Vacation a jalsa in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | વેકેશન-એ-જલસા

Featured Books
Categories
Share

વેકેશન-એ-જલસા

“વેકેશન-એ-જલસા....”

વેકેશન-એ-જલસા. હરહંમેશની જેમ વેકેશન આવે એટલે સુખી-સમૃદ્ધ-સશક્ત સુરતીલાલાઓ સંતાનોનું સ્કુલમાં સેટિંગ (વાઉઉઉ.... ‘સ’ ફેક્ટર મસ્ત લાગ્યો.)કરીને ફરવા નીકળી પડે. આખાયે ભારતમાં કોઈ એવું રાજ્ય બાકી નહિ હોય જ્યાં ‘જીજે-૫’ ની ગાડી હોય કે ના હોય પરંતુ ‘જીજે-૫’ નો સુરતીલાલો જરૂર જોવા મળશે. કમાય પણ એટલું જ મહેનત કરીને અને વાપરે પણ એટલું જ. કોઈ સાલું, ચિંગૂસ ના કહી જવું જોઈએ અને જો ભૂલથી પણ ભૂલ થઇ જાય કોઇથી તો પૈસાને પાણીની જેમ વહેવડાવીને સામેવાળાને ભીનો કરે દે એ એટલે મારો વાલીડો સુરતી. રાજસ્થાન-મહાબળેશ્વર-હરિદ્વાર-દિલ્લી-પંજાબ-કેરળ-ગોવા-ઉટી-માથેરાન-લોનાવાલા-જમ્મુ કાશ્મીર-મનાલી-સીમલા-પંચમઢી-આગ્રામાં તો જાણે પોતાનું બીજું ઘર હોય એમ જલસા કરે. ગુજરાતમાં પણ સોમનાથ-દ્વારકા-સાસણગીર-દીવ-દમણ-તીથલ-સાપુતારા-આબુ પર જ પડ્યા-પાથર્યા હોય. અને વિશિષ્ટ સમૃદ્ધિ ધરાવતી પબ્લિક સિંગાપોર-થાઇલેન્ડ-દુબઈ-કેનેડા-ન્યુઝીલેન્ડ-સ્વિઝરલેન્ડ અને.....આવા કેટલાય ‘લેન્ડ’ માં ‘લેન્ડ’ કરીને એકસ્ટ્રીમ ‘લવ’ થી ‘લાઉડ લાઈફ’ ને ‘લાઇવ’ જોઇને ‘લીવ’ કરતા જણાય.

હા, જરૂરી છે. દુનિયા આવડી મોટી છે દોસ્ત, આખી જીંદગી કદાચ નીકળી પડીએ ને જોવા (હા..કોઈક ફાઈનાન્સ કરવાવાળું હોય તો) તો પણ માત્ર એકાદ-બે ટકા જોઈ શકીએ. પૃથ્વી પર કુદરતે કોરા કાગળ પર કલરફૂલ કલાના કામણ ફેરવીને કમાલ કરી હોય એવું લાગે. અહી વાત માત્ર પૈસા ખર્ચીને દુનિયા જોવાની જ નથી, પરંતુ એ માટી-સંસ્કૃતિ-કળા-કૌશલ્ય-રીતભાત-પરંપરાગત શૈલી-ધાન્ય-ખોરાક-વેશભૂષાનું બારીકાઇથી અવલોકન કરવાનું-કૈક ત્યાની સંસ્કૃતિમાંથી નવું શીખવાનું-થોડી સારી વાતોને મનમાં ગાંઠ બાંધીને જીવનમાં ઉતારવાની-એ માટીની અલગ સુગંધને જીવનભર યાદ રહી જાય એવી રીતે એન્જોય કરી હોય તો ખુલ્લી આંખે પણ એ દ્રશ્ય જીવનના અંતિમ શ્વાસ સુધી નજર સમક્ષ ખડું થઇ જાય.

પેલો રણબીર કપૂર વાળો ડાયલોગ આપણને બહુ ગમે. ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મનો.

“મૈ ઉડના ચાહતા હું, દોડના ચાહતા હું, ગીરના ભી ચાહતા હું, લેકિન રુકના નહિ ચાહતા. નૈના, મૈ દુનિયા કા હર કોના-કોના દેખના ચાહતા હું.” હા કદાચ પર્સનલી આવું જ છે મારું પણ. આ બંદાબહાદુરને એક કેમેરો+ફાઈનાન્સ મળી જાય તો ક્યારેય પાછો ના આવે. પણ, એકદમ ‘હાઈપોથેટીકલ’ વિચારો કહી શકાય આવા બધા જે ક્યારેય સાચા થવાના નથી. એમાં રણબીર કપૂર સાહેબ થોડામાં વધારે ઓક્સીજન આપીને જતા રહે.

આજે શેર-ઓ-શાયરી ઠોકવાનું મન વધુ છે. આફ્ટરઓલ વેકેશન છે સાહેબ. કેટલીય હસીનાઓને જોઈ હશે(આંખ ફાડી-ફાડીને), એકદમ જીભે ચટકા ઉપાડે એવા વ્યંજન આરોગ્ય હશે (ઠુંસી-ઠુંસીને), કેટલાયે જોક્સ માર્યા હશે(જરા પણ હસવું ના આવે એવા), હીરોગીરી કરી હશે હોટેલમાં જમતી વખતે વેઈટર સામે(છીછરાપણું જ, જો કે એ તો), નાના છોકરાઓને રમાડવાની ટ્રાઈ પણ કરી હશે(સારું લગાડવા બીજાને), ઘર સાફ કરતી વખતે ભાભીને પણ નિહાળ્યા હશે(સ્પેસિફિક, દેવર લોકો જ), નવા નવા કપડા પહેરી ને ૫૦ વખત સરખા કાર્ય હશે(ઇન-શર્ટ નીકળી જાય તો જાણે કોઈ તમને જોવાના જ ના હોય ને..!), સામે વાળી છોકરીને ઈમ્પ્રેસ કરવા મમ્મીને દિવાળીમાં રંગોળી કરવામાં પણ મદદ કરાવી હશે(જો કે, કામ વધાર્યું હશે મમ્મીનું), ન્યુ યરના મેસેજનો વોટ્સએપ પર ઢગલો જોઇને મનોમન પોતે સેલીબ્રીટી છીએ એવું લગાડ્યું હશે(કોપી-પેસ્ટીયા મેસેજ જ એ તો રીડર બીરાદર), ફટાકડા ફોડતી વખતે થોડીક હવા મારી હશે(મને કઈ જ ના થાય એવી ‘સુપરમેન’ ફિશિયારીઓ...), કેટલાકના લાસ્ટ સીન જોઈ-જોઇને દિલમાં બળતરા ઉપડી હશે (બળતરા હોય તો, ‘ઈનો’ ૬ મિનીટ માં એસીડીટી મટાડે)...અને આવા તો ઘણાયે ડોટ-ડોટ-ડોટ.....

ખરેખર તો વેકેશન હોય અને એમાય ફરવા જવાનું હોય ત્યારે એટલું જ યાદ રાખવું કે, “લાઈફ એન્ડ સેલ્ફ”. બસ આટલું કરતા આવડી જાય તો ‘વિઝીટેડ ડેસ્ટીનેશન’ દિલ માં ‘રીચ’ થઇ જાય એ પાક્કું. પણ ખરેખર જિંદગીની ડેફિનેશન હું કહું એવી જ કદાચ હોય છે આપની જ્યાં રણબીર કપૂરના ફંડા લેશમાત્ર પણ ના ચાલે. જન્મથી મૃત્યુ સુધીનો આખો એક ડાહ્યોડમરો સામાજીક એપ્રુવલવાળો ગ્રાફ રેડી હોય છે. ત્રણ વરસે બાલમંદિર, પાંચ વરસે સ્કૂલ, સત્તર વરસે કોલેજ, બાવીસ વર્ષે નોકરી-ધંધો, ૨૫ વરસે મમ્મી-પપ્પા-ફોઈ-કાકા-માસી-મામાને ગમતા પાત્ર સાથે ગોઠવેલા લગ્ન, પછીના ત્રણ વરસે સંતાન, કરિઅરમાં પ્રમોશન, નાટક-સંગીતના કાર્યક્રમોમાં કે પ્રવાસ-પાર્ટીના બહાને પોતાનું પ્રદર્શન, સંતાનોનું રિમોટકંટ્રોલ- વડીલોની સેવા, પ્રૌઢ વયે માફકસરની અને માપસરની ભક્તિ, મંડળોની મેમ્બરશિપ, પેન્શનની ઉંમરે પ્રોપર્ટીની ડીલ અને પરિવારની જરાય લાલપીળી ન હોય એવી લીલી વાડી. ફિલોસોફર ફ્રેન્ડસ અને સહનશીલ સગાં. સમાજમાં નામ અને દસ્તાવેજમાં દામ. પછી થોડીક રોજીંદી દવાઓ ગળતાં ગળતાં ને નવી પેઢીની બરબાદીની ચિંતા કરતાં કરતાં ઢબી જવાનું! ધેટસ લાઈફ ઈન ઈન્ડિયા, નો બેટર ધેન ડેથ. આપણે ત્યાં જીંદગીને બહુ ‘વેલ પ્લાન્ડ’ બનાવી દેવામાં આવે છે. કોઈ કેઓસ (અંધાધૂંધી)ના ચાન્સ વિનાની. બધું જ આગોતરા આયોજન મુજબ થાય એવી જૈન ખાખરા જેવી ફિક્કી બેસ્વાદ બટકણી જીંદગી. એડવેન્ચર નહિ, થ્રિલ નહિ, ફ્રેશ એકસાઈટમેન્ટ નહિ!

ખેર, ચાલ્યા કરવાનું આવું ને આવું જ. ભવિષ્યના ટેન્શનમાં અને અર્થવિહીન ભણતરની આંટીઘૂંટીમાં અટવાઈને ડોબા-ઘેટા-ગમારગાંડાની જેમ ‘કન્ફ્યુઝ્ડ’ ઝીંદગી જીવવાની. ફરી પેલો ડાયલોગ, ‘૫૦ સાલ તક વહી સુખી દાલ-ચાવલ....’

ટહુકો : જિંદગીનું ચક્ર મેળાના ‘ટોરા-ટોરા’ જેવું, મશીન બંધ હોય ત્યારે જાતે ફેરવવાનો પ્રયાસ કરીએ-‘રિવોલ્યુશન’ અને ‘રોટેશન’ પણ થાય - ‘એન્ટીકલોકવાઈઝ’ અને ‘કલોકવાઈઝ’ પણ ફરે - સ્ટીલનો ડંડો પછડાય અને પગને પતરા સાથે અથડામણ પણ થાય- છેવટે ‘બસ કરો , કાકા....’ કહી જવાય-ઉતરવાનો વારો આવે ત્યારે થાય, ‘મારે હજુ જીંદગીને જોવી હતી, માણવી હતી’....