Krisha - 2 in Gujarati Short Stories by Akil Kagda books and stories PDF | ક્રિશા - 2

Featured Books
Categories
Share

ક્રિશા - 2

ક્રિશા – 2

ઓફિસમાં હતો ને ફોન વાગ્યો, લોકલ લેન્ડ લાઈન નંબર હતો. "હલ્લો?"

આ અવાજ.. હું ગમે તેટલા નશામાં હોઉં તો પણ ઓળખી શકું... પણ અહીં? લોકલ નંબરથી? કે મને ભ્રમ થાય છે ને બધે જ મને ક્રિશાનો જ અવાજ સંભળાય છે?

ખાતરી કરવા બોલ્યો "કોણ બોલો છો? ને કોનું કામ છે?"

તે તેના ચીર-પરિચિત રમતિયાળ અંદાજમાં બોલી "ડોબા હું છું."

" તું?? અહીં? કેમ આવી છે?"

"કેમ શું? ફરવા... તારા શહેરમાં... બધું બતાવીશ ને??"

" સાથે કોણ છે? અને ક્યાં છે?"

"એકલી જ છું, પ્રેસિડેન્ટ હોટેલ માં..એરિયા નું નામ ખબર નથી, રીશેપ્શન પર પૂછું?"

"મને જરૂર નથી, તને જરૂર હોય તો પુછજે, ને ટુરિસ્ટ ગાઈડ પણ માંગીને તે પ્રમાણે ફરી આવજે, હવે ફોન કરીશ નહિ, બાય.."

ફોન મુક્યો, ને લીલીને કહ્યું બધું જ કેન્સલ કર, મારી તબિયત સારી નથી, જાઉં છું, કહીને નીકળી ગયો.

મારા મગજમાં-દિલમાં ધમાસાણ મચ્યું હતું, ક્રિશા... ક્રિશા પાગલ છે? મારે માટે તે આટલે દૂર અને એકલી? તે મને એટલો ચાહે છે કે તે??

તેનામાં આટલી હિમ્મત કેવી રીતે આવી? કે તે છે જ એવી, પણ હું જાણતો નહોતો?? ઘેરથી કઈ રીતે અને શું કહીને અહીં આવી હતી? અને પૈસા? પૈસા પણ તેના માટે મોટો પ્રોબ્લેમ બન્યો હશે... પણ પૈસા મેળવવા કઈ ખાસ મુશ્કેલ પણ નહોતા, અંજન ને કહે તો તે પણ આપી દે અને મારી મમ્મીને કહે તો પણ એક પણ સવાલ વગર મળી જાય એમ હતા. આ બધું મારા માટે? એક આવારા, રખડેલ માટે? કે પછી હું જ મને અંદર એસ્ટીમેટ કરતો હતો?

અજાણ્યો દેશ, અજાણ્યું શહેર અને એકલી... હમણાં ભલે તે મારા માટે કઈ નહોતી, પણ જૂની દોસ્તી ના નાતે પણ મારે તેને એક મહેમાન તરીકે સાચવવી જોઈએ, અને ફરી સહી-સલામત તેને ઘેર પહોંચાડવી જોઈએ....

દુબઈની ટુરિસ્ટ વિસા મેળવવી અઘરી નથી, દુબઈની દરેક હોટેલ પોતાની હોટેલમાં રહેવા માંગતા દરેક ટુરિસ્ટની સ્પોન્સર બનીને તમને ઓન એરાઇવલ વિસા આપી દે છે. બસ, ટ્રાવેલ એજન્ટ પાસે જાવ, તમારી બજેટ મુજબની હોટેલ પસંદ કરો, જેટલા દિવસ રહેવું હોય તેટલા પૈસા પેઈડ કરો અને રિટર્ન ટિકિટ લઈને ફલાઇટ પકડો... હોટેલની ગાડી જ તમને હોટેલ પર લઇ જશે, અને ફરી મૂકી પણ જશે. જો એમ્બેસીમાં વિસા માટે અરજી આપો તો ઘણી ફોર્માલિટી કરવી પડે અને બે-ત્રણ મહિના નીકળી જાય છે. સરકારની નીતિ એજ કે તેની હોટેલ ઇન્ડસ્ટ્રી ધમ-ધમતી રહે...

અંજનથી કઈંક જાણવા અને માહિતી મળશે, ફોન કરીને પૂછ્યું "ક્રિશા ક્યાં છે?"

"હવે તારે તેનાથી શું? તે ગમે ત્યાં હોય..."

"ગધેડા જલ્દી બોલને..."

તે હસવા લાગ્યો, ને બોલ્યો "તારા ખોળામાં બેઠી છે ને? તેને ફોન આપ."

"ના, તે હોટેલમાં છે, અને તારામાં એટલીયે અક્કલ નથી કે એકલીને ન મોકલાય?"

"કેમ? બે-ત્રણ કલાકની ફલાઇટમાં તેને કોણ ખાઈ જાય? અને ઉતર્યા પછીતો તું છે જ ને... જોકે અહીંના બધા કામમાં હું તેની સાથે જ હતો. ને તું તેને હજુ ઘેરે કેમ નથી લઇ ગયો?"

""મેં બોલાવી છે? તે પોતાની જાતને હોશિયાર અને બહાદુર સમજે છે, ને એકલી આવી છે તો ફોડશે એનું... મારે શું?? તે ઘેરે શું કહીને કે કેવા કેવા નાટક કરીને આવી છે? અને પૈસા ક્યાંથી લાવી?

"એ બધું છોડને... તે ફક્ત તારા માટે જ આવી છે, સાલા મને તારી ઈર્ષ્યા થાય છે, તું નસીબદાર તો ખરો જ, હોં... હવે જો તારામાં પ્યાર તો નહિ પણ ઇન્સાનિયતનો છાંટોય બચ્યો હોય તો તેને ઘેર લઇ જા."

"બહુ સારું, બીજું કઈ??"

"બે-ત્રણ દિવસ તેનાથી દૂર રહેજે, તે હમણાં મેન્સીસમાં છે."

"બે-ત્રણ દિવસ શું, આજ રાતની જ ફલાઇટમાં તેને પરત ધકેલું છું, જબરજસ્તી ગળે પડેલ જવાબદારી તો પુરી કરવી પડશે ને?? તે ખોવાઈ જશે કે તેને કઈ થશે તો તમે બધા મારા માથે જ માછલાં ધોશો ને ??"

કહીને મેં ફોન કટ કર્યો, મારાથી તેને એકલી છોડી શકાય નહિ... ભલે મેં સબંધ તોડી નાખ્યો છે, પણ... ના, ના,અજાણ્યો દેશ, તેને કશું થયું તો હું મને માફ કરી શકું જ નહિ.. અને એક રીતે મારા માટે સારું જ છે, એવો વર્તાવ કરીશ અને એવું એવું બોલીશ કે તેને મારાથી નફરત થઇ જાય.. મને જ મારા પર શંકા થઇ, કરી શકીશ? ના નહિ કરી શકું, તેને ઇન્ડિયા ભેગી કરું, બસ મારી ફરજ પુરી... ને ગાડી કરામાહ એરિયા તરફ વાળી. પ્રેસિડેન્ટ હોટેલ ત્યાં જ છે. રીશેપ્શન પર ફિલિપિનો છોકરી હતી મેં પૂછ્યું "મિસ ક્રિશા ?" તો તેણે લિફ્ટ તરફ આંગળી ચીંધીને કહ્યું, સેકન્ડ ફ્લોર, ટુ ઓ સિક્સ.

હોટેલ સારી કહી શકાય તેવી થ્રિ સ્ટાર છે. અને મારી જાણીતી છે. હું ઘણીવાર તેના ટોપ ફ્લોર પર આવેલા ટીફીની જોઈંટમાં આવી ચુક્યો છું.

રૂમ નોક કર્યો, ને તેણે તરત જ ફટાક થી દરવાજો ખોલી નાખ્યો. અને ઈશુઉઉઉ........ કહીને મને વળગી પડી. હું પાછળ ધકેલાયો અને મુશ્કેલથી મારુ બેલેન્સ જાળવ્યું. તેને ધક્કો મારીને અળગી કરી, તે મને જ તાકી રહી હતી. ને હું નજર ચોરી રહ્યો હતો. બોલ્યો "ચાલ, બેગ પેક કર"

"ખોલી જ નથી, તારી જ રાહ જોતી હતી, મને ખાતરી હતી કે તું આવીશ જ, પણ મારા ધારવા કરતા પણ તું ઘણો જલ્દી આવ્યો."

"તારી મહેમાની કરવા નથી આવ્યો, કે એમ સમજીશ નહિ કે પ્યાર છે, એટલે આવ્યો, આતો તારી માનો ફોન આવ્યો કે તું નાસી ગઈ છે, તેને શોધીને પછી મોકલ, એટલે પાડોશી ધર્મ બજાવવા આવ્યો છું. તારી ટિકિટ લાવ, પહેલા આજ રાતની ફલાઇટમાં કન્ફર્મ કરાવી દઉં."

તે બેડ પર બેસી પડી, ને બોલી "મારે તારી સાથે નથી આવવું, તું જા.... હું મારી રીતે આવી છું ને મારી રીતે જ જઈશ.. હું કઈ નાની કીકલી નથી, મારો બાપ બનવાની કે મારા પર એહસાન કરવાની કોશિશ ના કર...."

સાલી ની અક્કડ અને એટિટ્યૂડ એવા ને એવા જ છે, અને એ કારણે જ તે મને ગમે છે, સોરી, ગમતી હતી. "મરજે ત્યારે... હું જાઉં છું." કહીને હું દરવાજા તરફ ગયો, મેં દરવાજો ખોલ્યો, બહાર લોબીમાં થોડીવાર ઉભો રહ્યો, પણ તે ઉભી થઇ નહિ કે કશું બોલી નહિ કે મારી સામે પણ જોયું નહિ. મારે હથિયાર ફેંકી દેવા પડ્યા, તે જિદ્દી છે, અને પોતાનું ધાર્યું જ કરશે, હું ઓળખું છું. કે પછી તે મને ઓળખે છે? તેને ખાતરી જ હશે કે હું તેને લીધા વિના જઈ શકું જ નહિ. ફરી અંદર આવ્યો, તે બેડ પર નીચું જોઈને બેઠી હતી. "ચાલને વાંદરી..આવવું છે કે નહિ? હવે ખરેખર જતો રહીશ.'' અને તેના ચાળા પાડીને બોલ્યો "હું નાની કીકલી નથી... તું કેટલી મોટી, સમજદાર અને મેચ્યોર્ડ છે તે તો મેં હમણાં જ જોઈ લીધું," ને બારણાં તરફ ઈશારો કરીને બોલ્યો "આ આઈ ગ્લાસ કેમ આપ્યો છે? અજાણ્યા શહેરમાં કોણ છે તે જોયા વગર દરવાજો ખોલાય??"

અને તેના મોં પર સ્મિત આવ્યું, ને મારી તરફ જોઈ ને બોલી "એ તો મને ખબર જ હતી કે તું જ છે, એટલે મેં ખોલી નાખ્યો હતો."

" હા, તને તો બધ્ધે બધી ખબર જ હોય છે... ચાલ કશું ખાધું કે નહિ?"

"હા, નીચે ડાઇનિંગ હોલમાં જમી આવી છું."

"મરતા મરતા ય તું ખાવાનું તો છોડે જ નહિ."

અમે નીચે આવ્યા, મેં તેની બેગ ઊંચકી હતી. રીશેપ્શન પર જઈ ને કહ્યું કે આ મારી મેહમાન છે, તે મારે ઘેર રહેશે, તેનો રૂમ ભલે સાત દિવસ માટે બુક છે, પણ તમે બીજાને આપી શકો છો, અને તે ડિપોર્ટ થશે ત્યારે હું તમને જણાવીશ. ક્રિશા બોલી "મારી પાસપોર્ટ? મારી પાસપોર્ટ લે.. તેમની પાસે છે..." કહેતી તે મારી પાછળ દોડી, મેં ચાલતા ચાલતા જ કહ્યું "ભલે તેમની પાસે રહી, તેઓ નહિ આપે, તું પાછી જઈશ ત્યારે જ આપશે."

કારમાં આગલી સીટ પર મેં તેની બેગ મૂકી અને પાછલો દરવાજો મેં તેને બેસવા માટે ખોલીને ઉભો રહ્યો, પણ તેણે આગળની સીટ પરથી બેગ લઈને પાછળ સીટ પર ફેંકી, ને તે આગળ બેસી ગઈ. મેં કશું બોલ્યો નહિ.

તે નાના બાળકની કુતુહલતા થી બહાર બધું જોઈ રહી હતી. તેણે ડેશ બોર્ડ નું ડ્રોઅર ખોલ્યું ને અંદર પડેલી ચોકલેટ ખાતા ખાતા બોલી "છી, ગરમીથી ઓગળવા માંડી છે, તારી ગાડીનું એસી કામ કરતુ લાગતું નથી, મારો હાથ બગડ્યો.." કહીને તે ચટાકા લઇ લઈને આંગળીઓ ચાટવા લાગી. તે મને ગુસ્સે કરવા ને ચીડવવા માટે જ તેમ કરી રહી હતી. તે જાણતી હતી કે કોઈ ખાતા કે જમતા આંગળા ચાટે ત્યારે મને સખત ચીડ ચઢે છે. પણ હમણાં હું કશું બોલ્યો નહિ. થોડીવારે તે ફરી બોલી "કેટલું દૂર છે?"

"છે...."

"તું તો કહેતો હતો કે તું દુબઇ આવીશ તો તને મર્સીડીસમાં ફેરવીશ..."

"મેં તને બોલાવી નથી... અને આમ પણ તારા જેવી જાડી ને બેડોળ છોકરીઓ નિસ્સાન માંથી ઉતરે તેના કરતા મર્સીડીસ માંથી ઉતરે ત્યારે વધારે ભદ્દી લાગે છે."

તે કશું બોલી નહિ, તેને ખોટું લાગ્યું હશે? ના, નહિ લાગ્યું હોય, કારણકે તે મને પાંચ વરસથી ઓળખે છે, ને તે જાણે છે કે હું આ રીતે જ વાત કરું છું. તેને ખોટું લગાડવા માટે શું કરું?

થોડીવારે તે બોલી "સાચે જ મારી માં એ તને ફોન કર્યો હતો?"

"હા."

"કરે જ નહિ ને... બતાવ તારો ફોન... હું અને તારી માસીની દીકરી દુબઇ જઈએ છીએ અને તેં જ અમને બોલાવ્યા છે, એવું કહીને આવી હતી."

"ઝૂઠી સાલી.... વાંધો નથી, હવે હું તારી માને કહું છું કે તું એકલી જ આવી છે, અને મેં તને બોલાવી જ નથી."

" કહે..."

"કહીશ... પછી."

"કેમ પછી? હમણાં જ કહે ને..." કહીને તે ખડખડાટ હસી પડી ને મારા બંને ગાલ ખેંચ્યા.

અમે ઘેર આવ્યા, લિફ્ટમાંથી નીકળતા જ સામે રાજુ મળ્યો, તે હસ્યો, મેં પણ હસી લીધું. બેડ પર ક્રિશાની બેગ મૂકી ને બોલ્યો "આ બાજુ બાથરૂમ છે, ને ત્યાં કિચન અને ફ્રીઝ છે, કશું ખાવું-પીવું હોય તો..." ટીવીનું રિમોટ શોધીને ટેબલ પર મૂકીને તેને બતાવ્યું. અને ફોન પાસે પડેલો મોટો કાગળ બતાવી ને કહ્યું "રેસ્ટોરન્ટનું લિસ્ટ અને ફોન નંબર છે, કઈ પણ જોઈએ તો જોઈને ઓર્ડર આપી દેજે, હોમ ડિલિવરી કરશે. અને જેના નામ આગળ મેં લાલ નિશાન કર્યા છે, તે મને ગમતા રેસ્ટોરન્ટ છે." અને કાગળ પર એડ્રેસ લખીને આપ્યું, "આ, અહીંનું એડ્રેસ છે, મોઢે સમજાવવા માટે... ઓર્ડર કરે તો આ એડ્રેસ આપજે, અને હિન્દીમાં જ બોલજે, હિન્દી અહીંની રાષ્ટ્રીય ભાષા છે, અને વાઈ-ફાઈનો પાસવર્ડ પણ લખ્યો છે. અને હા, પાણી ઓછું વાપરજે, અહીં પાણી પણ મીટરથી મળે છે."

"વેબ કેમમાં તું બતાવતો હતો તેવું તો આ ઘર લાગતું નથી..."

"તું પણ ક્યાં વેબકૅમમાં જોવાતી હતી એવી છે?? તારો બાપ ખાવાના ખર્ચને કઈ રીતે પહોંચી વળે છે? જરૂર લાંચ લેવાનું શરુ કર્યું હશે..."

"ઘણીવાર મને સમજ પડતી નથી કે તું સિરિયસ છે, મજાક કરે છે કે ગુસ્સામાં છે.. પણ મને એ કારણે જ તું ગમે છે."

વોલેટ કાઢીને જોયું, આમ તો મને રોકડા પૈસાની ભાગ્યે જ જરૂર પડે છે, છતાંય હું થોડા રાખું જ છું, તે બધા કાઢીને મેં ટેબલ પર મુક્યા, ને કહ્યું "ઘરમાંથી બહાર નીકળીશ નહિ, કે વેઈટર સિવાયનું કોઈ પણ આવે તો બારણું ખોલીશ નહિ, સમજી?"

"એટલે? ને તું ક્યાં જાય છે? તું મને પાલતુ ઢોર સમજીને બાંધી કે પુરી રાખવા માંગે છે?"

"હા, જોકે તારા જેવી ભેંસને તો બાંધી રાખવી પણ મોંઘી પડે, એટલે તો ઇન્ડિયામાં તમને રખડતી છોડી દેવાય છે, જાતે ચરી તો આવે...ચાલ, બધું સમજી ગઈ ને? ને હા ચાંદ સિવાય ગમે ત્યાં ફોન કરવો હોય તો લેન્ડ લાઈનથી કરજે, ચાલ હું જાઉં છું."

"તું ક્યાં જાય છે? ને ક્યારે આવીશ? મારે વાત કરવી છે."

"ઝખ મારવા જાઉં છું, ચાલ દરવાજો લોક કર.." કહીને હું નીકળી ગયો.

આમ તો મને કશું કામ કે ક્યાંય જવાનું નહોતું, પણ હું જેમ બને તેમ તેનાથી દૂર રહેવા માંગતો હતો. નીચે પાર્કિંગમાં ફરી રાજુ ભટકાયો, હસતા હસતા આંખ મારીને બોલ્યો "ઈશાનસાબ, માન ગએ , આપ ને તો દેર સે હી સહી લેકિન બહુત ઊંચા નિશાન મારા..." તે ક્રિશા વિષે બોલી રહ્યો હતો, મને ગમ્યું નહિ, કહ્યું કે મારી રિલેટિવ છે, અને ઈન્ડિયાથી આવી છે, તે સોરી સોરી કહીને હસતો હસતો જતો રહ્યો.

હું આમ-તેમ ભટકતો રહ્યો, ક્રિશા કેટલા દિવસ રહેશે? તેની બેગની સાઈઝ અને વજન થી તો એવું લાગતું હતું કે માંડ ત્રણ જોડ કપડાં હશે. મને યાદ આવ્યું, તે મેન્સીસમાં છે, હા, અંજને કહ્યું હતું. નેપકીન લાવી હશે? કે પુરા થઇ ગયા હશે? મેં નેપકીન નું પેકેટ લીધું, ને પાછો ઘેર આવ્યો, બેલ વગાડી, ક્રિશાએ મને જોયો ને બારણું ખોલ્યું. મેં તેને પેકેટ આપ્યું, તે ખુશ થઈને બોલી "મને આની સખત જરૂર હતી, હું તો ઉતાવળમાં ભૂલી જ ગઈ હતી, તું હજુ મારી તારીખો યાદ રાખે છે?" મેં કશું બોલ્યો નહિ, ને જવા લાગ્યો, તે બોલી "ડાર્લિંગ ક્યાં જાય છે? થોડીવાર મારા ખોળામાં બેસ ને...મને તારું કામ છે." પણ હું રોકાયો નહિ, ને લિફ્ટમાં ઘુસી ગયો.

દસ મિનિટ પણ નહોતી થઈને ઘેરથી ફોન આવ્યો, ક્રિશા જ હશે, "બોલ.."

"તારી સાસુનો ફોન આવે તો બકી ના નાખતો, યાદ છે ને? હું ને તારી માસીની દીકરી... અને હવે આંટી કહેવાનું બંધ કર, ને મમ્મી કહીને વાત કરજે, સમજ્યો? હું તો પાંચ વરસથી તારી મમ્મીને મમ્મી કહું છું... અને હા, તારા લેપટોપનો પાસવર્ડ શું છે?"

"કેમ?"

"મારે વેબ સર્ફિંગ કરવું છે."

"ફોન થી કર, તે મારા કામ નું છે, તેને અડીશ નહિ, પૂછ્યા વગર તું મારુ કબાટ કેમ ખોલે છે? મહેમાન છે તો મહેમાનની જેમ રહે.. બધો તારા બાપનો માલ નથી."

કહીને મેં ફોન બંધ કર્યો. લેપટોપમાં ક્રિશાના ફોટાઓ, મેસેજો, ઓડીઓ, વિડિઓ, વગેરે ભરેલા પડ્યા છે, ને ડેસ્કટોપ પર પણ તેનો જ ફોટો છે, હું ચાહતો નહોતો કે તે બધું જુએ. હું દૂર ભાગી રહ્યો હતો, કારણકે મને મારા પરથી જ વિશ્વાસ ઉઠતો જાય છે.. આ જાડી મને ક્યાંક લાગણીઓમાં વહેવડાવી ના દે... જરૂર નહોતી તો પણ અમારી બે સાઈટ પર ફરી આવ્યો, આમને આમ રાત પાડી દીધી. તે એકલી ઘેર હતી, મને તેની ચિંતા થતી હતી, પણ મન મક્કમ રાખીને એક પણ ફોન કર્યો નહિ, કે તેનો પણ આવ્યો નહિ. એક રેસ્ટોરન્ટ માં જઈને જમી લીધું. અંજનનો ફોન આવ્યો, "શું? બધું બરાબર છે ને?"

"તને બધો રિપોર્ટ આપ્યો જ હશે ને.."

"હા, થોડીવાર પહેલા જ તેનો ફોન હતો, તું હમણાં ક્યાં છે? સાલા ઘેર જા ને... કે પછી?? તું કોઈ સારા ડોક્ટરને કેમ બતાવતો નથી?"

આગળ સિગ્નલ હતો, બ્રેકની જગ્યાએ ગેસ પેડલ દબાઈ ગયું..સહેજમાં આગળ ઉભેલી કાર સાથે ઠોકાતાં બચ્યો.

મોડી રાતે ઘેર આવ્યો, ક્રિશા સુઈ ગઈ હશે, લોકમાં ચાવી ફેરવી, ચુપચાપ ઘરમાં જઈને સુઈ જવાનો મારો પ્લાન પડી ભાંગ્યો.. ક્રિશા એ અંદરથી સ્ટોપર મારી રાખી હતી. મેં બેલ વગાડું તે પહેલા જ ક્રિશા બારણું ખોલીને ઉભી હતી.

મેં તેની સામે જોયા વગર તેની બાજુમાં થઈને અંદર જતો રહ્યો. તે પાછળ આવીને બોલી "કેટલું મોડું કર્યું? હું તો ભૂખે મરી ગઈ."

મને સખત ગુસ્સો આવ્યો "શું? તે કશું મંગાવીને ખાધું નથી? હું તો જમીને આવ્યો છું. તને કહીને નહોતો ગયો? સાલી, જતા પહેલા તને અડધો કલાક ભાષણ શેનું આપ્યું હતું? હવે સાડા અગિયારે તારો બાપ ડિલિવરી કરશે?"

તે કશું બોલ્યા વગર સોફા પર બેસી ગઈ, તેની આંખમાં આંસુ ઉભરાતા હતા અને ગાલ પર પડવા માટે પાછળ આવતા બીજા આંસુની વાટ જોતા હતા. તેને મારા શબ્દોને કારણે ખોટું લાગ્યું હતું? ના, તે જાણે છે કે હું આ રીતે જ બોલું ને વાત કરું છું. તે હું જમીને આવ્યો તેને લીધે રડતી હતી, તે હું સમજી ગયો. મારી ઢીંગલી મારી વાટ જોઈને ભૂખી બેસી રહી, અને હું.. મને મારા વર્તાવ પર પસ્તાવો થયો, "ચાલ, તૈયાર થા..."

"ના, મને ચાલશે, મને ભૂખ તો લાગતી જ નથી, ને ફ્રીઝમાં ચોકલેટ અને જ્યુસ-ફ્રૂટ્સ તો છે જ."

મેં તેનો હાથ ખેંચી ને ઉભી કરી, ને બોલ્યો "ચાલ ને... અકળાયેલો છું, વધારે દિમાગ ખરાબ ના કર, નહિ તો ઠોકવા જ માંડીશ... અને તારા જેવીને જો ભૂખ ન લગતી હોય તો પછી કોને લાગે?"

અમે જમી આવ્યા, અમે નહિ તે, હું તો જમીને જ આવ્યો હતો. રસ્તામાં કે રેસ્ટોરન્ટમાં કશી ખાસ વાત થઇ નહિ. તેનું થોબડું હજુ ચઢેલું જ હતું. કારમાં તેણે એફએમ રેડીઓ ચાલુ કર્યો, મેં બંધ કર્યો "માથું દુખે છે, વધારે ના ચઢાવ..."

તો તેણે ફરીથી ચાલુ કર્યો, ને વોલ્યુમ પણ મોટું કર્યું. કઈ ફાયદો નથી, હું કશું બોલ્યો નહિ.

ઘેર આવીને હું બેડરૂમમાં કપડાં બદલી આવ્યો, ને સોફા પર બોટલ ને બધું લઈને બેઠો. ક્રિશા પણ કપડાં બદલીને મારી સામે આવીને બેઠી. મેં કહ્યું "નેપકીન બદલ્યું?"

"ના, કેમ સ્મેલ આવે છે?" કહીને તે બાથરૂમમાં જતી રહી.

હું પીતો રહ્યો, સાલી હવે મારી ઉલટ તપાસ શરુ કરશે.... તે એટલે જ આવી છે, ક્યાં સુધી હું તેની આંખોથી ભાગતો રહીશ? તેની આંખોમાં જાદુ છે, પકડી પાડશે....

તે બાથરૂમમાંથી આવીને ફરી મારી સામે બેઠી ને મને જ તાકી રહી હતી. બોલી "બદલી આવી..."

"તને પણ પીવું હોય તો કિચન માંથી ગ્લાસ લઇ આવ."

"ના."

"બિયર પીશ?"

"હા."

"ફ્રીઝ માંથી લઇ આવ."

પણ તે ઉભી થઇ નહિ, મેં ઇશારાથી જ ફરી તેને બિયર લાવવા કહ્યું, તો તે બોલી "તું જ તો કહ્યું હતું કે હું મેહમાન છું.."

હું ઉભો થઈને તેને બિયરનું કેન લાવી આપ્યું. પૂરું કરીને તે બોલી "હવે આપણે વાત કરી લઈએ?"

મારા ધારવા કરતા ઘણી ઝડપથી તેણે બિયર પૂરું કર્યું હતું. આમ તો તેણે ઘણીવાર મારી સાથે પીધું છે, પણ કહેવા પૂરતું જ.. એક કેન તે બે કલાકે પણ પૂરું કરતી નહોતી. મેં કહ્યું "બીજું લાવું?"

"હા"

હું ઉભો થયો ને સહેજ લથડયો, ને મારો ઢીચણ ટેબલ સાથે ટીચાયો, તે તાળી પાડીને ખીલખીલાટ હસી પડી, "સાલા, હજમ નથી થતું તો શું કામ પીએ છે?"

હું બીજું કેન તેની સામે મુકતા બોલ્યો "મિરરમાં તારું મોઢું ને તારી આંખ જો, સુજી ગયું છે, પછી કહે કે કોને હજમ નથી થતું."

તે બીજું કેન પણ અડધું ખાલી કરી ગઈ, બોલી "હા તો, આપણે વાત કરી લઈએ?"

"હમણાં મારો મૂડ નથી, ને મારી પાસે કરવા જેવી કઈ વાત પણ નથી. જા હવે, મારી માસીની દીકરી અને તું બેડરૂમમાં સુઈ જાવ..."

"હા તો, વાંધો નથી, આપણે કાલનો પ્લાન તો બનાવી લઈએ..ક્યાં ક્યાં ફરવા લઇ જઈશ? ને કેટલા વાગ્યે નીકળવું છે? ને મને રીઅલ મેક્સિકન અને ચાઇનીસ ફૂડ ખાવું છે."

"હું નવરો નથી, ઓફિસથી ડ્રાઇવર અને ગાડી મોકલીશ, આખો દિવસ તારી સાથે રહેશે ને તને બધે ફેરવશે. અને મને સાચું કહે કે તારા બાપાને તારો ખાવાનો ખર્ચ પોસાય છે? જો તારા જેવી બે દીકરીઓ હોય તો દેવાળું જ ફૂંકવું પડે..."

"ગોળ ગોળ ફેરવીને મૂળ વાતને આડે પાટે ચડાવવાની તારી ટ્રીક મારી સામે નહિ ચાલે.... ડ્રાઈવર તારા જેટલો હેન્ડસમ છે? નથી ને?? મને તું જ ફેરવીશ.. તારા કામ પછી આપણે જઈશું, રોજ ભલે એક એક જગ્યાએ જવાય.. આપણને શું ઉતાવળ છે? ને તું રોજ બંને ટાઈમ હોટલનું જ ખાય છે? મને નહિ ફાવે..કાલે તો આપણે ફક્ત કિચન ની જ શોપિંગ કરીશું...."

"સુઈ જા.. તારાથી બરાબર બોલાતું નથી, તારી જીભ જાડી થઇ ગઈ છે, ને થૂંક ઉડે છે, તને ચઢી ગઈ છે."

"હા, મને પણ લાગે છે, હું જાઉં છું, પણ કાલનું આપણું નક્કી, હોં.... તું પણ ચાલ ને... હું ડાબી બાજુ સૂઈશ."

"હા, તું જા, હું આવું છું."

તે ઉભી થઇ, ને સોફા અને દીવાલનો ટેકો લેતી લેતી બેડરૂમમાં ગઈ. મેં ત્યાં સોફા પર જ લાઈટ બંધ કરીને લંબાવી દીધું.

ક્રિશા..... ક્યારે જશે? મને તોડી નાખશે.... સાચી વાત જાણ્યા વગર તે જશે નહિ, ને તે જાણ્યા પછી પણ તે મને નહિ છોડે...તે બરબાદ થઇ જશે.. અને હું જોતો રહી જઈશ....

હું ઉઠ્યો, બેડરૂમની લાઈટ ચાલુ હતી. ક્રિશા બેફામ, ચટ્ટીપાટ, બેડ પર ફેલાઈને પડી હતી. તેના બંને પગ નીચે લબડતા હતા. મને તેને ભેટીને સુઈ જવાનું મન થયું.. હું નજીક જઈને તેને જોવા લાગ્યો, ક્રિશા વગર હું અધૂરો હતો. અને ક્રિશા મારી સાથે પુરી, ખલાસ થઇ જવાની હતી.. હું અધૂરો જ સારો. હું જ્યાં જઈ રહ્યો હતો, ત્યાં ક્રિશા ને લઇ જઈ શકું તેમ નહોતું. અને તે મારી વાત માનીને રોકાય એવી પણ નથી.. તેને તો ધુત્કારી, અપમાનિત કરીને, તેના સ્વમાન પર ચોટ કરીને જ તેને મારાથી દૂર કરી શકાય તેમ હું માનતો હતો. પણ....

મેં તેના પગ ઊંચકીને બેડ પર સીધા મુક્યા, એસી સ્લો કર્યું, અને કબાટમાંથી બ્લેન્કેટ કાઢીને તેને ઓઢાડ્યું, ને તેના ગાલે હાથ ફેરવીને જતો હતો કે તેણે મારો હાથ પકડી લીધો, તેની આંખો બંધ હતી, તે બોલી "ઈશુ, ડાબી બાજુ હું સૂઈશ..." તે નશામાં હતી. તેનો હાથ છોડાવી, લાઈટ બંધ કરીને હું સોફા પર સુઈ ગયો. મને ઊંઘ આવી નહિ. રાતમાં પણ બે-ત્રણવાર ઉઠીને ક્રિશા ને જોઈ આવ્યો, તેનું બ્લેન્કેટ સરખું કરી આવ્યો. જો ચાર દિવસ પહેલા ક્રિશા આવી હોત તો? હું નાચતો, પાર્ટીઓ કરતો, દોસ્તોને બોલાવીને દરેકને ક્રિશા બતાવતો, ઓફિસમાં થોડા દિવસની રજા કરી દેતો, ને તેની સેવામાં જ લાગી જતો, તેનો પડતો બોલ ઝીલી લેતો, સમજો કે હું તેનો ગુલામ બની જતો. પણ આજે? તેને એકલી ઘરમાં બંધ કરીને હું રખડતો રહ્યો... તે મારી વાટ જોઈને ભૂખી બેસી રહી, અને હું જમીને આવ્યો.... ક્રિશા ને આનાથી વધારે દુઃખી કરી નાખવાની હિમ્મત હવે મારામાં નથી, તેનું અપમાન, અવહેલના કરવા જેટલું પુરુષાતન પણ મારામાં નથી....

ના, ના બસ હવે જરાય નહિ.. તે મારી મહેમાન છે, અને તે રીતે જ રાખીશ.. તેને જરાય તકલીફ પડે એવું કશું હું નહિ કરું.. અને યોગ્ય મોકો મળતા જ તેને બધું સાચું કહીને મને છોડી જવા માટે સમજાવીશ...

------- બાકી છે....