ઓપરેશન અભિમન્યુ:
લેખકના બે શબ્દો...
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
પ્રકરણ ૧3 લંગડો.!
પ્રગતિ મેદાન પર મેટ્રો ટ્રેન બ્લાસ્ટને આશરે દસેક દિવસનો સમય વિતી ગયો હતો. આ દરમ્યાન મારી પલ્લવી સાથેની મુલાકાત, આશરે એક અરસા બાદ રણજિત સાથે ટેલીફોન પર અમારી વાતચિત, ઘટનાની તપાસમાં બાધક બનતા પરિબળોને દુર કરવા પાછળના અમારા પ્રયાસો વગેરે નોંધનીય બાબતો હતી. આ દસ દિવસને અંતે અમે લગભગ કશું જ હાંસિલ કરી શક્યા નહતા. અંજામ સુધી પહોંચાડી શકે એવી ફક્ત એક જ કડી અમારા હાથમાં હતી અને એ કડીનું નામ એટલે રામચરણ ઉર્ફ લંગડો.!
રાઘવે પલ્લવીને તેની ચેમ્બરમાં બોલાવી શક્ય હોય તેટલી બધી જ માહિતી પ્રાપ્ત કરેલી બાદમાં હવે તે રામચરણ વિષે વધુ માહિતી મેળવવા માંગતો હતો. શાંતારામના જણાવ્યા અનુસાર હજુ જો એ જીવતો હોય તો ચોક્કસ તેના અપમૃત્યુની અફવા પાછળ ભેદી રહસ્ય હોવું જોઈએ. આ માટે અમે લોકોએ રામચરણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા.
“ઓય્ય...છોટુ, બે કટિંગ.!” અમે લોકો ચાંદની ચોક બજારે ઉભા હતા. આશરે બપોરના ૧૧ વાગ્યાનો સમય થયો હશે. હું અને રાઘવ અમારી ગાડીમાં બેઠા હતા. આજે રાઘવે જાતે ગાડી ડ્રાઈવ કરવાનું પસંદ કર્યું માટે તે અત્યારે ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો અને હું તેની બાજુની સીટ પર બેઠો હતો.
“શું વાત છે સર આજથી ચાય પીવાનું શરૂ કર્યું અને એ પણ બપોરે ૧૧ વાગ્યે.?” આ પહેલા મેં કદી રાઘવને ચાય પીતાં નહતો જોયો એટલા માટે તેને પૂછવાનું મન થયું.
“સુભાષ, શું કરું યાર ટેન્શન એટલું છે ને.! આ તારો દોસ્તાર રણજીત મને છેલ્લા દસ દિવસથી શાંતિથી સુવા જ નથી દેતો એટલે ચાંદની ચોકની ચાય પીને થોડી ઉર્જા મેળવી લઉં પછી એને જલ્દીથી પકડી લઉં.” રાઘવે કહ્યું. એટલીવારમાં મેલુઘેલું ગંજી અને એવી જ મેલીઘેલી પેન્ટ પહેરેલો ઉંચો એવો છોકરો અમારી ગાડી પાસે આવ્યો. પોતાના ખભા ઉપર તેને ગુલાબી કલરનો ગમછો રાખેલો હતો. તેના એક હાથમાં બે રકાબી અને બે કપ તથા બીજા હાથમાં ગરમ ચાયની કીટલી હતી.
“સલામ રાઘવ સાહેબ, શું વાત છે આજે અમારે અહિયાં ચાય પીવા ભૂલા પડ્યા.?...એ પણ સુભાષ સાહેબની જોડે.?” પેલા છોટુએ કહ્યું ત્યારબાદ નીચા નમીને મારી સામે જોતાં બાકીનું વિધાન પૂર્ણ કર્યું. રાઘવે જેને છોટુ કહીને સંબોધેલો એ છોટુ લંબાઈમાં ખાસ્સો એવો ઉંચો હતો. એક હાથમાંની એક રકાબી તેણે રાઘવને ધરી. રાઘવે તેને પોતાના હાથમાં લીધી. ત્યારબાદ એક કપ તેણે રકાબી પર રાખ્યો અને કીટલી વડે તેમાં ચાય રેડવા લાગ્યો. કપ પુરેપુરો ભરાઈ ગયા બાદ તેણે વધુ ચાય ઉમેરવાનું બંધ કર્યું. રાઘવે તે ચાય ભરેલ કપ-રકાબી મને આપી. એક હાથ વડે કપ ઉચકીને હું બાકીની ગતિવિધિ જોવા લાગ્યો.
“ભાઈ તારી ચાયના વખાણ આજકાલ પોલિસ ડીપાર્ટમેન્ટમાં ખુબ સાંભળ્યા એટલે હું પણ આવી પહોંચ્યો ચાય પીવા માટે.!” રાઘવે કહ્યું. આ દરમ્યાન છોટુ બીજા કપ-રકાબીમાં ચાય ભરવા લાગ્યો.
“અચ્છા તો એમ વાત છે.! પહેલા જાણ કરી હોત તો આદું-એલાઈચી વાળી મસ્ત ચાય તમ સાહેબો માટે બનાવીને લઇ આવત. આપણા કરતાર સાહેબ અને અસલમ સાહેબ મારી બનાવેલી એવી જ ચાય પીવે છે.” ચાયનો કપ પુરેપુરો ભરાઈ ગયા બાદ છોટુએ કહ્યું.
“જો છોટું તારી આ સરસ મજ્જાની ચાય તને મારા પ્રશ્નોના સહેલાઈથી ઉત્તર આપવામાં મદદ કરશે અને આજુબાજુ વાળાને આ પુછતાછ વિષે કશી શંકા પણ નહિ જાય. માટે આ પીતો જા અને હું પૂછું એનો સાચેસાચો જવાબ આપ.” રાઘવે ભરેલા કપ-રકાબી છોટુને આપ્યા. એક હાથે છોટુએ ફક્ત કપ ઉચક્યો અને આજુબાજુ જોઇને કપમાંથી ચાયની એક ચૂસકી લીધી.
“હમ્મ્મ...હવે પૂછો.!” ચાયની ચૂસકી લીધા બાદ તેણે કહ્યું.
“રામચરણના કોઈ સમાચાર છે.?” રાઘવે સીધેસીધો સવાલ પૂછ્યો.
“કોણ.?”
“લંગડો..” મેં કહ્યું.
“પેલો ટેક્સી ડ્રાઇવર.? એ તો મરી ગયો ને.? યમુનાનો પુલ કુદીને.!” છોટુએ કહ્યું અને ફરીથી આજુબાજુ જોતાં એક ચૂસકી લીધી.
“એ જીવતો છે. એના વિષે કશું જાણશ.?” રાઘવે કહ્યું જવાબમાં છોટુએ નકારમાં મોઢું ધુણાવ્યું.
“કશી માહિતી પ્રાપ્ત થાય તો જણાવજે.” રાઘવે કહ્યું. મેં ખાલી કપ-રકાબી રાઘવને આપ્યા. તેણે એ છોટુને આપ્યા અને ત્યારબાદ તેણે કારની વિન્ડો બંધ કરવા બટન દબાવ્યું.
“ઉભો સાહેબ, એક વાત કહેવાની હતી.” બંધ થતી ગ્લાસ વિન્ડોને રોકતા છોટુએ કહ્યું. રાઘવે ફરીથી વિન્ડો ખુલ્લી કરી નાખી.
“બોલ.” રાઘવે કહ્યું.
“એક માણસ રોજ સાંજે સુરજ ઢળ્યા બાદ અહી ચાય પીવા આવે છે.”
“તો.?”
“આ વ્યક્તિ કાળા કલરનો ઓવરકોટ પહેરીને આવે, એક પગે ખોડંગાતો ચાલે અને માથે ઓવરકોટનો ટોપલો ઢાંકી રાખે એટલા માટે ઓળખાતો નથી...રામચરણ પણ એ જ સમયે અહી આવતો.”
“છોટુ સીધી વાત કર મારી પાસે સમય નથી.” રાઘવે કહ્યું.
“મને શંકા છે સાહેબ એ...એ કદાચ રામચરણ જ છે.” છોટુએ કહ્યું. રાઘવની આંખો પહોળી થઇ અને તેણે મારી સામે જોયું.
“બાકી શું ચાલે.? નાનાનું ભણવાનું.?” રાઘવે અજીબ રીતે વાત ફેરવી નાખી.
“બસ સાહેબ તમારી મહેરબાની છે....એને તમારા જેવો કાબેલ અફસર બનાવવો છે.” છોટુ કદાચ ભાવુક થઇ ગયો. રાઘવ શાંત ચહેરે તેને જોઈ રહ્યો.
“સાહેબ, મેટ્રોવાળા અપરાધીઓને છોડતા નહિ. મારા પણ કેટલાક દોસ્તારો હતા એ ટ્રેનમાં. એ દિવસ પછી એમને મેં જોયા નથી. જતાં રહ્યા અમને મુકીને. એમના પરિવારનો માળો પણ વિખેરાઈ ગયો. અમારી જેમ.!” આટલું કહીને છોટુ ખરેખર રડવા લાગ્યો.
“સાંજે ચાર કપ મસ્ત મજાની આદું-એલાઈચી વાળી ચાય તૈયાર રાખજે.” આટલું કહીને રાઘવે ગ્લાસ વિન્ડો બંધ કરી અને અમે આગળ ચાલ્યા.
છોટુની વાત પરથી યાદ આવ્યું કે તે અને તેનો નાનો ભાઈ બંને મારી જેમ અનાથ બાળકો હતા. તેમના માતા-પિતા કોઈ ગેંગવોરને લીધે માર્યા ગયેલા. રાઘવ આ શહેરના કેટલાએ અનાથ બાળકોને ભણાવવાનો અને તેમના ભરણ-પોષણનો ખર્ચો પૂરો પાડતો. તે પોતાનો મોટાભાગનો પગાર આ જ કાર્યમાં વાપરતો. બદલામાં આ બાળકો તેમના ખબરી બનીને કામ કરતા. રાઘવના ખબરીઓનું નેટવર્ક આ બાળકો સિવાય પણ ક્યાય સુધી વિસ્તરેલું હતું.
***
એ દિવસની સાંજ અમારા માટે ખુબ મહત્વની હતી. એ સાંજે છોટુની ચાયની હોટેલે અમે સૌ વેશપલટો કરીને ભેગા થયા હતા. રામચરણને પકડવા માટે અમે છટકું ગોઠવ્યું. આવા બધા પ્લાન ઘડવામાં રાઘવ ખુબ એક્સપર્ટ હતો. તેણે રીક્ષા ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, હજામ, ચાયવાળાથી માંડીને ભિખારી સુધીના છુપા વેશ ધરેલા હતાં અને કેટલાય નામચીન ગુનેગારોને જેલ ભેગા કરેલા, કેટલાકનું એન્કાઉન્ટર પણ કરેલું. તેના આવા નાટકોમાં અમે પણ મહત્વનો રોલ નિભાવતા. આજે અગર જો રામચરણ પકડાય તો તેના પાસેથી ઘણી માહિતી મેળવી શકાય એમ હતી અને એના માટે રામચરણને જીવતો પકડવો પણ આવશ્યક હતું.
“ચાય પી લ્યો ચાય, ગરમાગરમ ચાય, સરસ મજ્જાની આદું-એલાઈચીવાળી ચાય.!” પોતાની પરંપરાગત પાઘડીને બદલે અમારા કરતારસિંઘે આજે માથે ગમછું વીંટળાળેલું હતું. ચાયના મોટા તપેલામાંથી ડોયા વડે ચાય ઉપરથી નીચે ફેંકીને હલાવતા તે ઓલમોસ્ટ રાડો પાડી રહ્યો હતો.
“પોલીશ કરાવી લ્યો જૂતા પોલીશ કરાવો. આવો સાહેબજી જૂતા ચમકાવી આપું.?” હોટેલની સામેના રોડ પર અસલમ લોકોના જૂતા સાફ કરી રહ્યો હતો.
“આ વખતે સરખું જોઈ લેજો હો. કાલે પંચર બનાવ્યું એ પછી ઘેરે પહોંચ્યો ત્યાં તો પાછું પંચર પડી ગયું હતું.” સાવ સાદા પહેરવેશમાં સાઇકલ પંચરની દુકાને ઉભા-ઉભા મેં કહ્યું.
“એ સાહેબજી તમારા ઘરનો રસ્તો કાંટા કે કાંકરાવાળો હશે એટલા માટે.! બાકી મારી નજર બહુ તેજ છે.” રાઘવ સાઇકલ પંચરવાળાના વેશમાં મારી સાઇકલનું પંચર બનાવતો હતો. તેણે મેલોઘેલો શર્ટ અને એવી જ પેન્ટ પહેરેલી હતી. આંખો પર બાટલીના કાંચ જેવા જાડા કાંચના ચશ્માં પહેરેલા હતા અને નકલી દાઢી-મૂંછ લગાવેલા હતા.
“હા..હા.. તમારી નજર એટલે તો કઈ કહેવું જ ના પડે. હવે જલ્દી કરો મને મોડું થાય છે.” મોટા અવાજે મેં કહ્યું. એટલામાં બ્લેક કલરનો ઓવરકોટ પહેરી, માથે ઓવરકોટનો ટોપલો ઢાંકીને એક વ્યક્તિ છોટુની ચાયની હોટલે આવ્યો. રાઘવે આંખો વડે ઈશારો કરતા મને એ તરફ જોવાનું કહ્યું. મેં એ તરફ જોયું. અહી રાઘવ કોઈ દિવસ રામચરણને મળ્યો ન હોવાથી તેને ઓળખતો ન હતો માટે અહી તે મને ઈશારા વડે તે વ્યક્તિ રામચરણ હોવા બાબતે પૂછી રહ્યો હતો. ખુબ દુર રોડની પેલે પાર ઉભેલ વ્યક્તિ વિષે રાતના આઠ વાગ્યાના અંધારામાં અનુમાન લગાવવું સહેલી વાત નથી માટે મેં આ બાબતે ચોક્કસ ન હોવાનો ઈશારો રાઘવને કર્યો. રાઘવે પણ ઇશારાથી મને ‘કોઈ વાંધો નહિ’ એવો ઈશારો કર્યો.
“સાહેબજી અડધો કપ ચાય પીવડાવી દો એટલે તમારું કામ જલ્દીથી કરી આપીશ.” રાઘવે કહ્યું.
“ઠીક, પણ હું ચાયના પૈસા પંચરના પૈસામાંથી વાળી લઈશ હો.?” મેં કહ્યું.
“કશો વાંધો નહિ સાહેબ, રોકેટસિંગ. ઓ રોકેટસિંગ.! જલ્દીથી બે કટિંગ ચાય લઇ આવ.” રાઘવે બુમો પાડતા કહ્યું. દિલની ધડકનો વધી રહી હતી. બ્લેક ઓવરકોટ પહેરેલા વ્યક્તિની આછી આકૃતિ હવે છોટુની હોટેલે ચાય પી રહી હતી. અહી રોકેટસિંગ ઉર્ફે કરતારસિંગ તથા રોડની પેલી તરફ મોચી અસલમ મારા ઈશારાની રાહ જોઇને બેઠેલા હતા એવામાં એસપી રાઘવે અમારી સ્ક્રિપ્ટની બહારનું એક્શન લીધું.
“આ રોકેટસિંગ પણ બહેરો છે, છટ્ટ મારે જ ચાય લેવા જવું પડશે.” આટલું કહેતાં તે પોતાની જગ્યાએથી ઉભો થયો અને રસ્તો ક્રોસ કરીને છોટુની ચાયની હોટેલે કરતારસિંગની બિલકુલ સામે પેલા બ્લેક ઓવરકોટવાળા વ્યક્તિની પાસે જઈને ઉભો રહ્યો.
“રોકેટસિંગ, તારા કાનનો ઈલાજ કરાવ. ક્યારનો ચાય ચાય ચિલ્લાવું છું.”
“ચાય ચાય તું કેમ ચિલ્લાવે છે, એ તો મારું કામ છેને. તું પંચર પંચર ચિલ્લાવ.”
“મેં પંચર પંચર ચિલ્લાઉંગા ગલા ફાડકે.!” આમ ગાતાં રાઘવે પેલા બ્લેક ઓવરકોટવાળા વ્યક્તિના ખભે હાથ મુક્યો અને છોટુ સામે જોયું. છોટુ પોતે ખુબ ગભરાઈ ગયેલો અને તેના કપાળે પરસેવો બાજી ગયેલો. તેણે કશું બોલ્યા વગર ફક્ત નકારમાં માથું ધુણાવ્યું.
“ઓય્ય શીટ મેન.!” રાઘવે પેલાના ખભે હાથ મુક્યો એટલે એની ચાય ઢોળાઈ જતા તે બોલ્યો.
“સોરી.” રાઘવે ગામઠી લહેકામાં કહ્યું.
“ગેટ લોસ્ટ.” અંગ્રેજની છઠી પેઢીના વારસે કહ્યું અને ત્યાંથી નીકળી ગયો. રાઘવ કશું બોલ્યો નહિ.
“યાર શીટ નો અર્થ શું થાય.?” થોડીવાર રાઘવ કરતારની સામે એમ જ ઉભો રહ્યો. કરતાર કોઈ પ્રોફેશનલ ચાય બનાવનારની માફક ચાય ઉકાળવામાં મશગુલ રહ્યો. થોડીવાર બાદ રાઘવે પૂછ્યું.
“શીટનો અર્થ થાય ટટ્ટી એટલે કે મળ.! ચલ ભાઈ રોકેટસિંગ એક ચાય મને પણ પાઈ દે.” અસલમ રસ્તો ઓળંગીને ચાયની હોટેલે ગયો. ત્યાં તેણે રાઘવના પ્રશ્નનો જવાબ આપ્યો.
“બેટેલાલ આજે અગર આ સાઇકલ પંચરવાળાના વેશમાં ન હોત ને તો તારી ટટ્ટી જરૂર નીકાળી દેત.! બ્લડી શીટ.” રાઘવે કહ્યું.
“રાઘવ સાહેબ, તમે ઉતાવળ ન કરો એને આવવામાં હજુ સમય બાકી છે અને આ વખતે એ આવે એટલે તરત હું તમને જાણ કરીશ.” છોટુએ કહ્યું. રાઘવે હકારમાં માથું ધુણાવ્યું. અસલમ ચાય પીવામાં મશગુલ હતો. થોડીવારે સૌ પોતપોતાની જગ્યાએ પાછા ફર્યા અને પોઝિશન લઇ લીધી.
ત્યારબાદ એકાદ કલાક વિતી ગઈ. અમે લોકો હરણને પકડવા સિંહો ઝાડીમાં છુપાય એમ વેશપલટો કરીને રામચરણની રાહમાં બેઠા હતા. હોટેલે આવનાર દરેક વ્યક્તિ પર અમે નજર રાખીને બેઠા હતા. દરેક પળે ઉત્સુકતા વધતી જતી હતી. એવામાં ફરી એક વ્યક્તિ બ્લેક ઓવરકોટમાં માથે ટોપલો ઢાંકીને છોટુની હોટેલે આવ્યો. અહી આ તરફ છોટુનો ઈશારો મળતા હું સાઇકલ પંચરની દુકાન પાસે ઉભેલી અમારી પોલિસ વાન તરફ ધસી ગયો અને તેને ચાલુ કરી. રાઘવ રોડ પસાર કરીને હોટેલ તરફ ગયો. અસલમ પણ તેની પાછળ ગયો. કરતારસિંગે ગમછો કાઢ્યો અને તેની કાળા રંગની પાઘડી દેખાઈ.
હું સાઇકલ પંચરની દુકાનેથી સીધો પોલીસવાનમાં બેઠો એટલે મારી આ હરકત પેલો વ્યક્તિ જોઈ ગયો. આ વખતે મે કંઇક ભૂલ કરી હોય એમ તે વ્યક્તિ-રામચરણને શંકા જતાં તેણે ચાયની પ્યાલી ફેંકી અને ત્યાંથી ભાગવા લાગ્યો. રાઘવ, કરતાર અને અસલમ પૂરી તાકાતથી એની પાછળ દોડ્યા. આગળ જતાં એ પોતાની બાઈક પર બેઠો એટલે રાઘવ, કરતાર અને અસલમે દોડવાનું બંધ કર્યું. મેં પોલીસવાનને આગળ દોરી એટલે રાઘવ પોલીસવાનમાં બેઠો. અસલમ અને કરતારએ પોતાનું બાઈક લીધું. સાંકડા રસ્તાઓ પર પણ પીછો કરવામાં આસાની રહે એ હેતુથી અમે લોકોએ આમ બે વાહન લીધેલા.
અમે લોકો રામચરણનો પીછો કરવા લાગ્યા. સાંકડા રસ્તાઓ પરથી હાઇવે પર આવ્યા એટલે રામચરણ અને અમારી બનેની સ્પીડ વધી. જાહેર રસ્તા પર ટ્રાફિક વધારે હોવાથી ફાયરીંગ કરીને રામચરણની બાઈકમાં પંચર પાડી દેવું મુનાસીબ નહતું માટે અમે લોકો તે ફરીથી સાંકડા નિર્જન વિસ્તારમાં આવે તેની પ્રતિક્ષામાં જ તેનો પીછો કરી રહ્યા.
આખરે અમારી પ્રતિક્ષાનો અંત આવ્યો, રામચરણ એક શેરીમાં વળ્યો. તે સાવ નિર્જન અને વેરાન શેરી હતી. દસેક મીટર દુર એક ઈમારત આકાર લઇ રહી હતી. તેનું માળખું તૈયાર થઇ રહ્યું હતું. રામચરણની બાઈકમાં ગોળી મારીને પંચર પાડી દેવાનો આ જ યોગ્ય સમય હતો. રાઘવ ગાડીમાંથી અડધો બહાર આવ્યો અને નિશાન સાધ્યું અને ત્યારબાદ તેણે ફાયર કર્યું. ગોળી સીધી પાછલા ટાયરમાં વાગી, પંચર પડ્યું એટલે રામચરણનું બેલેન્સ ખોરવાઈ ગયું. તે ગડથોલિયા ખાતો-ખાતો આગળ જઈને પડ્યો.
અમને એમ હતું કે રામચરણ પકડાઈ જશે પરંતુ તે પણ હાર માનવા તૈયાર ન હોય એમ ઉભો થયો અને લંગડાતો લંગડાતો બિલ્ડીંગના બેઝમેન્ટ તરફ ચાલવા લાગ્યો. રાઘવે ગાડીમાંથી ઉતરીને વધુ એક ગોળી ફાયર કરી જે સીધી રામચરણના પગમાં વાગી. તે ફરીથી એકવાર પડી ગયો પરંતુ ફરી તે હિમ્મત ન હાર્યો અને ઉભો થયો. આ વખતે ઉભા થતી વખતે તેણે પણ પોતાની રિવોલ્વર કાઢી અને રાઘવ તરફ ફાયર કર્યું. ગોળી કદાચ નિશાનો ચુકી ગઈ હોય એમ રાઘવના ડાબા ખભે લસરકો પાડતા પસાર થઇને સીધી મારા તરફ આવી. અણીના સમયે હું જો નીચે ન ઝૂક્યો હોત તો પ્રાણ ગુમાવી બેસત.
“એની માને....” અસલમે ગુસ્સામાં આવી જઈને પોતાની રિવોલ્વર કાઢી અને ફાયર કર્યું. ગોળી નિશાનો ચુકી જઈને પીલરમાં અથડાઈ.
“યાદ રાખો બોયસ મારે રામચરણને જીવતો પકડવો છે.” રાઘવે કહ્યું. અહી ખરેખર તેના કહેવાનો મતલબ કદાચ એમ હતો કે મારા સિવાય કોઈએ ફાયર કરવું નહિ. આમ પણ અસલમ ગુસ્સામાં કદાચ આડેધડ ફાયર કરી દે અને રામચરણ મરી જાય તો તેની પાસેથી મેળવવા લાયક માહિતી અમને કદી મળી શકે નહિ.
ખોળંગાતા ચાલતો રામચરણ એક ફ્લેટના માળખામાં જઈને છુપાયો. ફ્લેટની દિવાલોને હજુ પ્લાસ્ટર નહતું કરવામાં આવ્યું. બારી અને દરવાજા પણ નહતા લાગેલા એવામાં રામચરણ બારીના બાકોરામાંથી ફાયર કરવા લાગ્યો. અમે પણ ખાલી લોબીમાં લાકડાઓની પાછળ સુરક્ષિત જગ્યા લઇ લીધી. થોડીવાર સુધી બંને બાજુથી ધડાધડ ફાયરીંગ ચાલતું રહ્યું.
“બોયસ રિમેમ્બર, ડોન્ટ કિલ હિમ.” રાઘવે ફરી કહ્યું.
આ સમયે મેં એક યોગ્ય જગ્યા લીધી જ્યાંથી રામચરણના ફક્ત હાથ પર ફાયર કરવું શક્ય હતું. જો ગોળી રામચરણના હાથ પર લાગે તો તેના હાથમાંથી રિવોલ્વર છૂટી જાય અને તેને સહેલાઈથી પકડી શકાય એમ હતું. મેં નિશાન સાધ્યું અને ફાયર કર્યું પરંતુ આ શું.! ગોળી તેના હાથને બદલે સીધી છાતીમાં વાગી અને તે ઢળી પડ્યો. રાઘવ સહીત અમે ચારે જણા રામચરણ તરફ ગયા. રાઘવે તેના નાસિકાછીદ્રો પર બે આંગળી મૂકી. તે પ્રાણ ગુમાવી ચુક્યો હતો. પરસેવે રેબજેબ અને લાલગુમ નજરે રાઘવે મારી તરફ જોયું.
***
“વેલ ડન સર.! તમે એને મારી નાખ્યો.” નિહારીકાએ તાળીઓ પાડતા કહ્યું.
“એને મારવાનું નહિ જીવતા પકડી લાવવાનું હતું, બાય દ વે એ ગોળી મેં નહતી ચલાવી.!” એસપી સુભાષે કહ્યું.
“એક વધારે સસ્પેન્સ, પ્લિઝ પ્લિઝ સર આજે નહિ.” નિહારીકાએ કરગરતા કહ્યું.
“આવી માંગણી આ પહેલા કદી કરી નથી. આજે કેમ.?” આશ્ચર્ય સાથે એસપી સુભાષે પૂછ્યું.
“એમાં એવું છે ને કે આવતીકાલે મારો હેપી બર્થડે હોવાથી હું આપને નહિ મળી શકું.” નિહારીકાએ કહ્યું.
“કશો ખાસ પ્લાન.? કોઈ ખાસ વ્યક્તિથી સાથે એક હસીન શામ.”
“નહિ એવું કઈ તો નથી પણ...”
“તો પછી તૈયાર થઇ જાઓ ઓપરેશન અભિમન્યુના એક નવા સફર માટે. આઈ હોપ ઈટ વિલ બી અ વંડરફૂલ ગિફ્ટ ફોર યોર ટ્વેંટી એઈટથ બર્થડે.”
“શ્યોર.!”