પ્રકરણ:૧૧ સફરનો નવો સાથી...
એ બે-ત્રણ ક્ષણો તો મારી હાલત એટલી ખરાબ હતી કે મારું મગજ બહેર મારી ગયું હતું. એકદમ બઘવાઈને હું એ ચાંચિયા સામે જોતો જ રહ્યો. હ્યદયના ધબકારા એકદમ વધી ગયા. જે નહોતું થવાનું એ થઈને જ રહ્યું.
દરિયાઈ ચાંચિયા – પાયરેટ્સ – એટલે કે સમુદ્રી લૂંટારાઓ સાથે અમારે પનારો પડી ચૂક્યો હતો ! આમ તો સાઠના દશકમાં એ વખતે ચાંચિયાઓના જોખમ ઘણાં જ ઓછા થઈ ગયાં હતાં. ધીમે ધીમે સમાજ વધુ શિક્ષિત બની રહ્યો હતો, સમાજમાં એક જાતની અભ્યાસની ક્રાંતિ આવી હતી જેને કારણે આવા ચાંચિયાઓ ધીમે-ધીમે લૂંટના ધંધાઓ છોડીને શિષ્ટ સમાજ તરફ વળ્યા હતા. એટલે એ વખતે ચાંચિયાઓનું પ્રમાણ ધાર્યા કરતાં ઓછું રહેતું હતું. પરંતુ પ્રોફેસર બેનને કોણ જાણે કેવી રીતે ખબર પડી ગઈ હશે કે આ વિસ્તારોની આજુબાજુ ચાંચિયા-પ્રવૃત્તિઓ થઈ રહી છે ? કદાચ એમના મિત્ર એન્ડરસને જ એમને જણાવ્યું હોવું જોઈએ.
હું આ બધા વિચારે ચઢી ગયો એટલી વારમાં તો પેલો ચાંચિયો ગાયબ થઈ ગયો હતો ! મેં મારાથી જોઈ શકાયું એટલું આજુ-બાજુ જોયું, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. એ ચાંચિયો ભૂતનાં ઓળાની માફક આવ્યો હતો ને એટલો જ જડપથી ગાયબ થઈ ગયો હતો.
‘હેઈઈ... થોમસ... ઊઠ...’ મેં બેભાન અવસ્થામાં પડેલા થોમસને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ એ સહેજ હલબલીને રહી ગયો. મને એક જાતની નશાની અસર લાગતી હતી. આવી રીતે અમે નશામાં સપડાઈને બેભાન થઈ ગયા ને અમને ખબર પણ ન પડી ? આવું કેવી રીતે બન્યું ? વિચારતાં-વિચારતાં મેં પાછલા બનાવો યાદ કરવાની કોશિશ કરી.
‘ઓહ માય ગોડ ! પેલી રૂપાળી છોકરી...!’ તરત જ મને એ બનાવ યાદ આવતાં હું એકદમ બોલી ઊઠ્યો. એ છોકરીના પ્રેમાળ વર્તનને કારણે અમે ભેરવાઈ ગયા હતા. એણે પાણીમાં જરૂર કંઈક મેળવ્યું હશે, ને અમને બેહોશ કરી દઈને એનાં સાથીઓ દ્વારા અમને અહીં પહોંચાડી દીધા હશે. – અચાનક જ મને એ ભોળી-ભટાક છોકરી પર ગુસ્સો ચઢ્યો. એને ખોળી કાઢવા ઊભા થવા માટે મેં હાથપગ પછાડ્યા પણ હું બંધનમાંથી મુક્ત ન થઈ શક્યો. મનમાં ને મનમાં મેં ગુસ્સાને દબાવી રાખ્યો. અલબત્ત આ શંકા મેં મારા મિત્રોને નહોતી જણાવી.
***
‘તો કોણ છો તમે લોકો ? ક્યાંથી આવો છો ? અહીં શું કરો છો ?’ એક ઘુરકાટભર્યો અવાજ સંભળાયો. કદાચ એ ચાંચિયા-ટોળીનો સરદાર હતો. એની પીઠ અમારા તરફ રહે એ રીતે એ ઉંધો ઊભો હતો. એનાં મોંમાંથી હોકલીના ધુમાડા નીકળી રહ્યા હતા.
તે એક હુંફાળો લાકડાનો રૂમ હતો. આ જગ્યા પણ સહેજ હાલકડોલક થયા કરતી હતી એટલે હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈક નાનકડું લાકડાનું વહાણ છે ને એનો આ કોઈક રૂમ છે.
રૂમમાં લગભગ બધી સગવડો હતી. એક તરફ ડબલ બેડ હતો જેના પર સુંદર બેડશીટ પાથરેલી હતી. સામેની લાકડાની દીવાલ પર જુદા-જુદા ખાનાઓવાળો કબાટ બનાવેલો હતો. દીવાલ પર ચાર-પાંચ ફોટોફ્રેમ પણ ખોડેલી હતી. રૂમમાં ચાર-પાંચ લાકડાની ખુરશીઓ પડી હતી. જમણી તરફની દીવાલમાં રોજિંદી ક્રિયાઓ માટેનું વોશબેસિન ખોડેલું હતું ને એની ઉપર એક અરીસો હતો. એની બાજુમાં બાથરૂમનો દરવાજો હતો. અમારી બરાબર સામે સ્ત્રીઓને તૈયાર થવા માટેના ટેબલ-અરીસો (વોર્ડરોબ) હતું ને પેલો સરદાર બરાબર એ તરફ ઊભો હતો.
અચાનક એણે ટેબલ પર પડેલી રિવોલ્વર ઉઠાવી અને એકદમ પીઠ ફેરવીને અમારી તરફ ફર્યો.
એકવડીયા બાંધાનો એ સરદાર ખૂબ જ ખૂંખાર લાગતો હતો. ચહેરા પર એક તરફ કોઈક ઘાવનું જૂનું નિશાન હતું. એનાં કપડાં મહદઅંશે ચાંચિયાને મળતા આવતાં હતાં. એણે મોઢામાંથી હોકલી કાઢીને બચેલો ધુમાડો છોડ્યો.
‘એક વાર પૂછ્યું એ સમજાતું નથી તમને ?’ એ ઘુરકતા અવાજે બોલ્યો. અમને બધાને એક તરફની દીવાલે અડીને નીચે બેસાડવામાં આવ્યા હતા. અલબત્ત હાથપગ મુક્ત કરી દેવાયા હતા.
‘જવાબ આપ, નહીંતર રિવોલ્વરથી ઉડાવી મૂકીશ બધાને...’ સરદાર જોરથી બૂમ પાડતો પ્રોફેસર બેન તરફ ધસી આવ્યો. એની રિવોલ્વર પ્રોફેસરના ચહેરા સામે જ સ્થિર થયેલી હતી. આ દ્રશ્ય જોઈને અમે ધ્રુજી ઉઠ્યા હતા. હવે બધાનો નશો ઊતરી ગયો હતો.
‘પ્લીઝ, ગોળી છોડશો નહીં, જરા શાંત રહો... હું... હું કહું છું.’ પ્રોફેસરે એને ધરપત આપતાં કહ્યું. એ પણ અંદરથી થોડા ડરેલા લાગતા હતા.
પ્રોફેસર બેનની ધરપતથી સરદારે રિવોલ્વર પાછી ખેંચી અને બાજુમાં પડેલી એક ખુરશી ઉઠાવીને અમારી સામે એના પર બેસી ગયો. ખતરનાક ચહેરે એ એમને તાકી રહ્યો હતો.
‘અમે લોકો ફિલિપાઈન્સના પ્રવાસે નીકળ્યા હતા, રસ્તામાં અમારું વહાણ આ ટાપુ પાસે તૂટી પડ્યું અને અમે અહીં ભૂલા પડ્યા છીએ.’ અમારા બધાના આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર બેન તદ્દન ખોટું બોલ્યા. પણ મને થયું કે ખજાનાવાળી વાત ખાનગી રાખવી પડે. એટલે કદાચ પ્રોફેસર ખોટું બોલ્યા હશે.
‘એમ ?’ સરદાર પ્રોફેસરની હાંસી ઉડાવતો હોય એમ બોલ્યો, ‘તો તમે ફિલિપાઈન્સના પ્રવાસે જવા નીકળ્યા છો એમ ને ? સ્ટીફન...!’ એણે બાજુમાં ઉભેલા એના સાથીદારને ઉદ્દેશ્યો, ‘જરા આ લોકોનો સામાન લઈ આવ તો.’
ઓહ નો ! એણે અમારો સામાન પણ કબજે કરી લીધો હતો. હવે ખોટું બોલવાથી કોઈ જ ફાયદો નહોતો.
પેલાએ ખૂણામાં પડેલા અમારા થેલાઓ ઊંચકીને સરદાર પાસે મૂકી દીધા. સરદારે એક થેલામાંથી ‘સ્પેક્ટર્ન’નો અમારો નક્શો કાઢ્યો.
- ઓહ ધત્ત તારી... હવે અમારું આવી બન્યું – હું મનમાં બોલ્યો. મેં સરદાર સામે જોયું તો એના ખતરનાક ચહેરા પર એવું જ ખતરનાક હાસ્ય છવાઈ ગયું હતું. એના અટ્ટહાસ્યથી રૂમ ગુંજી ઊઠ્યો, ‘હા... હા... હા... હા... પ્રોફેસર સાહેબ... આ છે તમારું ફિલિપાઈન્સ ? હેં...?’ પછી એણે હસવાનું બંધ કરીને પૂછ્યું, ‘તમે આટલું જુઠ્ઠું બોલશો એવું મેં ધાર્યું નહોતું.’
સાંભળીને પ્રોફેસર બેન સહિત અમે બધા જોરદાર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આ ચાંચિયા-સરદારને બધી જ ખબર હતી ! અને હવે જો એ અમારો દુશ્મન નીકળ્યો તો તો અમે પાછા લીમા નહીં પહોંચી શકીએ... અહીં જ ખતમ થઈ જશું. મને થોડી વાર ગભરામણ થવા લાગી. હવે શું થશે ? થોમસ, વિલિયમ્સ વગેરે તો સુન્ન થઈને સાંભળતા હતા. અલબત્ત, વોટસનના ચહેરા પર મેં કોઈ જ જાતનો ડર જોયો નહીં. એ એકદમ શાંત ચિત્તે બેઠો હતો. મને એ વાતની નવાઈ લાગી.
‘ખોટું બોલવું ભારે પડી ગયું ને, પ્રોફેસર ?’ ખુરશી પર બેઠેલા સરદારે પ્રોફેસર બેન સામે ઝૂકીને એની આંખમાં જોતાં કહ્યું, ‘ઘણી વાર સીધે-સીધું જ કહી દેવામાં ભલાઈ હોય છે, પ્રોફેસર...’ એ ફરી પાછો પાછળ ખસી ગયો, ‘ખેર. કોઈ વાંધો નહીં, મોડો મોડો પણ ભેટો થયો ખરો.’
આ ચાંચિયા-સરદારને તો જાણે એ કોઈ મોટો જાસૂસ હોય એમ બધી જ ખબર હતી. હજુ તો અમે કંઈ પણ વિચારવા જઈએ એના પહેલાં તો એણે ધડાકા કરવાના શરૂ કર્યા, ‘મારું અનુમાન સાચું હોય તો તું એલેક્સ છો ને ? અને તું જેમ્સ...’ એ દરેકને વારાફરતી નીરખવા લાગ્યો અને દરેકની સામે આંગળી ચીંધીને કહેવા લાગ્યો, ‘થોમસ... ક્રિક... વોટ્સન... વિલિયમ્સ... અને તમે પ્રોફેસર બેન...’ કહીને એ હસ્યો.
હું સજ્જડ થઈ ગયો. ભલો આ માણસ છે કે ઇન્ફર્મેશન મશીન ! એને અમારા વિશે આટઆટલી ખબર પડી કેવી રીતે એ સવાલે અમારા દરેકનું ભેજું બરાબરનું કસ્યું હતું.
‘બસ હવે. આટલું બધું વિચારવાની જરૂર નથી. તમે સૌ રાહતનો શ્વાસ લો. મને તમારો મિત્ર સમજો... હું છું એડગર !’ આખરે સરદારે પોતાનો પરિચય આપતાં કહ્યું. અમને એની સામે તાકી રહેલા જોઈને એણે પૂછ્યું, ‘કેમ ? મારું નામ પહેલી વાર સાંભળો છો ?’
‘પહેલી વાર જ તો...’ પ્રોફેસર બેન આટલું બોલી શક્યા.
‘એન્ડરસન સાહેબની ડાયરી નથી વાંચી કે શું ? એ ડાયરીમાં મારા વિશેની માહિતીઓ છૂપી રીતે લખેલી છે.’ હવે આશ્ચર્ય એડગરને થતું હતું.
‘જો એડગર...’ પ્રોફેસર બેને એને નામથી બોલાવતાં કહ્યું, ‘એ ડાયરી મારા હસ્તગત હતી. મેં એને વાંચી પણ છે, પરંતુ ન જાણે કેમ તમારા નામની માહિતીવાળું ગુપ્ત લખાણ મને નથી મળ્યું. અથવા તો હું એ ઉકેલી નહીં શક્યો હોઉં.’
‘ઠીક છે. એ જે હોય તે. પરંતુ એક વાર તમે લોકો મારી વાત સાંભળી લો. હવે એ વાત કહેવાનો વખત આવી ગયો છે.’ એડગર ભૂતકાળમાં સરી પડ્યો, ‘આજથી લગભગ સાત-આઠ મહિના પહેલાની વાત છે આ. હું, મારો પરિવાર અને મારા સાથીઓ અહીં આ ટાપુ પર સ્થાયી થયા હતા. અમે લોકો ચાંચિયાઓ હતા એ વાત અલગ હતી, પરંતુ અમે ચાંચિયાગીરી કરીને થાક્યા હતા અને શાંતિ ઈચ્છતા હતા એટલે કોઈ શાંત ટાપુની શોધમાં નીકળ્યા હતા. ત્યાં વળી આ સ્પેક્ટર્ન ટાપુનો ભેટો થઈ ગયો એટલે અમે અહીં પૂર્વ તરફ લંગર નાખ્યું હતું. અમારે હવે કોઈ જ જાતની બીજી કામગીરી કરવી નહોતી એટલે અમે અહીં વસવાટ કરવા લાગ્યા હતા. અમે સ્થાયી થયા એના થોડાક જ દિવસોમાં પેરૂ દેશથી પ્રોફેસર એન્ડરસન આ ટાપુ પર આવ્યા હતા. અમારા બંનેની મુલાકાત થઈ અને એમણે મારી સાથે એક સોદો કર્યો. એમણે કહ્યું હતું કે – છ સાહસિક છોકરાઓની ટોળકી એકલી અથવા એક પ્રોફેસર સાથે અહીં આવશે. આ ટાપુ પર લીમાની અમાનત ખજાનામાં પડી છે. તારે એમને ખજાનો શોધવામાં મદદ કરવાની છે, બદલામાં આ એક ડઝન સોનાના સિક્કા તારા – આમ કહીને એમણે મને તમારા લોકો વિશેની રજેરજ માહિતી આપી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે ટાપુ પર એમના દુશ્મનો ખજાનાનો પહેરો ભરવા ટાપુ પર જ વસી ગયા હશે, એટલે એ જોખમ માટે તૈયાર રહેજે. પરંતુ એમણે ન તો મને ખજાનાની જગ્યા બતાવી હતી કે ન તો નક્શો આપ્યો હતો. એમની એ જ શરત હતી. મને તો સોદાથી કામ હતું એટલે મેં સોદો મંજૂર રાખ્યો. સોદાની બાબતમાં હું કદી પણ ગદ્દારી ન કરું. ને આખરે આજે તમે લોકો આવી પહોંચ્યા એટલે હું મારી ફરજ અદા કરી રહ્યો છું.’
આ એડગર નામના ચાંચિયાએ તો અમને આખાને આખા હલાવી દીધા. એ જે કહી રહ્યો હતો એ અમને કંઈ જ નહોતું સમજાતું. પ્રોફેસર એન્ડરસને કોણ જાણે શું ખીચડી પકાવી હતી એ ખબર નહોતી પડતી. બધા જ સવાલોના જવાબોને અત્યારે બાજુ પર રાખીને અમે એડગર પર જ ધ્યાન આપ્યું.
‘જુઓ આ...’ કહીને એડગરે એન્ડરસનની ડાયરીનાં છૂટા-છવાયા પાનાંમાંથી એક પાનું કાઢીને બતાવ્યું. એમાં એક જગ્યાએ એણે આંગળી રાખી. પછી બોલ્યો, ‘અહીં લખ્યું છે, એ..ડ..ગ..ર.. અને પછી મારા આ વહાણની થોડી માહિતી આપી છે.’
‘ઓહ... આમ કેમ બન્યું ? મારી નજરમાં આ કેમ ન આવ્યું ?’ પ્રોફેસર બેન પાનાં પર જોતાં પોતાની જાતને પૂછતા હોય એમ બોલ્યા. પ્રોફેસર અત્યારે ખરેખરના મૂરખ ઠર્યા હોય એવું લાગતું હતું. એ ભોંઠા પડી ગયા.
‘પ્રોફેસર સાહેબ, આ વાત તમારી બેકાળજી છતી કરે છે...’ એડગરે નારાજ અવાજે કહ્યું. પણ પછી તરત જ એ ખુરશી પરથી ઊભો થઈ ગયો, ‘ચાલો... ભૂલચૂક માફ કરજો.’ એણે પ્રોફેસર બેન તરફ હાથ લંબાવતાં કહ્યું. પ્રોફેસર એનો અર્થ પારખીને એનો હાથ પકડીને ઊભા થયા. અમે પણ અમારી જગ્યાએ ઊભા થઈ ગયા. અમે હવે થોડી સલામતી અનુભવતા હતા.
‘એડગર ભાઈ ! હજી એક વાત સમજમાં નથી આવી.’ ક્રિકે હિંમત કરીને પ્રશ્ન કર્યો, ‘અમે તો દક્ષિણ તરફનાં જંગલમાં હતા, તો પછી અમને અહીં કેવી રીતે ને શા માટે લાવવામાં આવ્યા ? છેલ્લે અમે...’ એણે કંઈક યાદ કરવાની કોશિશ કરી, ‘હા... છેલ્લે એક છોકરીએ અમને પાણી પીવડાવ્યું હતું તો ક્યાંક એ...’
‘...એ પાણીમાં ઘેનની ગોળીઓ નાખી હતી મેં...’ એડગર ક્રિકને વચ્ચેથી અટકાવતાં બોલ્યો, ‘અને તમારી એ છોકરી હતી લારા... મારી દીકરી...’ એ એકદમ ધીમું હસ્યો અને પછી વાત શરૂ કરી, ‘જ્યારે તમે દક્ષિણ તરફના જંગલમાં આરામ કરવા બેઠા હતા ત્યારે મારા સાથીઓ લારા સાથે એ જ વિસ્તારમાં હતા. તેઓ ઉત્તર તરફની નદીનાં કાંઠેથી મશકોમાં પાણી ભરીને પાછા ફરતા હતા. એમનું ધ્યાન તમારા લોકો તરફ ગયું. હવે તમને માત્ર હું જ ઓળખી શકવાનો હતો અને એ વખતે હું તો ત્યાં હતો નહીં, એટલે મારા સાથીઓએ મોટો હંગામો ન થાય અને શાંતિથી કામ પતે એ માટે લારાને તમારી પાસે મોકલીને નાટક ચલાવ્યું. અને તમે લોકો જાળમાં ફસાઈ ગયા. પછી તમારા હાથ-પગ બાંધીને મારા સાથીઓ તમને અહીં લઈ આવ્યા. અહીં તમારા બધાનાં ચહેરાઓનું ચીવટપૂર્વક નિરીક્ષણ કર્યું ત્યારે મને એન્ડરસન સાહેબ યાદ આવ્યા... એમણે તમારા લોકોનું કરેલું વર્ણન યાદ આવ્યું. બસ...’
‘ઓહ... એમ વાત હતી !’ વિલિયમ્સે ઉદ્દગાર કાઢ્યો, ‘તો પછી તમે શરૂઆતમાં અમારી સાથે રિવોલ્વર લઈને ધાક-ધમકીથી વાત કેમ કરતા હતા ?’
‘અમસ્તું જ... તમને ચકાસતો હતો... તમારી ખાતરી કરતો હતો.’ એડગરે જરાય હસ્યા વગર કહ્યું, ‘પણ પ્રોફેસરે તો જુઠ્ઠું જ સંભળાવી દીધું. મને એમ કે તમે મારા વિશેની જાણકારી ડાયરીમાં વાંચી જ હશે...’ એણે પ્રોફેસરને ઉદ્દેશીને કહ્યું. પ્રોફેસર કંઈ બોલ્યા નહીં. ભૂલ એમની હતી.
‘ખેર ! રાત ગઈ, વાત ગઈ. ભૂલી જાઓ અને સફરની તૈયારી કરો.’ એડગર જોશભેર બોલ્યો, ‘એન્ડરસન સાહેબે સાથે થયેલો સોદો મારે ફરજ બજાવીને પૂરો કરવો જ રહ્યો. આવતી કાલે સવારે જ આપણે નીકળી જઈશું. તમારા બધાની સૂવાની વ્યવસ્થા અહીં જ છે. ગુડ નાઈટ !’ કહીને એ એના બે સાથીઓને અમારી સાથે રૂમમાં રાખીને બહાર નીકળી ગયો.
***