I love you Daddy in Gujarati Motivational Stories by Darshita Babubhai Shah books and stories PDF | આઈ લવ યુ ડેડી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આઈ લવ યુ ડેડી

આઈ લવ યુ ડેડી

લેખિકાની પ્રસ્તાવના :

બીજી ફેબ્રુઆરી, ૨૦૧૬ નો દિવસ. હું રોજની જેમ અપંગ માનવ મંડળમાં મારું કામ કરતી હતી. એક બહેન મને મળવા આવ્યાં હતાં. મને જાઇ તેમણે આશ્ચર્યથી પૂછ્યું કે ઘરેથી અહીં સુધી કેવી રીતે આવો છો? મેં સહજ જવાબ આપ્યો. મારા પિતા મને મૂકી જાય છે. ત્યારે તેમની આંખો પહોળી કરી બોલ્યા હજુ પણ તમને તમારા પિતા મૂકવા આવે છે! મારા જેવી વિકલાંગ દીકરીના ઉછેર પાછળ મારા માતા-પિતાનો જે ફાળો છે તે બદલ હું હજારો જન્મો પણ લઉં તો તેમનું ઋણ ના ઉતારી શકું. અત્યારે ઘણા ડોકટર અને ફિઝિયોથેરાપીસ્ટ મને જાઈને પૂછે તમારી કેટલી ઉંમર થઈ ? પચાસ વર્ષ સાંભળીને તેમને નવાઈ લાગે છે કે મારા જેટલી વિકલાંગતાવાળી વ્યક્તિ ૩૫ વર્ષની ઉંમરે પથારીવશ થઈ જાય. મારા જીવંત અસ્તિત્વ માટે એવું કહી શકાય કે મારું શરીર માત્ર શ્વાસ લેવાનું જ કાર્ય કરે છે બાકીના મારા અંગોનું કામ મારાં કુટુંબીજનો, મિત્રો અને શુભેચ્છકો દ્વારા થયા કરે છે. આજે ઉંમરના ૫૦ના પડાવે પહોંચી છું, પણ મને લાગે છે કે હું પાંચ વર્ષની નાની બાળકી છું. મારાં કહી શકાય એ તમામનું મારા પ્રત્યેનું વ્હાલ, લાગણી અને પ્રેમમાં એક અંશ પણ ઘટાડો થયો નથી. પરંતુ તે વધતો ગયો છે.

મારા પિતા વિશે લખવા બેઠી છું ત્યારે પહેલો વિચાર એ આવે છે દરેક બાળકના જીવનમાં માતા-પિતાના ત્યાગ અને પ્રદાનની ગણતરી કરવા બેસીએ તો કદાચ એક જિંદગી તો ઓછી જ પડે. આજ સુધી માતા-પિતા વિશે ઘણા બધાએ ઘણું બધું લખ્યું છે, પણ તેમાં પિતા વિશે ખૂબ જ ઓછું લખાયું છે.


આઈ લવ યુ ડેડી

મારા પિતાનું નામ બાબુભાઈ ચુનીલાલ શાહ. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું મોડાસા ગામ એમનું વતન. ગામમાં વૈષ્ણવ વાણિયા, દશા પોરવાડની જ્ઞાતિની વસ્તી પ્રમાણમાં સારી એવી. આદું અને રતાળું માટે વખણાતું મોડાસા વૈષ્ણવો માટે પણ જાણીતું. મોડાસાના ગાંધીવાડામાં મારા દાદાનું ઘર હતું. દાદા ચુસ્ત વૈષ્ણવ. શ્રીનાથજી બાપાની સેવા કુટુંબમાં વંશ-પરંપરાગત આવી હતી. એટલે જ દાદાના ઘરનું નામ ‘ગોકુલ’ નિવાસ હતું. મોડાસાના વણિક કુટુંબોમાં ચુનીલાલ દેવચંદ શાહ અને સમ્રતબહેન શાહનું ખોરડું પાંચમાં પૂછાય. ધાર્મિક અને સંસ્કારી આ દપંતિને ત્રણ દીકરા અને ચાર દીકરીઓ હતી. તેમાં બાબુભાઇ એટલે કે મારા પિતા બીજા ખોળાના. ૧૬મી જુલાઇ, ૧૯૩૨ના રોજ મારા પિતાનો જન્મ થયો. મારા દાદાને મોડાસામાં ‘ગવાર ગમ’ની ફેક્ટરી હતી. તેઓ ‘ગવાર ગમ’ની નિકાસ કરતા. મારા દાદાનો વ્યવસાય જામેલો. એ વખતમાં પણ મારાં દાદી મારા દાદાને વ્યવસાયમાં મદદ કરવા જતાં હતાં. ધાર્મિક સંસ્કારની સાથે સાથે વાણિયા જ્ઞાતિના લોકોને વેપાર અને તેની આટીઘૂંટી ગળથૂથીમાં જ મળે એવું મારા દાદીમા અમને કહેતાં.

પહેલાના વખતમાં શિક્ષણનો આટલો વ્યાપ કે જાગૃતિ નહોતાં, આમ છતાં મારા દાદાએ પોતાનાં સાતેય સંતાનોને ભણાવ્યાં હતાં. મારા પિતા સાત ધોરણ સુધી મોડાસામાં જ ભણ્યા. એ પછી તેઓ અમદાવાદ આવ્યા. મારા પિતાના મોટાભાઇ એમના પહેલાં અમદાવાદ આવી ગયા હતા. બંને ભાઇઓ સાથે રહીને ભણ્યા. બારમા ધોરણ પછી પિતાએ અમદાવાદની એમ.જી. સાયન્સ કાલેજમાં પ્રવેશ લીધો. પિતાને બાળપણથી જ રમત-ગમતનો શોખ. જેમ જેમ મોટા થતા ગયા તેમ જુદી-જુદી રમતો રમવા તરફ આકર્ષાયા. ક્રિકેટ, બૅડમિન્ટન એમની ગમતી રમતો. આ બંને રમત તેઓ ઉત્તમ રીતે રમી શકતા.

એ વખતે અમદાવાદની ગુજરાત કાલેજ યુવાનોની પ્રિય કોલેજ હતી. વળી, ત્યાંનું શિક્ષણનું સ્તર પ્રમાણમાં ઊંચું. રમતમાં રુચિ ધરાવતા યુવાનોને કાલેજમાં પ્રવેશ માટે પ્રાથમિકતા અપાતી. મારા પિતાએ પણ સ્નાતકનું પહેલું વર્ષ પૂરું કરીને ગુજરાત કાલેજમાં પ્રવેશ લીધો હતો. વિજ્ઞાન વિષયમાં સ્નાતક થઇ તેઓ વેપાર-ધંધામાં લાગ્યા હતા. દાદા ચુનિલાલ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા. પિતાજીએ એ ગુણો પોતાના જીવનમાં ઉતાર્યા હતા. પોતે ક્યાંય નોકરી નહીં કરે એવા નિર્ણય સાથે તેમણે નાનકડો વેપાર શરૂ કયો. તેમના એ સંકલ્પની પાછળ ભારોભાર પરિશ્રમ કરવાની ભાવના અને નિષ્ઠાનો મોટો ટેકો હતો.

મારા પપ્પા રંગે શ્યામ, ઊંચા અને મજબૂત બાંધાના સાવ સામાન્ય લાગતા. જાકે સામાન્ય લાગતા વ્યક્તિત્વમાં એક અસામાન્ય પિતા છૂપાયેલા હતા તે મારા જન્મ પછી જણાયું.

૧૯૬૧માં મુંબઈનાં મિનાક્ષીબહેન સાથે તેમનું લગ્ન થયું.

આજે જ્યારે આયુષ્યના પાંચ દાયકા પૂરા કર્યા છે ત્યારે એક વિચાર આવે છે કે જા મને આ પિતાને બદલે બીજા કોઈ પિતા મળ્યા હોત તો મારું શું થાત ? અખબારો, સામયિકો અને ટેલિવિઝન સિરિયલ તથા હિન્દી ફિલ્મોમાં અવાર-નવાર દીકરીઓની રજૂ થતી વ્યથા જાઉં છું ત્યારે મને થાય છે કે આ બધાની સરખામણીએ હું તો સ્વર્ગમાં મ્હાલું છું. માતાને તો પોતાનું દરેક સંતાન સરખું હોય છે, પણ પિતાને મન દીકરી એટલે આંખનું રતન. આ કહેવત મારા જીવનમાં સાર્થક થઈ છે. મને મારા પિતાએ અમૂલ્ય રતનની જેમ જાળવી અને ખૂબ કાળજીપૂર્વક ઉછેરી. ભારત જેવા પ્રગતિશીલ દેશમાં જ્યાં અનેક લોકો દીકરીઓને માતાના ગર્ભમાં જ મારી નાખે છે ત્યાં મારા પિતાએ મને, એક દિવ્યાંગ બાળકીને નવું જીવન આપ્યું.

મારો જન્મ થયો ત્યારે મારા પિતાની આંખમાં હર્ષના આંસુ આવ્યાં હતાં. તેમના હૃદયના ઉદ્‌ગાર હતાઃ મારે ત્યાં લક્ષ્મી આવી. એ દિવસ હતો નવમી નવેમ્બર,૧૯૬૫નો. ‘આ લક્ષ્મીનું જતન તો કરવું જ પડશે’ એમ તેમણે કહ્યું હતું. તેમની એ વાત સાચી પડી. તેમણે ખરેખર લક્ષ્મીની જેમ જ મારું જતન કરવું પડ્યું.

મને જાઇને મારા દાદીમા બોલ્યાં કે આ સુંદર ફૂલને સાચવવું પડશે, નહીંતર તેને કોઇની નજર લાગી જશે. બન્યું પણ એવું જ. મારા જન્મના આઠ મહિના થયા હતા ત્યારે મારા ડાબા હાથની બગલમાં ગૂમડું થયું. મને ડોક્ટર પાસે લઇ ગયા. ગૂમડા પર ચેકો મારવો પડે એવું હતું. એના લીધે મને તાવ આવ્યો. આ બધું બન્યું એમાં મને પોલિયોની રસી પીવડાવવાની રહી ગઇ. પપ્પાના કહેવા મુજબ એ ગાળામાં પોલિયોની રસી માટે સરકાર કે સમાજ કોઇ પક્ષે ન તો જાગૃતિ હતી કે ન તો સમજણ.

કમનસીબે દાદીમાની વાત સાચી પડી. એક સવારે મને ઘોડિયામાં સૂવડાવ્યા પછીના થોડા કલાકો પછી મમ્મીએ મને ઉંચકી તો તેના હોશ જ ઊડી ગયા. મારું શરીર જાણે લાશ બની ગયું હતું. માત્ર શ્વાસ ચાલુ. હલન-ચલનના નામે મીડું. મમ્મી તો ગભરાઇ ગઇ. એ જમાનામાં તો મોબાઇલ ફોનની સગવડ પણ ક્યાં હતી કે મારા પિતાને મારી આવી ગંભીર પરિસ્થિતિની તરત જાણ કરી શકાય! કોઈ પણ રીતે પિતાને આ સમાચાર પહોંચાડાયા. પળનોય વિલંબ કર્યા વગર તેઓ ઘરે આવી પહોંચ્યા. મને જાઇને એમનું હૃદય થડકારો ચૂકી ગયું. જાત પર કાબૂ મેળવી સ્વસ્થ થયા અને મને લઇને દોડ્યા ડોક્ટર ધોળકિયા પાસે. ડોક્ટરે મને તપાસીને નિદાન કર્યું, ‘આને પોલિયોમાંથી બાળલકવા થયો છે.’

દીકરી અને પોલિયો? પોલિયો શબ્દ સાંભળી માતા-પિતાની નીચેથી જમીન સરકવા લાગી અને તેમણે પોતાના માથે આભ પડ્યાની વેદના અનુભવી. ભગવાને એમની સાથે અંચઇ કરી અને મને એમના ‘સ્પેશિયલ ચાઇલ્ડ’ નું બિરુદ મળ્યું! ક્યાં જવું? શું કરવું? તેમને કશું જ સૂઝતું નહોતું. જાકે સંજાગોને સ્વીકારી બંનેએ હિંમત ધરી. જ્યારે ડોકટરે કહ્યું, કે જા તમારી દીકરીને સાજી કરવી હશે, જીવતી રાખવી હશે તો સૌ પ્રથમ તો તમારે હિંમત રાખવી પડશે.

આ એમની અગ્નિપરીક્ષાની પળો હતી. માતા-પિતાએ મક્કમતાથી ડોક્ટરને જણાવ્યું કે અમારી દીકરીના ઉછેરમાં અમે કોઈ કચાશ નહીં રાખીએ. તેને સારી રીતે જીવાડવા અમે તનતોડ મહેનત કરીશું.‘તનતોડ મહેનત’ એટલા માટે કે ત્યારે તો હું જીવતી લાશ જ હતી. મને જીવતી રાખવાનું સહેલું નહોતું.મને વારે વારે પાણી પીવડાવવું, મારો ઝાડો-પેશાબ સાફ કરવાના, મને ખવડાવવું અને હા, પડખું પણ બદલાવવાનું. આ ઉપરાંત નિયમિત કસરત તો કરાવવાની જ.

મારા પિતાને મન હું, દીકરી એટલે ભગવાન મળ્યા બરાબર. મારા જન્મ પછી મને યાદ આવતું નથી કે મારા પિતા ભગવાનના દર્શને બહુ ગયા હોય ! ગયા હોય તો ભગવાન પાસે મારા સ્વાસ્થ્યની પ્રાર્થના માટે. તેઓ મને નાનપણથી કહેતા તુજ મારો ભગવાન.

હું પોલિયોનો ભોગ બની એ વર્ષ હતું ૧૯૬૬નું. જ્યારે અમદાવાદ કે અન્ય કોઇ સ્થળે પોલિયોની તબીબી સારવારની ઝાઝી સુવિધા નહોતી. એ વખતે આધુનિક ટેકનોલોજીની વાત સ્વપ્નવત હતી. સારવાર માટેની ગણીગાંઠી તક. કહેવાતી લક્ષ્મી, દીકરીનો યોગ્ય ઈલાજ થાય એટલા લક્ષ્મી દેવી એમના પર રીઝ્યાં નહોતાં. મને સાજી કરવા માટે કોઈ પણ વ્યક્તિ જે દિશા સૂચવે તે દિશામાં તેમણે પ્રયત્નો કર્યા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા અને ચર્ચ. દરેક ઠેકાણે શ્રદ્ધાથી માથું ટેકવ્યું. કોઈ સ્વજન-મિત્રના કહેવાથી મને અજમેર શરીફની દરગાહે પણ લઇ ગયા હતા. જાકે બાળલકવાનો ભોગ બનેલી દીકરીને સાજી કરવી એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ વધારે કઠણ વાત હતી.

માતા-પિતાએ મારા કિસ્સામાં પોતાની જાતને ડાકટરો સમક્ષ સમર્પિત કરી. ડાક્ટરના જણાવ્યા મુજબ મારી ફિઝીયોથેરાપીની કસરત ચાલુ કરી દીધી. ઘરેથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ટાઉનહોલ પાસેના ડૉ.પુષ્પાબહેન માંકડ, ડૉ.સ્નેહલતા મોદી અને ડૉ.નટુભાઇના ફિજિયોથેરાપી સેન્ટરમાં દરરોજ મને કસરતમાં લઈ જવી પડતી. પિતા તો પોતાના વ્યવસાયમાં પરોવાઈ ગયા હોય તે સ્વાભાવિક હતું. મારાં મમ્મીએ મારા લાલન-પાલન, સેવા-ચાકરીનું આજીવન વ્રત લીધું. મમ્મી મુંબઇની હતી અને તે સમયે અંગ્રેજી ભાષામાં સ્નાતક થઇ હતી. લગ્ન પછી તે અમદાવાદમાં સરકારના ખેતીવાડી વિભાગમાં અધિકારી તરીકેની જવાબદારી સંભાળતી હતી. મારા જન્મ પછી થોડો સમય એણે નોકરી ચાલુ રાખી હતી. પોલિયો થયા પછી પિતાએ જાયું કે મારી સંભાળ રાખવા માટે મમ્મીએ ચોવીસ કલાક ઘરમાં હાજર રહેવું અનિવાર્ય છે. મમ્મીને પોતાને પણ લાગ્યું કે નોકરી કરતાં દીકરીની સંભાળ વધારે મહત્વની છે. અલબત્ત એ વખતે અમારા માટે પૈસાની જરૂરિયાત બહુ જ હતી અને પૈસાનું મૂલ્ય પણ અધિક હતું. પપ્પાએ કહ્યું કે, હું વધારે મહેનત કરીશ.તું માત્ર સંતાનોને યોગ્ય રીતે સાચવી લે. એ પછી મમ્મી સરકારી નોકરી મૂકીને એક દિવ્યાંગ દીકરીને સમર્પિત બની. વાહન વ્યવહારનાં ટાંચા સાધનોના જમાનામાં લાલ બસ મુસાફરી માટે ઉત્તમ હતી. અમે મણિનગર રહેતાં. મમ્મી મને મણિનગરથી લાલ બસમાં ટાઉનહોલ લઇ આવતી.

હું બે વર્ષની થઇ કે મારા શરીરમાં જ્યાં જ્યાં સાંધા હતા ત્યાં કૃત્રિમ સાંધા બેસાડવામાં આવ્યા. મારા શરીરમાં બેસાડેલા સાંધા પરદેશથી મગાવવામાં આવ્યા હતા. આ સમય એવો હતો કે પપ્પાનો ધંધો સ્થિર નહોતો થયો. ઘણી વાર આર્થિક સંકડામણ વેઠવી પડતી. મારા આ ઓપરેશન વખતે પપ્પા પાસે પૈસાની સગવડ નહોતી, આમ છતાં મિત્ર પાસેથી ઉછીના પૈસા લઇને તેમણે મારી મોંઘી સારવાર કરાવી હતી. અમદાવાદના તે સમયના જાણીતા ડાક્ટર ફોજદારે મારાં ઓપરેશન કર્યાં હતાં. આ ઓપરેશન પછી એટલો ફાયદો થયો કે પહેલાં હું જ્યારે રડતી ત્યારે મારું પેટ ફુલાઈ જતું તે હવે બંધ થઇ ગયું.

કસરત મારા શરીર માટે ઉપયોગી હતી, તો મારા મનને પણ સાજું કરવાનું હતું. માતા-પિતાએ વિચાર્યું કે ઉંમર પ્રમાણે મને શિક્ષણ પણ મળવું જાઇએ. એ આશયથી મારા પિતાએ સમયસર મારું નામ શાળામાં લખાવ્યું. મણિનગરની બેસ્ટ સ્કૂલ મારી પહેલી શાળા. એ પછી નારણપુરા વિસ્તારમાં આવેલી સંઘવી હાઇ સ્કૂલમાં મને પ્રવેશ મળ્યો. પિતા મને અભ્યાસમાં પાછળ રાખવા માગતા હોતા. ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કરીને મને શાળામાં મૂકવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. મારી શારીરિક અક્ષમતાને ધ્યાને લઇ તેમણે અમને અનુકૂળતા કરી આપી. શાળામાં મારી સંભાળ માટે એક બહેન રાખવામાં આવ્યાં હતાં. મોટે ભાગે તો એવું બનતું કે શાળામાં હું નિયમિત જાઉં. આમ છતાં મારી હાજરીની બાબતે શાળાના આચાર્યશ્રીએ વિશેષ છૂટ આપી હતી. મારા પિતા તો કોઇ પણ સંજાગોમાં મને શિક્ષણ અપાવવા મક્કમ હતા. મારા શૈક્ષણિક અભ્યાસના પગરણ માંડવામાં મારા અશક્ત પગે મારા મનની મજબૂતાઇ વધારી.

મારાં માતા-પિતાએ મને નવજીવન આપવા કમર કસી. મને દરરોજ ચાર કલાક કસરત માટે લઇ જવી, ઘરે અભ્યાસ કરાવવો તથા ઘરમાં પણ કસરત કરાવવી કે જેથી મારા હાથ-પગમાં કોઈ વધારે નુકશાન ન પહોંચે. મારા પિતાએ મારા માટે સ્ટીલનું બોડી બનાવડાવ્યું. એમાં મને સુવડાવતાં તથા ઊભી રાખીને બાંધી દેતાં. આ ઉપરાંત મને બે કલાક ખુરશીમાં પણ બાંધીને રાખતા, જેથી મારું શરીર બેસતાં શીખે. મને પોલિયોની અસર વધારે હતી. શરૂઆતમાં તો મારા શરીરની સ્થિતિ લાશ જેવી હતી. મારા શરીરના તમામ અંગોએ જાણે હલન-ચલન સામે સત્યાગ્રહ નહીં, હઠાગ્રહ કર્યો હતો. કોઈ અંગનું હલન-ચલન થતું નહોતું. માતા-પિતા અને ભાઈ-બહેનો મારું શરીર ચેતનવંતુ બને એ માટે સતત પ્રયત્નો કરવા લાગ્યાં. એ સૌના પ્રેમાળ પ્રયાસ સામે પોલિયો જરા નરમ પડ્યો અને મારા આરોગ્યમાં સુધારો વર્તાવા માંડ્યો.

મારાં ભાઇ-બહેનો કરતાં મારા ઉછેર પાછળ વધારે ખર્ચ થતો. ડોકટરો એવું કહેતા કે મારે જિંદગીભર કસરત ચાલુ રાખવાની હતી. એને પહોંચી વળવા મારા પિતા અથાક મહેનત કરતા. તેઓ પોતાનો ધંધો કરતા હતા. તેઓ ચામડાનું એક કારખાનું ચલાવતા હતા. ટેક્સટાઇલ મિલના સાળ ખાતામાં જે ચામડું વપરાય તેનો એમનો વ્યવસાય હતો. આ કારખાનું તેમણે ત્રણ વર્ષ ચલાવ્યું. પિતાએ દિવસ-રાત જાયા વગર ધંધામાં મહેનત કરવા લાગી. મને યાદ છે ત્યાં સુધી મારા પિતાએ આશરે ૧૯-૨૦ કલાક કામ કરવા માંડયું. મારો પોલિયો એટલો પ્રભાવક હતો કે મને બોલવામાં પણ તકલીફ હતી. મારા ફેફસામાં હવા જ ભરાતી નહોતી. આથી તેઓ મારા માટે રેડિયો લાવ્યા. તેમનો ઈરાદો એવો હતો કે હું રેડિયો સાંભળીને બોલતાં અને ગાતાં શીખું. આ રીતે નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી મારો ઉછેર કરવામાં આવ્યો.

ચામડાના વેપારમાંથી પિતાને નવી દિશા મળી. તેમણે રંગના વ્યવસાયમાં ઝંપલાવ્યું. મહેનતુ અને આત્મવિશ્વાસથી ભરપૂર મારા પિતા પથ્થરમાંથી પાણી કાઢી શકે એવા.એ જમાનામાં કાપડ ઉદ્યોગ સોળે કલાએ ખીલેલો હતો. અમદાવાદ માન્ચેસ્ટર ગણાતું હતું. રંગની ડાઇઝ બનાવવાનું કામ તેમણે શરૂ કર્યું. એ સમયની પ્રખ્યાત ‘ખટાઉ’ કંપનીની એજન્સી તેમને મળી હતી.

મારા પિતા પાસે એ જમાનામાં સાયકલ હતી. તેમણે કોઇની પાસેથી ઉધાર પૈસા લઇને ૩૦૦ રૂપિયાની સાયકલ ખરીદી હતી. મણિનગરથી સાયકલ પર તેઓ અમદાવાદના બધા વિસ્તારોમાં ધંધા માટે ફરતા. એમની આકરી મજૂરીના દિવસો મને બરાબર યાદ છે. વર્ષો સુધી તેઓ બપોરનું જમવાનું ઘરે નહોતા જમી શક્યા. તેમને ધંધા અર્થે મુંબઈ, નાગપુર, વડોદરા, સુરત, દિલ્હી વગેરે સ્થળોએ સતત જવા-આવવાનું થતું. મહિનામાં ઘણા દિવસો તેઓ અમદાવાદની બહાર રહેતા. અમદાવાદની લગભગ બધી જ ટેક્ષટાઇલ મિલોમાં તેઓ રંગ આપતા. આ વ્યવસાયે મારા પિતાને ‘રંગોના રાજા’ તરીકેની નવી ઓળખાણ પણ અપાવી હતી.

એ સમયે મુંબઇની જયસિંથ ડાયકેમ કંપનીની એજન્સી પણ પિતાને મળી હતી. એમના મનમાં એક જ ધૂન હતીઃ કેમેય કરીને મારા જેવી શારીરિક અક્ષમતા ધરાવતી પોતાની દીકરી માટે રૂપિયા ભેગા કરવા. એમાંથી મારો શ્રેષ્ઠત્તમ ઉછેર કરવો. કહેવત છે કે પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. તો પ્રામાણિક ભાવનાનો બદલો પણ ભગવાન તમને અચૂક આપે છે. ખરેખર તેમની સામે ભગવાને પણ જાયું . તેમના ધંધોના વિકાસનો ગ્રાફ ઊંચો વધતો ગયો. મહેનત,ધંધાની આવડત અને કુટુંબને સુખી કરવાની ભાવનાએ એમની ઉત્તરોત્તર પ્રગતિ થઇ.

હું પાંચ વરસની થતાં જ પિતા મને ઘરની બહાર ફરવા લઈ જવા ગાડી ખરીદીને લાવ્યા. મને બેસતાં-ચાલતાં નહોતું આવડતું તેથી મને ઉંચકીને લઈ જવી પડતી. સ્કૂલની પરીક્ષામાં લઈ જવી, કોઈક વાર કસરતમાં લઈ જવી, બહાર ફરવા લઈ જવી હોય તો મને ખભે ઉંચકીને લઈ જવી પડતી. ગાડી આવતા ઘણું સારું થઈ ગયું. તેઓ મને લગભગ દરરોજ ગાડીમાં ફરવા લઈ જતા.

મારા પિતા ક્યારેય સંજાગો કે પરિસ્થિતિ સામે હાર્યા નથી. મારા માટે તેમણે કુદરત સામે યુદ્ધ છેડ્યું હતું. એમાં મારી મમ્મી તથા ઘરના અન્ય સભ્યો તેમની સાથે હતાં.

સમય જતાં હું થોડું થોડું બેસતાં શીખી. માતા-પિતા મારા પ્રત્યે નરમાશ રાખે એ સ્વાભાવિક હતું. જાકે એ નરમાશ મારી નબળાઇ ન બને તે માટે તેમણે મારા તરફ ખૂબ જ કડક વલણ પણ અપનાવ્યું હતું, કારણ કે મારાં રોજિંદાં કામો જાતે કરી શકું તે જરૂરી હતું. એક સિક્કાની બે બાજુની જેમ અત્યંત લાડ-પ્રેમ સાથેની કડકાઈ મારા હિતમાં હતી. હું સ્વ-નિર્ભર થઈ શકું તે પણ ઈચ્છનીય હતું. પપ્પાનું વ્યક્તિત્વ હિમાલય જેવું. અડગ મનોબળની સાથે લાગણી ભીનું હૃદય.

હું ચાલતાં શીખું એ માટે મારા પિતા રોજે રોજ નવા પ્રયોગો અમલમાં મૂકતા. તેમણે આઠ વર્ષની ઉંમરે મારા માટે પગથી ગળા સુધી પહેરાય તેવાં ચામડાનાં બૂટ બનાવડાવ્યાં. એ વિશિષ્ટ બૂટ પહેરાવી મને ઊભી રાખી દેતા કે જેથી હું ઊભા રહેતાં અને ચાલતાં શીખી. આ બૂટ હું જાતે પહેરી શકું એમ નહોતી. મને બૂટ પહેરાવવાં અને કાઢવાં, મારા પિતાના કામમાં એક વધુ કામનો ઉમેરો થયો. આમ છતાં મને તેમના ચહેરા પર અણગમો કે થાક ક્યારેય વર્તાતાં નહોતાં. હું મોટી થતી હતી તેમ મારી સારવારનો ખર્ચ વધતો હતો. મારી સાથે મારાં બીજાં ભાઇ-બહેનો પણ ભણતાં હતાં. આ ઉપરાંત સામાજિક વ્યવહારો સાચવવાના. બધાને પહોંચી વળવા પિતા પોતાનો ધંધો દિવસે-દિવસે વધારતા જતા હતા. ધંધામાં વ્યસ્ત રહેતા પિતાના જીવનની પ્રાથમિકતામાં હું સૌથી પહેલી હતી. આજે એમની ૮૪ વર્ષની ઉંમરે પણ પોતાના જીવનના અનુક્રમમાં મારા પ્રકરણે પહેલો નંબર જાળવી રાખ્યો છે. તેઓ ત્યારે મને ખૂબ જ સાચવતા અને આજે પણ. મને બધી જ જગ્યાએ ઉંચકીને ફરવા લઈ જતા. કોઈ વાતનું ઓછું આવવા ન દેતા.

ઘરમાં મારી માતા મારો પડછાયો બનીને રહેતી. મને યાદ છે એક કિસ્સો. હું આઠ વર્ષની હતી. એક વાર મેં પહેલા નાહવા માટે જીદ કરી. મમ્મીને કામ હોવાથી મારા પર ગુસ્સે થઇ ગઇ. મને બાથરૂમમાં પૂરી દીધી અને કહ્યું કે જાતે નાહી લે. હું બે કલાક બાથરૂમમાં રહી. આવડે એવું જાતે નાહી લીધું. પછી મને બહાર કાઢીને છાતીએ વળગાડીને ધોધમાર રડી. કહેવા લાગી હવે થોડું જાતે કરતાં શીખ. હું નહીં હોઉ ત્યારે કોણ કરશે? મમ્મીને સંતાનોની ઉછેર સાથે બીજી કૌટુંબિક જવાબદારી પણ હતી. મારાં મોટાં ફોઇ વર્ષમાં કેટલોક સમય અમારા ઘરે આવીને રહેતાં. મારા ફોઇના દીકરાઓ વારાફરતી અમદાવાદમાં રહીને ભણ્યા. બધા અમારે ઘરે જ જમતા. આ ઉપરાંત નાત, કુટુંબમાં લગ્નપ્રસંગ કે મરણપ્રસંગે ખાસ જઇ શકતી નહીં. હા, જ્યાં જવું અનિવાર્ય હોય ત્યાં મને ઉંચકીને સાથે લઇ જતી.

પિતા પોતાનો કારોબાર સંભાળીને ઘર બહારના મારાં તમામ કામોમાં મારો અડીખમ ટેકો બનતા. મને શાળાએ લઈ જવી, પરીક્ષા અપાવવી તથા મારા શારીરિક વિકાસ અને માનસિક પ્રગતિ માટે તેમણે દિવસ કે રાત કાંઇ જ જાયું નથી. શાળાની પરીક્ષા મારી અને ધીરજની કસોટી એમની. પરીક્ષા સમયે હું સતત ત્રણ કલાક બેસીને પેપર સરળતાથી લખી શકું એટલે મને ખુરશી પર બેસાડી બાંધી દેતા અને પેપર લખું ત્યાં સુધી તેઓ કલાસની બહાર બેસતા. મારે કોઈ વસ્તુની જરૂર હોય કે મને કોઇ તકલીફ થાય તો તાબડતોબ મારી પાસે આવી જાય. આમ હું પરીક્ષાઓ આપતી રહી અને સારાં પરિણામ સાથે પાસ થતી. હું અને પિતા બંને પોરસાતાં. આવી નાની નાની સફળતા અમારા સૌ માટે ઉત્સવ બનતી. એ ઉત્સવની ઉજવણીના કેફમાં મારી અક્ષમતા થોડી ઓછી થતી. હું અને મારા પિતા એમણે મારી માટે નક્કી કરેલાં પથ પર સાથે જ આગળ વધતાં. વ્હિલચેર તો બહુ પાછળથી મારા અસ્તિત્વનો એક હિસ્સો બની, પણ વર્ષો સુધી મારાં પિતાના પગે અમે બંને જણાં ચાલ્યા છીએ.

આ રીતે પડતાં - આખડતાં, ઊભા થતાં દિવસો પસાર થવા લાગ્યા.

અમારો આ સમયગાળો અમારા મણિનગર વિસ્તારના ઘરમાં વીત્યો. હવે અમારે ઘર બદલવું પડે તેમ હતું. લક્ષ્મી વધે એમ જરૂરિયાત વધે. અહીં તો કારણ જુદું હતું. આ ઘરમાં બાથરૂમ ઘરની બહાર હતું. હું મોટી થતી જતી હતી અને મને ઘરની બહાર આવેલા બાથરૂમમાં ન્હાવા-ધોવામાં તકલીફ પડતી હતી. મારા પિતા મને મુશ્કેલીમાં રાખે એવા નહોતા. મારી સાથે મારી બીજી ત્રણ બહેનો પણ હતી જ. દીકરીઓના પિતાને દીકરીઓ માટે સુવ્યવસ્થિત ઘરની અપેક્ષા હતી. પિતાએ તરત જ ઘર બદલવાનો નિર્ણય કર્યો. અમદાવાદના નારણપુરામાં મોટો ફલેટ ખરીદ્યો. નવા ઘરમાં અંદર જ બાથરૂમ હતું તેથી મારી તકલીફ ઓછી થઈ. જાકે પોલિયોને લીધે મને તે બાથરૂમમાં જતા અગવડ પડતી કારણ કે એ જમાનામાં આપણે ત્યાં દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને મકાનના બાંધકામનો ખ્યાલ અસ્તિત્વમાં જ નહોતો. બિલ્ડરે બાંધેલા ફ્લેટમાં બાથરૂમની બાંધણી એવી હતી કે સામાન્ય વ્યક્તિ જ એનો ઉપયોગ કરી શકે. ઘર બદલવા છતાં મારી મુશ્કેલી તો યથાસ્થાને જ રહી. જાકે થોડો સમય એ જ રીતે જીવતાં શીખી લીધું.

મારાં ફેફસાને કસરત મળે, ફેફસાં મજબૂત થાય, આ ઉપરાંત મને ચાલવામાં સરળતા રહે એ માટે ડાક્ટરની સલાહ મુજબ મારી તરવાની તાલીમ શરૂ થઇ. દરરોજ ચાર કલાક કસરત, સંગીત, સ્વિમિંગ વગેરેમાં માતા-પિતાનો ઘણો સમય પસાર થઇ જતો. મારી આ બધી પ્રવૃત્તિઓમાં માતા-પિતાની સાથે મારાં ભાઈ-બહેનો પણ મદદ કરતાં હતાં. કુટુંબની દરેક વ્યક્તિત્વ મારૂં જીવન સરળ બનાવવાના પ્રયત્ન કરતી હતી. મારા પિતાએ મારા શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહેનત કરી. હું અપંગ છું એવી લઘુતાગ્રંથિ મારા મનમાં ન બંધાય અને મારો આત્મવિશ્વાસ વધે એવાં અસરકારક પ્રયાસો કર્યા. મારા પિતાએ મને સંગીતની તાલીમ અપાવવાનું નક્કી કર્યું. સંગીત શિક્ષક મારા ઘરે આવતા. એ બે-પાંચ વર્ષ નહીં. પૂરાં ૨૦ વર્ષ સુધી મારી સંગીત સાધના અવિરત ચાલુ રહી. મારે તો ગાયકી જ શીખવાની હતી, પરંતુ મારા પિતાએ મને હાર્મોનિયમ, તબલાં, વાયોલિન અને તાનપૂરો લાવી આપ્યો. હું માત્ર શીખવા પૂરતી સંગીતની તાલીમ લઉં એવું જરાય નહોતું. પિતાએ મારી તાલીમમાં પૂરતો રસ લઇને મને સંગીતની પરીક્ષાઓ પણ અપાવી.

મારો અભ્યાસ આગળ વધતો જતો હતો તેમ પિતાનું કામ પણ વધતું જતું હતું. મારું ભણતર વધતાં તેઓ મને અભ્યાસમાં મદદ કરતા અને સારા પરિણામની ઇચ્છા રાખતા. મારા અભ્યાસના આરંભે જ તેમણે મને ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણ તો લેવું જ પડશે. એ પણ પ્રથમ વર્ગ સાથે. ફક્ત ભણવા ખાતર નથી ભણવાનું. મારા અભ્યાસમાં પણ સમગ્ર કુટુંબ મને ખૂબ જ મદદ કરતું. પિતાની ઈચ્છા હતી કે હું ભણી-ગણી તેમનું નામ રોશન કરું. મોટા ભાગનો અભ્યાસ હું ટ્યુશન વગર જાતે જ કરતી હતી. ક્યારેક કોઈ તકલીફ પડે તો પિતા મને સમજાવતા.

મારો દિવસના મોટા ભાગનો સમય ઘરમાં જ વીતતો. છતાંય મને કંટાળો આવતો નહીં. મારી ઉંમર વધતાં અને શરીર થોડું સશક્ત થતાં હું ચાલતાં, દાદરા ચડતાં-ઉતરતાં શીખી હતી. સામાન્ય બાળકો બે-અઢી વર્ષે ચાલતાં શીખતાં હોય છે. હું આઠ વર્ષે શીખી હતી. આ કામ મારા માટે થોડું અઘરું હતું. પિતાની હૂંફ, ટેકો અને ટેકનિકે, મને ખબર પણ ના પડી હું ચાલતા શીખી ગઇ.

આ સમયગાળા દરમિયાન મને મુંબઈ, ગોવા, જયપુર, ઉદેપુર વગેરે અલગ-અલગ શહેરોમાં લઈ જવાઈ. ત્યાંના નિષ્ણાત ડાકટરોની પણ સલાહ લેવામાં આવી. બધાનો એક જ જવાબ હતોઃ ફિઝિયાથેરાપીની સારાવાર ચાલુ રાખા, તેના સિવાય બીજી કોઈ દવા જ નથી. કોઇ પણ સંજાગોમાં મારી કસરત ચાલું રાખવાથી પરિણામ મળ્યું. હું ૧૧ વર્ષની થઇ ત્યારે પપ્પા મને લઇને ડૉ. ધોળકિયા પાસે ગયા. મને જાઇને એમને ખૂબ જ નવાઇ લાગી. તદ્‌ન આશા ખોઇ દીધી હોય તેવા કિસ્સામાં આટલું અસરકારક પરિણામ! ડૉકટરે મારાં મમ્મી-પપ્પાના આકરા તપને મનોમન વંદન કર્યાં.

મારા પિતા ફરવાના શોખીન. પોતાના વેપાર-ધંધાના કામથી તેઓ ફરતા. રજાઓમાં અમે સહકુટુંબ પ્રવાસે જતાં. પ્રવાસ કે મુસાફરીમાં એમના માટે મારી શારીરિક અક્ષમતા ક્યારેય બાધા રૂપ બની નથી. હંમેશા ખુશ જ દેખાય. અમે બધા સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, રાજસ્થાન વગેરે સ્થળોનો પ્રવાસ કર્યો હતો. એ પણ પિતાની જ ગાડીમાં. પ્રવાસ દરમિયાન કોઈ વાતે મને ઓછું ના આવે તેની સૌથી વધારે કાળજી પિતા જ રાખતા. ફરવા ગયાં હોઇએ એટલે હોટલના રૂમમાં પૂરાઇ રહેવું થોડું જ ગમે? પપ્પા પહેલેથી જ સૂચના આપી દે કે તમારે બધાએ બહાર ફરવા જવાનું, હું દર્શિતા પાસે જ રહીશ. તે મારી સાથે હોટલના રૂમમાં રહેતા. પ્રવાસમાં પપ્પાએ બીજા એક નિયમ બનાવ્યો હતો કે સવારનો ચા-નાસ્તો, બંને સમયનું જમવાનું બધાએ સાથે રૂમમાં જ કરવાનું. કારણે કેટલીક જગ્યાએ હું વ્હિલચેર હોવા છતાં જઇ ન શકું અને બીજા જમવાની નિયત જગ્યા હોય ત્યાં જમવા જાય તો રૂમમાં હું એકલી પડું. આમ સામાન્ય અને નાની નાની બાબતોની કાળજી પપ્પાએ મારા માટે લીધી છે.મારા પિતા મને અમદાવાદમાં પણ ફિલ્મો જાવા, બાગ-બગીચે ફરવા તથા જાવાલાયક સ્થળોએ લઇ જતા. આજે પણ જા હોટલમાં જમવા જવાનું હોય તો મને મૂકીને કોઇ જતું નથી. હું જવાની ના પાડું તો પપ્પા તરત જ બોલે, તમે બધા જાવ હું અને દર્શિતા ખીચડી બનાવીને જમી લઇશું. મને થાય કે મારા માટે પપ્પા પોતાનાં બીજાં સંતાનોને અન્યાય તો નથી કરતા ને? એવું ન થાય એ માટે હવે હું પણ બધાની સાથે બહાર જમવા જવા માટે તૈયાર થઇ જાઉં છું. હોટલમાં જવાની અગવડ હોય તો હું ગાડીમાં બેસીને જમી લઉં. આમ પરસ્પર રાજી થઇને અમે જીવનને માણીએ છીએ.

વ્યકિતના જીવન ઘડતરમાં માતા-પિતા, કુટુંબીજનો અને સમાજ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જુદે જુદે અંશે ભાગ ભજવે છે. સમાજની વાત કરીએ તો લોકો અને આપણા તહેવારો ખાસ. હું દરેક તહેવાર ઉજવી શકું એનો આનંદ માણી શકું એ માટે પપ્પાએ પ્રયત્નો કર્યા હતા. અમારી સોસાયટીમાં નવરાત્રિનું આયોજન એવી રીતે કરે કે હું પણ એનો આનંદ લઈ શકું. અમારા ઘર આંગણે જ ગરબા રમાય અને હું ખુરશીમાં બેઠી બેઠી જાઇને રાજી થાઉં. મને રંગોની એલર્જી હોવાને કારણે તેઓ મને ધૂળેટી રમવા દેતા નહીં. દિવાળીમાં બધાં ભાઇ-બહેનોની સાથે હું પણ ફટાકડા ફોડતી. પપ્પા અમારી સાથે જ હોય. ફટાકડા ફોડાવતી વખતે મારું ધ્યાન વિશેષ રાખે. અમદાવાદીઓ તો ઉતરાયણના ઘેલા. પપ્પા મને ઉંચકીને ઘરની અગાશી પર લઇ જતા. મારા હાથમાં પતંગની દોરી પકડાવે અને મને પતંગ ચગાવ્યાનો સંતોષ થાય. મને યાદ નથી કે મારી અપંગતા કોઇ પણ તહેવારની ઉજવણીમાં બાધા રૂપ બની હોય. એ માટે પપ્પાએ સૌથી વધારે એમનો “સમય” મને આપ્યો છે. આજે સમાજમાં લોકો પાસે સંપતિ, આધુનિક, ભૌતિક સગવડ બધું જ હોય છે. માત્ર સંતાનો માટે સમય નથી હોતો. જે ચિંતાજનક પરિસ્થિતિ છે.

મને ઉંચકીને શાળાના પગથિયા ચઢીને લેવા મૂકવા આવતા. આ ક્રમ પાંચમા ધોરણ સુધી ચાલ્યો. પછી મને દાદરા ચઢવા-ઉતારવાનું શીખવ્યું. જા કે એમાંય એમને સાથે તો રહેવું જ પડતું અને તેઓ રહેતા. આજે મારા ઉછેર વિશે વિચારું છું ત્યારે થાય છે કે માતા-પિતા પોતાનાં બાળકો માટે કેટકેટલું કરે છે, કુરબાની આપે છે, પોતાની ઈચ્છાઓને મારે છે, બાળકને હસતું રાખવા પોતાને રડવું પડે તો રડે છે, ભગવાનને તો કોણે જાયા છે ? મારા માટે તો મારાં માતા-પિતા જ ભગવાન.

રેત સરકે એમ સમય સરકી રહ્યો હતો. મેં નવમું ધોરણ પાસ કર્યું. હવે વારો આવ્યો ધોરણ દસનો. ૧૯૮૦નું એ વર્ષ હતું. હવે દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લોવામાં આવે છે. હું ભણવામાં ખૂબ હોંશિયાર પણ પિતાને ડર હતો કે દર્શિતા કેવી રીતે બોર્ડની પરીક્ષા આપશે? નવમા ધોરણ સુધી તો પરીક્ષા શાળામાં જ આપવાની હતી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા બોર્ડ નક્કી કરે છે. મારા પિતાને ચિંતા એ જ કે પરીક્ષામાં મારો બેઠક નંબર ઉપરના માળે હશે તો શું થશે? બન્યું પણ એવું જ. દસમાની વાર્ષિક પરીક્ષાની બેઠક વ્યવસ્થા જાહેર થઇ. જાયું તો મારો નંબર ચોથા માળે આવ્યો. વળી, એ વખતે બોર્ડ વિભાગ એક જ દિવસમાં બે વિષયની પરીક્ષા લેવાતી. જો કે, વિદ્યાર્થીઓમાં આજના જેવો પરીક્ષાનો હાઉ નહોતો જાવા મળતો. હા એટલું ખરું કે બે પરીક્ષા એક જ દિવસે હોવાને કારણે તૈયારી જારમાં કરવી પડતી. મારી શાળામાં તો નીચેના વર્ગમાં બેસીને હું પરીક્ષા આપી શકું એવી ગોઠવણ થતી, પરંતુ આ તો બોર્ડ!

મને ચોથે માળ ચડાવવાની એટલે ગિરનાર ચઢવા જેવું. ચાલીસ પગથિયાં મારા માટે ચારસો જેવાં હતાં. પિતા મને એક કલાક શાળાએ વહેલા લઈ જતા જેથી હું સમયસર પરીક્ષા ખંડમાં પહોંચી શકું. એ સમયે બે પરીક્ષા વચ્ચે એક કલાકની રિસેસ આપવામાં આવતી. મારા પિતાજી સવારે મને લઇને જતા. હું વર્ગ ખંડમાં પેપર લખું અને તેઓ બહાર બેસી રહેતા. અચાનક મારે કોઇ વસ્તુની જરૂર પડે તો ? પપ્પા તરત જ હાજર. અલ્લાઉદ્દીના ચિરાગની જેમ! એક પરીક્ષા પૂરી થાય અને રિસેસ પડે એમાં મારી માતા મારા માટે પાણી, ચ્હા અને નાસ્તો લઈને આવતી. સાંજે છ વાગે પેપર પૂરું થયા પછી મને ચાર માળથી નીચે ઉતારતાં એટલી જ વાર લાગતી. ગિરનાર ચઢવામાં વાર લાગે, પરંતુ ઉતરતી વખતે સહેલાઇથી ઓછા સમયમાં ઉતરી શકાય. મારા માટે તો ચઢવું કે ઉતરવું બંને એક સરખું જ હતું. કદાચ ઉતરવું વધારે અઘરું હતું. (થિન્ક એવરેસ્ટ, પુસ્તકમાં અતુલ કરવાલે નોંધ્યું છે કે, “પર્વત પર સહુથી વધુ મોત ઊતરતી વખતે થાય છે એના અનેક કારણોમાંના મુખ્ય કારણમાં, ઊતરતી વખતે સમતુલા ગુમાવી દેવાની શક્યતા વધારે હોય). દિવ્યાંગ વ્યક્તિ માટક્ત શરીરનું સંતુલન મહત્વનું છે. એમાં મારા કરતાં પિતાએ વધારે કાળજી રાખવી પડતી. આ બધામાં ચોકસાઇની સાથે ભારોભાર ધીરજ પણ જાઇએ. કારણ કે બીજા દિવસે બીજાં બે પેપર આપવાનાં તો ઊભાં જ હોય. બોર્ડની પરીક્ષા, પરીક્ષા ખંડ ચોથે માળે.મારી શારીરિક ક્ષમતા સામે આ અઘરું હતું. ભગવાનને આટલું પૂરતું ન લાગ્યું. એ જ દિવસોમાં હું માસિકમાં આવી. (મારો પિરિયડ ચાલુ થયો). આ પરિસ્થિતિથી માતા-પિતા થોડાં દુઃખી થયાં. આનો ઉપાય શો? મને નીચે અલગ બેસાડી પરીક્ષા અપાવે તો ઉત્તરવહીઓ ગુમ થઈ જાય એવો ભય હતો. એવું થાય તો અભ્યાસમાં મારું એક વર્ષ બગડે. જે પિતાને મંજૂર નહોતું. છ દિવસની તપસ્યાને અંતે પરીક્ષા પૂર્ણ થઇ. હવે પ્રતિક્ષા હતી પરીણામની. અમારા સૌની મહેનત ફળી. હું ૬૩ % સાથે પાસ થઇ. ઘરમાં બધાંની આંખમાં હર્ષનાં આંસુ છલકાયાં.

હવે એક નવો સવાલ ઊભો થયો કે આગળ મારે સાયન્સ કે કોમર્સ, કઇ શાખામાં પ્રવેશ લેવો? સાયન્સ ભણવાની રીતે નહીં, પરંતુ નિયમિત શાળાએ જવું પડે, વધારે કલાકો ભણવું પડે એ રીતે મારા માટે મુશ્કેલ હતું. મારા પિતાએ મને સ્પષ્ટ રીતે કહી દીધું કે જા આગળ ભણવું હોય તો કોમર્સ લેવું પડશે. તને ઘરની સામેની સ્કૂલમાં ભણાવીશ, નહીંતર અભ્યાસ બંધ. મારે અભ્યાસ તો કરવો હતો વળી પિતાની વાત સાચી લાગી કે સાયન્સ ભણવામાં મને ખૂબ જ તકલીફ પડે એમ છે. એમની વાત મને શીરાની જેમ ગળે ઉતરી ગઇ અને મેં કોમર્સમાં શાખામાં પ્રવેશ લીધો. કોમર્સનો મુખ્ય વિષય એકાઉન્ટ. જે મારા માટે તદ્દન નવો. હું સારી રીતે એકાઉન્ટ ભણી શકું એટલે પિતાએ મારા માટે પર્સનલ ટ્યુશન રખાવ્યું. અને આ રીતે મારો ભણવાનો આ સિલસિલો આગળ ચાલ્યો.

ધોરણ ૧૧ આસાનીથી પસાર થયું. આવ્યું ૧૨મું ધોરણ. જે વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં ભણતા હોય એમના માટે લોકો મજાકમાં કહેતા હોય છે કે આનું બારમું ક્યારે થશે! ફરીથી બોર્ડની પરીક્ષા આવી. સાથે અનેકવિધ તકલીફો પણ ખરી જ. હવે તકલીફો મને કોઠે પડી ગઇ હતી. મેં ૬૩ % પહેલાં વર્ગમાં (ફસ્ટ ક્લાસ) સાથે બારમું ધોરણ પણ પાસ કર્યું. આમ સ્કૂલના દિવસો પૂરા થયા. ૧૯૮૨માં અમદાવાદમાં કોમી રમખાણ થયું હતું. શરૂના દિવસોમાં તો સમગ્ર અમદાવાદ તોફાનની અસર હેઠળ હતું. એવી જાખમી પરિસ્થિતિમાં પણ મારા પપ્પા મને સાવચેતીપૂર્વક કસરત કરાવવા માટે લઇ જતા હતા તે યાદ છે. આ વાંચીને થાય કે આવાં તોફાનમાં બે-ચાર દિવસ કસરત કરાવા માટે ન જવાય તો ચાલે નહીં? મારા પપ્પાએ જીવનમાં ક્યારેય કશું ચલાવી લીધું નથી. તેમના માટે પોતાના જીવન કરતા મારી કસરતની અગત્યતા હંમેશા વધારે રહી છે.

મને કોલેજમાં મૂકવાનો પ્રશ્ન ઊભો થયો. કઈ કોલેજમાં મૂકવી તેની દ્વિધા હતી. ધોરણ બારનું મારું પરિણામ સારું હતું. અમદાવાદની ઉત્તમમાં ઉત્તમ કોલેજનાં પ્રવેશદ્વાર મારા માટે ખુલ્લા હતા, પરંતુ મારા પિતાએ કહ્યું, તારી બહેનપણીને જ્યાં પ્રવેશ મળે ત્યાંજ તારો પ્રવેશ કરાવીશ, કારણ કે અભ્યાસ તથા એ અંગેની જાણકારી મેળવવામાં મને સરળતા રહે. મારી બહેનપણી પ્રીતિ સાથે મેં સી.યુ.શાહ કોમર્સ કોલેજમાં પ્રવેશ લીધો. પ્રથમ દિવસે મેં જીદ પકડી મારે કોલેજ જવું છે. પિતા મને ગાડીમાં કોલેજ લઈ ગયા. ત્યાં તપાસ કરતા માલૂમ પડ્યું કે દર્શિતાનો પ્રથમ વર્ષનો ક્લાસ પાંચમા માળે છે. પિતા આચાર્યને મળવા ગયા. મારી શારીરિક અક્ષમતા તેમને જણાવીને વિનંતી કરી કે મારા માટે ભોંયતળિયે વર્ગની વ્યવસ્થા કરે.

મારા પિતાની વિનંતી સામે આચાર્ય અસંવેદનશીલ રહ્યા. તેમણે મારા પપ્પાના હાથમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાછું આપ્યું અને બોલ્યા કે, તમારી દીકરીનું એડમિશન બીજી કાલેજમાં લઈ લો. આચાર્ય આચાર્ય જેવા ઓછા લાગ્યા અને પ્રિન્સિપાલ વધુ! તેમના નિર્દયી વર્તન સામે પિતા જીદ પર આવી ગયા. આખરે પિતા કોના હતા? તેમણે આચાર્યને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,મારી દીકરી આ જ કોલેજમાં ભણશે. તે દરરોજ કાલેજ નહીં આવી શકે, પરંતુ પરીક્ષા આપવા આવશે. આમ પિતાની હિંમત અને ધગશથી હું કાલેજનો અભ્યાસ પૂર્ણ કરી શકી. સ્નાતક કક્ષાએ ૬૩% મેળવીને હું કાલેજમાં પ્રથમ નંબર લાવી. મને ગુજરાત સરકાર તરફથી આગળ ભણવા માટે રૂપિયા ૧૫૦૦ની સ્કોલરશીપ મળી. મારા પગ વિનાના પગલાંએ જાણે કે સડસડાટ દોટ મૂકી. મારા ભણતરની ગાડી પૂરાં વેગ સાથે આગળ વધતી ગઇ. મારા ભણતરના ભાથામાં એક પછી એક ડિગ્રી M.Com, LLB, LLM, MCA, MBA ઉમેરાતી ગઇ.

૧૯૮૫માં આપણે ત્યાં ટીવીનું આગમન થયું. પપ્પાએ તરત જ ઘરમાં ટીવી વસાવ્યું. મારા બીજા ભાઇ-બહેનો તો કદાચ બીજાને ઘરે ટીવી જાવા જઇ શકત પણ તેમણે મારો વિચાર કર્યો. તેઓ સતત એવું વિચારતા કે હું ખુશ રહું અને મારી સાથે ઘરના બીજા બધા પણ ખુશ અને આનંદમાં રહી શકે.

અમે સૌ આનંદ કિલ્લોલથી જીવન જીવી રહ્યાં હતાં. હવે માતા-પિતાને સુખની ઘડી આવી. જા કે એમના સુખને કોઇની નજર લાગી કે પછી ઇશ્વરને ઇર્ષા આવી? ૧૯૮૯નું વર્ષ અમારાં જીવનમાં આકસ્મિક વળાંક લાવ્યું. એ વર્ષનાં જૂન મહિનાની ૧૧મી તારીખે મારી મમ્મી અમને સૌને મૂકીને પરલોક ચાલી ગઇ. અમે સંતાનો નમાયાં બની ગયાં. ભરચોમાસે અમારા ઘરમાં દુકાળ પડ્યો હોય એવી સ્થિતિ સર્જાઇ. પપ્પા એકલા પડ્યા. એ ન તો રોઇ શકતા કે ન કોઇને કશું કહી શકતા. સ્વાભાવિક હતું કે મારી મમ્મીને મારી ચિંતા સૌથી વધારે હતી. એની અંતિમ ઘડીએ પપ્પાએ એને વચન આપ્યું હતું કે, આજ પછી હું દર્શિતાને મારે હૈયે વળગાડી રાખીશ. પપ્પાએ એમનું વચન પાળ્યુ. ચાર ચાર જુવાન દીકરીઓ અને દીકરાને ઉછેરવાની બહુ મોટી જવાબદારી તેમના પર આવી. દુઃખનું ઓસડ દહાડૉ. સમય જતાં અમે કારમા આઘાતમાંથી બહાર આવ્યાં. પિતાએ અમારા ભાઇ-બહેનો માટે બેવડી ભૂમિકા અદા કરી.

માતાના અવસાન બાદ હું હતાશામાં ના સરી પડું તે માટે પિતા મને પોતાની સાથે કસરતમાં લઈ જતા, ત્યાંથી એમની ઓફિસે લઇ જતા. ત્યાં મને ચા-નાસ્તો કરાવે અને નામું લખતા શીખવાડે. મારો સમય પસાર થાય, તેઓ મારી સાથે જ રહી શકે અને મને એક નવો અનુભવ મળે. એમ કરતાં મને નામુ લખવામાં ફાવટ આવી ગઇ. આજે તો પપ્પા વેપારમાંથી નિવૃત્ત છે, પરંતુ ભાઇ મારી પાસે જ એકાઉન્ટ લખાવે છે. મારા અંગત ટ્રસ્ટનું એકાઉન્ટ પણ હું જ લખું છું. પપ્પાની ઓફિસે જવાથી બેન્ક સાથેના નાણાકીય વ્યવહારની સમજણ પડી. ચેક લખવો, ચેક મારફતે પૈસા ઉપાડવા વગેરે બાબતો મને આવડી. જે આજે મારા ટ્રસ્ટના વહીવટમાં મને ખૂબ ઉપયોગી થાય છે. સાંજે હું ભાઈ સાથે ઘરે પાછી આવતી. પપ્પા આૅરિએન્ટ ક્લબમાં જુદી જુદી પ્રવૃત્તિ કરીને બે કલાક પસાર કરતા. હું પણ તેમને કલબમાં જવા દેતી. ત્યાં પોતાના મિત્રો સાથે એમનો સમય આનંદમાં વીતતો. મમ્મીના જવાનું દુઃખ હળવું થતું. મમ્મીના જવાથી અમારા વ્યક્તિત્વમાં બહુ મોટો અવકાશ ઊભો થયો. હું વિકલાંગ એટલે મમ્મી મારી સાથે વધારે નજીક હોય એ સ્વાભાવિક છે. અલબત્ત, મમ્મી માટે તો સૌ સંતાનો સરખાં. માનો ખાલીપો કોણ પૂરી શકે?

મારા પિતાએ અમારા ભાઈ-બહેનોના ઉછેરમાં કાઇ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નહતો. અમને દરેકને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. એટલું જ નહીં અમે ચારેય સંતાનો આર્થિક દૃષ્ટિએ સ્થિર થયા એવું ઘડતર એમણે સતત અમારી સાથે રહીને કર્યું. મારી મોટી બહેન સંગીતાને B.Pharm સુધી ભણાવી. બીજી બહેન મમતાને B.Pharm પછી પી.એચ.ડી કરાવ્યું. ભાઈ ઇજનેરી ક્ષેત્રનું ભણ્યો. નાના બહેનને B.Sc. સુધી ભણાવી. અમારા ભણતર દરમિયાન એમને માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક અડચણો વેઠી હશે. કેટલીક અમારી જાણમાજ, તો એનાથીય વધારેથી અમે અજાણ. એ બધી મુશ્કેલીઓને હાંસિયામાં હડસેલી અમારા ભણતરની ગાડીને એક લયમાં ચાલવા દીધી. અમને અમારા યોગ્ય મુકામે પહોંચાડીને જ તેમણે રાહત અનુભવી.

મારી બહેનો લગ્નલાયક થઇ. એમના માટે યોગ્ય પાત્ર શોધી પપ્પાએ એ ત્રણેયને એમનાં સંસારમાં સ્થિર કરી. છેલ્લો વારો ભાઇનો આવ્યો. એનાં લગ્ન પણ કર્યાં. અમે સૌએ પાંચેય આંગળીએ ભગવાનને પૂજ્યા હશે કે ભાભી સંસ્કારી અને ગુણિયલ મળી. મને તો જાણે ચોથી બહેન મળી. ભાભીના આવવાથી ભાઇનું વર્તન-વ્યવહાર બદલાય એવું થતું હોય છે. મારા પિતાએ સીંચેલા સંસ્કારથી અમારા ભાઇ-બહેનોની જિંદગી છલોછલ હતી. ભાભી પણ એવી જ આવી. સોનામાં સુગંધ ભળી. અમારો ઘરરૂપી બગીચો પરસ્પરના પ્રેમ અને લાગણીની મહેંકથી મઘમઘી રહ્યો. ઘરમાં ભાભી આવતાં નવી રોનક આવી. મારી શારીરિક અક્ષમતાને ભાભીએ સહર્ષ સ્વીકારી. પિતા,ભાઇ અને બહેનો મારી જેટલી કાળજી રાખતાં એનાથી વધારે મારી કાળજી તે રાખતાં થઇ ગયાં. મને ભાભીના રૂપમાં એક બહેન અને સખી મળી.અત્યાર સુધી મારા વ્યક્તિત્વ ઘડતરમાં મમ્મીના ગયા પછી સૌથી વધારે પિતાએ ભોગ અને ભાગ આપ્યો હતો. હવે ભાઇ-બહેનો મોટા થવાની સાથે એમની સમજણ વિકસી હતી. દરેક જણ મને મદદ કરવા તત્પર રહેતું. ભાઇ મારા માટે મારાં પગલાં બની રહેતો. બસ એવી જ રીતે ભાભી પણ મને મદદ કરવાની પરંપરામાં દિલથી જાડાઇ ગઇ. મારાં દરેક નાનાં-મોટાં કામ અને પ્રવૃત્તિમાં રસ લેવા લાગી. મારી પ્રગતિ માટે પીઠબળ બની રહી. હું એવું કહીશ કે ભાભીના આગમનથી મારી ટુકડીમાં એક મજબૂત સાથીદાર ઉમેરાયો. મારી બહેનો અને ભાભી બધા સાથે મળીને, સંપથી મારી સારવાર અને કાળજી ચીવટપૂર્વક રાખતાં થયાં.

સને ૨૦૦૦ની સાલમાં અમદાવાદમાં પૂર આવ્યું હતું. એ સમયે અમે સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં હતાં. પૂરનું પાણી અમારા ઘરના નીચેના ભાગમાં ભરાઇ ગયું હતું. પપ્પાએ સમયસૂચકતા વાપરીને પહેલા મને ઘરના પહેલા માળે સુરક્ષિત જગ્યાએ લઇ ગયા હતા. એ પછી ઘરના બધા સભ્યો અને થોડોક સામાન ઉપર લાવ્યા. બીજે દિવસે પૂરનાં પાણી થોડાં ઓસર્યાં એટલે મને મારા કાકાને ઘરે મોકલી અને પછી સૌ આવ્યાં હતાં. પૂરના પાણી ઘરમાં ફરી વળતાં ઘરને મોટું નુકશાન થયું હતું. જા કે પપ્પાએ ક્યારેય સંજાગો કે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવ્યાં નથી. ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપે અમદાવાદનેય ખૂબ મોટી અસર કરી હતી. એ દિવસોમાં પપ્પા સતત મારી સાથે જ રહ્યા હતા. ભૂકંપ પછીના થોડા દિવસો આફરશોક દરમિયાન તે દિવસ-રાત બૂટ પહેરી રખાવતા, અચાનક ધરતી હાલે અને બધાએ દોડીને બહાર જવું પડે! મેં બૂટ પહેરેલાં હોય તો મને અને એમને જાખમ ઓછું અને સરળતા વધારે. અલબત્ત, ધરતીકંપ પછીની કેટલીક રાતો તો અમે અમારી ગાડીમાં પસાર કરી હતી કારણ કે ધરતીકંપની બે-ચાર ક્ષણો પણ મારા માટે કપરી હતી. મને લઇને અચાનક દોડવું કોઇના પણ માટે શક્ય નહોતું. મારા માટે થઇને બધાએ ગાડીનું શરણું લીધું હતું. જાખમી પરિસ્થિતિમાં પપ્પાએ સૌ પહેલા મને જ સાચવી છે એ સાવ સ્વાભાવિક છે. એમના એવા વલણને લીધે મારાં કુટુંબીજનોએ પણ મને સાચવવામાં ક્યારેય પાછી પાની કરી નથી.

હવે મારા શરીર પરની પોલિયોની અસર ઓછી થતી જતી હતી. મારાં કુટુંબીજનોની સખત મહેનતનું એ પરિણામ હતું. મારા શારીરિક વિકાસમાં મને મારા ભાઈ-બહેનોની સંપૂર્ણ મદદ મળી રહેતી. સમય જતાં પિતાનો વ્યવસાય વિસ્તર્યો. ધંધામાં એમની મહેનત અને મમ્મીનો સાથ રંગ લાવી. ભાઇ પણ પપ્પાને ખભો મિલાવીને સાથ આપતો હતો. પપ્પાને લાગ્યું કે અત્યાર સુધી પોતે પરિવારને ખાસ કાંઇ આપી શક્યા નથી. હવે મારી પાસે સંપત્તિ છે તો પરિવારને રહેવા માટે ઉત્તમ સગવડ કરવી જાઇએ.

એમણે રો-હાઉસ વેચીને બંગલો ખરીદ્યો. આ નવા અને સ્વતંત્ર બંગલામાં મારા ભાઈએ મારા માટે જરૂરી ઉપરાંત વધારાની સગવડ કરાવી આપી. ભાઈ આર્થિક રીતે સધ્ધર થતાં એને પણ નવો બંગલો બાંધવાની ઇચ્છા થઇ. ઇચ્છાને બળ મળ્યું મારા કારણે. હવે મારું કામકાજ વધ્યું હતું. ઘરમાં અને બહાર મારે સતત વ્હીલચેરના ઉપયોગ કરવો પડતો હતો. ઘરમાં હું વ્હીલચેરમાં સરળતાથી હરી ફરી શકું એ બાબતને ધ્યાને લઇને ભાઈએ મોટો બંગલો બંધાવ્યો.

હવે પિતા મનથી સ્વસ્થ થયા હતા. આર્થિક પરિસ્થિતિ ઉત્તમ હતી. સમાજ માટે પોતે કંઇક કરી શકે એટલા તેઓ સક્ષમ બન્યા. ઇ.સ. ૨૦૦૪માં તેઓ અમદાવાદ શહેરની ઓરિએન્ટ કલબના સેક્રેટરી પદે નિમાયા. ઘરમાં મારા સિવાય બીજા પોનપોતાના કામ-કાજમાં પ્રવૃત્ત રહેતાં. બચી હું એકલી. મમ્મીને આપેલા વચન મુજબ મને એકલી મૂકતાં તેમનો જીવ ચાલતો નહીં. તેઓ મને સાથે કલબમાં લઈ જવા લાગ્યા. કલબમાં નીતનવા કાર્યક્રમોનું આયોજન થતું. કલબમાં જવાથી મારા જીવનમાં એક નવું પ્રકરણ ઉમેરાયું. મારી સામે સાહિત્યની નવી દિશા ખૂલી. મારી લાગણીઓને શબ્દોના વાઘા મળ્યા. હું કવિતા અને ગઝલો લખતી થઈ હતી. મેં મારી કાલી ઘેલી ભાષામાં રચનાઓ લખી હતી. મને પ્રોત્સાહન મળે, આનંદ થાય એટલે મારી કવિતા અને ગઝલનો સંગ્રહ પ્રકાશિત કરવાનું સૂચન આપ્યું. મારી પ્રસન્નતાને બરકરાર રાખવા સામા પૂરે તરવું પડે તોય તરતા. મારી શારીરિક અપંગતા સામે માનસિક ક્ષમતાને વધારે તેજસ્વી બને તેવા તેમના પ્રયાસો રહ્યા છે. મને ગીત, કવિતા અને ગઝલમાં વધારે રસ પડે, સાહિત્યના એ પ્રકારને નજીકથી, ઊંડાણથી સમજી શકું તેથી તેઓ મને શહેરમાં યોજાતા કવિ સંમેલન, મુશાયરામાં લઈ જતા. અમદાવાદમાં સાહિત્યની પ્રવૃત્તિઓ સાતત્યપૂર્વક નિયમિત થાય છે. અહીં દર શનિવારે ગોઠવાતા સાહિત્ય ચોરામાં મને મૂકવા-લેવા આવતા. મારા વ્યક્તિત્વ ઘડતરમાં તેમનું અંગત જીવન ઓગળી ગયું હતું. આજે હું પગ ન હોવા છતાં પગભર છું અને જ્યાં જવાનું હોય ત્યાં જાતે જઇ શકું છું. એટલી સક્ષમ બનાવવા માટે પિતાએ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા.

મારા શાળા અને કોલેજના અભ્યાસ દરમિયાન મને લેવા મૂકવાની સંપૂર્ણ જવાબદારી એમણે જ નિભાવી છે. મને સરળતા રહે એ માટે એમણે એમના ધંધા-વ્યવસાયના કામને એવી રીતે ગોઠવ્યું હતું. મારા ભણતર પછી મેં મને ગમતી વિવિધ કામગીરી પણ કરી. મેં સેવા, અવાજ, અંધજન મંડળ, બી.એમ.ઇન્સ્ટીટયુટ વગેરેમાં નોકરી કરી. દરેક ઠેકાણે તેઓ લેવા મૂકવા આવતા. દીકરી એમની એટલે નોકરી નથી કરવી વ્યવસાય કરવો છે. મારા આ વિચારને પણ એમણે પોષ્યો. મેં એક્સલન્ટ રેડિયોમાં કેસેટનો ધંધો કર્યો. ઓમ એન્ટરપ્રાઈઝમાં ડાઇઝ અને કેમિકલ્સનો ધંધો કર્યો. ઓમ પબ્લિકેશનમાં કવિતા,ગઝલોના પુસ્તકોનું પ્રકાશન અને વેચાણનું કાર્ય કર્યું. આ બધી જ પ્રવૃત્તિમાં ક્યારેક તેઓ ન આવી શકે તો મારી સાથે અમારી પરિચિત અને વિશ્વાસુ વ્યક્તિને મોકલતા. એમાં જીવણભાઈ, સનતભાઈ આચાર્ય, ભામિનીબહેન, સુનીલ, હરીશ પરમાર, ભરતભાઈ, લક્ષ્મણભાઈ વગેરે હતા. આ બધામાંથી જેને અનૂકુળ હોય તેવા બે જણને મારી સાથે મોકલી આપતા. હું ઘરે નીકળું ત્યારે મને પાણી, નાસ્તો, વ્હીલચેર, મોબાઈલ લઈ જવાનું યાદ કરાવે. જ્યાં ગઈ હોઉં ત્યાં બેથી ત્રણ વાર ફોન કરી મારી ખબર અંતર પૂછે અને ઘરે ના પંહોચું ત્યાં સુધી ઘરની ગેલેરી કે ઝાંપામાં મારી રાહ જાઇને ઊભા રહે છે. સતત ભગવાનને પ્રાર્થના કરે કે મારી દીકરીને કોઈ તકલીફ ના પહાંચે.

૨૦૦૮માં મેં અપંગ માનવ મંડળમાં સેવા આપવાનું ચાલુ કર્યું . આ કાર્યમાં પણ તેમની જ પ્રેરણા હતી. ઓરિએન્ટ કલબમાં એક કાર્યક્રમમાં તેમના મિત્રએ મને જાઇ.મને મળ્યા. એમણે મારા પિતાને કોઇ વાત કરી હશે. બીજા દિવસે ફરમાન છૂટ્યું, “ઘરમાં બેસી રહેવા કરતાં કઇ કામ કર. મારે તારા પૈસાની જરૂર નથી, પરંતુ તું કામમાં જોતરાયેલી રહીશ તો તને કંઇ નવું જાણવા શીખવા મળશે.” આ વાત મને આજે સમજાય છે. મારા પપ્પા મારા માટે કેટલું દૂરનું વિચારતા હતા. એક અપંગ દીકરી ઘરમાં બેસી રહે તો શું ફરક પડે ? મારું ઘરની બહાર નીકળવું, પ્રવૃત્તિ કરવી મારા માટે પ્રાણવાયુ સમાન હતું. એના કરતાં વિશેષ મારું આત્મગૌરવ જળવાઇ રહે એ એમને મન મહત્વનું હતું. મારી મમ્મી-પપ્પા બંનેએ નક્કી જ કર્યું હતું કે હું સ્વનિર્ભર બનું. શારીરિક અને આર્થિક રીતે. એટલે જ તેમના કહેવાથી મેં અપંગ માનવ મંડળમાં જવાનું શરૂ કર્યું. પ્રારંભનાં થોડાં વર્ષ તેઓ જ મને અપંગ માનવ મંડળમાં મૂકી જતા. અપંગ માનવ મંડળમાં કામ કરતાં કરતાં મને વિચાર આવ્યો કે મારે પોતાની સંસ્થા સ્થાપવી છે. જેના દ્વારા હું પણ અક્ષમ વ્યક્તિઓને મદદ કરી શકું. ૨૦૦૯મા આ વિચારને અમલમાં મૂક્યો. દર્શુ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધણી કરાવી કામનો આરંભ કર્યો. ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે તેમણે ખૂબ જ મોટું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટની સામજપોયોગી પ્રવૃત્તિમાં પિતા તથા ઘરના સભ્યોની મદદ મળતી રહે છે. ટ્રસ્ટ દ્વારા ચાલતા વિરમગામ મેડિકલ ચેકઅપ કેમ્પ, મોડાસામાં સાધન સહાય કેમ્પ કે અમદાવાદના કેમ્પ, દરેક એમની દેખરેખ હેઠળ થાય છે. વિરમગામ કેમ્પ તેમના મિત્ર શ્રી શરદભાઈ કોઠારી તથા મનુભાઈ પંડ્યાની મદદથી થઇ રહ્યો છે.

આજે જ્યારે મારાં પિતા સાથેનાં સ્મરણો આપની સાથે વહેંચી રહી છું, ત્યારે વિચાર આવે છે કે કેવી રીતે તેઓએ આ બધુ સંભાળ્યુ હશે? આજના જમાનામાં જ્યારે દીકરીઓને હજુ પણ ઘરમાં કે સમાજમાં સ્થાન પૂરતું માન-સન્માન નથી મળ્યુ ત્યારે એક પિતાએ અક્ષમ દીકરીના જીવનનું ઘડતર કરવામાં કેટલું મોટુ યોગદાન આપ્યું ! તેમને કોટિ કોટિ વંદન અને સલામ કરવાનું મન થાય.

આ સમગ્ર વ્યક્તિત્વનું એક ચૈતન્ય ઊભુ થયું. મને ત્રીજી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મળ્યા પાછળ એક આખી ટીમ વર્કનું પરિણામ છે. મારાં માતાના આશીર્વાદ, પિતા, ભાઈ-ભાભી, બહેનો-બનેવીઓ અને તેમનાં બાળકો, સગાં-વહાલાં, મારા ફિઝિયોથેરાપી ડોક્ટર લતાબહેન, પિતરાઇ ભાઇ નિલેષભાઈ, રાકેશભાઈ, ઉમંગભાઈ, હરીશભાઈ, ડૉ.પુષ્પાબહેન, નટુભાઈ, મારા સંગીત શિક્ષકો ચંદ્રકાંતભાઈ, નયનભાઈ તથા હેમદીપભાઇ,મારા મિત્રો રઘુવીરસિંહ, રશેષભાઈ,નીતિનભાઇ,અનિતાબહેન અને રમેશભાઇ, પ્રીતિબહેન, ભવનાબહેન,ભામીનીબહેન,પ્રતિક રવિ ચાવડા, રાજ, દક્ષાબહેન, મહેશભાઈ, ઈનાબહેન, બતૂલબેન, લીનાબેન ત્રિવેદી, હરેન્દ્ર રાવલ, કવિ મિત્રો વગેરેનો સાથ,સહકાર અને હૂંફ મળી છે. આ બધામાં આજે સેવાકીય પ્રવૃતિઓમાં મને સૌથી વધારે સાથ તો ક્ષિતિશભાઈ, કુમુદબહેન, અનિલભાઈ, મહેરબહેન, પુનાની સાહેબ, ઈલાબહેનભટ્ટ, ઈલાબહેન પાઠક વગેરેનો મળ્યો છે.

૨૦૧૫માં દૈનિક ભાસ્કર તરફથી વુમન પ્રાઈડ એવોર્ડ માટે મારી પસંદગી થઇ હતી. એવોર્ડ વિતરણ સમારંભ મુંબઈમાં યોજાયો હતો. એ વખતે હું જીદ કરીને પપ્પાને મારી સાથે લઇ ગઈ હતી. મને આજે એ વાત કહેતા ગૌરવ થાય છે કે એવોર્ડ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથીએ જાહેરમાં પપ્પાને ખાસ અભિનંદન આપી, મારી કારકિર્દી ઘડવામાં આપેલા અમૂલ્ય યોગદાનને સલામ કર્યા હતા. મારી કારકિર્દી દરમિયાન મને અનેક સંસ્થા, સમાજ અને સરકાર તરફથી વિધ-વિધ મન-સન્માન મળ્યાં છે. જે મારા ડિયરેસ્ટ પપ્પાને સમર્પિત કરું છું. અલબત્ત મારે મન તો મારા ‘પપ્પા’ જ મારો બેસ્ટ એવોર્ડ છે.


જીવનઋણ સ્વીકાર

સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિ ઘર બાંધીને એમાં બંધાઇ જાય છે. અમારા કિસ્સામાં આનાથી ઉલટું થયું. મારા સતત પ્રવૃત્તિશીલ સ્વભાવને કારણે મારી સાથે ઘરની અન્ય વ્યક્તિઓ પણ ઘરની દિવાલોમાંથી નીકળી સમાજ સાથે જાડાઇ. જીવનમાં પ્રગતિ થતાં મારા લટકણો વધતાં ગયાં. મારાં કસરતનાં સાધનો, સંગીતનાં સાધનો, કેલીપર્સ, ઘોડી, પાટલો, સાઈકલ, વ્હીલચેર. હું એક અને આ સૌ મારા સાથીઓ! વળી, મારાં ત્રણ ભાઇ-બહેન અને મમ્મી-પપ્પા. હવે ઘર નાનું પડવા લાગ્યું. પપ્પાએ મારી અનુકૂળતા માટે ફરી નવું ઘર, રો-હાઉસ ખરીદ્યું. તેમણે હંમેશા મને કેન્દ્રમાં રાખીને પોતાના જીવનનું આયોજન મારી જરૂરિયાત પ્રમાણે ઘર બદલાતાં ગયાં.

મારાં માતા-પિતાએ મને દરેક જાતની તાલીમ આપી છે. રસોઈ પણ બનાવતાં શીખવી છે. કોઈક દિવસ કામ લાગશે એમ જાણીને મેં પણ માતાને રોટલી કરીને ખવડાવી છે. કોકવાર પિતાને પણ રસોઈ કરીને ખવડાવું છું. હવે તો ભાભી અને બહેનોને લીધે કશુંક કરવાની જરૂર પડતી નથી. પરંતુ કોઈવાર હું અને પિતા ઘરમાં એકલા હોઇએ તો રસોઇ બનાવીને એમને જમાડું છું. તેવી જ રીતે હું અને મારો ભાઈ એકલા હોઈએ તો ભાઈ બતાવું તે પ્રમાણે મને રસોઈમાં મદદ કરે.

અમે ભાઇ-બહેન સાથે મળીને રસોઇ બનાવીએ પછી પ્રેમથી સાથે જમીએ. પપ્પા ખાવાના શોખીન છે. એમને ભજીયાં (મરચાનાં અતિ પ્રિય), ચણાના લોટનું બેસન, શીરો, કંસાર, દૂધપાક, તુવેરની ખીચડી, ચણાના લોટના પૂડલા, દાળ ઢોકળી, ગાંઠિયા, ફાફડા, પૂરણપોળી વગેરે વાનગીઓ વધારે ભાવે. આજે હવે ઉંમરના હિસાબે જમવામાં અત્યંત કાળજી રાખે છે. સવારે દાળ-ભાત, શાક, રોટલી જમે અને સાંજે ખીચડી જેવો હલકો ખોરાક લે છે. એમને નવાં નવાં કપડાં પહેરવાનો ભારે શોખ છે. નવાં કપડાં સાથે એને અનુરૂપ ઘડિયાળ પણ. મારી સાર-સંભાળ અને ઉછેરમાં તેમણે વધારે પડતા મોજ-શોખને સ્થાન નથી આપ્યું. માત્ર આ બે શોખે એમના જીવનમાં સમયે સમયે રોમાંચ અને નવીનતા જાળવી રાખી છે.

સમાજમાં આજે દીકરીની બચાવવા માટે યોજનાઓ કરવી પડે છે, સરકારને અભિયાન ચલાવવા પડે છે, ત્યારે મને દિવ્યાંગ દીકરીને આત્મસન્માન મળે એ રીતે ઉછેરીને સમાજમાં દાખલો બેસાડી મારા પપ્પાએ જીવન મૂલ્યનું સાંગોપન કર્યું છે. શારીરિક ક્ષમતાને અવગણીને હું આર્થિક દૃષ્ટિએ પગભર બની શકી છું એના પાયામાં મારા મમ્મી-પપ્પાની ટેક છે. એ માટેની તાલીમ મને હું સ્નાતક થઇ ગઇ ત્યારથી આપવામાં આવી છે. સ્નાતક થયા પછી તરત જ હું ઘરે બેસીને ટ્યુશન કરી શકું એવી ગોઠવણ તેમણે કરી આપી. આશરે એક દાયકા સુધી મે છોકરાઓને ભણાવવાનું કામ કરી મારી જાતને સ્વનિર્ભર રાખી હતી. એ સમયે મને મળેલો અનુભવ આજે મને મદદરૂપ થઇ રહ્યો છે.

આજે મમ્મીના અવસાનને ૨૭ વર્ષ પૂરાં થયાં છે. પપ્પા ૮૪ વર્ષેના પડાવે પહોંચ્યા છે છતાંય મારા માટેની એમની પ્રાથમિકતા સ્થિર રહી છે. આજે હું જે કાંઈ પણ છું કે મારા જીવનમાં મને જે પ્રાપ્ત થયું છે તેમાં મારા માતા-પિતા, ભાઈ-ભાભી, બહેનોનો ફાળો અમૂલ્ય છે. આજે સમાજમાં બહાર નજર કરું છું તો મને લાગે છે કે મારા પિતા જેવા પિતા મળવા મુશ્કેલ છે. મારાં ભાઈ-ભાભી, બહેનો જેવાં અતિ પ્રેમાળ અને લાગણી સભર કુટુંબીજનો મળવાં એ મારું મોટું સદ્‌ભાગ્ય છે. માતા-પિતાના સંસ્કારી ઉછેરના પ્રતાપે જ એક અપંગ બહેન આજે રાષ્ટ્રીય સિદ્ધિનાં શિખરો સર કરી શકી છે. ૧૯૬૫થી માંડીને ૨૦૧૬ આજ દિવસ સુધી એક પણ દિવસ મારી ફિઝિયોથેરાપી બંધ નથી થવા દીધી. કોઈ પણ વ્યક્તિ બિમાર કે વિકલાંગ વ્યક્તિની ચાકરી, દવાદારૂ કરીને થાકી જાય, પરંતુ મારા પિતા થાક્યા નથી. મારાં માતા-પિતાએ એટલી સુંદર રીતે બધી ગોઠવણી કરી છે કે જીવનમાં પહેલા દિવસથી ભાઈ-બહેનો અને પછી ભાભી દરેકે મારી કાળજી લીધી છે. મારા જેવી વિકલાંગ દીકરીનું જીવન ઉજાળી તેમણે સમાજને એક જીવંત ઉદાહરણ આપ્યું છે કે અપંગતા એ શ્રાપ કે પાપ નથી. વળી, દીકરી કે દીકરો ઘરમાં બંનેનું મહત્વ સરખું જ! એવું કહેવાય છે કે પિતાને દીકરી અધિક વહાલી હોય. મારી બાબતમાં વહાલની મૂડી અને વ્યાજ બંને મને મળ્યું છે. હોય એ સ્વાભાવિક છે.આજે ક્યારેક મને અપંગ માનવ મંડળમાં ગાડી મુકવા આવે છે ત્યારે મને કોઇ ચીજ જેમ કે વેફર, કેડબરી ખાવાનું મન થયું હોય અને માગુ તો તરત જ અપાવે છે.

દરેક માતા-પિતા સંતોનોના ઉછેરમાં, એમના ઘડતરમાં શક્ય એટલું બધું કરતા હોય છે. મારા પિતાએ મારા ઉછેર અને ઘડતરમાં વિશેષ કાળજી રાખી છે.તેઓ માને છે કે ભણતર એ જીવનમાં અતિ મહત્વનું છે. પોતે ભણ્યા હતા એટલે શિક્ષણનું મૂલ્ય બરાબર સમજે છે. મારા માટે પણ ભણવાની બાબતમાં તેમણે ક્યારેય કશી બાંધછોડ કરી નથી. મને ભણાવવા માટે એમણે ઘણી તકલીફ વેઠી છતાં મને ભણાવી.

શિલ્પકાર જેમ પથ્થરને ટાંકીને મૂર્તિ ઘડે છે બસ મારા પિતા મારા માટે શિલ્પકાર ! રાખમાંથી રમકડું બને પણ લાશને જીવંત થતી જાઇ કે સાંભળી છે? જવાબ મળશે ‘ના’. ‘ના’ નહિ ‘હા’ પાડો. કારણ કે મારાં માતા-પિતાએ મારી લાશમાં ચેતન આણ્યું છે. પિતાનો જીવન પ્રત્યેનો અભિગમ અને મિજાજ બેય દુનિયાથી નોખા. તેઓ માને છે કે ,“નશીબમાં જે લખાયેલું હોય એ તો થવાનું જ છે. પરિસ્થિતિ બદલાવાની ન હોય ત્યારે હારી કે થાકીને રડવાને બદલે તેનો સ્વીકાર કરી તેમાંથી ઉકેલ લાવવો જાઇએ.જાત પર વિશ્વાસ રાખો એટલે તમે ધારો એ કરી શકો. સાચી નિષ્ઠા અને પ્રમાણિકતા હંમેશા સફળતા અને શાંતિ આપે છે.” મારા પિતા મને મૂકીને ક્યાંય જતા નહોતા. અત્યારે પણ નથી જતા. મંદિર હોય કે સગાં-વ્હાલાં હોય કે બહારગામ ફરવા જવાનું હોય તે ક્યારે પણ મને મૂકીને ક્યાંય ગયા નથી. મને યાદ નથી આવતું કે ઘરના કોઈ સભ્ય મને મૂકીને ક્યાંય ગયા હોય. એક વિકલાંગ વ્યક્તિ પાછળ આવા કુટુંબે જે જહેમત ઉઠાવી છે તે સલામીને હક્કદાર છે.

મારી પ્રગતિ અને વિકાસમાં ભાઇ સ્વપ્નીલ અને ભાભી દીપા, મારી બહેનો સંગીતા,દિપાલી અને મમતા સદાય મારી પડખે ઊભી રહી છે. એમની સાથો સાથ મારા જીજાજી (બહેનના પતિ) હિતેષભાઈ અને આશિષભાઈ પણ મને મદદ કરવા તૈયાર હોય છે. તેમનાં બાળકો રાધિકા, માલવ, સ્મીતા, અનેરી, આશ્વી બધા જ મને ખૂબ પ્રેમથી સાચવે છે. દરેકનો આભાર માનું એટલો ઓછો છે.

મારા દરરોજના કામમાં તેઓનો સાથ-સહકાર ના હોય તો હું જીવી ના શકું. આજે હું જે છું, અપંગ હોવા છતાં મારા સ્વપ્નને આંબી શકી છું તેનો શ્રેય મારાં સૌ કુટુંબીજનો,મિત્રો અને શુભેચ્છકોને આપું છું. મારા પગલાંને પાંખો ફૂટી છે અને વિશાળ આકાશમાં ઊંચી ઉડાન ભરી શકી છું માત્ર ને માત્ર મારા ગ્રેટ ગ્રેટ પપ્પાને કારણે જ.

*****

સુખ દુઃખમાં સદાય હસતી રહેતી મા,

રાત દિવસ સદાય હસતી રહેતી મા,

ભીને સૂઇ સુકે સુવાડે, લાડ લડાવે,

બારે માસ સદાયે હસતી રહેતી મા,

તારા વિના મારી શું હસ્તી જગમાં,

સવારે સાંજે સદાયે હસતી રહેતી મા.

તું છે તો જીવન છે હર્યુ ભર્યુ મારું,

ટાઠ તડકે સદાયે હસતી રહેતી મા.

જીવન ધન્ય થઇ ગયું તારા લીધે,

પૂનમ અમાસે સદાય હસતી રહેતી મા.

કરોડો શિક્ષક તેની તોલે ના આવે,

રિસાતી મનાવતી સદાયે હસતી રહેતી મા.

હું રડું તે પણ રડે મારી સંગાથે,

ઊપર નીચે સદાયે હસતી રહેતી મા.

ભગવાને મોકલી છે તેની બદલીમાં,

ઘર બહાર સદાયે હસતી રહેતી મા.

તારા ચરણો છે મારું સ્થાન હંમેશા,

મારી સામે સદાયે હસતી રહેતી મા.

તારા ખોળામાં છે સ્વર્ગના સુખો બધા,

બનાવટી ગુસ્સામાં સદાયે હસતી રહેતી મા.

મારા હૃદયની ધડકનો તેના શ્વાસમાં,

ભૂલ ચૂકમાં સદાયે હસતી રહેતી મા.

વગર માગે હાજર કરતી મારી જરૂરિયાતો,

દોસ્ત બની સદાયે હસતી રહેતી મા.

***

ખૂલે જા દ્વાર દર્શન કરી લઉં,

તન મનને દિલથી અર્પણ કરી લઉં,

મનના મંદિરમાં સ્થાપી મુરતને,

માનસી સેવા અર્ચન કરી લઉં

જિંદગીને સર્મપિત કરી આજે,

માતા- પિતાને તર્પણ કરી લઉં,

ભીને સૂઇને સૂકે સુવાડતાં,

ઉપકારોનું વર્ણન કરી લઉં,

સાદગીભર્યું જીવનને જીવવા સખી,

આંખની સામે કરી લઉં,

દુનિયાની મોહમાયાને છોડીને,

ચરણોમાં જીવન અર્પણ કરી લઉં,

ત્યાગમૂર્તિનું દુનિયાભરમાં હું,

ખુલ્લે આમ વર્ણન કરી લઉં

“સખી” દર્શિતા બાબુભાઇ શાહ