Satya na Prayogo Part-3 - Chapter - 6 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-3 - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-3 - 6

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. સેવાવૃત્તિ

મારો ધંધો ઠીક ચાલતો હતો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, કંઈક શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવા ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.

એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો.

તેને ખાવાનું આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.

પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ નહોતી, મારી હિંમત નહોતી. મેં તેને ગિરમીટિયાઓને અંગે ચાલતી સરકારી ઈસ્પિતાલમાં મોકલ્યો.

પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રુષાનું કામ હમેશાં કરું તો કેવું સારું !

દા. બૂથ સેન્ટ ઍડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હમેશાં જે આવે તેને મફત દવા આપતા.

બહુ ભલા અને માયાળું હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઈસ્પિતાલ ખૂલી. આ ઈસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ.

તેમાં દવા આપવાને અંગે એકથી બે કલાકનું કામ રહેતું. તેને સારુ દવા બનાવી આપનાર કોઈ પગારદાર માણસની અથવા સ્વયંસેવકની જરૂર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઑફિસમાં બેઠાં સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મૅજિસ્ટ્રેટની અદાલતમાં હોય. તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવે કેસો જ્યારે હોય ત્યારે તે મિ.ખાન, જે મારી પાછળ આવ્યા હતા. અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા, તેમણે ચલાવી લેવાનું માથે લીધું, ને હું આ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો થયો.

રોજ સવારના ત્યાં જવાનું રહેતું। આવતાં-જતાં તેમજ ઈસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દરદીનો કેસ સમજી લઈ તે દાક્તરને સમજાવવાનું અને દાક્તર બતાવે તે દવા તૈયાર કરી દરદીને આપવાનું હતું. આ કામથી હું દુઃખી હિંદીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો બાગ તામિલ અથવા તેલુગુ અગર તો ઉત્તર હિંદુસ્તાની ગિરમીટિયાઓનો હોય.

આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઈ વેળા ઘાયલોની શુશ્રુષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને તે ખૂબ ખપ લાગ્યો.

બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મના બીજા બે પુત્રો થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો ને હજુ તાવે છે. સુવાવડ વગેરે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે કરવાં એમ અમે બંનેએ નિશ્ચય કર્યો હતો. તેથી, દાક્તર તેમજ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ દાક્તર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય ? દાઈ તો હિંદી જ રાખવાની હતી. શીખેલી હિંદી દાઈ હિંદુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી ? એટલે, મેં બાળઉછેરનો અભ્યાસ કરી લીધો. દા. ત્રિભુવનદાસનું ‘માને શિખામણ’ નાંનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લાં બે બાળકોને મેં જાતે ઉછેર્યાં એમ કહી શકાય. દાઈની મદદ દરેક વખતે થોડો જ સમય-બે માસથી વધારે તો નહીં જ-લીધેલી; તે પણ મુખ્‌.યત્વે ધર્મપત્નીન સેવાને ખાતર. બાળકોને નવડાવવા-ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું.

છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાક્તર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદ્‌ભાગ્યે મેં આ વિષય ‘માને શિખામણ’માંથી સૂક્ષ્મ રીતે વાંચી લીધો હતો, તેથી મને ગભરાટ ન થયો.

મેં જોયું કે, પોતાનાં બાળકને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોના ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારાં બાળકો આજે ભોગવે છે તે જો મેં તે વિશે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત. આપણામાં એવો વહેમ છે કે, પહેલાં પાચ વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત એ છે કે, પહેલાં પાચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાનકાળની માતાપિતાની શારીરિક તેમજ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડે છે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ, માતાના આહારવિહારનાં સારાંમાઠાં ફળનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતાપિતાનું અનુકરણ કરતું થઈ જાય છે, અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતાપિતા ઉપર રહે છે.

આ વિચારો જે સમજુ દંપતિ કરશે, તે તો કદી દંપતિસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે, સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થે જ રતિક્રિયી નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે; અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, ાનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે.