Ver Virasat - 2 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | વેર વિરાસત - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

વેર વિરાસત - 2

વેર વિરાસત - 2

માધવી ……’ ચક્કર ખાઈને ઢગલો થઇ જતી સખીને જોઇને પ્રિયા બહાવરી થઇ ગઈ .

અચાનક શું થઇ ગયું આને? આ સમય વિચારવાનો નહોતો. પ્રિયા ઝડપભેર દોડી. ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ લઈ ખોબામાં થોડું પાણી લઇ તેને માધવીના ચહેરા પર હળવેકથી છાલક મારી. ઢગલો થઇ પડેલા માધવીના અચેતન શરીરમાં કોઈ મુવમેન્ટ તો ન વર્તાઈ પણ બંધ આંખોની નીચે સ્થિર કીકી હળવેકથી ફરકી હોય એટલી ચેતના તો વર્તાઈ રહી હતી. હોલમાં રહેલા સોફા કમ બેડ પર આરામદાયક રહે તે રીતે હળવેકથી માધવીને સુવાડી, ખરેખર તો આખી આ ઘટના પ્રિયાને ડરાવી રહી હતી. ડોક્ટરને ફોન કરવો જરૂરી હતો પણ અત્યારે? વોલ પર રહેલી કુકુ કલોક સમય દર્શાવતી હતી સાડા બાર, રાત્રે આ સમયે ડોક્ટરને વિઝીટ કરવા કહેવું ?

પ્રિયા થોડીવાર શાંતિથી વિચારતી રહી. શક્યતા તો એક માત્ર એક જ હોય શકે , પોતે જે સાંભળી એ વાતો માધવીએ પણ સાંભળી જ હોય ને !! સ્વાભાવિકપણે એ બોજથી કોઈ ભારે તાણ અનુભવી રહી હોય અને બાકી હોય તેમ પોતાના મનમાં વારંવાર ઘુમરાઈ જતી એક વાત … કદાચ કોઈ મુસીબત હાથે રહીને તો માધવીએ નહીં વહોરી લીધી હોય ને !!

થોડી ઘડીઓ એમ જ વીતી ગઈ. પ્રિયા પોતાની હથેળી વચ્ચે માધવીની ઠંડી પડેલી હથેળીઓ લઇ હળવે હળવે થપથપાવતી રહી.

‘પ્રિ ..યા …’ ખાસ્સીવાર પછી કળ વળતી હોય તેમ માધવીએ આંખો ખોલી .

‘….. હું અહીં જ છું, તારી પાસે …’ પ્રિયાએ માધવીના ભીનાં કપાળ પર હળવેકથી હાથ ફેરવ્યો .

‘.. હું …’ માધવી બોલવા ગઈ પણ જાણે અવાજ ગળામાંથી નહોતો નીકળી શકતો .

”મધુ , ટેક ઇટ ઇઝી, હું અહીં જ છું…..આ હાલતમાં તને એકલી મૂકીને થોડી જતી રહેવાની હતી ?…. કરવું હોય તો જ બોલવું એ પ્રિયાનો સ્વભાવ હતો.
માધવીએ જાતે બેઠાં થવાનો પ્રયાસ કર્યો .

‘ જરા સારું લાગે છે હવે ? આર યુ ઓકે? .. ?? ..’ નિરર્થક પ્રયત્ન કરી રહેલી માધવીને સહારો આપીને કુશન ગોઠવી પ્રિયાએ બેસાડી : મમ્મીને ફોન કરવો છે ?

માધવી જવાબ વાળી ન શકી. માત્ર નીચી નજર રાખીને ડોકું ધુણાવ્યું .

‘શું હા કે ના? ‘ પ્રિયા સમજી ન હોય તેમ ચોખવટ કરતા પૂછી રહી.

‘ના, હરગીઝ નહીં …’ ભારે ક્ષીણ અવાજે કહીને માધવી ચૂપ થઇ ગઈ , એ મનમાં ગૂંચવાઈ રહી હોય તેમ પ્રિયા સમજી શકી.

‘તો પછી રાજાને ફોન જોડું ,નંબર આપ એની હોટેલનો ….. ‘

‘ના, પ્રિયા પ્લીઝ, હમણાં કોઈને કંઈ ન કહેતી … મને મારી રીતે બધું હેન્ડલ કરવા દે…..’

હવે માધવી સંપૂર્ણપણે સ્વસ્થ થાય એની રાહ પ્રિયા જોઈ રહી : કોઈક તો ગૂંચ હતી , તે પણ જેવી તેવી નહીં .

‘ પ્રિયા , પ્લીઝ તું જા, કાલે મળીએ …’ માધવી કોઈક અણગમતી વાત ટાળવા માંગતી હતી એ વાત તો નક્કી હતી. એવી સ્થિતિમાં એને એકલી મૂકી ચાલી નીકળવું યોગ્ય પણ નહોતું .
માધવી ટેકો આપીને તેના બેડરૂમ સુધી પહોંચાડી પ્રિયાએ કિચનમાં જઈ લીંબુપાણી બનાવવા માંડ્યા . ગ્લાસ સાથે ટકરતો ચમચીનો મંજૂલ અવાજ માધવીને સાંત્વન આપતો રહ્યો , પ્રિયાના આવવાથી ઘણી રાહત તો લાગી હતી પણ સાથે સાથે મનમાં ખટકી રહી હતી એની હાજરી , એ જાય તો રાજ સાથે વાત થઇ શકે …
માધવીના મનનો ઉચાટ પ્રિયાના મન જેવો જ તો હતો, પ્રિયાના દિલને ચેન નહોતું : આંટી ને એક ફોન કરવો જરૂરી હતો.

લીંબુપાણી સાથે આપેલી સ્લીપિંગ પિલની અસર વર્તાતી હોય તેમ માધવી થોડી જ વારમાં નિદ્રામાં સરી રહી હતી. આ જ સમય હતો માધવીની મમ્મીને કોલ કરીને જાણ કરવાનો. પ્રિયાએ લિવિંગ રૂમમાં જઈ ફોનનું રીસીવર હાથમાં લીધું અને અચાનક જ રોકાઈ : કદાચ માધવી જાગી ન જાય , એની ના ઉપરવટ જઈને કોલ કરવાની વાતથી છેડાઈ તો નક્કી જવાની, એના કરતાં …. પ્રિયાના મનમાં સ્ફૂરેલાં વિચારની અસર કહો કે જે પણ , એ દબાયેલાં બેડરૂમ સુધી આવી. માધવી શાંતિથી ઊંઘી રહી હતી તે જોઇને હળવેકથી સરકી ગઈ.
સવારના સાડા પાંચ વાગે પોતાના ઘરે પહોંચીને પ્રિયાએ સહુ પ્રથમ કામ લંડન કોલ જોડવાનું કર્યું : ‘મે આઈ સ્પીક ટુ મિસિસ આરુષિ સેન પ્લીઝ ?’

‘ કોણ પ્રિયા ….?? !! …પણ અત્યારે કેમ ફોન કરવો પડ્યો ? ઓલ વેલ ?’ સામે છેડેથી આરુષિનો ઉમળકાભર્યો અવાજ સમય અને પ્રિયાના ઢીલાં સૂરને કારણે આશ્ચર્યથી ભારે થઇ ગયો.

આરુષિ ઓળખતી હતી માધવીની એક માત્ર ફ્રેન્ડ પ્રિયાને , તે પણ માત્ર નામથી . મુંબઈમાં એકલી માધવી આ પ્રિયાને મળ્યા પછી એકલતા ઓછી મહેસૂસ કરતી હતી એવું તો વારંવાર કહી ચૂકી હતી. એવું ક્યારેય ન બનતું કે માદીકરીની વાત પ્રિયાના ઉલ્લેખ વિના પૂરી થઇ હોય, છતાં પ્રિયા સાથે સીધી વાત કરવાનો પ્રસંગ કોઈ દિવસ ઉપસ્થિત જ નહોતો થયો.

‘સોરી આંટી , મારે તમને આ સમયે ડિસ્ટર્બ કરવા પડ્યા… પણ વાત જરા એવી હતી …….’ પ્રિયા બોલતી રહી તેમ તેમ સામે છેડે સાંભળી રહેલી આરુષિના ચહેરા પરના હાવભાવ બદલાતાં રહ્યા .

પૂરી પંદર મિનિટ વાત કર્યા પછી ફોન મૂકીને વિચારમાં ગરકાવ થઇ ત્યાં જ બેસી પડેલી આરુષિની પીઠ પર પ્રશ્ન અથડાયો : કેમ આમ કટાણે કોલ કરવો પડ્યો તારી દીકરીએ ?

‘ઓહ …’ ફોન પર થતી વાત જમ્યા પછી લિવિંગ રૂમની અડોઅડ જ બનાવેલાં સ્ટડીમાં રાતના ડીનર પછી પુસ્તક વાંચી રહેલા પતિના કાન પર પડી જ હશે એ વાત તો ધ્યાનમાં જ ન રહી.
એ કોલ માધવીનો નહીં એની ફ્રેન્ડ પ્રિયાનો હતો ….’ આરૂષિ પતિને ખપ પૂરતો જવાબ આપીને ચૂપ થઇ ગઈ.

‘ કેમ ? …..એવું તો શું થયું કે એની ફ્રેન્ડે તને કોલ કરવો પડ્યો ? તે પણ આ સમયે ?’ વિશ્વજિતે એક નજર વોલકલોક પર કરી, જે રાતના બારનો સુમાર દર્શાવી રહી હતી. : ઈન્ડિયામાં તો સવાર પડવા આવી હશે ને !! ઈઝ એવરીથિંગ ઓકે?

જવાબ ન આપી શકી આરુષિ . પતિ સામે જુઠ્ઠું બોલવાના પ્રશ્ન જિંદગીમાં પહેલા ઉભા નહોતા થયા એવું તો નહોતું પણ ગમે એ સંજોગોમાં વિશ્વનો ગુસ્સો વહોરીને પણ સાચું જ બોલી દેતી હતી ને, પરંતુ દીકરીને કારણે તો પતિપત્ની વચ્ચે એક ભેદનો પરદો રચાતો ગયો.
આરુષિ , બધું બરાબર તો છે ને ? …’ વિશ્વજિતે હાથમાં રહેલું પુસ્તક બંધ કર્યું , ચશ્માં ઉતારી બાજુએ મૂક્યા . માધવીના ઘર છોડ્યા પછી એને વિષે ભાગ્યે જ પૃચ્છા કરતા પિતાએ ફરી પૂછ્યું. આખરે તો બાપનું દિલ હતું ને.

ખરેખર તો માધવીએ ફિલ્મલાઈનમાં જવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારથી જ બાપ દીકરી જબરદસ્ત તિરાડ પડી ગયેલી. વિશ્વજિત સેનની ઈચ્છા હતી કે સંતાનમાં એક માત્ર દીકરી છે , એ બાપનું નામ રોશન નહીં કરે તો કોણ કરશે ? ને પોતે બ્યુરોક્રેટ્સમાં કેવું પંકાતું નામ ને માધવી સિવિલ સર્વિસ કરીને મુઠ્ઠી ઉંચેરી સાબિત કરી બતાડે … તેની બદલે એને તો પસંદગી કરી તે પણ કેવા ક્ષેત્રની ? હજી અન્ય કળા સાહિત્યનું ક્ષેત્ર હોત તો પણ સમજી શકાય , પણ આ તો ફિલ્મ ….!!

માધવીને કેટલી સમજાવેલી , જરૂર પડી ત્યારે ઇમોશનલ બ્લેકમેઈલ પણ કરવું બાકી ક્યાં રાખ્યું હતું પણ એ પણ બાપ જેવી જ જિદ્દી, ન માની તે ન જ માની .
હા, આમ તો બધું બરાબર છે… પણ ..’ આરુષિ જરા થોથવાઈ ગઈ.

‘ આમ તો એટલે ? એટલે બાકી બધું બરાબર નથી એમ ? ‘ વિશ્વજિત સેન પોતાની કાબેલિયત અને કુટનીતિ માટે બ્યુરોક્રેટ જગતમાં પંકાતા. કોઈ પણ વિષમ પરિસ્થતિમાં એમના એક્શન પ્લાન નિષ્ફળ નહીં રહે તેની ખાતરી રહેતી , પણ આ એકની એક દીકરી પાસે પોતાના મનનું ધાર્યું કરાવવામાં નાકામ રહ્યા હતા તેનો રંજ કડવાશ થઇ રૂંવે રૂંવે વ્યાપી ગયો હતો. ઇન્ડિયન ફોરેન સર્વિસમાં ટોચના ઓફિસર અને તે પણ વર્ષોથી વિદેશોમાં રુઆબદાર પોઝીશન પર રહી ચૂક્યા હતા , ને સ્વભાવ તો પહેલેથી જ તીખો ,એટલે જ જે દિવસથી માધવીએ ઘર છોડ્યું ત્યારથી આજ સુધી બાપ દીકરી વચ્ચે એક શબ્દનો વ્યવહાર થયો નહોતો.

‘ના … ના … , તમે પણ શું ? મારો એવો આશય નહોતો . હું તો એ જ કહી રહી છું જે માધવીની ફ્રેન્ડ પ્રિયા કહી રહી હતી : ….પણ વિશ્વ, ખબર નહીં કેમ પણ મને એવું લાગ્યું કે ક્યાં પ્રિયા કંઇક છૂપાવતી હતી કે પછી માધવીએ સૂચના આપી હોય ને એટલે બોલતી નહીં હોય … ‘ આરુષિના ચહેરા પર થોડી ચિંતાની હળવી લકીર ખેંચાઈ ગઈ. પતિથી કંઈ પણ રાખવાનું એના સ્વભાવમાં જ નહોતું ને.

‘જો અરુ , એક વાત કહું ? ‘ વિશ્વજિત બેઠાં હતા તે ચેરમાંથી ઉભા થયા , આરુષિની પાસે આવી એને ખભે હાથ મૂક્યો . આરુષિ ભલે બોલી ન શકતી હોય પણ ચિંતિત પત્નીના મગજમાં ચાલી રહેલી ગૂંચને જોઈ શકતા હોય તેમ. પત્નીના મનને થોડી શાંતિ મળે તેવી કોઈક સમાધાનકારી વાત કરવી હોય તેમ વિશ્વજિતે અટકળ કરી : મારું માનવું એમ છે કે કદાચ હવે માધવીના પગ નક્કર વરવી વાસ્તવિકતાને સ્પર્શ્યા હોવા જોઈએ , એટલે શક્ય છે કે એ આંચકા પચાવી લીધા પછી હવે સમજીને ઘરે પછી ફરવા માંગતી હોય …..
પોતાની વાત ધ્યાનથી સાંભળી રહેલી પત્ની સામે જોઈને હળવું મલક્યા : ….. પણ પગ ભારે થઇ ગયા હશે ….સ્વાભિમાન આડું આવતું હશે ફોન કરવામાં …. વિશ્વજિતે હાથમાં રહેલી સિગારનો એક ઊંડો કશ લીધો : આખરે દીકરી કોની છે ? મારી જ ને !! ….

‘ એમ ? સાચે ? ‘ આરુષિ પતિની આ મંગળ કલ્પના હકીકત હોય તેમ ખુશ થઇ ગઈ : જો એવું હોય તો તમે એને મનથી પાછી બોલાવશો ? માન્યું કે એણે એક નિર્ણય ખોટો લીધો , પણ એટલે આપણી દીકરી થોડી મટી જાય છે ? આરુષિને તો વિશ્વજિતનો પીગળી રહેલો મિજાજ જ શુકન જેવો લાગ્યો . જો આ જ વાત હોય તો મન તો થતું હતું અત્યારે જ મુંબઈ જઈને દીકરીને પોતાની સાથે લઇ આવે.

‘ બેશક અરુ , માધવી મારી દીકરી છે , આ ઘર એનું છે ,એને પાછા ફરવું હોય તો બારણાં ખુલ્લાં છે … વિશ્વજિતના સ્મિતની પાછળ આવી રહેલી વાત હજી બાકી હતી : પણ એક શરતે , એમાં કોઈ જો ને તો ને સ્થાન ન સંભવી શકે….. ‘ વિશ્વજિતે ઉચાટમાં ચહેરો તાકી રહેલી આરુષિને આરામથી બેસવાનો નિર્દેશ કર્યો .

‘શરત ? કેવી શરત ? ‘ જરા સરખી હળવાશ અનુભવી રહેલી આરુષિની પીઠ ચિંતામાં ફરી અક્કડ થઇ ગઈ.

‘ઓહો , તું ચિંતા ન કરે તો તારું નામ બદલી નાખવું પડે,અરુ … ‘ પત્નીના ચહેરા પર ગહેરાતી જતી લકીરને જોઇને વિશ્વજિત જરા નરમ પડ્યા : કોઈ મોટી શરત નથી !! ‘ મારી શરત તો એ જ છે જે પહેલા હતી. એને કારકિર્દી તો સારા કહી શકાય એવા જ ક્ષેત્રે બનાવવી પડશે , બાકી એ તો તું પણ માને છે કે ને હું એવો જૂનવાણી વિચારસરણીવાળો બાપ નથી કે દીકરી ગ્રેજ્યુએટ શું થઇ કે લગ્ન માટે ફોર્સ કરું …. મારી ઈચ્છા એટલી કે એ પણ સર્વિસીઝ લે, ચાહે મારી જેમ ફોરેન સર્વિસમાં કામ કરે , કે પછી આઇએએસ અધિકારી બને , ઇન્ડિયામાં જ રહીને કોઈ અમલદારી કરે…. પણ આ મારી દીકરી થઈને આવા હલકા કામ તો હરગીઝ ન કરી શકે….

‘પણ , એ ક્ષેત્રે જો સફળ થઇ હોત તો તમે ક્યારેક ને ક્યારેક તો આ કામને કળા તરીકે મૂલવતે ને …. એને હલકું માનવાને બદલે માનતે ને કે …..’ પતિને નરમ પડેલા જોઇને માએ પોતાની દીકરીની વકીલાતની પહેલી દલીલ મૂકી કે વિશ્વજિત પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયા. તેમના અવાજમાં હિમ જેવી ઠંડક હતી અને અવાજ અત્યંત નીચો, એ જ વાત સાબિતી હતી તેમનું બેરોમીટર હાઈ થવાની : આરુષિ , એ આવતીકાલે સ્ટાર બને કે ન બને પણ મારી દીકરી તો મટી જ ગયેલી જ સમજું , મારું નામ હું એને એની સાથે હરગીઝ નહીં જોડાવા દઉં , બાકી એક વાત તો કહી રાખું તને ..આ તારી દીકરીને તે ભલે મનમાની કરવા દીધી છે , પણ એક દિવસે એ પસ્તાશે ને ત્યારે તું કહેશે કે હું સાચો હતો ને એ ખોટી અને એને મારી પીઠ પાછળ પ્રોત્સાહન આપીને તેં કેવી મોટી ભૂલ કરી છે ….

આરુષિને ડર લાગ્યો કે વાત ફરી ખોટે પાટે ચઢી જવાની , અને એમ જ થયું. થોડાં નરમ પડેલાં વિશ્વજિત સેન ફરી પોતાના અમલદારી મિજાજમાં આવી ગયા :
તું જ કહે , આ બધું કંઈ આપણાં જેવા લોકો માટે છે ? એ બાળક છે હજી , નાદાન ,પણ તું ? તું મા છે એની ….તું તો સમજ …. અંગ્રેજના સમયમાં દિવાન બહાદુરનું ટાઈટલ મળ્યું હોય તે સત્યેન્દ્રનાથ સેનના કુટુંબમાંથી કોઈ એકટ્રેસ બને ?’
ચઢી ગયેલો શ્વાસ ખાવા વિશ્વજિત જરા રોકાયા :
એ જમાનામાં ઘરની કોઈ મહિલા રાજ્યમાં સહુ પ્રથમ લેડી ડોક્ટર બની હોય , એ પરિવારની દીકરી આવા નટબજામણીના ખેલ કરે ??? આથી વધુ કોઈ શરમજનક વાત પરિવાર માટે હોઈ શકે ખરી ? વિશ્વજિતના કપાળ પર રેખાઓ ઉભરી આવી . ‘ ક્યારેય નહીં …. એ વાત તો હરગીઝ નહીં બને કે સેન પરિવારની દીકરી આ બધું કરે ને હું મંજૂરી આપું , તે છતાં એને એની જિદ પર અડગ રહેવું જ હોય તો એની મરજી … પણ પછી એ આપણી દીકરી મારા માટે આ દુનિયામાં હયાત જ નથી…. સમજી ? તારા ને મારા બેઉ માટે …. વાત વિશ્વજિત ભારપૂર્વક દોહરાવી , અને બાકી હોય તેમ ઉમેર્યું : એ પણ મરી ગઈ આપણાં મને , આરતીની જેમ જ …
આરતીનું નામ પડ્યું કે આરુષિના ભવાં તંગ થઇ ગયા. આ વાત જો અહીં નીકળી તો ખલ્લાસ .
બસ કરો વિશ્વ , પ્લીઝ …..હવે ખબરદાર આગળ એક શબ્દ આ વિષે બોલ્યા છો તો …. , તમને મારા સોગંદ છે … ‘ આરુષિએ કોઈ અમંગળ વાત સાંભળવી નહીં હોય તેમ પતિને પોતાના સોગંદ આપીને એક લક્ષ્મણરેખા દોરી દીધી .

સમયની નજાકત જોઇને વિશ્વજિત ત્યારે તો ચૂપ થઇ ગયા પણ મનમાં ઘૂમરાતી વાત ન કહી શકવાનો વસવસો ચહેરા પર તરવરી રહ્યો : આરતી હોય કે માધવી , જેનો રસ્તો જ ખોટો હોય એમનું અસ્તિત્વ મારી દુનિયામાં સંભવી જ ન શકે.

***

‘મધુ કેમ છે હવે ? ‘ સવારના પહોરમાં પ્રિયાના ફોનકોલે માધવીને જગાડી મૂકી .

‘અરે , તું છે ક્યાં ? ફોન કરે છે એટલે ઘરે પહોંચી ગઈ ? ‘ માધવીને નવાઈ લાગી . રાત રોકાઈ જવાની વાત કરતી પ્રિયા ઘરે કેમ જતી રહી?

‘ ઘરે ન જાત તો આંટીને ફોન કરીને તારા ખબરઅંતરની જાણ કઈ રીતે કરતે ? ‘ હોઠ સુધી આવી ગયેલા એ જવાબને પ્રિયા ગળી ગઈ : માધવી , તું શાંતિથી ઊંઘી ગયેલી , એટલે મને થયું કે હું ઘરે જઈને થોડું કામ પતાવી સવારે આવી જઈશ. આજે ડોક્ટરને ત્યાં જઈ જ આવીએ .

‘ડોક્ટરને ત્યાં ? ના ના … એવી કોઈ જરૂર નથી …. ‘ માધવી હજી બોલવાનું પૂરું કરે એ પહેલા જ પ્રિયા તાડૂકી : હું તને પૂછી નથી રહી કે શું કરીશું , હું કહું છું જઈશું , કાલે રાત્રે તારી હાલત ખબર છે ને કેવી હતી ? પ્રિયા ચિંતિત હતી.

હવે આ પ્રિયાને કેમ કરીને સમજાવવું ? ફોન મુક્યા પછી પણ માધવી વિચારતી રહી અને સાથે સાથે રાજાની હોટલનો ફોન ટ્રાય કરતી રહી. લાઈન જ ખરાબ હતી , કદાચ મોસમનો છેલ્લો સ્નો પડ્યો હોય ને ફોનલાઈન ઠપ્પ પડી હોય !! માધવીએ મન મનાવ્યું .

‘માધવી , હજી તૈયાર નથી થઇ ? મેં તને કહ્યું હતું ને કે આપણે ડોક્ટર ભાવસારને ત્યાં જઈ આવીએ , અહીં પાંચ મિનિટના અંતરે તો ક્લિનિક છે પણ મને હતું જ કે હું નહીં આવું તો તું કંઇ જશે નહીં , ને કહી રાખ્યું તો પણ તું તૈયાર ન થઇ. ચલ ઉતાવળ કર, પછી ડોક્ટર હોસ્પિટલ વિઝીટ માટે નીકળી જશે … ‘ ફોન મુક્યાને માંડ ત્રીસ મિનીટ નહોતી થઇ ત્યાં તો પ્રિયા આવી પહોંચી હતી .

‘પ્રિયા , આમ અથરી ન થા, મારી વાત તો સાંભળ ….’ માધવીને લાગ્યું કે હવે પ્રિયાથી વાત છૂપાવવી એ ઠીક પણ નથી. : તું માને એવી કોઈ બીમારી નથી મને …. પ્લીઝ સમજ.
હવે આશ્ચર્યચકિત થઇ જવાનો વારો પ્રિયાનો હતો : એટલે ?

‘એટલે એ જ જે તું વિચારે છે …. ‘ માધવી પાસે પોતાના પાનાં પ્રિયા પાસે ખુલ્લાં મુકવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો .

માધવીના ચહેરા પર અજબ ચમક હતી. પ્રિયા એ તાકી રહી: ક્યાંક પોતાનો ડર સાચો તો નહોતો પડવાનો ને ? ઓહ ભગવાન , માધવી , જે વિચારીને મને ધ્રુજારી છૂટી ગઈ એવું તો કંઇક નથી થઇ ગયું ને ?

‘ હું શું કહું તને !! ….. ‘ માધવી આગળ ન બોલતા ચૂપ થઇ ગઈ.

‘……મારા માનવામાં હજી નથી આવતું કે માધવી તારા જેવી હોનહાર , ઇન્ટેલીજન્ટ છોકરી આવી પહાડ જેવી ભૂલ કરી શકે, અને તે પણ આંખ કાન ખુલ્લાં રાખીને …’

બંને અચાનક જ ચૂપ થઇ ગઈ. પ્રિયા એટલું તો સમજી જ શકતી હતી કે માધવીને પોતાની શિખામણ ગમવાની નથી અને પોતે પોતાની સખીની થનારી દુર્દશા માટે ચેતવ્યા વિના રહી શકવાની નથી . પરિણામ શું આવશે ? દરેક વખતે થતી દલીલબાજી , ઝગડો, મનદુઃખ અને થોડા સમય માટે અબોલા .. એ કદાચ માની પણ જાય ને હજી પોતે સંતોષથી ઘરે પહોચશે ત્યાં સુધીમાં રાજા સાથે વાત કરીને એનું મગજ ફરીથી જ્યાં હતું ત્યાં આવી ગયું હશે ..

‘ મધુ , મને ખબર છે કે હું જે પણ કહીશ તને નહીં ગમે , પણ સાચું કહું છું , હું જાણું છું એની અસલિયત તું હજી સમજ , એ નથી જ પરણવાનો તને, જેને રાજ રાજ કરતાં તારું મોઢું સુકાતું નથી તે રાજા પોતાની કારકિર્દી માટે કોઈને પણ દાવ પર લગાવી શકે એમ છે. એના માટે પ્રેમ , કુટુંબ , મિત્રો બધું ગૌણ છે. ‘ શાંતિથી સમજાવી રહેલી પ્રિયાની વાત લેશમાત્ર સ્પર્શી ન હોય તેમ માધવી આંખો ઢાળી સાંભળતી રહી. પ્રશ્નોનો સહુથી નક્કર જવાબ જો કોઈ હોય તો તે મૌન જ હોય . માધવીએ એ પોતાનું સો મણનું તાળું હોઠ પર વાસી રાખ્યું .

‘ઓકે , એ તો કહીશને કે કેટલો સમય થયો છે ?….’ પ્રિયાના દિલના ધબકારાં વધી રહ્યા હતા.

‘કદાચ સાત કે આઠ વીક ?? , નોટ શ્યોર …’ માધવીએ પહેલીવાર પ્રિયા સાથે નજર મેળવી જવાબ આપવો જરૂરી સમજ્યો ને ગણતરી કરી જોવાનો એક નાકામિયાબ પ્રયત્ન કરી જોયો .

એ ઉત્તર પ્રિયાને ઘડીભર વિચાર કરતી મૂકી ગયો. : ‘ઓ કે, એટલે એનો અર્થ કે હજી થોડો સિલક સમય છે ખરો હાથ પર ….

‘માધવી , હવે એક વાત સમજ , તારી પાસે ગણતરીના દિવસો છે. તને કદાચ આ વાતની ગંભીરતાનો ખ્યાલ આવે છે કે નહીં મને સમજાતું નથી પણ મારું માને તો એક વાર રાજા સાથે વાત કરી લે. જિંદગીમાં કોઈક ભૂલ નાદાનીમાં થાય એ તો સમજાય પણ તું જે ખુલ્લી આંખે ખીણમાં ઝંપલાવી રહી છે એ વાત મને ડરાવી રહી છે. એને પૂછ તો ખરી કે એ આ બાળક જન્મે તે પહેલા તારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં ? નહીતર …..’ પ્રિયા વધુ આગળ બોલી જ ન શકી. બોલવું સાવ નકામું હતું .

‘એ જ તો સમસ્યા છે પ્રિયા , રાજનો સંપર્ક જ નથી થઇ શકતો …. માધવીના ચહેરા પર થોડી મૂંઝવણ તરી રહી : પેપરમાં વાંચ્યું નહીં કે મનાલીમાં કેટલો સ્નોફોલ થયો છે ? લેન્ડસ્લાઈડઝ થઇ છે… ન તો વાહન વ્યવહાર ચાલે છે ન સંદેશ વ્યવહાર, એવા સંજોગોમાં રાહ જોયા વિના કોઈ બીજો વિકલ્પ જ ક્યાં છે ? માધવીની મોટી મોટી આંખોમાં પ્રિયા જોઈ શકતી હતી વિશ્વાસ , નક્કર વિશ્વાસ , દુનિયા ઉપરતળે થઇ જાય પણ પોતાનો રાજા કોઈ રીતે ખોટો હોય શકે જ નહીં .

પ્રિયા પોતાની મિત્રને જોતી રહી ગઈ , કેટલી ભોળી છે આ બિચારી , કેટલી અબુધ .. આને શું સમજાવવી ને કેમ સમજાવવી ?

‘ સારું તો પછી , તું રાહ જો , ફોન ચાલુ થવાની, વાહન વ્યવહાર ચાલુ થવાની અને પછી નિર્ણય લે, પણ એક ફ્રેન્ડ તરીકે હું હજી તને ચેતવું છું , એ એક નંબરનો જુઠ્ઠો છે. અને એટલું જ નહીં એ કોઈ હિસાબે લગ્ન નહીં કરે .. કારણ ખબર છે ? એક સરખું બોલી રહેલી પ્રિયા ઘડીભર અટકી, પોતાના કહેવાની શું અસર થાય છે તે જોવા કદાચ. માધવી પોતાની વાત ધ્યાનથી સાંભળી રહી છે તેની ખાતરી થઇ. એકવાર તો ઉલ્લેખ કરી ચૂકી હતી પણ પાકે પાયે મળેલી માહિતી આપવી જરૂરી હતી.: મને જાણવા મળ્યું છે તે પ્રમાણે રાજા લગ્ન તો કરી રહ્યો છે પણ, મધુ , તારી સાથે નહીં , મધુરિમા સાથે , એ એનો નવો દાવ છે.

‘કોણ મધુરિમા ? પ્રિયાએ જોયું માધવીની આંખોમાં પ્રશ્નાર્થ તોળાઈ રહ્યો હતો.
હજી કાલે રાતે તો તને કહ્યું , ભૂલી પણ ગઈ ?’ પ્રિયાને પોતાની સખીના ભોળપણ પર હવે ચીઢ આવી રહી હતી.

‘ અરે , મધુરિમા , પ્રભાત ફિલ્મ્સવાળા પ્રભાત મહેરાની એકની એક દીકરી છે ,રાજાના કહેવાથી અખબારોમાં છપાતી ગોસિપ તું ભલે ન વાંચતી હોય એટલે તને કોણ સમજાવે કે એ કેટલીકવાર સાચી પણ હોય છે , ને આ વાત તો છેલ્લાં કેટલાય સમયથી ચર્ચામાં છે. આ છોકરી કરોડોની માલિક તો ખરી પણ , આવતી કાલે જયારે પ્રભાત મહેરા નહીં હોય ત્યારે સ્વાભાવિકરીતે તેમના આ એમ્પાયરનો માલિક બનશે આ થનારો જમાઈ .. પ્રભાત ફિલ્મ્સ કંપનીનો . કરોડોની મિલકતો છે . સ્ટુડીઓ અને આલીશાન બંગલાની વાત છોડ, કંપનીની માર્કેટ વેલ્યુ જ વિચાર ….

‘ સ્ટોપ ઈટ પ્રિયા ‘ માધવી સામે ગર્જી : આપણે ફ્રેન્ડઝ રહ્યા એનો અર્થ એ તો હરગીઝ નથી થતો કે તું મારા રાજ માટે જેમ ફાવે તેમ બોલી જાય.
પ્રિયા આભી બની માધવીનું આ બદલાયેલું રૂપ જોતી રહી ગઈ.

‘તું મન ફાવે તેમ બોલી રહી છે , અને આ બધી મનઘડંત કહાનીઓ અહીંતહીંથી સાંભળેલી ગોસીપ પરથી બનાવેલી છે. પણ, તને ખબર પણ છે કે રાજાએ સંજોગોમાં ધવન સાથે મળીને આ પ્રભાતનું બેનર લેવું પડ્યું ? આટલાં વર્ષોની વર્ષોની ઘનિષ્ટતા રાજાએ નહોતી તોડી પ્રિયા …રાજાના બચાવમાં કોઈ કસર છોડવા ન માંગતી હોય તેમ માધવી રાજાએ કહેલી નાની નાની વિગતો યાદ કરીને પ્રિયાને સંભળાવતી રહી : જે લોકો માટે , જે પ્રોડક્શન હાઉસ માટે ન સવાર જોઈ હતી ન સાંજ એમને તો રાજાની હકાલપટ્ટી કરતાં વિચાર સુધ્ધાં ન કર્યો . ને તું આખા ગામની ગોસીપ સંભળાવીને મને કહે છે તો તને એ પણ ખબર હોવી જોઈએ ને કે શક્તિ નંદાના પ્રોડક્શન હાઉસના હાલ શું છે ?

માધવીએ ઊંડો શ્વાસ લીધો, જાણે ફાયરીંગ માટે ઇંધણ ભરતી હોય :એ લોકોએ નવો સીઈઓ શું હાયર કર્યો , એને આવતાંવેંત કોસ્ટકટિંગ લાગુ કર્યું . કંપનીના ખાસ કહી શકાય એવા લોકોને પહેલા કેમ્પ બહાર કર્યા , એટલે એમાં ભોગ કોનો લેવાયો ? રાજાનો …. એ તો નસીબદાર કે પ્રભાત પ્રોડક્શન સાથે આ ધવન હતા ને એને સાચવી લીધો . ‘ પોતાનો ઉંચો થઇ ગયેલો સ્વરનો ખ્યાલ માધવીને થોડીવાર પછીથી આવ્યો.

પ્રિયા માધવીનું આ નવું રૂપ ફાટી આંખે જોઈ રહી . એ પોતાની સહેલી નહીં , બલકે રાજાની કાયદેસરની પત્ની હોય તેમ વર્તી રહી હતી.
માધવીએ પરિસ્થતિ સાચવી લેવી હોય એમ ટોન નરમ કર્યો :તું નહીં જ માને પણ સાચું કહું છું પ્રિયા , રાજે તો ત્યારે પણ કહેલું કે આજે નહીં ને કાલે ફેમિલી સ્ટાર્ટ કરવું જ છે તો આજે જ શું કામ નહીં ? ને એ જ અરસામાં આ બધું થયું …..

‘ આંખો ખોલ માધવી …. આખી વાત દિમાગથી જો , દિલથી નહીં … તને દૂધનું દૂધ ને પાણીનું પાણી દેખાઈ જશે. એ લબાડ છે, એક નંબરનો જુઠ્ઠો ….. ‘ પ્રિયાના શબ્દોમાં આગ જેવી બળતરા હતી :’એ તને જુઠ્ઠું કહી રહ્યો છે , શક્તિ નંદા હાઉસ કોઈ કોસ્ટકટિંગ નથી કરી રહ્યું , ન તો કોઈ નવો સીઈઓ આવ્યો છે. તને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જા , જેની પર વિશ્વાસ કરી શકે એને જઈને પૂછ ……. ‘ પ્રિયાએ એક ક્ષણ માટે થંભી: મારો કહેવાનો મતલબ છે રાજા સિવાય , કોઈને પણ ..

પ્રિયાના સ્વરમાં રહેલો સચ્ચાઈનો રણકો સ્પર્શ્યો હોય કે ગમે તેમ પણ માધવી થોડી અવઢવમાં તો પડી. પ્રિયાની વાત સાચી હશે ? કે પછી ?…… પણ એ શા માટે જુઠ્ઠું બોલે ને એથી એને મળે પણ શું ?

મનનો ઉભરો ઠાલવ્યા પછી પ્રિયા પણ જરા શાંત પડી હતી , એ ઉઠીને કિચન ગઈ. ફ્રિજમાંથી એક ઠંડા પાણીની બોટલ અને બે ગ્લાસ લઈને પછી ફરી. અડધો ગ્લાસ પાણી એક જ ઘૂંટમાં પી ગઈ પછી જરા એને ટાઢક વળતી હોય એમ લાગ્યું .

‘ હું નથી કહેતી કે તું મારી કે કોઈની વાત આંખ મીંચીને માની લે મધુ ,પણ જે કરે તે તારા દિલને પૂછી ને કરજે. અને હા, એક મુખ્ય વાત તો કહેવાની રહી ગઈ. પ્રિયા એકદમ શાંતિથી બોલી: તું તારી રીતે ચેક કરી લે જે પણ મને તો ખબર છે કે શક્તિ નંદાએ રાજાને કાઢી નથી મૂક્યો નથી બલકે રાજાએ શક્તિ નંદા પ્રોડક્શન છોડ્યું છે, આ પ્રભાત મહેરાને કારણે જ સ્તો .મધુરિમા નામની લોટરી એ જ તો કારણ હતું રાજાએ શક્તિ નંદાને એક ક્ષણમાં વહેતો મૂકી દીધો. જે માણસે એને હીરાની જેમ પારખ્યો , તરાશ્યો ને પથ્થર માંથી હીરો બનાવીને દુનિયા સામે મુક્યો તેને છોડી દેતા રાજાને એક મિનીટ ન લાગી !!
આ સ્વાર્થી રાજા છે તારો રાજ , ને તને …..’ પ્રિયા હજી તો ઘણું કહેવા માંગતી હતી પણ એને માધવીના તપીને લાલઘૂમ થયેલા ચહેરાએ ચૂપ કરી દીધી .

‘ ઈનફ પ્રિયા … પ્લીઝ … ‘ માધવીએ એ એક જ વાક્યમાં લક્ષ્મણરેખા દોરી દીધી: એ વાત ખરી કે આપણે ફ્રેન્ડઝ પણ એનો અર્થ એવો નહીં કે તું એની કંઈ પણ બદબોઈ કરે ને હું મૂંગે મોઢે સાંભળી લઉં . એને યાદ ગઈ એ વાત જે રાજાએ કહી હતી : મધુ , જેને તું તારી ફ્રેન્ડ માને છે ને તે પ્રિયા જ તારી સફળતાથી જલે છે. તું ધ્યાનથી જોજે એ તારી ને મારી વચ્ચે વધતી જતી ઘનિષ્ટતા પણ જોઈ નથી શકતી ……

ઘેરાયેલું વાદળ એક પોતાની તમામ શક્તિ ખર્ચીને ભારમુક્ત થઇ જાય એવ કોઈ ભાવ માધવીના ચહેરા પર હતા.

પ્રિયા થોડીવાર વિચારતી રહી . કેમ કરીને રોકવી આ સમસ્યાને ?, પોતાની સખીને , જે આંખો ખુલ્લી રાખીને હારાકીરી કરવા ધસી રહી હતી .
અચાનક જ પ્રિયાએ વાત પડતી મૂકી દીધી : જે સમસ્યાના ઉકેલ ન મળે તેને એમ જ છોડી દેવી રહી, એના ઉકેલ તો માત્ર સમય પાસે જ હોવાના .

‘ઠીક છે , તને જે યોગ્ય લાગે તે કરજે … પણ લગ્નમાં તો આવીશ ને ? આ જ મહિનાના એન્ડમાં છે. ‘ આગળની વાતનો છેદ સમૂળગો ઉડાડી દેવો હોય તેમ પ્રિયા બોલી : કદાચ અહીં જ કોઈક ગુરુદ્વારામાં હશે કે પછી કેનેડા ….. હજી નક્કી નથી કર્યું ….

‘એનીવ્હેર , એની ટાઈમ …. હું નહીં આવું તો તું ફેરા કઈ રીતે ફરશે , બોલ ?’ માધવીની આંખો એટલું બોલતાં તો છલકાઈ રહી.
બે સખીઓ વચ્ચે મતભેદ કરાવનાર રાજા ઘડીક માટે વિસરાઈ ગયો ને ફરી બંને વચ્ચે મનમેળ થઇ ગયો હોય તેમ ભેટીને ક્યાંય સુધી રડતી રહી પણ એક વાત તો નક્કી હતી , બંને સખીઓ વચ્ચે એક કદીય ન ભરી શકાય તેવી બારીક તિરાડ સર્જાઈ ચૂકી હતી અને એ હવે વિસ્તરતી જવાની હતી. સમય , સંજોગ અને બાકી હોય તેમ ઇન્ડિયા ને કેનેડા વચ્ચેનું અંતર આ સખીપણાં ક્યાં સુધી ટકવા દેવાના હતા ?

ક્રમશ: