‘ભાઈ તું આખો દિવસ કોની સાથે વાત કરે છે...?’ મિતેશ આટલું કહીને મારી પાસેની જગ્યામાં બેસી ગયો હતો ત્યારે હું ઘરની સામેના ચોગાનમાં મોબાઈલમાં કઈક ગડમથલ કરી રહ્યો હતો.
‘અરે યાર વીડિયોકોનની સીમ છે અને ૭૯માં રોજના ૧૦૦૦ મેસેજ ફ્રી હોય છે એટલે જેમ તેમ બધાયને મોકલ્યા કરું છું.’
‘ઓહ... મને લાગ્યું...’
‘હા હો બાપુ બસ કરો હવે... હું સમજી ગયો કે તને શું લાગ્યું હશે...? પણ હા આજે અચાનક આવો સવાલ...?’
‘મને તારો નંબર આપને...?’
‘કેમ...? અને હા મીતીયા તારી પાસે તો મારો નંબર ઓલરેડી છે જ ને, તો પછી...’
‘અલ્યા કોઈકે માંગ્યો છે એટલે... પણ છોડ તારે આપવાની જરૂર નથી.’
‘કોને... તું મારો નંબર કોને આપવાનો છે જરા કહીશ...?’
‘ના... તું તારું કામ કર્યા કર સમજ્યો...?’
‘પણ મને કહે તો ખરા કે...’ હું વધુ કાઈ બોલું એ પહેલા મિતેશ ત્યાંથી નીકળી ગયો હતો. તમને ખબર છે આ નંબર વાળી વાત પાછળથી જરા વધુ સમજાશે પણ આ તો જસ્ટ વાતનો ક્રમ જળવાય એટલા ખાતર મેં કહ્યું છે. બીજી વાત આ મિતેશ નામનો જીવનના હિસ્સા સમાન જીગરજાન દોસ્ત પણ કયા સંજોગોમાં સાથ છોડી જાય એ પણ રોચક પ્રસંગ છે.
***
‘કાલથી પરીક્ષાઓ શરુ થાય છે. હવે મને ખાસ સમય પણ નહિ જ મળે...’ પેપરના બે દિવસ બાકી હતા ત્યારે પણ એની સાથે હું કઈ ખાસ વાત કરતો ન હતો. પણ કદાચ જેના માટે તમે કઈક અજાણ્યું શબ્દાનુંબંધ અનુભવતા હોવ છો ને ત્યારે એને જે કાઈ પણ કહેવું હોય છે તે વધુ મુશ્કેલ કામ બની રહે છે.
‘ઓહ સરસ...’ એના ચહેરા પર આનંદના ભાવો હતા. ‘મતલબ પછી સાવ ફ્રી અને વેકેશનના જલસા બરાબર ને...?’
‘હા કેમ...? તું તો એમ ખુશ થઇ રહી છે જાણે વેકેશન માત્ર અમારે લોકોને જ આપવામાં આવે છે. તમારે નથી હોતું કે શું વેકેશન...?’
‘મારે પણ હોય જ ને.’
‘સાંભળ્યું છે કે તું ભણવામાં સાવ ધ્યાન જ નથી આપતી.’ મેં એને પૂછ્યું તો ખરું પણ પછી ઘડીક વાર મને એમ થયું જાણે મેં જે કાઈ પૂછ્યું હતું એ ત્યારના સમયે જરાય યોગ્ય પ્રશ્ન ન હતો. એક તરફ કોઈ છોકરી જ્યારે પોતાના ઘરના લોકોથી છુપાતા મળવા આવતી હોય ત્યારે તમારે એના સાથે એ પ્રકારની વાતો કરવાની હોય છે કે જે વાતોને તમે અન્ય કોઈ વ્યક્તિની ઉપસ્થિતિમાં નથી પૂછી શકતા. પણ હું હજુ એ નિર્ણય પર નહતો જ્યાં એવી વાતોના પણ અણસાર હોય કે જે માત્ર એકાંતમાં જ થઇ શકે.
‘ભણવા સિવાય તમારી પાસે આપણા લાયક કોઈ વાત નથી હોતી.’ એણે મો બગાડ્યું.
‘તું આજે રોજ કરતા વધુ સરસ લાગે છે. કદાચ આછેરા ચંદ્રના અજવાસમાં તારું રૂપ વધુ નીખરી રહ્યું છે.’ આવા સંજોગોમાં સ્ત્રી જાતિ માત્રને પોતાની તારીફ ગમતી હોય છે એ વિચાર સાથે મેં એને કહ્યું. જો કે ત્યારે તો મેં અમસ્થા જ વાતને બીજી દિશા આપવા કહ્યું હતું પણ સાચે જ આજે એ હતી એના કરતા વધુ મોહક લાગી રહી હતી.
‘તમારી જેમ જ.’ એણે શરમ સાથે માથું નીચે જુકાવી લીધું. ખરેખર સ્ત્રી સહજ પોતાની લાગણીઓને આંખો દ્વારા પારખી લેવાય એ પહેલા એને નીચી નજર કરીને છુપાવી લેવામાં પુરુષની સરખામણીએ વધુ આગંતુક સમાન હોય છે.
‘એક વાત પૂછું...?’ મેં સહેજ ખચકાઈને પણ પૂછી જ લીધું. આખર મારે એ વાત આજ નહિ તો કાલે અથવા ગમે ત્યારે એની સાથે કરવી તો પડશે જ એ વિચારના આવેશમાં મેં કહ્યું હતું.
‘પૂછો.’
‘આપણા વચ્ચે કઈ છે એવું તને ખરેખર લાગી રહ્યું છે...? સાચું કહું બીજી ઘણી બધી એવી વાતો છે જે મારે તારી સાથે કરવી છે પણ એ અત્યારે મને શક્ય નથી લાગતું પણ સમય આવ્યે જરૂર કરીશું.’
‘ક્યારે...?’ એના ચહેરા પર જાણવાની ઉત્કંઠા સ્પષ્ટ છતી થઇ રહી હતી.
‘કદાચ પરીક્ષા પછી.’ મેં કહ્યું ત્યારે એ મારી સામે હોવા છતા વારંવાર ફરીને પોતાના છતની સીડીઓ તરફના અંધકારમાં નજર ફેરવી લેતી હતી.
‘હું રાહ જોઇશ...’ નીચેથી આવેલા હલચલ ભર્યા અવાજના કારણે કોઈ સીડીઓ ચડીને ઉપર આવે એ પહેલા એ ભાગીને નીચે જતા જતા મને કહેતી ગઈ હતી.
***
‘મારે જલ્દી થી ઘરે જવું પડશે.’ લગભગ છેલ્લા દિવસે સ્કૂલમાંથી બહાર નીકળીને મેં મીતને કહ્યું અને હું ઘર તરફ ઝડપી ડગલા ભરતો નીકળી ગયો. બપોરનો સમય હતો અને આજે છેલ્લું પેપર પણ હેમખેમ પતિ ગયું હતું. આ સમયે કોઈને કોઈ બહાને એ મને મળવા આવતી હતી. આમારા ઘરના વચ્ચે માત્ર એક દીવાલની દુરી હતી. છત પરની એક મીટર દીવાલ કુદીને અમે મળી શકતા હતા. હું એકલો જ રહેતો હોવાથી અમારા મળવામાં ક્યારેય કોઈ સમસ્યા નડતી ન હતી. બસ એના પોતાના ઘરે જતી વખતે કોઈ એને જોઈ ના જાય એ ધ્યાન રાખવું માત્ર અગત્યનું હતું. મારા મનમાં આવા બધા વિચારો જ ચાલી રહ્યા હતા.
‘પેપર કેવું રહ્યું...?’ આ ત્રણ શબ્દો જે મિતેશે મને પૂછ્યા હતા એ જાણે ઘર અને સ્કુલના અધવચ્ચે આવતા મને સંભળાયા હતા. અથવા હું હવે એને સમજી શક્યો હતો. પણ હવે જવાબ આપવાનો કોઈ અર્થ ન હતો જ્યારે આપવાનો હતો ત્યારે હું મારી ધૂનમાં હતો.
એ દિવસે લગભગ ૫૦૦ મીટરનું અંતર મને ૫૦૦૦ કિલોમીટર જેવું લાગવા લાગ્યું હતું. જાણે મારા ચાલવાની બમણી ગતીએ મારું ઘર મારાથી વિરુદ્ધ દિશામાં ભાગી રહ્યું હતું. શા માટે હું એના વિચારોમાં આટલી હદે તડપી રહ્યો હતો એ મને ત્યારે સમજાતું જ ન હતું. એની યાદો અને એના હોવાનો અહેસાસ મારી સ્વરાને મારી સામે જીવંત રાખતો હતો. એ વ્યક્તિ જેને મારા ગામથી ૩૦૦કિમિ દુરના ગામમાં મેં જોઈ હતી. એ દિવસ, એ અહેસાસ, એ અવાજ, એ શબ્દો, સ્પંદન અને ચહેરો. મારા દિલના કોઈક ખુણામાં આજે પણ એ જીવંત પણે સચવાયેલું એનું વ્યક્તિત્વ મારા માટે શ્વાસમાં ભળતા પ્રાણવાયુ જેટલું અગત્યનું હતું. અને આ અહેસાસ જીનલના સ્વરૂપે વાસ્તવિક પણે હું અનુભવી શકતો હતો.
***
‘મારે તને કઈક કહેવું છે...?’ એણે મારા ઘરમાં આવતાની સાથે જ હાથ પકડીને મને સોફા પર ઢસડી જતા પૂછ્યું.
‘મિત્રા તું આને સાથે લઈને અહી કેમ આવી છે.’ મેં મિત્રા સામેં આડી નજર વડે જોઇને પૂછ્યું પણ મિત્રા ખાસ કાઈ કહેવાના મુડમાં લાગતી ન હતી.
‘તને મળવા...’ થોડીક વાર મારી પુસ્તકોની અલમારીમાં પુસ્તકો આગાપાછા કરીને છેવટે એક પુસ્તક કાઢીને મારી સામે અછડતી નજરે જોતા જોતા એણે કહ્યું. એ સહેજ વખત ત્યાં બેસી અને પછી ‘તમે બંને વાત કરો હું આવું.’ એમ કહીને મારા રૂમમાં ચાલી ગઈ.
‘મને મળવા...?’ મેં જીનલ સામે અજાણ પણે તાક્યા કર્યું.
‘હું જાઉં છું.’ એ ત્યાંથી જવા માટે તૈયાર થઇ જ હતી અને મિત્રાનો રસોડામાંથી અવાજ આવ્યો એટલે એ પણ એ તરફ ચાલી ગઈ.
‘કઈક કહેવાની હતી ને...?’ મેં રસોડા તરફ અચાનક ઉઠીને જતી જીનલને પૂછ્યું.
‘મારે નથી કહેવું કાઈ હવે...’ એણે મારી વાતનો સાવ ઉડાઉ જવાબ આપીને ચાલવાનું રાખ્યું.
‘ઓકે...’ હું ફરીવાર ત્યાજ સોફા પર પગ લંબાવી સહેજ પથરાઈને સુઈ ગયો.
છેલ્લા કેટલાક કલાકોથી મારા મનમાં એ જ ભૂતકાળ દોડતો હતો જે ત્યારના સમય માટે પણ વીતી ચુકેલો હતો. ‘તારે કહેવાની જરૂર નથી તારી આંખો ઘણું બધું કહે છે પણ એ શક્ય નથી.’ એ જ ભૂરી આંખો મારી સામે પટપટાવી રહી હતી. એ પ્રથમ દિવસની સ્વરા મારી સામે આવીને ઉભી હતી. અરે વિમલ તું તો યાર સાવ મને ભૂલી જ ગયો. આ લગ્ન, પ્રેમ અને ગમા અણગમા વાળા શબ્દો સાવ નિષ્ફળ જ નીવડ્યા ને...? એ કહેતી રહેતી અને હું એ ઉંચી નીચી થતી પાંપણો વચ્ચેના સમય અંતરાલના પલકવાર જેટલા સમયમાં એના ભાવો સમજવા મથતો રહેતો હતો. એને મારી બાહોમાં જકડી લેવા મન તરફડી જતું હતું. એની બંને પાંપણો જ્યારે ભેગી થતી ત્યારે એના નજરથી ઓઝલ રહી એ આંખોને ચૂમી લેવાનું મન થઇ જતું. એ રોમાંચક અહેસાસ મને જીવનના પરમાનંદનું સુખ આપતો હતો. એના ચહેરાનું નુર કઈક અદભુત ભાવનાઓ જન્માવનારું હતું. આજે પણ ભૂતકાળની વાતો મને યાદ હતી. મારે એને બધી જ વાતો કહી દેવી જોઈએ.’ મેં એ દિવસે મારા દિલને સમજાવી લીધું હતું. પણ હું ડરતો હતો. ક્યાંક સ્વરાની વાત કરતા જીનલ પણ મારાથી દુર ન થઈ જાય. સબંધો વગરનો એ લાગણીનો તાર મને ઘણીવાર એક ઊંડા સબંધના ઘટાટોપ વૃક્ષ જેવો લાગવા લાગ્યો હતો.
***
‘આઈ લવ યુ...’ એણે વાત કરતા કરતા ઓચિંતા જ મને પૂછી લીધું. એની આંખો જમીન તરફ ઢળેલી હતી અને મારી એના ચહેરા પર મંડાયેલી. અત્યાર સુધી અમે માત્ર એના અને મારા સવારના વર્તન વિશેની વાતો કર્યા કરતા હતા. અને અચાનક એણે કહ્યું.
‘પણ, એ શક્ય નથી.’ મેં એને ત્યારે કહ્યું. પણ, ખરેખર તો હું પોતે પણ અંદરથી આવું જ કઈક ઈચ્છતો હતો. જે હાલ થોડીક વાર પહેલા એણે મને કહ્યું હતું કે આઈ ફિલ ફોર હર.
‘કેમ શક્ય નથી, એ દિવસે તે જે કાઈ પણ કર્યું એ...’
‘એના માટે તો હું માફી પણ માંગી ચુક્યો છું.’
‘લાગણીઓ અને દિલમાં ઉદભવતા ભાવ સામે આ માફી જેવો તુચ્છ શબ્દ ખાસ કાઈ જામતો નથી.’ એ હવે મારી આંખોમાં આંખો સીધી પડઘાય એમ ઉભા રહીને વાતો કરી રહી હતી. આ વખતે હાલાત સાવ ઉલટા હતા એની આંખો મારી આંખો સામે હતી અને મારી જમીન તરફ ઢળેલી.
‘નજરો કેમ છુપાવે છે...?’ એણે ફરીવાર કહ્યું.
હું ત્યારે પણ સાવ અમસ્થા અને શાંત રહીને આકાશ તરફ નજર ફેરવતો રહ્યો હતો. મનના વિચારો પણ છીછરા પાણીની જેમ ઓસરી ગયા હતા. અચાનક મને કેમ એનો અસ્વીકાર કરવાનું મન થઇ રહ્યું હતું એ મને સમજમાં આવતું ન હતું. એની પાસે સહસા જ હું બેસી ગયો હતો પણ એને આપવા માટે મારી પાસે જવાબ સુધ્ધા ન હતો.
‘શું થયું...?’ એણે મારા ખભા પર હાથ ટેકવી મારા ચહેરાને પોતાની તરફ ફેરવી લીધો. એનો શ્વાસ મને અનુભવાતો હતો એણે ખેંચાતો છૂટતો શ્વાસ એની ધડકન અને અહેસાસ મને અનુભવાતો હતો. એણે એનો હાથ મારા ખભાથી વીંટાળી મારી છાતીમાં માથું મૂકી દીધું. ‘તારી ધડકન તને સાથ નથી આપી રહી.’
‘ધડકનો વાત નથી કરતી જીનલ.’
‘એ ધડકે છે. એના ધડકવામાં પણ એક ચોક્કસ પ્રકારની રીધમ હોય છે અને તારું આ રીધમનું સંગીત સંપૂર્ણ તારા વિરોધાભાવમાં ચાલી રહ્યું છે.’
‘આપણા વચ્ચે સબંધ શક્ય નથી.’ મેં જવાબ આપ્યો.
‘કેમ... આખર કયા કારણે...’
‘કારણો તો ઘણા બધા છે. જો હું આપવા બેસું તો...’
‘કયા... જરા મને કહીશ...?’
‘આપણી ઉમરમાં જ કેટલો તફાવત છે. જરીક અમથું પણ તે આ વિષે વિચાર્યું છે કયારેય...?’
‘મને પરવા નથી.’
‘તારા પરવા કરવા અથવા ન કરવાથી આ વાસ્તવિકતા બદલાઈ જતી નથી.’
‘આ વાસ્તવિકતાનો આપણા સબંધ સાથે કોઈ સબંધ છે જ નહિ તો એના વિષે વિચારવું જ શા માટે...?’
‘સબંધ છે. જીનલ સબંધ તો છે.’
‘તું કઈ વાતોને લઈને બેસી ગયો છે.’
‘હું બરાબર જ છું યાર પણ તું...’
‘હું શું...’
‘તું પાગલ થઇ ગઈ છે કે શું...?’
‘હા તને જોયા પછી, અથવા તારા...’ એણે એના હોઠ મારા હોઠ પર મૂકી દીધા અને ફરી પોતાની વાતનો દોર સાધ્યો ‘તારા ચૂમ્યા પછી.’
‘મારે એવું કાઈ પણ નથી કરવું અત્યારે, ચલ હું આમ પણ હવે ફાઈનલી જઈ રહ્યો છું.’ હું આટલું કહીને તરત નીકળી ગયો. આજની રાત મારા માટે જાણે અગ્નિ પરીક્ષા સમી બની જવાની હતી. આંખો બંધ કરતાની સાથે જ એનો ચહેરો આખો સામે ફર્યા કરતો હતો. સ્વરા અને જીનલ એકમેકમાં જ જાણે અંતરધ્યાન થઇ જતા હતા. જેના માટેની એક ઝલક નિહાળવા હું ઉતાવળો બની જતો હતો એણે મારા હોઠ પર... પણ નાં મારે એ સબંધ એની સાથે ક્યારેય રાખવાની ઝંખના જ ન હતી. હું એને બસ જોવા, જાણવા ઈચ્છતો હતો એની આંખોમાં હું સ્વરાને જીવંત બની જતા જોઈ શકતો હતો. અને જોવા માંગતો હતો એના શબ્દોમાં મારી સ્વરા મને સૂચનો આપતી હતી. હું ખરેખર એનામાં સ્વરાને જીવતી જોઈ શકતો હતો. પણ, આ પ્રેમ અને દેહના સબંધો એ પણ સ્વરા સિવાય... હું મારી અંતરીક રીતે જ આ બધું સ્વીકારી શકવા અસમર્થ હતો.
*****
લેખક – સુલતાન સિંહ
+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭
આપના અમુલ્ય સૂચનો જરૂર કમેન્ટમાં આપવા...