Ajanyo Apradh in Gujarati Love Stories by Ashq Reshammiya books and stories PDF | અજાણ્યો અપરાધ

Featured Books
Categories
Share

અજાણ્યો અપરાધ

અજાણ્યો અપરાધ...

અશ્ક રેશમિયા

મેડીકલ કૉલેજના પ્રથમ સત્રના આખરી દિવસો હતા. દિવાળી નિમિતે મળતી રજાઓથી કેટલાક યુવાઓ ખુશ હતા તો વળી કેટલાક ચહેરા પર ઉદાસી જામી પડી હતી. પ્રીત મ્હોરાયેલા હૈયા વીલાઈ ગયા હતા. પ્રીત પારેવાઓને જુદાઈ થોડી ગમવાની!!

અને એટલે જ રજાના દિવસો જેમ જેમ નજીક આવતા જતા હતા તેમ તેમ કૉલેજીયનોના ચહેરા મ્લાન બની રહ્યા હતા. આખી કૉલેજમાં માત્ર એક જ એવી યુવતી હતી જેના વદન પર ન ઉદાસીના પડળો હતા કે ન તો વિયોગના!! કૉલેજના પહેલા દિવસે જે ખુશીથી એ અહી આવી હતી એવી જ અપાર ખુશી એના ચહેરા પર નાચી રહી હતી.

એ સ્વરુપવાન યુવતી એટલે અશ્વિના અટકેલ. નામ મુજબ એ થોડી છટકેલ હતી.ખાસ કરીને પ્રણય બાબતે!

માખણના પીંડ સમી જેવી કાયા હતી એવો જ શરીરનો લચકદાર આકાર પણ હતો. અડધી નજરે જ હૈયા સૌંસરવી ઉતરી જાય એવી! પરી અને અપ્સરાના સંમિશ્રણથી બનેલ બદન હતુ એનું!

એના સોંદર્યને પામવા છાની-છાની લાઈનો લાગતી. દરેક યુવાનનું જે સપનું હતું: ડૉક્ટર બનવાનું!એ સપનાની જગ્યા અશ્વિનાએ લીધી!

રજા પડવાને માત્ર પાંચ જ દિવસો બાકી હતા. ને કૉલેજના પ્રથમ દિવસથી જ અશ્વિના તરફના પ્રગાઢ પ્રણયસાગરમાં ડૂબેલ અશ્વિન આયર બેતાબ બનતો જતો હતો.પળેપળ એની તડપન વધતી જ જતી હતી. પ્રથમ દિવસે જ એણે અશ્વિનાના નામનો ભવ્ય ભેખ ધારણ કરી લીધો હતો. છતાં પણ હાલ કૉલેજના સત્રના આખરી દિવસો લગી પોતાની લીલીછમ્મ લાગણીની માગણી કરી શક્યો નહોતો. એ એમ જ ધારી બેઠો હતો કે પોતે એને ચાહે છે એ જ બસ પૂરતું છે. એકરાર કરવાની જરુર નથી.પોતે એવો પ્રેમ કરશે કે એ સામેથી પ્રણયનું પવિત્ર માગું લઈને આવશે.પણ અશ્વિના જુદી માટીનું મનેખ હતી.એની જોબનવંતી જીંદગીમાં ચાહતને કોઈ જ સ્થાન જ નહોતું!ને અશ્વિન ઈંતજારમાં હતો.પણ આજે એકરાર કર્યા વિના પ્રેમનો વૈભવ કે નફરતની બરબાદી પામવી સાવ સહેલી નથી જ!

અશ્વિના એની કોલેજમાં અલગ અને અનેરી હસ્તી હતી. પરંતું કોઈની તાકાત નહોતી પડતી કે પ્રેમ નામનો પારસમણિ લઈને એને સતાવી આવે! એના ભરાવદાર મખમલી ચહેરાનો દેખાવ જેટલો લોભામણો એટલો જ બિહામણો હતો. જોનારને પ્રથમ નજરે તો ખુંખાર જ ભાસતી.એનું અપ્રતિમ સૌંદર્ય ડરામણું લાગતું.

ન જાણે ચોક્કસ કારણ તો ક્યું હતું પણ સૌંદર્યની લચકતી વેલ સમી અશ્વિનાના હૈયા સુધી પોતાના પ્રેમને લઈ જતાં સૌ અજાણ્યો ભય અનુભવી રહ્યા હતાં. એને પામવા તડપતા કોઈ યુવાનમા હામ નહોતી કે એ અશ્વિનાને અણસાર આવવા દે કે પોતે એને ચાહે છે. કિન્તું એક વિરલો એવો નીકળ્યો અથ થી ઈતી સુધી અશ્વિને અજબ અહેસાસ કરાવી દીધો હતો કે તેણી તરફ ઓતપ્રોત છે. પણ અશ્વિના તેને હંમેશ અગણતી રહેતી. અને ભણતરમાં મશગૂલ રહેતી.

અશ્વિન પણ દેખાવે સાધારણ નહોતો જ. એય પુરૂરવા અને દુષ્યંતને આંબે એવો હતો. કૉલેજની દરેક યુવતી એના તરફ ઓળઘોળ હતી પણ અશ્વિનના હૈયાના રાજસિંહાસન પર તો માત્ર અશ્વિનાનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો હતો. આની જાણ થઈ જતાં દરેક યુવતીઓએ એને પામવાના ઓરતા બાળી મૂક્યા હતા.

છેલ્લો દિવસ અને છેલ્લી ઘડી હતી. આખી કૉલેજમાં ખૂણે ને ખાંચરે પ્રણય દિવાનાઓની મુશળધાર મહેફિલ જામેલી હતી. અમુક જ એવા હતા જેઓનુ કોઈ નહોતું. હતા તો માત્ર ભાવિના સોનેરી શમણાઓ!

સૌ દિવાનાઓની પ્રણય મહેફિલ વચ્ચે અશ્વિન ક્યારનોય સૂનમૂન બની ઊભો હતો. એના વિહ્વળ હૈયાની અકળવકળ આંખો અશ્વિનાને ખોળી રહી હતી. પણ નમણા નયનોને ઠારે એવું કોઈ દેખાતું નહોતું.

એવામાં વાદળની ઓથે લપાયેલ ચંદ્ર દેખા દે એમ અશ્વિનાએ દેખા દીધી! અશ્વિનની આંખો ઠરી. હૈયામાં ટાઢક વળી. ઉરમાં એને ભેટવાના ઉમળકા ઊભરાયા.પણ એ સંયમમા રહ્યો. ન હાય ન હલ્લો કર્યું. અમિનેશ નજરે માત્ર પ્રેમાળ દીદાર!

અશ્વિનાને જોઈ એટલે સૌની નજરો એ તરફ મંડાણી. ગભરું હરણીની જેમ એ નીકળી ગઈ.

અશ્વિન જ્યા ઊભો હતો ત્યાથી જેવી એ પસાર થઈ કે એનો હાથ પકડાયો. અચરજભેર એ અટકી. નજરો ફેરવી.જોયું તો એક ખડતલ છતાં લાગણીથી તરબતર ચહેરો ગભરાટભેર મરકી રહ્યો હતો. એને જોઈ તેણીની આંખેથી અંગારા વરસ્યા.ને શાંત સીનામાં સુનામી સર્જાઈ!ક્ષણનોય વિલંબ થયા વિના ચટાક કરતો અવાજ હવામાં ગુજી ઉઠ્યો. એ અવાજે આખી કૉલેજ ભેગી કરી.

સમસમી ઉઠેલી અશ્વિના વિફરેલી વાઘણ બની. અશ્વિનને પળમાં સાતેય ભવ સૂઝી આવ્યા. છંછેડાયેલી નાગણની જેમ પાછા આશ્વિનાએ ફૂફાડા માર્યા: 'નાલાયક!આવી નફ્ફટ હલકી હરકત કરતા તને જરાય શરમ ન આવી? શું ધારી બેઠો છે તું તને અને મને ? એ જ કે તું શહેરનો શાહી શહેજાદો છે અને હું ગમડાની ગભરું છોકરી! તારી આ નમાલી હરકતથી ખુદ મને શરમ આવી રહી છે ને તું આમ હજી ગાલ પંપાળતા અહીં જ ઊભો છે? ચાલ ભાગ અહીંથી. નહી તો તારી ખેર નહી રહેવા દઉં!' છંછેડાયેલી વાઘણમાંથી નાગણ બનેલી એણે અશબ્દના ડંખ દેવા માંડ્યા.

આ અણધારી ગોજારી ઘટનાએ ખીલખીલાટ કરતી કૉલેજમાં સોપો પાડી દીધો. સૌ કોઈ તેણીને ધિક્કારની નજરે તાકવા માંડ્યા. પણ અશ્વિન સહેજ પણ વિચલીત ન થયો. એ હજુય પ્રણયતરસી આંખે એને નીરખી રહ્યો હતો.

પળવારે એણે ડગ ઉપાડ્યા. ખુશીથી ચહેરાને પંપાળી રહ્યો હતો.

અશ્વનને પોતાના અપમાનનો જરાય રંજ નહોતો. કેમકે એ પોતે માનેલી માનુની હતી. એવુએ નહોતું કે એ અશ્વિનાથી ગભરાઈ ગયો હતો. એ ધારત તો ત્યા ને ત્યા જ તેણીને શબ્દોના તીરથી ઊભીને ઊભી ચીરી નાખત કેપછી એક જ મુક્કાથી તેનું ઝડબુ ઉડાવી દેત!પણ એણે સંયમ રાખ્યો. કારણ કે સામે એનો પ્રેમ હતો. અને પ્રેમ ગમે તે કરે-કહે જીવવા અને જીવાડવા સઘળું સહેવું પડતું હોય છે. પોતાના પ્રેમ ખાતર થઈને ગમે તે ભોગવવાની અશ્વિનની મહાતૈયારી હતી.

આમેય જગતમાં આજે કંઈ સહ્યા વિના કે કંઈક ગુમાવ્યા વગર પ્રેમ ક્યાં રસ્તામાં કે સસ્તામાં મળે છે! આજે જગત કહે છે કે પ્રેમની કોઈ કિંમત નથી પણ ખરું તો એ છે કે પ્રેમને પામવા ને સાચવવા જેટલી કિંમત ચૂકવવી પડે છે એટલી કિંમત કદાચ બીજી કોઈ ચીજની ચૂકવવી નહી પડતી હોય!

અશ્વિના ઉત્તર ગુજરાતની સરહદે આવેલ અરવલ્લીની ગિરિમાળઓને અડીને આવેલા નાનકડા ગામની વતની હતી. તેના પિતાની ત્રણ પુત્રીઓમાં એ સૌથી નાની હતી.

મોટી બેય પુત્રીઓને નહી ભણાવી શકવાના અફસોસે તેના પિતાએ તેણીને ભણાવીને કંઈક બનાવવાની નેમ લીધી હતી. જેની ખાતર થઈને તેમણે ગામડિયા વિચારો છોડીને દીકરીને અમદાવાદ ભણવા મોકલી હતી. પરંતું એ ગામડિયા બાપને શહેરમા બનતા નરાધમ બનાવોને લઈને દીકરીની સુંદરતા કઠતી હતી. છતાંય મન કાઠું કર્યું. ને સારી શીખામણ આપીને હૈયાથી અને વહાલા વતનનો વિયોગ આપી શહેરમાં મોકલી.

આપણા દેશમાં બાળલગ્નની કુપ્રથા વરસોથી ચાલી આવે છે. આજે એકવીસમી સદીમાયે અનેક સમાજો એવા છે કે જેમાં બાળલગ્ન તો ઠીક પણ ગર્ભલગ્ન લેવામાં આવે છે!ગર્ભલગ્ન અથવા ગર્ભસગાઈ એટલે કે બાળક હજી તો માતાના ઉદરમાં પૂરતું વિકસ્યું જ ન હોય ને એની સગાઈ નક્કી કરી નાખવામાં આવે છે.ને પછી જન્મ થયા બાદ ઘોડિયા લગ્ન લેવાઈ જાય છે!

અશ્વિના પણ આવા જ ઘોડિયા લગ્નની ભોગ બની ચૂકી હતી. પણ આજ લગી એ વાતની એને ભાળ નહોતી મળી.

વેકેશનમાં એ ઘેર આવી. દરમિયાન એના પિતાજીએ તેણીનું આણું કરવાનું નક્કી કરી રાખયયું હતું. ઘરમાં થઈ રહેલી દોડધામથી કંઈક ઉથલપાથલ થયાનો એના મનને વહેમ ગયો. એને જાણવા મળ્યું કે 'એનું આણું છે' તો એ જાણીને એ દંગ જ રહી ગઈ!

શુભ ઘડીએ ને શુભ અવસરે એનું આણું થયું ને એને સાસરે વળાવી.

અશ્વિનાએ જ્યારથી પોતાના લગ્ન થઈ ગયાની વાત સાંભળી ત્યારથી એ પોતાના ભરથારને નીરખવા અને ગળે વળગાડવા ઘેલી ઘેલી બની ગઈ હતી.' કોણ અને કેવો હશે પોતાનો ભાગ્યશાળી જીવનસાથી જે મને પામીને ધન્ય ધન્ય બની જશે!' આ અને આવા અનેક વિચારે એ પિયુમિલન માટે પળેપળ બહાવરી બની જતી હતી. સામે છેડે એનો પતિ પણ આવા જ સોહામણા સપનાઓથી નહાઈ રહ્યો હતો.એ પુરુષ બીજો કોઈ નહી પણ ખુદ અશ્વિન જ હતો!

અશ્વિનને જ્યારે જાણ થઈ કે એની પ્રિય પત્ની અમદાવાદમાં કૉલેજ કરે છે ત્યારે ઘડીભર તો એ આણાની ખુશીનેય વીસરી ગયો! 'કૉલેજ' તથા 'અશ્વિના' આ બે શબ્દોએ એની મુલાયમ મતિને બહેરી બનાવી મૂકી! ઘડીમાં તો કંઈ કેટલાંય વિચારો એના મનને ચીંથરેહાલ કરીને ફરાર થઈ ગયા.

ગમે તે પણ પોતે જેને દિલના જરુખે જગ્યા આપી હતી એ જ અશ્વિના પત્ની રુપે મળતાં એ પૂનમના ચંદ્રની જેમ મ્હોરી રહ્યો હતો.

છેક સાંજે અશ્વનાએ એના સાસરિયામાં પ્રવિત્ર પગલા પાડ્યા. લાગણીથી લથબથ પિયુમિલનના ઉત્સાહથી એ થનગની રહી હતી. તાજી જ પરણેલી નવવધુની માફક અસંખ્ય શમણાઓ લઈને સુહાગની સેેજને શોભાવી રહી હતી. ક્ષણેક્ષણની ઈંતેજારી અકળામણ વધારી રહી હતી. આખરે એની અપાર ધીરજ ખુટી. ને બારણે ટકોરા પડ્યા.

લજામણીની જેમ શરમથી સંકોચાઈને એણે ઓશીકામાં ચહેરો છૂપાવી લીધો.

અને અશ્વિન સુહાગની સેજ પર બેઠક લઈ ક્યાંય લગી અશ્વિનાને નિહાળી રહ્યો.