મહારાજ ભીમદેવે શું સાંભળ્યું ?
રા’નવઘણને મહારાજ ભીમદેવ પ્રત્યે માન હતું. એ માન શૂરવીર પ્રત્યે હોય તેવું અગાધ હતું. એમાં ક્યાંય સ્વાર્થ ન હતો. કોઈ હેતુ પણ ન હતો. વનરાજ વનરાજને પિછાને એવી એ વાત હતી. દામોદરને લાગ્યું કે રા’નવઘણ હવે ઉપયોગી થઈ પડશે. એણે ઘોડો આપવાની વાત સ્વીકારીને જ સરળતા કરી આપી હતી. રા’નો ઘોડો એ કિલ્લો આપવા જેવી વાત હતી. એણે જેવો તેવો ભોગ આપ્યો ન હતો. દામોદરને અરધી સફળતા મળી ગઈ લાગી. બે ચાર રોજમાં અશ્વને મોકલવાનો હતો. જયપાલને સંદેશો ગયો હતો. મહારાજ ભીમદેવ પણ પોતાનું સાંઢણી-દળ રા’ના કિલ્લાના આધારે જ ઊભું કરી લેવાના મતના હતા. રા’એ એ દળ ઊભું કરવાનું પણ સ્વીકાર્યું. ભીમદેવનો અંતરાત્મા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો. એને થયું કે હવે એ ગર્જનકને માપી લેશે.
એ કોઈ રીતે લડી લેવા માગતો હતો. એની વાત દામોદરની વાતમાં અંતર્ગત બની જતી હતી. બાકી ખરી રીતે રા’ ને ભીમદેવ મહારાજ પોતાનાં અનોખાં સ્વપ્નાં હજી પણ માણી રહ્યા હતા. દામોદર પોતાની યોજના તત્કાળ સિદ્ધ કરવાનું વિચારી રહ્યો. ભીમદેવની શૂરવીરતાનો પરિચય તો દામોદરને ઘણા વખતથી હતો. ચામુંડરાજને પદભ્રષ્ટ કરવા જતાં, એ છોકરો તો છોકરડો, પણ કેસરીની માફક ઊછળીને ઊભો થયો હતો. દામોદરને એ હજી સાંભરતું હતું. એને અચાનક એ દિવસો ને એ માણસો યાદ આવી ગયાં. પોતાના ખંડમાં એ રા’નવઘણના પાછા આવવાની રાહ જોતો બેઠો હતો. એ સમય દામોદરને હૈયે ચડી આવ્યો. વરસ તો એને માંડ બાર-પંદર થયાં હશે, પણ એટલીવારમાં તો જાણે હવા જ બદલાઈ ગઈ હતી. ખેરાલુનો એ વયોવૃદ્ધ રાણો જેહુલ, ગાઉ ગાઉ ભોંમાં જેમણે વાપરેલા અત્તરની સુગંધ ફેલાઈ રહેતી, અને છતાં લાગે કે જેમને આ પૃથ્વીનો લેશ પણ સ્પર્શ જ થયો નથી એવા મહાજ્ઞાની વયજલ્લદેવ મહારાજ, ધારે ત્યારે રોગને હાથમાં લઈ લે તેવા પેલા કંથડીનાથ, મહાત્રિકાલજ્ઞાની ઉયા ભટ્ટ... કેટકેટલાં પાટણનાં નરરત્નો એણે જોયાં ? અને એ વખતે આ ભીમદેવ મહારાજને ગુજરાતના મહા સમર્થ રાજાધિરાજ બનાવવાનો એણે કરેલો સંકલ્પ, એને યાદ આવી ગયો.* ગર્જનક ત્યારે આવવાના ભણકારા વાગતા હતા. પણ પછી એણે હમણાં અચાનક આવીને, બરાબર સમયસરનો જ ઘા મારી લીધો અને ભીમદેવ મહારાજને રાજાધિરાજ તો શું, પાટણપતિ પણ પોતે રાખી શકશે કે નહિ, એ વિષે શંકા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી !
તે વખતે પણ ભીમદેવ મહારાજનું સ્વપ્ન સોમનાથનું રક્ષણ કરતાં કરતાં સમુદ્રકિનારે પોતાની રણશય્યા’ ઢળે... એ હતું. દામોદરને આ સાંભરી આવ્યું. પોતે વાચિનીશ્વરના મઠમાં થાંભલા પાછળ સંતાઈને, એક દિવસ, કિશોર ભીમદેવને મોંએ આ સ્વપ્ન બોલાતું સાંભળ્યું હતું. એ એને યાદ આવ્યું... અને અચાનક દામોદરની સમક્ષ, ભૂતકાળમાંથી ઊઠતી એક મનોહર નર્તિકા ઊભી થઈ ગઈ. રૂપરૂપ ભરેલી પેલી ચૌલા... આ સ્વપ્ન ભીમદેવે એને કહ્યું હતું... તે વખતે એની મોહિની શરૂ થતી હતી. આજ તો એ પોતે ત્રિલોકમોહિની હતી. ભીમદેવને પણ એની લગની હતી. દામોદરને આ વાત સાંભરતાં જ, એના મનમાં બીજી હજારો વાતો આવી ગઈ. રા’ નવઘણને કાને સોમનાથની આ નર્તિકાની ખ્યાતિ ન પહોંચી હોય એમ તો ન જ બને. અને ભીમદેવ મહારાજ વિષેની હવામાં ઊડતી કોઈ ને કોઈ વાત, એની પાસે પણ આવી જ હોય, તો પછી રા’ માને ખરો ? પોતે રા’ને હંમેશને માટે મેળવી લેવા એક પગલું ભર્યું હતું. રા’ નવઘણના ખેંગારની સુતા ઉદમયતી. તેના વિષેની વાતને દામોદરે વાતવાતમાં ફરી ઉત્તેજન આપ્યું હતું. રા’ના વંશવેલાની એ તેજસ્વી
*જુઓ ‘વાચિનીદેવી’નાં પ્રકરણ ‘દુર્ગપાલ અને દામોદર’, ‘વયજલ્લદેવ’, ‘વયજલ્લદેવનું તત્ત્વજ્ઞાન’, ‘દામોદર પ્રકાશ શોધવા મથે છે’ વગેરે.
જુઓ ‘વાચિનીદેવી’નું પ્રકરણ ‘પહેલો ઘા’
નારી પાટણને શોભાવશે જ, એમ દામોદરને અંતરમાં લાગી આવ્યું હતું. રા’ની વાત સમજ્યો હતો. પૌત્રીનું હિત સધાય એ એને ગમતું પણ હતું. મહારાજ સાથેના સંબંધથી પોતાનું માન દેશ-વિદેશમાં વધે એ એ જાણતો હતો, આ બધું હતું છતાં, એ તો જૂનાગઢનો રા’ નવઘણ હતો. ચૌલાની વાત કાને પડી હોય તો તો, ક્યાંક આ વાતને પોતાની ઠંડી મશ્કરી ગણતો હશે. તો એને ઠંડી મશ્કરી માનીને મનમાં ને મનમાં ઘા ખાઈ ગયો હશે ને ? તો તો ભારે થાય ! એ તો રા’ પાટણને પાઘર કરે ત્યારે ખબર પડે કે રા’ના મનમાં વાત રમતી હતી !
આ વિચાર આવી જતાં દામોદરને પોતાની યોજનાનો આશારંગ જ ઊડી જતો લાગ્યો. એટલું સારું હતું કે ચૌલા હમણાં ક્યાં છે એનો કાંઈ પત્તો ન હતો. બધું ગેરવ્યવસ્થિત થયું. તેમાં નર્તિકાઓ જ્યાં ફાવ્યું ત્યાં નાસી છૂટેલી હોવી જોઈએ. હજી કોઈ પાછી ફરી લાગતી ન હતી. ચૌલા પણ એ વખતે ક્યાંક નાસી ગયેલી હોવી જોઈએ. પણ એ જો ફરીને ક્યાંકથી અત્યારને સમે આવી ચડે તો ! ભીમદેવ મહારાજનું કિશોર જીવનમાં દામોદરે પોતે જ જોયેલું ચૌલાનું આકર્ષણ, એને યાદ આવી ગયું અને અત્યારે તો એ ત્રિલોકમોહિની હતી. સારું હતું કે દેવનર્તિકા હતી. ને તેથી કોઈ પ્રત્યે નજર પણ કરતી ન હતી. અને વળી આંહીં અત્યારે રણક્ષેત્રની વાતમાં બધી વાત ગૌણ બની ગઈ હતી. મહારાજ ભીમદેવે પણ તચૌલાની વાત ખાસ સંભારી હોય એમ બન્યું ન હતું. પણ દામોદરને એ સૂચક લાગ્યું. દામોદર થોડો કવિ પણ હતો. એ કવિ જાણતો હતો કે જીવનપ્રભાતી પ્રેમ એ જેવી તેવી વસ્તુ નથી. એ એક અમર વસ્તુ છે ! એ કોઈ દિવસ મરતી નથી. જન્મ્યા પછી જતી નથી. મરવા માટેજન્મતી નથી. અને આંહીં તો આ પ્રેમચિત્રમાં, ભીમદેવ ને ચૌલા જેવાં હતાં ! ભીમદેવ-ચૌલાનું, છેક વયજલ્લદેવના મઠમાં, એ કિશોર-કિશોરી હતાં ને પ્રેમવાતો કરતાં હતાં તે સમયનું, એ ક અદ્ભુત રંગીન ચિત્ર દામોદરની સમક્ષ ખડું થઈ ગયું. * તે વખતે પોતે સામાન્ય જન હતો. મંત્રી થવાનાં હજી
-------------------
*જુઓ ‘વાચિનીદેવી’નું પ્રકરણ ‘ઉયાભટે શું કહ્યું ?’ ત્યાં આ પ્રસંગ છે.
સ્વપ્નાં સેવતો હતો. સોમનાથના સમુદ્રને પાટણથી હમણાં આવ્યો હતો. બોલબાલા વાચિનીદેવીની હતી. એની નજર સમક્ષ એ રંગીન ચિત્ર ઊપસી આવ્યું. અને જેમ કોઈ મધુર સ્વપ્નથી માણસ ડોલી ઊઠે તેમ એ આ દિવાસ્વપ્નથી ડોલી ઊઠ્યો.
‘તું ક્યારે જાય છે સોમનાથ ?’ નાનકડો ભીમદેવ એને બોલતો સંભળાયો. ‘બસ. હવે બે-ચાર રોજમાં ઊપડવાની.’ રૂપભરી ચૌલાનો અવાજ આવ્યો : ‘સોમનાથની નર્તિકા થવાનું મારું તો જીવનસ્વપ્ન હતું. તમારે પણ એક સ્વપ્ન હતું, કુમાર મહારાજ ! એ શું સ્વપ્ન હતું એ તો અમને કહો !’
ભીમને આનાકાની કરતો દામોદરે દીઠો. અને લાડભર્યા પ્રેમથી બોલતી ચૌલાની અત્યંત મધુર વાણી સંભળાણી. :
‘જાણે વનિતા તો વાતમાં મોણ નાખે. એને તો હરકોઈ વસ્તુનું કાવ્ય કરે ત્યારે આનંદ આવે, પણ આ સ્ત્રૈણવૃત્તિ તમારામાં આવી મહારાજ ! એ તો મારે લીધે નાં ! એટલે મને થાય છે કે હવે હું સોમનાથ ભાગી જાઉં. નહિતર તમે આખા, ધીમે ધીમે સ્ત્રી બની જશો...’ ચૌલાનું મુક્ત પ્રેમભર્યું હાસ્ય સંભળાયું.
દામોદર જાણે દિવાસ્વપ્નમાંથી જાગી જતો હોય તેમ આ મુક્ત હાસ્યે જાગી ગયો. એને લાગ્યું કે ખરેખર, નાનકડી એક સુંદર ચૌલા કોઈક ગજબનું આકર્ષણ રેલાવી રહે તેવું, મુક્તમધુર, પ્રેમભરપૂર, દિલનાં કુસુમોને લઈને આવતું, હાસ્ય હસી રહી છે. ને પોતે એ સાંભળી રહ્યો છે ! રણક્ષેત્રમાં દિવસભરના થાકથી, ઊંઘમાં પડેલા સૈનિકના દિલમાં જેમ કોઈક મધુર સ્વપ્નની એકાદ પળની મીઠાશ ફરકીજાય, તેમ દામોદરના દિલમાં એક પળની મીઠાશ ફરકી ગઈ. એ ફરકી ન ફરકી, ત્યાં એણે રા’ નવઘણનો અવાજ આવતો સાંભળ્યો : ‘છે કે મંત્રીરાજ ? ખબર દે ને. મારે મળવું છે !’
ને બીજી પળે વરજાંગને અંદર આવતો એણે જોયો.
એ સ્વસ્થ થઈ ગયો. જરાક ટટ્ટાર બેઠો. પોતાની કરવા ધારેલી યોજના હજી પણ શિશુ-અવસ્થામાં હતી, એ ભાનથી એના દિલમાં વેદના જાગી ગઈ. એટલામાં એણે રા’ નવઘણનો પહાડી પડછંદ દેહ પોતાની સામે ઊભેલો દીઠો. રા’ જૂનાગઢ જવાની વિદાય લેવા આવ્યો હતો. તે પહેલાં રા’ને દુર્લભસેન તરફ કરવાના પ્રયાણની વાત સારુ જ દામોદરે અત્યારે બોલાવ્યો હતો.
‘આવો આવો રા’ નવઘણજી ! હું તમારી રાહ જોતો હતો. બોલો તમે જૂનાગઢ જાઓ છો, પણ આપણે ક્યારે નીકળવું છે ? મહારાજને પૂછી લીધું તમે ?’
રા’ નવઘણ વિચાર કરી રહ્યો. સંબંધની જે વાત દામોદરે કાઢી હતી તેનો ઘટસ્ફોટ કરવાની આ જ ઘડી હતી. અત્યારે એણે મહારાજ ભીમદેવ પાસે કર્તાહર્તા, સર્વસત્તાધીશ સમાન દામોદરને જોયો હતો, એ ખરું, પણ છતાં ખરી રીતે એ હજી પૂરેપૂરો સ્થિર થયો ન કહેવાય. હજી મહારાજને ગાદી પ્રાપ્ત થયે માંડ દોઢ-બે વર્ષ થયાં હતાં. તે વખતે મહારાજે જેના ઉપર વધારે વિશ્વાસ આવ્યો હોય તેને મહામંત્રી પદ આપી દીધું હોય ! દરમ્યાન તો આ વંટોળ આવ્યો. એટલે વિચારવાનો વખત પણ ન રહ્યો. પણ વિમલમંત્રી હતો. એ ઘણો શક્તિશાળી હતો. અત્યારે એ અર્બુદમંડલ તરફ પડ્યો હતો. એ બધાના સાન્નિધ્યમાં કોઈ વાત થાય તો એ ટકે તેવી સ્થિર થઈ ગણાય. સોરઠ સાથે પાટણનો સંબંધ બાંધવા વિષે પાટણમાં અનેક મતભેદો ઊભા હોય. દામોદર તો વખતે અત્યારની તક સાધી લેવા પૂરતી જ આ વાત ચલાવી રહ્યો હોય. એટલે રા’ને વાત કેમ કરવી તેની સૂઝ પડતી ન હતી. પોતે વાત કરે ને એક વખત દુર્લભ મહારાજના વખતમાં બન્યું તેમ બને, તો નીચું જોવાપણું થાય. વાત ન કરે, આ તક એમ ને એમ જતી રહે, તો પછી, વળી બીજી વખત એ ક્યારે આવે તે, કાંઈ ન કહેવાય, તેણે દામોદરને જ પૂછ્યું : ‘શું કરવું છે મંત્રીજી ! બોલો.’
‘બીજું શું કરવાનું છે ? આપણે ત્યાં શુકલતીર્થમાં જવું છે ! તમે જૂનાગઢ જઈને આવો. પછી આપણે ઊપડીએ !’
‘મહારાજ દુર્લભસેનને મળવા ?’
‘હા.’
‘મહારાણીબા દુર્લભદેવી - એ હજી જીવતાં છે. એમને પૂછવું જ નથી ?’
‘મહારાણીબા વખતે હશે ત્યાં નડૂલમાં. છેલ્લે ક્યાં હતાં તે ખબર નથી. અત્યારે પૂછવાનો વખત નથી. પૂછવામાં સાર પણ નથી. એમનો પંથ ન્યારો છે. વિમલ મંત્રી જેવાનો પણ આમાં સાથ મળે કે ન મળે, એટલે એ અર્બુદમંડલ તરફ છે, એ પણ ઠીક છે. એમને પોતાને એ ગમ્યું પણ છે. મેં તમને વાત કહી બતાવી છે. રા’નવઘણજી ! જો બધું સમુંસૂતર પાર ઊતરશે, ને ભગવાન પાર ઉતારશે, તો સિંધથી તાપી સુધી ને અર્બુદથી સોમનાથ સુધી તમારા વંશવેલાને પ્રતાપ તમે જ જોશો. બોલો, આપણે ક્યારે ઊપડવું છે ?’
‘તમે કહ્યું મારા વંશવેલાનો પ્રતાપ ?’
‘હા, કેમ નહિ ? એ જ વાત છે. દુર્લભ મહારાજના સમયે તમે વાત કરી હતી તે સંભારો ને ! પણ તે વખતે મોકો ન હતો, આજ મોકો છે.’
‘પણ મહારાજને પોતાને તમે પૂછ્યું છે ?’
‘અત્યારે એ પૂછવાનો સમય ગણાય, રા’ ? પૂછ્યું નથી, પણ પૂછ્યા બરાબર જ ગણી લ્યો ને !’
‘અત્યારે સમય તો ન ગણાય પણ મેં સંઘની દશના હિસાબે એક સગો ત્યાં કીર્તિગઢમાં, નજર ઉપર રાખ્યો છે.’
‘કોણ ?’
‘વિહિયાસ મકવાણા ! એનો કેસર મકવાણો.’
‘હા, કેસર મકવાણો ખરો. એની કીર્તિ સાંભળી છે.’
‘એ પણ મહારાજ જેવો રણરંગી પુરુષ છે. નાની જયવતીનું ત્યાં ઠેકાણું પડે. પછી આ મોટી ઉદેમતીની ચિંતા રહી. એ અગન જેવી તેજભરી છે. તમે માથે લ્યો એટલે મારે પછી નિરાંત !’
‘માથે લીધું, નવઘણજી ! પણ સમય લાગશે.’
‘પણ આ કોલ પાટણના મહાઅમાત્યનો છે એમ મારે ગણવું નાં ?’
‘ના’, દામોદરે સ્પષ્ટતાથી કહ્યું, ‘પાટણનો હું મહાઅમાત્ય નથી. અને એનો કોલ નથી, હું એવું ખોટું વેણ નહિ કાઢું. મહારાજ ભીમદેવનો હું મંત્રી છું. હા, એણે અત્યારે મને મોટો કરીને સ્થાપ્યો છે એ ખરું, ને તમે બધા પણ એ મોટા નામે મને મોટો કરો છો. પણ હું તમને પાટણના મહાઅમાત્યનું વેણ છે, એમ જો કહું તો છેતર્યા ગણાય. પણ હું તમને વેણ આપું છું રા’નવઘણજી ! મારે આ બંને રાજવંશને પાસે પાસે લાવી દેવા, પછી શું ? એમાં આપણો સૌનો ઉદય પણ છે. ભગવાન સોમનાથની કૃપા હશે તો રા’નો કોઈ ને કોઈ ભાણેજ, ભારતભરમાં નામના કાઢશે. એ જોવાની મારી મહેચ્છા છે. પણ હું તમને ખોટું નહિ કહું !’
દામોદરે ધાર્યું કે બહુ ખાતરી આપવા જતાં વખતે ઊંધું પડે.
દામોદરના શબ્દની રા’ ઉપર ધારી અસર થઈ.
તે જવા માટે બેઠો થયો : ‘મહેતા, ધાર્યું તો ભગવાનનું જ થશે. આપણે તો પાસો જ નાખવાનો છે, પણ કોઈ મને મેણું મારી જાય નહિ, એટલું જોજો, નકર જિંદગી ઝેર થઈ જાશે. કોક મેણું મારશે કે દીકરો વટાવીને, દીકરીનું રા’ કરવા તો ગ્યો, પણ મૂંગા પ્રાણીની વેદનાએ એને નવરાવી નાખ્યો. મોટે ઉપાડે ગ્યો’તો પાટણનું પડખું લેવા, તે બ્રાહ્મણે લોટ મગાવ્યો ! વાણિયાની જેમ ભાઈ સોદો કરવા નીકળ્યા’તા, પણ આખો સોદો જ ખોટો નીકળ્યો ! જોજો, આવા મેણાનો વખત આવે નહિ.’
‘અરે ! રા’ ! રા’ ! નવઘણ ! આ તમે શું બોલો છો ?’ રા’ના વેણનો સીધો જ ઘા દામોદરને લાગ્યો હતો. તેને થઈ ગયું કે આ ભારે થઈ છે. રા’ના મનમાં હજી પણ શંકા છે. શંકા નીકળી જાય તો જ આ કામ પાર પડે.
દામોદર, પણ ઊભા જેવો થઈ ગયો. એ વખતે તેને લાગ્યું કે પાસેના ખંડમાં કાંઈક અવાજ થતો જણાય છે. પણ અત્યારે એનું ધ્યાન રા’ની વાતમાં પરોવાઈ ગયું હતું. અને એટલામાં અવાજ પણ બંધ થઈ ગયો. પોતાને કાંઈક ભ્રાંતિ થઈ એમ માની એણે રા’ને જવાબ આપ્યો.
‘તમે શું આને સોદો ધારો છો, નવઘણ ? તો તો થઈ રહ્યું ! જૂનાગઢનો રા’ ઊઠીને મને આ સરપાવ આપે, પછી મારે હવે બીજા સરપાવ ન ખપે. તમને ભગવાન જે રસ્તો બતાવે તે તમે લ્યો. તમારો મેં દીકરો માગ્યો છે, એ શું મારાથી અજાણ્યું છે ? પણ એના બદલામાં આ વાત થાય છે એમ ? રા’ મારા ! હું પણ આ સોમનાથના તટનો બ્રાહ્મણ છું. મારું મહાન સ્વપ્ન તો આંહીં પૂજારી થવાનું હતું. મને ગર્જનકનો ઘા આંહીં પડ્યો છે...’ દામોદરે પોતાની છાતી ઉપર હાથ મૂક્યો : ‘હું તો મહારાજ ભીમદેવને રાજાધિરાજ બનાવવા નીકળ્યો છું. એમાં તમારી આ મદદ છે. આ આપણું સપનું છે, સોદો નથી. નવઘણજી ! એ વાત આંહીંથી કાઢી નાખો...’
દામોદર જરાક આગળ વધીને રા’ નવઘણની સમીપ આવી ગયો. તેણે રા’ની છાતી ઉપર હાથ મૂક્યો : ‘આંહીં જે કાંઈ હોય તે મને કહી દ્યો. કાંઈ પેટમાં રાખો મા, રા’ !’
રા’એ ખોંખારો ખાધો. અવાજ ચોખ્ખો કર્યો. શાંતિથી બોલવાનો પ્રયત્ન કર્યો. પણ એનો અવાજ ધ્રૂજતો હતો : ‘દામોદર મહેતા ! ત્યારે નાળિયેર, દીકરી ઉદેમતીનું તમારા ખોળામાં નાખ્યું છે, એમ માની લેજો. તમારે મોટું સપનું છે, ભલે ભા ! તમારું એ સપનું ફળો. ને અમારા વંશવેલાને સૂરજનો પ્રતાપ મળો ! પણ તમારે પાટણમાં ત્યાં નાચકણાં-કૂદકણાંનો પાર નથી. તમારું મોટું રાજ. મોટાં કામ; મોટી વાતો, મોટી નામના અને મહેતા ! મોટી પોલો !’
‘પોળો !’
‘પોળો નહિ, પોલો ! પોલ... પોલ્ય !’ નવઘણ મોટેથી બોલ્યો ‘પણ તમારી હજાર પોલ ભલે હો, રાજા છે, હજાર રાણી કરે. પણ મોટી આ ઉદેમતી; કોઈ દી એ ભૂલ્યું ભુલાય નહિ. એ જોવાનું તમારે માથે, સતધરમથી તમારે માથે. આ પહેલી વાત છે. બાકી તો રાજા છે, હજાર છંદ એને વળગે, તમે ક્યાં નાડી પકડીને આખો દી બેઠા રહેવાના હતા ? પણ જો કોઈ નાચકણું-કુદકણું ગાદી દબાવતું આવે, તે દી રાણકીને લઈને પાટણનો દરવાજો જો અરધી રાતે ઠોકું નહિ તો મારા નામ ઉપર હજારો લ્યાનતો હોજો. હું. મારી રાણકી. ને બે હજાર ઘોડું, થાવું હોય ઈ ભલે થાય. પણ કોઈ તમારી આંહીંની નર્તિકા કે ત્યાંની નર્તિકા કે આ કે તે જે હોય તે, પણ એવું કોઈ નાચકણું અમારા માથા ઉપરવટ નહિ. હા, રાજાધિરાજ ; હજાર રખાત રાખે... એ તો જમાનામાં બનતું આવ્યું છે. અમારે ત્યાં પણ બન્યું છે. આ તો તમારું બધુંય મોટું એટલે મારે કહેવું પડે છે. અમે બધુંય ખોઈ નાખશું, મંત્રીજી ! તમારામાં લીંબુના પાણીની જેમ ભળી જાશું, પણ અમારું રા’પણું, એ જે દી ખોશું. તે દી ગઢ ગિરનાર ખોશું ! એ અમારી ધરતીમાં મારેલી મેખ છે. રા’પણું, લ્યો ત્યારે ભા ! બોલ્યું-ચાલ્યું માફ કરજો. જયપાળજીને કહેવરાવી દેજો તમતમારે. ત્યાં આવીને ઊભો રહેશે... પણ નામ ખબર પડે નહિ હો ! ને હું જાણે ગયો નથી, તેમ આવું છું. પછી દુર્લભ મહારાજને મળવા આપણે ઊપડીએ. ઠીક ત્યારે ભા’...’
રા’ રજા લઈને વિદાય થયો હતો, પણ દામોદરે તેનો હાથ પકડ્યો : ‘રા ! હજી એક વાત રહી !’
‘હા, બોલો ને ભા ! તમારા વગરદ્રમ્મના અમે વેચાણ છીએ. બોલો ભા ! શું છે ?’
‘આ જે વાત થઈ, તે આંહીં જ દટાઈ જાય !’ દામોદરે ધરતી સામે આંગળી ચીંધી બતાવી.
‘આંહીં જ દટાઈ જાય.’ રા’એ છાતીએ હાથ મૂક્યો : ‘અને આંહીં...’ તેણે દામોદરની છાતી ઉપર હાથ મૂક્યો, છેવટે તો ભા ! તમે આ ચકરવસ્તીનું શોભાવવાના છો, એ મને સૂજ્યું છે. તમે છો, વિમલમંત્રી છે. બીજા કોઈને દેન નથી. પણ આજનું ભા ! ભૂલતા નહિ. લ્યો ત્યારે, જય સોમનાથ ! જેવો જાઉં છું, તેવો જ આવું છું !’