Premno Chokdi Gunakaar in Gujarati Love Stories by Abhishek Parmar books and stories PDF | પ્રેમનો ચોકડી ગુણાકાર...

Featured Books
Categories
Share

પ્રેમનો ચોકડી ગુણાકાર...

પ્રેમનો ચોકડી ગુણાકાર...

રિતેશ કૉલેજનો પ્રખ્યાત છોકરો હતો. જે હંમેશા મસ્તીમાં મગ્ન રહેતો. એવાં સ્વભાવનો કે જેની સાથે લોકોને રહેવું ગમે.

રિતેશ અને મયંક નજીકના મિત્રો હતાં અને લાંબા સમયથી સાથે હતાં. બન્નેએ એક જ સ્કૂલમાં સાથે ભણ્યા બાદ, એક જ કૉલેજમાં એડમિશન લીધું હતું.

બધાંની પાસે એક મિત્ર એવો હોય જ છે કે જેને આપણી દરેક વાત, દરેક રહસ્ય અને દરેક મુશ્કેલીની જાણ હોય. રિતેશ અને મયંક એક-બીજાં માટે આવાં જ મિત્રો હતાં.

રિતેશ અને મયંકની મિત્રતામાં અંજલીએ આવીને વધારો કર્યો. કૉલેજમાં આ ત્રણેય હંમેશા સાથે જ રહેતાં.

અંજલિ સરાસર સ્વભાવમાં રિતેશ જેવી જ હતી. કૉલેજની ખૂબસૂરત છોકરી (ક્વીન ઓફ ધી કૉલેજ). જેનાં પર કોલેજનાં લગભગ છોકરાઓ લટ્ટુ હોય.

કૉલેજમાં મિત્રો અને તેમની મિત્રતા જ જિંદગીને જીવંત બનાવે છે. નહીંતર, સુગંધ વિનાનું ફૂલ શું કામનું ?

રિતેશ, અંજલિ અને મયંક ત્રણેય ખાસ મિત્રો બની ગયાં હતાં. પરંતુ, આ મિત્રતાનાં છાયામાં રિતેશ અંજલીને પસંદ કરવાં લાગ્યો હતો.

રિતેશ અંજલિને પ્રેમ કરે છે તેની જાણ મયંક સિવાય કોઈને ન હતી.

મયંકને પણ કોઈ ગમતું હતું અને રિતેશને આ વાતની ખબર મયંકનાં જન્મ-દિવસે પડી.

***

મયંકનાં ઘરમાં તેનાં જન્મ-દિવસની પાર્ટી ચાલતી હતી અને તે બધાંથી દૂર જઈને બેઠો હતો.

મયંકને ઉદાસ જોઈ રિતેશ તેની પાસે જઈ બેઠો.

'કેમ ભાઈ, શું થયું?' ,રિતેશે પૂછ્યું.

'કોઈની રાહ જોવું છું. કે ક્યારે તે મારી જિંદગીમાં આવશે?' ,મયંકે કહ્યું.

'શું? કોણ છે તે?' ,રિતેશથી ઉતાવળે પૂછાયું.

'કલ્પનાં.'

નામ સાંભળીને જ રિતેશની આંખો ખુલ્લી રહી ગઈ. કેમ કે , કલ્પનાં એવી છોકરી હતી જેને "પ્રેમ" શબ્દથી કોઈ સંબંધ ન હતો. તે દેખાવે બહું સરળ અને સ્વભાવે શરમાળ હતી. ક્લાસની ટોપર. જરૂરતથી વધારે બોલે નહિં અને કોઈની સાથે વધુ રહે નહીં.

'કલ્પનાએ અહીં આવવાની ના પાડી છે. તેને પાર્ટીમાં જવું પસંદ નથી અને મને તેનાં વિના ગમતું નથી.' ,મયંક બોલતો રહ્યો.

રિતેશને બોલવાં જતો રોકી મયંકે કહ્યું, 'સાંભળ,રિતેશ, તું એક જ છે જે કલ્પનાને મનાવીને અહીં લાવી શકે છે. એ તારી દરેક વાત માને છે.'

રિતેશે કહ્યું, 'તારાં માટે હું બધું જ કરીશ. હું અત્યારે જ કલ્પનાની હોસ્ટેલ જાઉં છું અને તેને સાથે લઈને જ અહીં આવીશ.'

***

રિતેશ કલ્પનાની હોસ્ટેલ પહોંચ્યો.

તેનાં માત્ર એક વખત કહેવાથી કલ્પનાં પાર્ટીમાં આવવાં માની ગઈ.

આ જ તો પ્રેમ છે. કોઈને ગમતું બધું તમારી પસંદગી થઈ જાય છે, કોઈની એક માંગ તમારી ફરજ બની જાય છે, કોઈની ખુશીઓ તમારી પ્રાર્થનાં, કોઈનાં સપના તમારી જિંદગી અને કોઈનો સાથ તમારી આદત બની જાય છે.

એટલે જ તો, દરરોજ ચોપડીઓ સાથે જીવતી છોકરી પાર્ટીમાં જવાં માની હતી, સુંદરતાથી સૂગ ધરાવતી છોકરી અરીસામાં જોઈ મેક-અપ કરતી હતી, કોઈનાં સામે જોવાથી પણ શરમાતી તે કોઈનાં ખભા પર બે હાથ રાખીને બાઇક પાછળ બેઠી હતી. કારણ કે, આજે કલ્પનાને પાસે સામે ચાલીને તેનો પ્રેમ તેડવા આવ્યો હતો.

રિતેશ અને કલ્પનાં મયંકનાં ઘરે પહોંચ્યા.

કલ્પનાને પાર્ટીમાં મળ્યાં પછી મયંક ખુશ-ખુશાલ હતો. રિતેશ, અંજલિ, મયંક અને કલ્પનાંએ મળીને લાંબા સમય સુધી વાતો કરી.

રિતેશે અંજલિને તેની સાથે ડાન્સ કરવાં માંગ કરી. જેથી પોતે અંજલિ સાથે અને મયંક કલ્પનાં સાથે સમય વિતાવી શકે.

અંજલિ રિતેશ સાથે ડાન્સ કરતી હતી. પરંતુ તેનું ધ્યાન મયંક અને કલ્પનાં પરથી ખસતું ન હતું.

આજે મયંકનો જન્મ-દિવસ હતો. આ ખાસ દિવસે અંજલિએ મયંક સાથે એકલતામાં થોડો સમય રહેવું હતું. અંજલિ કોઈ બહાનાની શોધમાં જ હતી.

અંજલિએ રિતેશને કલ્પનાં સાથે ડાન્સ કરવાં કહ્યું અને કલ્પનાં માટે આનાથી વધુ ખુશી શું હોય?

અંજલિ મયંક પાસે આવી અને કહ્યું કે મોડી રાત થઈ હોવાથી તેને ઘરે જવું પડશે.

મયંક તેને દરવાજા સુધી છોડવાં તેની સાથે સીડીથી નીચે ઉતર્યો.

'આ..ઊ..ચ..' ,સીડી ઉતરતાં અંજલીએ પગ માચકોડાયાનો ઢોંગ કર્યો.

તેણે કહ્યું, 'મયંક, હવે મારાથી ચાલી નહીં શકાય. શું, તું મારી સાથે ઘર સુધી આવી શકીશ?'

મયંકનું મન કલ્પનાં પાસે ખેંચાતુ હતું.

'અંજલિ, હું રીતેશને કહું છું એ તારી સાથે આવશે.'

અંજલિ : 'ના, મયંક, તું જ સાથે આવ. મારે રિતેશ વિશે તારી સાથે વાત કરવી છે.'

મયંક અંજલિને બાઇક પર લઈ તેનાં ઘર તરફ ગયો.

રસ્તામાં થોડી પળો માટે કોઈ બોલતું ન હતું. અંજલિ વાત કહેવાથી ગભરાતી હતી.

મયંક : 'હા, અંજલિ, તારે રિતેશ વિશે શું કહેવું હતું?'

અંજલિ : 'રિતેશ કેટલો પાગલ છે! આપણાં પૂરાં ક્લાસને ખબર છે કે કલ્પનાં રીતેશને પસંદ કરે છે અને રિતેશ તો તેનાં પ્રેમને જોઈ પણ શકતો નથી.'

મયંક : 'શું'???'

મયંકનાં હૃદયને એક જોરથી ધક્કો લાગ્યો. એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો.

અંજલિ : 'કલ્પનાં મારી જેમ ક્યારેય પોતાનો પ્રેમ સામેથી કહેશે નહીં. આ વાત રિતેશ સામેથી જ સમજે તો વધુ સરળ રહેશે.'

મયંકે ઓચિંતા જ કહ્યું, 'શું મતલબ, "મારી જેમ"?'

અંજલિએ ગભરાતા અવાજે કહ્યું, 'મયંક કેવી રીતે કહું સમજાતું નથી. પરંતુ, મને એ પણ ખબર છે કે તું સામેથી મને ક્યારેય કહી શકીશ નહિ.'

મયંક કાંઈ બોલે તે પહેલાં હાથેથી તેના હોઠ દબાવતાં અંજલિએ કહ્યું , 'કંઈ બોલીશ નહીં. હું જ કહી દઉં છું. મયંક , હું તને પસંદ કરું છું. '

મયંકે દબાતા અવાજે કહ્યું, 'પણ...!'

અંજલિ : 'મારે જવાબ આજે નથી જોઈતો. બે દિવસ પછી હોળી છે. તું તારો પ્રેમ હોળીનાં રંગથી કહેજે.'

મયંક આજે કાંઈ જવાબ આપી પણ શક્યો ન હોત. કેમ કે જિંદગીનાં શતરંજમાં પ્રેમ કંઈક નવી જ ચાલ ચાલતો હતો.

***

બીજે દિવસે મયંકે બધી વાત રિતેશને કહી.

રિતેશ : 'મયંક, હું અંજલિને છોડી કલ્પનાને પ્રેમ કરું? કોઈ શક્યતાં જ નથી.'

મયંક : 'પરંતુ રિતેશ, કોઈ રસ્તો જ બચ્યો નથી. તું સમજ. હું કલ્પનાને, કલ્પનાં તને, તું અંજલિને અને અંજલિ મને પ્રેમ કરે છે. જો આપણે અંજલિ અને કલ્પનાની વાત નહિ માની તો આ ચકેડું ફરતું જ રહેશે. કોઈને કોઈનો પ્રેમ ક્યારેય મળશે નહીં. બધું અધૂરું જ રહી જશે.'

રિતેશ : 'તો તારું કહેવું છે કે હું કલ્પનાને સ્વીકારી લઉં અને તું અંજલિને!'

મયંક : 'હા, હું કલ્પનાને અને તું અંજલિને પ્રેમ કરે છે એ વાત આપણાં બે સિવાય કોઈ જાણતું પણ નથી. જો આપણે જીદ નહીં છોડી તો ચાર પ્રેમની આગની હોળી એકસાથે થશે અને જો તેમનાં પ્રેમને સમજીશું તો બે પ્રેમનાં રંગોની હોળી થશે.'

રિતેશ : 'સાચી વાત છે. આજે ખબર પડી કે કોઈનાં પ્રેમને સમજવો એ પણ એક સાચો પ્રેમ જ છે.'

***

હોળીનો દિવસ આવી ગયો. કોલેજનાં બગીચામાં બધાં મળીને રંગોથી હોળી રમતાં હતાં.

અંજલિ અને કલ્પનાં, મયંક અને રીતેશની રાહ જોતાં હતાં.

થોડાં સમયમાં બંને કૉલેજમાં આવ્યાં. બંન્ને નક્કી કરીને આવ્યાં હતાં કે, તેઓ પોતાનાં પ્રેમને ફાંસીએ ચડાવી, કલ્પનાં અને અંજલિનાં પ્રેમને તેમનો અધિકાર આપશે.

બધાં હોળી રમવામાં મશગૂલ હતાં. એક તરફ ગીતોનો અવાજ, હવામાં રંગોની સુગંધ, ઘાસમાં પાણીની ભીનાશ, રંગોથી રંગેલાં ચહેરાઓ, કોઈ રંગોથી ભાગતું, કોઈ કોઈને રંગ ઉડાડતું, મસ્તીભર્યું વાતાવરણ અને ઉત્સાહની કિલકારીઓ વચ્ચે હાથમા રંગ લઈને રિતેશ અને મયંક કલ્પનાં અને અંજલિ સામે આવીને ઊભાં રહ્યાં. અને તેમનાં ગાલ પર લાલ રંગ ચોપડી દીધો.

રિતેશ કલ્પનાને અને મયંક અંજલિને ભેટી પડ્યો અને કાનમાં કહ્યું, 'હું તને પ્રેમ કરું છું.'

***

પ્રેમ ઘણી બધી રીતે થઈ શકે છે. એક તો તમે કોઈને પ્રેમ કરો અને બદલામાં પ્રેમ પાછો મળે. એનાથી વધુ રસપ્રદ પ્રેમ કહેવાય જો તેને મેળવવાં બંન્નેને કસોટીનો સામનો કરવો પડ્યો હોય. એનાથી પણ વધારે મુશ્કેલીભર્યો અને તકલીફવાળો પ્રેમ હોય છે એક તરફનો. જેમાં તમે આંધળા બની કોઈને પ્રેમ કર્યે જાઓ છો. આ બધી વાત છે કોઈને પ્રેમ કરવાની. કોઈને પ્રેમ કરવો સહેલો છે, જ્યારે કોઈના પ્રેમને સમજવો, કોઈને જોઈતો અધિકાર આપવો, કોઈના પ્રેમ માટે તમારો વિચાર કર્યા વગર ઝૂકી જવું વધારે કઠિન છે. નહિં?

અભિષેક પરમાર