી શકાય, બધા કર્માત્માને ઋણ ચુકવવા આ ધરતી પર આવું જ પડે. જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તેવી જો કોઈ ભૂમિ હોય તો તે ભારતની ભૂમિ છે. ચારેય દિશાઓથી આ ધરતીને આવરી લેનાર તત્વજ્ઞાન સમા મહાસાગરની ભરતીના જુવાળનો આરંભ આ ભૂમિ પરથી જ થયો છે. દરેક વિચારો એક સંસ્કૃતિ તરફથી બીજી સંસ્કૃતિ તરફ વહ્યા છે. આ દરેક વિચારને લઇ જવા માટે લોહીની નદીઓ વહેવડાવવી પડી હતી. બીજા દેશોમાં લાખોના હૃદયને બાળનાર જડવાદનો દાવાનળ ભડભડ બળતો હોય ત્યારે તેણે શાંત કલરવરૂપે વાતાવરણમાં પ્રસરાવવા માટેનું શાંતિજળ ભારતમાં જ છે.

આ ૨૧મી સદીમાં ઉભેલી નવવધૂ જેવી આ પૃથ્વીને કેવી યુવા હવા જોઈએ?

ધનુષ્ય કોઈનાથી તૂટ્યું નહિ. છેવટે, રામ ઉભા થયા. સીતાની સામે જોયું. ‘તાકી’ને જોયું. એટલે જ ‘તાકાત’ આવી અને તેણે પોતાની કરી. આ ‘તાકી’ને ભારતના મુગટ તરફ જોવાની નજર આજના યુવાનની જોઈએ. આંખો એ માત્ર પટપટાવવા માટે નથી, આંસુ પાડવા માટે છે. લાગણીશીલ બનીને પાત્રમાં ઘુસવા માટે છે. આજે કેટલાકે કોઈકનું હાસ્ય છીનવી લીધું છે તો અમુકે હાસ્ય છોડી દીધું છે. આ જિંદગી એક પ્રયોગશાળા છે.

‘હાર્ડ’વર્ક નહિ, ‘હાર્ટ’વર્કની જરૂર છે...એ પણ હાર્દથી..!

વચન અને વાણીનો વિવેક નથી તે આત્મીય ન થઇ શકે. જે સંબંધ બૌદ્ધિક, માનસિક કે આર્થિક હોય તે ક્યારેય આત્મીય ન બની શકે. સ્વતંત્રતા સાથે શિસ્તનું પાલન કરતો હોય તે યુવા હવા છે, આવનારા કાલની. વિશ્વાસ છે... દરેકને આ યુવા હવા પર..! ‘લાંબા હાથ હોય તો થોરમાં ન નંખાય.’ આ વાતને જે અનુસરતો હોય તે એટલે ભારતનો ભાવિ યુવાન. નકામું નીકળી જાય અને સત્ય સાર્થક બનાવે તે એટલે વિશ્વાસ. આ વિશ્વાસ આજની યુવા પેઢી પર દરેક નાગરિકને હોવો જોઈએ.

સોક્રેટિસ કહેતા હતા, “મારી માં દાયણ હતી. તે બાળકને દુનિયામાં મુક્ત કરવાનું કામ કરતી હતી. તેમ જન્મ લેનાર દરેક બાળક માટે પૃથ્વી વિકાસનું કાર્ય કરે છે.”

જુવાનીમાં ઘરડા થવું એ દેશનું દુર્ભાગ્ય છે. સ્વેચ્છાએ સ્વીકારેલો સંયમ રાખવો, દબાણથી નહિ. અપવાદ ક્યારેય સિધ્ધાંત ન બની શકે. વિચારોની હંમેશા યુવાવસ્થા હોવી જોઈએ. મનમાંથી વિચારોની સુવાસ આવવી જોઈએ, જેનાંથી વાણીમાં દુર્ગંધ ન આવે. ‘સ્મરણ’ વધારીશું તો ‘મરણ’ વચ્ચે નહિ આવે. લલકાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખુમારી ન આવે. જુવાન તો ભગવાન સાથે ખુલ્લી લલકાર ફેંકતો હોય, એ પણ પોતાના દમથી...!

મોરારિબાપુ કહે છે,

“હાનિ તારા હાથમાં, ઉદાસ ન થાઉં તે મારા હાથમાં,

લાભ તારા હાથમાં, શુભ મારી મુઠ્ઠીમાં,

જીવન તારા હાથમાં, પાત્ર ભજવવું તે મારા હાથમાં,

મરણ તારા હાથમાં, હરિ સ્મરણ મારા હાથમાં.”

આવો યુવાન તૈયાર થવો જોઈએ. યુવાનીને શરીર સાથે કોઈ નિસ્બત નથી. માણસ વિચારથી, મનથી અને હૃદયથી મહાન હોવો જોઈએ.

શંકરાચાર્ય પણ કહે છે ને,

“અંગં દલિતં પલિતં મુંડં દશનવિહીનં જાતં તુંડં”

મારી પૃથ્વીનો યુવાન અજર હોવો જોઈએ. જીવે ત્યાં સુધી અમરત્વની ભાષા બોલવો જોઈએ. તે ગુણનિધિ હોવો જોઈએ. પરમાત્માનો હાથ તેના માથા પર હંમેશા ફરવો જોઈએ.

‘યુવાસ્યાત સાધુ’ – યુવાન સરળ અને સહજ હોવો જોઈએ.

“યે ઔર બાત હૈ જો ખામોશ રહતે હૈ,

જો બડે હોતે હૈ વો બડે હી રહતે હૈ.”

જગતમાં ક્યારેય કોઈને ‘સુધારવાનો’ નહિ પરંતુ ‘સ્વીકારવાનો’ પ્રયત્ન કરે અને દરેકને સાથે લઈને ચાલે તે યુવાન છે. આ જિંદગી નામના નાટકમાં સૂત્રધારે આપેલા પાત્રના ઢાંચામાં ઢળીને તેણે પૂર્ણત: ભજવવું તે આજના યુવાનનું કામ છે. એક અનંત રંગમંચ છે. અનેક નાટ્યકારો પોતાની કૃતિઓ લઈને મંચ પર આવી ચુક્યા છે. અમુક જ હોય છે, જે અભિભૂત કરી મુકે છે. જેમના પાત્રમાં સૌથી વધુ પ્રેક્ષકોની તાળીઓ પડે તે તા-ઉમ્ર યુવાન છે.

-: કોફી ટર્કીશ :-

ઈશ્વર સાથેના મીઠા ઝઘડામાં યુવાનીનો લલકાર થઇ ગયો,

ઈશ્વર પણ હસ્યો જાણે ઈતિહાસ થઇ ગયો,

ખામી તારા હાથમાં પણ હામી હું ભરીશ,

કહીને એવું જાણે યુવાન યુદ્ધ છેડી ગયો.