Chinu Modi in Gujarati Poems by MB (Official) books and stories PDF | ચિનુ મોદીને શ્રદ્ધાંજલી

Featured Books
Categories
Share

ચિનુ મોદીને શ્રદ્ધાંજલી

ચીનુ મોદી ને શ્રધાંજલિ

હું ભૂંસાઉં છું.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી

ચાલ, થોડો યત્ન કર.

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

નવો હાકેમ છે.

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

– ચિનુ મોદી

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

આકાશ

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક પછી એક

એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
એક પછી એક.

મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
એક પછી એક.

શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક
એક પછી એક.

મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક
કાપ્યાં કરું
ખાધાં કરું
બર્થડેની કેક
એક પછી એક.

– ચિનુ મોદી

એકાંતનો સિક્કો

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

એની તરસ

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ગઝલ

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

– ચિનુ મોદી

સમજદારી નથી


આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

તરત

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

તો ?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

– ચિનુ મોદી “ઇર્શાદ”

દુહા

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

-ચિનુ મોદી

ના કરે,

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

પગલા

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

– ચિનુ મોદી ( ઇર્શાદ)

ભેંકાર

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦

– ચીનુ મોદી

મન

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

મન વગર

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

મારે નહીં ?

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.

– ચિનુ મોદી

મુક્તક

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે

– ચિનુ મોદી

મુંઝાય છે

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

મોકો મળ્યો

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

-ચિનુ મોદી

રિક્ત મન

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

– ચિનુ મોદી

લાગે છે મને

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

– ચિનુ મોદી