જીવન જ્ઞાન
રાકેશ ઠક્કર
જીવન ખજાનો ભાગ-૯
જયાંથી મળે ત્યાંથી જ્ઞાન લેવું
આ એ સમયની વાત છે જયારે જાણીતા ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે હાઈકોર્ટના જજ હતા. તેમને અનેક ભારતીય અને વિદેશી ભાષાઓનું જ્ઞાન હતું. તેમ છતાં નવી ભાષા શીખવાનો અને નવું નવું જાણવાનો શોખ હતો. તેમને બંગાળી ભાષા શીખવાની ઈચ્છા હતી. પણ એ માટે કોઈ વ્યક્તિ મળતી ન હતી. બંગાળી શીખવી શકે એવી વ્યક્તિની શોધમાં હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે પડોશમાં હજામત માટે જે માણસ આવે છે તે બંગાળી ભાષી છે. એટલે રાનડેએ તેને પોતાની હજામત માટે રોકવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે હજામત બનાવવા સાથે તેની પાસેથી બંગાળી ભાષા શીખી શકાશે.
હવે જયારે પણ હજામત બનાવવાનું કામ ચાલુ હોય ત્યારે રાનડે તેની પાસે બંગાળી ભાષાના શબ્દો શીખતા રહેતા. અને બંગાળી ભાષાની જાણકારી મેળવતા.
ઘણા દિવસથી રાનડેની પત્ની આ બધું જોતી હતી. એક દિવસ પત્નીએ નારાજ થઈને કહ્યું,''તમે એક હજામ પાસેથી બંગાળી શીખી રહ્યા છો. જો આ વાતની કોઈને ખબર પડી ગઈ તો તે શું વિચારશે? તમારા માન-સન્માનનો આ પ્રશ્ન છે.'' રાનડે બોલ્યા,''એમાં માન-સન્માન ઘટવાની વાત જ કયાં આવી? હું કોઈ એવું કામ જ કરી રહ્યો નથી કે કોઈનું નુકસાન થાય. કે કાયદા વિરુધ્ધનું કામ હોય. હું તો જ્ઞાનનો તરસ્યો છું અને બંગાળી ભાષા શીખી રહ્યો છું.'' પતિ એક હજામ પાસેથી ભાષા શીખે એ વાત પત્નીને યોગ્ય લાગતી ન હતી. રાનડે કહે,''જ્ઞાનની કોઈ જાતિ હોતી નથી. એ તો જેની પાસેથી અને જયારે પણ મળે ત્યારે ગ્રહણ કરી લેવું જોઈએ. જ્ઞાન મેળવવામાં નાનમ રાખવી ના જોઈએ. અને વ્યક્તિ પોતાની જાતિથી નહિ જ્ઞાનથી ઓળખાય છે.'' રાનડેની પત્નીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમની માફી માગી.
***
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે,
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે.
-રઈશ મનિયાર
***
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.- શ્રીમદ્ રામચંદ્ર
***
ભગવાનનું રૂપ
એક વખત ફકીર જુનૈદ કેટલાક લોકો સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ પોતાના કુતૂહલનો જવાબ મેળવવા ફકીર જુનૈદને પૂછયું, ''શું ભગવાન ખરેખર છે?''
જુનૈદે તરત જ કહ્યું,''હા ભાઈ, ભગવાન ખરેખર જ છે. અને તે દરેક જગ્યાએ હોય છે.'' ''જો ભગવાન ખરેખર દરેક જગ્યાએ છે તો આપણાને દેખાતા કેમ નથી? તેઓ આપણી સામે પ્રગટ કેમ થતા નથી?'' પેલી વ્યક્તિએ જિજ્ઞાસાથી પૂછયું.
''જુઓ ભાઈ, ભગવાન કોઈ વસ્તુ નથી. એ તો ફરિશ્તા છે. આપણે એમને નેક અને દયાળુ લોકોમાં જોઈ પણ શકીએ છીએ.'' જુનૈદે તેને સમજાવ્યું.
પણ એ વ્યક્તિને જુનૈદના જવાબથી સંતોષ ના થયો. અને કહ્યું,''આવું તો આપણે સદીઓથી સાંભળતા આવીએ છીએ. પણ કયારેય ભગવાનના દર્શન થયા નથી.'' જુનૈદે કહ્યું,''ભગવાનનો સાક્ષાત્કાર ઘણી વખત થાય છે પણ આપણાને તેની ખબર પડતી નથી.'' પણ પેલી વ્યક્તિને જુનૈદની વાતમાં સચ્ચાઈ ના દેખાઈ એટલે તે ચર્ચામાંથી ઊભો થઈને જવા લાગ્યો.
એટલે ફકીર જુનૈદે તેને અટકાવવા બૂમ પાડી,''ભાઈ, જરા ઉભો રહે.'' પેલી વ્યક્તિ ઉભી રહી ગઈ. અને જુનૈદ તરફ જોવા લાગી.
જુનૈદે તરત જ પોતાની નજીકમાં પડેલો એક અણીદાર પથ્થર લીધો અને પોતાના પગમાં જોરથી માર્યો. જુનૈદના પગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું.
પેલી વ્યક્તિ ચોંકી ગઈ. ગભરાઈને તે નજીક દોડી આવ્યો. અને ચિંતાથી બોલ્યો,''આ તમે શું કર્યું? તમને બહુ દર્દ થતું હશે? અરે ભાઈ, કોઈ દવા લાવો લોહીને બંધ કરીએ.'' ફકીર જુનૈદે દુઃખને ચહેરા પર લાવ્યા વગર મુસ્કુરાતા કહ્યું,''જોયું ભાઈ, મારા પગમાંથી લોહી નીકળતું જોઈને તેં પીડા અનુભવીને? એ જ રીતે આપણે ભગવાનને મનથી અનુભવી શકીએ છીએ. હકીકતમાં પીડાનું કોઈ રૂપ નથી. તે વ્યક્તિની અંદર ઘા લાગવાથી અલગ-અલગ રીતે અનુભવાય છે. એ જ રીતે ભગવાન પણ લોકોની અંદર અલગ-અલગ રીતે અનુભવાય છે.'' ફકીર જુનૈદની વાત સાંભળીને પેલી વ્યક્તિ નિરુત્તર થઈ ગઈ.
***
સૂતો છે, સુવા દે ભગવાનને નિરાંતે મંદિરમાં,
મંદિરે વારે વારે સવાર સાંજ તું ઘંટનાદ ના કર.
-નટવર મહેતા
***
હે ભગવાન! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
***
જ્ઞાન મેળવવા જનાર શિષ્ય
એક વખત વિદેશી યુવા વૈજ્ઞાનિકે શરીર વિજ્ઞાનના માધ્યમથી રંગોનો ગૂઢ અભ્યાસ કરીને કેટલાક તથ્યો શોધી કાઢયા.
આ વાતની ખબર મહાન વૈજ્ઞાનિક ર્ડા.સી.વી. રમનને પડી. તેમને ઉત્સુકતા થઈ. અને વધુ જાણકારી મેળવવાની તાલાવેલી જાગી. તે સીધા એ યુવા વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં પહોંચી ગયા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ર્ડા.રમનને પોતાની પ્રયોગશાળામાં આવેલા જોઈ યુવા વૈજ્ઞાનિક તો દંગ રહી ગયો. તેણે ર્ડા.રમનનું સ્વાગત કરીને સંકોચ સાથે તેમને બેસવા માટે વિનંતિ કરી. પણ ર્ડા.રમન બેઠા નહિ.
ર્ડા.રમનને ઊભા રહેલા જોઈ યુવા વૈજ્ઞાનિકે નમ્રતાથી કહ્યું,''સાહેબ, તમે અહીં આવ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. મેં તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે તમારા જેવા મહાન વૈજ્ઞાનિક મારી પ્રયોગશાળામાં આવશે. મહેરબાની કરી તમે સ્થાન ગ્રહણ કરો.'' ર્ડા.રમન સહજ રીતે બોલ્યા,''મારી મજબૂરીને સમજો. હું બેસી શકું એમ નથી.'' ''સાહેબ, એવી કઈ મજબૂરી છે જેના કારણે આપ મારી સામે બેસી શકતા નથી? તમે તો બધી જ રીતે મારાથી મોટા અને સન્માનનીય વ્યક્તિ છો.'' યુવા વૈજ્ઞાનિકે આશ્ચર્યથી પૂછયું.
ર્ડા.રમન મંદ રીતે હસીને બોલ્યા,''તમે રંગોમાં નવા પ્રયોગ કર્યા છે. અને એ બાબતે હું તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. એટલે તમે મારા ગુરૂ છો અને હું તમારો શિષ્ય. અને ગુરૂની સામે શિષ્ય બેસે એ યોગ્ય નથી. શું તમે મને રંગો બાબતે કંઈક જાણકારી આપશો?'' યુવા વૈજ્ઞાનિકે રોમાંચ અને પ્રસન્નતા સાથે કહ્યું,''ચોક્કસ સાહેબ, આ વાતને મારું સૌભાગ્ય સમજું છું. કહો કયારે આપને ત્યાં હાજર થાઉં?'' ર્ડા.રમન સહજ રીતે બોલ્યા,'ભાઈ, જ્ઞાન મારે મેળવવાનું છે. ગુરૂ કયારેય શિષ્યને ત્યાં જતા નથી. અને શિષ્યએ ગુરૂની પાસે જ જવું જોઈએ. તમે તમારી અનુકૂળતા મુજબ મને સમય આપો. હું આવી જઈશ.'' યુવા વૈજ્ઞાનિકના જીવનની આ સૌથી મોટી સુવર્ણ ક્ષણ હતી. તેણે ર્ડા.રમનને સમય આપ્યો અને તેમની વિનમ્રતા અને શાલીતાનો ચાહક બની ગયો.
*
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
-શેખાદમ આબુવાલા
*
ગુરૂની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા વગર પંડિત થઈ શકે છે.
***
રાજાનો પ્રજા ધર્મ
એક વખત રાજા જનક રાજમાર્ગ પરથી પસાર થવાના હતા. એમની સવારી માટે તૈયારી કરવામાં આવી રહી હતી. એમના માટે રાજમાર્ગ ખાલી કરાવવામાં આવી રહ્યો હતો. સૈનિકો રાજમાર્ગ પર કોઈને આવવા દેતા ન હતા. અને જે આવે તેને અટકાવતા હતા. સંજોગવસાત એ સમયે રાજમાર્ગ પરથી ઋુષિ અષ્ટાચક્ર પસાર થઈ રહ્યા હતા. સૈનિકોએ તેમને અટકાવ્યા અને આગળ જવાની મનાઈ ફરમાવી દીધી. પરંતુ તેમણે તેમની વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો. ત્યારે સૈનિકો તેમને રાજાની આજ્ઞાનું પાલન કરવા વિનંતી કરવા લાગ્યા.
ત્યારે તેમને ઋુષિ અષ્ટાચક્રએ કહ્યું કે મારી આ વાત રાજા સુધી પહોંચાડજો કે તેઓ બહુ ખોટું કામ કરી રહ્યા છે. રાજાનું કામ લોકોને સુખ-સુવિધા આપવાનું છે મુશ્કેલી વધારવાનું નહિ. રાજા તેમના પ્રજા ધર્મનું પાલન ચૂકી રહ્યા છે. એક ન્યાયપ્રિય અને વિદ્વાન રાજાને આ શોભતું નથી. ઋુષિ અષ્ટાચક્રની આ વાત સાંભળીને સૈનિકોએ તેમને બંદી બનાવી લીધા. અને લઈ જઈને રાજા જનક સામે રજૂ કર્યા.
રાજા જનકે ઋુષિ અષ્ટાચક્રની વાત શાંતિથી સાંભળી અને રાજ દરબારને સંબોધન કરતા કહ્યું.''હું ઋુષિના સાહસની પ્રશંસા કરું છું. તેમણે કોઈ ડર વગર અમારા ખોટા કામની જાણકારી આપીને ઉપકાર કર્યો છે. તેઓ કોઈ ગુનેગાર નથી. તેમને હમણાં જ મુક્ત કરો. તેમણે આાપણાને સાચો રસ્તો બતાવ્યો છે. તેઓ એક સાહસી સત્પુરૂષ છે એટલે તેમને દંડ નહિ પણ પુરસ્કાર મળવો જોઈએ. હું ઋુષિવરના કહ્યા પ્રમાણે મારા આચરણમાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશ. અને ભવિષ્યમાં આપણાથી આવી ભૂલ ના થાય એ માટે હું તેમને રાજ્યના રાજગુરૂનું પદ સોંપું છું. હવે પછી તે રાજકાજના મુખ્ય કાર્યો અંગે અમને સલાહ- સૂચન આપશે. અને હું એવી આરા રાખું છું કે ભવિષ્યમાં પણ રાજગુરૂ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષમાં જ પોતાનું સમર્થન આપશે. અને અમારો રાજ ધર્મ યાદ અપાવતા રહેશે.'' એ પછી રાજા જનકે ઋુષિ અષ્ટાચક્રને પ્રણામ કર્યા. ઋુષિ અષ્ટાચક્રએ તેમને ગળે લગાડયા અને આશિર્વાદ આપ્યા.
*
કેમ પરખાય, કોણ ચોર કે કોણ શાહુકાર,
વેશ બદલી રાજા નગર અહીં લૂંટવા નીકળે.
*
કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે. પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
****************