Ghunghavta sagarnu maun in Gujarati Fiction Stories by Sapana books and stories PDF | ઘુઘવતાં સાગરનું મૌન

The Author
Featured Books
Categories
Share

ઘુઘવતાં સાગરનું મૌન

નેહા ચૂપ થઈ ગઈ. ડો. શાહ આવ્યા, "હાય ડીયર નેહા કેમ છે બેટા?" શાંતિલાલ થોડી વાર માટે બહાર ગયાં. ડો.શાહ નેહાની નસ તપાસી. બ્લડપ્રેસર માપ્યું. નેહાએ એકદમ ડોકટર શાહનાં હાથ પકડી લીધા, "ડોકટર, મેં આકાશનું ખૂન કર્યુ છે મને કોર્ટમાં લઈ જાઓ મારે જજને કહેવું છે."ડો શાહે કહ્યું,", નેહા શાંત થા. નેહા ઊલટાની એકદમ ગુસ્સે થઈ ગઈ અને ટેબલ પર પડેલો બધો સામાન નીચે ફેંકી દીધો. ફૂલદાની જોરથી ફેંકી જે ડો. શાહને વાગતાં રહી ગઈ. એમણે નર્સ ને કહ્યું નેહાને ઊંઘનું ઇન્જેક્શન આપી દે. નેહા થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ.. શાંતિલાલ જ્યારે પાછાં ફર્યા તો ડો.શાહે ઓફિસમાં બોલાવ્યા અને કહ્યુ," મિસ્ટર શાંતિલાલ તમારી વાત સાચી છે.. નેહા પોતાનું સંતુલન ગુમાવી બેઠી છે. હુંં તમને બોમ્બેનાં એક ડોકટરનું સરનામું અને નંબર આપું છું. તમે ત્યાં નેહાને લઈ જઈ ઈલાજ કરાવશો. અને હા હું એક કોર્ટના નામે પણ લેટર લખું છું કે નેહાને માનસિક અસર છે. અને કોર્ટમાં મને બોલાવશે તો પણ હું આવીશ તમે નેહાનું ધ્યાન રાખો.બસ.. "

શાંતિલાલે આશાબેનને ફોન કરી જણાવી દીધું કે બસ હવે જવાની તૈયારી કરે. આજ રાતની ફ્લાઈટથી બોમ્બે જઈએ છીએ અને નેહાનો સામાન પણ ભરવા કહ્યું કે નેહા પણ આપણી સાથે આવે છે. આશાબેન સમજી ના શક્યાં આટલી ઉતાવળ શું છે. પણ શાંતિલાલને એક મિનીટ પણ દિલ્હી રોકાવું ન હતું. એ નેહાને વ્હિલચેરમાં લઈ ઘેર આવ્યા. પ્રભાબેન નેહાને વ્હિલચેરમાં જોઈ એકદમ ઘભરાઈ ગયા. શાંતિલાલે કહ્યું, "નેહાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી હું એને હોસ્પિટલ લઈ ગયો હતો. ડોકટરે બોમ્બેના ડોકટરને બતાવવા કહ્યુ છે હું નેહાને લઈને બોમ્બે જાઉં છૂં આજ ની ફ્લાઇટમાં. તબિયત સારી થતાં મૂકી જઈશ. " પ્રભાબેન ઉદાસ થઈ ગયાં..આકાશ તો ગયો હવે નેહા પણ બોમ્બે જશે. એકલતા માણસને પાંગળો બનાવી દે છે.નેહા અર્ધા ઘેનમાં હતી. મમ્મી એનો સામાન પેક કરી લીધો. નેહા બેહોશની જેમ બેડમાં પડેલી હતી...સાંજ પડતાં કારમા ત્રણે એરપોર્ટ પહોંચી ગયાં.શાંતિલાલને દિલ્હી જલ્દી છોડવું હતું. દિલ્હી મારી દીકરીને રાસ ના આવ્યું. બધું લૂટાવીને હવે ફરી બોમ્બે જઈ રહ્યા હતાં. દસ વરસમાં જિંદગી એ કેવો પલટો લીધો હતો...

ત્રણે બોમ્બે પહોંચી ગયાં.. શાંતિલાલ તરત નેહાને ડો.શાહે બતાવેલા ડોકટર પાસે લઈ ગયાં. નેહા અર્ધા ઘેનમાં જ રહેતી હતી. કારણકે જાગે ત્યારે ચીસાચીસ કરતી હતી." ખૂન સાગરે નથી કર્યુ. ખૂન મેં કર્યુ છે મને સજા આપો. મને સજા આપો. આ હાથે ખૂન થયું છે."ડોકટર દવા આપી સુવાડી દેતાં. ડોકટર સાઈકોલોજિસ્ટ હતાં. એમણે શાંતિલાલને બધી હકીકત પૂછી કે નેહાને શાનો આઘાત લાગ્યો છે? શાંતિલાલે આકાશનાં ખૂન વિશે કહ્યું અને એ પણ કહ્યુ કે આ ખૂન નેહાના પ્રેમીને હાથે થયું છે. પણ નેહા એને છોડાવવા માટે આ રટ લીધી છે. પણ સાગરે એનો ગુનો કબૂલ કર્યો છે. ડોકટર કશું બોલ્યા નહીં...એમનાં મનમાં પણ શંકાનો કીડો હતો. આ વાર્તા પૂરી લાગતી ન હતી..

બે અઠવાડિયામાં બીજી કોર્ટની તારીખ આવી.તે દિવસે નેહા હોસ્પિટલના રૂમ માં બેસી ટીવી જોઈ રહી હતી. એ ફૂલ ગુલાબી નેહા એકદમ પીળી પડી ગઈ હતી. એનાં ઘૂંઘરાળા ચમકતાં વાળ સૂકા બરછટ દેખાતાં હતાં.આંખોમાં કુંડાળા પડી ગયાં હતાં.શરીર જાણે વરસોથી બિમાર હોય એવું લાગતું હતું. એનામાં ઊઠવાની પણ તાકાત ન હતી.પોતાનાં આત્માની સામે લડીને થાકી ગઈ હતી..આંખો કોરી કટ લાગણી વિહીન થઈ ગઈ હતી. શૂન્યમનસ્ક બની એ ટી.વી સામે જોઈ રહી હતી. ઝી ન્યુઝ ચાલી રહ્યા હતાં. ન્યુઝમાં સાગરનું નામ સાંભળીને એ ચમકી. હજુ એ એક નામ એને વિચલિત કરવા સમર્થ હતું..સમાચાર માં સાંભળ્યુ કે દિલ્હી નિવાસી મારુતિ કારનાં ડીલર આકાશ શાહ ની નિર્દયપણે હત્યા કરી સાગરકુમારે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી હતી. હત્યાનું કારણ કોઈ નીજી દુશ્મની ગણવામાં આવે છે..અને સાગરકુમારને ફાંસીની સજા કરવામાં આવી છે.સાગરકુમારે મૌન રહી ગુનો સ્વીકારી લીધો છે..આ ફાંસી શુક્રવારે મે મહિનાની ત્રીજી તારીખે સવારે પાંચ વાગે આપવામાં આવશે.

નેહા આ વખતે ચીસ ના પાડી. નર્સ જ્યારે બ્લડપ્રેસર માપવા અને દવા આપવા આવી..તો નેહાએ ખૂબ શાંતિથી પૂછ્યું." બહેન, આજ ક્યો વાર છે?" નર્સે કહ્યુ, "બુધવાર છે." નેહા આંખો બંધ કરી ગઈ. બે દિવસ પછી આ દુનિયામાં સાગર નહીં હોય. આ દુનિયા સાગર વગરની. મારાથી શ્વાસ લઈ શકાશે?? સાગર, તે મારા ઉપર ખૂબ જુલમ કર્યા. હું તને માફ નહીં કરું કદી માફ નહી કરું. તું મને જીવવાની સજા દેવા માગે છે. અને તારે છૂટી જવું છે. અને તારા બાળકો પત્ની? હું શું મોઢું બતાવીશ? એ લોકો સાગરને માગશે તો હું ક્યાંથી લાવીશ. તારે મને મરવા દેવી હતી. આકાશની સાથે. હે ભગવાન!! એનો અવાજ ગળામાં અટવાઈ ગયો," હું શું કરું હું શું કરું? ભગવાન મને રસ્તો બતાવો...મારી મગજની નસો ફાટે છે...પ્રભુ રસ્તો બતાવો..."એ શુક્રવારની રાહ જોવા લાગી...ગુરુવારે રાત્રે જ્યારે નર્સ ઊંઘની દવા આપવા આવી તો. એને નર્સને કહ્યું અહિં રાખો હું ટી વી જોઈને દવા લઈ લઈશ.

આજની રાત કાઢવી અઘરી હતી. પડખાં બદલતી રહી. આખી રાત. ટી વી ચાલું હતું. ખાસ સમાચાર આવી રહ્યા હતાં જેમાં સાગરને જેલમાંથી કાઢી ફાંસીની જગાએ લઈ જવામાં આવી રહ્યો હતો..બે કલાકમાં સાગર હતો ન હતો થઈ જશે..મારો સાગર. મારો સાગર. મારો સાગર. મૌન સાગર. ખામોશ સાગર પણ નેહાના હ્રદયમાં ઘૂઘવતાં સાગર હતાં જે મૌન થતાં ન હતાં.એણે બાજુમાં પડેલી શાલ ઓઢી. અને છૂપાતી છૂપાતી હોસ્પિટલની બહાર નીકળી ગઈ. રિક્ષા ઊભી રખાવી. બાન્દ્રા બીચ કહી બેસી ગઈ. મુઠ્ઠી માં ૧૦૦ રૂપિયા લાવી હતી તે રિક્ષા વાળાને આપી બાન્દ્રા બીચ પાસે ઊતરી ગઈ..

વિશાળ સાગર એની સામે હાથ ફેલાવી રહ્યો હતો. જાણે એનાં જ સાગરનાં હાથ હતાં. ધીરે ધીરે એ પાણી તરફ આગળ વધી રહી હતી.સાગરનો ઘૂંઘવાટ ખૂબ મીઠો લાગી રહ્યો હતો. દૂર પંખીનાં ગાવાનાં સૂર હવામાં ગૂંજી રહ્યા હતાં.સૂરજ નીકળું નીકળું થઈ રહ્યો હતો.મંદિરની ઝાલર સંભળાતી હતી. દૂર મસ્જિદમાં અઝાન થઈ રહી હતી. માદક હવા સાગર પર થઈ સુગંધ ફેલાવી રહી હતી. નેહા ધીરે ધીરે પાણીમાં આગળ વધી રહી હતી વિશાળ સાગરનાં મોજા એને ભેટવા આતુર હતા. દૂર દિલ્હી માં પાંચના ટકોરા થયાં..

સપના વિજાપુરા