આંસુડે ચિતર્યા ગગન ૬
કાગળ પોસ્ટ કરીને હું પાછો આવતો હતો ત્યાં નરભેશંકરકાકા સામે મળ્યા.
‘અરે અંશ ! બાલુમામા ઘરે છે?’
મેં કહ્યું ‘હા . શું કામ હતું? ’
‘કહેજે કે સાંજે હું આવું છું.’
‘ભલે.’
નરભેશંકરકાકાને જોઈને અર્ચના યાદ આવી ગઈ. નમણી હતી નહીં? અળવીતરા મને પ્રશ્ન કર્યો. ખુલાસો કેમ કર્યો – કેવો ખુલાસો? હું મારા મનને પ્રશ્ન પૂછતો હતો – કેમ – કંઈ આડુંઅવળું બોલાયું હોય તો ક્ષમા… હું મૂડી છું, ફેંકુ નહીં… હું મનોમન મલકી પડ્યો. ફરીથી દિવ્યા જેવું કોઈક પકડી ન પાડે તે હેતુથી મારા મલકાટને મેં દાબી દીધો… ખરું થાય છે… આ મનને શું સૂજ્યું છે કંઈ જ સમજાતું નથી… અંદર અંદર મારો મલકાટ ઊતરી રહ્યો હતો… ધીમું ધીમું કંઈક હૃદયમાં થતું હતું… સરસ્વતી નદીના કિનારે નીકળી પડ્યો…‘’
નદીના તટ ઉપર ફરતો ફરતો હૃદયમાં ઊઠતી વાંઝણી લાગણીઓ પર કાબૂ રાખવા મથી રહ્યો હતો. જે લાગણીનું જન્મવું જેટલું સહજ હતું તેટલું ટકવું અઘરું હતું. મનની લાગણી ઓળખવા પ્રયત્ન કરતો હતો…. આવું તો કદી થયું જ નહોતું… આવું એટલે કેવું? મનના પ્રશ્નને ફરીથી મન જ જવાબ આપતું કે આવું એટલે આવુ… આવું એટલે કેવું? આવું એટલે ન સમજાય તેવું ભીનું ભીનું ઝાકળબિંદુ જેવું ઝબક્યા કરતું મીઠું મીઠું ગમતુ ગમતું સ્ફટિક જેવું કશુંક કશુંક.
આ કશુંક કશુંક શું છે… આ નદીનું પાણી… પાણીમાં ઉઠતા તરંગો… તરંગોને કિનારો મળે તે પહેલા વહેણ માં ગુમ થઈ જતું કશુંક… કશુંક… શું છે એ કશુંક… કશુંક… દેવચકલીનો ચહેચહાટ… સૂર્યનો તડકો રેતીનો પટ… શેવાળાચ્છાદિત નદીનો છીછરો પટ… કિનારા પર ઊગેલ જંગલી ઝાડની સૂકાઈ ગયેલી ડાળી… ઠંડી ઠંડી હવા… બધામાં કશુંક કશુંક દેખાતું હતું… શું હતું એ કશુંક કશુંક?
એ કશુંક કશુંકના દરેક વિચારોનું વર્તુળ કેંદ્રમાં સમાઈ ગયું અને મોં વાંકું કરીને કહેતી અર્ચના મનોમસ્તિષ્કમાં ડહોળાઈ ગઈ. ‘ ચલ હટ ’. હું બબડી ઊઠ્યો…
ત્યાં જ ખબર પડી કે લાલ કમીઝ પહેરીને કોઈક સામે એને બોલાવી રહ્યું છે. હૃદય સહેજમાં ધબકી ગયું… કોણ હશે? કદાચ ભ્રમ… ત્યાં કોઈ જ નહોતું… હૃદય દ્રવી ઊઠ્યું. બસની સફર યાદ આવી ગઈ… તેના વાળમાં ખોસેલ મોગરાની સુગંધ યાદ આવી ગઈ… બસની ચહલ પહલથી થતો આછેરો સ્પર્શ યાદ આવી ગયો… બેસ્ટલક યાદ આવી ગયા… પછી થયું… અર્ચુ, તું પણ સાથે જ ભણવામાં હોય તો કેવું સારું?
મનમાં થયું કે મને જેવું થાય છે એવું એને પણ થતું હશે? એને પણ મારી જેમ આ પ્રસંગો યાદ આવતા હશે? એને પણ અંદર અંદર હૃદયમાં ભીનું ભીનું, ધીમું ધીમું કંઈક થતું હશે? શી ખબર? નિસાસા સાથે વિચારવલયનું વમળ વિસ્તરતું ગયું…
શી ખબર ? અને શું થતું હશે…. પણ ફરીથી કદીક જો એ મળશે તો જરૂર એને હું કહીશ… અર્ચના… તારા વિચારો મને કેમ પરિતાપે છે… તારી યાદથી મને હૃદયમાં ધીમું ધીમું ભીનું ભીનું કશુંક થાય છે તે શું છે હેં? એનો શું જવાબ હશે?
એને પણ જો એવું ધીમું ધીમું ભીનું ભીનું કશુંક થતું હશે? થતું હોય તો શું એ એને કહેશે? અંશ તને આ શું થયું છે? કેવા કેવા વિચારો કરે છે? ઓક્ટોપસના આઠ પગોમાં રહેલા દરેક શોષણ કેન્દ્રો જેમ ભક્ષ્યના શરીરનું હાડમાંસ શોષી લે તેને … તેમ અર્ચના તારા વિચારો મારા સમગ્ર મસ્તિષ્કને શોષે છે… અર્ચના … તને એની ખબર છે?
ફરીથી પ્રશ્ન ઊઠ્યો શી ખબર ?
બહુ હેરાન કરે છે તારા વિચારો… અર્ચના તને કેમ કરીને હું સમજાવું ?
અચાનક થયું કે હું ખૂબ દૂર નીકળી ગયો છું. દૂર મહાદેવના મંદિરમાં આવતા મધુર આરતીના શ્લોક અને ઘંટારવની સાંભળતા થયું કે… વળી મોડું પણ ખાસ્સુ થયું છે…. ચાલ જીવ પાછો વળ…
ઘરે પહોંચ્યો ત્યાં મામાએ બોલાવ્યો …
‘અંશ ! ’
‘હા મામા !’
‘નરભેશંકરકાકા મળ્યા’તા ?’
‘હા , અને અત્યારે આવવાના છે.’
‘આવીને ગયા. ’
‘……………..’
‘તારા બાપાના ખાસ મિત્ર…’
‘હં ! ’
‘સ્વાતંત્ર્ય સેનાનીનો ખિતાબ મળવાનો છે.’
‘હં !’
‘તારા બાપાનો પણ એ ખિતાબ તારે લેવા જવાનું છે.’
‘મારે કેમ?’
‘કારણ કે તું સ્કાઉટ છે.’
‘પણ તેથી શું?’
‘દેશપ્રેમની ભાવનાવાળો તરવરીયો જુવાન એ લે તો કેટલું ઉચિત કહેવાય…?’
શું બોલવું એ ન સૂઝતા હું ચૂપ રહ્યો…
‘અને હા… થોડું સોનું કાઢીને સ્વર્ણબોન્ડ લેવાનું પણ તે સમજાવતા હતા… શું કરીશ… શેષના ખબર નથી અને હું ગુંચવાઉં છું.’
‘દેશની હાકલ પડે એટલે એ દિશામાં વિચારવાનું જ.’
‘ભલે , જોઇશું.’
‘અને હા, એમના બનેવી અમદાવાદમાં જજ છે. તે ચિઠ્ઠી પણ આપીને ગયા છે. શેષને માટે ગવર્ન્મેન્ટની નોકરીની સિફારસ કરી છે. અને તારે માટે પણ કહ્યું છે અમદાવાદમાં ક્યારેક જરૂર પડે… તેથી સરનામું અને ફોન નંબર લઈ રાખ્યો છે. નોંધી લે.
મારું હૃદય જોરથી ધડકી ગયું.
જગન્નાથ ભવાનીશંકર વ્યાસ, ૧૨, ભરત સોસાયટી, મીઠાખળી,નવરંગપુરા…
કેવો જોગાનુજોગ… જેને વિચારતો હતો… તેનું સરનામું ફોન બધું હાથમાં હતું… પણ ખરેખર શું એને બધું થતું હશે ખરું? જે મને થાય છે?
રાતની નિંદર વેરણ થઈ ગઈ… પ્રશ્નાર્થ અટકીને પૂર્ણવિરામ બને તે પહેલા પ્રભાતના પ્રહરીએ બાંગ પોકારી……