Krisha - 3 in Gujarati Short Stories by Akil Kagda books and stories PDF | ક્રિશા - 3

Featured Books
Categories
Share

ક્રિશા - 3

ક્રિશા – 3

ક્યારે ઊંઘ આવી, કે આવી જ નહિ, તે ખબર નથી. હું જાગતો હતો કે સ્વપ્નમાં હતો તે પણ ખબર નથી.. મારા ગાલ અને હોંઠ પર ગરમ ગરમ હોંઠ ફરતા હતા, આંખો સખત મીંચી રાખી, ક્યાંક આ સપનું તૂટી ના જાય....

સવારે વહેલી આંખ ખુલી ગઈ, ક્રિશા ને જોઈ, તેના ગાલે હાથ ફેરવી આવ્યો, ક્રિશા ઘસઘસાટ ઊંઘતી હતી. નાહી-ધોઈને ટોસ્ટ, બટર, જામ વગેરે ટેબલ પર તૈયાર રાખ્યા. આમલેટ - કોફી બનાવી રાખું? ના, ના ઠંડી થઇ જશે...ચા માંગશે તો? ચા તો નથી...જોયું જશે. ઉઠાડું? ભલે સૂતી, ત્યાં સુધી મમ્મીથી વાત કરું, " ડોહી, શું કરે છે?""ઉઠી ગયા? આટલા વહેલા?"

"હા, ઉઠી ગયો."

"અચ્છા.. મેડમ હજુ સુતા છે... હનીમૂન શરુ થયું ખરું..."

" ડોહી હું સમજી ગયો કે તેને અહીં મોકલવા ના કાવતરામાં તારો પણ હાથ છે."

"લગન કરી લેજો, ને તેને ત્યાં જ રાખી લેજે, તમારા બંનેનું અહીંયા કશું કામ નથી, બે બેડરૂમનો ફ્લેટ લે ત્યારે મને કહેજે, પછી હું પણ ત્યાં જ આવી જઈશ."

"માં તું ગમે તે કહે પણ હું તેની સાથે શાદી તો નહિ જ કરું..." ક્રિશા ને બેડરૂમ માંથી બહાર આવતા જોઈને "પછી વાત કરું." કહીને મેં ફોન મુક્યો.

ક્રિશા હસતી આવીને મારા કપાળ સાથે તેનું કપાળ ટકરાવ્યું.

"ગોબરી, તારું મોં ગંધાય છે, પણ મને ખબર છે કે તું ચા-નાસ્તા પછી જ બ્રશ કરે છે. ઉઠતા જ તને ખાવાનું જોઈએ. બેસ તું ટોસ્ટ ખા, અને બટર વધારે ચોપડીશ નહિ, તારી હેલ્થ માટે નહિ પણ, મોંઘુ છે એટલે કહું છું......હું ઓમલેટ ને કોફી લાવું છું." કહીને કિચનમાં ગયો, તે પણ આવી ને મને પાછળથી જકડી લીધો. ને બોલી "રહેવા દે, હું બનાવું છું. હવે તું પહેલાના જેવો ઈશુ લાગે છે. કેમ સોફા પર સૂતો હતો?"

"મારો પહેલેથી બેડ નાનો છે, અને નોર્મલ સાઈઝના બેડમાં પણ તું સુએ પછી બીજા માટે જગ્યા બચે?"

"આજે રાતે આપણે અહીં હોલમાં નીચે જ સુઈસુ... "

નાસ્તો કરતા કરતા મેં કહ્યું "આવવું હોય તો જલ્દી તૈયાર થા, મારે મોડું થાય છે."

"ક્યાં જઈશું ?"

"ઓફિસ, ત્યાં કામ પતે પછી સાઈટ પર અબુ ધાબી જઈશું. જોવી છે ને ઓફિસ?"

"હા, જોઉં તો ખરી કે તું સાચે જ.. કે પછી ખાલી હોશિયારી જ મારે છે?" કહીને તે તૈયાર થવા ગઈ. તે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે, બીજાની જેમ વાર લગાડતી નથી, જોકે તેને મેક-અપ વગેરેની ખાસ કઈ જરૂર પણ નથી. તે જીન્સ ને ટીશર્ટ પહેરી આવી, અને તે કોઈપણ જાતના ઘરેણાં પહેરતી જ નથી, હા કાનમાં ઈયર રિંગ પહેરે છે, જે હું પાંચ વરસથી જોઉં છું, તે જ છે. હવે મેં ધ્યાનથી તેની તરફ જોયું, તેના કાનમાં ઈયર રિંગ નહોતા. "તારી ફેવરિટ કાનની વાલીઓ ક્યાં ગઈ?

તેણે કાન પર હાથ લગાવ્યો ને હસીને બોલી "મને ગમતી નહોતી, એટલે ઘેર મૂકી આવી.."

હું તેને જ તાકી રહ્યો હતો, હું સમજી ગયો.. મને તેને ભીંસી નાખવાનું, સેંકડો કિસ કરવાનું, તેનો શ્વાસ રૂંધી નાખવાનું મન થયું, પણ મેં સંયમ રાખીને કહ્યું "પહેલા આપણે ગોલ્ડ માર્કેટ જઇશુ, પછી ઓફિસ જઇશુ."

"ના, હું હવે નહિ પહેરું... લગન પછી જ પહેરીશ."

"લગન? એ પણ તારા? તારો બાપ પચીસ લાખ આપે તો કોઈ માંડ તૈયાર થાય..." ને બોલ્યો "બીજા સારા કપડાં પહેર.."

"નથી લાગતા સારા? હું તો ચારે ચાર જીન્સ જ લાવી છું. ને તારી રદ્દી જીન્સ કરતા તો મારી સારી છે."

"ચાલશે... ગમે તેટલા સારા કપડાં પહેરે, પણ ભેંસ તો ભેંસ જ રહેશે. "

અમે ઓફિસ આવ્યા, ને ગાડીમાંથી ઉતરતા પહેલા મેં તેની પર્સમાં રોકડા થોડા પૈસા અને મારો ક્રેડિટ કાર્ડ મૂકી ને કહ્યું "ઓફિસમાં કંટાળી જાય તો જો આ બાજુમાં જ મોલ છે, ત્યાં ફરજે ને સારા કપડાં ને બીજું જે કઈ લેવું હોય તે લેજે, પણ ઉતાવળ કરીશ નહિ, મારુ કામ પતશે તો જ હું નીકળીશ. અને સાઈટ પર પણ કેટલીવાર લાગશે તે નક્કી નથી, પાછળથી કચ કચ ના જોઈએ."

હું કામે લાગ્યો, ને તે મારી આખી ઓફિસ બિલ્ડિંગમાં અને એક એક ડેસ્ક પર ઉછળતી, થનગનતી ફરી વળી, ને બધાને મારી ફિયોન્સે તરીકેની ઓળખાણ આપી આવી. મારા સ્ટાફના ઘણા મને ઓફિસમાં આવીને મુબારકબાદી આપી ગયા, અમુકે ફોન પર આપી, અમુકે ઇન્ટરકોમ પર આપી. દરેક સાથે હલી-ભળી જવાની તેનામાં ગજબની કાબેલિયત છે. લીલી પણ કહી ગઈ કે હું નસીબદાર છું કે ક્રિશા જેવી મને મળી છે, ને મને ખોટું ના લાગે એટલે ઉમેરી પણ ગઈ કે તું પણ કઈ જાય એવો તો નથી જ..ને સલાહ પણ આપી ગઈ કે છોડ કામ, હું બધું સાંભળી લઈશ, જા મજા કર...

ઓફિસ અને પછી સાઈટ પર જ અમને રાત પડી ગઈ. ગાડીમાં બેસીને તે બોલી "હવે? તેં તો રાત પાડી દીધી.. ફરવા ક્યારે જઈશું?"

"હવે ઘેર.. પહેલા જ કહીને લાવ્યો હતો કે મારા કામનું નક્કી નથી, ડ્રાઈવર સાથે ફરવા જવું નથી, ઘેર રહેવું નથી, તો હવે મારે કરવું શું? કામ ના કરું?"

"રજા રાખ, તું તો અહીંનો બોસ છે ને..."

"બોસ જ રજા રાખી શકતો નથી, રજાની ક્યાં વાત કરે છે, હું તો તારો ખાવાનો ખર્ચો કાઢવા માટે ઓવર ટાઈમ કરવાનું વિચારતો હતો..."

"આજે નહિ જમું બસ? ખાલી ચાર ચિકન સેન્ડવિચ, બે કેળા, જ્યુસ અને છેલ્લે આઇસ્ક્રીમથી જ ચલાવી લઈશ, બસ? હમણાં તો ચાલ બીચ પર જઈને બેસીએ."

અમે જુમેરાહ બીચ પર આવ્યા, ચાંદ ને જોઈને દરિયો ગાંડો થયો હતો. ચાંદ તેને મળી શકવાનો નથી અને તે કશું કરી શકતો નથી ની વિવશતાને કારણે તે કિનારા પર માથા પછાડી રહ્યો હતો... કે મારા ચાળા પાડી રહ્યો હતો?

મારા પેટમાં અજીબ ડરને લીધે ગોટા વળતા હતા, હવે હું વધારે ભાગી નહિ શકું, ક્રિશાની નજર અને તેના સવાલો થી... તે મારી આંખોમાં જ જોઈ રહી હતી. થોડીવારે તે બોલી "બોલ હવે..."

"જો એક વાત સમજી લે કે કે આપણે દોસ્તો છીએ અને રહીશું, પણ મને લાગતું નથી કે તારી સાથે હું જિંદગી કાઢી શકું... પહેલા જે કઈ વાયદાઓ કર્યા હોય તે માટે મને માફ કરજે, પણ આ મારી જિંદગીનો સવાલ છે... હું તારી સાથે રહેવા માંગતો નથી, અને મને વિશ્વાસ હતો કે તારામાં આત્મ સમ્માન જેવું છે, એટલે તું ના કહેતા જ દૂર ચાલી જઈશ, પણ તું તો બિલકુલ બેશરમ, નફ્ફટ અને હલકટ નીકળી... એટલે હવે મારે બીજો રસ્તો અપનાવવો પડશે."

"પહેલી વાત કે તેં કોઈ વાયદા મને કર્યા જ નથી, અરે હજુ સુધી એકેયવાર તેં મને આઈ લવ યુ પણ કહ્યું નથી. એટલે એનો કોઈ પસ્તાવો કે વસવસો રાખીશ નહિ. અને બીજી વાત કે તને જૂઠું બોલતા બરાબર આવડતું નથી... તું કહેતો હતો કે તે બધું ડીલીટ કરી નાખ્યું છે, ને મારો ફોટો જોઈને પણ તને ઉબકા આવે છે, તો લેપટોપમાં તો બધું એ જ ભરેલું છે, ને ડેસ્કટોપ પર મારો ફોટો કેમ રાખ્યો છે? ને ખાસતો પાસવર્ડ તરીકે કેમ મારુ નામ રાખ્યું છે? મેં તને પાસવર્ડ પૂછ્યો હતો પણ તે કહ્યો નહિ, પણ મારુ અનુમાન સાચું નીકળ્યું"

"તું અનુમાન અને ધારણાઓ કરતી રહે, પણ હકીકત એ છે કે હું હવે તારી સાથે રહી શકું એમ નથી."

"પણ કેમ?"

મેં ગુસ્સાથી તેનો હાથ તરછોડી નાખ્યો, ને બોલ્યો "કેમ?? કેમ એટલે શું? કોઈ જબરદસ્તી છે? મને ખરીદી લીધો છે? તું મને છોડ, ને આગળ વધ.. મારો પીછો છોડ, કશું જ હાથ નહિ લાગે..."

અંધારામાં પણ હું તેની આંખમાં તગતગતા આંસુ જોઈ શક્યો, તે મારી સામે બેઠી ને બોલી "તું મને ગમે તેટલી ગાળો આપ કે હલકા શબ્દો બોલ, મને કોઈ જ ફરક પડશે નહિ, કારણકે આખી વાત હું સમજી ગઈ છું."

"એમ? શું સમજી ગઈ છે?"

"એજ કે તું મને ખુબ જ પ્યાર કરે છે, ને તારા કરતા પણ વધારે મને ચાહે છે..."

"તો પછી??"

"તો એજ કે તું મને જરાય તકલીફ પડે એવું કે હું કોઈ મુશ્કેલીમાં પડું તેમ તું ચાહતો નથી, મને ડર છે, બલ્કે ખાતરી છે કે તું કોઈ કૂંડાળે પડ્યો છે, અને હું તારી સાથે રહીશ તો મને પણ નુકશાન થઇ શકે છે, એટલે તું મને દૂર કરે છે, બરાબર ને?"

ક્રિશા મારા ધારવા કરતા વધારે હોશિયાર હતી, કે હું ડોબો હતો કે મારી લાગણીઓ તેની સામે બરાબર છુપાવી શક્યો નહિ.

હું ઉભો થઇ ગયો, "ચાલ ઘેરે, તારા જેવી જ તારી અક્કલ પણ જાડી છે."

તે ઉભી થઇ નહિ, પણ મારો હાથ ખેંચીને મને ફરી બેસાડી દીધો. બોલી "ઈશુ, તું મને ઓળખતો નથી? જો ખરેખર તારું મારાથી દિલ ભરાઈ ગયું હોય, તું મને નફરત કરતો હોય કે પ્યાર ના કરતો હોય તો હું તારા બોલવાની પણ રાહ જોઉં એવી નથી, તારી આંખોના ભાવ વાંચીને જ હું જતી રહુ... તને એક પણ સવાલ કર્યા વગર..." તેણે મારુ મોં પકડીને ઊંચું કર્યું, ને બોલી "મારી આંખોમાં જો... "

મેં જોયું, જરૂર તે જાદુ-ટોણા જાણે છે... હું ઓગળી રહ્યો હતો... અરે ઓગળી જ ગયો...

"બોલ હવે તું શું તકલીફમાં છે?"

હું કશું બોલ્યો નહિ, હું ક્રિશાની સામે રડવા માંગતો નહોતો. હું રેતીમાં છતો સુઈ ગયો, ને આકાશ તરફ તાકી રહ્યો હતો. તે મારા પર ઝૂકીને મારી આંખમાં જોઈ રહી, પછી બોલી "એક વાત સાંભળી લે, મેં નિર્ણય લઇ લીધો છે, ગમે તે હોય, હું તને તેમાંથી કાઢીશ અથવા હું પણ તારી સાથે જ પડીશ...પણ મને દૂર રાખવાનું તો વિચારતો જ નહિ. અને હવે છોકરવેડા છોડ, એમ સમજીશ નહિ કે બાલિશ હરકતો કરીને અને ગમે-તેમ બોલીને તું મને દૂર કરી શકીશ.. હું તને અહીંથી લીધા વગર જવાની નથી. ઈશુ, ચાલ, કાલે જ આપણે બધું છોડીને જતા રહીએ..."

"ના, તે સહેલું નથી, અને સાચું કહું તો મને દુબઇ છોડવું જ નથી….. સાલો આ ચાંદ ક્યારે જશે? જતો કેમ નથી??? તે પણ સમુન્દરને પોતાના માટે તડપતો જોવાની મજા લઇ રહ્યો છે?" બોલતા બોલતા મારી આંખમાં પાણી ઉભરાયું.

ક્રિશા મારા માથા પાસે પલાંઠી વાળીને બેઠી અને મારુ માથું ઊંચું કરીને પોતાના ખોળામાં લીધું. તેણે બંને હથેળીઓથી મારી આંખ લૂછી અને ઝૂકીને મારા હોંઠ ચૂસ્યા. હું બેઠો થઇ ગયો, તે બંને ઘૂંટણ પર ઊંચી થઇ અને મારુ માથું પકડીને તેની વિશાલ છાતી વચ્ચે દબાવી રાખ્યું.

દુનિયાને હંફાવવાવાળો હું ક્રિશાની છાતી માં લપાઈ ગયો હતો. કેટલું રડ્યો, કેટલીવાર રડ્યો, ખબર નથી, એમ કહો કે ક્રિશાએ મને રડવા દીધો. હું ગજબની હૂંફ અને સુરક્ષામાં હતો.

હવે હું શાંત હતો, આજે મને ખબર પડી કે ખોટો ફાંકો છોડીને ખુલીને રડવાથી કેટલો ફાયદો થાય છે, હું પણ હવે રોજ રડી લઈશ, પણ ક્રિશા પોતાની છાતીમાં મને લપાવા દેશે તો જ....

તે પછી ક્રિશાએ મને કઈ જ પૂછ્યું નહિ. અને જાણે કશું જ બન્યું ન હોય તેમ બીજી બીજી વાતો કરતા કરતા અમે ગાડી સુધી ગયા, તે બોલી "દુબઇ એ તને ઘણું આપ્યું છે, તું ખુબ કમાયો છે."

"ના એટલું બધું નહિ..."

"હું પૈસાની વાત નથી કરતી, આજે હું તારી કંપનીમાં ફરી, ઓફિસના કે વર્કશોપના સ્ટાફ કે મજૂરો સુધ્ધાંને મળી, સાઈટ પર પણ બધાને મળી, ને વાતો કરી. તે દરેક તારી દિલથી ઈજ્જત કરે છે. મને તો તારામાં એવું કશું જોવાતું નથી... અને તેમની વાતોથી તો હવે હું પણ માનવા લાગી ગઈ છું કે તું ખરેખર સારો માણસ છે... તું થોડો સ્ટ્રીક કેમ નથી થતો? તારી ઓફિસમાં કેટલી અવ્યવસ્થા, અરાજકતા..."

"અરાજકતા? હા, તને એવું લાગે છે, પણ તે કામ કરતી અરાજકતા છે, વર્કિંગ એનાર્કી... અને તે મારી ઉભી કરેલી છે. આજ મારી સ્ટાઇલ છે, હું મુડનો માણસ છું, અને દરેકના મૂડને રિસ્પેક્ટ આપું છું. મૂડ ના હોય તો વાતો કરો, ટોળે વળીને ગપ્પા મારો, ઘેર જતા રહો... કોઈ જ પૂછશે નહિ, મૂડ હોય ત્યારે જ કામ કરો... અને મારી આજ પોલિસીને લીધે અમે દોઢી પ્રગતિ કરી છે. અમે બધા દોસ્તો છીએ, મેં ટાઈમ કીપર જ હટાવી દીધો છે, અને ત્રણ વરસમાં મેં કોઈનો પણ એક રૂપિયોય પગાર કાપવા દીધો નથી. બદલામાં તેઓ સમયની પરવા કર્યા વગર એટલું આપે છે કે તું આશ્ચર્યચકિત થઇ જાય... હા, મને ખબર જ છે, કે હું સારો જ છું, પણ મારુ નસીબ ખરાબ છે કે મને મારા જેટલી સારી છોકરી મળી નહિ... "

"ચાલ, મારે લીધે તું નસીબમાં માનતો તો થયો..." કહીને તે મારાથી આગળ દોડી, ને ડ્રાઇવિંગ સીટ પર બેસી ને બોલી "ચાવી લાવ, હું ડ્રાઈવ કરીશ."

"પહેલા બરાબર ઢંગથી ચાલતા તો શીખી લે..."

"મજાક નહિ, મને આવડે છે, ને લાઇસન્સ પણ છે."

"ના, બેબી, અહીં ના ટ્રાફિકમાં તને નહિ ફાવે, અહીં ઊંધું છે, અને મારી ગાડી એકની એક જ છે. રસ-અલ-ખૈમા જઈએ ત્યારે ત્યાં થોડી પ્રેક્ટિસ કરજે, પછી ચલાવજે."

"કાલે જ લઇ જજે..પછી આ ગાડી મને આપી દેજે ને તું બીએમડબ્લ્યૂ લેજે." કહીને તે નીચે ઉતરી.

"હોવે, તારા બાપને કહેજે કે મને સિત્તેર લાખ મોકલે...."

"તને શરમ નથી આવતી? તારા કરતા તો લીલીની ગાડી સારી છે... બોસ છે તો લાગવો તો જોઈએને.. બીજા કોઈ કે નાના મેનેજરને પણ હું તારી જેમ જીન્સ પહેરીને ઓફિસ જતા જોયા નથી. હવે એમ ના કહેતો કે તારા ખાવાના ખર્ચને પહોંચી વળવા હમણાંથી બચત કરું છું."

કારની પાછલી સીટ પર શોપિંગ બેગો પડેલી જોઈને હું બોલ્યો " તું કેવા કપડાં લાવી તે તો બતાવ્યા જ નહિ."

"નથી લાવી."

"કેમ? તારા માપના ના મળ્યાને?"

"તું સાથે આવજે, મને શું ખબર પડે કે મને કયા સારા લાગશે?"

ગાડી સ્ટાર્ટ પણ નહોતી કરી ને ક્રિશા નો ફોન વાગ્યો, અંજન હતો, ક્રિશા બોલી "હા, સાથે જ છે, પછી વાત કરું.." મેં તેને ઈશારો કરીને પૂછ્યું કે હું બહાર જાઉં? તેણે પણ મને ઇશારાથી જ ના કહી. ને મને ફોન પકડાવી દીધો. અંજન બોલ્યો "કોન્ગ્રેચ્યુલેશન..."

"કેમ?"

"સમાધાન માટે અને આજની રાત માટે... આમ તો તમે ઘણી સુહાગરાતો મનાવી છે, પણ દુબઈમાં તો પહેલી જ છે ને?... લગન કરો તો બોલાવજો..." મેં કશો જવાબ આપ્યો નહિ, ને ફોન કાપી નાખ્યો. ક્રિશા બોલી "શું કહેતો હતો?"

"કશું નહિ, તેને જ પુછજે ને... તું બધો રિપોર્ટ આપવાની અને ચાંપલાઈ કરવાની જ છે ને... "

કહીને મેં ગાડી સ્ટાર્ટ કરી, તે બોલી "હવે ક્યાં?"

"ઘેર, બીજે ક્યાં?"

"જમવા? જમવાનું બાકી તો છે."

"હા, હા, ચિંતા ના કરીશ, જમીને પછી જ ઘેર જઈશું...તને ખાવા સિવાય બીજું કશું સૂઝે છે?"

હું તેને જમવા મારી ફેવરિટ "વાઈલ્ડ ફાયર" માં લઇ ગયો, પણ તેને કઈ મજા આવી હોય તેવું લાગ્યું નહિ. ઘેર આવ્યા, કપડાં બદલ્યા, ને રોજની જેમ હું પીવા બેઠો, તે પણ ફ્રીઝમાંથી બે કેન લાવીને મારી સામે બેઠી. ને બોલી "આજે તો હું પણ પીશ ને તને પણ પીવા દઉં છું, કારણકે હું પિરિયડમાં છું, પણ કાલથી તને નહિ પીવા દઉં...હું સુઈ જાઉં પછી ભલે પીજે..."

"કાલે તો તું ઇન્ડિયા જાય છે..."

''ફરી પાછી એજ વાત? આમ તો હું આજે કશું પૂછવાની નહોતી, પણ આ તારું ભૂત ઉતારવું જ પડશે.." કહીને તે મારા ખોળામાં આવી ગઈ, ને બોલી "કહે, હવે મને બધું જ કહી દે.." કહીને મારા વાળમાં હાથ ફેરવ્યો. મેં લાર્જ પેગ બનાવ્યો ને એક જ શ્વાસમાં પી ગયો, તે મારા બોલવાની વાટ જોઈ રહી હતી, અને હું કઈ રીતે કહું તે વિચારી રહ્યો હતો. થોડીવારે મેં તેને ખોળામાંથી ઉતારીને બાજુમાં બેસાડી ને કહ્યું, "કહેવા કરતા તને કઈંક બતાવું.." કહીને હું બેડરૂમમાં જઈને એક પેપર લાવ્યો ને તેના ખોળામાં ફેંક્યો.

હું તેની સામે જ ઉભો હતો, તેણે પેપર વાંચ્યું, ને ઊંચે મારી તરફ પેપર હલાવીને બોલી "આ શું છે??"

"આંધળી છે? વંચાતું નથી?"

"હા વાંચ્યું, પણ તેનું શું છે?" ને કાગળ ઊંચો કરીને બોલી "આ કારણે તું મને દૂર કરવા માંગે છે?"

"હા."

"કેમ?"

"ગાંડી છે? સમજાતું નથી? હું એચઆઈવી પોઝિટિવ છું."

-------- બાકી છે....