Nagar - 39 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 39

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

નગર - 39

નગર-૩૯

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાનનાં દાદા દેવધર તપસ્વી ઇશાન સમક્ષ નગરનાં ભૂતકાળની સચ્ચાઇ ઉજાગર કરે છે....બીજી તરફ આંચલની ઓફિસનાં ટેબલ ઉપર મુકેલો એક હાથાવાળો અરીસો અચાનક જીવંત થઇ ઉઠે છે....હવે આગળ વાંચો...)

આંચલનાં સીના હેઠળ ધબકતું હ્રદય ભયાવહ ડરનાં કારણે બંધ થવાની અણીએ પહોંચ્યું. પાછલા છેલ્લા થોડાં દિવસો દરમ્યાન નગરમાં જે અનહોની ઘટનાઓ બની હતી તેનાં કારણે ઓલરેડી તે આતંકીત તો હતી જ, તેમાં અત્યારે ઓર વધારો થયો હતો. તેનાં હાથ-પગ પાણી-પાણી થવા લાગ્યા. શરીરની નર્વસ સિસ્ટમ એકાએક ડાઉન થઇ ગઇ. ભારે મહેનતથી તેણે ગળા નીચે થુંક ઉતાર્યુ અને ફાટી આંખે તે ટેબલ તરફ જોઇ રહી. આવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ એટલું વિચારવાનાં હોશ-કોશ પણ તે ગુમાવી ચુકી હતી. તે તો બસ, કોઇ ઉકળતા ચરુની માફક લાલઘુમ થયેલા અરીસાને તાકતી ઉભી રહી. અને...તપીને રાતાચોળ થયેલા અરીસામાંથી એકાએક સફેદ, આછા ધુમાડાની સેર નીકળી અને વાતાવરણમાં પ્રસરવી શરૂ થઇ. સેકન્ડો પુરતી એ ધુમ્રસેર હવામાં ફેલાઇ અને એક ધડાકો થયો. કોઇ ગેબી શક્તિનાં પ્રતાપે ઉકળતો અરીસો એક ધડાકા સાથે ઉછળ્યો અને તેમાં આગ ફાટી નીકળી. દિવાલને અઢેલીને પડેલા ટેબલની સપાટી ઉપર એકાએક આગની ભયાનક લપટો પ્રજ્વલીત થઇ અને ટેબલ ઉપર મુકાયેલી તમામ ચીજો એકસાથે સળગવા લાગી. આ ઘટના માત્ર ચંદ સેકન્ડોમાં ઘટી હતી. ધમાકા સાથે એકાએક ઉછળીને ફાટેલા અરીસાએ સમગ્ર ઓફિસનું વાતાવરણ ખળભળાવી મુક્યું. ઓફિસમાં જાણે નાનકડો અમથો ઝલઝલો આવ્યો...અને તે દોડી...એકાએક જ તેને ભાન થયું હતું કે તેણે શું કરવું જોઇએ...! દોડીને ઓફીસનાં એક ખૂણે પડેલી આગ ઓલવવાની અગ્નિશામક લાલ બોટલ તેણે ઉઠાવી અને તેનો નોબ ખોલી સીધો સ્પ્રે તેણે સળગતા અરીસા ઉપર કર્યો. સફેદ વાયુનાં ગોટે-ગોટા બોટલ માંથી નીકળ્યા અને ક્ષણવારમાં જ આગ ઓલવાઇ હતી. આટલું કરવામાં પણ આંચલનાં કપાળે પરસેવો ઉભરાઇ આવ્યો હતો. તે હજુપણ ધ્રુજતી હતી. ધ્રુજતાં હાથે જ તેણે અગ્નીશામક બાટલો નીચે મુકયો અને સ્તબ્ધ બનીને ટેબલ તરફ જોઇ રહી.

ટેબલ ઉપર હતી એ તમામ ચીજ-વસ્તુઓ બળીને રાખ થઇ ચુકી હતી. થોડાં પુસ્તકો, થોડા વાયરો, થોડો પરચુરણ સામાન, એક ફ્લાવર વાઝ અને પેલો એક હાથાવાળો અરીસો. આગથી અરીસો અને તેનું મેટલ બંને પીગળી ગયા હતાં. આંચલે જોયું તો એ કલાત્મક અરીસો અત્યારે કાળી-ભુખરી રાખમાં તબદીલ થઇ ચુકયો હતો. કોઇ જમાનામાં બેહદ કલાત્મક અને ખુબસુરત કોતરણીવાળો દેખાતો અરીસો અત્યારે નેસ્તો-નાબુદ થઇ ચુકયો હતો. આંચલ અંચબાથી એ જોઇ રહી. તેનાથી પણ વધુ અંચબાકારક દ્રશ્ય તેને જે દિવાલને અઢેલીને પડયું હતું એ દિવાલ ઉપર ચિતરાયેલું દેખાતુ હતું.

“ વોટ ધ હેલ....? આ શું છે...?” ભવાં સંકોચતા આંચલ મનોમન બોલી ઉઠી. ટેબલની ઉપરનાં ભાગે અને લટકતી ઘડિયાળથી નીચે તરફ, દિવાલ ઉપર તરેહ-તરેહનાં ચિન્હો ઉપસી આવ્યા હતાં. આગનાં કાળા ધુમાડાથી દિવાલ ઉપર એ ચિન્હો ઉપસ્યા હતાં. આંચલ થોડુ ચાલીને દિવાલ નજીક સરકી, આંખો ખેંચી, ભવાં સંકોચીને તેણે એ ચિન્હો જોયા. સફેદ રંગે રંગાયેલી દિવાલ સંપૂર્ણપણે કાળી પડી ચુકી હતી અને એ કાળાશ વચ્ચે દિવાલનાં અમુક ભાગમાં જાણે એ ધુમાડો સ્પર્શ્યો જ ન હોય તેમ થોડા-થોડા અંતરે વિચિત્ર આકૃતિઓ અંકીત થયેલી દેખાતી હતી..અને એ આક્રૃતિઓ જોઇને તેનું મો ખુલ્યુ. તે ભારે અચરજથી દિવાલને તાકી રહી. આ આકૃતિઓ હજુ ગઇકાલે રાત્રે જ તેણે જોઇ હતી. નગરની લાઇબ્રેરીમાં જોયેલા હોલમાર્કવાળા પુસ્તકમાં બરાબર આવી જ આકૃતિઓ હતી. એક મુગટની આકૃતિ, હાથીનાં ચિન્હ અને એક વિચિત્ર પ્રકારનાં ત્રાજવાની નિશાની. આંચલ થડકી ઉઠી. આ હોલમાર્ક તો વર્ષો પહેલા સોલોમન ટાપુનાં લોકો વાપરતા હતાં એવું એ કિતાબ પરથી ફલીત થતું હતું. એવા નિશાનો તેની ઓફિસની દિવાલે કેવી રીતે આવ્યા...? તેને આશ્વર્ય થયું. ચોક્કસ પેલા અરીસાનો સોલોમન ટાપુ સાથે કંઇક સંબંધ હશે...!” ઓહ ગોડ...” વિચાર આવતા જ તે ધ્રુજી ઉઠી. એ સાથે જ બીજો એક વિચાર તેનાં મનમાં ઉદ્દભવ્યો. “ હે ભગવાન....મોન્ટુ....” તેનાં હોઠ ફફડયા. મોન્ટુનો જીવ ખતરામાં હતો. આ અરીસો મોન્ટુ લઇ આવ્યો હતો. તેને દરિયાકાંઠેથી આ અરીસો જડયો હતો. મતલબ કે એક રીતે અરીસા સાથે મોન્ટુ પણ સંકળાયેલો હતો.. અને જો તેમ હોય તો ચોક્કસપણે તેનો જીવ અત્યારે જોખમમાં હતો. આંચલ દોડીને ફોન તરફ લપકી. ડેસ્ક ઉપર પડેલો મોબાઇલ ઝડપથી તેણે ઉઠાવ્યો અને પોતાનાં ઘરનો નંબર ડાયલ કર્યો. “ ધીસ નંબર ઇઝ બીઝી....પ્લીઝ ટ્રાય આફ્ટર સમ ટાઇમ્સ્....” નો મેસેજ તેનાં કાને અફળાયો. તેણે બીજી વખત ફોન લગાવ્યો, પછી ત્રીજી અને ચોથી વાર...સતત એકનો એક મેસેજ તેને સંભળાતો રહયો. તે ધુંધવાઇ ઉઠી. ઉડીને તરત તેને ઘરે પહોંચી જવાનું મન થયું...પણ તેમાં ઘણો સમય લાગે તેમ હતો. એકાએક તેને ઇશાન સાંભર્યો. તેણે ઇશાનનને ફોન લગાવ્યો. પહેલી કોશીષમાં જ ઇશાનનાં ફોનની રીગ વાગી. આંચલનાં હૈયૈ જાણે ટાઢા શેરડા પડયા. ખાલી રીંગ જવાથી તેને કેટલી રાહત થઇ હતી એ તે કોઇને સમજાવી શકે તેમ નહોતી. ત્રીજી રીંગે ઇશાને ફોન ઉપાડયો..

“ હલ્લો...!” ફોનમાં તેનો અવાજ આવ્યો.

“ ઓહ...માયગોડ, ઇશાન....ઓહ....” આંચલની આંખોમાં ઝકાળ છવાયું.શું બોલવું... બે-ઘડી એ ન સમજાયું.

“ હલ્લો...આંચલ....! શું થયું..?” ઇશાને આંચલનાં સ્વરમાં રહેલો થડકો સ્પષ્ટ ઓળખ્યો હતો. “કયાં છે તું..?”

“ હું...હું...મારા રેડિયો સ્ટેશન પર છું, પણ એ અગત્યુનું નથી. તું મારું એક કામ કરીશ ઇશાન....! પ્લીઝ....” તે લગભગ રડવા લાગી હતી.

“ અરે....! પણ થયું છે શું એ તો કહે...! તું રડે છે કેમ...?

અને...આંચલે તેની ઓફિસમાં હમણાં જે બન્યુ હતું એ સંક્ષીપ્તમાં કહી સંભળાવ્યું.. આભો બનીને ઇશાન એ સાંભળતો રહયો.

“ પ્લીઝ, તું અત્યારે જ મારા ઘરે જા...! મોન્ટુને ગઇ રાત્રે તાવ આવ્યો હતો. એ તેનાં બેડરૂમમાં જ હશે. હું ઘરે ન પહોંચુ ત્યાં સુધી પ્લીઝ, તું તેનું ધ્યાન રાખી શકીશ...? મને તેની ફિકર થાય છે...”

“ ઓ.કે...ઓ.કે...! હું અબઘડી નીકળું છું. તું ચિંતા ન કર. હું મોન્ટુને સંભાળી લઇશ...” ઇશાને આંચલને ધરપત આપી.

“ ઓહ ઇશાન...થેંક્યુ...! હું બસ, હમણાં જ પહોંચુ છું...” ઝડપથી તેણે ફોન કાપ્યો. ડેસ્ક ઉપર પડેલી કારની ચાવી ઉઠાવી, એક નજર તેણે પેલી દિવાલ તરફ નાંખી અને સડસડાટ ઓફિસમાંથી બહાર નીકળી ગઇ.

***

બપોરનો તડકો બરાબર માથે આવ્યો હતો. નગરમાં ઉત્સવનું વાતાવરણ હતું, પરંતુ દરિયા તરફ જતો રસ્તો એકદમ સુમસામ ભાસતો હતો. આ તરફ ખાસ કોઇ ચહલ-પહલ વર્તાતી નહોતી. આંચલનું રેડિયો સ્ટેશન દરિયા કિનારે, એકદમ અલાયદી, એકાંત જગ્યાએ હતું. નગરથી લગભગ બે-એક કિલોમીટર આગે....તેનાં સ્ટેશનેથી કાર લઇને તે નીકળી ત્યારે અચાનક કાળા વાદળો આકાશમાં ઘેરાઇ આવ્યાં હતા. આકાશમાં ચળકતા સૂર્યને બે-ઘડીમાં તો એ વાદળો એ પોતાની આગોશમાં સમાવી લીધો હતો. ભર-બપોરે આ તરફનાં વિસ્તારમાં એકાએક અંધારુ પ્રસર્યુ હતું. આંચલે આ ફેરફારની નોંધ લીધી અને તેણે કારનાં એક્સિલેટર ઉપર પુરાં ઝનુનથી પગની ભીંસ વધારી. કાર બંદુકમાંથી વછૂટતી ગોળીની માફક સુમસાન રસ્તા ઉપર દોડી. આંચલને એટલો અંદાજ ચોક્કસ થયો હતો કે કોઇક અગોચર શક્તિ છે જે તેની પાછળ પડી છે. તે ધ્રુજતી હતી. બીકનાં માર્યા તેની હથેળીઓમાં પરસેવો વળતો હતો...પરંતુ હવે તે અટકવા માંગતી નહોતી. જેમ બને તેમ જલ્દી પોતાનાં ઘરે, મોન્ટુ પાસે તે પહોંચી જવા માંગતી હતી એટલે પુરા ઝનુથી તે કાર ભગાવી રહી હતી. તેની આંખો સામેથી પૂરપાટ ઝડપે પસાર થતાં રસ્તા ઉપર મંડાયેલી હતી. હજુ માંડ એકાદ કી.મી. જેટલું અંતર કાપ્યું હશે કે તે ઠરી ગઇ....આપોઆપ તેનો પગ કારની બ્રેક ઉપર સખ્તાઇથી ભીંસાઇ ગયો. ભયાનક ગતીથી ભાગતી કારનાં ટાયરો અચાનક બ્રેક લાગવાથી ડામરનાં રોડ સાથે ઘસાયા અને થોડી ઘસડાઇને કાર તીરછી થઇ રોડની વચાળે ઉભી રહી ગઇ. રબરનાં ટાયર ઘસાવાની ગંધ વાતાવરણમાં પ્રસરી ઉઠી. આંચલ ખુલ્લા મોં એ સામે રોડ ઉપર દેખાતું દ્રશ્ય જોઇ રહી. એ દ્રશ્ય અવિશ્વસનીયતાની પરાકાષ્ઠા સમાન હતું.

રોડની બરાબર વચાળે, મધ્યમાં....સફેદ ધુમ્મસનાં વાદળોનો સૈલાબ ઉમટી પડયો હતો. એકાએક કોણ જાણે કયાંથી એ ધુમ્મસીયા વાદળોનો ભયાનક જથ્થો રસ્તા ઉપર ઠલવાયો હતો અને એક ત્સુનામીની માફક આંચલની કાર તરફ આગળ વધતો હતો. આવું ખતરનાક દ્રશ્ય આંચલે ફક્ત ડરામણી હોલીવુડ ફિલ્મોમાં જ જોયું હતું. જાણે કોઈ વ્યક્તિ જંગી હોઝ પાઇપ હાથમાં પકડી ધુમ્મસ જેવા સફેદ વાદળોને ચો-મેર પ્રસરાવી રહ્યું હોય એમ તેની ભયાવહતા ક્ષણ-પ્રતિક્ષણ વધતી જતી હતી.

આંચલનાં શરીરમાંથી એ દ્રશ્ય નિહાળી આતંકનું એક મોજું પસાર થયું. અચાનક ઉદ્દભવેલા ધુમ્મસનાં વાદળો જોઇને તેણે અનાયાસે બ્રેક મારીને કારને રોકી હતી, રોકવી પડે એમ જ હતી નહિતર તે એ વાદળોનાં જથ્થામાં ભારે વેગથી કાર સહિત અંદર ઘુસી જાત. એવું ન થાય એ માટે જ તેણે કાર રોકી હતી. પરંતુ કાર ઢસડાઇને ઉભી રહી અને તુરંત એકાએક બંધ પડી ગઇ. પેલું ગહેરા ધુમ્મસનું આવરણ ધીરે-ધીરે કાર તરફ આગળ વધ્યું. ક્ષણભરની સ્તબ્ધતા બાદ એકાએક આંચલે કારને રીવર્સમાં ભગાવાનો નિર્ણય લીધો. ઇગ્નીશનાં હોલમાં ચાવીને ઘુમાવી તેણે કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. બે-ત્રણ વખત ટ્રાય કરવા છતાં કાર સ્ટાર્ટ ન થઇ. “ કમબખ્ત....અત્યારે જ આને બંધ થવાનું સુઝયું...” તે બબડી. ફરી વખત તેણે કોશીષ કરી. ઇગ્નીશન લાગવાથી એન્જિનમાં ઘરઘરાટી તો થતી હતી પણ કોઇ અડીયલ ઘોડાની માફક કાર શરૂ થઇ નહી. આંચલનાં કપાળે પરસેવો ઉભરી આવ્યો. તેનાં દિલની ધડકનોમાં તો કયારની ધમાચકડી મચી હતી. તે ઘડીક સામેથી રોડની સતહને અડીને તેની કાર તરફ ધસી આવતા વાદળોને જોતી હતી અને ઘડીકમાં કારની ચાવીને જોર કરી ઇગ્નીશનમાં ફેરવી કારને શરૂ કરવાની વ્યર્થ મથામણમાં પરોવાઇ હતી. તેની ખૂબસુરત આંખોમાં અત્યારે દુનિયાભરનો ખૌફ છવાયેલો હતો. “ ઓહ ગોડ....પ્લીઝ...શરૂ થઇ જા...” જાણે તે પોતાની જ કારને વીનવી રહી હતી.

એ દરમ્યાન...ધુમ્મસનું વાદળ કારનાં બોનેટ સુધી આવી પહોંચ્યું. આંચલે એ જોયું...અને કાર શરૂ કરવાનાં પ્રયત્નો પડતા મુકી તેણે દરવાજાનાં હેન્ડલને ખોલવાની કોશીષ કરી. તેનો ઇરાદો ત્યાંથી ભાગી નીકળવાનો હતો. હેન્ડલની ઠેસી ખેંચીને તેણે બારણાને ધક્કો માર્યો અને....તેનું હ્રદય એક ધબકારો ચુકી ગયું. દરવાજો ખુલ્યો નહી. તે લોક હતો. તેણે બે-ત્રણ વખત ફરીથી ટ્રાય કરી, પણ પરીણામ શૂન્ય. તે સમજી ગઇ કે હવે આ કાર જ તેની કબર બનવાની છે. તેણે પ્રયત્નો કરવા પડતા મુકયાં...આંખો સ્થિર કરી....ફેફસામાં એક ઉંડો શ્વાસ ભર્યો અને કારની સીટને પીઠ ટેકવીને આરામથી બેઠી. એકાએક તેણે જે થાય તે જોએ રાખવાનો નિર્ણય લીધો હતો. આમપણ, હવે તેનાં હાથમાં કંઇ હતું નહીં. તેનાથી કંઇ થઇ શકે તેમ પણ નહોતું. કોઇક એવી શક્તિ હતી જેણે તેને આ કારમાં બંદી બનાવી હતી. એ જે કોઇપણ શક્તિ હતી એ કારનાં બોનેટ સુધી પહોંચેલાં ધુમ્મસનાં વાદળોમાં છુપાયેલી હતી એ પણ તે સમજી ચુકી હતી.

બોનેટ સુધી પહોંચેલું ધુમ્મસનું ત્સુનામી કારનાં એ.સી.નાં કંમ્પાર્ટમેન્ટમાં ઘુસ્યુ. પાણીનાં રેલાની માફક ધુમ્મસનો રેલો એ.સી. કંમ્પાર્ટમેન્ટમાં થઇ કારનાં આગલા ડેશબોર્ડમાં એ.સી. ની હવા ફેંકવાનાં હોલમાં થઇ, કોઇ લહેરાતી ધુમ્રસેરની માફક કારની આગલી સીટમાં...આંચલની બાજુની ખાલી સીટમાં લહેરાયો. જોતજોતામાં એ સીટ ઉપર સફેદ ધુમ્મસનો એક મોટો ઢગલો થઇ ગયો. આંચલ ફાટી આંખે એ તરફ જોતી રહી. અને...ધીરે ધીરે એ ઢગલામાં એક વિકરાળ, ભયાવહ ચહેરો સર્જાયો. એ ચહેરામાં આંખો નહોતી. આંખોની જગ્યાએ ખાલી ગોખલા હતાં. તેનાં માથાનાં વાળ ખૂબ જ લાંબા હતાં, એ વાળ જાણે હવામાં લહેરાતા હોય તેમ ઉડી રહયા હતાં મોં માં દાંત ઉપર હોઠ નહોતાં. નાકની જગ્યાએ ખાડો હતો...ગાલની ચામડી બળી ગઇ હોય તેમ ઉતરડાયેલી હતી અને તેની અંદરથી ગાલનું ઉપસેલું સફેદ હાડકું બહાર દેખાતું હતું. એ ચહેરાનાં માથા ઉપર ગોળ, ફરતી ઝુલવાળી ચામડાની હેટ પહેરેલી હતી. બહાર પ્રસરેલા ઘોર અંધકારમાં, રોડ વચાળે એકલી અટૂલી ઉભેલી કારની આગલી સીટમાં ધુમ્મસમાંથી સર્જાયેલો એ વિકરાળ ચહેરો ડર અને ભયાનકતાની ચરમ-સીમા સમાન ભાસતો હતો. અને આંચલ...એ પ્રેતાત્માની બાજુની સીટમાં બેસીને ફાટી આંખે તેને તાકી રહી હતી. સૌથી પહેલા તેનાં ગળામાંથી ચીખ નીકળી...અને પછી ચીખોની શૃંખલા રચાઇ. તેનાં આખા શરીરે પરસેવાની નદી ફુટી નીકળી. સમગ્ર શરીરમાં જાણે હિસ્ટીરીયાનો આંચકો આવ્યો હોય એમ શરીર થર-થર કાંપવા લાગ્યું. કદાચ ડરની ચરમસીમા તે વળોટી ગઇ હતી.

“ ખૂન કા બદલા ખૂન...ખૂન કા બદલા ખૂન...” એ પ્રેતાત્માનાં બોખાં દાંત વચાળેથી ભયાનક કર્કશ અવાજ નીકળ્યો અને તેણે તેનું મોંઢુ આંચલનાં ચહેરા તરફ ઝુકાવ્યું. પણ....એ પહેલાં તો આંચલ બેહોશ થઇને કારની સીટ ઉપર ઢળી ચૂકી હતી. આંચલનાં નાજુક હ્રદયમાં એટલો બધો ખૌફ પેસી ગયો હતો કે તે ત્યાંને ત્યાં, તુરંત બેહોશ થઇ ગઇ. આંચલને બેહોશ થતાં જોઇ પ્રેતાત્માનાં ગળામાંથી ભયાનક ચીખો નીકળવા લાગી. આંચલનાં બેહોશ થવાથી તે ભયાનક ગુસ્સે ભરાયો હોય એમ તેણે કારમાં ઉત્પાત મચાવી મુકયો. આ પરિસ્થિતી કદાચ તેને મંજુર નહોતી. તેણે ઘણા ધમપછાડા કર્યા, જેથી કદાચ આંચલ પાછી ભાનમાં આવે...પણ આંચલનાં દિલો-દિમાગ ઉપર ભયાવહ ડરે કબજો જમાવી લીધો હતો.

આખરે..તે ભયાનક ચહેરો હાર્યો હતો અને જેવી રીતે ધુમ્મસમાં એ ચહેરો સર્જાયો હતો એવી જ રીતે ક્ષણભરમાં તે અંતધ્યાન થયો. એ સાથેજ ક્ષણવારમાં ધુમ્મસની ત્સુનામી પણ રોડ ઉપરથી ગાયબ થઇ ગઇ. જાણે અહી હમણાં કંઇ બન્યું જ ન હોય એમ સમગ્ર રસ્તો ખુલ્લો થયો. હતી તો માત્ર સુમસાન રોડ ઉપર ઉભેલી આંચલની કાર...અને કારની અંદર બેહોશ આંચલ.

જો તે બેહોશ ન થઇ હોત તો આ ક્ષણ તેની આખરી ક્ષણ બની રહી હોત. પણ...તે બચી ગઇ હતી. તેની બેહોશીએ તેને બચાવી લીધી હતી. પરંતુ કયાં સુધી....? એ કોઇ નહોતું જાણતું.

( ક્રમશ )