Panch nani addbhut vartao - 8 in Gujarati Short Stories by Anil Chavda books and stories PDF | પાંચ નાની અદભુત વાર્તાઓ 8

Featured Books
Categories
Share

પાંચ નાની અદભુત વાર્તાઓ 8

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૮)

લેખક - અનિલ ચાવડા

૧. હવાની લહેરખી

હવાની એક લહેરખી આમતેમ ઊડ્યા કરતી હતી. ઊડતી ઊડતી તે કચરાની ટોપલીમાંથી પસાર થઈ. પસાર થઈને એ જેવી બહાર આવી કે તરત એેને જોઈને બધા પોતાનું નાક દબાવવા લાગ્યા. તેણે પૂછ્યું, “તમે બધા મને જોઈને કેમ નાક દબાવી લો છો?”

માણસે કહ્યું, “કારણ કે તારામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે.”

હવાને થયું મારામાં દુર્ગંધ ક્યાંથી આવી? તે ફરતી ફરતી ફૂલની એક ટોપલી પાસે આવી. એમાંથી પસાર થઈ. પસાર થઈને બહાર આવી કે બધા જ તેને પોતાના શ્વાસમાં ભરવા લાગ્યા. ઊંડા શ્વાસ લેવા લાગ્યા. આ લહેરખીને તો ખૂબ જ મજા પડી. તે આગળ વધી તો અમુક માણસો એની સુગંધથી આકર્ષાઈને એની પાછળ આવવા લાગ્યા.

લહેરખીએ કહ્યું, “તમે કેમ મારી પાછળ આવો છો?”

માણસે કહ્યું, “તું ખૂબ જ સુગંધિત છે. તારી સુગંધ મનને પ્રસન્ન કરી દે તેવી છે.”

“પણ જ્યારે મારામાંથી દુર્ગંધ આવતી હતી ત્યારે તો બધા જ મારાથી દૂર ભાગતા હતા, આવું કેમ?” લહેરખીએ સામો પ્રશ્ન કર્યો.

પેલા માણસે શાંતિથી કહ્યું, “જ્યારે આપણામાં સુગંધ હોય ત્યારે બધા જ આપણી પાસે આવે છે !”

૨. રોગ

એક હતું એકાંત. તે એક શાંત જગ્યાએ રહેતું હતું. તે જ્યાં રહેતું હતું ત્યાં રોજ એક છોકરો અને છોકરી આવતાં અને પોતાના જીવનની સુંદર સુંદર વાતો કરતાં, મજાક-મસ્તી કરતાં, એકબીજાને પ્રેમ કરતાં, વહાલ કરતાં. આના લીધે એકાંત ખૂબ જ પ્રફુલ્લિત થઈ જતું. જ્યારે જ્યારે આ બે પ્રેમીઓ આવે ત્યારે એકાંત ખૂબ જ રંગીન અને ખુશનુમા થઈ જતું. એકાંતને ખૂબ જ મજા આવતી.

પણ એક દિવસ એવું થયું કે ખાલી છોકરો જ આવ્યો, છોકરી ન આવી. છોકરો આવીને ક્યાંય સુધી એમ ને એમ જ ગુમસૂમ બેસી રહ્યો. ન બોલે કે ન ચાલે. એકાંત પણ મૂંઝાઈ ગયું. પછી તો રોજેરોજ માત્ર આ છોકરો જ આવતો અને આવીને સૂનમૂન બેસી રહેતો. ક્યારેક એ મોટે મોટેથી રડતો, બૂમ-બરાડા પણ પાડતો, ભીંત સાથે માથાં પછાડતો; પણ એકાંતને એમાં કોઈ જ મજા ન આવતી. દિવસો જતાં આ છોકરો પણ આવતો બંધ થઈ ગયો.

એકાંતને દિવસે દિવસે ચિંતા થવા લાગી. હવે તેની પાસે કોઈ જ આવતું નહોતું. જાણે એના જીવનમાંથી બધી જ મજા ચાલી ગઈ. મસ્તી-આનંદ-પ્રફુલ્લિતતા અને હળવાશ જાણે ગાયબ જ થઈ ગયાં. હવે તેની તબિયત પણ સારી નહોતી રહેતી.

એક દિવસ એકાંતે હવાને પૂછ્યું, “જરા જોઈ જુઓને મને શું થયું છે. મારી તબિયત સારી નથી લાગતી.”

હવાએ ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને કહ્યું, “તમને તો ભયંકર રોગ થયો છે.”

રોગનું નામ સાંભળી એકાંત ધ્રૂજી ઊઠ્યું, તેણે પૂછ્યું- “શેનો રોગ?”

હવાએ એકદમ ગંભીર થઈને કહ્યું- “ખાલીપાનો !”

૩. બે સપનાં

સપનાંઓનું એક નગર હતું. એમાં અનેક સપનાંઓ રહેતાં હતાં. એમાંથી એક સપનું ખૂબ જ સફળ થયું. એની ચર્ચા આખા નગરમાં થવા લાગી. ઠેર ઠેર સફળ સપનાની જ વાતો થતી.

આ જ નગરમાં એક બીજું સપનું પણ રહેતું હતું. તે સપનું અનેક પ્રયત્નો કરવા છતાં પણ ક્યારેય સફળ થયું નહોતું. આ સપનું નિરાશ થઈ ગયું હતું અને ખૂબ જ દુઃખી રહ્યા કરતું હતું. એક દિવસ તેણે સફળ સપનાને મળવાનું નક્કી કર્યું.

નિષ્ફળ સપનું સફળ સપનાને મળ્યું, અને કહ્યું, “તમારી ચર્ચા મેં ઠેર ઠેર સાંભળી છે. તમે કઈ રીતે સફળ થયા, મને જણાવશો, તો હું પણ એમાંથી પ્રેરણા લઈ સફળ થઈ શકું.”

સફળ સપનાએ કહ્યું, “મને જે માણસે જોયું હતું, તેણે મને સાકાર કરવા માટે પુષ્કળ મહેનત કરી હતી. મને સફળ કરવા માટે તેણે રાત-દિવસ જોયા વિના પોતાનો જીવ રેડી દીધો હતો. ત્યારે હું સાકાર થઈ શક્યું.”

“મહેનત તો મારા માલિકે પણ ખૂબ જ કરી હતી, તો પછી મને કેમ સફળતા ન મળી?” નિષ્ફળ સપનાએ પ્રશ્ન કર્યો.

થોડું વિચારી લાંબો શ્વાસ ભરી સફળ સપનાએ પૂછ્યું, “તું શેનું સપનું છે?”

“હું સુગંધનું સપનું છું, પણ આજ સુધી મને માત્ર નિષ્ફળતાની દુર્ગંધ જ મળી છે.” નિષ્ફળ સપનાએ રડમસ અવાજે કહ્યું.

“તારા માલિક તને સફળ બનાવવા માટે શું કરતા હતા?” સફળ સપનાએ શાંતિથી પૂછ્યું.

“એ દરરોજ બગીચામાં જતા, સુંદર ફૂલો પાસે. પછી ઘરે આવીને સૂંઘ્યા કરતા.”

“ઘરે આવીને ફૂલો તો સૂંઘતા હતા, છતાં તને સફળતા કેમ ન મળી?”

“ના, એ ફૂલો નહોતા સૂંઘતા.”

“પણ તમે તો એમ કહ્યું કે એ ઘરે આવીને સુંઘ્યા કરતા.”

“હા, પણ એ ઘરે આવીને બગીચામાંથી જે ફૂલોના ફોટા પાડીને લાવ્યા હોય એ આખો દિવસ સૂંઘ્યા કરતા.”

સફળ સપનાના મોં પર આછું સ્મિત ફરકી ગયું. તેણે કહ્યું, “અરે યાર, આમ બગીચામાં સુંદર ફૂલો પાસે જઈને આવ્યા પછી પણ તમે એના ફોટાને જ સૂંઘો, તો સુગંધનું સપનું કઈ રીતે પૂરું થાય? એની માટે તો તમારે સ્વયં સાચ્ચાં ફૂલોને સૂંઘવાં પડે; ફોટાને નહીં !”

સુગંધનું સપનું આશ્ચર્યથી સફળ સપનાની સામે જોઈ રહ્યું.

૪. સરકારી યોજના

વાદળનું એક ટોળું હતું. તેને ધરતી પર વરસવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

એક વાદળે કહ્યું, “આ વખતે આપણે ક્યાં વરસવું છે?”

બીજા વાદળે કહ્યું, “મને તો રણ પર અને છેવાડાના સુક્કા વિસ્તારો પર વરસવાની ઇચ્છા છે, બિચારાઓને ત્યાં પાણી જ નથી પહોંચતું.”

ત્રીજા વાદળે કહ્યું, “અરે ભાઈ, એમ કંઈ આપણી ઇચ્છા પ્રમાણે આપણે થોડાં વરસી શકીએ? એ તો પવન લઈ જાય ત્યાં જઈને વરસવું પડે.”

“પણ આપણે પવનને રિક્વેસ્ટ કરીએ તો?” એક વાદળે સૂચન કર્યું.

બીજા એક વાદળે કહ્યું, “રિક્વેસ્ટ તો કરીએ, પણ પવન માને તો ને!”

“પણ ટ્રાય કરવામાં શું જાય છે?” પ્રથમ વાદળે કહ્યું.

“ચાલો તો ટ્રાય કરી જોઈએ.” બીજા વાદળે કહ્યું.

વાદળના ટોળાએ પવનને વાત કરી કે આ વખતે તો અમારે રણ પર વરસવું છે, બિચારું રણ મન ભરીને પાણી પણ નથી ભાળતું, બિચારાં ઝાડ કેવાં સુકાઈ જાય છે ત્યાં.

વાદળોની વાત સાંભળીને પવનને પણ લાગ્યું કે એમની વાત સાચી છે. એણે હા પણ પાડી, પણ થોડી વાર પછી એણે ચિંતાના સ્વરે કહ્યું, “જુઓ વાદળો, હું તો તમને લઈ જઈશ, પણ બીજો એક પ્રશ્ન ઊભો થાય છે.”

વાદળે કહ્યું, “તમે તૈયાર છો, પછી બીજો પ્રશ્ન શું?”

પવને કહ્યું, “હું તમને રણમાં લઈ જઈશ, ત્યારે જો ઊંચાં ઊંચાં વૃક્ષોથી ભરેલા હરિયાળા પર્વત આવશે તો ત્યાંનાં વૃક્ષો અને હરિયાળી તમને ખેંચી લેશે, અને ત્યાં જ તમે વરસી પડશો. ત્યારે હું કંઈ જ નહીં કરી શકું.”

પવનની વાત સાંભળી વાદળોનું ટોળું મૂંગુંમંતર થઈ ગયું. થોડી વાર પછી એક વાદળ બોલ્યું, “ભલે પણ એનો અર્થ એ નથી કે આપણે કોઈ યોજના જ અમલમાં ન મૂકવી. આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે આપણું પાણી છેક છેવાડાના વિસ્તાર સુધી અને છેક રણમાં પણ પહોંચે.”

પવન સાથે વાટાઘાટો કરીને વાદળોએ અમૃતજળની યોજના અમલમાં મૂકી.

નક્કી કર્યા મુજબ વાદળો અમૃતજળ લઈને ચાલતાં થયાં. થોડા આગળ ગયાં એટલે થોડાં લીલાંછમ અને ઊંચાં ઊંચાં વૃક્ષો આવ્યાં, તે વાદળને પોતાના તરફ ખેંચવા લાગ્યાં, પણ વાદળે ખૂબ જોર કર્યું અને ન જ વરસ્યાં.

થોડે આગળ ગયાં તો અમુક ટેકરીઓ અને લીલાંછમ બીજાં અનેક વૃક્ષો આવ્યાં, ત્યાં પણ ન વરસવા માટે વાદળોએ ખૂબ પ્રયત્ન કર્યો, પણ વૃક્ષોનું ખેંચાણ એટલું હતું કે વાદળોએ જળને ખૂબ પકડી રાખ્યું હોવા છતાં થોડું જળ ઢોળાઈ ગયું.

વાદળોએ હવે પવનને ઉતાવળ કરવા કહ્યું. પવને પણ ઉતાવળ કરી. આગળ જતાં ખૂબ જ ઊંચા પર્વતો આવ્યા, તો પવન પણ આ પર્વતમાળાઓમાં અટવાઈ ગયો. પર્વત પર અનેક ઊંચાં અને લીલાંછમ ઝાડ હતાં, વાદળ પણ ઝાડની હરિયાળીમાં ખેંચાવા લાગ્યાં અને ત્યાં જ વરસી પડ્યાં. પવન ચારેબાજુ રસ્તો શોધવા લાગ્યો. આખરે તેને રસ્તો મળી ગયો. બધાં વાદળોને લઈને તે બહાર નીકળ્યો, અને દોડાદોડ રણ સુધી પહોંચ્યો, પણ ત્યાં સુધી તો બધાં વાદળો સાવ ખાલી થઈ ચૂક્યાં હતાં.

પોતાની યોજના પાર ન પડ્યાનું વાદળોને ખૂબ જ દુઃખ થયું અને એમની આંખમાંથી એકાદ આંસુ ટપકી પડ્યું.

રણમાં એકાદ થોરને આશ્વાસન મળ્યું.

આ વખતે પણ છેવાડાના વિસ્તાર જળ વગર જ રહ્યા.

૫. રેશમનો તાંતણો

એક રેશમનો તાંતણો હતો. સ્વાભાવિક છે કે રેશમનો તાંતણો હતો એટલે એકદમ સુંવાળો હતો. દરેક માણસને પોતાની પાસે રાખવો ગમે તેવો આ તાંતણો હતો.

એક વાર એક માણસને આ રેશમનો તાંતણો મળ્યો. રેશમનો તાંતણો મળવાથી તે ખૂબ જ ખુશ થઈ ગયો. રેશમના તાંતણાને તે ખૂબ જ પસવારતો, ગાલે અડાડતો અને જીવની જેમ સાચવીને રાખતો.

ખબર નહીં કેમ? વધારે પડતી કાળજીને કારણે કે બીજી કોઈ ભૂલને કારણે કે પછી જાતે કરીને... પણ આ રેશમનો તાંતણો તૂટી ગયો. રેશમનો તાંતણો તૂટી જવાથી માણસ દુઃખી દુઃખી થઈ ગયો. તેણે કોઈ પણ હિસાબે તેને સાંધવાનું નક્કી કર્યું. પણ એવી કોઈ જ તરકીબ નહોતી કે તેને સાંધી શકાય. તેણે પોતાની રીતે લાખો કોશિશો કરી, છતાં કોઈ જ રીતે તાંતણો સંધાયો નહીં.

એક દિવસ એના ગામમાં એક જાદુગર આવ્યો. એને થયું કે આ જાદુગર પોતાના જાદુથી આ તાંતણો સાંધી આપશે. તે જાદુગર પાસે ગયો અને પોતાનો આ તાંતણો સાંધી આપવા કહ્યું. જાદુગરે કહ્યું, “આ તો સાવ સહેલું છે.” આમ કહીને જાદુગરે તૂટેલા બંને તાંતણાને સાંધી આપ્યા.

આ માણસ તો રાજી રાજી થઈ ગયો. તેણે તાંતણો હાથમાં લીધો અને જોયું તો એમાં એક ગાંઠ હતી. તેણે કહ્યું, “પણ આમાં તો એક ગાંઠ છે.”

જાદુગરે કહ્યું, “હા, રેશમનો તાંતણો તૂટ્યા પછી સાંધવામાં ગાંઠ તો રહેશે જ ને...!”

“પણ ગાંઠ રહે એ રીતે સાંધતાં તો મને પણ આવડતું હતું. મારે તો ગાંઠ ન રહે એ રીતે સાંધવો છે તાંતણો.” પેલા માણસે કહ્યું.

ત્યારે જાદુગરે શાંતિપૂર્વક વિચારીને કહ્યું, “આ સંબંધના રેશમનો તાંતણો છે. માટે એક વાર તૂટ્યા પછી એને સાંધવામાં ક્યાંક ને ક્યાંક ગાંઠ તો રહી જ જશે. હવે એક જ ઉપાય છે. તારી જાત ઓગળી જાય એ હદ સુધી તું આ તાંતણાની કાળજી લઈશ, તો કદાચ આ ગાંઠ ઓગળે તો તારાં નસીબ...!”