આજ કોર્ટની તારીખ હતી.. આજ સાગરને ન્યાયાલયમાં ઊભો કરવામાં આવશે. નેહા આખી રાત સૂઈ શકી ના હતી. આખી રાત આકાશનાં સાગરના વિચાર કરતી રહી. બન્ને એનાં જીવન સાથે અતૂટ રીતે સંકળાયેલ હતાં. છતાં બન્ને માંથી કોઈ એની પાસે ન હતું. સાગરે મને પ્રેમ કરવાની ખૂબ મોટી કિમત ચૂકવી હતી.અને આકાશે મને પ્રેમ ન કરવાની. કેટલી કમનસીબ છું. કોઇને સુખ આપી શકતી નથી.સવારનાં વહેલી ઊઠી એ ઝટપટ તૈયાર થઈ ગઈ. સફેદ સાડીમાં પણ એનું રૂપ ખીલી ઊઠતું હતું. એજ રેશમી ઘૂંઘરાળા વાળ કાજળ વગર પણ મોટી કાળી આંખો અને ખૂલતો વાન. ગુલાબી ગાલ.. મેઇકઅપની નેહાને કોઈ જરૂર ન હતી.. એ ડ્રોઈંગ રૂમ માં આવી મમ્મી પપ્પા હજુ અહીં જ હતા. બધાંને જય શ્રી ક્રિષ્ન કહી એ નાસ્તો કરવા બેઠી. ગળે કોળીઓ ઊતરતો ન હતો.શું થશે? જ્યારે આ બધાં લોકો આજ જાણી જશે કે આકાશનું ખૂન મારા હાથે થયું છે.. કેટલો આઘાત લાગશે.
પ્રભાબેન અચાનક બોલ્યા," જો નેહા, તું મારી દીકરી નહીં પણ દીકરો છે હવે. આકાશની જગ્યા તારે લેવાની છે. બીઝનેસમાં ધ્યાન તારે આપવાનું છે. કારણકે મારી ઉંમર થઈ ગઈ છે. મારામાં તાકાત નથી કે હું એટલો મોટો એમ્પાયર સંભાળી શકું. તું ઓફીસે જવાનું શરૂ કરી દે. મને ખબર છે એક દિવસમાં તને બધું સમજાય નહીં જાય. પણ મેનેજર સાહેબ તને ધીરે ધીરે બધું સમજાવી દેશે.. હું પણ સમય આવે મદદ કરીશ. મારે કોઈ બીજું સંતાન નથી. તું જ આ મિલકતની માલીક છે. એટલે બધું સમજી લે જે."
નેહા ગભરાતાં ગભરાતાં બોલી, "પણ બા, આજ મારે કોર્ટમાં જવાનું છે. આવતી કાલથી હું શોપ પર જઈશ." પ્રભાબેન થોડાં નારાજ થયાં. એ આશાબેન તરફ વળીને બોલ્યા," આપણે વળી કોર્ટનાં ચક્કર ખાવાની શી જરૂર છે? એ લોકોનું કામ છે એ લોકોને કરવા દો!! અને જેણે ગુનો કર્યો છે એને સજા તો થવી જ જોઈએ."
નેહા કશું ના બોલી. આઘાત તો આ લોકોને આઘાત લાગવાનો જ છે. અત્યારથી શું કામ દુઃખી કરું? એ કશું બોલ્યા વગર ઊભી થઈ. મમ્મીને તથા પ્રભાબેનને પગે લાગી. પપ્પા પાસે આવી તો પપ્પાએ ગળે લગાવી દીધી. નેહાથી એક ડૂસકું લેવાઈ ગયું. પપ્પા ભીની આંખે નેહાને જતી જોઈ રહ્યા. ખબર નહીં કેમ આજ નેહાનું વર્તન થોડું જુદું લાગતું હતું. પપ્પાને ચિંતા થઈ.
પપ્પાએ કહ્યુ, "નેહા બેટા હું પણ આવું છું કોર્ટમાં." અને શુઝ પહેરવા લાગ્યાં.. નેહા કહેતી રહી ના ના પપ્પા તમે ના આવો પણ પપ્પાના દિલમાં જાણે શું આવી ગયું. બસ નેહાને મારી જરૂર છે. એ પણ ઘરની બહાર આવી ગયાં નેહા સાથે કારમાં બેસી ગયાં..નેહા ચૂપચાપ કારમાં બેસી ગઈ. આજ પપ્પાને કેટલો આઘાત લાગશે જ્યારે એ કોર્ટમાં ઊભી થઈને કહેશે કે સાગર નહી પણ એ ખૂની છે. પપ્પા પણ મારી વાત માનતા નથી.. નેહા ચૂપચાપ બેઠી હતી, પપ્પાએે એનો હાથ પકડી લીધો."બેટા ચિંતા ના કર, સૌ સારા વાના થશે..ઊપર બેઠો છે ને સો હાથ વાળો." માણસ ને જ્યારે કાંઈ દુઃખ આવી પડે એટલે ઈશ્વરને યાદ કરતો થઈ જાય નહીંતર ઈશ્વર ક્યાંક ઘરનાં ખૂણામાં પથ્થર થઈને બેઠો હોય છે. કબીર કહે છે ને દુઃખમે સુમીરન સબ કરે સુખમે કરે ના કોઈ,જો સુખમે સુમીરન કરે તો દુખ કાહેકો હોય.
કાર કોર્ટ પાસે આવી ઊભી રહી. નેહા અને પપ્પા કારમાંથી ઊતર્યા. કોર્ટના પગથીયા ચડતાં ચડતાં તો નેહાની છાતી ધમણની જેમ ફૂલી ગઈ. એક નાનું એવું હ્રદય કેવાં વજ્રઘાત સહન કરી શકે છે. નેહાનું મુઠ્ઠી જેવું હ્રદય કેટલા આઘાત સહન કરી ગયું. અને હજુ પણ કરશે. કોર્ટમાં હજું શું શું થશે સાગરને કેવી રીતે જોઈ શકશે. કેદી તરીકે. નેહાએ પપ્પાને ખબર ના પડે એ રીતે આંખો લૂંછી લીધી.
જ્યારે સાગરને કોર્ટના કઠેરામાં જોયો તો નેહા ભાંગી પડી. પપ્પા હાથ પકડીને બેઠા હતાં. નેહાને જાણે કાઈ સંભળાતું ન હતું કોર્ટએ સાગરને કહ્યુ કે એને કોઇ વકીલ જોઈતો હોય તો મદદ કરશે. સાગરે માથું ધુણાવી ના કહી. કેસ ચાલતો હતો. વકીલ એક પછી પૂરાવા આપી રહ્યો હતો. કે સાગર ખૂની છે. દોઢ કલાક જેટલી દલીલો ચાલી છેવટે ન્યાયાધીશે સાગરને પૂછ્યું કે તમે તમારો જુલ્મ કબૂલ કરો છો? સાગરે માથું હલાવી હા પાડી. ન્યાયાધીશે કહ્યુ," જુઓ મિસ્ટર સાગર તમારે તમારું મૌન તોડી જવાબ આપવો પડશે કે તમે આ ખૂની છો અને તમે આ હીણું કામ કર્યુ છે." સાગર ચૂપ હતો મૌન!! ફરી વાર ન્યાયાધીશે એજ વાત કરી કે તમારે મોઢે ગુનો કબુલ કરો. અને સાગરે એકદમ મોટે અવાજે કહ્યુ," મે આકાશનું ખૂન કર્યુ છે મેં. મને સજા આપો. મને સજા આપો. મેં નેહાનો સુહાગ ઉજાડ્યો છે." અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો... નેહા પપ્પાનો હાથ છોડાવી ન્યાયાધીશ પાસે દોડી ગઈ. જજ સાહેબ, સાગરે ખૂન નથી કર્યુ. જજ સાહેબ ખૂન મેં કર્યુ છે. મે કર્યુ છે... સાગર એકદમ રાડ પાડીને બોલ્યો જજ સાહેબ એની માનસિક સ્થિતી સારી નથી ખૂન મેં કર્યુ છે. ના ના નેહા ચીલ્લાઈ ઊઠી." ખૂન આ હાથે થયું છે આ હાથે આ હાથે આ હાથે." અને એ બેહોશ થઈ અને જમીન પર પટકાઈ ગઈ. કોર્ટમાં હો હા થઈ ગઈ. નેહાને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. કોર્ટ મુલતવી રાખવામાં આવી. નેહા હોસ્પિટલમાં બેહોશ પડી હતી. પપ્પા ભીની આંખે વહાલસોઈ દીકરીને તાકી રહ્યા હતા.શું નેહા સાચું બોલતી હતી?
સપના વિજાપુરા