કોફી હાઉસ પાર્ટ – 34
વિષય – લવ સ્ટોરી
રૂપેશ ગોકાણી
(આપણે અગાઉના પ્રકરણમાં જોયુ કે પ્રેય જુની યાદોને વીસરી જઇ નવા દિવસની એક નવીન રીતે જ સરૂઆત કરે છે અને કોફીહાઉસને એક અલગ જ રીતે સજાવે છે. કોફીહાઉસનુ જીવંત વાતાવરણ ગ્રાહકોને આપમેળે આકર્ષી લે છે અને કાલે રાત્રે જે ગૃપ તળાવની પાળે બેઠુ હતુ તે ત્યાં આવી ચડે છે અને પ્રેય તે લોકોને તેની ગાયકીથી મંત્રમુગ્ધ કરી દે છે, હવે ચાલો આગળ વાંચીએ....)
“હાઉ મચ?”
“જસ્ટ ૫૧૦/-“ “ઓ.કે., ધ ટેસ્ટ ઓફ કોફી એન્ડ સ્નેક્સ ઇઝ વેરી ફાઇન.” ગૃપમાંથી એક ગોરી લેડીએ વખાણ કરતા કહ્યુ. “થેન્ક્સ અ લોટ મેડમ.” “ટેસ્ટ અને સાથે સાથે તમારુ સોંગ સાંભળીને તો ઓર આનંદ આવી ગયો. હવે તો એક વીક અહી જ રોકાયા છીએ તો દરરોજ અહી જ આવીશું બ્રેકફાસ્ટ માટે.” “મોસ્ટ વેલકમ યુ ઓલ. બાય ધ વે વોટ ઇઝ યોર નેઇમ એન્ડૅ વ્હેર આર યુ ફ્રોમ?” “માય નેઇમ ઇઝ શ્યામા. મુલ વતન તો ગુજરાત જ છે પણ છેલ્લા પંદર વર્ષથી અમેરીકા શેટલ્ડ છું.” “આઇ એમ પ્રવીણ, નાઇસ ટુ મીટ યુ.” કહેતા પ્રવીણે શ્યામા સાથે શેક-હેન્ડ કર્યા. ત્યાર બાદ બધાનો પરિચય પ્રવીણે મેળવી લીધો. એક જ મુલાકાતમાં જાણે પ્રવીણ પણ તેની સાથે હળીમળી ગયો હોય તેવુ લાગ્યુ. “એક્સક્યુઝ મી, શ્યામાજી.” “યસ.” એકવખત તમારી ફ્રેન્ડ માન્યતાને તો અહી મારા કોફીહાઉસમાં સાથે લેતા આવજો. તેમના સુરનો તો હું ફેન બની ગયો છું. વિચાર છે એકાદ બે ગીત તેમના કંઠે હું રેકોર્ડ કરી રાખુ. એક વીક બાદ તમે અહીથી જતા રહેશો ત્યારે એ ગીત સાંભળીને તમને યાદ કરીશ.” “હા શ્યોર, કાલે જરૂર સાથે લાવીશ માન્યતાને. બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ.” કહેતી શ્યામા તેના ગ્રુપ સાથે નીકળી ગઇ. પ્રવીણ તે લોકોને બસ તાકતો જ રહ્યો.
***
“વાહ અંકલ, તમારુ કોફીહાઉસ તો આજે ઝગમગી રહ્યુ છે.” પાર્થ વ્રજેશ શિલ્પા આખી કોલેજીયન ટોળકીએ આવતા જ વખાણ કરવાનુ શરૂ કરી દીધુ. “અરે, છોકરાઓ, આવો આવો. ઘણા સમયે આવ્યા તમે તો. મને ભૂલી જ ગયા હતા કે શું?” “નહી અંકલ, હમણા કોલેજમાં મીડ ટર્મ એક્ઝામ હતી તો વાંચવામાં પડ્યા હતા. આજે જ પરીક્ષા પુરી કરી અને તમને મળવા આવી ગયા.” વ્રજેશે કહ્યુ. “સારૂ સારૂ તમે આવ્યા. ચાલો આજે તો તમારા બધા દાદાને બોલાવું. મજા આવશે. ઘણા સમયે આપણે બધા સાથે એકઠા થશું. ખુબ મજા આવશે.”
“હાસ્તો અંકલ. કરો કરો કોલ દાદાને.” પ્રવીણે હરદાસભાઇ અને ઓઝાસાહેબને બધાને ફોન કરી તેડાવી લીધા. થૉડી જ વારમાં બધા ડોસલા કોફીહાઉસ પહોંચી ગયા. “ઓ તારી દાહળા, આ પ્રવીણ્યાનું જ કોફીહાઉસ છે કે?” ઓઝાસાહેબે કોફીહાઉસનો નજારો જોતા કહ્યુ. “હા ઓઝા, આજે તો મને પણ મારી આંખો પર વિશ્વાસ આવતો નથી કે આ આપણા જ દેવદાસ પ્રેયનું કોફીહાઉસ છે કે કેમ?” કોફીહાઉસનો સાંજનો નજારો જ કાંઇક અલગ હતો. સાંજ ઢળી ચુકી હતી માટે કોફીહાઉસના એન્ટ્રન્સની રોશની ચાલુ થઇ ચુકી હતી. ફુવારા પણ લાઇટીંગથી શોભી ઉઠ્યા હતા. કાંચમાંથી જ અંદરનો નજારો દેખાઇ રહ્યો હતો. હોલમાં વચ્ચે જ ટાંગેલુ ઝુમ્મર કે જેના પર ધુળ જામી ગઇ હતી તે આજે આછા પ્રકાશે ઝળહળી રહ્યુ હતુ. વેઇટર્સ સુસંસ્કૃત પહેરવેશમાં ગ્રાહકોને હેન્ડલ કરી રહ્યા હતા અને દૂરથી દેખાતો પ્રવીણ પણ આજે તેના જુના લુકમાં લાગતો હતો. વ્યવસ્થિત પહેરવેશ અને ચહેરા પર લાખોની હસી જોઇને ઓઝાસાહેબ અને બધા દિગ્મુઢ બની ગયા. “અરે પ્રવીણ્યા, આ બધુ શું છે? કોઇએ તારા પર જાદુની છડી ફેરવી નાખી કે શું?” “કાંઇક એવુ જ સમજો કાકા. તમને ગમ્યુ કે નહી?” “બહુ જ ગમ્યુ મારા દિકરા. જીવતો રહેજે અને આમ જ તારી આ મુશ્કાનને કોઇ દિવસ તારા ચહેરા પરથી દૂર થવા ને દે’જે.” “હાસ્તો કાકા, પણ આ મુશ્કાન આમ જ ટકી રહે એ માટે તમારે બધાએ દરરોજ અહી આવવું પડશે, નહી તો પહેલાની જેમ જ દેવદાસ બનીને બેઠો રહેવાનો છું.” “અરે ના બાપા ના, એ તારો સાધુ જેવો દેખાવ જોવો તેના કરતા તો દિવસમાં બે વખત અહી આવીને તારી માથે પડવાના અમે બધા.” ઓઝાસાહેબનો બોલવાનો લટકો જોઇ બધા ખીલખીલાટ હસી પડ્યા. “હવે કોફીનું શું છે? બનાવ તારા હાથની મસાલેદાર કોફી એટલે રંગ આવી જાય.” “હા, બેસો હમણા આ ગયો અને આ આવ્યો કોફી લઇને.” “શું થઇ ગયુ આ પ્રવીણ્યાને? આજે ચંચળતા ઉભરી ઉભરીને બહાર આવી રહી છે તેના માંથી.” પ્રતાપભાઇ પ્રવીણ્યાને જોતા બોલી ગયા. “દાદા, આજે કલા મહોત્સવનુ ઉદ્ઘાટન છે. એક કામ કરીએ તો, આજે આપણે બધા ત્યાં જઇએ તો?” “સારો સુઝાવ છે દિકરા. પ્રવીણ્યાને પણ લેતા જશું.” “હા શ્યોર. હું પાપાને કહીને આપણા બધાની ટિકીટનો બંદોબસ્ત કરાવું છું. એક્સક્યુઝ મી.” કહેતો પાર્થ તેના પાપાને કોલ કરવા જરા બહાર નીકળી ગયો. બધા સાથે બેસીને કોફીની લિજ્જત માણતા વાતોએ ચડી ગયા. ઘણા દિવસે આખી ટીમ ભેગી થઇ હતી તે વાતોમાં ને વાતોમાં બે કલાક ક્યાં નીકળી ગઇ તેની કોઇને ખબર જ ન રહી. બધા જમ્યા વિનાના બેઠા છે તેનુ પણ કોઇને ભાન રહ્યુ નહી.
રાત્રે આઠ વાગ્યે ફરી કોફીહાઉસમાં જ મળવાનુ વિચારી બધા બપોરે ત્રણ વાગ્યે છુટા પડ્યા.
પ્રવીણ પણ ઘણા સમયથી ચેનની ઊંઘ ઊંગ્યો ન હતો તેથી તે મહેતાભાઇને કહીને ઉપર આરામ કરવા જતો રહ્યો.
***
આ પ્રવીણ્યો ડોબો માંડવે આવનારી દુલ્હનની જેમ તૈયાર થાય છે તે આટલી વાર લાગે છે? હમણા આવે, હમણા આવે કહીને છેલ્લી અડધી કલાકથી હેરાન કરે છે.” ઓઝાસાહેબ કકળી ઉઠ્યા. “ઓઝા તુ શાંત થા. આવી જશે. હજુ જુવાની છે તો ભલેને તૈયાર થતો, સાયદ કોઇ છોકરીને આપણો પ્રવીણ્યો ગમી જાય તો તને શું વાંધો છે?” હેમરાજભાઇએ ટીખળ કરી. “હા બહુ આવ્યો તુ ય પ્રવીણ્યાની સાઇડ લેવાવાળો. મુંગો રે હવે નહી તો તારી ટીકીટ ફાડીને ફેકી દઇશ.” “જો આવી ગયો પ્રવીણ્યો.” “ક્યાં ગયો સાલો? હમણા કાન પકડુ એનો.” ઓઝાસાહેબે જોયુ તો કોઇ ન હતુ અને બધા હસી પડ્યા.
“કાકા, જરા આ બાજુ તો જુવો.” શિલ્પાએ કહ્યુ અને બધાનુ ધ્યાન ઉપરથી આવી રહેલા પ્રેય પર પડ્યુ.
શ્વેત રંગનો લાંબો કુર્તો પાયજામો, જેના પર બ્લેક જરદોશી વર્ક ચમકી રહ્યુ હતુ. સાધુ જેવી દાઢીના સ્થાને ટ્રીમ કરેલી વેલ શેપ્ડ દાઢી અને મુંછો. વ્યવસ્થિત કટ થયેલા વાળ. પગમાં રાઠોડી મોજડી, હાથમાં મોંઘીદાટ ઘડિયાલ, ચમક્તો ચહેરો, અને આંગળીઓમાં વ્હાઇટ ગોલ્ડની ચમકતી વીટીઓ અને સૌથી મહત્વની વસ્તુ પ્રેયના ચહેરા પરની મુશ્કાન,જાણે કોઇ રાજકુમાર આવી ન રહ્યો હોય અને સુખડનુ લગાવેલુ પરફ્યુમ વાતાવરણને જીવંત બનાવી રહ્યુ હતુ. બધા એક નજરે પ્રેયને જોઇ જ રહ્યા. ઓઝાસાહેબ પણ બધો ગુસ્સો ગળી ગયા. “ઓ હેલ્લો, શું છે??? પહેલી વાર જોવ છો મને કે શું?” પ્રવીણે બધાની સામે ચપટી વગાડતા પુછ્યુ. “વાઉ અંકલ!!! ગજ્જબના હેન્ડસમ લાગો છો આજે તો. આજે તો કલા મહોત્સવમાં તમે છવાઇ જશો.” શિલ્પાએ કહ્યુ. “પ્રવીણ્યા, તુ ઠીક તો છે કે? આ શું છે? આટલો બદલાવ અને એ પણ ઓચીંતો બદલાવ? કાંઇ સમજમાં જ આવતુ નથી. તુ કહે તો ડોક્ટરને દેખાડી આવીએ???” દાસભાઇએ મજાક કરતા કહ્યુ. “કાકા, તમારી ઇચ્છા આવી જ રીતે મને જોવાની ઇચ્છા હતી કે નહી??? સાચુ કહેજો હો?” “હા દિકરા, બસ હવે તો મોત આવી જાય તો પણ કાંઇ ગમ નથી. તારી ચિંતા હતી, આજે તને આ રીતે જોઇને એ પણ ચિંતા માથેથી હટી ગઇ.” દાસભાઇ ભાવુક બની ગયા. “બસ કર દાહળા, હજુ તો આપણે પ્રવીણ્યાની જાનમાં નાચવાનુ છે, મોજ મસ્તી કરવાની છે. મરે તારા દુશ્મન.” ઓઝાસાહેબે હરદાસભાઇનો ખભો દબાવતા કહ્યુ. “હવે ચાલો જલ્દી. કલા મહોત્સવમાં જવાનુ છે કે અહી જ બેસી રહેવુ છે??? હું તો જાંઉ છું.” કહેતો પ્રેય હાથમાં કારની ચાવી ખડખડાવતો બહારની બાજુ ચાલી નીકળ્યો.
To be continued….