Aakhari sharuaat - 7 in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત - 7

Featured Books
Categories
Share

આખરી શરૂઆત - 7

ઓમનો મિસકૉલ રોજ કરતા થોડો જલ્દી આવ્યો. મિસકૉલ પછી દરરોજ બન્ને પાર્કિંગમાં જ મળતા પણ આજે ઓમે કેબિનમાં આવવા કહ્યું હતું. અસ્મિતાએ જોયું તો ઓફિસમાં બધી ડેસ્ક ખાલી હતી. બધા આટલા જલ્દી જતાં રહ્યાં! અસ્મિતા વિચારતી વિચારતી ઓમની કેબિન તરફ ગઈ. અસ્મિતાએ જેવી કેબિન ખોલી ત્યાં જ બધાને એકસાથે જોઈ તેને નવાઈ લાગી! અસ્મિતાની બરાબર સામે ઓમ બ્લેઝરમાં ઊભો હતો. તેનો ચહેરો થોડો ગંભીર હતો. આજુબાજુ ઉભેલા સૌ પણ કાંઈ બોલતા નહોતા. અસ્મિતા "કમ હિયર" ઓમે થોડા ગંભીર સ્વરે કહ્યું. "શું થયું સર?" અસ્મિતાએ અચકાતાં સ્વરે પૂછ્યું. " હવે આ યુનિફોર્મ કાલથી નહીં ચાલે!" અસ્મિતા પોતાનો યુનિફોર્મ ચેક કરવા લાગી કે ક્યાંક ડાઘા પડ્યા કે કશેથી ફાટી ગયો વગેરે.. ઓમે તેને નવો યુનિફોર્મ આપતા કહ્યું કે કાલથી આજ યુનિફોર્મ ફરજિયાત છે તારા માટે! સામાન્ય રીતે અસ્મિતાના યુનિફોર્મમાં વાઈટ શર્ટ રહેતો અને ઓમે આપેલા યુનિફોર્મમાં લાઇટ બ્લૂ શર્ટ હતો. " પણ સર આતો સીનિયર્સ નો યુનિફોર્મ છે!" અસ્મિતાએ આશ્ચર્યથી કહ્યું. "અસ્મિતા યૂ આર નો મોર જુનિયર" ઓમે ગંભીર સ્વરમાં જ કહ્યું. પહેલા તો અસ્મિતા સમજી ના શકી કારણકે ઓમે જે રીતે કહ્યું તે રીતે એને કઈ બીજું જ લાગ્યું. " એટલે.. એટલે સર... સર મારું.." અસ્મિતા બોલવા જતી હતી ત્યાં જ ઓમ બોલી ઊઠ્યો " હા અસ્મિતા હા તારું પ્રમોશન થયું છે!" પાછળથી આખો સ્ટાફ એક સાથે કૉંગ્રેચ્યુલેશન્સ બોલી ઊઠ્યો. અસ્મિતાની બધી ચિંતા ખુશીમાં બદલાઈ ગઈ. તે જોરથી ‘યસ’બોલી ઊઠી. ખુશીમાં ને ખુશીમાં એ ઓમને ભેટી જ પડત પણ આખો સ્ટાફ ઉભો હતો એટલે એની ખુશી મનમાં જ રાખી અને બોલી, એટલે જે પેલા ચાર નામ જાહેર થવાના હતા એમાંથી.. એક નામ મારું છે! " અસ્મિતા બોલી. " હા એમાંથી એક તુ છે.. " ઓમે હસીને કહ્યું. જોકે હજી ઓમની પોસ્ટથી અસ્મિતા હજી દુર હતી પણ છતાં છ મહિનામાં જુનિયરથી સિનિયર થવું અસાધારણ જ હતું. પછી બીજા ત્રણ કર્મચારીઓને બોલાવી તેમનું પણ અભિવાદન થયું. અસ્મિતાને આ રીતે ડરવાનો અને પછી ખૂશ કરવાનો આખો પ્લાન ઓમનો જ હતો. પછી બધા મેનેજરના પણ રેટિંગ જાહેર થયા. ઓમનું રેટિંગ 4/5 હતું. અસ્મિતાએ તેની પાસે ઉભેલા મિ. મહેરાને પૂછ્યું, "સર આટલું સારું રેટિંગ હોવા છતાં ઓમ સરનું પ્રમોશન કેમ ન થયું?" " અસ્મિતા કમ્પનીની પોલિસી છે કે ઓમ જે પોસ્ટ પર છે તેમાં પ્રમોશન માટે ઓછામાં ઓછો 200 દિવસનો કાર્યકાળ જરુરી છે. ઓમ 20 દિવસ ચૂકી ગયો બસ!" મહેરા સાહેબે કહ્યું. જે રીતે ઓમ સૌ સાથે વાત કરી રહ્યો હતો અને પછી અસ્મિતાને કોંગ્રેચ્યુલેટ કરી એ પરથી તો લાગતું હતું કે અસ્મિતાના પ્રમોશનથી અસ્મિતા કરતા ઓમ વધારે ખુશ છે! અસ્મિતા ઘડીવાર તો ઓમને જોતી જ રહી ગઈ. પછી જ્યારે રોજની જેમ અસ્મિતા ઓમ સાથે સ્ટેશન જાય છે ત્યારે ઓમને થેંક્યુ કહે છે.. ઓમ પૂછે છે શા માટે?? તો અસ્મિતા કહે છે કે, " મને ખબર છે કે તમે જ મારું નામ રેકમેન્ડ કર્યું હશે." "તો એમાં શું એ મારી ડ્યુટી છે મારા ડિપાર્ટમેન્ટના નામ તો હું જ આપુ ને! અને એવી કોઈ ભ્રમણા રાખીશ નહીં કે તું મારી ફ્રેન્ડ છે આપણે સાથે લંચ કરીએ છીએ.. વગેરે વગેરે ને લીધે તારું પ્રમોશન થયું છે.. નોટ એટ ઓલ!તારા કામની હજુ એક પણ કમ્પલેન આવી નથી. તે તું પડી ગઈ અને ઈજા થઈ એ સિવાયની કોઈ રજા લીધી નથી. થોડા દિવસ પહેલાં મિ. અડૂકીયાના ફ્રોડમાંથી કંપનીને બચાવી હતી! એ બધું જોયા પછી જ નામ રેકમેન્ડ થાય છે મેડમ! " અસ્મિતા સાંભળતી જ રહી.." હશે, હવે મને મારો પ્રમોશન લેટર તો આપો! " અસ્મિતાએ કહ્યું. "ના ભઈ ના, એમ નઈ મળે! ઉતાવળ શું છે! પહેલા ટ્રીટ તો આપ તારા પ્રમોશનની! ઓમે કાર ચલાવતા અસ્મિતા સામે જોઈ કહ્યુ. સાંભળ્યું છે તમે અમદાવાદીઓ બહુ ચીકણા હો છો.. પછી લેટર મળતા તું ફરી જાય તો!" ઓમે હસતાં હસતાં કહ્યું. " હે હે એવું કાંઈ નથી.." અસ્મિતાએ કહ્યું. " બસ તો ડન, મને ટ્રીટ મળશે પછી જ લેટર આપીશ" ઓમે કહ્યું. "સારું! " અસ્મિતાએ પણ ઠોસમાં કહ્યું. ઓમને સવારે અસ્મિતાએ પોતે ઉપવાસનું બહાનું કરીને ટીફીન તેને ખવડાવી દીધું એ બદલ ગિલ્ટી ફીલ થતું હતું. અસ્મિતા પણ ઓમે એની ખૂબીઓ ગણાવી એ સાંભળી વિચારોમાં હતી. છેવટે સ્ટેશન આવતાં અસ્મિતા રવાના થઈ. આ તરફ આદર્શ પણ સવારની ઘટનાને લઈ આદર્શ અત્યંત ગુસ્સામાં હતો. ઓમ.. ઓમ.. બસ આખો દિવસ ઓમ જ દેખાય છે તને અસ્મિતા!! મેં એક ટીફીન ઢોળી નાખ્યું તો પોતે ભૂખી રહી અને ઓમને ખવડાવી દીધું! ખરેખર આદર્શ અસ્મિતાના રૂપ ને મોહી ગયો હતો એટલે એને બીજું કોઈ અસ્મિતા સાથે રહે એ એને ગમતું નહોતું. આદર્શે ઘરની બધી વસ્તુઓ પણ ગુસ્સામાં આમ તેમ ફેંકી દીધી. પછી થોડી વારમાં શાંત પડ્યો અને પછી ડાયરીમાં બધી ઘટનાઓ નોંધી સૂઈ ગયો. અસ્મિતાએ પણ ઘરે જઈ બધાને પ્રમોશનના સમાચાર આપ્યા. બધા ખૂબ ખુશ થયા. અસ્મિતા માટે આજે ગોલ્ડન ડે હતો કેમ કે તેનો ગોલ જીવનમાં ઈન્ડિપેન્ડેન્ટ થવાનો હતો.

હવે અસ્મિતાનું એક્ટીવા રીપેર થઈ ગયું હતું. એ લઈ લાલ હેલ્મેટ પહેરી એ રોજીંદા ક્રમ મુજબ સ્ટેશન જવા નીકળી. સ્ટેશન પહોંચી કઈ યાદ આવતા તેણે કોલ કર્યો પણ સામે રીંગ વાગી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. સૂરજ બધાં રંગ વિખેરી પૂરો ખીલ્યો ત્યારે આદર્શની આંખ ખુલી. તેણે જોયું તો ફોનમાં એક મિસકોલ હતો. ' લવલી અસ્મિતા' સ્ક્રિન પર નામ હતું. તેણે તરત કોલ કર્યો પણ અસ્મિતા ટ્રેનના શોરબકોરમાં સાંભળી શકી નહીં. અસ્મિતાનની કંપનીમાં નિયમ હતો કે ફોન વાઈબ્રેટ કે સાઈલેંટ જ હોવો જોઈએ. એટલે અસ્મિતા રોજ ભૂલ્યા વગર પ્રવેશતા પહેલા ચેક કરી લેતી. એણે જોયું તો આદર્શનો મિસકોલ હતો. તેણે કોલ કર્યો. " અસ્મિતાના મોઢેથી ગુડ મોર્નિંગ સાંભળી આદર્શની મોર્નિંગ જાણે સાચે સુધરી ગઈ! " કઈ કામ હતું અસ્મિતા? તારો કોલ હતો. " આદર્શે કહ્યુ. " હા તને એક ગુડ ન્યૂઝ આપવાના છે, મારું પ્રમોશન થયું છે. હવે હું સીનિયર બની ગઈ. " અસ્મિતાએ કહ્યું. " ઓહ! આતો બહુ સારા ન્યુઝ છે.. પાર્ટી તો બનતી હે.. આદર્શ ગીત ગાવા લાગ્યો." " ઓકે ઓકે.. કાલે કરીશું ડિનર બસ!" અસ્મિતાએ કહ્યું. "કાલે કેમ આજે કેમ નઈ?" આદર્શે પૂછ્યું. " બસ આમજ ઈચ્છા નથી.. બાય.." અસ્મિતાએ કહ્યું અને બંને બાજુથી ફોન મુકાઈ ગયો. અસ્મિતાએ ઘરે આ વિશે પૂછ્યું ઘરેથી હા મળી. આમ તો અસ્મિતા ને બહુ જવાની ઇચ્છા નહોતી પણ આદર્શે ઘણી વાર મદદ કરી હોવાથી તેને હા પાડી.... બીજા દિવસે બપોરે જ્યારે ઓમ અને અસ્મિતા લંચ કરતા હતા ત્યારે અચાનક ઓમે કહ્યું," હું કાલે બરોડા જાઉં છું " " કેમ પણ! વિકેન્ડને હજુ વાર છે ને ઓમ! " અસ્મિતાએ આશ્ચર્યથી પૂછ્યું. " હા પણ મમ્મીનો કોલ હતો કહ્યું કે હવે તું મોટો થઈ ગયો છે તારી પરણવાની ઉમર થઈ ગઈ છે, એટલે આ અઠવાડિયે તારે જલ્દી આવાનું છે મેં તારા માટે બે-ત્રણ છોકરીઓ જોઇ રાખી છે જેમને મળવાનું છે " ઓમે કહ્યું. અસ્મિતા ફિક્કું હસી, ઓકે ફાઇન કહી તરત પોતાની કેબીનમાં જતી રહી. તેની ધડકનો તેજ થઈ ગઈ! એસીમાં પણ તેને પરસેવો વળી રહ્યો. ઓમના માગાના જ વિચારો તેને આવ્યા કરતા હતા. એ ઘરે ગઈ. રોજ તો જમીને સીધી સુઈ જ જતી પણ આજે તો તેને ચેન જ પડતું નહોતું. પડખા જ ઘસ્યા કરતી હતી. હવે તેને ધીરે ધીરે ખબર પડી રહી હતી કે તેને શું થઈ રહ્યું છે.. એટલે હું...હું.. ઓમને મારું દિલ આપી બેઠી.. એટલે હું ઓમને પ્રેમ... અને મને છેક હમણાં ખબર પડે છે આ વાત.! પણ શું ઓમ પણ મને પ્રેમ કરતો હશે?! હું કોને કહું આ વાત? આકાશને કહીશ તો આખું ઘર જાણી જશે અને હું અત્યારે રિસ્ક ના લઈ શકું ઓમ મને પ્રેમ ના કરતાં હોય તો! અચાનક તેના મનમાં વિચાર ઝબક્યો.. હા હું આદર્શને કહી શકું.. હી ઈઝ માય ગુડ ફ્રેન્ડ... હા હું એને કહીશ.. (અને આ ડિનર કદાચ એના માટે જ ગોઠવાયું હોય!!)


બીજા દિવસે ઓફિસથી છૂટીને અસ્મિતા સીધી ઉર્મિલા કાકીને ત્યાં ચેન્જ કરી હોટલમાં ગઈ. આદર્શે પહેલેથી જ ટેબલ બૂક રાખ્યું હતું. અને એના પર કૉંગ્રેચ્યુલેશન્સ અસ્મિતા અને બીજા કેટલાક વાક્યો લખાવ્યા હતા. એ અસ્મિતા માટે કેક પણ લઈને આવ્યો હતો. અસ્મિતાએ જોઈ ખૂબ ખુશ થઈ ગઈ. બન્ને બેઠા પછી થોડી ફ્રોમલ વાતચીત પછી ઓર્ડર આપ્યો. અચાનક અસ્મિતા થોડી શાંત થઈ પછી સહેજ નીચું જોઇ બોલી " Adarsh I want to tell u something.." " what?" આદર્શ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. આદર્શને હિન્દી ફિલ્મોની જેમ લાગ્યું કે અસ્મિતા હમણાં એ જે સાંભળવા ઈચ્છતો હતો એ કહેશે! એ એકીટસે અસ્મિતાને જોઈ રહ્યો. " હજી સુધી મેં આ વાત કોઈને કરી નથી.. ને હજી હું પણ શ્યોર નથી કે.. પણ મને એવો એહસાસ થયા કરે છે કે.." અસ્મિતા બોલી રહી હતી અને આદર્શની ઉત્તેજના વધતી જતી હતી. " કે શું? બોલને" આદર્શે ઉત્સાહમાં આવી કહ્યું. " વાત એમ છે કે આદર્શ કે મને લાગે છે કે અસ્મિતાએ સહેજ શરમાતા અને વાળ રમાડતાં કહ્યું કે આઈ.. કે આઈ લવ ઓમ! બસ મને એવું લાગે છે.." અસ્મિતા નીચું જોઇ રહી. “હું હજી શ્યોર નથી પણ મને ઊંડે ઊંડે એવો એહસાસ થયા કરે છે કે અમારા વચ્ચે મિત્રતાથી વધારે કાંઈક છે.. યુ નો ના! " અસ્મિતા બોલી ગઈ. આ સાંભળી આદર્શના ચહેરા નો રંગ ઉડી ગયો! તેનો બધો ઉત્સાહ એજ ક્ષણે આઘાતમાં ફેરવાઈ ગયો. " આદર્શ.. આદર્શ.. " આદર્શ અસ્મિતાનો અવાજ સાંભળી ચમકી ઉઠયો. " તને શું લાગે છે મારે આ વાત કરવી જોઈએ કોઈને? "અસ્મિતાએ સહજતાથી પૂછ્યું. અસ્મિતાની વાતથી આદર્શ ડઘાઈ ગયો હતો પણ તે અસ્મિતાને ગુમાવવા માંગતો નહોતો એટલે એણે કહ્યું," ના ના અસ્મિતા, આ ઉંમરમાં આ બધું બનતુ હોય છે. કોઈની સાથે થોડો સમય સંપર્કમાં રહેતા તે ગમી જાય.. વગેરે પણ આ બધું ટેમ્પરરી હોય છે... ટ્રસ્ટ મી.. " " ઓકે હશે. ઓમ તો વડોદરા જવા નીકળી પણ ગયા હશે. એમને એક છોકરીવાળા જોવા આવવાના છે.. સો એમના મમ્મીએ કોલ કરી બોલાવ્યાં છે એમને..! " આ સાંભળી આદર્શના તાજા ઘા પર થોડી મલમ પડી. ડિનર પછી બંને છૂટા પડતાં હતાં ત્યારે આદર્શે અસ્મિતાને સ્ટેશન મૂકી જવા કહ્યું પણ તે દિવસની બાઇકવાળી ઘટના યાદ આવતા અસ્મિતાએ બહાનુ બનાવી ના પાડી. આ તરફ ઓમ પણ વડોદરા આવવા કારમાં નીકળી ગયો હતો. રસ્તામાં રિંકલ માટે ગિફ્ટ પણ લીધી. ઓમને ઘરે આવેલો જોઈ જાગૃતિબહેન તેને ભેટી પડ્યા. ઓમ પણ મમ્મીને જોઈ ખૂબ ખુશ હતો. પૂરા 33 દિવસે ઘેર આવ્યો છે તું ઓમ! ભરૂચ ના ટ્રાફિકને લીધે ઓમને પહોંચતા રાતના 12 વાગી ગયા હતા. "મમ્મી રિંકલ તમે હજી કેમ જાગો છો? મારી પાસે ચાવી હોય છે જ ને!" ઓમે કહ્યું. "ચૂપ રહે ... બહુ મોટો બોસ થઈ ગયો છે પાછો! ચાલ પહેલા જમી લે.." જાગૃતિબહેને કહ્યું. " ના મમ્મી હવે સવારે જ જમીશ અત્યારે ઇચ્છા નથી" ઓમે કહ્યું. " ભાઈ તમારી રાહ જોઈને મમ્મીએ પણ કાંઈ ખાધું નથી.." રિંક્લે કહ્યુ. " શું રિંકલ સાચું કે છે મમ્મી.." ઓમે થોડું ગુસ્સામાં કહ્યું. જાગૃતિ બેન નીચું જોઇ રહ્યા. " મેં ના પાડી છે ને! અરે તારી તબિયતનો તો વિચાર કર.. તારે જમ્યા પછી ગોળી લેવાની હોય છે અને તું આવું કરે છે!" ઓમ હાથ પકડી જાગૃતિ બહેનને ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યો અને રિંકલ બધું ગરમ કરી લઈ આવી. પછી ઓમે હાથેથી જાગૃતિબેનને જમાડ્યા. જમતાં જમતા જાગૃતિબેને કહ્યું "ઓમ કાલે થોડો વહેલો ઉઠજે 10 વાગે ઉષા બેન અને કમલેશભાઈ આવાના છે!" "કોણ ઉષાબેન અને કમલેશભાઈ?" ઓમે પૂછ્યું. "અરે તને જે છોકરીવાળા જોવા આવવાના છે તેઓ પૈકી એક!" જાગૃતિ બહેને કહ્યું. " તને બહુ ઉતાવળ છે બધી વાતની" ઓમે કહ્યું. "તે હોય જ ને!" જાગૃતિબેને ઓમને માથામાં હળવેથી મારતા કહ્યું. ઓમ વાતો કરતા કરતા જાગૃતિ બહેનના ખોળામાં જ સૂઈ ગયો.. બીજી બાજુ અસ્મિતા વિચારોમાં હતી, "શું આદર્શ સાચું કહેતો હતો.. આ બધું કોમન છે કે સાચે મને ઓમ.., શું કાલે પેલી છોકરી ઓમને હા પાડશે?, શું ઓમને પણ તે ગમી જશે!" એવા અનેક વિચારો એના મનમાં હતા..

બીજા દિવસે સવારે ઓમ 8:30 થઈ તોય પથારીમાં જ હતો કેમ કે રાત્રે ખૂબ મોડું થયું હતું. છેવટે જાગૃતિ બેને બળજબરી થી ઉઠાડયો અને એ તૈયાર થયો. તેણે રેડ શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું. ઉષાબહેન અને કમલેશભાઈ પણ નિકિતા સાથે આવી પહોંચ્યા. બધા હોલમાં બેઠા. નિકિતા તો ઓમને જોતી જ રહી ગઈ. પરફેક્ટ હાઈટ, આકર્ષક શરીર, ગોરો ચહેરો.. ઉપરાંત તેનું ભણતર, ઘર, નોકરી વગેરે જોઈ નિકિતા ઇમ્પ્રેસ થઈ ગઈ! પછી ઓમ અને નિકિતાને એકાંતમાં વાતો કરવા મોકલાયા. થોડો સામાન્ય પરિચય અને વાતો પછી બંને બહાર આવ્યા. નિકિતાના ચહેરા પરથી એની મરજી સ્પષ્ટ જણાતી હતી પણ તે કઈ બોલી નહીં. અમે વિચારીને જણાવીશું તમે પણ અનુકૂળતાએ જણાવજો. કહી સૌ વિદાય થયા. ઓમ હવે સીધો સોમવારે ઓફિસ જવાનો હતો. એટલે એના બધા મિત્રો ને મળી આવ્યો. જોતજોતામાં રવિવાર આવી ગયો અને ઓમે કઈ કામ છે પૂછતાં જાગૃતિબહેને ઈસ્કોન મંદિર જવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને જેવા ઈસ્કોન પહોંચ્યા તેવા ઓમ પર અસ્મિતાનો કોલ આવ્યો. "મમ્મી તું અંદર જા હું આવું છું.." ઓમે કહ્યું. "ભલે પણ જલ્દી આવજે દર્શન ખુલતા જ હશે." કહી જાગૃતિબેન અંદર ગયા. ઓમ અને અસ્મિતા વાતો કરતા હતા. ઓમે નિકિતા સાથેની મુલાકાત વગેરે વાતો કરી. ખરેખર અસ્મિતાએ એ જાણવા જ ફોન કર્યો હતો. અચાનક ફોન ચાલુ હતો અને જાગૃતિબહેન ઉત્સાહમાં ભાગતા બહાર આવ્યા અને બોલ્યા, "ઓમ ઉષાબહેનનો ફોન આવ્યો કે નિકિતાની હા છે લગ્ન માટે!" અસ્મિતાએ પણ આ સાંભળ્યું. જાગૃતિબહેન દર્શન ખુલવાનો અવાજ આવતાં તરત અંદર જતા રહ્યા. ઓમે અસ્મિતા જોડે વાત કરવા ફોન પર હાલો હાલો કીધું પણ સામેથી ફોન કટ થઈ ગયો હતો!!

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ