Bik in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | બીક

Featured Books
Categories
Share

બીક

બીક

યશવંત ઠક્કર

‘જેને મોઢે રૂમાલ બાંધવો હોય તે બાંધી લેજો. હું સુરતથી આવ્યો છું.’

કાનાનો અવાજ સાંભળીને શાંતિ ચમકી. આમ તો ચમકવા માટે સુરતનું નામ પૂરતું હતું. પણ આ તો કાનો! સગો નાનો ભાઈ! ‘એ તો રહેવા જ આવ્યો હશેને? કોને ખબર! એના શરીરમાં પ્લેગનાં કેટલાં જંતુઓ ભરાયાં હશે ? હે ભગવાન! આ મુસીબત સામે મારી રક્ષા કરજે. એક તો સાજાંમાંદાં છીએ ને એમાં સુરતથી મહેમાન તરીકે નાનો ભાઈ! હવે શું થશે?’ શાંતિને ગભરાવી નાખનારા વિચારો આવવા લાગ્યા.

‘આવું કે મોટીબહેન? કે પછી અહીંથી જ પાછો જાઉં?’ ઘરને બારણે આવીને કાનાએ હસતાં હસતાં પૂછ્યું.

શાંતિ ફિક્કું ફિક્કું હસી. બીજો કોઈ દિવસ હોત તો વાત જુદી હતી. તો તો પોતે પણ ખુલ્લું ખુલ્લું હસી લેત. દોડીને કાનાના ફૂલેલી રોટલી જેવા બંને ગાલને પોતાની હથેળીઓ વચ્ચે ભીંસી દેત ને મીઠો ગુસ્સો કરીને કહેત, ‘તું તો કાનિયા, એવો ને એવો જ રહ્યો. બહેનના ઘરમાં આવવા માટે વળી રજા લેવાની હોય?’

પણ આજની વાત તો સાવ જુદી છે. આજે તો?... શાંતિને છાપાનાં મથાળાં યાદ આવવા માંડ્યાં...પ્લેગના દર્દીને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયેલા મુસાફરો...સુરતથી મોટાપાયે હિજરત...ધર્મશાળામાં આશરો લઈ રહેલા સુરતીઓને કાઢી મુકાયા....સુરતથી આવેલાં દીકરી-જમાઈને મળેલો જાકારો!

‘પણ કાનો સુરતમાં શું લાડવા લેવા ગયો હશે?’ શાંતિને વિચાર આવ્યો.

‘વિચારમાં પડી ગયાંને મોટી બહેન? બીક લાગતી હોય તો અહીંથી જ પાછો ફરું.’ કાનાએ ફરીથી પૂછ્યું. જેવી રીતે પહેલાં પૂછ્યું હતું એવી જ રીતે. હસતાં હસતાં.

‘હેં, શું કહ્યું?’ શાંતિને શું બોલવું તેની સમજ પડી નહીં. છતાંય એ બોલી: ‘તું ગાંડો થઈ ગયો છે? બહેનના ઘરના બારણેથી પાછો ફરવાની વાત કરે છે? શરમ નથી આવતી?’

પછી તો કાનો તો ઘરમાં આવીને બેસી ગયો. દર વખતની જેમ આ વખતે પણ એણે ઘરમાં ચારે તરફ નજર નાંખી. ‘આ ક્યારે લીધું? આ કેમ આવું થઈ ગયું? ફલાણું ક્યાં ગયું?’ આવા સવાલો કર્યા. શાંતિએ જેમતેમ જવાબો દીધા. એણે તો જાણે કાનામાં પ્લેગ-પૂડો જ દેખાતો હતો. ને દેખાતાં હતાં પ્લેગનાં નર્યાં જંતુઓ, જંતુઓ ને જંતુઓ!

'દીદી તેરા દેવર દીવાના...' ગીત ગણગણતો કાનો પોતાનો ટુવાલ લઈને બાથરૂમમાં ગયો અને હાથપગ ધોવા માંડ્યો.

‘અરેરે!’ શાંતિ મનમાં બબડી. ‘બાથરૂમનું પણ સત્યાનાશ વાળી નાંખ્યું! ઠીક છે, આવ્યો છે તો ભલે આવ્યો. પાણી પીને રવાના થાય.’ પણ કાનાને પાણીનો ગ્લાસ તો આપ્યો જ નથી! સાવ ભુલાઈ ગયું. આ પ્લેગની બીક જ એવી છે. મોત જાણે આસપાસમાં જ હવામાં વહેતું હોય એમ લાગે છે. ચાંચડ કેવું હોય એ ખબર નથી પણ એકેએક જંતુ ચાંચડ જેવું લાગે છે. ઊંદર તો અમથોય દીઠયો ગમતો નથી. પણ પાડોશીના ઘરમાંથી ક્યારેક આવી ચડે છે ત્યારે તેની પૂંછડી પકડીને મોત પણ ઘરમાં ઘૂસતું હોય એમ લાગે છે.

‘તમે મોટીબહેન આ વખતે મને પાણીનોય ભાવ પૂછ્યો નથી હોં. હું જાણું છું કે, તમે મને જોઈને જ ગભરાઈ ગયા છો.’ કાનાએ બાથરૂમમાંથી બહાર આવીને કહ્યું.

'ના...ના. એમાં ગભરાવાનું શું? તું સુરતથી આવ્યો તો શું થઈ ગયું? ભાઈ થોડો મટી જવાનો છે? લોકો તો ગાંડા છે. સુરતનું નામ સાંભળીને ભડકે છે. લે પાણી. ચા પીશને?’

‘લો કરો વાત. ચા પીશને? ત્યાં જ તમે પકડાઈ જાઓ છો. મોટીબહેન, તમે ખરેખર ગભરાઈ ગયાં છો. નહીં તો આવા ફાલતુ સવાલો ન કરો. ચાલો જવા દો. આજે ચા નથી પીવી. નાસ્તો પણ નથી કરવો. ને આ પાણી પણ ઊંચેથી જ પીવું છે.’

કાનો પાણી ઊંચેથી પીવા માંડ્યો. એ ઓતરાઈ ગયો. શાંતિને થયું કે પોતે બોલે: 'ગાંડિયા, ગ્લાસ મોઢે માંડને.’ પણ એનાથી બોલાયું જ નહીં. એ સ્વસ્થ થવાનો હજી પ્રયત્ન કરતી હતી ત્યાં તો કાનો બોલ્યો: ‘શું કરું મોટીબહેન ? રવાના થાઉંને ?’

‘હવે તો હદ થાય છે.’ શાંતિને થયું. ‘ઠીક છે. નાનો ભાઈ છે. પહેલેથી હસમુખો છે. ખમી ખાઈએ. પણ ખમવાની હદ હોયને ? એક તો રોગચાળામાંથી આવ્યો છે. ને પાછો ઉપરથી વાતવાતમાં મમરા મૂકે છે. હવે તો જવાબ આપવો જ જોઈએ. ભલે જતો રહેતો. ઓછી ઉપાધિ.’

એણે કહ્યું: ‘તને યોગ્ય લાગે તેમ કર. હું શું કહું? મને તો ભાઈ, મનમાં એવું કશું નથી. તારા મનની વાત તું જાણે.’

‘યે બાત હૈ.’ કાનાએ ફિલ્મી સ્ટાઈલ શરૂ કરી. સોફા પર ધબ દઈને બેસતાં એણે કહ્યું: ‘આમ તો મોટીબહેન, હું પાણી પીને નીકળી જ જવાનો હતો. પણ હવે થાય છે કે, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે જવાનો પણ કશો અર્થ નથી. જેટલાં જંતુઓ ફેલાવાનાં હતાં એટલાં તો ફેલાઈ ગયાં હશે. આ ઓરડામાં...બાથરૂમમાં...અરે! મોટીબહેન, તમને મારા શરીર પર ક્યાંય પ્લેગનાં જંતુ ચોંટેલાં દેખાય છે ખરાં?’

‘જો કાના, તારે સીધી વાત કરવી હોય તો કર. નહિ તો ચૂપ બેસ. હું ક્યારની કશું બોલતી નથી. એટલે...’ શાંતિ આગળ બોલી શકી નહિ. એનું ગળું રૂંધાતું હતું. એની આંખોમાંથી આંસુ દદડવાની અણી પર હતાં.

“ઓહ! આઈ એમ વેરી સૉરી મોટીબહેન. મારો કહેવાનો મતલબ એમ હતો કે મને કકડીને ભૂખ લાગી છે. ચા સાથે થોડો નાસ્તો હશે તો મજા આવશે.’ કાનો તાળી પાડીને ઊભો થયો. ફ્રીજ પર પડેલી ટેટ્રઆસાઈકિલન દવાનું પેકેટ હાથમાં લઈને બોલ્યો: ‘મોટીબહેન, નાસ્તાની ડિશમાં થોડીક આ દવા પણ મૂકી દેશો તો ચાલશે.’

હવે શાંતિને ખરેખરું હસવું આવ્યું. ‘જવા દેને. તારા જીજાજી કેટલીય લાગવગ લગાવીને લઈ આવ્યા. અમે તો રોજ ત્રણ ત્રણ વખત લેવા પણ માંડેલાં. ત્યાં તો છાપામાં આવ્યું કે, કોઈ વગર જોઈતી દવા લેશો નહિ.’

શાંતિએ પોતાનાં આંસુ લૂછી નાંખ્યાં.

‘અરે મોટીબહેન, તમે તો ઠીક પણ અશોકકુમાર પણ આટલા હોશિયાર થઈને વગર બીમારીએ આવી ભારે દવા ખાવા માંડ્યા ? આવવા દો એમને મારી સામે. ધૂળ ન કાઢી નાંખું તો મારું નામ કાનો નહિ.’

‘બીક તો બીમારીથીય મોટી છે ભઈલા. સુરતમાં જ્યારથી બીમારી ફેલાણી છે ત્યારથી, તુ નહિ માને કાના, તારા જીજાજી પણ શાંતિથી બેઠા નથી. સોસાઇટીનાં લોકોને એમણે જ ભેગા કર્યા. પૈસા ઉઘરાવ્યા. ખાડા પુરાવ્યા. કેટલીય દવા છંટાવી.’

‘એ તો મને સોસાઇટીમાં પગ મૂકતાની સાથે જ ખ્યાલ આવી ગયો. પણ મોટીબહેન, સંદીપ કેમ દેખાતો નથી?’

‘રમવા ગયો છે.’ શાંતિએ જવાબ આપ્યો ને ફરીથી મનમાં ભગવાનને પ્રાર્થના કરવા માંડી: ‘હેં પ્રભુ, સંદીપને રમવા દેજે. ઘેર જલ્દી આવે નહિ એવું કરજે. એ તો છોકરું છે. પણ આ કાનો તો નાના છોકરામાંથીય જાય એવો છે.’

‘પણ કાના, તુ સુરત કેમ ગયો હતો?’ શાંતિએ પૂછ્યું.

‘જવા દો ને મોટીબહેન, જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. નહોતું જવું...નહોતું જવું ને જવાઈ ગયું. બાકી, ધંધામાંથી જરાય નવરા થવાય એવું નહોતું. પણ...’

‘પણ તુ સુરત ગયો'તો ક્યારે એ તો કહે.’

‘પ્લેગનું ભોપાળું બહાર પડ્યું એના આગલા દિવસે જ. મારા સાળાએ ઘર ઉપર માળ લીધેલો એટલે કેટલાય દિવસોથી તેડાવતો'તો. મેં કહ્યું કે ભાઈ, આ બધા તો પૈસાના ખેલ છે. તેં માળ લીધો એ જોઈને હું શું કરું? પણ મોટીબહેન, ન જાઉં તો બિચારાને ખોટું લાગે. એટલે ગયો ને ફસાયો. હું સુરત ગયો ને લોકો સુરતની બહાર.’

‘તારે પણ નીકળી જવું'તુને.’

‘હું નીકળવા તૈયાર થયો પણ મને નીકળવા ન દીધો. એ લોકોએ કહ્યું કે આવ્યા છો તો નિરાંતે રહોને. બીકના માર્યા ભાગો છો શું? મેં કહ્યું કે બીવે છે કોણ? આ રોકાયા લે.’

‘તે ત્યારથી આજ સુધી તુ સુરત રોકાણો?’

‘હા વળી. બીજું શું થાય?’

‘તુ ને તારો સાળો એક નંબરના મૂરખ છો.’ શાંતિએ ઠપકો આપવાનું શરૂ કર્યું.

પણ, એની મનની મનમાં જ રહી ગઈ. સંદીપ રમીને ઘરમાં આવ્યો ને કાનાને જોઈને જ એના ગળે વળગી પડ્યો.

‘મામા, ક્યારે આવ્યા?’ એણે પૂછ્યું.

‘ક્યારના આવ્યા છે.’ શાંતિ બોલી.

કાનો તો સંદીપના ગાલે બચી પર બચી ભરવા માંડ્યો. શાંતિ ધ્રૂજી ગઈ. એને ગુસ્સો તો એટલો બધો આવ્યો કે કાનાના હાથમાંથી સંદીપને આંચકી લેવા આગળ વધી. પણ, એણે પોતાના મન પર કાબુ મેળવી લીધો.

એણે સંદીપનો હાથ પકડીને કહ્યું: ‘ચાલ, બહારથી આવીને હાથપગ ધોવા નથી જવું?’

‘ભુલાઈ ગયું. મમ્મી’ સંદીપે કહ્યું. ને પછી બાથરૂમ તરફ જતાં જતાં કાનાને કહેતો ગયો, ‘મામા, હું હાથપગ ધોઈને આવું. પછી આપણે કેરમ રમીએ.’

‘ના સંદીપ, મારે તો હમણાં જવું છે. આપણે પછી ક્યારેક રમીશું.’

‘નહીં. મામા. હું તમને નહિ જવા દઉં. મમ્મી, તુ મામાને જવા નહિ દેતી.’

‘ભલે.’ શાંતિ બોલી. એ છોભીલી પડી ગઈ. પોતે કાનો જલ્દી જાય તેમ વિચારતી હતી જ્યારે સંદીપ એને રોકવા માટે હઠ કરતો હતો. ‘બાળકને ક્યાં વિકાર હોય છે! ને બાળક જેવું થવું ક્યાં સહેલું છે?’ એ મનમાં બોલી.

સંદીપ હાથપગ ધોઈને બાથરૂમની બહાર આવ્યો. શાંતિએ મામા-ભાણીયાને ચાનાસ્તો આપ્યાં. ચાનાસ્તો કરીને બંને જણા કેરમ રમવા બેઠા. શાંતિને હવે ભાભી અને ભત્રીજીની ખબર પૂછવાનું સાંભર્યું. કાનાએ ટૂંકા ટૂંકા જવાબો આપ્યા. એનો જીવ કેરમમાં પરોવાઈ ગયો હતો.

... પરંતુ શાંતિના જીવને નિરાંત નહોતી. ‘કાનો સાજોસમો તો હશેને? આટલા દિવસો સુરતમાં રોકાણો છે તો એને રોગનાં જંતુઓ તો નહિ વળગ્યાં હોયને? ચેક કરાવીને આવ્યો હોય તો સારું. ચેક તો કરાવ્યું જ હશેને? સુરતથી આવનારાં બધાંની તપાસ તો થાય છે. પણ તો તો એ વાત ન કરે! ભલું પૂછવું એનું! એ તો તપાસ કરાવ્યા વગર ઘૂસી જાય એવો છે. જૂઠું બોલવામાં પાછો પડે એવો નથી. એના જીજાજી આવે ત્યારે વાત કરવી કે નહિ? કરવી તો પડશેને? સંદીપ કહ્યા વગર રહેવાનો નથી કે- મારા મામા આવ્યા'તા. કાનો તો ભલો હશે તો રોકાઈ જશે. એ એના જીજાજીનો અસલ સ્વભાવ જાણતો નથી ને પડ્યો રહેશે. સાંભળવું મારે પડશે. કાનો સુરતથી આવ્યો છે એવું જાણશે તો એ કાનાને એક પળ માટે પણ ઊભો રહેવા નહિ દે. હે ભગવાન! આજે તેં શું ધાર્યું છે?’

..અને કાનો એકદમ જ ઊભો થઈ ગયો. ‘અચ્છા તો હમ ચલતે હૈ’ કહીને એણે પોતાની સુટકેશ હાથમાં લીધી. સંદીપને તેડીને વહાલ કર્યું. ‘આવજો મોટીબહેન.’ કહીને ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો.

'એકદમ કાનાને શું થયું? શાંતિ ડઘાઈ ગઈ. ‘આવજે’ સિવાય એનાથી બીજું કશું જ બોલાયું નહિ. સંદીપને તો મામા જતા રહ્યા તે જરાય ગમ્યું નહિ. એ રડવા જેવો થઈ ગયો.

શાંતિએ નિરાંતનો શ્વાસ લીધો.

એણે ઘડિયાળમાં જોયું તો સાડાદશ થયા હતા. કચરાપોતાં કરીને બાઈ તો, કાનો આવ્યો એ વખતે જ જતી રહી હતી. હવે તો બધું કાલે થાય.

‘ના..ના’ શાંતિના મનમાં વિચારો ધડાધડ દોડવા લાગ્યા... એક આખો દિવસ ને આખી રાત! આટલી બધી રાહ ન જોવાય. અશોક તો બે વાગે જમવા આવશે. થોડી ઉતાવળ કરવી પડશે પણ બધું પતી જશે. સફાઈ તો કરવી જ પડશે. અશોકને તો ઠીક, પણ મને પોતાનેય ત્યાં સુધી ઉબકા આવ્યા કરશે. ચક્કર ચડ્યા કરશે. માથું દુ:ખ્યા કરશે. શરીર ગરમ લાગ્યા કરશે. એના કરતાં જેમ બને તેમ જલ્દી બધું સાફ કરી નાંખું. કરવું જ જોઈએ.’

શાંતિ ઊભી થઈ. પલંગ પરની ચાદરો, ઓશીકાંનાં કવર, કાનાએ હાથ લૂછ્યા હતા એ નેપકિન, બધું જ બાથરૂમમાં ફેંક્યું. સંદીપનાં કપડાં બદલાવી નાંખ્યાં. સંદીપે પહેર્યાં હતાં એ કપડાં પણ ધોવામાં નાખ્યાં.

સંદીપને રમવા મોકલી દીધો. પછી દવાનો પંપ હાથમાં લીધો. મોઢા પર રૂમાલ બાંધ્યો. એણે દવા છાંટવી શરૂ કરી. કપડાં પર, અંદરનાં ઓરડામાં, બેઠકરૂમમાં..

ને ત્યાં તો…

‘મોટીબહેન, આવું કે?’ કાનાનો જ અવાજ!!

શાંતિને થયું કે પોતે પંપ જલ્દીથી સંતાડી દે. પણ કાનો તો બારણામાં આવીને ઊભો રહી ગયો હતો. હવે તો બચાવ કરવો પણ નકામો હતો. છતાંય એ બોલવા ગઈ કે: ‘હમણાં મચ્છર બહુ થઈ ગયાં છે.’ ત્યાં તો કાનો જ બોલ્યો: ‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ. મોટીબહેન, હું મારાં ગોગલ્સ બાથરૂમમાં ભૂલી ગયો છું. એક જ મિનિટમાં લઈ આવું.’

કાનો બૂટ કાઢીને બાથરૂમ તરફ દોડ્યો. ઝડપથી પાછો ફર્યો અને બૂટ પહેરતાં બોલ્યો: ‘હવે તમે બરાબર દવા છાંટો. બધું વાતાવરણ જંતુમુક્ત કરો. પછી સરસ મજાની રસોઈ બનાવો એટલે હું અને મારા જજાજી આવીને સાથે જમીશું.’

શાંતિ કાના તરફ જોઈ રહી. ‘આ મૂરખને શું કહેવું?’ એ વિચારવા લાગી...એને શબ્દો મળ્યા નહિ. પણ, એની આંખોને વ્યક્ત કરવા માટે નારાજગી મળી. એના ચહેરા પરનું લખાણ કોઈપણ વાંચી શકે તેમ હતું. કાનો પણ!

છતાં ય કાનો તો જાણે સાવ નફ્ફટ! ‘મોટીબહેન, તમે તો જાણો જ છો ને કે મને શાનું શાક વધારે ભાવે છે? ને તમારા હાથની દાળ તો તપેલીમોઢે પીવાનો છું. ઓકે. ઠીક દો બજે હમ આતે હૈ.’

શાંતિને થયું કે- ‘છુટ્ટો પંપ જ મારું. એક તો સુરતના રોગચાળામાથી આવ્યો છે ને પાછો ખોટા મસ્કા મારીને રોકાવાની વાત કરે છે.’

‘બાઝીગ..ર મૈ બાઝીગર’ ગીત ગણગણતો કાનો ચાલતો થયો. ઝાંપે પહોંચ્યો ને પાછો ફર્યો.

‘હવે શું છે?’ શાંતિએ ગુસ્સામાં પૂછ્યું.

‘મોટીબહેન, હું તો માત્ર એટલું જ કહેવા પાછો ફર્યો છું કે તમે ગભરાતાં નહિ. હું સુરતથી નથી આવ્યો. સુરત હું ગયો જ નથી. સુરતથી મારે ત્યાં પણ કોઈ આવ્યું નથી. હું તો રાજકોટથી સીધો જ આવ્યો છું. અહીં થોડું કામ હતું તે પતાવવાનું છે. બપોરે મારા જીજાજીની સાથે બેસીને જમીશ. ઓકે... આઈ એમ ગોઈંગ.’ કાનો ધડાધડ બોલી ગયો ને દરવાજે પહોંચી પણ ગયો.

કાનાએ દરવાજેથી ફરી બૂમ પાડી: ‘મોટીબહેન, સૉરી ફોર મજાક.’

ને શાંતિએ મીઠા ગુસ્સા સાથે પંપ ઉગામ્યો.

[સમાપ્ત]